Showing posts with label Amity school. Show all posts
Showing posts with label Amity school. Show all posts

Tuesday, September 8, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (1)

મનુષ્યની જેમ પુસ્તકની પણ એક નિયતિ હોય છે. એ લખાતું હોય ત્યારે જુદું હોય, પ્રકાશન થાય ત્યારે જુદું હોય, અને વાચકના હાથમાં પહોંચે ત્યારે પણ જુદું હોય. આમ તો, વાચકના હાથમાં પુસ્તક પહોંચે અને એ વાંચીને તેનો પ્રતિભાવ લેખક સુધી પહોંચે તો વર્તુળ પૂરું થયું ગણાય- એમ હોવું જોઈએ. એમ કેટલા કિસ્સામાં થાય છે એ ન જાણીએ તો 'સુહાના ભરમ' ટકી રહે.

જુલાઈ, 2010માં પ્રકાશિત થયેલું, વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મેં લખેલું પુસ્તક મને અનેક રીતે ફળ્યું. એક વાર એક ફોન આવ્યો. "હું રણછોડ શાહ બોલું છું, ભરુચથી." મેં કહ્યું, "હા, બોલો." એ પછી રણછોડભાઈ જે બોલ્યા એનું તાત્પર્ય એ કે 'મોટા'ના હાથ નીચે તેઓ ગણિત ભણ્યા હતા, પણ તેમને મોટાના આ પાસા વિશે ખ્યાલ નહોતો. હવે =ઘણાં વરસોથી ભરુચમાં એમિટી નામની એક સ્કૂલ ચલાવે છે. એ પછીના વરસે તેમણે મને એમિટી સ્કૂલમાં, બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં નિમંત્રણ આપ્યું. વક્તવ્યની મને ખાસ ફાવટ નહીં, અને એ વિકસાવવાની રુચિ પણ નહીં. એક વાર તો મને થયું કે ના પાડી દઉં. પછી બીજો વિચાર આવ્યો કે લેખક તરીકે આ અનિવાર્ય બાબત રહેશે. એમ કોને કોને હું ના પાડીશ? એટલે મેં એ આમંત્રણ સ્વીકાર્યું. એ વર્ષ લગભગ 2011નું. બસ, ત્યારથી શરૂ થયેલો રણછોડભાઈ અને એમિટી સ્કૂલ સાથેનો સંબંધ હવે એ સ્તરે પહોંચ્યો છે કે જાણે એમિટીના બૃહદ પરિવારનો હું હિસ્સો ન હોઉં. એમિટી સ્કૂલના દસ્તાવેજીકરણનું પુસ્તક 'કેળવણીના કર્મયોગો' 2023માં પ્રકાશિત થયું એ અગાઉ ચાર-પાંચ વર્ષ ચાલેલી તેની લેખનપ્રક્રિયા દરમિયાન સમગ્ર એમિટી પરિવારની વધુ નિકટ આવવાનું બન્યું.

આ વરસે આવતા શિક્ષક દિન નિમિત્તે એમિટીમાંથી આમંત્રણ આવ્યું કે અમારા શિક્ષકો સમક્ષ 'મોટા' વિશે વાત કરવી. આ તો ગમતી વાત. જો કે, મેં એમ પણ સૂચવ્યું કે હું મારી વાત કરું એ અગાઉ રણછોડભાઈ પોતે પોતાની નજરે 'મોટા' વિશે વાત કરીને પૂર્વભૂમિકા બાંધે અને એ પછી હું મારી વાત કરું.
એમ આખો ઉપક્રમ ગોઠવાયો.
આ વખતે મારી સાથે કામિની ઉપરાંત ઈશાન પણ હતો. નિયત દિવસે સવારે અમે એમિટી પહોંચી ગયા. અહીં અડધો કલાક વહેલા પહોંચવાની એક લાલચ કાયમ રહે છે. મસ્ત ચા-નાસ્તા સાથે એમિટીના 'કોર ગૃપ' (વિવિધ વિભાગોના વડા) સાથે ગપસપનું આકર્ષણ મને હંમેશાં રહે છે. સરોજબહેન સદાય હસતાં, આગતાસ્વાગતા માટે તૈયાર હોય. તો તોરલબહેન પટેલ, રીનાબહેન તિવારી, સુબી મેડમ, સુનિતા મેડમ, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય (આ વખતે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે આ ગપસપમાં નહોતાં, પણ કાર્યક્રમમાં હતાં) સાથે અનેક વિષયો છેડાય અને હાસ્યના અવાજ પણ સંભળાય. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ હાજર હતાં, તો પ્રમેશબહેન મહેતાની વિદાય પછી તેમના ખાલી પડેલા સ્થાનનો અહેસાસ પણ થતો હતો.
ચા- નાસ્તા દરમિયાન 'ચેનલ નર્મદા'વાળા ઋષિ દવે અને બકુલભાઈ પટેલ પણ આવી ગયા. ગપસપ પછી કાર્યક્રમના સ્થળે અમે આવી પહોંચ્યા. દરમિયાન ભરુચનિવાસી મિત્ર દેવેન્‍દ્રસિહ ગોહીલ અને કાનન પણ આવી ગયાં. તો વક્તવ્ય દરમિયાન મિત્ર નીતિન ભટ્ટ પણ આવ્યા.
પ્રાર્થના પછી રીનાબહેન તિવારીએ પરિચય આપ્યો અને પ્રકાશભાઈ મહેતાએ સંચાલન સંભાળ્યું.

રીનાબહેન તિવારી દ્વારા વક્તા પરિચય

રણછોડભાઈ પોતાના શિક્ષક 'મોટા'ની વાત કરી રહ્યા છે.

સંકુલ નિયામક પ્રકાશભાઈએ એક નિષ્ઠાવાન વિદ્યાર્થીની જેમ આ પુસ્તકનું 'રીવીઝન' કર્યું હતું, એનો અહેસાસ કાર્યક્રમ દરમિયાન થતો રહ્યો. સ્વાગતાદિની વિધિ પછી રણછોડભાઈએ 'મોટા' વિશે વાત કરી, સાથે એ વાત પર ખાસ ભાર મૂક્યો કે જે રીતે 'મોટા'ને ત્યાં વિદ્યાર્થીઓ મળવા જતા હતા, એમ વિદ્યાર્થીઓ પોતાની પાસે આવે એવું શિક્ષક કેમ ન કરી શકે? એ જ રીતે, શિક્ષકોએ પણ 'આવા' લોકોને મળવું જોઈએ.
મારા વક્તવ્યને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલું. એ મુજબ, પહેલાં 'મોટા' કોણ અને શું હતા એની વાત કરી, એ પછી પુસ્તકલેખનની પ્રક્રિયા અને મને એમાં નડેલી મૂંઝવણ વિશે જણાવ્યું, તેમજ છેલ્લે એ પુસ્તકની ડિઝાઈન અંગે પણ વિગતવાર વાત કરી. આ પુસ્તકલેખનનો યોગ જેમના થકી પ્રાપ્ત થયો એ બિપીનભાઈ શ્રોફને યાદ કર્યા.

