Showing posts with label first year. Show all posts
Showing posts with label first year. Show all posts

Tuesday, June 12, 2012

કુછ મેરી સુનો...




અમુક કામો થતાં થઈ જતાં હોય છે. એનું ગમે એટલું આયોજન કરો, જાતજાતના મનસૂબા ઘડો, પણ એ ન થવાનું હોય તો ન જ થાય. અને થવાનું હોય તો કશા આયોજન વિના ફટાફટ થઈ જાય. જેને શ્રદ્ધાળુઓ ‘નિમિત્ત’ અથવા ‘થવાકાળ’ કહે છે અને વિવેકબુદ્ધિજીવીઓ ‘રાઈટ થીંગ એટ રાઈટ ટાઈમ’ કહે છે એવું જ કંઈક. આ બ્લોગ પણ એ રીતે જ શરૂ થયો હતો. અગાઉ જ્યારે જ્યારે બ્લોગ શરૂ કરવાનો વિચાર આવ્યો કે એની પછવાડે જ ‘બ્લોગ શરૂ કરીએ, પણ એવું તો શું નિયમિત લખવું?’ આ સવાલ દર વખતે સામે આવીને ઉભો રહેતો અને નિયમિતતા નહીં જાળવી શકવાના કાલ્પનિક ડરને લઈને એ કામ પાછું ઠેલાઈ જતું. કદાચ અંદરથી ધક્કો નહીં લાગતો હોય એટલે આવા બહાનાનો મનોમન આશરો લેવાતો હશે.
છેવટે ઝાઝા કશા વિચાર કે લાંબા આયોજન વિના ગયે વરસે એક પોસ્ટ મૂકીને ત્રણ-ચાર દિવસ માટે ‘ટ્રાયલ રન’ લીધો. જરૂરી એવા થોડા ફેરફાર કર્યા. અને એક શુભ દિવસે પ્રકાશિત કરીને મિત્રોને તેની જાણ કરી. એ દિવસ હતો ૧૨ મી જૂન, ૨૦૧૧ નો એટલે કે આજથી બરાબર એક વરસ પહેલાંનો.
આ એક વરસમાં મૂકાયેલી કુલ પોસ્ટનો આંકડો ૬૯ એ પહોંચ્યો છે, ત્યારે થોડી એ વિષે વાત કરવાનો ઈરાદો છે. આમ જુઓ તો, બ્લોગ એક રીતે અંગત અભિવ્યક્તિ જ હોય છે. એટલે આ બ્લોગ શું છે અને શું નથી એ વિષે મારે પોતે કંઈ કહેવાનું નથી. વાંચનારા સૌ જાણે જ છે. મુલાકાતીઓના આંકડા કે હીટ્સ અને વિઝીટ્સની સંખ્યાનો સરવાળો ઉત્સાહ વધારે છે એય કબૂલ. પણ બ્લોગલેખન થકી મને પોતાને જે આનંદ અને આત્મસંતોષની પ્રાપ્તિ થઈ છે એ આ બધાયથી આગળના ક્રમે આવે છે. 

વ્યવસાયે લેખક છું એટલે એવી સફાઈ નથી કરતો કે ‘હું તો મને ગમે એ જ લખું છું’ અથવા તો ‘મારું લેખન નિજાનંદ માટે છે, રંજન માટે નહીં.’ લખાણ કોઈ પણ હોય, વંચાય નહીં તો એ ન લખાયા બરાબર જ ગણાય. એટલે એવા ભ્રમમાં નથી. છતાં હકીકત એ છે કે બ્લોગ માટે લખવાનું બન્યું ત્યારે કોઈ પણ વ્યાવસાયિક દબાણ, વિષય પસંદગીની કે લંબાઈની મર્યાદા કે વાચકવૃંદને રાજી રાખવા માટે લખવાનો કશો ઉપક્રમ મનમાં નહોતો. મનમાં આવે એ વિષય પર મનમાં આવે એટલું લખવું. ‘પેલેટ’ (અને એની ટેગલાઈન) નામ પણ એ વિચારને પ્રતિબિંબીત કરતું હોવાથી એટલા માટે જ પહેલી વારમાં ગમી ગયેલું. આટલા મૂળભૂત ખ્યાલ સાથે બ્લોગલેખન શરૂ થયું. સ્વૈરવિહાર જેવા લખાણોમાં અનેક વાચકોને રસ પડ્યો, તેમણે માણ્યાં-પ્રમાણ્યાં એ મારા માટે બોનસ જ ગણાય.

