Friday, March 31, 2023

કરકસરનો પર્યાય

"હૃષિદા માટે ઓછા બજેટની વ્યાખ્યા તેમની ખુદની જ ઓળખ સમાન હતી. જેમ કે, પોતાના જ મકાનમાં તેઓ ડ્રોઈંગ રૂમનો સેટ ઊભો કરતા. પછી ઑફિસના દૃશ્યની જરૂર પડે તો એ જ સ્થળેથી બધું હટાવીને નવું ફર્નિચર મૂકાવી દેતા. બેડરુમના દૃશ્ય માટે પછી આ જ ઑફિસના ફર્નિચરને સ્થાને પલંગ વગેરે મૂકાઈ જતાં. હૃષિદાનો સાળો આર્ટ ડિરેક્ટર હતો અને છાશવારે આ બધી જફામાંથી પસાર થવાનું તેના ભાગે આવતું. અચાનક હૃષિદા તેમને કહેતા, 'આ બેય દીવાલોને ફટાફટ રંગાવી દો.' કેમ કે, એમ ન કરે તો બીજા દૃશ્યમાં એ જ ઘર કોઈ બીજા, નવા ઘર જેવું ન લાગે. આ રીતે એનો એ જ રુમ અલગ અલગ રૂમ કે અલગ અલગ ઘરને દર્શાવવા માટે વાપરી શકાતો. લઘુથી લઘુતર બજેટમાં શી રીતે કામ કરવું એ હૃષિદા પાસેથી શીખી શકાતું."

"અમે 'ખૂબસૂરત' માટે એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. એ ગીત (સારે નિયમ તોડ દો..)માં જ એક થિયેટરનું નાનકડું દૃશ્ય હતું. ખાસ મોટો ખર્ચ કર્યા વિના એ કરવાના ઉપાય વિચારવાની સૂચના હૃષિદાએ આર્ટ ડિરેક્ટરને આપી. 'બે મિનીટના ગીત માટે હું આખો સ્ટુડિયો બુક ન કરી શકું. એ બહુ ખર્ચાળ થઈ પડે.' આર્ટ ડિરેક્ટરે પોતાના દિમાગને બરાબર કસ્યું અને આ ગીતને ધાબા પર શૂટ કરવા સૂચવ્યું. હૃષિદાને તો જાણે હાથમાં ચાંદ પકડાવી દીધો હોય લાગ્યું. 'ગજબ આઈડિયા છે. પાણીની ટાંકી, પાઈપો અને ખુલ્લી જગ્યા- ધાબાનું પોતાનું એક આગવું કેરેક્ટર છે.' એમ જ કરવામાં આવ્યું. સીન તેમજ સંવાદમાં એ મુજબ ફેરફાર કરવાની મને સૂચના આપવામાં આવી. કાગળના બે મોટા કટઆઉટ અને કપડા વડે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું. ફિલ્મમાં ગીત આવે છે ત્યારે આ સેટિંગ પારિવારિક ભાવનાનાં સ્પંદનોની ઉષ્માને ઓર ઉપર ઉઠાવતું હોવાનું જણાય છે. "
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ઉપરોક્ત અંશમાં જે ગીતનો ઉલ્લેખ છે એ 'ખૂબસૂરત'નું ગીત અહીં જોઈ શકાશે.