મોટા વિશે અને પુસ્તક વિશે વાત
એકાદ કલાકમાં આટલી વાત કર્યા પછી સવાલજવાબનો દોર શરૂ થયો. વિવિધ શિક્ષકોએ અલગ અલગ પ્રકારના સવાલ કર્યા. સવાલજવાબ બહુ રસપ્રદ બની રહ્યા, કેમ કે, વક્તવ્યમાં ન આવરી શકાઈ હોય એવી વાતો એમાં સમાવાઈ ગઈ. પ્રકાશભાઈ પણ વચ્ચે યોગ્ય પાદપૂર્તિ કરતા હતા.
આમ, સમગ્રપણે એક સરસ ઉપક્રમનો હિસ્સો બનવાનું બન્યું. એ પછી ભોજન દરમિયાન પણ ગપસપનો દોર લંબાયો.
સવાલજવાબના રસપ્રદ દૌર દરમિયાન

આમ, મોટા નિમિત્તે રણછોડભાઈ સાથે થયેલા પરિચયથી શરૂ થયેલું વર્તુળ એમિટી સ્કૂલમાં મોટા વિશેની વાત કરવા સાથે પૂરું થયું હોય એમ લાગ્યું.
ભોજન પતાવીને અમારે હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાનું હતું, અને જેમને મળવાનું હતું એમાં યોગાનુયોગે 'મોટા'ના પુસ્તક થકી થયેલો અને વિસ્તરેલો પરિચય જ કારણભૂત હતો.

(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ, એમિટી સ્કૂલ)

Monday, November 24, 2025

જીના ઈસી કા નામ હૈ

શનિવારને 22મી નવેમ્બર, 2025ની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ.દ્વારા ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તક અંગે વાર્તાલાપ હતો. આથી નક્કી એવું થયું કે સવારે જ હું ભરૂચ પહોંચી જાઉં અને એમિટી સ્કૂલમાં પહોંચું. ખરેખર તો એવું થયેલું કે ભરૂચના મારા કાર્યક્રમની જાણ માટે હું રણછોડભાઈને ફોન કરીને કશું કહું એ પહેલાં જ તેમણે 'વેલકમ ટુ ભરૂચ'નું આમંત્રણ આપી દીધું. આ શાળાના 37 વર્ષના કાર્યોનું પુસ્તકસ્વરૂપે દસ્તાવેજીકરણ કર્યું ત્યારે, એ પહેલાં અને એ પછી પણ શાળાનો સતત સંપર્ક રહ્યો છે. આથી એમિટીમાં જવાનું બહાનું શોધતો હોઉં. સવારે વડોદરાથી નીકળીને સીધા મારે એમિટી પહોંચવું એમ નક્કી થયું. વચગાળામાં એમિટીના પ્રકાશભાઈ મહેતાએ સૂચવ્યું કે મારે ત્યાંના શિક્ષકો સમક્ષ હોમાય વ્યારાવાલા વિશે વાત કરવી. પ્રિય વ્યક્તિ વિશે વાત કરવી કેમ ન ગમે? પ્રકાશભાઈએ એ પણ જણાવ્યું કે કેટલાક શિક્ષકોએ હોમાયબહેન વિશેનું મારું પુસ્તક વાંચેલું છે. ખાસ કરીને ગુજરાતી ન વાંચી શકતા શિક્ષકો એમના વિશે થોડું ગૂગલ પર વાંચી લે એવું મેં સૂચન કર્યું, જેથી એમને થોડી પૂર્વભૂમિકા રહે. મેં થોડી તૈયારી કરીને હોમાયબહેનના જીવનનો આલેખ મળી રહે એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.

એમિટીમાં પ્રવેશતાં જ એમ લાગે કે આ જાણે કે મારું બીજું ઘર છે, અને અહીં બધાં સ્વજનો જ છે. અહીં જઈએ એટલે પહેલાં હળવામળવાનો અને સાથે ચા-નાસ્તાનો દોર ચાલે. એમાં જાતભાતની વાતો નીકળે. પ્રમેશબહેન મહેતા થોડા નબળા સ્વાસ્થ્ય સાથે પણ ખાસ ઊપસ્થિત રહ્યાં. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ આવી ગયાં. સાથે 'કોર ગૃપ'નાં સુશ્રી રીના તિવારી, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સુનિતા પાન્ડા, તોરલ પટેલ, સરોજ રાણા, સુબી ઝેવિયર પણ હંમેશ મુજબ જોડાયાં. ચા-નાસ્તા સાથે હસીમજાક સહિત વિવિધ પ્રકારની વાતો થઈ. એ પછી ત્રીજે માળે આવેલા હૉલમાં કાર્યક્રમ હતો.
પ્રકાશભાઈએ ઔપચારિક રીતે કાર્યક્રમ આરંભીને મને સુકાન સોંપ્યું.

પ્રકાશભાઈ મહેતા દ્વારા પૂર્વભૂમિકા અને પરિચય

(ડાબેથી) તોરલબહેન, રણછોડભાઈ, બીરેન, કામિની, સંગીતાબહેન,
રીનાબહેન અને નિવેદીતાબહેન
હોમાયબહેન વિશે વાત

રજૂઆત દરમિયાન
તસવીરો અને એની સાથે સાથે એક વ્યક્તિની જીવંતતાની કથા ઊઘડતી ગઈ અને યોગ્ય રીતે સામે છેડે પહોંચી રહી છે એમ લાગ્યું. એકાદ કલાક ક્યાં પસાર થઈ ગયો એની સૂધ પણ ન રહી. એમાંય હોમાયબહેનની અમારી સાથેની છેલ્લી બની રહેલી મુલાકાતની વિડીયો અને એમણે પોતાના સ્વરમાં બોલેલી અંગ્રેજી કવિતા સાંભળવાની અનુભૂતિ અવર્ણનીય હતી. મારી સાથે હોમાયબહેને જાતે બનાવેલી એકાદ બે ચીજો પણ હું લેતો આવેલો, જે સૌને હાથોહાથ જોવા માટે ફેરવવામાં આવી.
અપેક્ષા મુજબ જ આ રજૂઆત પછી સવાલોનો દોર ચાલ્યો. અને જે વાત રજૂઆતમાં આવી ન હતી એવી વાતો આમાં આવરી શકાઈ. હોમાયબહેન વિશે જ્યારે પણ વાત કરવાની આવે ત્યારે જેટલી મને એ કહેવાની મજા આવે છે એટલી જ સાંભળનારને પણ આવતી હોય એમ અનુભવાયું છે.
કાર્યક્રમ પછી ભોજન હતું. ભોજન દરમિયાન પણ વિવિધ વાતો અને ગપસપ ચાલી. એ પછી દોઢેક વાગ્યે મિત્ર દેવેન્દ્રસિંહ લેવા આવ્યા એટલે એમને ઘેર જવા નીકળ્યા.
આમ, દિવસનો પૂર્વાર્ધ બહુ સરસ રીતે, પરિચીતો- સ્નેહીઓની વચ્ચે વીત્યો. હવે સાંજની પ્રતિક્ષા હતી.
(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ)

Friday, May 2, 2025

પહેલાં શું ન લખવું એ નક્કી રાખો...

'તમારી એક મદદ જોઈતી હતી' અથવા 'તમારું માર્ગદર્શન જોઈતું હતું' આવું કોઈક પૂછે એટલે અચાનક 'મોટાભાઈ મોડ'માં આવી જવાય. જગત આખાના વિષય પર માર્ગદર્શન આપી શકવાની આપણી ક્ષમતા બહાર નીકળવા રીતસર થનગનવા લાગે, પણ આપણે નમ્રતા ધારણ કરીને પૂછીએ, 'બોલો ને! મારાથી શક્ય હશે એટલી મદદ કરીશ.' અથવા 'મને ખબર હશે એટલું કહીશ.' એ વખતે સામેથી સવાલ આવે, 'આમ તો મેં મારી રીતે જવાબ મેળવી જ લીધો છે, પણ મને થયું કે 'કોક બીજા'ને પૂછી જોઈએ.' ત્યારે આપણે અચાનક 'નાના ભાઈ મોડ'માં આવી જઈએ, પણ અગાઉ બતાવેલી નમ્રતા નડી જાય.

