Showing posts with label Nadiad. Show all posts
Showing posts with label Nadiad. Show all posts

Wednesday, November 19, 2025

સર્જકતાની શોધ: શા માટે? શી રીતે?

ઊપક્રમ એવો હતો કે નડિયાદની આયુર્વેદિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ મારે નડિયાદના ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ 'સ્ટડી સર્કલ' વિશે વાત કરવી. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ (સ્વ.) કુલીનચંદ્ર યાજ્ઞિકે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો. દર ગુરુવારે સાંજના છ વાગ્યે કુલીનકાકા ગોવર્ધન સ્મૃતિમંદીરે આવે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. સંખ્યા ક્યારેક બે પણ હોય તો ક્યારેક બાવીસ પચીસ પણ હોય. કુલીનકાકાનું આવવું અને વાત કરવું અચળ. છેક એમના અવસાનના થોડા સમય પહેલાં સુધી તેમણે આ ચાલુ રાખેલું. એમના પુત્ર પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું- પણ સંકળાયા. પ્રો. હસિત મહેતા આ આખી પ્રવૃત્તિ પાછળનું ચાલકબળ. અહીં મજા એ આવતી કે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય નહીં, તેમની સાથે સંવાદ સધાતો, જેમાં સૌના મનની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. કોઈ પણ વિષય અંગે અહીં મુક્તતાથી વાત થઈ શકે એવું વાતાવરણ કુલીનકાકાએ ઊભું કરેલું. અમારા સૌની જવાબદારી એને જાળવી રાખવાની. બારેક વર્ષ થયા એટલે હવે અહીં આવનારા વિદ્યાર્થીઓની પણ બીજી- ત્રીજી પેઢી આવી. પણ એક સમયે અહીં સંકળાઈ ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ભલે ગમે ત્યાં હોય, હજી તેઓ માનસિક રીતે અહીં સંકળાયેલા રહ્યા છે. આમ, એક બિરાદરી ઊભી થઈ છે એમ કહીએ તો ખોટું નહીં.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું મહત્ત્વ જેટલી તેમની જરૂરિયાત છે, એટલી જ આપણી પણ જરૂરિયાત છે, કેમ કે, એ વિના તેમની સમસ્યાઓ કે વિચારજગતનો અંદાજ આવી શકે જ નહીં. હજી વધુ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતગાર કરવા અમે નડિયાદની વિવિધ કોલેજોમાં જવા વિચાર્યું છે. આ ઉપક્રમની શરૂઆત ગઈ કાલે થઈ ગઈ. 'સ્ટડી સર્કલ'ના જ બિરાદર અને નડિયાદની આયુર્વેદિક કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મિત્ર ભાર્ગવે સુશ્રી ભાગ્યશ્રી ટંડેલના સહયોગથીપોતાની કોલેજમાં આ ઊપક્રમ ગોઠવ્યો. આ કોલેજના કેયુર અને વશિષ્ઠ પણ 'સ્ટડી સર્કલ' સાથે સંકળાયેલા છે.
એ મુજબ વિદ્યાર્થીમિત્રો નાઝનીન અને જૈનિક સહિત અમે ત્યાં પહોંચી ગયા. 'સર્જકતાની શોધ' જેવા વિષય પર વાતનો આરંભ કર્યો અને જીવનમાં સર્જકતાનું મહત્ત્વ કેટલું તેમજ કેવી રીતનું હોય એ વિશે વાત કરી. ત્યાર પછી ટૂંકમાં નડિયાદના અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય તેમજ ગોવર્ધનરામ સ્મૃતિમંદિર વિશે તેમજ ત્યાં ચાલતી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. એ પછી ભાર્ગવ અને જૈનિકે આ સ્થળ સાથે પોતે સંકળાયા તેના અનુભવ ટૂંકમાં કહ્યા.
સમય પ્રમાણમાં ઓછો હોવાથી પ્રશ્નોત્તરી થઈ શકી નહીં. પણ આવા સ્થળે જઈએ ત્યારે એક વાત વિદ્યાર્થીઓને ખાસ કહેતા હોઈએ છીએ કે 'સ્ટડી સર્કલ' સાથે સંકળાવ કે ન સંકળાવ એનું મહત્ત્વ એક હદથી વધુ નથી. પણ તમે સમરસિયાઓ ભેગા મળીને આવું કશુંક અનૌપચારિક મિલન કરતા રહો અને વિવિધ વિષય પર વાત કરવાનું રાખો. કેમ કે, હવે વ્યક્તિગત સંવાદની જરૂર વધુ છે. ક્યારેક ક્યાંકથી અમને જાણવા મળે કે અમુક સ્થળે વિદ્યાર્થીઓ આને અનુસરે છે ત્યારે એ જાણીને આનંદ થાય.
કાર્યક્રમની કેટલીક તસવીરો.