અહીં મૂકાયેલાં બહુ ઓછાં લખાણો એવાં છે કે જે અન્યત્ર પ્રકાશિત થયાં હોય અને અહીં એનું પુનર્પ્રકાશન કરાયું હોય. મોટા ભાગનાં લખાણો માત્ર ને માત્ર બ્લોગ માટે જ લખાયાં છે, તેને કારણે ક્યારેક બે પોસ્ટ વચ્ચે નિયમિતતા ન જળવાઈ હોય એમ બને. અલબત્ત, એ બાબતની નોંધ લેતાં આનંદ થાય છે કે અહીં મૂકાયેલા એવા એક લખાણ પર ‘મુંબઈ સમાચાર’નાં સંપાદિકા પીંકી દલાલની નજર પડી અને તેમણે એ લખાણ બ્લોગ પરથી દૈનિકમાં લેવામાં રસ દેખાડ્યો, તો ‘વાહ ભાઈ વાહ’ ના અશોક અદેપાલે પણ એ માર્ગ અપનાવીને બ્લોગ પરનો લેખ પોતાના સામયિકમાં પ્રકાશિત કર્યો અને હવે ‘નવનીત સમર્પણ’ના સંપાદક દીપક દોશીએ પણ એવો જ રસ દેખાડ્યો છે. કેવળ બ્લોગ માટે લખીને મઝા લેવા માટે લખાયેલાં લખાણો આમ અનાયાસે પ્રિન્ટ માધ્યમમાં જાય એટલે આપણી ગાજરની પીપૂડીમાં કોઈકને બિસમિલ્લાખાનની શરણાઈના સૂર સંભળાયા હોય એમ જ લાગે. આનો આનંદ ન થાય એમ બને? સુરેશભાઈ જાની, દીપકભાઈ ધોળકીયા, કેપ્ટન નરેન્દ્રે પણ પોતાના બ્લોગ પર મારી અમુક પોસ્ટનો ઉલ્લેખ કરીને સદભાવ દાખવ્યો છે. હવે તો તેને કારણે એક જવાબદારીની ભાવના પણ રહે છે.

અનાયાસે એક કામ એ પણ થયું કે ઘણા મિત્રોનાં લખાણો પણ આ બ્લોગ પર મૂકી શકાયાં. (એટલા પૂરતો મને થોડો બ્રેક મળ્યો હોય તો એ વધારાનો ફાયદો છે.) રસ અને વૃત્તિ આપણા સ્તર અને અપેક્ષા મુજબનાં હોય તો લેખન સાથે સામાન્યપણે સંકળાયેલા ન હોય એવા કેટલાક મિત્રો પાસેથી મેળવેલા લખાણના થોડા પરામર્શન પછી સુંદર લેખ બની શકે છે એ અનુભવ્યું.
કયા વિષયો કેટલા પ્રમાણમાં ખેડ્યા એના પૃથક્કરણમાં પડવાને બદલે એટલું અવશ્ય કહીશ કે જે પણ ખેડાણ કર્યું એમાં મોજ પડી છે. આટલું લાંબું કોણ વાંચશે, આટલાં ગીતો કોણ સાંભળશે- એવી કશી ચિંતા કર્યા વિના લખ્યું છે. બ્લોગ પર મૂકાતાં લખાણો ટૂંકા અને મુદ્દાસર હોય તો સારું, એવી એક સામાન્ય છાપ છે. પણ અહીં એવું કશું બંધન રાખ્યું નથી. કેમ કે, પહેલાં તો મને પોતાને જ એ લખવાની મઝા આવે છે.



ક્યારેક અન્ય બ્લોગ જોવાનું બને ત્યારે સરખામણી પણ અનાયાસ થતી રહે છે. આપણા પોતાના માટે અમુક ધોરણો, વર્તણૂકો પણ તબક્કાવાર ઘડાતી જાય છે. એમ ખપ પૂરતી ટેકનીકલ વિગતો પણ શીખાતું જવાય છે. દરેક કમેન્ટની નીચે વ્યક્તિગત આભાર માનવાનો ક્રમ પહેલેથી જ જાળવ્યો નથી. એ વધુ પડતી વિનમ્રતા લાગે છે. લાગે છે કે એટલો વિનમ્ર હું છું નહીં. હા, કોઈની કશીક પૃચ્છા હોય કે કશો વિશેષ ઉલ્લેખ હોય એનો જવાબ આપવાનો જ હોય. એ સૌજન્ય છે. હું લખું અને કોઈ વાંચે એટલે સરકીટ પૂરી. પ્રતિભાવથી આનંદ અવશ્ય થાય, પણ એ ઓછા મળે કે ન મળે તો હતાશ કે નિરાશ થવાતું નથી. આ બ્લોગ પર ફિલ્ટર મૂક્યું નથી. અહીં નથી દલિલોનાં દંગલ નથી કે નથી ચર્ચાઓની ચમચમાટી (જ્યાં એ છે ત્યાં ખોટી છે એમ કહેવાનો આશય નથી.). અને છેવટે તો કમેન્ટ કરનાર વ્યક્તિના બે-ચાર લીટીના લખાણમાંય એનું વ્યક્તિત્વ કળાય છે. એટલે એની જરૂર લાગી નથી.