ભરૂચની એમિટી સ્કૂલના પ્રકાશભાઈ મહેતા સાથે એકાદ સપ્તાહ પહેલાં વાત થઈ ત્યારે એમણે કંઈક એ મતલબનું કહેલું કે 'તમે અહીં આવો અને કંઈક માર્ગદર્શન આપો.' બેએક વર્ષ પહેલાં જ એમિટી સ્કૂલનું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક સંપન્ન કરેલું અને એ નિમિત્તે ત્રણ-ચાર વર્ષ સતત સમયાંતરે અહીં જવાનું બનતું. આથી અહીંના વાતાવરણથી સુપરિચીત. પ્રકાશભાઈથી પણ. એટલે પ્રકાશભાઈએ મને આમ કહ્યું ત્યારે 'મોટાભાઈ મોડ'માં આવવાને બદલે અમે થોડી ચર્ચા કરી. એ ચર્ચાની ફલશ્રુતિરૂપે પ્રકાશભાઈએ મને કેટલાક મુદ્દા સવાલરૂપે મોકલી આપ્યા. એટલે કે મારે એ મુદ્દાની આસપાસ રહીને કેટલીક વાતો કરવાની હતી.

એમિટીની આ કાર્યપદ્ધતિ વિશે મને જાણ હતી, અને મને એમ લાગે કે કામ કરવા ઈચ્છનારે એ અપનાવવા જેવી છે. જે દિવસે મુલાકાત હોય એ અગાઉ આપણને કાર્યક્રમની રૂપરેખા આપી દેવામાં આવે, તેમજ મુલાકાતના દિવસે એનું સમયવાર વિભાજન પણ આપવામાં આવે, જેથી વાત કરતી વખતે બહુ સ્પષ્ટતા રહે.

પૂર્વભૂમિકા બાંધી રહેલા પ્રકાશભાઈ
(સાથે બેઠેલા રણછોડભાઈ, પ્રમેશબહેન) 

નક્કી થયા મુજબ મંગળવારે મારી એમિટી મુલાકાત ગોઠવાઈ. વિવિધ વિભાગ સંભાળનાર વડાં અને શિક્ષિકાઓના જૂથ સાથે મારે વાત કરવાની હતી. વિષય હતો લેખનના વિવિધ પ્રકાર અંગે કે જે ખાસ કરીને એમને શાળાના વિવિધ પ્રસંગોએ જરૂર પડતી હોય. કાર્યક્રમનું આયોજન વક્તવ્યરૂપે રાખવાને બદલે પ્રકાશભાઈએ અનૌપચારિક વાતચીતનું જ રાખેલું, જેથી વધુ ખૂલીને વાત થઈ શકે. એ મુજબ સૌ વર્તુળાકારે જ ગોઠવાયાં. શાળાના સામયિક માટે વિવિધ લખાણો લખવાં, અહેવાલ લખવો, સામગ્રીની પસંદગી શી રીતે કરવી, લખાણ લખતાં કયા શબ્દો ન વાપરવાં, શિર્ષક કેવાં ન રાખવાં, સામયિકના લખાણને પુસ્તકરૂપ આપવું હોય તો કઈ બાબત ધ્યાને લેવી વગેરે અનેક મુદ્દાઓ આમાં ચર્ચાયા. આમ તો, આનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી, છતાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવાય તો સારું. આવી પૂર્વભૂમિકા સાથે વાત આરંભાઈ.

વાતચીત દરમિયાન

ભાગ લેનારાંઓમાં સુશ્રી તોરલ પટેલ, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સરોજ રાણા, સુનિતા પાન્‍ડા, સુબી ઝેવિયર, શ્રુતિકા પાવડે, અવિપ્સા લી, સુદેશના, આતીયા ફરીદી, હીમા બિન્‍દુ, નાઝિયા મલેક, પલ્લવી સીંઘ, જયા ચક્રવર્તી, ઉર્વી જાદવ, નૌરીન પટેલ, જિગીષા પંડ્યા અને સ્વાતી શર્મા ઊપરાંત અલ્પેશભાઈ અને ભરતભાઈ હતા. કાર્યક્રમનો દોર પ્રકાશભાઈએ સંભાળેલો. રણછોડભાઈ, સંગીતાબહેન તેમજ પ્રમેશબહેન પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઊપસ્થિત રહ્યાં એનો વિશેષ આનંદ.

છેલ્લે પ્રકાશભાઈએ પોતાની આગવી હળવી શૈલીમાં સૌને આ ચર્ચામાંથી પોતપોતાને યાદ રહેલી એક એક બાબત જણાવવા કહ્યું. દરેકે એ જણાવ્યું ત્યારે પ્રત્યાયનનું વર્તુળ પૂરું થયાનો અહેસાસ થયો. વક્તવ્યને બદલે અનૌપચારિક વાતચીત હંમેશાં આનંદ આપનારી બની રહે છે એવો અનુભવ વધુ એક વાર થયો. 

સૌ વર્તુળમાં ગોઠવાયા હોવાથી વાતચીતનું સ્વરૂપ અનૌપચારિક રહ્યું
કાર્યક્રમ પછી સહભોજનની પણ એમિટીમાં મજા છે. ભોજન પીરસાતું હતું ત્યારે રણછોડભાઈએ હળવેકથી સૌને કહ્યું, 'બીરેનભાઈ વોઝ રિમેમ્બરીંગ લન્ચ એટ એમિટી.' મેં સુધારો કરતાં કહ્યું, 'નોટ રિમેમ્બરીંગ, બટ મીસીંગ!' કેમ કે, પુસ્તકના આલેખન વેળા લેવાયેલી મુલાકાતો દરમિયાન સહુની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં ભોજનનો સ્વાદ માણવાનો આનંદ જુદો જ હતો. એવા માહોલની ખોટ ન સાલે તો જ નવાઈ!

એમિટીની મુલાકાતના આવા અવસર આવતા રહે છે, અને ન હોય તો એમિટી પરિવારજનો ઊભા કરતા રહે છે એનો આનંદ. કંઈક નક્કર ચર્ચા થયાની અનુભૂતિ સાથે એ બેઠક યાદગાર બની રહી.


(તસવીર સૌજન્ય: અલ્પેશભાઈ)

Wednesday, September 6, 2023

શિક્ષકદિને શિક્ષકો સાથે કેળવણીના પુસ્તક વિશેની વાત

પુસ્તક વિશે વાત કરવાની હોય તો મજા આવે. એમાંય એ પુસ્તક પોતાનું લખેલું હોય તો પૂછવું જ શું? અગાઉ 13 જૂન, 2023ના રોજ ભૂજના શિક્ષણવિદ હરેશ ધોળકીયાના હસ્તે જેનું વિમોચન થયું હતું એ 'કેળવણીનો કર્મયોગ' પુસ્તક ભરુચની અ‍ૅમિટી સ્કૂલની 37 વર્ષની કેળવણીની સફરનો આલેખ છે. આ દિવસોમાં હું લદાખના પ્રવાસે હોવાથી મારા માટે 'હતો એ મારો જ અવસર ને મારી હાજરી નહોતી' જેવો ઘાટ સર્જાયેલો. પ્રવાસેથી પાછા આવ્યા પછી અ‍ૅમિટીની મુલાકાત લેવાની ઘણી ઈચ્છા હતી, પણ સમયસંજોગોનો મેળ પડતો નહોતો. અ‍ૅમિટીના રણછોડભાઈ શાહ સાથે આ ગાળામાં વાત અવારનવાર થતી રહેતી, અને તેઓ પણ આવવાનો આગ્રહ કરતા, છતાં ગોઠવાતું નહોતું. આખરે એ ગોઠવાયું. ના, એમણે એ ગોઠવ્યું. અને દિવસ પસંદ કર્યો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનનો.

