Showing posts with label Paresh Prajapati. Show all posts
Showing posts with label Paresh Prajapati. Show all posts

Wednesday, May 21, 2025

વો જબ યાદ આયે...

- પરેશ પ્રજાપતિ 

(રજનીકુમાર પંડ્યાના અવસાન પછી મિત્ર પરેશ પ્રજાપતિએ તેમની સાથેનાં પોતાનાં સંભારણાં તાજાં કરતો આ લેખ લખ્યો છે.) 

મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો એ પછીના અરસામાં (મોટે ભાગે ૧૯૯૩માં) બીરેન કોઠારીએ શિમલા- કુલ્લુ- મનાલીના પંદર દિવસના એક લાંબા પ્રવાસનું આયોજન કર્યું હતું, કૌટુંબિક સભ્યો ઊપરાંત આ પ્રવાસમાં તેના બે  મિત્રદંપતીઓ પણ જોડાવાના હતા. ઉર્વીશે આ પ્રવાસમાં જોડાવા બાબતે મને પૂછ્યું, અને હું જોડાયો. પછી તેમાં ઉર્વીશના નવાસવા દોસ્ત બનેલા બિનીત મોદીનો પણ ઉમેરો થયો. અમારો અત્યાર સુધીનો આ સૌથી લાંબો સહિયારો પ્રવાસ. આ સમગ્ર સફરમાં મોટે ભાગે બિનીત વક્તા હતો જ્યારે ઉર્વીશ શ્રોતા. બિનીત જે ઉત્કટતાથી વાત કરતો એટલી જ ઉત્કંઠાથી ઉર્વીશ સાંભળતો હતો. આ વાતો ફક્ત એક વ્યક્તિ ફરતે ગૂંથાયેલી રહેલી. એ વ્યક્તિ એટલે રજનીકુમાર પંડ્યા. ત્યારે સંદર્ભ ખ્યાલ ન હોવાથી તેમની ઘણી વાતો મારા પલ્લે નહોતી પડતી, એટલું સમજાયેલું કે રજનીકુમાર પંડ્યા મોટા ગજાના લેખક- સાહિત્યકાર અને ઉત્તમ વાર્તાકાર છે અને ખાસ તો જૂના ફિલ્મસંગીતના શોખીન છે. વાતો પરથી મને એ પણ ખ્યાલ આવ્યો હતો કે રજનીકુમાર સાથે બિનીતને ઘરોબો છે.

વાતવાતમાં બિનીતે કહ્યું કે એક વખત તે મિત્રો સાથે ડાકોર ચાલતા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. રજનીભાઈને જાણ થતાં તેમણે હેતુ પૂછ્યો. પછી પ્રેમથી ટપારતા કહ્યું કે ડાકોર જવાની ના નથી, પણ આમ ચાલતા જવું એ નર્યું ગાંડપણ કહેવાય. તેમની સમજાવટ કામ કરી ગઇ હતી અને બિનીતે કાર્યક્રમ પડતો મૂકેલો. એક વખત આવી ઘેલછા રાખીને હું પણ મહેમદાવાદથી ડાકોર ચાલતા ગયો હતો. મને આ વાત સ્પર્શી ગઇ. ઊંડે ઊંડે થયું વાત ખોટી નથી. મારા મનમાં આ વાતે ઘેરી અસર ઊભી કરી હોવાનું આજે પણ મને લાગે છે. ‘રેશનલ’ શબ્દ ઘણા સમય પછી મારી સમજમાં આવ્યો.

**** 

અભ્યાસ દરમ્યાન હું ઉર્વીશના વાચન સાથે જૂના ફિલ્મસંગીતના વિશિષ્ટ લાગતા શોખ તરફ આકર્ષાયો. ખાસ કરીને બારમા ધોરણના વેકેશનના ગાળાથી સાથે બેસીને કોઇ સમયાવધિ વગર ફિલ્મસંગીત સાંભળવું નિયમિત બન્યું. આ વખતે તેને ગમતા લેખો અને લેખકોની વાતો પણ થતી. પ્રવાસથી પરત ફર્યા બાદ સ્વાભાવિકપણે રજનીકુમાર વિશે વાતો થઇ. એક વાર તેને ત્યાંથી મારે ઘેર જતી વખતે મારા હાથમાં રજનીકુમાર પંડ્યાની વાર્તાઓનું પુસ્તક ‘આત્માની અદાલત’ હતું.

પુસ્તક વાંચવું શરૂ કર્યું. પહેલી ‘વાર્તા’ વાંચ, જેનું શિર્ષક હતું ‘અરે ડોશી!’ વાર્તા વાંચ્યા પછી મનમાં થોડી નિરાશા સાથે પ્રશ્ન ઉગ્યો, ‘વાર્તા આવી હોય?’

તો પછી ઉર્વીશ વખાણે છે કેમ? એટલે થયું, એકાદ બીજી વાર્તા વાંચવી જોઇએ. મેં પુસ્તકનાં પાનાં ઉથલાવ્યાં અને હાથે ચડી એ ‘વાર્તા’ વાંચવી શરૂ કરી. એ વાર્તા હતી ‘જીવનનું મોત’. આ વખતે હું સહેજ સભાન રહ્યો. વાર્તાના કથાપ્રવાહમાં થોડો ખેંચાયો અને અંત વાંચતા ઝબકારો થયો. પછી મેં અગાઉ વાંચેલી વાર્તા ‘અરે ડોશી!’ ફરીથી વાંચી. હવે મને વાર્તા અને વાર્તાનો મર્મ સમજાયો.

એ પછી વાંચી ‘શબનું સ્મિત’. આ વાર્તા વાંચ્યા બાદ મારું મન સુન્ન થઇ ગયું. તેનું આલેખન મને મનોજગતના એવા અતલ ઊંડાણમાં ઢસડી ગયું હતું કે હું બીજી વાર્તા વાંચવા માટે પુસ્તકનું પાન ઉથલાવી ન શક્યો. પછી તો એક પછી એક એમ મેં બધી જ વાર્તાઓ વાંચી. દરેક વાર્તા મનમાં મંથનની પ્રક્રિયાનો આરંભ કરાવતી અને અને પુસ્તકના શિર્ષકને યથાર્થ ઠેરવતી રહી. વાર્તા વાંચવાના આરંભે જાગેલો પ્રશ્નાર્થ ઓગળી ગયો. મને થયું, ‘વાર્તા આવી જ હોય!’

‘આત્માની અદાલત’ પુસ્તકે મનુષ્યમાં ઉગતા કે ઉગી શકતા મનોવિચારો તેમજ ઉમટતી કે ઉમટી શકતી લાગણીઓના અકલ્પ્ય ઘોડાપૂરને સિફતથી શબ્દોની ગાંસડીમાં બાંધીને અસરકારક રીતે વાચક સમક્ષ પીરસવાની રજનીકુમારની કાબેલિયતનો પરચો કરાવ્યો. વાર્તાકથનની આ શૈલી મને એ હદે ગમી કે મારા મનમાં ઉત્તમ વાર્તાકાર તરીકે રજનીકુમાર પંડ્યાનું નામ શિલાલેખની જેમ કોતરાઇ ગયું.

**** 

આ પછી હું રજનીકુમાર પંડ્યાનાં લખાણો વાંચવા પ્રેરાયો. તેમનાં લખાણોએ પાણી કરતાં પણ પાતળાં એવા મનનાં વલણો, સંવેગો અને આવેગોથી અવગત કરાવ્યો, કથનશૈલી એવી કે તેની અનુભૂતી પણ થતી. પછી હું તેમનાં ‘ઝબકાર’ શ્રેણીના લેખોનો વાચક-ચાહક બન્યો. આ લેખો મને હલબલાવી નાંખતા. રજનીકુમારે કરેલી ટકોર વાંચીને ક્યારેક મનમાં ઊંડી  ચીસ નીકળી જતી. કશું કરવાનો મને અદમ્ય ધક્કો વાગતો, પણ કશું નક્કર થઇ ન શકતું.  એક તબક્કે મને મારી જાત પ્રત્યે નાનમ અનુભવાવા લાગી. મેં રજનીભાઇને પત્ર લખીને મારી વ્યથા ઠાલવી. જવાબમાં તેમણે લખ્યું, ‘મોટા માણસની વાતો વાંચી લઘુતાભાવ અનુભવવો નહી, તેમની ‘નાનાઇ’ મેં ક્યાં લખી હોય છે?’ આમ કહી તેમણે એક દિશાનિર્દેશ આપ્યો. લખ્યું, ‘આપણે પોઝીટીવ, વિધેયાત્મક બનવા પ્રયત્ન કરવો અને ગુણગ્રાહિતા કેળવવી.’

હું GSFCમાં ટ્રેઇની તરીકે જોડાયો હતો, એવે વખતે ગુજરાત સમાચારમાં એક લેખ વાંચવામાં આવ્યો. તેમાં એક ડૉક્ટરને સ્વાસ્થ્યસંબંધી આવી પડેલી મુશ્કેલી અને તેમની પત્નિને પડતી આર્થિક મુશ્કેલીનો થોડો ચીતાર હતો. હું ઝબકારની અસર હેઠળ હતો. મને કશું કરવાનો મોકો દેખાયો, અને મેં સહકર્મીઓ પાસે મદદની ટહેલ નાંખતું નાનકડું લખાણ લખ્યું. કોઇને વિશેષ જાણવું હોય તો અખબારની કટાર પણ સાથે જોડી. જે થોડું ભંડોળ ઊભું થયું તેમાં મારો ફાળો પણ ઉમેર્યો અને એ રકમ યોગ્ય સ્થાને મોકલી. મનમાં ઘણું સારું લાગ્યું.

