Showing posts with label મનોહરી સીંઘ. Show all posts
Showing posts with label મનોહરી સીંઘ. Show all posts

Wednesday, July 13, 2011

મનોહરી સીંઘની વિદાયનું એક વરસ:ગાતા રહે મેરા દિલ


હિંદી ફિલ્મમાં સંગીતકારોના પ્રદાનનો ઉલ્લેખ અવારનવાર થતો રહે છે અને તેમના સંગીત, શૈલી વગેરેની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ જે તે સંગીતકાર સાથે સંકળાયેલા વિવિધ વાદ્યો વગાડનાર વાદકો વિષે ભાગ્યે જ કશી વાત જાણવા મળે છે. કોઈ પણ સંગીતકાર તેમના વાદકો વિના સંપૂર્ણ બની શકતા નથી. આમ છતાંય આવા વાદકોના પ્રદાનની નોંધ તો ઠીક, તેનો ઉલ્લેખ પણ માંડ જોવા મળે છે. તાજેતરમાં મુંબઈની સ્વર આલાપ સંસ્થા દ્વારા અનસન્ગ હીરોઝ ( Unsung Heroes) નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં આવા વિવિધ વાદ્યો વગાડતા વાદકો વિષે રસપ્રદ માહિતી કદાચ પહેલવહેલી વાર આપવામાં આવી છે. એ પુસ્તક વિષે વિગતે વાત ફરી ક્યારેક કરીશું.
મનોહરી સીંઘ