કાર્યક્રમ શો? તો મારે ત્યાં આવીને શિક્ષકો સમક્ષ મારા દ્વારા જ લખાયેલા આ પુસ્તકની સામગ્રી અને લેખનપ્રક્રિયા વિશે વાત કરવી. મોટા ભાગના શિક્ષકો અંગ્રેજી માધ્યમના હોવાથી એમાંના ઘણાએ પુસ્તક જોયું હોય ખરું, પણ વાંચી ન શકાયું હોય એ પૂરેપૂરી શક્યતા. અત્યાર સુધીના અનુભવે એટલું સમજાયું છે કે કોઈ પણ સર્જનપ્રક્રિયાની વાત યોગ્ય રીતે કહેવાય તો સૌને એમાં રસ પડતો હોય છે.
એ મુજબ સવારે ઉત્પલભાઈ સાથે ભરૂચ પહોંચી ગયો. અ‍ૅમિટીમાં જાઉં ત્યારે ત્યાંના ક્રમ અનુસાર પહેલાં સૌની સાથે હળવામળવાનું, એ પછી કોર ગૃપ (વિવિધ વિભાગના આચાર્ય/આચાર્યા) સાથે ચા-નાસ્તાનો દોર અને પછી કાર્યક્રમ તરફ.

અ‍ૅમિટીની પ્રણાલિ અનુસાર સ્વાગતનોંધ

શિક્ષકદિન હોવાથી સૌ શિક્ષકો ઉત્સાહમાં હતા. તેમણે નાનાનાના અને હળવાશથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રીનાબહેન તિવારીએ ભૂમિકા બાંધીને ઔપચારિક આરંભ કર્યા પછી શિક્ષકોના જૂથે વિવિધ કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણ હળવું બનાવી દીધું.

રીનાબહેન તિવારી દ્વારા પૂર્વભૂમિકા

શિક્ષકોએ કરેલી વિવિધ રજૂઆત પૈકીની એક 
એ હળવાશ જાળવી રાખીને મારે પુસ્તક વિશે વાત કરવાની હતી. પુસ્તકની સામગ્રી વિશે, એની પ્રક્રિયા વિશે તો વાત થઈ, પણ મને સૌથી વધુ મજા એના લે-આઉટ ડિઝાઈન વિશે વાત કરવામાં આવી. એમાં કેવી ઝીણી ઝીણી બાબતો અંગે અમે માથાકૂટ કરતા અને પરિણામ મળે ત્યારે કેવો આનંદ થતો એ બધી વાતો તાજી કરી. પુસ્તકના આલેખન દરમિયાન સામગ્રી શી રીતે મળતી ગઈ, પુસ્તકનું સ્વરૂપ શી રીતે ઘડાતું ગયું, એમાં જરૂરી કાટછાંટ થતી ગઈ તેની વિગતો વિસ્તારથી જણાવી. સામે પક્ષે શ્રોતાવર્ગ એવો સંવેદનશીલ હતો કે વાત તેના પૂરા ભાવ સાથે પહોંચતી હોવાનું અનુભવાતું હતું.

પુસ્તકની સામગ્રી અને સર્જનપ્રક્રિયા વિશે વાત 

મારા વક્તવ્ય પછી રણછોડભાઈએ મારી ભૂમિકા વિશે વધુ જણાવ્યું, તો સરોજબહેન રાણા અને પ્રકાશભાઈ મહેતાએ પણ સર્જનપ્રક્રિયાની વાતમાં આપૂર્તિ કરી.

પુસ્તકપ્રક્રિયાની બાકીની વિગતો આપતા રણછોડભાઈ શાહ
પુસ્તક વિશે વધુ વાત કરી રહેલાં સરોજબહેન
પુસ્તક વિશેની કેટલીક વાત કરતા પ્રકાશભાઈ મહેતા
શાળાના સદાયના શુભેચ્છક ઋષિભાઈ દવે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને એ પછી પણ સાથે હતા. સૌએ સાથે ભોજનનો આનંદ માણ્યો. એ પછી પણ બેસીને વાતો કરી.
અ‍ૅમિટીના આત્મીય અને પોતીકા લાગતા વાતાવરણમાં, તેની જ સફર વિશે, ત્યાંના શિક્ષકો સમક્ષ અનૌપચારિક રીતે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કરવાની તક મળી એ એક વિશેષ યાદગીરી બની રહી.

(તસવીર સૌજન્ય: Amity Educational Campus Bharuch)

Sunday, June 11, 2023

કેળવણીનો કર્મયોગ: આલેખનની સફર

 ભરૂચની ઍમિટી સ્કૂલના પરિવાર સાથે એકાદ દાયકા પહેલાં પરિચય થયેલો એ પછી અનિયમિતપણે તેના સંચાલક રણછોડભાઈ સાથે ફોનવ્યવહાર સ્થપાયેલો. આ શાળાના મુખપત્ર ‘મૈત્રી-સેતુ’ થકી ઍમિટીની ગતિવિધિઓની જાણકારી મળતી રહેતી હતી. આ ઉપરાંત તેમનું કોઈ નવું પુસ્તક પ્રકાશિત થાય એ તેઓ મોકલે એટલે એના વિશે પણ વાત થતી રહેતી. તેઓ વડોદરા આવે અને રોકાવાના હોય ત્યારે ખાસ જાણ કરે. શક્ય હોય તો અમે મળીએ અને વિવિધ વિષય પર વાતો કરીએ. આવા જ ક્રમમાં 2018ના ઑક્ટોબરમાં તેમનો ફોન આવ્યો. ઍમિટી સ્કૂલ વિશે પુસ્તક તૈયાર કરવા અંગે તેઓ વિચારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. એ સમયે દિવાળી નજીક હોવાથી અમે દિવાળી પછી રૂબરૂ મળવાનું ઠરાવ્યું. દરમિયાન ઍમિટી અંગેના પુસ્તકની સૂચિત રૂપરેખા તૈયાર કરીને મેં તેમને મોકલી આપી હતી.

2018ની દિવાળી પછી અમે વડોદરાની ‘એમિકસ સ્કૂલ’માં મળ્યા, ત્યારે પ્રવિણસિંહ રાજ સાથે પહેલવહેલી વાર મુલાકાત થઈ. પુસ્તક બાબતે આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે મારું પ્રાથમિક સૂચન એવું હતું કે પુસ્તકનું આલેખન રણછોડભાઈ પોતે જ કરે અને તેમાં હું સંપાદકીય કાર્ય પૂરતી સહાય કરું. આ સૂચન સકારણ હતું, કેમ કે, રણછોડભાઈએ શિક્ષણના વિવિધ આયામોને પોતાનાં પુસ્તકોમાં દર્શાવ્યા છે એ વિશે હું માહિતગાર હતો. જો કે, રણછોડભાઈએ સ્પષ્ટપણે કહ્યું કે પોતે ઍમિટી વિશે પુસ્તક કદાચ લખી શકે, પણ લખવા માંગતા નથી, બલ્કે કોઈ ત્રીજી વ્યક્તિ એનું આલેખન કરે એ વધુ વાજબી ગણાય, કેમ કે, એ રીતે નિષ્પક્ષ આલેખન થાય, અને પોતે એમ જ કરાવવા ઈચ્છે છે. તેમની આવી વૈચારિક સ્પષ્ટતાનો અનુભવ પછી તો મને અનેક વાર થતો રહેવાનો હતો, પણ એ તબક્કે એ કામ મને સોંપવામાં આવ્યું.