Thursday, March 30, 2023

ગાયક, સંગીતકાર, નિર્માતા...અને છુપાયેલા કવિ હેમંતકુમાર


એક દિવસ રાબેતા મુજબ અમે સૌ હેમંતદાના ખારમાં આવેલા ઘરના મ્યુઝીક રૂમમાં ભેગા થયા. તેઓ એક ઓશિકા પર સહેજ ઝૂકીને હાર્મોનિયમ પર ધૂન વગાડી રહ્યા હતા. એ એમની શૈલી હતી. તેઓ ધૂન વગાડી રહે એટલે સીધા બેસી જતા અને ફરી ઝૂકે એ અગાઉ ગીતની પંક્તિઓ ગાતા. અચાનક એમણે મને પૂછ્યું, 'ગુલઝાર, તેં 'દીપ જ્વેલે જાઈ' જોયું છે?'
'હા, જોયેલું છે, પણ બહુ વખત થઈ ગયો. મને ખાસ યાદ નથી.'
'એને હિન્દીમાં બનાવીએ તો કેવું?'
'એ તો બહુ સરસ, દાદા!' મને તરત જ એ ફિલ્મમાંનાં સુચિત્રા સેનનાં દૃશ્યો યાદ આવી ગયાં. તેમણે કહ્યું, 'ચાલો જઈએ.' અને તરત જ ઊભા થઈને તૈયાર થવા ગયા. એ જ વખતે બેલાદી (હેમંતકુમારનાં પત્ની) રૂમમાં આવ્યાં અને પૂછ્યું, 'અત્યારે ક્યાં ઊપડ્યા?'
'આસિત આવેલો છે.' તેમણે જવાબ આપતાં કહ્યું, 'એ જુહુની હોટેલમાં ઊતર્યો છે. અમે એને મળવા જઈએ છીએ.' આમ, અમે આસિત સેનને મળવા ગયા અને હેમંતદાએ એમને સીધું જ પૂછ્યું, 'આસિત, તારી 'દીપ જ્વેલે જાઈ' હિન્દીમાં બનાવવા વિશે તને કેમ લાગે છે?' આસિતે સાવ ઉદાસીન ભાવે કહ્યું, 'હિન્દીમાં આવી ફિલ્મો કોણ બનાવે, દાદા?'
'હું બનાવીશ. એટલે તો અમે આજે તને મળવા આવ્યા.'
આસિતદા ક્ષણભર ચૂપ થઈ ગયા અને એ પછી દસ જ મિનીટમાં ઘોંઘાટ ઘોંઘાટ થઈ ગયો, કેમ કે, અમે બધા તીવ્ર ચર્ચામાં ઊતરી પડ્યા કે કાસ્ટિંગ શું હશે, લોકેશન કયું હશે, બજેટ કેટલું અને સ્ક્રીનપ્લે કોણ લખશે. પાછા વળતાં હેમંતદાએ તેમના નજદીકી સહાયક પરિમલને સૂચના આપતાં કહ્યું, 'તો પછી કાલે ટ્રાયલ શો ગોઠવો, પરિમલ.' પરિમલે ઠંડકથી કહ્યું, 'હેમંત, એના માટે આપણે પ્રિન્ટ લાવવી પડે. એ બોમ્બેમાં છે નહીં.' કળા પ્રત્યે અઢળક પ્રેમ, પ્રતિબદ્ધતા અને પેશન હોય તો જ સમજાવી શકાય કે માત્ર દસ જ મિનીટમાં એક આખી ફિલ્મનો પ્રોજેક્ટ શી રીતે કોઈ નક્કી કરી શકે.
'ખામોશી'નું શૂટ ધામધૂમથી શરૂ થયું, જેમાં વહીદા રહેમાનની મુખ્ય ભૂમિકા હતી. એક દિવસ હેમંતદા સાથે અમે તેમને ઘેર પહોંચ્યા. વહીદાજીને હું રૂબરૂ પહેલી વખત મળી રહ્યો હતો. અને હું શું જોઉં છું! એ એકદમ શ્યામવર્ણી યુવતી છે! પડદે દેખાય ત્યારે ગોરી દેખાય છે! મને સહેજ નિરાશા થઈ, છતાં 'ખામોશી'ના ગીત 'હમને દેખી હૈ ઈન આંખો કી મહકતી ખુશ્બૂ' ગીતના શબ્દો મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં એ ગીત લખેલું અને હેમંતદાએ એની અદ્ભુત ધૂન તૈયાર કરેલી. એ પછી જાણે કે બોમ્બ ફેંકતા હોય એમ એમણે ઘોષણા કરેલી, 'એ ગીત લતા ગાશે.'
'શું વાત કરો છો, હેમંતદા! આ તો એક છોકરો પોતાની પ્રેમિકા માટે ગાય છે. આ કોઈ છોકરી પોતાના પ્રેમી માટે ન ગાઈ શકે.'
'ના, ગુલઝાર! આ લતાને બરાબર બંધબેસે એવું છે.'
'અરે, પણ કેમનું? ગીત એક પુરુષની સંવેદનાઓ વિશે છે. એને કોઈ સ્ત્રી શી રીતે ગાઈ શકે?'
અમારી અનિચ્છા હતી, પણ હેમંતદા મક્કમ હતા. આખરે અમે એ સમાધાન પર આવ્યા કે ગીતને એક સ્ત્રી રેડિયો પરથી ગાઈ રહી છે. રેડિયો પર કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ ગીત ગાઈ શકે. અને નવાઈની વાત એ છે કે, આજ સુધીમાં લતાજીનું ગાયેલું ગીત સાંભળીને કોઈએ ફરિયાદ નથી કરી કે આ ગીત પુરુષનું છે કે સ્ત્રીનું! આવો જાદુ હતો હેમંતદાના સંગીતનો અને એમની નિરીક્ષણશક્તિનો. પણ આ ગીત થકી મને બહુ તકલીફ પડી. આલોચકો કહેવા લાગ્યા- આ ગીત છે કે કવિતા? સુગંધને હાથ વડે શી રીતે સ્પર્શી શકાય? યુવાન ગીતકાર ગુલઝારની બહુ ટીકા થઈ. પણ હેમંતદાની અંદર એક કવિ પણ છુપાયેલો હતો. તેમણે કહ્યું, 'ગુલઝાર, કોઈ ગમે એ કહે એની ફિકર નથી. તારે શબ્દો બદલવાના નથી.' કદાચ કેવળ તેમના પ્રોત્સાહનને લઈને જ 'ગુલઝારીશ' (Gulzarish) જેવો શબ્દ અસ્તિત્વમાં છે!
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે 'ખામોશી'ના જે ગીતનો ઉલ્લેખ કર્યો છે તેના શબ્દો આ મુજબ છે. આ ગીત ન સાંભળ્યું હોય એવા ભાગ્યે જ કોઈ સંગીતપ્રેમી હશે. પણ ગુલઝારે લખેલા સંદર્ભે હવે નવેસરથી તેના શબ્દોની મજા આવશે.
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
सिर्फ़ एहसास है, ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
एक खामोशी है, सुनती है, कहा करती है
ना ये बुझती है, ना रुकती है, ना ठहरी है कहीं
नूर की बूँद है, सदियों से बहा करती है
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
मुस्कुराहट सी खिली रहती है आँखों में कहीं
और पलकों पे उजाले से छुपे रहते हैं
होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
कितने खामोश से अफ़साने रुके रहते हैं
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
આ ગીતનું ફિલ્માંકન અહીં જોઈ શકાશે, જે સ્નેહલતા પર કરવામાં આવ્યું છે.

Wednesday, March 29, 2023

પાગલ જીનિયસ

 "તમારામાંના ઘણાને આ સાંભળીને નવાઈ લાગશે કે 'આનંદ'ની મુખ્ય ભૂમિકા માટે કિશોરદા તૈયાર હતા. બધું નક્કી થઈ ગયેલું. શૂટના થોડા દિવસ અગાઉ ફિલ્મમાંનો પોતાનો લૂક, કોસ્ચ્યુમ્સ વગેરેની ચર્ચા કરવા કિશોરદા અમને મળવાના હતા. તેઓ આવ્યા- સાવ ટકલું કરાવીને. અમને બધાને આંચકો લાગ્યો! આટલું ઓછું હોય એમ કિશોરદા નાચતાં નાચતાં ઓફિસમાં ફરવા અને ગાવા લાગ્યા, 'હવે શું કરીશ, હૃષિ?' (ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખોપાધ્યાય). આખરે, ટૂંક સમયમાં રાજેશ ખન્નાને એ ભૂમિકા સોંપવામાં આવી. કદાચ કિશોરદા એ પાત્ર કદી ભજવવા જ માંગતા નહોતા. પોતાને આ રીતે નુકસાન કરીને અન્યને કષ્ટ આપનાર મેં કદી જોયો નહોતો. એય ખરું કે કિશોરદા એવી વ્યક્તિ હતી કે એના પર તમે લાંબો સમય ગુસ્સે ભરાયેલા રહી ન શકો. એમ કરીએ તો નુકસાન આપણું. એમ કરવાનો મતલબ આ વિશ્વના સત્વથી- કિશોરકુમારના સત્વથી વંચિત રહી જવું. એનું એક આગવું ગૌરવ, નશો અને અનુભૂતિ હતાં- અને એ તદ્દન અનન્ય હતાં."