**** 

ઉર્વીશ સાથે રજનીભાઇને ઘેર મારી અવરજવર શરૂ થઇ. ક્યારેક અવનવી વાતો, ગીતો કે અનુભવના કિસ્સા સાભળવા મળે ત્યારે સ્વર્ગનું સુખ પામ્યાનો અનુભવ થતો. તેઓ બેટાનું સંબોધન કરે ત્યારે એટલું વહાલું લાગતું કે વાત ન પૂછો.

રજનીભાઈ અતિ વ્યસ્ત રહેતા. તેમને ત્યાં અવરજવર ઘણી રહેતી. સાથે વાર્તા, નવલકથા અને અખબારી કટારલેખન ઉપરાંત મુલાકાતો અને પ્રવાસો પણ ખરા. ક્યારેક તે પોતાના જૂના લેખને ફરીથી ઉપયોગમાં લેતા. આ વખતે તેમાં સંબંધિત છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવાની અને ઉમેરવાની રહેતી. ત્યારે કમ્પ્યુટર નહોતું. આ પ્રક્રિયા ઘણો વખત માંગી લે એવી હતી. એક વખત તેમણે મને આ કામ સોંપ્યું. તેમણે આપેલા જૂના લેખની મારે યોગ્ય કાપલીઓ બનાવીને કાગળ પર નવેસરથી વ્યવસ્થિત ચોંટાડી આપવાની હતી. તેમણે હાથથી લખેલી વધારાની વિગતો કે નોંધને મારે યોગ્ય સ્થાને ગોઠવવાની હતી. આ કામ મેં હોંશે હોંશે ઉપાડ્યું, એટલું જ નહીં, તેમણે આપેલી વિગતોને એમને એમ ન મૂકતાં આવડ્યો એવો સાંધો કરતી એકાદ બે લાઇનો પણ લખી આપી. આ ચેષ્ટાથી રજનીભાઇ ખુશ. ધીમે ધીમે તે નિયમીતપણે મને આ પ્રકારનું કામ સોંપવા લાગ્યા. લેખ છપાય ત્યારે ઘણી વખત મારો ‘થીંગડા’ જેવો સાંધો કચ્છી ભરતકામ જેવો બની જતો. તેમનો આ સ્પર્શ જોવા- જાણવા અને માણવા જેવો રહેતો. આ નાનકડા કાર્યે મારી લેખન પરત્વે રુચિ જગાવી.

મને તેમની સાથે સમય વીતાવવો ગમતો. તેથી તેમણે સોંપેલું કાર્ય પૂરું થયે હું સામગ્રી કુરિયર દ્વારા મોકલવાના બદલે રૂબરૂ જતો. તેમની સાથે બેસીને ચા અને થેપલા (ઢેબરા) ખાતા એ દૃશ્યો મારી સ્મૃતિમાં આજે પણ યથાતથ જળવાયા છે.

હવે નોકરી અર્થે મારે કાયમી ધોરણે વડોદરા રહેવાનું બન્યું તેથી રૂબરૂ સંપર્ક જાળવવો મુશ્કેલ બન્યો. કેટલાક સમય પછી મેં કુરિયર કરવાનું શરૂ કર્યું ત્યારે સામગ્રી મળ્યાની રસીદ જેવો પત્ર અવશ્ય લખે. તે લખતા, ‘પ્રથમ દૃષ્ટિએ તો સરસ, વ્યવસ્થિત જણાય છે- છતાં નિરાંતે જરા વાંચીને જણાવીશ.’ એ સાથે બીજી ટિપ્પણી પણ હોય, તું પત્રના મથાળે સરનામું લખવાનું રાખ, દરેક વખતે ડાયરી ફેંદવી નથી ગમતી.’ (હું સરનામું કવર પર લખતો હતો.)

મારો તેમની સાથેનો પત્રવ્યવહાર મર્યાદિત હતો. બરાબર યાદ નથી, પરંતુ કોઇ ગીત બાબતે મેં કશું પૂછ્યું હશે. તેમનો જવાબ આવ્યો. ‘તું ઇચ્છીશ તે ગીત ડબ કરી આપીશ ને ફોટા પણ આપીશ.’ આમ લખી ઉમેર્યું હતું, ‘તારો મારા પર અધિકાર છે.’ આ ‘અધિકાર’ શબ્દે મારા હ્રદયને આનંદની વાછટોમાં બરાબર ભીંજવેલું! સાવ એવું નહોતું કે તે માત્ર બોલવા ખાતર બોલતા હતા. એક કાર્યક્રમ દરમ્યાન હું ઓટોગ્રાફ લેવા ગાયિકા સુલોચના કદમ પાસે પહોંચ્યો ત્યારે તેમણે મારો ફોટો પાડ્યો હતો અને ફોટા પાછળ ટૂંકી નોંધ લખીને મને પોસ્ટમાં મોકલ્યો પણ હતો! એ વખતે રોલવાળા કેમેરા હતા અને પ્રિન્‍ટ કઢાવવાનો ખર્ચ થતો. જીવનની નાની ખુશીઓ વહેંચીને ખુશ થવાની તેમની આ વિશેષતા હતી. મારા જીવનનું અણમોલ સંભારણું બનેલી ગાયક જગમોહન ‘સુરસાગર’ સાથેની મુલાકાત પણ તેમના આ સ્વભાવનું જ પરિણામ. કેવી મધુર યાદો!



મારું લગ્ન થયું ત્યારે ભેટસ્વરૂપે તેમણે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ મોકલાવ્યો હતો. હું તેમનું કોઇ પુસ્તક ખરીદીને ઓટોગ્રાફ માંગું તો તરત કહેતા, ‘બેટા, મારાં પુસ્તકો તારે નહીં ખરીદવાના. એ તો હું જ તને મોકલાવીશ.’

મારી નોકરીમાં સતત પાળી બદલાતી રહે. મારું લગ્ન થયું અને પરિવારમાં પરોવાયો. રૂબરૂ મુલાકાતો ઘટવા લાગી, પરંતું પ્રસંગોપાત જ્યારે પણ મળવાનું થાય ત્યારે મને એ જ ઊષ્મા અનુભાવાતી. હું નવા મકાનમાં રહેવા ગયો ત્યારે તેમણે શુભેચ્છાસંદેશ લખી મોકલ્યો હતો. તેમણે આ તેમના તદ્દન નવા છપાયેલા લેટરહેડનું સૌ પ્રથમ પાનુ હોવાનો સંયોગ ખાસ નોંધવાની સાથે દસ દિવસ પહેલાં (તેમની દીકરી) તર્જનીની દિકરીના જન્મના સમાચાર પણ લખ્યા હતા. મારા આમંત્રણને માન આપીને રજનીભાઇ મારે ત્યાં બે વખત આવ્યા હતા. એ બંને પ્રસંગો મારા માટે ઓચ્છવ જેવા બની રહેલા.

મારી લાગણીને માન આપીને રજનીભાઇએ પ્રેમપૂર્વક મારા બંને સંતાનો-દીકરો સુજાત અને દીકરી મલક-નું નામકરણ કર્યું હતું. કોણ જાણે કેમ, પણ તેઓ સુજાતને ‘સુજાતસિંઘ’ તરીકે સંબોધતા અને એ સાથે જ તેમનો ચહેરો ખીલી ઉઠતો. તેમનું એ નિર્ભેળ- નિર્મળ હાસ્ય અત્યારે પણ આંખો સામે તરવરી ઉઠે છે.

સમય જતાં મારી સાથેનો તેમનો આત્મીયભાવ મારા સંતાનો સુધી લંબાયો. સુજાત કૉલેજમાં હતો એ સમયગાળામાં રજનીભાઇનો વડોદરામાં જૂનાં હિન્દી ફિલ્મસંગીતનો એક કાર્યક્રમ હતો. આ સમયે કમ્પ્યુટર પર મદદનીશની જરૂર હતી ત્યારે તેમણે તરત સુજાતને સંભાર્યો હતો. એકાદ વખત કોઇ લેખનો અનુવાદ કરવાની જરૂર હતી ત્યારે પણ તેમણે સુજાતને યાદ કરેલો. બંને વખતે સુજાતે ઉલટભેર તેનું યોગદાન આપ્યું હતું.


હોમાય વ્યારાવાલા સાથેના મારા જોડાણને લઇને ‘જલસો’માં લખેલો મારો લેખ તેમને ગમ્યો હતો. બીરેને મને કહ્યું કે ગુરુને તારો લેખ ગમ્યો હતો, ત્યારે અનાયાસે મારું મન ચગડોળે ચડ્યું કે આજે હું જે કંઇ વિચારો કે વર્તન ધરાવું છું, તેમાં કોનો અને કેટલો ફાળો? મારા મનની મીઠી મૂંઝવણ પછીનો જવાબ મને તેમણે લખેલી વાર્તાઓ તરફ દોરી ગયો. મને નવલકથા સહિત તેમનાં તમામ લખાણો ગમતાં, પરંતુ તેમની વાર્તાઓ વિશેષ પ્રિય. આ બાબત હું ઘણા વખત પહેલાં એક પત્ર દ્વારા તેમને જણાવી ચૂક્યો હતો. એ વખતે મેં મેઇલમાં એકરાર કર્યો કે તેમની વાર્તાઓ આજે પણ મારી સંવેદનાને ઝરતી રાખે છે. આ વાંચીને રજનીભાઇએ ખૂબ રાજીપો અનુભવેલો અને ઉલટ અને ઉમળકાથી વળતો જવાબ વાળ્યો હતો. જો કે, મારે આ વાત રૂબરૂ કહેવી હતી અને તેમનો આભાર પણ માનવો હતો; પરંતું કાયમનો વસવસો આપીને  એ સહેજ વહેલા જતા રહ્યા!