બહુ ઝડપથી અમે એ મુદ્દે સંમત થઈ ગયા કે આ પુસ્તકનો મૂળભૂત હેતુ શો હોવો જોઈએ. કેવળ વિદ્યાર્થીઓની સફળતાની ગાથાઓ, પરિણામની ટકાવારીના ચાર્ટ કે તેમણે અપનાવેલી ઉચ્ચ કારકિર્દીનો મહિમા કરવાનો ઉપક્રમ આ પુસ્તકમાં ન હોવો જોઈએ. તેને બદલે શિક્ષણને સમર્પિત હોય એવી કોઈ વ્યક્તિ ટાંચા સ્રોત કે સાધનો હોવા છતાં શાળા શરૂ કરવા કે પોતાની શાળામાં કશુંક નક્કર કરવા ઈચ્છે તો તેને કંઈક દિશાસૂચન મળી શકે એ બાબત આ પુસ્તકમાં આંતરપ્રવાહ તરીકે આવવી જોઈએ. આ ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિને એમાં વાંચનનો આનંદ મળવો જોઈએ. આટલી પ્રાથમિક બાબતો નક્કી થઈ એ પછી શરૂ થયું ખરેખરનું કામ.

રણછોડભાઈના પુત્ર અને ભરૂચ તેમજ વડોદરાની ‘એમિકસ સ્કૂલ’ના સંચાલક ઉત્પલ શાહ સપ્તાહમાં બે વખત વડોદરાથી ભરૂચ જતા. અગાઉથી નક્કી કરીને તેમની સાથે મારી ભરૂચની મુલાકાત ગોઠવાતી. હું ભરૂચ પહોંચું એ પછી ભરચક કાર્યક્રમ રહેતો. વિવિધ લોકો સાથે અગાઉથી નક્કી કર્યા મુજબ વાતચીતની બેઠક ગોઠવાતી. સવારના લગભગ સાડા દસથી બપોરના સાડા ત્રણ-ચાર સુધીના મારા ભરૂચના રોકાણની મિનિટે મિનિટનો સદુપયોગ થઈ જાય એ રીતે આયોજન કરવામાં આવતું, અને છતાં કામનું દબાણ કે તાણ પેદા થવાને બદલે એનો આનંદ આવતો. છએક મહિના સુધીનો સમયગાળો એવો રહ્યો કે લગભગ દર સપ્તાહે ઓછામાં ઓછો એક વખત હું ભરૂચ હોઉં જ. આ અરસામાં ઍમિટીના પરિવારજનો અને ત્યાંના માહોલથી ઠીક ઠીક પરિચિત થતો ગયો. મારી દરેક મુલાકાત વખતે મને એ જ રીતે આવકાર મળતો, જેવો પહેલી વારની મુલાકાત વખતે મળેલો. ઍમિટીની સંસ્કૃતિનો પરિચય મને ઘણોખરો આ રીતે થતો ગયો. (આ સંસ્કૃતિના એક અંશનો પરિચય કરાવતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) 

શાળાના આરંભકાળથી નિયમિતપણે પ્રકાશિત થતા શાળાના મુખપત્ર ‘મૈત્રી-સેતુ’ના તમામ અંકો મારા માટે માહિતીનો મુખ્ય આધાર બની રહ્યા. એમાં લખાયેલી અનેક બાબતોની સચ્ચાઈ મને આ મુલાકાતો દરમિયાન અનુભવવા મળી. રણછોડભાઈ, પ્રમેશબહેન, સંગીતાબહેન ઉપરાંત ‘કોર ગૃપ’નાં આચાર્ય/આચાર્યા પ્રકાશભાઈ મહેતા, સરોજબહેન રાણા, રીનાબહેન તિવારી, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય, દર્પણાબહેન પાટીલ અને તેમના ગયા પછી નિમાયેલાં તોરલબહેન પટેલ, હેતલબહેન મેનગર, તેમજ કેતકીબહેન ભાવસાર સાથે નિયમિતપણે થોડો સમય ગાળવાનો બનતો ત્યારે અહીંની કાર્યસંસ્કૃતિનો પરિચય થતો. સૌનો પૂરેપૂરો આગ્રહ એવો કે વિગતોને સીધેસીધી લેવાને બદલે મારે જાતઅનુભવના આધારે અમુક બાબતો આલેખવી. જેમ કે, કોઈ કાર્યક્રમ સફળતાપૂર્વક રજૂ થાય એમાં હાજરી આપું એ બરાબર, પણ એ કાર્યક્રમનું આયોજન ક્યારથી શરૂ થયું, શી રીતે એનું સ્વરૂપ ઘડાતું ગયું, સૂચનો મળતાં ગયાં- આ બધી પ્રક્રિયાના સાક્ષી મારે બનવું એવો તેમનો અનુરોધ અને મારું પણ એ ગમતું કામ.

યોગાનુયોગ એવો થયો કે 2021ના આરંભિક અરસામાં રણછોડભાઈના ભરૂચના મકાનનું કામ શરૂ થયું અને એ કારણે તેમણે કામચલાઉ ધોરણે વડોદરા રહેવા આવવાનું બન્યું. આ તકનો અમે ભરપૂર લાભ લીધો. દર સપ્તાહે ઓછામાં ઓછું એક વખત મળવાનું અમે નક્કી રાખતા. પુસ્તક વિશેની અને પુસ્તક સિવાયની પણ અનેક બાબતોની ચર્ચા થતી. આ બેઠકને કારણે પુસ્તકમાં સમાવી શકાય એવી બીજી અનેક બાબતો સૂઝતી ગઈ, અને અમે તેને પુસ્તકમાં સમાવતા ગયા.

વચગાળામાં 2020-21નાં કોવિડનાં આકરાં વરસ આવ્યાં અને તેમાં શાળાના સ્થાપક પૈકીના એક એવા પ્રવિણસિંહ રાજને ગુમાવવાના થયા. (પ્રવિણસિંહ રાજને શ્રદ્ધાંજલિ આપતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) તેમની સાથે નિરાંતે બેઠક કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. બીજી અનેક બાબતો કદાચ આ પુસ્તકમાં સમાવી ન શકાઈ હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહી શકાય કે શક્ય એટલી મહત્ત્વની બાબતોને સમાવવાનો પ્રયાસ આ આલેખનમાં કર્યો છે-એવી બાબતો કે જે ઍમિટીના ચરિત્રની ઝલક આપે. સાડા ત્રણ દાયકાના સમયગાળાની એકેએક વિગતોને સમાવવી શક્ય પણ નથી, અને એવો ઉપક્રમ પણ નથી.

આ પુસ્તકના આલેખન દરમિયાન ભરૂચમાં અને વડોદરામાં વિવિધ વ્યક્તિઓને મળવાનું બન્યું. એમાંના ઘણા ઍમિટીની વિવિધ ગતિવિધિઓના સાક્ષી બની રહ્યા હતા, અમુક ઍમિટીમાં કાર્યરત રહી ચૂક્યા હતા, તો કેટલાક હજી પણ કાર્યરત હતા. આ વાતચીતમાં ઍમિટીનાં અનેક પરિમાણ મારી સમક્ષ ઊઘડતાં ગયાં. પુસ્તકના આલેખનમાં આ તમામ બાબતો મને ઉપયોગી થઈ પડી.

આલેખન દરમિયાન અનેક સ્નેહીઓ મદદરૂપ બની રહ્યાં. ‘મૈત્રી-સેતુ’ના તમામ અંકોનાં પાનાં ફેરવીને તેમાંથી મહત્ત્વની નોંધ તૈયાર કરવામાં મિત્ર પરેશ પ્રજાપતિએ સન્નિષ્ઠ રીતે મહેનત કરી છે. વિવિધ માહિતીની વખતોવખત જરૂર પડી ત્યારે સરોજબહેન રાણાએ એ ત્વરિત પૂરી પાડી. સરોજબહેનને 'ઍમિટીનો એન્સાયક્લોપિડીયા' કહું તો જરાય અતિશયોક્તિ નથી. પ્રકાશભાઈ મહેતાએ અનેક અંતરંગ બાબતો જણાવી. 