"કિશોરકુમારને અતિ પ્રિય બાબતો પૈકીની એક પોતાના નિર્માતાઓને મુશ્કેલીમાં મૂકવાની હતી. એ કદી નિર્માતાઓને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે નહોતી. એમાં અડધી રમૂજ, અને અડધું વાજબીપણું રહેતું. એક વાર અમે 'ભરોસા' ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ નક્કી કરેલું. ઘણા સમયથી રિહર્સલ થઈ રહ્યા હતાં અને સહુ તૈયાર હતા. ફાઈનલ રેકોર્ડિંગ શરૂ થાય એ પહેલાં કિશોરદાએ અમને જણાવ્યું કે એમને થોડી ચા જોઈશે. તેમના ડ્રાઈવર અબ્દુલને ચા લઈ આવવા માટે કહેવામાં આવ્યું. અબ્દુલ ઊપડ્યો અને સહુ તેના આવવાની રાહ જોતા રહ્યા. અબ્દુલના આવવાનાં એંધાણ જણાતા નહોતાં. અમે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં, 'ચાલો ને, દાદા, રેકોર્ડિંગ પતાવી દઈએ. અબ્દુલ હમણાં આવી જશે.' ત્યારે એ કહેતા, 'અબ્દુલને આવી જવા દો. હું ચા પીઉં એ પછી જ વાત.' અમે વારેવારે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ ટસના મસ ન થયા. આખરે અબ્દુલ આવ્યો કે તરત જ કિશોરદાએ જાહેર કર્યું, 'ઓકે, ચાલો, રેકોર્ડિંગ કરીએ.' અમે પૂછ્યું, 'કેમ? તમારે ચા નથી પીવાની?' અમારી વાત પર ધ્યાન આપ્યા વિના તેઓ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા. હકીકતમાં એમના માટે ચાનું કશું મહત્ત્વ જ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે નિર્માતા નાણાં ખર્ચે અને વાદકો તેમજ અન્ય કર્મચારીઓ માટે ચા મંગાવે. આ આખું નાટક એના માટે હતું."

"એક વાર શૂટ દરમિયાન કિશોરદાએ રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું, 'બીમલદા (બીમલ રૉય), કાલે એક નિર્માતા મને મળવા આવેલો. મેં કહ્યું કે હું ફિલ્મ સાઈન કરીશ, પણ એક શરતે. તેણે મારે ઘેર ચડ્ડી પર કૂરતો પહેરીને આવવું પડશે. તેણે એ રીતે પાન ચાવતાં ચાવતાં આવવું પડશે કે હોઠના બન્ને ખૂણેથી લાલ રેલા દદડતા દેખાય. મારે ઘેર બે ટેબલને ભેગાં કરવામાં આવશે, અને એક ટેબલ એ ઊભો રહેશે, બીજા પર હું. એ પછી અમે હાથ મિલાવીશું અને કરાર પર સહી કરીશું.' બીમલદાએ પૂછ્યું, 'આવું ગાંડપણ શા માટે, કિશોર?' અકળાઈને કિશોરદાએ કહ્યું, 'બીમલદા, આજે એ નિર્માતા બિલકુલ આવાં કપડાં પહેરીને મને મળવા આવેલો. તમે જ કહો, પાગલ કોણ? હું કે એ?' આ તર્કનો કશો જવાબ નહોતો."

- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

ટીપ્પણી: 'ભરોસા' નામની કુલ બે ફિલ્મો બની છે. એક 1940માં અને બીજી 1963માં. 1940ની ફિલ્મમાં કિશોરકુમાર કે ગુલઝાર હોવાની શક્યતા નથી, જ્યારે 1963ની ફિલ્મમાં ગુરુદત્ત અને આશા પારેખની ભૂમિકા હતી, જેના નિર્માતા હતા વાસુ મેનન. આ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં અને સંગીતકાર હતા રવિ. ગુલઝારે જે 'ભરોસા'નો ઉલ્લેખ કર્યો છે એ ફિલ્મ સેન્સર થઈ નથી, પણ તપાસ કરતાં એટલી વિગત મળી કે રાજેશ ખન્ના અને ઝાહીરાની ભૂમિકાવાળી આ ફિલ્મ 1981માં બનવાની શરૂ થઈ હતી અને તેનાં ગીત ગુલઝારે લખેલાં. દિગ્દર્શક હતા મેરાજ.

Tuesday, March 28, 2023

પંચમની અકળામણ

 