‘ફોલોઅર’નો આંકડો હાલ ૮૩ નો છે, જેમાંના અડધા ઉપરાંતના મિત્રોને હું ઓળખતો નથી. માનું છું કે તમામ ફોલોઅર માટે નવી પોસ્ટ આપોઆપ મળી જાય એવી સુવિધા છે. આ સૌની સાથે ભવિષ્યમાં પરિચય થશે કે નહીં એનીય ખબર નથી. છતાંય એ સૌ આ લખાણ વાંચે છે એનો આનંદ છે. ફોલોઅર ન હોય અને કમેન્ટ પણ ન લખતા હોય એવાય ઘણા વાચકો છે. એ ક્યાં છે, કોણ છે એની ખબર નથી, પણ પરોક્ષ સેતુ સધાયેલો હોય એવી અનુભૂતિ સતત થયા કરે છે.

વ્યક્તિગત નામનો ઉલ્લેખ કરવા બેસું તો યાદી ઘણી લંબાઈ જાય,પણ સૌ વાચકો સાથે સંપર્કનો પ્રત્યક્ષ કે પરોક્ષ સેતુ રચાયો છે એ ઉપલબ્ધિ મોટી છે. પરસ્પર વ્યવહાર ન જળવાય એમ બને, કેમ કે એમાં હું આમેય કાચો છું. છતાં હાજરીની નોંધ લેવાતી રહે છે. હા, જેમની સાથે ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક બ્લોગ થકી જ સ્થપાયો એવાં કેટલાંક નામોમાં સુમંત વશી, હરનીશ જાની, પૂર્વી મલકાણ, ભરતકુમાર ઝાલા, રોહીત મારફતિયા, દીપક ધોળકીયા વગેરે ઉલ્લેખનીય છે. બિનીત મોદી, ઋતુલ જોશી, અભિષેક જેવા મિત્રો સાથે તો બ્લોગ સિવાય પણ એટલી બધી વાતો કરવાની હોય છે કે કાયમ સમયની તંગી નડે. દિલ્હી રહેતા અમિત જોશી સાથે પણ આ નિમિત્તે સંપર્ક વધુ જીવંત બન્યો. મઝા એ છે કે ઘણા મિત્રો એવા છે કે જે મને કેવળ બ્લોગ થકી ઓળખતા હોય. આની સામે ઘણા ખાસ મિત્રો એવા છે કે જેમને બ્લોગ એ કઈ બલા છે એનીય ખબર નથી. એટલે ત્યાં હું શું કરતો હોઉં એની તો ખબર જ ક્યાંથી હોય? આને કારણે સંતુલન જળવાઈ રહે છે.  

બ્લોગમાંની પોસ્ટની નિયમિતતા તેમજ સામગ્રી અંગે મારા કરતાંય જેમને વધુ ફિકર છે, એવા સુરતના હરીશ રઘુવંશીના સદાના સહકાર માટે ‘આભાર’ શબ્દ ઓછો પડે. બ્લોગ પર હવે પછી હું ક્યારે અને શું મૂકીશ એની ચિંતા હરીશભાઈને મારા કરતાંય વધારે છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તો રજનીકુમાર પંડ્યા જેવા ગુરુજનનો વાત્સલ્યભર્યો હાથ માથે ફરતો અનુભવાય એય આ બ્લોગની ઉપલબ્ધિ જ ગણાય. ઊર્વીશે તો ઘણા વખત પહેલાં પોતાનો બ્લોગ શરૂ કર્યો હતો, એટલે એ માર્ગે તેને નડેલા કાંટા મને ન નડે એની કાળજી તેણે રાખી છે. આ સૌ શુભેચ્છક અને સદાય મદદ કરવા તત્પર હિતચિંતકો છે જ, પણ એવા જ આકરા પરીક્ષકો છે. એટલે અમુક લખાણો લખતી વેળાએ મનમાં તેમનું સ્મરણ રહે એમાં નવાઈ નથી.

આ ઉપરાંત ગૂગલની બ્લોગર સર્વિસ, યૂ ટ્યૂબ જેવી સુવિધાઓ તેમજ અસંખ્ય વેબસાઈટ્સ પર માહિતી ઉપલબ્ધ કરાવનાર નામી-અનામી સહયોગીઓને પણ ધન્યવાદ પાઠવું છું કે જેમના થકી ઘણી માહિતી સરળતાથી સુલભ બની શકી છે, જેનો અહીં અનેક વાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફરી વાર કહું તો આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું. એટલા માટે કે મને જે લખવામાં આનંદ આવ્યો છે એ વાંચવામાં આપ સૌએ પણ રસ દેખાડ્યો અને યોગ્ય પ્રતિભાવ આપ્યો.

હજી આ પહેલો મુકામ છે. આગળ કેટલે પહોંચાશે એની ખબર નથી, એમ ફિકર પણ નથી. હવે શું, કેવું અને કેટલું લખાશે એય ખબર નથી. હા, એટલું નક્કી છે કે બસ, ચાલતા રહીશું મોજ પડે ત્યાં લગી. 




(નોંધ: તમામ ચિત્રાંકનો નેટ પરથી લીધાં છે.)