પુસ્તકની હસ્તપ્રત નિયત સમયમર્યાદામાં ચોકસાઈથી શ્રી વિજયસિંહ ઘરીઆએ ચકાસી આપી, તો પુસ્તકની નયનરમ્ય સજાવટ તેમજ મુખપૃષ્ઠ તૈયાર કરવામાં અમદાવાદના કલાકાર ફરીદ શેખનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું. 

ભૂજના શિક્ષણવિદ્‍ હરેશભાઈ ધોળકિયાએ સમગ્ર પુસ્તકમાંથી પસાર થઈને પ્રોત્સાહક  પ્રસ્તાવના લખી મોકલી એનો વિશેષ આનંદ. 

એક સમર્પિત શિક્ષણસંસ્થાની સાડા ત્રણ દાયકાની સફરનું આલેખન કરતા આ પુસ્તકનું લોકાર્પણ આજે 11 જૂન, 2023ના રોજ, તેના 38મા સ્થાપના દિને, ઍમિટી સ્કૂલ, ભરૂચ ખાતે થઈ રહ્યું છે. તેનો આનંદ, અને સંકળાયેલા સહુ કોઈને અભિનંદન. 

આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવતા સહુ કોઈ માટે છે. 

(પુસ્તકની વિગત: કિંમત 650/ રૂ. પૃષ્ઠસંખ્યા: 248 + 32 + 16, મંગાવવા માટે સંપર્ક: 99798 61633, ઈ-મેલ: amityschool1986@gmail.com) 




Sunday, July 17, 2022

એંસીમાં પ્રવેશતા અ‍ૅમિટીયન

 આજે રણછોડભાઈ શાહનો જન્મદિવસ છે. 

તેમની મુખ્ય ઓળખ ભરૂચસ્થિત અ‍ૅમિટી સ્કૂલના સ્થાપક-સંચાલક તરીકેની, પણ એટલી સાંકડી ઓળખમાં તેમને કેદ કરી ન શકાય. અમારો પરિચય દસ-અગિયાર વરસનો ખરો, પણ છેલ્લા ચારેક વરસથી તેમના નિકટના પરિચયમાં આવવાનું બન્યું. તેનું એક કારણ એ કે તેઓ કામચલાઉ ધોરણે વડોદરામાં વસવાટ કરવા આવ્યા છે. ભૌગોલિક અંતર આ રીતે સાવ ઘટી ગયું હોવાથી અમે તેનો ભરપૂર લાભ લીધો અને હજી લઈ રહ્યા છીએ. અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર અને વધુમાં વધુ ગમે એટલી વાર અમે નિયમીત મળતા રહ્યા છીએ. 

રણછોડભાઈ શાહ (*) 

અ‍ૅમિટીના સાડા ત્રણ દાયકાના કેળવણીકાર્યનું દસ્તાવેજીકરણ ત્રણ-ચાર વરસથી મને સોંપવામાં આવ્યું એ આ બાબતનું મૂળ નિમિત્ત, પણ એ તો એની ગતિએ થયા કરે છે. ખરી મજા અમારી મુલાકાતોની અને એ દરમિયાન અનેકવિધ બાબતો અંગેની ચર્ચાની હોય છે. એના વિષયોમાં ફિલ્મ હોય, સંગીત હોય, સાહિત્ય હોય, શિક્ષણ હોય, સમાજ હોય, વ્યક્તિ હોય, અને બીજી અનેક બાબતો ઉપરાંત સાથે ચાનો કપ હોય. 

શિક્ષણના ક્ષેત્રની ઘણી મહત્ત્વની અંત:દૃષ્ટિ મને તેમની પાસેથી જાણવા મળી. શિક્ષણનો તેમનો અભિગમ બહુ વિશિષ્ટ અને સંશોધનાત્મક તેમજ વિશ્લેષણાત્મક હોવાથી એકે એક પાસાં અંગે તેમની પાસે ચોક્કસ દૃષ્ટિ અને એની પાછળનો ખ્યાલ રહેલો છે. એ વિશે વધુ આજે અને અહીં લખવું પ્રસ્તુત નથી. આજે વાત કરવી છે તેમની કેટલીક વિશેષતાઓની. 

તેમની સૌજન્યશીલતા અને અનૌપચારિક અભિગમથી તેઓ ઝડપભેર કોઈને પણ આત્મીય બનાવી શકે છે.સામા માણસની દરકાર લેવાની તેમની પ્રકૃતિ ખરેખર તો તેમના સમગ્ર પરિવારની, અને આમ જોઈએ તો પૂરેપૂરા અ‍ૅમિટી પરિવારની છે. અને આ બધું સાવ સહજપણે, કશું કરી દેખાડવાના ભાવ વિના! સ્વજનો પ્રત્યે  નાની વાતે આભાર દર્શાવવાની કે કોઈ સારા કામ માટે અભિનંદન પાઠવવામાં તેઓ જરાય દિલચોરી ન કરે. એ જ રીતે પોતાને ના ગમતી બાબત પણ તેઓ જરાય કડવાશ વિના જણાવી દે. 

દીકરી મિત્તલબહેન-અભયભાઈના લગ્નની રજતજયંતિ
નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આભાર
પ્રદર્શિત કરતા રણછોડભાઈ 

તેમની મૂળ ભૂખ તો સારી સંગતની છે, અને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિઓને સામે ચાલીને તેઓ મળવાનું ગોઠવે. સમરસિયા મિત્રો સાથે બેસવું તેમને ગમે, એવા મિત્રોના મિત્રોને પણ તેઓ મળવાની ઈચ્છા કરે. અને આમ કરવામાં પોતાની વય, હોદ્દો કે એવી બીજી કોઈ ભૌતિક બાબત એમને ન નડે. તેમના આ વડોદરાનિવાસ દરમિયાન અમે અવારનવાર આવા 'કાર્યક્રમ' યોજતા રહીએ છીએ. 

દીપક સોલિયાના વડોદરા રોકાણ દરમિયાન ગપ્પાંગોષ્ઠિ વખતે
(ડાબેથી) રણછોડભાઈ, દીપક સોલિયા, હેતલ દેસાઈ, બીરેન કોઠારી 

પોતાની શાળામાં વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની આવનજાવન રહે અને તેનો લાભ વિદ્યાર્થીઓને તો મળે જ, ઉપરાંત કોર ગૃપ' તરીકે ઓળખાતા, અ‍ૅમિટીના વિવિધ વિભાગોના આચાર્યો સાથે આવી વ્યક્તિઓની અનૌપચારિક ગોષ્ઠિ યોજાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે. 

રણછોડભાઈ (વચ્ચે) સાથે અ‍ૅમિટીના આચાર્ય પ્રકાશભાઈ
મહેતા (ડાબે) અને ભરૂચના તત્કાલીન કલેક્ટર (*) 
સંદીપ સાંગલે (જમણે) 

કેળવણી અંગેની તેમની સમજણ, સૂઝ અને દૃષ્ટિકોણ આગવો હોવાને કારણે તેમને 'દુ:ખી' થવાનાં કારણો પૂરતાં મળી રહે એની નવાઈ નથી, અને તેઓ દુ:ખી થાય છે પણ ખરા. છતાં વાસ્તવિકતા સ્વીકારીને ચોકક્સ સંજોગોમાં પોતાનાથી શું થઈ શકે એમ છે એની પર ધ્યાન કેન્‍દ્રિત કરે છે. તેમની આ બાબત મને સૌથી ગમતી છે. 