"'તૂને સાડી મેં ઉરસ લી હૈ ચાબિયાં ઘર કી...' આ કેવી પંક્તિઓ? આને તું કવિતા કહે છે? ગીતની પંક્તિઓ આટલી નીરસ શી રીતે હોઈ શકે? ગુલ્લુ, તું સરખું લખી નથી શકતો? અને પાછો તું મને આ પંક્તિઓ સંગીતબદ્ધ કરવાનું કહે છે?"- મેં લખેલા 'કિનારા' ફિલ્મના ગીત 'એક હી ખ્વાબ' માટે પંચમનો પ્રતિભાવ આવો હતો. એણે વળી પાછું કહ્યું, 'તું આ પંક્તિઓ પરથી કોઈક સીન બનાવ અને મને કામ કરવા માટે કંઈક બીજું આપ.' મને કદી ચર્ચામાં મુકાબલો કરવાનું ગમતું નહીં. મેં તેને કહ્યું, 'પંચમ, એ તો હું કરી જ શકું છું. પણ વાત એ છે કે તારી સાથે હું કામ કરું, તો આપણે એટલા માટે કામ કરીએ છીએ કે આપણે કશુંક બિનપરંંપરાગત કરવા માંગીએ છીએ. ખરું કે નહીં? એટલા માટે....' પંચમે જવાબમાં કંઈ કહ્યું નહીં. એ ધૂન તૈયાર કરવા માંડ્યો. પરિસ્થિતિની નાટ્યાત્મકતાને વધુ ઉજાગર કરવા માટે કેટલાક સંવાદ મૂકવામાં આવ્યા. ગીત તૈયાર થયું એટલે પંચમે ભૂપી- ભૂપીન્દરસીંઘને કહ્યું, 'ભૂપી, ગિટાર લઈને રેકોર્ડિંગ રૂમમાં જા, હેડફોન્સ લગાવીને ગીત સાંભળ, અને તને ગીત પૂરું કરવા માટે જ્યાં પણ નોટ્સની જરૂર લાગે તો એ વગાડજે. તને હું છૂટો દોર આપું છું.' ભૂપીન્દર સિંઘ પંચમ માટે ગિટાર વગાડતા હતા, અને તેના સૌથી વિશ્વાસપાત્ર સહાયકો પૈકીના એક હતા. ભૂપીએ ભાનુદાની ગિટાર ઉપાડી. ભાનુ ગુપ્તાએ ઘણાં વરસો સુધી પંચમ સાથે કામ કરેલું, અને ભૂપીના ગુરુ સમાન હતા. ભૂપીએ પંચમના કહ્યા મુજબ કર્યું. ભૂપીએ ઉમેરેલી નોટ્સથી ગીતને જાણે કે એક અલાયદું પરિમાણ મળ્યું. ફક્ત એક સ્થાને ગિટારના ટ્રેકમાંથી ચીચીયારી જેવો નાનકડો અવાજ આવતો હતો. પંચમ વધુ એક ટેક કરવા ઈચ્છતા હતા, પણ મેં એમ કરવાની ના પાડી. પંચમે મને પડકાર ફેંક્યો, 'જોઈએ, તું ફિલ્મમાં આ શી રીતે દેખાડે છે!'
ફિલ્મ પૂરી થયા પછી પંચમ સ્ક્રીનિંગ માટે આવ્યો. આ ગીતની એક સિક્વન્સમાં હેમા માલિની અને ધર્મેન્દ્રને પત્તાં રમતાં દેખાડાયાં હતાં. હેમા જોકરના પત્તાને ખેંચીને તેને ચૂમે છે. મેં ગિટારના પેલા અવાજનો ઉપયોગ પત્તાને કરાતા આ ચુંબન માટે કર્યો. પંચમ એ જોઈને રાજી થઈ ગયો. 'ગુલ્લુ! અદ્ભુત!' પૂર્ણતા માટેનો એનો આગ્રહ, કોઈ ચોક્કસ શબ્દનો ઉપયોગ અને પછી તેને આત્મસાત કરી લેવાની એની આદત વળગણ કક્ષાની હતી. એ કોઈક ધ્વનિ કે ધૂનને સમજવા માંગતો ત્યારે તે એના હૃદયના ઊંડાણમાંથી એ કરતો. અને જ્યારે એ એની તીવ્ર પ્રતિભા દેખાડતો ત્યારે પરિણામ લગભગ તત્કાળ મળી જતું.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે વર્ણવેલા આ ગીતના શબ્દો વાંચવાથી સમજાશે કે પંચમે એ વાંચીને પહેલો પ્રતિભાવ કેમ એવો આપેલો. એ પછી આ પંક્તિઓને પંચમે શી રીતે ધૂનમાં ઢાળી એ ગીત સાંભળવાથી ખ્યાલ આવશે. ગીતમાં પણ મુખ્ય પ્રભાવક ભૂપીન્દરનો સ્વર છે. તાલ અને ગિટાર માત્ર જરૂર પૂરતાં જ છે. અને ગિટારમાંથી નીકળેલા પેલા અવાજનો ઉપયોગ ગુલઝારે ફિલ્માંકનમાં શી રીતે કરી લીધો એ પણ 4.37 પર જોઈ શકાશે.
एक ही ख्वाब कई बार देखा है मैंने
एक ही ख्वाब कई बार देखा है मैंने
तूने साडी में उरस ली है...मेरी चाबीयाँ घर की
एक ही ख्वाब कई बार देखा है मैंने
तूने साडी में उरस ली है मेरी चाबीयाँ घर की
और चली आयी है
बस यूंही मेरा हाथ पकड़ कर
एक ही ख्वाब कई बार देखा है मैंने
मेज़ पर फूल सजाते हुए देखा है कई बार
मेज़ पर फूल सजाते हुए देखा है कई बार
और बिस्तर से कई बार जगाया है तुझको
चलते फिरते तेरे क़दमों की वो आहट भी सुनी है
एक ही ख्वाब कई बार देखा है मैंने
क्यों चिट्ठी है या कविता
अभी तक तो कविता है
ला ला ला ला ह्म्म्मम्म
गुनगुनाती हुई निकली है नहाके जब भी
गुनगुनाती हुई निकली है नहाके जब भी
अपने भीगे हुए बालों से टपकता पानी
मेरे चेहरे पे छिटक देती है तू..टिकू की बच्ची
एक ही ख्वाब कई बार देखा मैंने
ताश के पत्तों पे लड़ती है कभी कभी खेल में मुझसे
ताश के पत्तों पे लड़ती है कभी कभी खेल में मुझसे
और कभी लड़ती भी है ऐसे के बस खेल रही है मुझसे
और...आगोश में नन्हे को लिए
विल यू शट अप?
और जानती हो टिकू
जब तुम्हारा ये ख्वाब देखा था
अपने बिस्तर पे मैं उस वक़्त पड़ा जाग रहा था.
'કિનારા'નું આ ગીત અહીં સાંભળી અને જોઈ શકાશે.