**** 

ઊંમર વધવા સાથે તેમની વ્યસ્તતા પણ વધી હતી. તેમને ગણદેવીમાં ભુપેન્દ્ર સુરતીની કામગીરી બાબતે લેખ લખવાનો હતો, પણ સમયનો અભાવ સાલતો. એક વખત બીરેનને ત્યાં થયેલી તેમની મુલાકાત સમયે આ વાત થઇ ત્યારે મેં તેમને કાચું કામ કરી આપવાની તૈયારી બતાવી. તે રાજી થયા, અને મને મેટર મોકલી આપ્યું. એની પરથી મારું કામ જોઇને તેઓ વધુ રાજી થયા. પહેલી વખત મેં તેમને કોઈ લખાણ લેખ સ્વરૂપમાં ઢાળી આપ્યું હતું. આ લખાણ પર તેમણે કેટલાંક સંસ્કરણો કર્યા અને બે અલગ ઠેકાણે લેખ પ્રગટ પણ થયા ત્યારે લખાણનો જાણે કે કાયાકલ્પ થઈ ગયો હતો. કામ કરવાની મારી ફાવટ અને ધગશ જોઇ તેમણે મને કહ્યું, ‘તારે સ્વતંત્ર લેખન કરવા જેવું છે. મેટર બીરેન આપશે.’ હર્ષલ પુષ્કર્ણાના જિપ્સીમાં હું સ્વતંત્રપણે લખતો હોવાનું બીરેને તેમને જણાવ્યું ત્યારે તે ઘણા રાજી થયા હતા.

કોવિડ પછીના સમયગાળામાં રજનીભાઇને સ્વાસ્થ્ સંબંધી નાની મોટી તકલીફો ઊભી થવા લાગી હતી. છતાં ફેસબુક જેવા ઇલેક્ટ્રોનિક મિડીયા પર તેમને સક્રિય જોઇ હું દંગ રહી જતો. તેમનાં કામ અને કાર્યપદ્ધતિની મને બીરેન પાસેથી જાણ મળતી. તે બિમાર પડ્યા ત્યારે બીરેન સાથે હું પણ તેમને મળવા હોસ્પિટલે પહોંચ્યો હતો. તેમને મળીને દરેક વખતે કોઇ દિવ્ય વિભૂતીને મળી આવ્યાનો ભાવ થતો. એવી વ્ચક્તિ જે માત્ર ને માત્ર નિર્મળ પ્રેમ વરસાવી જાણતી હતી. આ મુલાકાત વખતે પણ એવું જ અનુભવાયું.

**** 

માનવસહજ સબળાઇ- નબળાઇઓ અને લાગણીઓનો ઝીણવટભર્યો અભ્યાસ એ રજનીભાઇનું કાર્યક્ષેત્ર. ઊભરતી અને ઊમટતી ઊત્કટ લાગણીઓના પ્રવાહનો વાચકના હૃદયના ઊંડાણે અનુભવ કરાવવામાં રજનીભાઇની મહારત.

 મિત્ર દિલીપ રાણપુરાનાં પત્નિ સવિતાબહેનના અવસાન પછી મિત્રની વ્યથાને વાચા આપતી ‘ચંદ્રદાહ’ જેવી વાર્તા રજનીકુમાર પંડ્યા જ આપી શકે! અણધારી ઘટનાઓના આટાપાટા વચ્ચે તેમણે સર્જેલાં ‘વિશિષ્ટ’ પાત્રો અને તેની ‘વિશિષ્ટતાઓ’ એવાં તો ચિરંજીવી છે કે આજે પણ કોઇ ‘વિશિષ્ટ’ વ્યક્તિની જરા સરખી ઝલક મળે કે તરત રજનીભાઇની કોઇ ને કોઈ વાર્તાનું અનુસંધાન સધાઇ જાય છે. ક્યારેક નજર સામે આખેઆખી વાર્તા ભજવાતી લાગે અથવા ક્યારેક કોઇ ચોક્કસ પાત્ર નજર સમક્ષ તરવરી ઉઠે. ક્યારેક કોઈ વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવાનો થાય અને અસમંજસનો માહોલ સર્જાય ત્યારે મનના એક અજ્ઞાત ખૂણામાં ખાસ અદાલતમાં ખટલો મંડાતો હોવાનું અનુભવાય છે; તેના એક કઠેડામાં હું મારી જાતને ભાળું છું, જ્યારે સાક્ષીના કઠેડામાં રજનીકુમાર પંડ્યાને! આ ‘આત્માની અદાલત’ રજનીભાઇની દેન હોવાનું લાગે છે.

ઊત્તમ લેખક, વાર્તાકાર, સાહિત્યકાર અને વિશેષ તો ઉમદા વ્યક્તિ ધરાવતા રજનીકુમાર પંડ્યાનું ૧૫ માર્ચ, ૨૦૨૫ની રાત્રે સાડા નવે દેહાવસાન થયું એ એક નિષ્ઠુર હકીકત છે. પરંતુ તે સદેહે હાજર નથી એટલું જ, અન્યથા રજનીભાઇ તેમના સર્જન થકી અને તેમણે સર્જેલી કૃતિઓ થકી અમારા ભાવવિશ્વમાં અને મનોવિશ્વમાં હાજર છે અને હાજર રહેશે!

Friday, February 23, 2024

હમસફર દોસ્ત

આજે મિત્ર પરેશ પ્રજાપતિનો જન્મદિન છે. મહેમદાવાદનો પરેશ આમ તો મારા નાના ભાઈ ઉર્વીશ કોઠારીનો સહાધ્યાયી. તેઓ શાળામાં સાથે હતા. મહેમદાવાદમાં અમારા ઘરથી નજીક જ તેનું ઘર. ચાર ભાઈઓ અને એક બહેનનો બહોળો પરિવાર. બધાં ભાઈબહેનો અભ્યાસમાં આગળ, અને પરેશનું પણ એવું જ. પણ દસમા-અગિયારમામાં હશે એ અરસામાં ઉર્વીશને (અને મારે) પગલે તેને જૂનાં ફિલ્મસંગીતનું જંતુ કરડ્યું. સમાંતરે સાહિત્યમાં રસ પડતો થયો. બસ, એને લઈને તેની સાથેની અમારી દોસ્તી ગાઢ બનતી ચાલી. એ એવી ગાઢ બની રહી કે હવે મળીએ ત્યારે આ બે વિષયની વાત કદાચ સૌથી ઓછી થતી હશે.

બારમા પછી તેણે અમદાવાદની ભવન્સ કૉલેજમાંથી બી.એસ.સી. કર્યું ત્યાં સુધી એનો શૈક્ષણિક રેકોર્ડ એકધારો ઊંચો. અમુક હોંશિઆર છોકરાઓમાં જોવા મળે એવી કેટલીક 'સ્માર્ટનેસ' પણ કરી, જેમ કે, પોતાની નોટ્સ તે ઝટ કોઈને ન આપે, કોઈક કશું પૂછે તો સરખો જવાબ ન આપે વગેરે...ઉર્વીશ કહેતો કે એ મિત્રો આ કારણે એને 'પરીયો આડો' કહેતા. જો કે, એની ખરી પ્રકૃતિનો પરિચય એના વધુ સંપર્કમાં આવતાં થતો ગયો. ત્યારે ખબર પડી કે એ 'આડો' નહીં, પણ એકદમ 'સીધો' છે. હા, એના દેખાવમાં, શારિરીક બાંધામાં ખાસ કશો ફરક પડ્યો નથી. એ એકદમ 'સીધો' જ રહ્યો છે, 'ગોળ' નથી બન્યો.

એ સમયે અમારા મહેમદાવાદના ઘરે કેટલાક મિત્રો ભેગા થતા અને રાત્રે મોડે સુધી જૂનાં ફિલ્મગીતો સાંભળતાં. એમાં ખાસ કરીને પરેશ અને દિલીપ પંચાલ હોય જ. પરેશને અનેક જાતના સવાલ થતા, અને એ તે પૂછતો રહેતો. તેના સવાલ ઘણી વાર જિજ્ઞાસાથી નહીં, પણ સંશયથી પ્રેરિત હોય એમ અમને લાગતું. આથી અમે એનું નામ 'સંશયાત્મા' પાડેલું. તે રાતે બહુ મોડે સુધી ન બેસતો અને વહેલો નીકળી જતો. આથી અમે કહેતા, 'સંશયાત્મા વિનશ્યતિ. આ સંશયાત્મા હતો એટલે એ વહેલો 'નાશ પામ્યો.' પરેશને પણ આ વાત જણાવી એટલે એણે પૂછેલું હોવાનું યાદ છે, 'સંશય એટલે શું?' આ એની વિશેષતા.