વાંચનના તેઓ પ્રેમી, અને ભેટરૂપે પુસ્તક આપવાના અવસર તેઓ શોધતા જ રહે. તેમની શાળામાં નવા જોડાનાર શિક્ષકનું સ્વાગત પુસ્તકથી થાય, શાળામાં વાંચનને લગતા વિવિધ ઉપક્રમ યોજાય એ તો જાણે બરાબર, પણ એ સિવાય મિત્ર-સ્નેહીઓને પ્રસંગોચિત પુસ્તક આપવું તેમને બહુ ગમે. એક ઉદાહરણ: એક વાર અમારી રાબેતા મુજબની મુલાકાત દરમિયાન વાતવાતમાં મેં એમને (મારી પત્ની) કામિનીનો પગ મચકોડાઈ ગયો હોવાનું જણાવ્યું. તેમણે મનોમન આ વાત નોંધી લીધી હશે. એ પછી બે-ત્રણ દિવસમાં કુરિયર દ્વારા 'માંદગીને પણ માણીએ' પુસ્તક કામિનીના નામે આવ્યું. તેમાં ઉઘડતા પાને પ્રમેશબહેન મહેતાનો અંગત રીતે લખાયેલો શુભેચ્છાસંદેશ પણ ખરો. આવી તો અનેક નાનીનાની બાબતે તેમની દરકારનો અનુભવ થાય. 

સ્નેહીઓની દરકાર લેવાની ચેષ્ટા 


અમારી મૈત્રી માટેની પહેલ તેમના દ્વારા જ કરવામાં આવેલી. એ પછી તેઓ સામેથી ફોન કરે, ક્યારેક વડોદરા આવ્યા હોય તો મળવાનું ગોઠવે, અને 'કશું કામ હોય તો જ ફોન થાય'ની પ્રચલિત માન્યતાનો છેદ ઉડાડતા રહે. તેમના ઘેર જવાનું થાય ત્યારે (તેમનાં પત્ની) સંગીતાબહેન હસતા ચહેરે આવકારે અને ઉમળકાભેર વાતો કરે. એ જ રીતે અ‍ૅમિટી પર જવાનું થાય ત્યારે પણ હસતા મોંએ આવકારવા અને વિદાય આપવા માટે કોઈ ને કોઈ ઉપસ્થિત હોય જ. આને કારણે અ‍ૅમિટીમાં જતી વખતે કદી કોઈ 'સંસ્થા'માં જતા હોવાનું ન લાગે. 
શિક્ષણ અને કેળવણી ઉપરાંત પ્રવર્તમાન સામાજિક પ્રવાહોથી તેઓ વાકેફ રહે. પોતાના મનોમંથનને કાગળ પર ઉતારે ને કોઈ ને કોઈ મુદ્દે લખતા રહે. શિક્ષણવિષયક તેમજ અન્ય સામયિકોમાં તેમના લેખ અવારનવાર પ્રકાશિત થતા રહે છે, અને તેમનાં બાવીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. આને કારણે મને એવી બહુ ઈચ્છા કે તેમનાં લખાણો ઈન્‍ટરનેટ પર ઉપલબ્ધ હોવાં જોઈએ. તેમને મેં આ વિષે જણાવ્યું અને તેમણે તરત તૈયારી બતાવીને પોતાના ભાગે શું કરવાનું છે એ પૂછ્યું. આનું સુપરિણામ એટલે 'વેબગુર્જરી' પર દર મહિને આવતી તેમની શ્રેણી 'Challenge.edu', જેને હવે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. એટલે કે કોઈ પણ નવી વસ્તુ માટે તેઓ અતિશય ખુલ્લાશ દાખવે, એને સમજવાનો પ્રયત્ન કરે, અને અમલમાં તત્પરતા દેખાડે. આને કારણે તેમની સાથે કામ કરવાની મજા જુદી. 
અ‍ૅમિટી વિશેનું પુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને એ બરાબર સમજાયું કે આ શાળામાં કશું એમ ને એમ બન્યું કે મૂકાયું નથી, બલ્કે દરેક પાછળ કારણ અને એક ચોક્કસ વિચાર હોય છે. શાળાસંકુલમાં આમ હોવાનો યશ એકલા રણછોડભાઈને અપાય એ યોગ્ય ન કહેવાય, પણ કેળવણી વિશે વિચારી શકે એવી ટીમ, અને ખાસ તો બીજી હરોળ તેઓ ઊભી કરી શક્યા છે એ બાબતનો યશ અવશ્ય તેમનો કહી શકાય. 
અ‍ૅમિટીના મૂળભૂત રીતે પાંચ સ્થાપકો- રણછોડભાઈ અને સંગીતાબહેન, પ્રમેશબહેન મહેતા, શૈલાબહેન વૈદ્ય અને પ્રવિણભાઈ રાજ. આ સૌની સામાજિક પૃષ્ઠભૂમિ સાવ અલગ. સામાન્ય સંજોગોમાંં એવું થયું હોત કે તેમની ક્ષમતાઓનો શાળા સંચાલન દરમિયાન બાદબાકી કે ભાગાકાર થયા હોત. તેને બદલે સૌ એકમેકના પૂરક બની રહ્યા, અને તેમની ક્ષમતાનો ગુણાકાર થયો, જેનું સુફળ અ‍ૅમિટીને પ્રાપ્ત થયું. શૈલાબેનની આકસ્મિક ચીરવિદાય અને કોવિડ દરમિયાન પ્રવિણભાઈની વિદાયે જ તેઓ અલગ થયાં. એક સંસ્થા માટે આ બહુ મોટી સિદ્ધિ કહી શકાય. 
'કોર ગૃપ'ની અનેક મિટિંગોમાં મારી હાજરી દરમિયાન મેં જોયું છે કે સૌ પોતાનો અભિપ્રાય મુક્તપણે આપે છે. રણછોડભાઈ અને હવે સંચાલક તરીકે જવાબદારી સંભાળી રહેલા તેમના પુત્ર ઉત્પલભાઈ આ અભિપ્રાયનો આદર કરે છે, તેમજ એવું વાતાવરણ જળવાઈ રહે એવો પ્રયત્ન કરે છે. સંસ્થાના સંચાલક તરીકે આવું સ્વસ્થ વાતાવરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે. 

અ‍ૅમિટી (ભરૂચ)માં કોર ગૃપની નિયમીત મિટિંગ

ચરિત્રલેખનના ક્ષેત્રને વ્યવસાય લેખે અપનાવ્યા પછી એની સાર્થકતા અનુભવાય એવા અનેક સંપર્કો થતા રહ્યા છે. રણછોડભાઈ સાથેનો સંપર્ક નિ:શંકપણે એ પૈકીનો એક કહી શકાય.  
સ્વસ્થ અને સાર્થક જીવનના 80મા વર્ષમાં પ્રવેશી રહેલા રણછોડભાઈને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભેચ્છાઓ અને તેમની મૈત્રીનો લાભ મને તેમજ મારા જેવા અનેકને મળતો રહે એવી 'સ્વાર્થયુક્ત' શુભેચ્છા.  

નોંધ: અ‍ૅમિટી સ્કૂલમાં તેના સ્થાપના દિને યોજાયેલા એક અનોખા ઉપક્રમ વિશે અહીં વાંચી શકાશે. 

[(*) નિશાનીવાળી તસવીરો પ્રકાશભાઈ મહેતાના ત્વરિત સૌજન્યથી] 

Saturday, June 11, 2022

કેળવણીયાત્રાના સાડત્રીસમા પડાવે

વ્યક્તિ માટે જેટલું મહત્ત્વ જન્મદિનનું હોય એવું અને એટલું જ મહત્ત્વ સંસ્થા માટે તેના સ્થાપના દિનનું હોય છે. આ દિવસે સ્થૂળ ઉજવણી ભલે થતી, પણ ખરેખર તો દર વરસે અચૂકપણે આવતો આ એવો મુકામ છે કે સહેજ થોભી, પાછા વળીને અત્યાર સુધીની સફરનું પશ્ચાત્ દર્શન કરવાનો મોકો એ પૂરો પાડે, જે આગામી સફરનો માર્ગ નક્કી કરવામાં પણ મદદરૂપ બની શકે.

