અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!
Sunday, February 9, 2025
ગુજરાતમાં, ગુજરાતીમાં થઈને વિસરાઈ ગયેલી એક ચર્ચા અંગ્રેજીમાં...
Saturday, February 8, 2025
કરુણાંતિકાનો વ્યંગ્યાત્મક દસ્તાવેજ
કરુણ પરિસ્થિતિમાં આંસું વહી આવવાં ઘણાખરા લોકો માટે સામાન્ય બાબત હોય છે, જ્યારે ઘણા લોકોની આંખો સાવ કોરી રહી જાય એમ પણ બનતું હોય છે. પણ કરુણ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? ચલચિત્ર જ્યારે ફક્ત સિનેમાના પડદે જ જોવા મળતાં ત્યારે એવો મોટો વર્ગ હતો કે જે પડદા પરનાં દૃશ્યો જોઈને આંસુ વહાવતો. ખાસ આવા વર્ગ માટે જ અંગ્રેજીમાં જેને Tearjerker કહે છે એવી ફિલ્મ કે ફિલ્મમાંનાં દૃશ્ય લખવામાં આવતાં. જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ અફર સત્ય સૌ જાણતાં હોવા છતાં મૃત્યુ સામાન્ય રીતે કરુણ પરિસ્થિતિનું જનક બની રહે છે. તેનું કારણ છે તેની આકસ્મિકતા.
| પાત્રોનું પછી શું થયું? |
| "અકળાશો નહીં. અમે એક બીગ પરેડ'ની સિક્વલનું ફિલ્માંકન કરી રહ્યા છીએ." "અને માર્યા ગયેલા સ્ટુડન્ટ એકસ્ટ્રા હતા!" |
Sunday, May 28, 2023
મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ
નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...
આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો.
હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.
માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે.
![]() |
| રમેશભાઈના હસ્તાક્ષર |
રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન)
(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)
Saturday, May 27, 2023
સાંધ્યગોષ્ઠિ
કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. મને મળેલું એક પુસ્તક જોતાં જ આવા વિચાર આવ્યા. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પુસ્તકમાં છે.
![]() |
| 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ |
Tuesday, June 7, 2022
વ્યારાની સાહિત્યપરંપરાને ઉજાગર કરતી પુસ્તકત્રયી
દસ્તાવેજીકરણ બાબતે આપણું વલણ સામાન્ય રીતે ઉદાસીન રહ્યું હોય એવું જોવા મળ્યું છે. જે કંઈ થાય એમાં પણ ધોરણસરનું ઓછું જોવા મળે. એક એક ફોટામાં દસ- બાર- પંદર લોકો કાં એમના એમ ઊભા હોય, કાં હાથમાં કશુંક ચોરસ કે લંબચોરસ પકડીને ઊભા હોય એવા ફોટાઓની ભરમાર મોટે ભાગે આવા પુસ્તકોમાં વધુ હોય છે. આના થકી જે તે સંસ્થા કે વ્યક્તિની તવારીખનો ભાગ્યે જ અંદાજ આવે. આવા કામોમાં ક્યારેક સુખદ અપવાદ જોવા મળે ત્યારે આનંદ થાય. 2018 માં પ્રકાશિત આ પુસ્તકત્રયીનું લેખન-સંપાદન દક્ષાબેન વ્યાસના દ્વારા અને તેમના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.
****
કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણેક વરસ અગાઉ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં છે. પુસ્તકત્રયી પૈકીનું પહેલું પુસ્તક છે 'સાંધ્યગોષ્ઠિ'.
વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.
ડૉ. દક્ષાબેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.
વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.
આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.
![]() |
| હોમાય વ્યારાવાલા વિશે વ્યારા ખાતે 'સાંધ્યગોષ્ઠિ'માં દૃશ્યશ્રાવ્ય રજૂઆત |
![]() |
| 'સાંધ્યગોષ્ઠ' પુસ્તકમાં આ વાર્તાલાપની નોંધ |
બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનેશ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.
'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.
મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.
****
Wednesday, May 11, 2022
'રૂપપ્રદ કલા'નો પુનર્જન્મ
'આપણને એમાં સમજણ ન પડે.' આ વાક્ય ઘણા બધાના મોંએ, ઘણી બધી બાબતો અંગે સાંભળવા મળતું હોય છે. ખાસ કરીને કળાની, દૃશ્યકળાની વાત આવે ત્યારે આ સૌથી વધુ લોકોના મોંએ બોલાતું વાક્ય હશે. શાળામાં ચિત્રકામનો વિષય ભણવામાં આવતો, અને 'બાળચિત્રાવલી' તેના પાઠ્યપુસ્તક તરીકે આવતી, ત્યારે એમાંના ચિત્રો મોટા ભાગના લોકો જાતે દોરવાને બદલે ચિત્રકામના ઉસ્તાદ એવા કોઈક પાસે જ દોરાવી લેતા. જે આબેહૂબ ચીતરી શકે એનું ચિત્રકામ સારું ગણાતું, અને એને લોકો ચિત્રની પરીક્ષા આપવાની સલાહ આપતા. રાજ્ય કક્ષાની ચિત્રકળાની બે પરીક્ષાઓ 'એલિમેન્ટરી' અને 'ઈન્ટરમિડીયેટ' ઘણા બધાએ આપી હશે, પાસ કરી હશે, અને તેનાં નાની સાઈઝનાં પ્રમાણપત્રો પણ સાચવી રાખ્યાં હશે. પોતે ધાર્યું હોત તો ચિત્રકળામાં આગળ વધી શક્યા હોત એવો વહેમ પણ પંપાળતા રહ્યા હશે. (ખોટું નહીં કહું, મેં પણ આ બન્ને પરીક્ષાઓ પાસ કરી છે.) અલબત્ત, આ પરીક્ષાઓ થકી ચિત્રકળાની કેટલી સમજણ વિકસી હશે એ સવાલ છે!