Monday, March 27, 2023

બીમલદા, સચીનદા અને 'બાલની ખાલ' પ્રકારની ચર્ચા

 એક વાર સચીનદા (એસ.ડી.બર્મન), બીમલદા (બીમલ રોય) અને હું ચર્ચા માટે ભેગા થયેલા. બીમલદા સમજાવી રહ્યા હતા- 'જુઓ, છોકરી કદી પોતાના ઘરની બહાર નીકળી નથી. લોકો તેના પિતાને મળવા આવે છે, અને આ મુલાકાતમાં તેઓ વૈષ્ણવ કવિતા વાંચે છે. છોકરી આ સાંભળે છે અને પ્રેરિત થાય છે.' અચાનક સચીનદાએ આશ્ચર્ય દર્શાવતાં કહ્યું, 'શું વાત કરે છે! છોકરી ઘરની બહાર નીકળી નથી તો પછી આ શી રીતે થશે? મેં એ રીતે સંગીત તૈયાર નથી કર્યું. ના, ના! તારે એને બહાર કાઢવી જ પડશે.' અમે નવાઈ પામી ગયા! સચીનદા (સંગીતને બદલે) પાત્ર વિશે વાત કરી રહ્યા હતા, અને તેને બહાર કાઢવા માટે કહી રહ્યા હતા. 'એને કહે કે બહાર નીકળે.' પણ બીમલદા એને બહાર નહોતા જવા દેવા માંગતા. સચીનદાએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, 'તને કહી દઉં છું, એને બહાર નીકળવા દે.' બીમલદાએ કહ્યું, 'તમે શું કહી રહ્યા છો, કોરતા (સાહેબ)?' મારા પાત્રે બહાર નીકળવાનું?' આખરે સચીનદાએ પોતાનો મિજાજ અમુક અંશે ગુમાવ્યો, 'એમ જ હોય તો તું સલીલ (ચૌધરી)ને સંગીત તૈયાર કરવાનું કહી શકે છે.' ત્યાં સુધી બીમલદા પોતાનું હાસ્ય દબાવી રાખવાનો બરાબર પ્રયત્ન કરી રહ્યા હતા. ફિલ્મના સહલેખકો પૈકીના એક એવા પૉલ     મહેન્દ્રે  પૂછ્યું, બીમલદા, એ છોકરી પોતાના પિતાજીની હાજરીમાં શી રીતે રોમેન્ટિક ગીત ગાવાની?' એ સાથે જ સચીનદાએ પોતાની હથેળીમાં તાળી આપી, 'બિલકુલ! હું એ જ કહું છું!' પોતાને પક્ષે રહી શકે એવું કોઈક એમને મળ્યું હતું. એટલે પરિસ્થિતિ એવી હતી કે બે વરિષ્ઠ લોકો એક ગીતના દૃશ્યાંકનની ચર્ચા કરી રહ્યા હતા, એમ કહો ને કે લગભગ ઝઘડી રહ્યા હતા, અને અમે નવોદિતો એ સાંભળી રહ્યા હતા. આ 'બાલની ખાલ' પ્રકારની ચર્ચામાં ખરેખર ઘણું શીખવા જેવું હતું. ગીત હતું 'મોરા ગોરા અંગ લઈ લે...' એ 'બંદિની' માટે લખાયેલું અને નૂતન પર ફિલ્માવાયેલું.

બીમલદા માનતા કે ગીતના દૃશ્યાંકનમાં પોતે એટલા સારા નથી. પરિણામે, તેઓ આવી સિક્વન્સ પર એટલું ઝીણવટપૂર્વક કામ કરતા કે એ ગીત છેવટે નમૂનેદાર બની રહેતું. ગીતની મધ્યમાં સંગીતનું આયોજન બદલાય અથવા તો કશુંક નવું સંગીત ઉમેરાય તો તેઓ તરત કહેતા, 'શૉટ બદલી નાખો. શૉટમાં તાલ અને વાદ્ય એના એ શી રીતે હોઈ શકે?' તેમની ફિલ્મોમાં પહેલવહેલી વાર સાઉન્ડસ્કેપ (આસપાસનો માહોલ દર્શાવતા અન્ય જરૂરી નાનામોટા અવાજ)નો ઉપયોગ કરવામાં આવેલો. ઘંટનો રણકાર હોય કે કૂતરાના ભસવાનો અવાજ, બીમલદાના સાઉન્ડસ્કેપમાં આવો એકે એક અવાજ ગીતમાં સાંભળી શકાતો. તેઓ એવી વ્યક્તિ હતી કે જેમનું જીવન સિનેમાની આસપાસ હતું; તેઓ સિનેમા જીવતા અને સિનેમા શ્વસતા.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: 'બંદિની'નું આ ગીત ગુલઝારે લખેલું, જ્યારે અન્ય ગીતોના ગીતકાર શૈલેન્દ્ર હતા. આ ગીતના દરેક ઈન્ટરલ્યુડમાં સંગીતની તરાહ અલગ અલગ છે, અને ગીતનાં દૃશ્યો પણ એ મુજબ બદલાતાં જાય છે. ગીતનું મુખડું, તેમજ ઈન્ટરલ્યુડની પહેલી બે પંક્તિઓ દરમિયાન નાયિકા નૂતનનો ક્લોઝ અપ બતાવાય છે, અને એ પછી સામાન્ય શૉટ બતાવાયા છે. સચીન દેવ બર્મનના સંગીત અનુસાર ગીતનાં દૃશ્યો શી રીતે ફિલ્માવવામાં આવ્યાં છે એ જોવાની મજા પડે એવું છે.
ગુલઝારે વર્ણવેલી બીમલદાની ખાસિયતો આ ગીતમાં જોઈ શકાય છે.
આ ગીતના શબ્દો અહીં આપેલા છે, અને આટલું વર્ણન વાંચ્યા પછી ગીતને એ દૃષ્ટિકોણથી જોવાની ઈચ્છા થાય તો એની લીન્ક આ રહી.
मोरा गोरा अंग लै ले
मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में
मोहे पी का संग दै दे
मोरा गोरा अंग लै ले
मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में
मोहे पी का संग दै दे
एक लाज रोके पैयाँ
एक मोह खींचे बैयाँ
एक लाज रोके पैयाँ
एक मोह खींचे बैयाँ
जाऊं किधर न जानूं
हम का कोई बताइ दे
मोरा गोरा अंग लै ले
मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में
मोहे पी का संग दै दे
बदरी हटा के चंदा
चुप के से झाँके चंदा
बदरी हटा के चंदा
चुप के से झाँके चंदा
तोहे राहु लागे बैरी
मुस्काये जी जलाई के
मोरा गोरा अंग लै ले
मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में
मोहे पी का संग दै दे
कुछ खो दिया है पाइ के
कुछ पा लिया गवाइ के
कुछ खो दिया है पाइ के
कुछ पा लिया गवाइ के
कहाँ ले चला है मनवा
मोहे बाँवरी बनाइ के
मोरा गोरा अंग लै ले
मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में
मोहे पी का संग दै दे

Sunday, March 26, 2023

રમત, રમતિયાળપણું અને સલીલદા!