ભરૂચસ્થિત ઍમિટી સ્કૂલનો શુભારંભ 1986ની 11મી જૂનના રોજ થયો.ચાર શિક્ષકો- રણછોડભાઈ શાહ, સંગીતાબહેન શાહ, પ્રમેશબહેન મહેતા અને શૈલાબહેન વૈદ્યે આ શાળાનો આરંભ કરેલો. આ સૌ અગાઉ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હતાં, પણ શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની તેમની ધખના હતી. થોડા સમય પછી પ્રવિણસિંહ રાજ પણ જોડાયા. શિક્ષણના પ્રત્યેક પાસાં અંગે સૌના ચોક્કસ વિચારો હતા. એ બધાનો અમલ ત્યારે જ થઈ શકે જો શાળા પોતાની હોય! પણ શાળા શરૂ કરવી શી રીતે? સૌથી પહેલી જરૂર નાણાંની. એ મેળવવા ક્યાંથી? વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં? શિક્ષકોનું શું? અનેક સવાલો હતા. સ્રોત અતિ મર્યાદિત, પણ એક જ બાબતનો સહારો હતો, અને એ હતી શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા.‘નારાયણ વિદ્યાલય’ નામની અન્ય શાળાના બે ઓરડામાં તેનો આરંભ થયો.  ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ ન્યાયે પોતે કેળવણીના ક્ષેત્રે નવો ચીલો પાડવા માટે કટિબદ્ધ છે એવો સંદેશ સૌ પ્રથમ દિવસથી જ તેણે પહોંચાડ્યો. શાળાના ઉદ્‍ઘાટક તરીકે કોઈ જાણીતી અને ખ્યાતનામ વ્યક્તિને નિમંત્રવાને બદલે શાળામાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શૈલેષ પટેલના હસ્તે શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. આમ, આ સંસ્થાના કેન્‍દ્રમાં વિદ્યાર્થી છે એ હકીકત શબ્દોથી નહીં, પોતાના કૃત્યથી પુરવાર કરી બતાવી.

ત્યારથી લઈને છેક આજ સુધી દર વરસે શાળાના સ્થાપના દિનનું આગવું મહત્ત્વ રહ્યું છે. શાળાના જન્મદિન તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે નવા શૈક્ષણિક વરસનો જૂન મહિનામાં થતો હોય છે. ક્યારેક એમ બને કે સ્થાપના દિનની તારીખથી જ વર્ષારંભ થાય તો ક્યારેક એમ બને કે શૈક્ષણિક વર્ષ આરંભાયાના બે-ત્રણ દિવસમાં જ સ્થાપના દિન આવતો હોય,યા ક્યારેક સ્થાપના દિન આવી ગયા પછી શૈક્ષણિક વર્ષનો આરંભ થતો હોય. કાર્યક્રમનું આયોજન આ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેનો આરંભ અગાઉથી થઈ જતો હોય છે.

આરંભિક વરસોમાં શાળાના વર્ગો ઓછા હતા, આથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા પણ ઓછી હતી. શિક્ષકો સાથેના સંબંધ કેવળ વ્યાવસાયિક બની રહે તેને બદલે એ માનવીય બની રહે અને અરસપરસ મૈત્રીની ભાવના કેળવાય એવું શાળાના સંચાલકોનું વલણ. આથી આરંભનાં થોડાં વરસો દરમિયાન સ્થાપના દિને શાળા સંચાલક અનુકૂળ સમયે પ્રત્યેક શિક્ષકને ઘેર જતા અને તેમને નાનકડી ભેટ આપતા. મહત્ત્વ ભેટ કરતાંય વધુ તો આ ચેષ્ટાનું કહી શકાય.

વરસો વીતતાં ગયાં એમ શાળાસંકુલનો વિકાસ થતો ચાલ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વધતી રહી. શાળાના સ્થાપના દિનની ઉજવણીનો ક્રમ નિયમીતપણે ચાલતો રહ્યો. ઉજવણીનો પ્રકાર બદલાતો રહ્યો. આમ છતાં, આ ઉજવણીના કેન્‍દ્રમાં શાળા અને તેની ફિલસૂફી જ રહ્યાં.

શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને ગયેલા ઘણા વિદ્યાર્થીઓ આ દિવસે શાળામાં આવતા. કોઈ વ્યક્તિનો જન્મદિન મનાવવાનો હોય એમ જ તેઓ પોતાની માતૃસંસ્થામાં હાજર રહેતા. કોઈક ચોકલેટ લઈને આવતું, કોઈક કેક લઈને, તો કોઈક પુષ્પગુચ્છ લઈને આવતું. શાળાના કેટલાક શુભેચ્છકો પણ પુષ્પગુચ્છ થકી પોતાની શુભેચ્છા પાઠવતા. આ દિવસે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાને કારણે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ સામાજિક કાર્ય સાથે સાંકળવામાં આવે એ રીતનો કાર્યક્રમ ગોઠવાય.

ક્યારેક ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અને ગીતા પ્રવચનો જેવાં પ્રેરક પુસ્તક ભેટરૂપે આપવામાં આવે. શાળાની સફર આગળ ધપતી ગઈ એમ આ ઉજવણી વધુ ને વધુ આયોજનબદ્ધ અને પ્રેરક બનતી ગઈ.  

આજે તો એ દહેજ બાયપાસ રોડ પર પોતાના વિશાળ સંકુલમાં કાર્યરત છે, પણ 36 વરસની આ સફર અત્યંત રોમાંચક બની રહી છે. 

આ વખતે પણ એ જ પરંપરાના અનુસંધાનરૂપે વિશિષ્ટ રીતે ઉજવણીનું આયોજન છે. એ મુજબ સ્થાપના દિનના પછીના દિવસે, એટલે કે 12 જૂનને રવિવારના રોજ એક નિ:શુલ્ક હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે આ કેમ્પમાં સેવા આપનાર તમામ ડૉક્ટર ઍમિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આમ, ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન અને તેમની ઉપસ્થિતિના ફળસ્વરૂપ હેલ્થ ચેક અપ કેમ્પ- એમ બમણા લાભનું આયોજન છે. આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું ઘડતર વિશિષ્ટ રીતે થતું હોય છે. અહીં ભણી ગયેલા વિદ્યાર્થીઓ આ કારણે જ પોતાની શાળાને કદી વીસરી શકતા નથી. 

આ કાર્યક્રમની તૈયારીઓની ઝલક આપતી કેટલીક તસવીરો. 





હવે ઍમિટીનું સુકાન ઉત્પલભાઈ શાહે સંભાળ્યું છે, અને તેઓ પણ ઍમિટીની પરંપરા જાળવવા માટે કટિબદ્ધ છે. તેમની પડખે પ્રકાશભાઈ મહેતા, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય, રીનાબહેન તિવારી, સરોજબહેન રાણા, તોરલબહેન પટેલ, કેતકીબહેન ભાવસાર અને હેતલબહેન મેનગર જેવી સક્ષમ દ્વિતીય હરોળ છે. આ શુભ અવસર નિમિત્તે ઍમિટી સાથે સંકળાયેલા સહુ કોઈને શુભેચ્છાઓ અને તેમની આ પરંપરા ભવિષ્યમાં પણ જળવાયેલી રહે એવી કામના.  

(તસવીર સૌજન્ય: ઍમિટી શાળા પરિવાર)