આજે આવા જ એક મહત્વના વાદ્યકારની પહેલી વાર્ષિક પુણ્યતિથી છે. ગયા વરસની તેરમી જુલાઈએ 81 વરસની ઉંમરે ચીરવિદાય લેનાર એ વાદ્યકાર એટલે મનોહરી દા તરીકે ઓળખાતા મનોહરી સીંઘ. ૧૯૨૯ની આઠમી માર્ચે કોલકાતામાં જન્મેલા મનોહરી સીંઘનું કુટુંબ મૂળ નેપાળનું હતું. તેમના દાદા કોલકાતામાં આવીને વસ્યા હતા. તેમનું કુટુંબ સંગીતકારોનું હતું. તેમના દાદા ટ્રમ્પેટ વગાડતા. પિતા ભીમબહાદુર સીંઘ બ્રીટીશ યુગમાં પોલીસ બેન્માં ફ્લૂટ અને બેગપાઈપ વગાડતા. મામા પણ સંગીતકાર હતા. આવા માહોલમાં છ વરસની ઉંમરથી જ મનોહરી સીંઘે વિવિધ વાદ્યો પર હાથ અજમાવવા માંડ્યો. શરૂમાં તે ફ્લુટ, ક્લેરીનેટ અને મેન્ડોલીન વગાડતા. તેમના દાદા પ્રોત્સાહન આપતા. તેમના પિતાજીએ મનોહરી સીંઘને નોટેશન વાંચતાં શીખવ્યું. ૧૯૪૨માં મનોહરી સીંઘનો પરિચય તેમના કાકા દ્વારા હંગેરીયન સંગીતકાર જોસેફ ન્યૂમન સાથે થયો. અઠવાડિયે ત્રણ રૂપિયાના પગારે જોસેફના બેન્ડ સાથે એ જોડાયા. જોસેફે તેમને પિયાનો વગાડતાં પણ શીખવ્યો. જોસેફના પિતા ઝાયલોફોન વગાડતા. એમની સાથે સંગીત આપવાનો મોકો પણ મનોહરી સીંઘને એ ઉંમરે મળ્યો. ૧૯૪૫માં જોસેફ એચ.એમ.વી. સ્ટુડિયોમાં જોડાયા ત્યારે સાથે મનોહરી સીંઘ તેમજ તેમના કાકાને પણ લેતા ગયા. ડમડમસ્થિત એચ.એમ.વી. સ્ટુડિયોમાં કમલ દાસગુપ્તા, તિમીરબરન, સચીન દેવ બર્મન જેવા ધુરંધર સંગીતકારના મ્યુઝીક એરેન્જર તરીકે જોસેફ કામ કરતા. આઠેક વરસ અહીં કામ કર્યું એ દરમ્યાન વિવિધ વાદ્યો વગાડવાનો મનોહરી સીંઘને અનુભવ મળ્યો. તે કલકત્તા સિમ્ફની ઓરકેસ્ટ્રા તેમજ એક નાઈટ ક્લબ સાથે પણ સંકળાયેલા અને અહીં જ સેક્સોફોન વગાડવાનું તેમણે શરૂ કરેલું. છએક મહિના  પછી તેમણે બંગાળી ફિલ્મોમાં પણ વાદક તરીકે વગાડવાનો આરંભ કર્યો અને આર.સી.બોરાલ, પંકજ મલિક તેમજ કમલ દાસગુપ્તા જેવા દિગ્ગજોના સંગીતમાં પણ પ્રદાન કર્યું. સલીલ ચૌધરી માટે બંગાળી ફિલ્મમાં તેમણે વગાડ્યું ત્યારે તેમની પ્રતિભા જોઈને સલિલદા રાજી થયા. તેમણે મનોહરી સીંઘને મુંબઈ આવવા માટે સૂચન કર્યું. મનોહરી સીંઘે પોતાના જોડીદાર અને ચેલો તેમજ વાયોલા વગાડતા વાદક બાસુ ચક્રવર્તીને લઈ જવા માટે કહ્યું. જો કે, છેવટે મનોહરી સીંઘ પણ મુંબઈ આવી ગયા. એ વરસ હતું ૧૯૫૮નું. સલીલદાએ તેમનો પરીચય અનેક સંગીતકારો સાથે કરાવ્યો. સચીન દેવ બર્મને ત્યારે સિતારોં સે આગે ફિલ્મનાં ગીતો રેકોર્ડ કરી લીધેલાં, પણ બેકગ્રાઉન્ડ સંગીત બાકી હતું. ત્યારે સચીનદાના સહાયક હતા જયદેવ. મનોહરી સીંઘને તક આપવામાં આવી,જેમાં તેમણે ફ્લૂટ વગાડી. જો કે, તેની ખાસ નોંધ ન લેવાઈ,પણ તેમની પ્રતિભાની પરખ તો સચીનદાને થઈ જ ગઈ.
ત્યાર પછી કાલા પાની (૧૯૫૮) ના અચ્છા જી મૈં હારી પિયામાં મેન્ડોલીન વગાડ્યું. તેમના સહવાદક હતા લક્ષ્મીકાન્ત, જે આગળ જતાં પ્યારેલાલ સાથે જોડી બનાવીને સ્વતંત્ર સંગીત આપવાના હતા. ત્યાર પછી કાલા બાઝાર (૧૯૬૦)ના સચ હુએ સપને મેરે, ઝૂમ લે ઓ મન મેરેમાં તેમણે સેક્સોફોન તેમજ ક્લેરીનેટ વગાડ્યાં. અનિલ બિશ્વાસના મ્યુઝીક એરેન્જર અને સિનીયર સેક્સોફોન પ્લેયર રામસીંગથી મનોહરી સીંઘ ઘણા પ્રભાવિત થયેલા. જો કે, મનોહરી સીંઘને સ્વતંત્રપણે સેક્સોફોન વગાડવાની તક મળી ફિલ્મ લાજવંતી’( ૧૯૫૮)ના ગા મેરે મન ગામાં મળેલી. ઈન્સાન જાગ ઉઠા’(૧૯૫૯)થી એ સચીનદાના મ્યુઝીક એરેન્જર બન્યા અને તેમની અનેક ફિલ્મોમાં મ્યુઝીક એરેન્જ કર્યું.
સચીનદા સિવાયના અન્ય સંગીતકારો સાથે મનોહરી દાએ કામ શરૂ કરેલું. કલ્યાણજી આનંદજીના સંગીતમાં સટ્ટાબાઝાર (૧૯૫૯) માં તેમણે તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે ગીતમાં સેક્સોફોન વગાડ્યું. આ ગીતથી મનોહરી દાનો સિક્કો જામી ગયો. જોતજોતાંમાં ઘણા મોટા સંગીતકારો સાથે મનોહરીદાએ કામ કર્યું.