 એમની પાસેથી કામ લેવું બહુ અઘરું. બીજું બધું જ થાય, સિવાય કે મૂળ કામ. અમે કદીક એમને કોઈ ચોક્કસ ધૂન યાદ કરાવીએ કે તરત જ એ કહે, 'કરી દઈશું.' પછી કહે, 'મેં હમણાં જ કાર ખરીદી છે, ચાલો, આપણે પવઈ ઉપડીએ. ટ્રાયલ રન પણ થઈ જશે અને ટ્રીપ પણ.' અને અમે બહાર નીકળીએ કે ગીતની વાત હવામાં ઊડી જતી. એ વખતે અમે 'કાબુલીવાલા' શૂટ કરી રહ્યા હતા. કલકત્તાની ગલીઓ અને સડકોમાં ટાઈટલ શોટ્સનું ફિલ્માંકન કરીને હું હજી મુમ્બઈ આવ્યો જ હતો. બીમલદા (બીમલ રોય)એ જણાવ્યું કે બે ગીતો રેકોર્ડ થઈ ગયાં છે. તેમણે મને એ સાંભળી લેવા કહ્યું. મેં એ સાંભળ્યાં અને કહ્યું કે મને ભજન ખાસ પસંદ નથી. બીમલદાએ એમની લાક્ષણિક શૈલીમાં 'હંમ' કહ્યું અને પછી સલીલદા સાથે એની ધૂન ફાઈનલ કરી લેવા જણાવ્યું. પણ એ ગીત લખવાનું કોણ હતું? પ્રેમ ધવને બાકીનાં ગીતો લખેલાં, પણ હું અચાનક કેમનો વચ્ચે ઝંપલાવી દઉં?

બહુ અસ્વસ્થતા અનુભવતાં મેં સલીલદા (સલીલ ચૌધરી)ને આ મામલે ફેરવિચાર કરવા કહ્યું અને મેં એકરાર કર્યો કે મને એ યોગ્ય લાગતું નથી. સલીલદાએ મને જણાવ્યું કે ખુદ પ્રેમે જ તારું નામ સૂચવ્યું છે, કેમ કે, એનો 'ઈપ્ટા'ની ટૂરનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. બીમલદા એમને જતા રોકી શકે એમ ન હોવાથી, પ્રેમે સૂચવ્યું કે ગીત મારી પાસે લખાવવું. કંઈક રાહત અનુભવતાં હું સંમત થયો. એને ધૂનમાં બેસાડવાનું હતું. બીમલદાએ મને એ બાબતે વારંવાર કહ્યું ત્યારે છેવટે મારે એમને કહેવું પડ્યું કે સલીલદાને એ માટે સમય નથી મળતો. એ કશું ન કરે ત્યાં સુધી....

એ સમયે રાજન તરફદારની (બંગાળી ફિલ્મ) 'ગંગા' રજૂઆત પામેલી અને તેના (સલીલદાએ સંગીતબદ્ધ કરેલા) ગીત 'આમાય દુબાઈલી રે' ગીતની મધુરતાથી હું રીતસર ખેંચાતો ગયેલો. થોડા દિવસ પછી હું સલીલદાને ઘેર ગયો. એમના ઘરમાં એક મ્યુઝીક રૂમ હતો. તેઓ નીચલા માળે ટેબલટેનિસ રમી રહ્યા હતા. મેં કહ્યું, 'સલીલદા, 'કાબુલીવાલા'ના આ ગીતમાં આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન ન વાપરી શકીએ?' કામની વાત કરીને મેં એમની રમતમાં ભંગ પાડ્યો એટલે સહેજ અકળામણ અને ટાળવાના ભાવથી એમણે કહ્યું, 'હા, હા. ઠીક છે. ઉપર જઈને કાનુ પાસેથી નોટ્સ લઈ લે.' એ મુજબ, હું સલીલદાના સહાયક કાનુ ઘોષને મળવા ઉપર ગયો. અમે કામ માટે બેઠા કે થોડી જ વારમાં એક સ્ટેશન વેગન આવવાનો અવાજ સંભળાયો. સલીલદા કોઈ તોફાની છોકરાની જેમ ઉપરની તરફ દોડ્યા અને પિયાનો પર ગોઠવાઈ ગયા. તેઓ એટલી ગંભીરતાથી અને તન્મયપણે બેઠા કે જોનારને એમ જ લાગે કે તેઓ વરસોથી આવી સંગીતસાધના કરી રહ્યા હશે. તેમને બરાબર જાણ હતી કે બીમલદા ક્યારે ઉપર આવશે અને બારણે પહોંચશે. પોતે એ રીતે મગ્ન થઈ ગયા કે જાણે એમને આસપાસ કોણ છે, શું ચાલી રહ્યું છે એની સૂધ ન હોય. અચાનક જ બીમલદા પર નજર પડી હોય એમ એ બોલ્યા, 'બીમલદા, મને એમ હતું કે આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન 'કાબુલીવાલા'ના આ ગીત માટે વાપરીએ તો કેવું?' આમ કહીને તેમણે આંખો મીંચી અને પિયાનો પર આંગળીઓ ફેરવવા લાગ્યા. પછી બોલ્યા, 'હું આવું કંઈક વિચારતો હતો.' બીમલદા બોલ્યા, 'કોકને ડૂબાડવા માટે ખાસ પ્રયત્નો કરવા ન પડે, સલીલ! તારું કામ કર.' આમ કહીને તેઓ ફર્યા અને અકળાઈને ચાલ્યા ગયા. એમની કાર દરવાજાની બહાર નીકળી એ સાથે જ સલીલદા ખુરશીમાંથી જાણે કે ઉછળ્યા, મારી તરફ ફર્યા અને એક કડક શિક્ષકની જેમ બોલ્યા, 'ગુલઝાર, તારે કાનુ સાથે બેસવાનું છે અને તું જાય એ પહેલાં બધું પતાવી દેવાનું છે.' કેમ જાણે, આટલા વિલંબ બદલ હું કારણભૂત ન હોઉં! જાણે કે કામને ઠેલવા માટે હું જવાબદાર ન હોઉં! આટલું કહ્યું ન કહ્યું અને તેઓ દાદર ઉતરીને પાછા ટેબલટેનિસ રમવામાં પરોવાઈ ગયા. હું શું બોલું? હું આમાં મૂક પ્રેક્ષક બની રહ્યો હતો. એ ગીત હતું, 'ગંગા આયે કહાં સે....'

- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

નોંધ: રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા' (1960) ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન સલીલદાની હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ગીત અહીં સાંભળી શકાશે.