પછીના અરસામાં મારે વડોદરા સ્થાયી થવાનું બન્યું. તેની નોકરી પણ વડોદરામાં હતી. આથી શરૂઆતના અપડાઉન પછી તે પણ વડોદરા સ્થાયી થયો. આથી તેનો સંપર્ક મારી સાથે સતત રહેતો. હવે એવું બન્યું છે કે તેને ઉર્વીશ કરતાં મને મળવાનું વધુ બને છે.

તેના પિતાજીએ ખૂબ સંઘર્ષ કરીને પોતાનાં તમામ સંંતાનોને સારું શિક્ષણ આપ્યું, જેનું ફળ અત્યારે આખો પરિવાર મેળવી રહ્યો છે. પણ સતત સંઘર્ષરત રહેવાને કારણે તેના પિતાજીની પ્રકૃતિમાં એક જાતની કરકસર જણાય, અને એનો વારસો પરેશમાં પણ ઉતરેલો જોઈ શકાય. અલબત્ત, આ બધાં એની પ્રકૃતિનાં પહેલી નજરે પડતાં છેતરામણાં પાસાં છે. જરૂરતમંદ મિત્રને કશા દેખાડા વિના મદદ કરનાર પરેશ જેવા મિત્રો જૂજ હશે.

વડોદરામાં તે શરૂ શરૂમાં અમારે ઘેર આવતો ત્યારે અમે નવાસવા રહેવા આવેલા અને ઘરમાં નાનુંમોટું કામ હોય જ. તે આવે, કંઈ પણ કામ હાથમાં લઈ લે અને એને પૂરું કરીને છોડે. એ હદે કે બાળકો રમાડવાં એને બહુ ગમે અને એ એને સારી રીતે આવડે પણ ખરું. એટલે શચિ કે ઈશાન નાનાં હોય તો એમને પણ રમાડે અને આનંદ અપાવે.

અમે પ્રવાસ માટે યોગ્ય જોડીદારની શોધ આરંભી ત્યારે પહેલું નામ પરેશનું યાદ આવ્યું. એની સાથે વાત કરી, અને કેટલીક આગોતરી સ્પષ્ટતાઓ પણ. જેમ કે, આ પ્રવાસમાં આપણે સાથે જઈએ, અને કોઈ કારણસર આપણી વચ્ચે મનદુ:ખ થાય તો ફરી સાથે નહીં જવાનું. કેમ કે, મિત્રતા વધુ મહત્ત્વની છે. અને માનો કે મનદુ:ખ ન થયું, તો ફરી વાર સાથે જવાનું. અને પ્રવાસેથી પાછા આવીને નિખાલસતાથી વાત કરીને નક્કી કરવાનું કે હવે પછીનો પ્રવાસ સાથે કરવો છે કે કેમ. પહેલવહેલા પચમઢીના પ્રવાસથી શરૂ કરીને ગોવા, દાપોલી-ગુહાગર (કોંકણ), ગ્રહણ (હિમાચલ પ્રદેશ), ભંડારદરા (મહારાષ્ટ્ર), ડેલહાઉસી, મુન્સિયારી (ઉત્તરાખંડ), સાપુતારા જેવાં સ્થળોએ અમે એક તબક્કે નિયમીતપણે પ્રવાસ કર્યા. અને ગયે વરસે લદાખ પણ સાથે ગયાં. એમ કહી શકાય કે અમને એકમેકની મર્યાદાઓ ફાવી ગઈ છે.

પરેશનું વ્યક્તિત્વ એવું છે કે પરિવારના સહુ કોઈને એ પોતાનો લાગે. મારાં મમ્મી અને કામિની તો બરાબર, પણ મારાં સંતાનો શચિ અને ઈશાનનેય એની સાથે મજા આવે. તેનાં પરિવારજનોમાં પત્ની પ્રતીક્ષા અને સંતાનો સુજાત તેમજ દીકરી મલક અમારા તમામ પ્રવાસમાં સાથે હોય જ. હવે તો સુજાત સરકારી નોકરીએ લાગ્યો છે અને ઊંચા હોદ્દે છે. એની સાથે પણ અમારી મિત્રતા કેળવાઈ રહી છે એ આનંદની વાત છે.

પરેશ એટલો નિષ્કપટ છે કે એના મનમાં કોઈના અહિતનો વિચાર ભાગ્યે જ આવી શકે. મદદ માટે એ સદાય તત્પર રહે અને એની લાગણી એકદમ સાચુકલી. મેં મારી સલામત નોકરી છોડીને લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો એ વખતે તેણે મને કહેલું કે ક્યારેય પૈસાની જરૂર પડે તો મને કહી દેજે. મૂંઝાતો નહીં. અને આ માત્ર કહેવા ખાતર નહીં. અમુક સંજોગોમાં તો એ રીતસર પ્રેમાગ્રહ કરે કે તારે જરૂર હશે જ, પણ તું કેમ કહેતો નથી.

પરેશને સંગીત, સાહિત્ય વગેરેમાં રસ ખરો, પણ એની પ્રાથમિકતા પરિવારની- બૃહદ પરિવારની. હું ઘણી વાર મજાકમાં કહું કે 'તારું 'વસુધૈવકુટુમ્બકમ્' કરતાં ઉંધું છે. એમાં 'પૃથ્વીને કુટુમ્બ' ગણવાની વાત છે, પણ તારા માટે 'કુટુમ્બ એ પૃથ્વી છે.'

હોમાયબહેનનાં અસ્થિનું વિસર્જન કરી રહેલાં પરેશ અને પ્રતીક્ષા
હોમાય વ્યારાવાલા સાથે મારો પરિચય થયો એ પછીના અરસામાં પરેશે તેમનાથી નજીક મકાન બનાવેલું. આથી એ બન્નેનો પરિચય મેં કરાવ્યો. એટલા માટે કે એ નજીક હોવાથી હોમાયબહેનને તાત્કાલિક કશી જરૂર હોય તો એ જઈ શકે. એ ગઠબંધનનો આરંભ મારી ધારણાથી સાવ વિપરીત થયો. બેય એકમેકના વલણ વિશે મને ફરિયાદ કરતાં. ધીમે ધીમે એ અભિગમ એવો બદલાયો કે બેયને એકમેક વિના ચાલે નહીં. એ વિશિષ્ટ સંબંધની વિગતે વાત પરેશે પોતાની કલમે 'સાર્થક જલસો'ના પાને આલેખી છે, જે વાંચીને તમારી જાણબહાર આંંખો ભીની થઈ જાય. હોમાયબહેને પોતાના વીલમાં લખ્યું કે એમનું મકાન વેચવાનું હોય તો સૌ પહેલાં પરેશને એ માટે પૂછવું અને એ ઈચ્છે તો એને અમુક કિંમતે આપવું. હોમાયબહેનના હૃદયમાં આ સ્થાન એણે પોતાની લાયકાત પુરવાર કરીને પ્રાપ્ત કર્યું હતું. હોમાયબહેને વાતવાતમાં એક વાર એની સમક્ષ પોતાનાં અસ્થિનું વિસર્જન ગંગામાં કરવાની વાત કરેલી, પણ પછી બોલી ઉઠેલાં, 'પણ એ બધું કોણ કરે?' એમને ખબર નહીં કે એ 'કોણ' એમની સામે જ બેઠેલો છે. હોમાયબહેનના અવસાન પછી પરેશને હરિદ્વાર જવાનું બન્યું ત્યારે પૂરી શ્રદ્ધાથી એણે હોમાયબહેનની એ ઈચ્છા પૂર્ણ કરી.

હોમાયબહેન સાથે(ઊભેલાં ડાબેથી): સબીના ગડીહોક, પરેશ,
પ્રતીક્ષા, ઈશાન(બેઠેલાં ડાબેથી) બીરેન (સાથે ઉભેલી મલક),
હોમાયબહેન અને કામિની

ફોન પર અમારો સંપર્ક નિયમીત, અને મળવાનું પણ એવું જ. મારાં અવનવા કામમાં એ જેન્યુઈન રસ લે, પૂછપરછ કરે, અને મદદની તત્પરતા દેખાડે. 'કહત કાર્ટૂન'ના અત્યાર સુધીના એકે એક કાર્યક્રમમાં તે ઉલટથી હાજર રહ્યો છે, અને જરૂરી સૂચન પણ આપતો રહ્યો છે.

સ્વભાવે તે અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ. આથી અમુક વાર બહુ મજા આવે. એક વાર તેના કોઈક વલણ બાબતે મેં કહ્યું કે 'તારું વલણ દયાથી નહીં, કરુણાથી પ્રેરિત છે.' એટલે એણે એની અસલ 'સંશયાત્મા' શૈલીએ પૂછ્યું, 'એ બે વચ્ચે ભેદ શો?'

એ હકીકત બહુ જ સંતોષ આપનારી લાગે કે તેને ઘેર જઈએ એટલે પ્રતીક્ષા તરફથી પણ એવો જ હૂંફાળો આવકાર મળે. એ ઘર મારું જ ઘર હોય એમ લાગે. આ ભૂમિકા બહુ અઘરી હોય છે, અને પ્રતીક્ષાએ એ બરાબર નિભાવી છે.