ભાગ્યશ્રી મેડમ દ્વારા ચોકલેટથી અભિવાદન

'સ્ટડી સર્કલ'ના ઊપક્રમ વિશે વાત

વિદ્યાર્થીઓ સાથે સંવાદ

'સ્ટડી સર્કલ'ના પોતાના અનુભવ જણાવી રહેલા ભાર્ગવ


(તસવીર સૌજન્ય: કેયુર અને નાઝનીન)

Sunday, September 14, 2025

મેરે કદમ જહાં પડે...

"આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા બીલીનું એક વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો."

(સુવર્ણપુરનો અતિથિ, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
"મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો."
(વાડામાં લીલા, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
સર્જક કોઈક કાલ્પનિક વિશ્વ રચે ત્યારે તેમાં ઘણી વાર તેના સ્વાનુભવો પડઘાતા જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી, પણ એમ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' સંપન્ન થયાનું આ સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. ત્રણેક વર્ષથી હું નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદિર' સાથે સંકળાયો છું. (અહીં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે એક વારમાં લખી શકાય એમ નથી. એ ઉપક્રમ ફરી ક્યારેક). આ સ્થળ એટલે ગોવર્ધનરામનું નિવાસસ્થાન. અહીં તેમણે બાલ્યાવસ્થા તેમજ ઉત્તરાવસ્થા ગાળી હતી. 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ તેમણે આ જ મકાનમાં લખેલો. આ કૃતિને ઘોળીને પી ગયા છે એવા મિત્ર પ્રો. હસિત મહેતા અવારનવાર આ મકાન અને તેના આસપાસના સ્થળોનો 'સરસ્વતીચંદ્ર'માં અપાયેલો સંદર્ભ આપતા હોય છે. પ્રો. નીરજ યાજ્ઞિક પણ આ સમગ્ર બાબતે જાણકાર. શબ્દશ: નહીં, પણ ગોવર્ધનરામે અમુક દૃશ્યો લખ્યાં ત્યારે તેમના મનમાં કયું લોકેશન હશે એનો કંઈક અણસાર આ રીતે મળતો રહે છે.
'ગોવર્ધનરામ સ્મૃમંદિર'નું મુખ્ય પ્રવેશદ્વાર નાગરવાડામાં આવેલી ઝગડીયા પોળ તરફથી છે. તો તેનું પાછલું બારણું વ્યાસફળિયામાં પડે છે. અહીંથી એક નાનકડો રસ્તો સંતરામ મંદિર તરફ નીકળે છે. પણ એ પહેલાં મહાદેવનું એક મંદિર આવે છે, અને ત્યાંથી પગથિયાં ઊતરીએ કે એક તળાવ છે. તળાવ જાળવણીની આપણી પરંપરા અનુસાર તેમાં નકરો કચરો ઠલવાયેલો છે અને ગંદકીનું ઘર છે. આ તળાવનું નામ 'મલાવ તળાવ'. ગોવર્ધનરામ અહીં વાંચવા કે ટહેલવા માટે આવતા હતા. હજી આજે પણ આ વિસ્તારમાં પાંખી અવરજવર જોવા મળે છે, તો સવાસો દોઢસો વરસ પહેલાં આ સ્થળ કેવું રમણીય હશે એનો કંઈક અણસાર મળી રહે છે.