આરઝૂ’(શંકર જયકિશન) ના બેદર્દી બાલમા તુઝકો મેરા મન યાદ કરતા હૈમાં વિરહની તડપ ઉજાગર કરતા સેક્સોફોનના પીસ, કશ્મીર કી કલી (ઓ.પી. નય્યર) ના હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કામાં ગમગીન માહોલ ઉભું કરતું સેક્સોફોન, વો કૌન થી (મદનમોહન) નું શૌખ નઝર કી બીજલીયાં’, માયા (સલીલ ચૌધરી) નું જા રે, જા રે ઉડ જા રે પંછી’- જેનો આરંભ ફ્લૂટના હળવા સૂરોથી થાય, મુખડા પછી તરત જ ભારે અવાજવાળું સેક્સોફોન આવી જાય અને છતાં જરાય ઝટકો ન અનુભવાય , માય લવ(દાનસીંગ)નું વો તેરે પ્યાર કા ગમ, અમીર ગરીબ’(લક્ષ્મીકાન્ત પ્યારેલાલ) નું મૈં આયા હૂં લેકે સાઝ હાથોં મેં’, વક્ત (રવિ)નું આગે ભી જાને ના તૂ માં સતત ગૂંજતું રહેતું સેક્સોફોન, બહુબેગમ(રોશન) ના દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દેમાં આરંભે અને અંતરામાં વાગતું સેક્સોફોન, વાસના’(ચિત્રગુપ્ત) ના યે પર્બતોં કે દાયરે,યે શામ કા ધુંઆં ના અંતરામાં વાગતું સેક્સોફોન, એ મેરે વતન કે લોગોં (સી.રામચંદ્ર) માં શબ્દોની વચ્ચે હાજરી પૂરાવીને માહોલને ઘેરો કરતી ફ્લૂટ, લીડર (નૌશાદ)ના મુઝે દુનિયાવાલોં શરાબી ના સમજોમાં આરંભે જ મસ્તીનો દોર લાવી દેતું સેક્સોફોન, એક રાત (ઊષા ખન્ના) માં આજ તુમ સે દૂર હોકર ઐસે રોયા મેરા પ્યારમાં મુકેશના અવાજના ઘેરાપણાને વધુ ઉઘાડી આપતો સેક્સોફોનનો પીસ…. આવાં તો કંઈક ગીતો યાદ કરી શકાય. આ ઉપરાંત છેક બપ્પી લાહિરી, હેમંત ભોંસલે જેવા નવી પેઢીના સંગીતકાર સાથે પણ મનોહરી સીંઘ સંકળાયા. ઈલયા રાજા સાથે બે એક તમિલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું.
(ડાબે) મનોહરી સીઘ (જમણે) આર.ડી.બર્મન
જો કે, મનોહરી સીંઘની જોડી ખરેખરી જામી પંચમ સાથે. માત્ર વાદક બની ન રહેતાં મ્યુઝીક એરેન્જરની મહત્વની ભૂમિકા તેમણે આર.ડી.બર્મન માટે ભજવી. રાહુલદેવ બર્મનની છોટે નવાબથી સ્વતંત્ર સંગીતકાર તરીકે શરૂ થયેલી કારકિર્દીથી છેક ૧૯૪૨: અ લવ સ્ટોરી સુધી આ જોડીએ અનેક ગીતોમાં કમાલ સર્જી. સચીન દેવ બર્મન તેમજ રાહુલ દેવ બર્મને સંગીતબદ્ધ કરેલાં ઘણા ગીતોના શબ્દો સાથે મનોહરી દાએ વગાડેલા સેક્સોફોનના સૂર એવા એકરૂપ થઈ ગયા છે કે એ શબ્દો ગણગણીએ એટલે સાથે સેક્સોફોનનો સૂર પણ ગણગણવો જ પડે. આરાધના ફિલ્મના રૂપ તેરા મસ્તાના ગીત આપણે ગણગણતા હોઈએ તો ભૂલ કોઈ હમસે ના હો જાયે પછી સેક્સોફોન મોંએથી વગાડવું જ પડે. ગાઈડના ગાતા રહે મેરા દિલમાં સેક્સોફોનનું ઈન્ટરલ્યૂડ મ્યુઝીક કેવી રીતે ભૂલાય? ઝહરીલા ઈન્સાનના ઓ હંસની,મેરી હંસનીના આરંભે અને ઈન્ટરલ્યૂડ તરીકે વાગતો સેક્સોફોનનો પીસ ગીતનો એક માહોલ ઉભો કરી દે છે! ધ ટ્રેનના ગીત ગુલાબી આંખેં જો તેરી દેખીમાં લલ્લલલા.. પછી વાગતો શરૂઆતનો પીસ અને વચ્ચે વચ્ચે વાગતા નાના ટુકડા, કારવાંના સદાબહાર નશીલા ગીત પિયા તૂ અબ તો આજાના આરંભે વાગતો સેક્સોફોનનો પીસ, જવાની દીવાનીના નહીં નહીં, અભી નહીં, અભી કરો ઈંતજાર ના ઈન્ટરલ્યુડમાં વાગતું સેક્સોફોન, અપના દેશના દુનિયા મેં લોગોં કો, ધોખા કભી હો જાતા હૈમાં ગીતના મૂડને અનુરૂપ વાગતું સેક્સોફોન.... આવાં તો કંઈક ગીતો યાદ આવી જાય. પ્યાર કા મૌસમના તુમ બિન જાઉં કહાંના આરંભે વાગતો મેન્ડોલીનનો પીસ, કટી પતંગના યે શામ મસ્તાનીની શરૂઆતમાં વાગતી સીટી.. આ કમાલ હતી મનોહરી સીંઘની. રાહુલ દેવ બર્મને બહુ યોગ્ય રીતે જ મનોહરી સીંઘને પોતાની મોટી ઉપલબ્ધિ તરીકે ગણાવ્યા હતા.
ન્યૂયોર્કથી ખરીદેલું સેલ્મર કંપનીનું ગોલ્ડ પ્લેટેડ સેક્સોફોન તેમને અતિ પ્રિય હતું એમ કહેવાય છે. સેક્સોફોનના સપ્તકની તીવ્રતા મુજબ તેના ત્રણ મુખ્ય પ્રકાર છે: આલ્ટો (alto) , સોપ્રેનો(soprano) અને ટેનર (tenor). મનોહરી દા ત્રણેય પ્રકારનાં સેક્સોફોન સહજતાથી વગાડી શકતા. જો કે, તેમને સૌથી પ્રિય હતું આલ્ટો પ્રકારનું સેક્સોફોન. 
ફિલ્મ: સબસે બડા રૂપૈયા
બાસુ ચક્રવર્તી સાથે જોડી બનાવીને બાસુ-મનોહરીના નામે તેમણે સ્વતંત્ર સંગીત પણ સબસે બડા રૂપૈયા (૧૯૭૬), કન્હૈયા (૧૯૮૦), ચટપટી’(૧૯૮૨), 'જીના હૈ પ્યાર મેં' (૧૯૮૩) માં આપેલું.(અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરાને ચમકાવતી બ્લફ માસ્ટરના ટાઈટલમાં સબસે બડા રૂપૈયાનું ના બીબી,ના બચ્ચા શબ્દશ, ધૂનશ: વાપરવામાં આવેલું.) ચલતે ચલતે (૨૦૦૩), વીર ઝારા (૨૦૦૪) જેવી ફિલ્મોના સંગીત સાથે પણ તે સંકળાયેલા. છેવટ સુધી તે સક્રિય રહ્યા હતા અને અવારનવાર જાહેર કાર્યક્રમોમાં પણ દેખાતા. તેમના સેક્સોફોનવાદનના સ્ટેજ શો પણ થતા હતા અને લોકો તેમનું સેક્સોફોનવાદન માણતા. સેક્સોફોન પર તેમણે વગાડેલાં ગીતોની ધૂનોનું આલ્બમ સેક્સ અપીલ (Sax appeal) પણ બહાર પડ્યું હતું.