શચિ નાની હતી ત્યારે હું એના મોંએ ધરાર 'પરેશકાકા'ને બદલે 'પરીયાકાકા' કહેવડાવતો. મને આજે પણ 'પરીયો' સંબોધન જ વધુ ઉચિત લાગે છે. હવે જો કે, એ સુજાત માટે યોગ્ય કન્યાની શોધમાં છે અને એ શોધ પૂરી થશે ત્યારે મારે લોકલાજે (વેવાઈલાજે) એને 'પરેશ' કહેવું પડશે એમ લાગે છે. એમ નહીં કરું તો મને ડર છે કે એના (ભાવિ) વેવાઈ પણ એને 'પરીયાભાઈ' કહેવા લાગે. કેમ કે, એનું વ્યક્તિત્વ જ એવું મૈત્રીપૂર્ણ છે કે સામાવાળાને એવી લાલચ થઈ આવે.

મારા, અમારા આ મિત્રને જન્મદિનની શુભેચ્છાઓ, અને એવી કામના પણ ખરી કે હજી અનેક પ્રવાસ અમારે સાથે કરવાના થાય.

Sunday, May 26, 2019

મેરે સંગ સંગ આયા તેરી યાદોં કા મેલા.....

- પરેશ પ્રજાપતિ

(મિત્ર પરેશ અને તેના પરિવાર સાથે અમે આઠ-નવ પ્રવાસ ખેડ્યા છે. 2017માં અમે આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલ પ્રદેશના ગ્રહણ નામના ગામે ચારેક દિવસ રોકાયા હતા. માંડ 70-80 ઘરોની વસતિવાળા આ ગામમાં અમારા રોકાણ દરમિયાન થયેલા કેટલાક સારા અનુભવો તેમ જ અન્ય પ્રવાસના અનુભવોને કેન્‍દ્રમાં રાખીને એક લેખ મેં 'જલસો'ના 11મા અંકમાં લખ્યો હતો.  અમારી મુલાકાતના બેએક વરસ પછી પરેશને ફરી ગ્રહણની મુલાકાત લેવાનો યોગ થયો. તેની આ બીજી વારની મુલાકાતનાં સંભારણાં એટલે આ લેખ.) 


૨૦૧૧માં હું સારપાસ ટ્રેકિંગમાં ગયો હતો. રસ્તામાં સાવ નાનકડું અને છેલ્લું ગામ ગ્રહણ આવેલું. ત્યાર પછી આગળના રસ્તે કોઈ ગામ નહોતું. એટલે 70-80 ઘરોનાં ગામ એવા ગ્રહણ માટે મનમાં બહુ કૌતુક હતું. અહીંના લોકોની જીવનશૈલી કેવી હશે? ગામની અર્થવ્યવસ્થા શેની પર નિર્ભર હશે? સામાજિક વહેવાર કેવા હશે? કેટકેટલાય તર્કવિતર્ક મનમાં જાગતા, શમતા અને ફરી નવા જાગતા. તેના અનુસંધાને ૨૦૧૭ના મે મહિનામાં બીરેન પરિવાર સાથે ગ્રહણના પ્રવાસનું આયોજન થયું. (આ પ્રવાસના થોડા અનુભવો વિષે બીરેને ‘જલસો’ના 11મા અંકમાં ‘ઈન હવાઓં કા મોલ ક્યા દોગે’ શિર્ષકથી લેખ લખ્યો છે.)  તપાસ કરતાં ત્યાં હોમ-સ્ટે શક્ય હોવાનું જાણ્યું હતું.

'જલસો'નો લેખ, જેમાં ગ્રહણનો અનુભવ
વિગતે લખ્યો છે 

કસૌલથી ગ્રહણના દસેક કિ.મી.ના ટ્રેક પછી બિસ્તરાં-પોટલાં સાથે અમારી સવારી ગ્રહણ પહોંચી એ યાદ કરતાં આજે પણ રોમાંચિત થઈ જવાય છે. વચ્ચે રસ્તામાં એક સ્થળે અમે તંબૂમાં રાતવાસો કરેલો. એ તંબૂવાળા બે ભાઈઓ સુરેશ અને દુનીચંદ તથા વળતી સફરમાં તેમના પિતાએ પોતાના વર્તનવ્યવહારથી અમારાં દિલ જીતી લીધાં હતાં. તો ગ્રહણમાં જે હોટેલમાં અમે ચાર દિવસ રોકાયા એ હોટેલની શરુઆતમાં ભારોભાર માલિકણ જણાતી રેશ્મા સાથે પણ એક અજબ લાગણીનો તંતુ બંધાયો. પાછા વળતાં મેં ભારપૂર્વક કહ્યું હતું કે હું સારપાસ ટ્રેકિંગમાં ફરીથી આવવાનો છું ત્યારે ફરી જરુરથી મળીશું.
એ સૌને ફરી મળવાનો સમય આટલો જલદી ગોઠવાશે એવી કલ્પના નહોતી. કારણ કે છેલ્લા ત્રણેક વર્ષથી મારા કુટુંબમાંથી કોઈને સારપાસ આવવું હોય તો હું પૂછતો. પણ કોઈની ‘હા’ થાય તે પહેલાં YHAI નો પોગ્રામ ફુલ થઈ જતો. પણ આ વખતે બધા પાસા સવળા પડ્યા. મારા ભાઈ-ભાભી, ભત્રીજી શચિ, મારી ભાણેજ ક્રિશ્ના તથા જમાઈ ચિરાગકુમાર અને વિશેષમાં મારા મિત્રની દિકરી યેશાએ જોડાવા માટે ભારપૂર્વક જણાવ્યું. એટલું જ નહિ, તારીખ પણ મને જાતે જ નક્કી કરી લેવા કહ્યું. (મારી ભાણેજ તથા જમાઈ આ પહેલાં પણ ચંદ્રખાની ટ્રેકિંગમાં મારી સાથે હતા.) બધું મારે નક્કી કરવાનું હોવાથી પોગ્રામ ઝડપથી ગોઠવાઈ ગયો. આવવા-જવાની ટિકિટોનું બુકિંગ પણ સફળતાપૂર્વક થઈ ગયું. હવે ઈંતેજાર હતો મે મહિનાની ૮મી તારીખનો.
પણ બુકિંગ કરાવ્યા પછી સફરનો દિવસ આવતાં સુધી મને સતત ગ્રહણના વિચારો આવતા રહેતા. ક્યારેક મન રેશ્મા સાથે સંવાદ કરતું, તો ક્યારેક દુનિચંદ સાથે. દુનિચંદના પિતાજીએ તો અમારી વળતી સફરમાં પ્રેમથી અમને સૌને એક એક કપ ચા પીવડાવી હતી. પણ મેં મનોમાન કોણ જાણે કેટલાય કપ ચા પી લીધી હશે! રેશ્મા તથા તેના સાસુ પુષ્પાબહેન તરફથી પ્રેમપૂર્વક ભેટમાં મળેલા રાજમા અમે જેટલી વાર રાંધીને ખાધા એ તમામ વાર બહુ જ પ્રેમથી તેમને યાદ કરતાં. ગ્રહણના વિચારમાત્રથી તેનો રસ્તો આંખ સામે ‘ગુગલ મેપ’ની જેમ તાદૃશ થઈ જતો. તારીખ નજીક આવતી જતી હતી. હવે બે જ દિવસ બાકી રહ્યા. ટ્રેકિંગમાં જવાનું હોવાથી વજન જાતે જ ઊપાડવાનું હતું, આથી સામાન મર્યાદિત રાખવાનો હતો. છતાં બંને કુટુંબો સથેની આત્મીયતાને લઈને વડોદરાની ‘ભાખરવડી’ લઈ જવાનું વિચાર્યું. સાથે ૨૦૧૮ના ‘જલસો’ના બે દિવાળી અંક તો ખરા જ, જેમાં ગ્રહણના આ મિત્રો વિશે લખાયું હતું.
મેં ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. રેશ્માના જેઠ પુરનભાઈ કુલ્લુમાં હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો. તેમને મારા અને બીરેનના કુટુંબનો એક ફોટો પણ ફોન દ્વારા મોકલી આપ્યો. હું કસૌલ પહોંચું ત્યારે તેમણે કસોલ મળવા આવવાની તૈયારી બતાવી. મેં પ્રેમપૂર્વક એટલું કષ્ટ લેવાની ‘મના’  કરી. અને ગ્રહણમાં રુબરુ મળીશું જ એવું ભારપૂર્વક કહ્યું. આખરે અમારો પ્રવાસ આરંભાયો.
**** **** ****
કસૌલ પહોંચતાંની સાથે જ પરિચિતતાની હવા ઘેરી વળી. બે દિવસ કસૌલમાં માંડ માંડ વિત્યા. ત્રીજા દિવસે હાયર કેમ્પ તરફની અમારી સફર શરુ થઈ. તેનો પહેલો પડાવ હતો ગ્રહણ, જેની હું કાગડોળે રાહ જોતો હતો. કસૌલમાં વહેતા એક નાળાની બાજુમાંથી જ ગ્રહણ તરફનો રસ્તો ફંટાતો હતો. બધું જ જાણીતું લાગતું હતું. મન અંદરથી ખૂબ પ્રફુલ્લિત હતુ. ગ્રહણના બધા ચહેરા નજર સામે તરવરતા હતા. યાદોએ રીતસરનો ઘેરાવ કર્યો હતો. તેમાંથી બહાર નીકળી શકાય તેમ નહોતું. સાચું કહું તો એવી ઈચ્છા પણ નહોતી. ‘અહીં અગાઉ આવી ગયો છું’ની લાગણી કરતાંય વધુ તો મારા કેટલાક પરિચિતો અહીં રહે છે એ આનંદ વિશેષ હતો. અમારી સાથે ત્રણ ગાઈડ હતા. મણીચંદ્ર, રાજેશ અને ત્રીજો કેશુઆ. બધા ત્રીજાને આ નામથી જ બોલાવતા. તેની સાથે વાત કરવાનો મેં પ્રયત્ન કર્યો. તે ખૂબ જ ધીમેથી બોલતો. મણીચંદ્ર અને રાજેશની સાથે તે તૈયાર થઈ રહ્યો હતો. એક પછી એક વાત નીકળતી ગઈ. તેઓ ગ્રહણના જ રહેવાસી હતા. આ જાણીને મનમાં કોઈ અજબ ટાઢક થઈ. કેમ જાણે મારા વતનના જ તેઓ ન હોય! મેં સુરેશ, દુની તથા રેશ્માને મળવાની ઈચ્છા તેની આગળ વ્યક્ત કરી. ગ્રહણમાં મારા પરિચિતોની સંખ્યા હવે વધી ગઈ હતી. હું તેમનો પણ પરિચિત ચહેરો બની ગયો. કશુઆએ જણાવ્યું કે રેશમા તેની પિતરાઈ બહેન થાય. હવે તેને બીજું સંતાન પણ હતું. અમે ગયા ત્યારે તેને એક દીકરો હતો. આ બધું સાંભળીને મારા પરિચીત કુટુંબીઓના સમાચાર મળતા હોવાનો આનંદ થતો હતો.
ગ્રહણ તરફનો રસ્તો કપાતો જતો હતો. અમે અગાઉ આવ્યાં ત્યારે પાકો રોડ બનાવવાની શરુઆત થઈ ગઈ હતી. હાલમાં આ ગતિવિધી પૂરજોશમાં ચાલી રહી હોવાનું જણાયુ. ગામના પ્રવેશદ્વાર જેવો કમાન દરવાજો પણ તૈયાર થઈ ગયો હતો. જો કે, ફિનિશીંગ બાકી હતું. હજી દોઢેક વર્ષ પહેલાં જ્યાં કેડીએ કેડીએ જવાનું હતું ત્યાં લગભગ દસેક ફૂટ પહોળો રસ્તો બનાવવા માટે જમીન સમતલ કરવાનું કામ ચાલુ હતું. આ દૃશ્ય જોઈને રીતસરનો ધ્રાસકો પડ્યો. કપાયેલા વિશાળ ઝાડના કેટલાક અવશેષ જોતાં રડી લેવાનું મન થઈ ગયું. મન ખિન્ન થઈ ગયું. બે ત્રણ ફોટા લીધા. શૂન્યમનસ્ક થઈને ચાલતો રહ્યો. એમ ને એમ ક્યારે ફરીથી કેડી શરુ થઈ ગઈ તેની ખબર પણ ન પડી.