મલાવ તળાવથી આ પગથિયાં ચડીએ એટલે મહાદેવ
આવે, અને એ પછી થોડાં ડગલાં ચાલતાં
ગોવર્ધન સ્મૃતિમંદિર પહોંચાય.

ક્યારેક મારે કાર લઈને નડિયાદ આવવાનું થાય, યા કારમાં કોઈક મુલાકાતી આવે અને તેમને કાર પાર્ક કરવાની હોય તો આ તળાવ આગળ કાર પાર્ક કરાવીએ છીએ. અને તળાવના પરિચયથી જ 'ગોવર્ધનતીર્થની યાત્રા'નો આરંભ થાય છે. એ નાનકડું મહાદેવ પણ મસ્ત છે.
સરસ્વતીચંદ્ર'ના ભાગ 1ના બે પ્રકરણમાં તળાવ અને મહાદેવનું જે વર્ણન કરાયું છે એ આ સ્થળને ઘણું મળતું આવે છે. અહીંથી જેટલી પણ વાર પસાર થવાનું બને ત્યારે એ વિચારે રોમાંચ થાય છે કે ક્યારેક ગોવર્ધનરામનાં પગલાં અહીં પડ્યાં હશે.

વર્ષના બાકીના મહિનાઓમાં મલાવ તળાવ

વરસના બાકીના મહિના કચરાના ઢગ જેવું બની રહેલા આ મલાવ તળાવનું ચોમાસાનું સૌંદર્ય જોવા જેવું છે. આપણે આપણા કામની ન હોય એવી તમામ ચીજોને 'નકામી' માની લઈએ છીએ, પણ અત્યારે પાણી પર પથરાયેલી લીલ તળાવને કેટલું અદ્ભુત સૌંદર્ય બક્ષે છે!

ચોમાસામાં મલાવ તળાવનું સૌંદર્ય

Tuesday, August 12, 2025

સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ

-બીરેન કોઠારી

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!

ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમની મંચ ઉપર અને પાછળની ટીમ 

લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.

(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)

Thursday, May 1, 2025

અન્ના કરેનીનાએ કુમુદસુંદરીને ટોલ્સ્ટોય વિશે શી ફરિયાદ કરી?

(યોગાનુયોગે આ બ્લૉગની આ સાતસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011થી આરંભાયેલી આ સફરના ચૌદ વર્ષ પૂરા થવામાં છે. મનગમતા અનેક વિષયોનું આમાં ખેડાણ થઈ શક્યું એનો આનંદ છે. વાંચનારા, પ્રતિભાવ આપનારા સૌ વાચકમિત્રોનો પણ આભાર. 

  - બીરેન કોઠારી

અગાઉ પણ એક કાર્યક્રમના રીહર્સલનો અહેવાલ લખેલો. એ કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ બનેલું. અને એ કાર્યક્રમનો અહેવાલ ઉર્વીશે પોતાના બ્લૉગ પર લખેલો. આ વખતે સ્થિતિ અમુક અંશે એવી જ છે. આજે થયેલા રીહર્સલનો અહેવાલ લખવાનો છે, અને કાર્યક્રમ આવતી કાલે છે.