(ધ હોલ થીંગ ઇઝ ધેટ ફિલ્મ: સબસે બડા રૂપૈયા, સંગીત: બાસુ-મનોહરી)


                                 

 (એક શો માટે રીહર્સલ કરતા મનોહરી સીંઘ)



( મનોહરી સીંઘને સેક્સોફોન તેમજ ફ્લૂટ વગાડતા જોવા માટે ક્લીક કરો.)

લગભગ સાડા ચાર દાયકાની પ્રલંબ કારકિર્દી પછી મનોહરી સીંઘના સેક્સોફોનના સૂર શાંત ભલે થયા, પણ આપણા મનમાંથી એ શી રીતે વિસરાય? એ તો સદાય ગૂંજતાં રહેવાનાં, કેમ કે આપણા જીવનનો જ એ હિસ્સો બની ગયા છે. કોઈ પણ ગીતમાં સેક્સોફોન વાગતું સંભળાય એટલે એ વગાડી રહેલા મનોહરીસીંઘનો ચહેરો આપોઆપ નજર સામે આવી જાય છે.
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)


(નોંધ: મનોહરી દાએ સેક્સોફોન વગાડ્યું હોય એવાં ગીતોની લીન્ક મૂકવાની લાલચ જાણીજોઈને ખાળી છે. ફક્ત અહીં ઉલ્લેખ કર્યો છે એ ગીતોને યાદ કરતાંની સાથે જ શબ્દોની સાથે સાથે સેક્સોફોનના સૂર પણ ગૂંજવા લાગશે એ નક્કી.)