આટલી ઊંચાઈએ પણ વિકાસ પહોંચવાના એંધાણ
ગ્રહણના લોકોને સાજેમાંદે અત્યારે કેવી તકલીફો પડતી હશે, અને રોડ તૈયાર થવાથી તેમને કેવી સરળતા થશે- એવા વિચારોથી મનને મનાવવા લાગ્યો. ચંદ્રમણીને મેં ભવિષ્યનું ફુલગુલાબી ચિત્ર બતાવતાં કહ્યું કે આવતા બેએક વર્ષમાં  YHAI તેનો બેઝ કેમ્પ ગ્રહણ ખાતે બનાવશે. ગ્રહણને એટલા મહિના દોઢ મહિના પૂરતું કમાવાની તક ઊભી થશે. પણ મનમાં તરત જ શૂળ જેવું ભોંકાયુ. પર્યટકોના મહેરામણમાં ગ્રહણના લોકો પોતાની આગવી ઓળખ - સારપ ટકાવી શકશે ખરા? કસૌલની હાલત અમે જોઈ ચૂક્યા છીએ. ઈઝરાયેલી લોકોની અવરજવર તથા તેમની સંસ્કૃતિનું અતિક્રમણ અંતરિયાળ ગામો પુલ્ગા અને ચુલ્ગામાં પણ અનુભવાયું હતું. કેટલાંક અનિષ્ટો પણ તેમની સાથે જોડાયેલાં છે. આવા વિચારોમાં ને વિચારોમાં અમે એ સ્થળે પહોંચ્યા, જ્યાં અગાઉના પ્રવાસમાં સુરેશ અને દુનીચંદે હસતા ચહેરે અમારા રોકાણને આનંદદાયક બનાવ્યું હતું. (એ શી રીતે આનંદદાયક બન્યું તેની વિગત ‘જલસો’ના અગિયારમા અંકમાં છે.) પણ આ વખતે સુરેશ કે દુની- બેમાંથી કોઈ નહોતા. તેમણે આ વખતથી ચા-નાસ્તાનો પોઈન્ટ નહોતો કર્યો. તેના સ્થાને બીજા કોઈએ કર્યો હતો.

'ગ્રહણ'ના રસ્તે આવેલો ટી-પૉ‍ઈન્‍ટ: બદલાયેલું દૃશ્ય 

થોડી ગોઠવણ બદલાઈ હતી. થોડો મોડર્ન ટચ અપાયો હતો. પ્લાસ્ટિકનાં ખુરશી-ટેબલ ગોઠવાઈ ગયા હતા. ઠંડા પીણાં મળતાં હતા. વધુ કશું જોવાનું મન ન થયું. દસ વર્ષ પહેલાં આવ્યો ત્યારથી અહીં બેસવા માટે પાઈનના બે આખેઆખા થડીયાનો ઉપયોગ થતો હતો. તે હજીય ત્યાં જેમના તેમ હતા. મેં સીધું તેના પર લંબાવ્યું. અડધા કલાકે બધા ઊભા થયા. સફર આગળ વધતી રહી. અમારા ટ્રેક ગાઈડ ચંદ્રમણીને મેં ગ્રહણ પહોંચ્યા પછી દુનીનું ઘર બતાવવા કહી રાખેલું.
એકાદ કલાક જેટલું ચડાણ કર્યું એટલે ફરી એક પરિચિત ચહેરો જણાયો. એ રીમા હતી. તેની દિકરી ડોલમા પણ સાથે હતી. એ શરબત વેચવા ત્યાં બેસતી હતી. આગલા પ્રવાસની યાદો તરત જ રણકાર કરતી કાન ગજવવા માંડી. અગાઉના પ્રવાસમાં અમે અહીં બેસીને શરબત પીધેલું, ફોટા પાડેલા, વાતો કરેલી અને પછી વાદળાંનો ગડગડાટ સંભળાતાં ઝડપભેર આગળ વધેલા. એ જ રીતે આ વખતે પણ શરબત પીધું. મનમાં આનંદ આનંદ થઈ ગયો. થોડી રાહ જોઈ કે તે ઓળખી શકે છે? જો કે, અમારા આગલા, સાવ ઓછા પરિચયે તે ઓળખી લે એ અપેક્ષા જરા વધુ પડતી કહેવાય. એટલે મેં આછેરી ઓળખાણ આપવાની શરુઆત કરી: ‘પિછલે સાલ મૈં ફેમીલી કે સાથ યહાં આયા થા...યહાં બૈઠે થે..’   આટલું યાદ કરાવતાં તેણે તરત કહ્યું:  ‘હાં હાં, આપ હી થે ના! યાદ આ ગયા. આપ કે સાથ દુસરા ફેમીલી ભી થા ન?’ હજી આગળ કશું કહીએ તે પહેલાં તેને યાદ આવી ગયું. મારું મન પણ ખીલી ઉઠ્યુ. મારી સાથે આવેલા બધા આ જોઈને હોંશે હોંશે તેની સાથે વાતોએ વળગ્યા. એ વખતે એમ જ લાગ્યું કે જાણે વતન મહેમદાવાદના કોઈ ઓળખીતા અહીં મળી ગયા! એ સમયે થોડો વરસાદ પણ વરસી રહ્યો. અમે અંદરથી તેમ જ બહારથી ભિંજાઈ રહ્યા.