એ પણ મુંબઈમાં, જેમાં મારે હાજર રહેવાનું નથી. આવાં, સીધેસીધાં ન ઊતરે એવાં, કાર્યક્રમને બદલે રીહર્સલનો અહેવાલ લખવાની આપણને ફરજ પડે એવાં કામ પાછળ જવાબદાર એક જ વ્યક્તિ હોય! એ વ્યક્તિ એટલે હસિત મહેતા. એકેડેમિક શૈલીમાં કહીએ તો પ્રા.ડૉ. હસિત મહેતા. શૈક્ષણિક જગતમાં એમની બહુવિધ ઓળખ છે, અને શિક્ષણેતર જગતમાં પણ. હસિતભાઈના વિશેષ પરિચયને બદલે મૂળ વાત પર આવી જઈએ.
અંધેરી, મુંબઈના ભવન્સ ખાતે 2, 3 અને 4 મેના રોજ 'વ્યાપન પર્વ' નામનો સાહિત્યિક કાર્યક્રમ છે. સાહિત્ય અને સંસ્કૃતિ જગતનાં અનેક મોટાં માથાં (પોતાના ધડ સહિત) એમાં ઉપસ્થિત રહેવાનાં છે. હસિતભાઈની દૃષ્ટિ અને અમલનું સુફળ એટલે નડિયાદની ઝગડીઆ પોળમાં આવેલું 'ગોવર્ધન સ્મૃતિમંદીર'. આ વર્ષ 'સરસ્વતીચંદ્ર' લખાયાનું સવાસોમું વરસ છે. હસિતભાઈએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ. એનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ. પોતે નડીયાદની અને ખરેખર તો ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કૉલેજના આચાર્ય હોવાને કારણે એમને પહેલો વિચાર આમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
હસિતભાઈ પાસે આવા બધા સવાલોના એક કહેતાં અનેક જવાબ મળે. કોઈ એમને ન પૂછે તો એ જાતે જ જાતને સવાલ પૂછે અને એના જવાબ મેળવતા રહે. અહીં સુધી વાંધો નહીં, પણ પછી એના અમલીકરણમાં વિવિધ સૃષ્ટિના જીવોનો પ્રવેશ થતો જાય. આ બાબતે પણ કંઈક આવું જ થયું.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
અન્ના (નાઝનીન) અને કુમુદ (પૂજા)
લીઓ ટોલ્સ્ટોયની 'અન્ના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આથી એમણે અન્ના અને કુમુદસુંદરી વચ્ચેનો સંવાદ કલ્પ્યો અને એના થકી સર્જકના વિચાર શી રીતે વ્યક્ત કરાયા છે એ વિચાર્યું. આખો વિચાર એમણે આ બન્ને પાત્રો વચ્ચેના સંવાદ થકી વ્યક્ત કરીને એને લખ્યો. એમાં ક્યાંક ફ્લેશબેકની જેમ મૂળ કથાના એકાદ બે પ્રસંગ પણ આવે. આના લેખનને આખરી ઓપ અપાઈ ગયો એટલે હવે વાત આવી એની મંચ પર ભજવણીની. બે વિદ્યાર્થીનીઓ પૂજા અને નાઝનીનની પસંદગી થઈ. એ ઊપરાંત અન્ય પાત્રોમાં મિતાલી અને અલ્ફીના પણ ખરાં. આ લોકો લુણાવાડા જઈને પ્રો. કમલ જોશી પાસે એનું રીહર્સલ કરે એવી ગોઠવણ થઈ. ચાર-પાંચ દિવસ આ ચાલ્યું અને એક આખું સ્વરૂપ નજર સમક્ષ ઊઘડવા લાગ્યું. આ પહેલી વાત.

સરસ્વતીચંદ્ર (મિતાલી) અને કુમુદ (પૂજા)

બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન) કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. કુલીનકાકા દર ગુરુવારે સાંજના છ વાગ્યે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં આવે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ પણ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી ઉર્વીશ અને હું પણ આમાં સંકળાયા છીએ. અહીં મજા અનૌપચારિક ચર્ચાની. એટલે હસિતભાઈએ વિચાર્યું કે આપણે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીએ અને એની ચર્ચા થકી 'સરસ્વતીચંદ્ર'ના કોઈક પાસાને ઉજાગર કરીએ. એ મુજબ રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ઝીલાયેલું ભારતીય રેનેસાં (નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવું. પ્રાથમિક મુસદ્દો એમણે તૈયાર કરી દીધો, પણ એને 'જી.ડી.'ના સંવાદસ્વરૂપમાં ફેરવવાનું કામ ઉર્વીશને અને મને સોંપ્યું. એટલે આ થઈ બીજી વાત.

વાસ્તવિક 'જી.ડી.' વખતે 'ભજવાનારી જી.ડી.'નું રીહર્સલ

'જી.ડી.'ના રીહર્સલની એક ઝલક

હજી ત્રીજી વાત બાકી હતી. 'સરસ્વતીચંદ્ર'માં આવતાં અનેક ગીત પૈકીનાં અમુક તેમણે પસંદ કર્યાં. એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક બનાવડાવી. અને બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી કર્યું.