1961માં રજૂઆત પામેલી 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, હેમેન ગુપ્તા નિર્દેશીત 'કાબુલીવાલા'નું 'ગંગા આયે કહાં સે' ગીત ગુલઝારે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. આ ગીત હેમંતકુમારે ગાયેલું, અને એમાં અસલ બંગાળી છાંટ હતી.
બન્ને ગીતો બે દિગ્ગજ ગાયકોએ ગાયાં છે, છતાં અંગતપણે એમ લાગ્યું છે કે હેમંતકુમારના સ્વરમાં ગવાયેલું ગીત કંઈક અજબ સ્પંદનો પેદા કરે છે.
આ ગીતનું ફિલ્માંકન પણ ધ્યાનાકર્ષક બની રહે છે. ગીતનું ફિલ્માંકન એમ.વી.રાજન પર કરવામાં આવ્યું છે. આ ગીતમાં 'કાબુલીવાલા'ની ભૂમિકામાં બલરાજ સાહની પણ દેખા દે છે.
બંગાળી ગીતની ધૂન પર ગુલઝારે લખેલા શબ્દો આ મુજબ છે.
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
आये कहाँ से, जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे
रात कारी, दिन उजियारा, मिल गये दोनों साये (2)
साँझ ने देखो रंग रुप के कैसे भेद मिटाये रे
लहराये पानी में जैसे धूप-छाँव रे ...
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे
काँच कोई, माटी कोई, रंग-बिरंगे प्याले
प्यास लगे तो एक बराबर, जिस में पानी डाले
लहराये पानी में जैसे धूप-छाँव रे ...
नाम कोई, बोली कोई, लाखों रूप और चेहरे
घोल के देखो प्यार की आँखें, सब तेरे सब मेरे रे
लहराये पानी में जैसे धूप-छाँव रे ...
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे

Saturday, March 25, 2023

હરિ એટલે....

 

હરિ (સંજીવકુમાર)નું બધું જ સારું- એક અદ્ભુત વ્યક્તિ, મહાન અભિનેતા, ગજબની રમૂજવૃત્તિ- સિવાય એક બાબત. નિયમિતતા સાથે એને આડવેર હતું. અમે 'નમકીન'નું શૂટિંગ કરી રહ્યા હતા, અને હરિ રોજેરોજ મોડો આવતો. એ સવારે વહેલો જાગી શકતો નહીં. ત્રણ જાજરમાન અભિનેત્રીઓ વહીદા રહેમાન, શર્મિલા ટેગોર અને શબાના આઝમી સવારે સમયસર પોતાનો મેક-અપ કરાવીને તૈયાર રહેતી અને રોજ લગભગ બે કલાક તેમણે રાહ જોવી પડતી. સેટ પર કોઈ મોડું આવે તો હું તેમને કશું કહી શકતો નહીં. કોઈક મોડું આવ્યાની મને જાણ થાય તો હું રિફ્લેક્ટરના પાછલા ભાગ પર લખી દેતો, 'અનિયમિતતા એ અનૈતિકતા છે. નિયમિત બનો.' આમ લખીને રિફ્લેક્ટરને સેટના પ્રવેશ પર, બરાબર સામે જ, એ વંચાય એ રીતે મૂકાવતો. એક દિવસ ત્રણે મહિલાઓએ ફરિયાદના સૂરે કહ્યું, 'અમારામાંથી કોઈ મોડું આવે તો તમે અમારી સામે રિફ્લેક્ટર મૂકી દો છો, તો હરિને તમે કેમ આવું કરતા નથી?' મેં એમને કહ્યું, 'જુઓ, વરસો સુધી એને આ બાબત સમજાવ્યા પછી હું હવે થાકી ગયો છું. એટલે મેં એના પૂરતી એ વાત પડતી મૂકી છે. પણ તમે ત્રણે એને પાઠ ભણાવી શકો એમ હો તો કંઈક કરો. હું તમારી સાથે છું.' એ ત્રણે મહિલાઓએ નક્કી કર્યું કે હરિ સેટ પર મોડો આવે તો એમાંથી કોઈ એની સાથે વાત નહીં કરે. તેઓ ગુસ્સે થઈ હોવાનો દેખાવ કરશે, અને કોઈ પણ જાતની મજાકમસ્તી નહીં કરે.

હરિ સેટ પર આવ્યો અને તેને તરત જ ગંધ આવી ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે. ઘડીભર એ મૂંઝાયો. એ જ્યારે પણ સેટ પર મોડો આવે ત્યારે કહેતો, 'ચાલો, માસ્ટર શૉટ સૌથી પહેલાં લઈ લઈએ.' માસ્ટર શૉટમાં અનેક સીન એક જ વખતમાં પૂરા કરી શકાય છે, અને એ રીતે સમયનો બચાવ થાય છે. એ દિવસે પણ માસ્ટર શૉટનું આયોજન હતું. અમે શૉટની તૈયારી કરવા લાગ્યા. આજે હું એ પ્રસંગ યાદ કરું તો મને એ કોઈ સ્વપ્ન જેવો લાગે છે. શૉટ પત્યો અને ગુસ્સે ભરાયેલી એ ત્રણે અભિનેત્રીઓ હરિ પાસે આવી અને તેને ભેટી પડી. એકેએક જણ રાજી હતું. હરિએ એ શૉટ એટલી સુંદર રીતે, અદ્ભુત રીતે કરેલો.
એને અભિનય કરતો જુઓ તો લાગે જ નહીં કે એ અભિનય કરે છે. ટાઈમીંગની એની અદ્ભુત સમજણને કારણે એમ જ લાગતું કે એણે પોતાનું સર્વસ્વ એમાં રેડી દીધું છે.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે કયા ચોક્કસ શૉટની વાત લખી છે એ જાણી શકાય એમ નથી, પણ 'નમકીન'નું એક અદ્ભુત ગીત અહીં મૂકવાની લાલચ રોકી શકાતી નથી. શર્મિલા ટેગોર, શબાના આઝમી અને કિરણ વૈરાલે પર ફિલ્માવાયેલા આ ગીતમાં આશા ભોંસલે, ગુલઝાર અને રાહુલ દેવ બર્મનનું સુવર્ણ સંયોજન છે. ફિલ્મમાં શબાનાની ભૂમિકા મૂંગી યુવતીની છે, તેથી આ ગીતમાં આવતો આલાપ તેમના ખુદના સ્વરમાં છે.
આ ગીતની ધૂન એવી છે કે એક વાર સાંભળીને ધરવ થાય નહીં.

(તસવીર નેટ પરથી)

Thursday, March 23, 2023

વ્યંગ્યચિત્રોમાં ભગતસિંહ

આજે ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે આ ઉપક્રમ.
મોટા ભાગનાં વ્યંગ્યચિત્રો વર્તમાન સંદર્ભે છે.