**** **** **** 

મને ખબર હતી કે હવે ગ્રહણ બહુ દૂર નથી. સહેજ સીધા રસ્તા પછી ચઢાણ આવશે એટલે ગ્રહણનું પાદર આવ્યું સમજો. અને એ પાદરના એક પથ્થર પર પુષ્પાબેન ગુલાબી રંગના, બ્રુશના શરબતની શીશી લઈને પ્રવાસીઓના ઈંતજારમાં હશે. ગ્રહણમાં પોતાની હોટેલ ધરાવતાં પુષ્પાબેન જે પ્રેમથી આવનારને શરબતનો પ્યાલો ધરે એ જોઈને પ્રવાસી પીગળી જાય. તેઓ કહે, ‘આરામથી પીઓ, સહેજ પોરો ખાવ. (અને પછી મારી જ હોટેલમાં ઊતરો.)’ આ વખતે પણ પુષ્પાબેનને મેં એ જ મુદ્રામાં બેઠેલાં જોયાં. મને સહેજે નવાઈ ન લાગી. મને ગમ્મત સૂઝી. મારા ભાઈને મેં કાનમાં કહ્યું, ‘આ બહેનનું નામ પુષ્પાબેન છે. તું એમને નામથી બોલાવ અને જો. એ એમ જ કહેશે કે તમને ઓળખું છું.’ હકીકતમાં મારો ભાઈ અહીં પહેલી જ વાર આવી રહ્યો હતો. નજીક આવતાં જ મારા ભાઈએ તેમને કહ્યું, ‘કૈસે હો, પુષ્પાબેન? પહચાના?’ તરત જ પુષ્પાબેન બોલી ઉઠ્યાં, ‘હાં, હાં ક્યું નહિં પહચાનૂંગી? પહલે ભી આપ આયે થે ના? પહેચાના. પહેચાના.’ આમ કહીને તેમણે અમારા હાથમાં સરબતનો ગ્લાસ પકડાવી દીધો. શરબત પીતાં પીતાં મેં રેશ્મા વિષે પૂછપરછ કરી. તેમણે કહ્યું, ‘આપ (કેમ્પસાઈટ પર) રીપોર્ટીંગ કરને કે બાદ ફેમિલિ કે સાથ આ જાવ.’ ‘આના હી હૈ’ કહી અમે આગળ વધ્યા અને ગામમાં દાખલ થયા.
સાંજના લગભગ પાંચ થવા આવ્યા હતા. ગામમાં દાખલ થતાં બધાએ હાશકારો કાઢ્યો. કેટલાક હજી પાછળ હતા, એટલે જ્યાં મળે ત્યાં બધા બેસવાની જગ્યા શોધવા લાગ્યા. મારી નજર દુની-સુરેશને શોધતી હતી. મને એ જાણ થઈ હતી કે ગામમાં પ્રવેશતાં જ તેમનું ઘર આવે છે. એટલામાં ચંદ્રમણીએ મને બૂમ પાડી. “સર, યે હી દુની કા ઘર હૈ.” આ સાંભળતાં જ મારા પગ આપોઆપ એ તરફ વળ્યા. દુનીનું નામ સાંભળી ઘરમાંની એક વ્યક્તિના કાન પણ સરવા થયા હોય એમ લાગ્યું. તે દુનીનાં માતા હતાં. હું ઝડપથી ઘર તરફ ગયો. ત્યાં એક પરિચિત ચહેરો જોઈને હું રાજી થઈ ગયો. એ દુનીના પિતા હતા- આર.એલ. ઠાકુર. (રામપ્રસાદ?) ‘હમ પિછલે સાલ મિલ ચૂકે હૈ. કુછ યાદ આતા હૈ?’ તેમને અમારી મુલાકાત યાદ અપાવવાના હેતુથી હું બોલ્યો. એમ એકદમ તેમને ક્યાંથી ખ્યાલ આવે? પણ તેમણે જોયું કે ખભે વજન ઊંચકીને હું આવું છું. એટલે પહેલાં તો સૌજન્યપૂર્વક મને આવકાર આપ્યો. બેસવા માટે જલદી ખુરશી આપી. પછી મારા ચહેરા સામે જોયું. કદાચ આછીપાતળી ઓળખ થઈ રહી હતી. મેં કહ્યું, ‘અપને ફેમિલિ કે સાથ પિછલે સાલ હમ આપકે ટી પોઈન્ટ પર રાત કો ઠહરે.....’
આટલું બોલતાંમાં જ તેઓ બોલી ઉઠ્યા, ‘યાદ આ ગયા, સર. બરાબર યાદ આ ગયા. મૈં આપકે લિયે કોફી લાતા હું.” આમ કહીને તેઓ ઝડપથી કિચન તરફ લગભગ દોડવાની ઝડપે ગયા. દરમિયાન કેમ્પના બીજા જોડીદારો આવવા લાગ્યા હતા અને મારે એ સૌની સાથે કેમ્પ સાઈટ પર જવાનું હતું. મને અવઢવમાં જોઈને તેઓ કહે, “મૈં ઉનકો બોલ દેતા હૂં. આપ આરામ સે બૈઠો.” મેં બીરેનની ઓળખ આપવા ધાર્યું. પણ તેમણે તરત જ કહ્યું, “હમેં સબ ચહેરે યાદ આ ગયે. વો તો કુછ લિખતે ભી થે ના? આપકો હમ સચમેં બહુત યાદ કરતે થે. બાત કરને કા ભી મન કરતા થા. મુઝે ઉન્હોંને કાર્ડ ભી દિયા થા. પર કહીં રખ દિયા તો હાથ નહિ આયા.” આમ કહીને તેમણે તેમનાં પત્નિને બોલાવ્યા. મારી ઓળખાણ કરાવી. તે થોડા બિમાર હતાં. મેં તેમને નમસ્કાર કર્યા. સુરેશ ટ્રેકિંગમાં ગયો હતો. દુની પણ કોઈ એવા જ કામસર કસૌલ ગયો હતો. તેમણે પૂછ્યું, “આપકો મિલા નહિ રાસ્તે મેં?” મને રસ્તામાં કેશુઆએ પણ કહ્યું કે દુની હમણાં જ અહીંથી ગયો. પણ અમારી નજરે એ નહોતો ચડ્યો. હું મારી બૅગ ખાલી કરવા માંડ્યો. એટલે ઠાકુરસાહેબ આશ્ચર્યથી જોઈ રહ્યા. મેં ભાખરવડીનું પેકેટ અને ‘જલસો’નો અંક તેમની તરફ લંબાવ્યા. “યે આપકે લિયે હૈ” તેમણે લગભગ દયનીય નજરે મારી તરફ જોયું. “અરે આપને બહુત તકલીફ ઉઠાઈ.” એમ કહી બહુજ પ્રેમથી બે હાથે તે સ્વીકારી.

'અરે! યે તો દુની ઔર સુરેશ હૈ!'  'જલસો'ના અંક દ્વારા
મુલાકાતની યાદ તાજી કરતા આર.એલ.ઠાકુર
અનેે તેમનાંં પત્ની
વજન ઊંચકીને આવવામાં આપણને કેવી તકલીફ પડે એની તેમને સારી રીતે ખબર હતી. કેટલાય લોકો વજન ઉંચકીને ચાલી ન શકતાં રોજના પાંચસો-સાતસો જેટલી રકમ આપવા પણ તૈયાર થઈ જાય છે. આથી એ પેકેટનું મૂલ્ય તેઓ બરાબર જાણતા હતા. મેં ‘જલસો’ના અંકમાંથી સુરેશ અને દુનીચંદના ફોટાવાળું પાનું કાઢ્યું અને અંક તેમના હાથમાં મૂક્યો. “અરે! યે તો દુની ઔર યે સુરેશ હૈ.” કહીને તેઓ તેમનાં પત્નિને ફોટો બતાવવા માંડ્યા. “અરે! પુષ્પા ઔર રેશ્મા ભી હૈ.” કોફી પીતાં પીતાં મેં તેમને એ લખાણનો સારાંશ સમજાવ્યો. ઘણો સમય થઈ ગયો હતો. મેં રજા માંગી. તેઓ ગદગદિત થઈ ગયા. મારી સાથે હું ફેમિલિ લઈને આવ્યો છું, એ જાણીને સાંજે બધાને લઈને આવવા આમંત્રણ આપ્યું. મારી આનાકાની જોઈને કહે, ‘તો હું ત્યાં મળવા આવીશ.’ આખરે ફરીથી ચોક્કસ આવવાનું કહી મેં વિદાય લીધી અને ગામ વટાવતો કેમ્પસાઈટ તરફ આગળ વધ્યો.
**** **** **** 
મારા પગ એટલી ઝડપ અને મક્કમતાથી પડતા હતા કે જાણે હું મારા ગામ મહેમદાવાદમાં ફરતો હોઉં.  ગ્રહણના રસ્તાઓ, શેરીઓ જાણીતાં લાગતાં હતાં. એટલામાં કોઈ મને બૂમ પાડતું હોવાનો અહેસાસ થયો. પાછા વળી મેં ફાંફા માર્યા તો “ઉપર, ઉપર” અવાજ આવ્યો. મેં ઉપર જોયું તો ડોલમા, તેની મમ્મી રીમા અને તેના સાસુ ઉપર બેઠા હતા. “આપ યહાં રહતે હૈ?” મેં પૂછ્યું. “હાં” મેં તેમની સાસુને પ્રણામ કર્યા, અને સહેજ યાદ અપાવ્યું કે આગલી વખતે તેમનો ફોટો લીધો હતો. એટલે તેઓ હસ્યાં અને કહે, “ફોટો લાયે કે નહિ?” મેં કહ્યું, “મુઝે પતા નહિ થા કિ આપ સે ભી હમ મિલેંગે...” આ સાંભળીને તેઓ તરત બોલ્યાં,”મૈં મર ગઈ હોગી, એસા લગા થા?” આમ કહીને બોખા મોંએ ખડખડાટ હસ્યાં. મેં કહ્યું, ” નહિ, નહિ, ઈશ્વર આપકો સો સાલ કી આયુ દે. આપ ઈસ તરહ રાસ્તે મેં દુબારા મિલેંગે ઐસા સોચા નહિં થા.” મારી સો સાલની વાત સાંભળી ડોલમાએ તો બુઢ્ઢીની એક્શન પણ કરી. અમે બધા જ ખડખડાટ હસવા લાગ્યા. હાથ હલાવી મેં ઝડપથી પગ ઉપાડ્યા.