આસ્થાનાના ગાયનની એક ઝલક

આમ, 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ થકી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કહી શકાય. આજે બપોરના સમયે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં ગાયન સિવાયની બન્ને આઈટમોનું રીહર્સલ હતું. વિદ્યાર્થીનીઓ જે તલ્લીનતાથી પોતાનો પાઠ ભજવી રહી હતી, વિદ્યાર્થીઓ જે રીતે ચર્ચાને લાઈવ બનાવતા હતા એના સાક્ષી બનવાની બહુ મજા આવી. આરંભે દેવાંગ દ્વારા 'જી.ડી.'ના અપાયેલા પરિચય પછી તપન, દીપ, મોક્ષિતા, અલ્ફીના, નાઝનીન અને જીગર વચ્ચેની ચર્ચાનું સુકાન પ્રો. ઝંખનાબહેને સંભાળેલું. જૈનિક, સ્મિત, પ્રો. હરીશભાઈ, પારૂલબહેન, ડૉ. અલ્પાએ પૃષ્ઠભૂમિમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી.
આવતી કાલે પહેલવહેલી વાર આ તમામ વસ્તુઓ મંચ પર ભજવાશે, પણ એ એક જ વાર નહીં હોય. ગુજરાત આખામાં અનેકવિધ શાળા-કોલેજે આને પહોંચાડવાની નેમ છે. એ માટે બે-ત્રણ ટીમ તૈયાર થઈ રહી છે, પણ આજે આ રીહર્સલનો કંઈક અનોખો રોમાંચ છે. આવા કામનો એક નાનકડો હિસ્સો બનવાનું થાય ત્યારે જે આનંદ આવે એની વાત જ ઓર છે.
આ રીહર્સલની કેટલીક તસવીરો.

(તસવીર/વિડીયો ક્લીપ સૌજન્ય: દેવાંગ, જૈનિક, હસિત મહેતા)

Saturday, March 16, 2024

રુંવાડાં ખડા, આંખો ભીની

કાર્યક્રમનો, થઈ ગયેલા કાર્યક્રમનો અહેવાલ હોય. કાર્યક્રમના રીહર્સલનો કંઈ અહેવાલ હોય? પણ છે. આ અહેવાલ આવતી કાલે યોજાનારા કાર્યક્રમના રીહર્સલનો જ છે.