'ફોટો લાયે કિ નહીં?' પરિચીત શેરીઓમાં પરિચીત ચહેરા

હું અમારી કેમ્પ સાઈટ પર આવી પહોંચ્યો. ત્યાંની વિધિઓ પૂરી કરી. પાછો ગામમાં જવા નીકળી પડ્યો. મારી સાથે આવવાના કોઈના હોશકોશ રહ્યા નહોતા. પણ યેશા અને શચી તૈયાર થઈ ગયાં. હું સીધો પહોંચ્યો ‘હોટેલ માઉન્ટ વ્યુ’ પર. અહીં જ અમે ગયે વખતે ચાર દિવસ રોકાયાં હતાં. પુષ્પાબહેન બહાર જ હતાં. તેમની સાથે થોડી વાતો કરી. રેશ્મા વિષે પૂછ્યું. તે ગામમાં તેના ઘેર હતી. પુષ્પાબહેન જઈને તેને બોલાવી આવ્યાં. રેશ્માને જોતાં જ મારો ચહેરો ખીલી ગયો. હું હસતાં હસતાં જ બોલ્યો, “પહચાના કે નહિ?” રેશમા એકદમ સહજતાથી બોલી, “અરે, આપ કો વહીં સે દેખતે હી પહચાન ગઈ. કૈસે હો આપ?” આમ કહી બધાની ખબર પૂછી. તેનો દિકરો બિમાર હોવાનું મેં જાણેલું. એટલે એવી બધી વાતો થઈ.

બીજા દીકરા સાથે રેશમા 
મેં આગલા વખતનો ફોટો બતાવવાના હેતુથી મોબાઈલ હાથમાં લીધો. કહ્યું, ‘મૈં આપકો હમારા ફેમિલિ ફોટો દિખાતા હૂં.’  “જરુરત નહિ. મુઝે સબ કે સબ બરાબર યાદ હૈ” એમ કહીને બધાની યાદ તેણે અપાવી અને મને તસલ્લી કરાવી કે તેને ખરેખર બધાના ચહેરા યાદ હતા. મેં ભાખરવડીનું પેકેટ અને ‘જલસો’નો અંક તેના હાથમાં મૂક્યો. ‘જલસો’માં તેના ઉલ્લેખવાળું પાનું બતાવ્યું. હું તેને લખાણ સમજાવતો ગયો એમ ભૂતકાળની ઘટનાઓ યાદ આવતાં તેના ચહેરા પર વારંવાર હાસ્ય રેલાઈ જતું હતું. રેશ્મા કહે, “આપકી લિખાઈ હિંદી જૈસી લગતી હૈ. અક્ષર કુછ કુછ માલુમ પડતે હૈં. મૈં પઢને કી કોશીશ કરુંગી.” આ સાંભળી મને ખૂબ જ આનંદ થયો. તેણે ચા-કોફીનો વિવેક કર્યો.
'મૈં પઢને કી કોશિશ કરુંગી': પોતાની
તસવીરવાળું પાન જોતી રેશમા 
પણ અમે પ્રેમથી ના પાડી. તો કહે, ‘નહીં. કુછ તો લેના પડેગા. પછી કહે, “અચ્છા, મૈં પૅન કેક બના દેતી હું.” અગાઉ અમે આવ્યાં ત્યારે પણ રેશ્માએ અમને ખાસ પોતાના તરફથી પૅન કેક બનાવી આપી હતી. તેણે તેના નાનકડા દિકરાને સાસુને સોંપ્યો. તે રસોડામાં જઈને કામે લાગી ગઈ.
હવે પુષ્પાબેને વાતચીતનો દોર હાથમાં લીધો. થોડી વાત કર્યા પછી મારી સાથે આવેલી યેશા અને શચીને તેમણે પોતાનું ગેસ્ટહાઉસ બતાવ્યું, સગવડો શું છે અને ભાવ શું છે તે પણ જણાવ્યું. હું રેશ્મા સથે વાતોએ વળગ્યો. રેશ્માના ઘેર આગલા દિવસે કોઈ નાનો પ્રસંગ હતો તેથી સગાંવહાલાં આવ્યાં હતાં. જે એક એક કરીને વિદાય થઈ ગયા હતા. મને રસ્તામાં તેના જેઠ પુરનભાઈ તેમના કુટુંબ સાથે મળ્યા હતા, એ મેં જણાવ્યું. દરમિયાન પૅન કેક તૈયાર થતાં અમે ગરમ ગરમ આરોગી. પછી મેં તેમના કેટલાક ફોટો લીધા. મારી સાથે હું એક ચિઠ્ઠી લાવેલો. મારી નાની દિકરી મલકે રેશ્માને ઉદ્દેશીને તે લખી હતી. મેં તેના હાથમાં આપી. મલકનો ચહેરો તેને બરાબર યાદ હતો. ચિઠ્ઠી વાંચતા હું તેના ચહેરાના ભાવ અવલોકી રહ્યો હતો. વાંચીને તે મલકાઈ. વચમાં પુષ્પાબહેન બોલતાં રહેતાં, ‘આજ આપ યહીં ઠહર જાઓ, સુબહમેં ચલે જાના. અચ્છા લગેગા.’ પછી જાતે જ કહે, ‘લેકિન આપ કો તો પરમિશન નહિ દેગા ના. વહાં રહના પડેગા, નહિ તો આ જાઓ આપ યહાં.’ મેં હસતા હસતા કહ્યું, “ઈસકી કોઈ જરુરત નહિં હૈ. બસ, આપ લોગોં કો મિલના થા. બહુત મજા આયા, આપસે મિલકર.” નમસ્કાર કરી અમે સાથે સાથે જ ચાલવા લાગ્યા. રેશ્મા તેના ઘર તરફ વળી ગઈ, હું ફરીથી સુરેશના ઘર તરફ.


'આપ યહીં ઠહર જાઓ..' : પુષ્પાબેન 

પાછા વળતાં ઘણું મોડું થયું હતું. યેશાના બુટમાં ગ્રીપ થોડી ઓછી હતી, એટલે તે અવઢવમાં હતી. ગામમાં વચ્ચોવચ એક દુકાન હતી. ખરું પૂછો તો ગામની એ એક માત્ર દુકાન હતી. ત્યાંથી અમારે જોઈતા બૂટ મળી ગયા. પણ ખિસ્સામાં હાથ નાંખતાં યાદ આવ્યુ કે પૈસા તો લીધા જ નથી. હવે શું? પણ દુકાનમાં હાજર નીન્નાબહેન વરસોથી ઓળખતાં હોય એમ બોલ્યાં, “કોઈ બાત નહિં, લે જાઓ.” હું ખરેખર દિગ્મૂઢ થઈ ગયો. કોઈ ઓળખાણ-પિછાણ વગર કેટલી સાહજિકતાથી તેઓ અજાણ્યાનો ભરોસો કરતા હતા? સાથે એ પણ વિચાર આવ્યો કે ગ્રહણને વિકાસનું ‘ગ્રહણ’ લાગશે ત્યાર પછી આ બધું ટકશે? અમે અમારી સાથે એક ત્યાંના નાનકડા છોકરાને સાથે લીધો, જેથી તેની સાથે પૈસા મોકલાવી શકાય.
**** **** ***** 
બીજા દિવસે સવારમાં આગળ વધવાનું હોવાથી નાસ્તો, પેકલંચ વગેરે આટોપાઈ રહ્યું હતું. અચાનક મેં જોયું તો અમારા કેમ્પ લીડર સાથે કોઈ વાત કરતું હતું. ચહેરો જોતાં જ હું ઝડપથી હાથ ઊંચો કરીને તે તરફ ધસી ગયો. “કેસે હો, સુરેશ?” અમે ભેટ્યા. સુરેશ ખાસ અમને મળવા આવ્યો હતો. કેટલીય વાર સુધી અમે વાતો કરતા રહ્યા, અને થોડી થોડી વારે એકબીજાને ભેટતા રહ્યા. તેના હાથમાં કંઈક હતું. થોડી વારમાં તેણે એ વસ્તુ મારા હાથમાં પકડાવી. મારા માટે તે નાનકડી ભેટ લઈને આવ્યો હતો. મેં આનાકાની કરી, પણ તે મારા હાથમાં એ પકડાવીને જ જંપ્યો. દરમિયાન વરસાદ ધીમો વરસવાનું શરુ થઈ ગયું હતું. સુરેશે જણાવ્યું કે તેને ગુજરાતમાં આવવાનું થવાનું છે. મેં તેને બેઝિઝક અમારે ત્યાં જ આવવાનું અને રોકાવાનું કહ્યું. ફોન નંબરની આપ-લે કરી. છેલ્લી વખત ભેટીને તેણે વિદાય લીધી. ઝરમર ઝરમર વરસાદમાં હું તેને જતો જોઈ રહ્યો. મારા માટે ગ્રહણની આ બીજી મુલાકાત એક યાદગાર સંભારણું બની રહ્યું. વરસાદની જાણે કોઈ ફિકર-ચિંતા નહોતી. અચાનક મારા ભાઈએ બૂમ પાડી મને બોલાવ્યો અને તંદ્રાવસ્થા જેવી આ અવસ્થામાંથી હું બહાર આવ્યો. સુરેશે આપેલી ગીફ્ટને હૈયાસરસી ચાંપીને હું આગળની કાર્યવાહીમાં પરોવાઈ ગયો. હવે હું એકલો નહોતો.
મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ગ્રહણની ઘટનાઓ, પાત્રો અને સ્મૃતિનું એક આવરણ હતું. તેને લઈને હું આગળ વધ્યો.