નડિયાદની જ નહીં, સમસ્ત ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કોલેજ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ દ્વારા આવતી કાલે, 17 માર્ચની સવારે સાડા નવે એક કાર્યક્રમનું આયોજન છે, જેનું શિર્ષક છે 'સો દા'ડા સાસુના, એક દા'ડો વહુનો.'
આ કૉલેજના પ્રાચાર્ય પ્રો. હસિત મહેતા સાથે દીર્ઘ પરિચય છે, અને તેમની કાર્યશૈલીથી ઘણો પરિચીત છું.
આ કૉલેજ ખરા અર્થમાં અનન્ય કહી શકાય એવી છે. અહીં ભણવા આવતી એકે એક વિદ્યાર્થીનીઓની આગવી કહાણી છે. આપણે સામાન્ય જીવનમાં કલ્પી ન હોય એવી વિપરીતતાઓ વચ્ચે પણ તેઓ કૉલેજ આવે છે, એટલું જ નહીં, પોતાના ક્ષેત્રે નામ ઊજાળે છે. કોઈક વિદ્યાર્થીની ખેતરમાં પાણી વાળવાનું કામ કરે, કોઈ વિદ્યાર્થીની પશુપાલન કરે, કોઈક પતંગો બનાવે, કોઈક ગરબાનું સુશોભન કરે, તો કોઈક સાવ ફેંકી દીધેલી ચીજમાંથી સુશોભનની એવી કળાકૃતિઓ તૈયાર કરે કે આપણે કદી કલ્પ્યું સુદ્ધાં ન હોય! વિદ્યાર્થીનીઓ આ કામ કંઈ માત્ર શોખ પૂરો કરવા માટે નથી કરતી, પણ આજીવિકા લેખે આ કામ તેમણે અપનાવ્યું છે. એટલે કે શોખ તો ખરો જ, પણ તેને આજીવિકા તરીકે અપનાવીને તેઓ તેમાંથી પોતાના અભ્યાસનો ખર્ચ કાઢે છે, સાથોસાથ, પરિવારને પણ ટેકારૂપ થાય છે. અને આ બધું તેઓ સાવ સહજપણે કરે છે. એ તો વિદ્યાર્થીનીઓ સાથે જીવંત સંપર્ક રાખતા પ્રાચાર્ય તેમજ અધ્યાપકગણ થકી આ બધું જાણવા મળે ત્યારે ખબર પડે!
એક તરફ આર્થિક -સામાજિક વિપરીતતાઓ અને એમાં અભ્યાસ આગળ ધપાવવાનો, સાથોસાથ પોતાના કૌશલ્યને વિકસાવીને આજીવિકા પણ રળવાની! આ સંજોગો એ સાસુ! આ વિપરીતતાઓ એ સાસુ! આ પ્રણાલિ એ સાસુ! આ અવરોધો એ સાસુ! અને એના પાછા સોએ સો દા'ડા! આ બધા વચ્ચે પોતાની પ્રતિભાના, પોતાના કૌશલ્યના પ્રદર્શનનો અને તેને બીરદાવવાનો ઉપક્રમ એટલે 'એક દા'ડો વહુનો.'
આજે સવારના દસ વાગ્યાથી નડિયાદના 'ઈપ્કોવાલા હૉલ'માં શરૂ થયેલું રિહર્સલ બપોરે ત્રણેક વાગ્યે પત્યું. કોઈ કલ્પી શકે કે સ્ટેજ પર સિલાઈ મશીન ગોઠવાયાં હોય અને એની પર બે વિદ્યાર્થીનીઓ નિદર્શન કરે? ગરબાનું સુશોભન ત્રણ વિદ્યાર્થીઓ લાઈવ કરી બતાવે? અરે, એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્ટેજ પર વાનગી બનાવે! સ્ટેજ પર ગેસનો ચૂલો, તવો, અને તડકો! આ બધું નજર સામે થતું જોઈને રીતસર રુંવાડા ખડા થઈ ગયા! પણ આસ્થાના નામની વિદ્યાર્થીનીએ તો રીતસર આંખો ભીની કરાવી દીધી. પ્રજ્ઞાચક્ષુ એવી આસ્થાનાના ભાગે એક ગીત ગાવાનું હતું. એની તૈયારી તે કરીને આવી હતી, પણ છેલ્લી ઘડીએ અન્ય એક વિદ્યાર્થીની ન આવી શકી એટલે તેને બદલે આસ્થાનાનું વધુ એક ગીત મૂકવાનું નક્કી થયું. અડધો-પોણો કલાક જેટલા ટૂંકા સમયમાં આસ્થાનાએ એ આત્મસાત કરી લીધું અને જે સહજતાથી રજૂ કર્યું એ સાંભળીને રીતસર આંખો ભરાઈ આવી. (એના ગાયનની ઝલક આપતી નાનકડી ક્લીપ મૂકી છે.)
આ કાર્યક્રમના રિહર્સલમાં હાજર રહેવાનો રોમાંચ એવો હતો કે એમ લાગ્યું કે રિહર્સલના અહેવાલ થકી આ કાર્યક્રમની જાણ સૌને કરવી જોઈએ. આવતી કાલે આપ નડિયાદમાં હો કે નડિયાદ આવી શકો એમ હો તો આપનું આ અનોખા અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં સ્વાગત છે. આ કાર્યક્રમ તેમાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈના જીવનભરનું સંભારણું બની રહેશે એની ખાતરી. કાર્યક્રમના સ્થળ અને સમયની વિગતો અહીં મૂકેલી છે.
આવતી કાલના કાર્યક્રમના આજે થયેલા રિહર્સલની કેટલીક તસવીરો.


સિલાઈકામ અને ભરતગૂંથણનું નિદર્શન

રસોઈનું નિદર્શન

આયોજનની રૂપરેખા અંગે ચર્ચા
 

આસ્થાનાના સ્વરે ગવાયેલા ગીતની ઝલક