(Cartoon by Manul) 


(Cartoon by Kushal) 


(Cartoon by Sandeep Adhwaryu) 


(Cartoon by Sandeep Adhwaryu) 


Name of Cartoonist not known
BAE = Before Anything Else

 

Sunday, March 12, 2023

અકાદમી જેવા એકલવીરના જન્મદિને

 જ્યોતીન્દ્ર માનશંકર ભટ્ટનો આજે 89મો (જન્મવર્ષ 1934) જન્મદિન છે. આ નામ કદાચ થોડું અજાણ્યું લાગે, પણ 'જ્યોતિ ભટ્ટ' કહેતાં તેમની ઓળખાણ તરત પડી જાય. 'જ્યોતિભાઈ' તરીકે જાણીતા આ કલાકારને કોઈ એક ઓળખમાં બાંધવા મુશ્કેલ છે. ચિત્રકાર, પ્રિન્ટમેકર, તસવીરકાર તરીકે તેઓ જાણીતા છે. ઉપરાંત તેમનું લેખન પણ ઉત્તમ કક્ષાનું છે. તેમનાં લખાણો મુખ્યત્વે કળાવિષયક અને ગુજરાતીમાં હોય છે.

ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં મેં 1991માં પેઈન્ટીંગ વિભાગમાં પ્રવેશ લીધો એ તેમનું કૉલેજમાં છેલ્લું વરસ હતું. આથી તેમનો થોડોઘણો લાભ મળી શક્યો ખરો. એકાદ વરસમાં મેં પણ કૉલેજ છોડી. મને તેઓ એક ઉમદા પ્રાધ્યાપક તરીકે યાદ રહેલા, અને તેમને હું યાદ રહું એવી કોઈ શક્યતા નહોતી. એ પછી 1996- 97ની આસપાસ હોમાય વ્યારાવાલાનું સરનામું મેળવવા માટે મેં તેમને ફોન કરેલો. ત્યાર પછી મારા સંજોગો બદલાયા અને 2007થી પૂર્ણ સમયના લેખનક્ષેત્રે હું પ્રવેશ્યો. ફેબ્રુઆરી, 2008થી 'અહા!જિંદગી' માસિકમાં 'ગુર્જરરત્ન' નામે મારી કોલમ શરૂ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ગુજરાતીઓ વિશે મારે તેમની મુલાકાત લઈને લખવાનું હતું. એ ક્રમમાં બરાબર એકાદ વરસ પછી, એટલે કે ફેબ્રુઆરી, 2009માં મેં જ્યોતિભાઈનો સંપર્ક કર્યો. અમે રૂબરૂ મળ્યા. બે દિવસ સુધી લીધેલા તેમના સુદીર્ઘ ઈન્ટરવ્યૂના આધારે લખાયેલો એ લેખ 'અહા!જિંદગી'ના માર્ચ, 2009માં પ્રકાશિત થયો. એ લેખ જ્યોતિભાઈ સાથેના અનિયમીત સંપર્કનું નિમિત્ત બની રહ્યો. ત્યારથી લઈને આજ સુધી, અમે એકમેકના અનિયમીત, છતાં નિયમીત સંપર્કમાં છીએ. (એ લેખ હવે 'ગુર્જરરત્ન' નામના મારા પુસ્તકમાં છે.)
તેમને મળવાનું નાનામોટા કોઈ કામસર ગોઠવાય, પણ મળવા જઈએ અને કામની વાત પૂરી થાય એ પછી અલકમલકની વાતો નીકળે. તેઓ 'મૅડ'ના પણ પ્રેમી, એટલે એના વિશે વાત થાય જ, ઉપરાંત બીજા અનેક વિષયો પર વાત થાય. 2009 પછી તેમની દૃષ્ટિ સતત નબળી થતી ચાલી છે, અને હવે તો એ સાવ ક્ષીણ થઈ ગઈ છે. છતાં તેમનો વાંચનરસ એટલો જ પ્રબળ રહી શક્યો છે. હવે તેઓ એક સહાયક પાસે પોતાને ગમતું વાંચન કરાવે છે, એટલું જ નહીં, તેનો પ્રતિભાવ પણ આપે છે.
જ્યોતિભાઈની વાત કરીએ એટલે જ્યોત્સ્નાબહેનને અવશ્ય યાદ કરવાં પડે. દેશનાં અગ્રણી સીરામીસીસ્ટ એવાં જ્યોત્સ્નાબહેન પણ એટલાં જ પ્રેમાળ. જુલાઈ, 2020માં તેમનું અવસાન થયું અને તેમની જોડી ખંડિત થઈ. જ્યોતિભાઈને તેમની ખોટ કેવી અનુભવાતી હશે એ કલ્પી શકાય એમ છે, પણ તેમણે જે સકારાત્મકતાથી પોતાની જાતને સંભાળી લીધી છે એ જોઈજાણીને આનંદ થાય એવું છે.
ચારેક દિવસ પહેલાં એક કામ અંગે તેમને મળવા જવાનું બન્યું અને રાબેતા મુજબ વૈવિધ્યસભર વાતોમાં અમે થોડો સમય ગાળ્યો. આ વખતે તેમનાં દીકરી જાઈ પણ હતાં.

જ્યોતિભાઈ સાથે અનૌપચારિક વાતચીત (તસવીર સૌજન્ય: જાઈ સિંઘ)

જ્યોતિભાઈની તસવીર અંગેનાં ઘણાં પુસ્તક પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકનાં નામ આ મુજબ છે: Parallels that Meet, The Photographic Eye of Jyoti Bhatt,The Inner Eye and the Outer Eye, Jyoti Bhatt: Time & Time Again, Where? When? Why? Photologue by Jyoti Bhatt વગેરે.
તેમનાં કળાવિષયક લખાણો 'રૂપ નામ જૂજવાં' પુસ્તકમાં (પ્રકાશક: ગુજરાત કલા પ્રતિષ્ઠાન, સુરત) તેમજ વાસવી ઓઝા સંપાદિત 'Modernism/ Murderism: The Modern Art Debate in Kumar' પુસ્તકમાં સંઘરાયેલાં છે.
પોતાના કામ થકી અનેકો માટે પ્રેરણારૂપ બની રહેનાર તેમજ જીવનરસથી સભર અભિગમ દાખવનાર જ્યોતિભાઈને જન્મદિને અનેકાનેક શુભેચ્છાઓ.

Friday, March 10, 2023

એન.આર.ત્રિવેદીની સ્મૃતિમાં

નવનીતરાય આર. ત્રિવેદી એટલે કે એન.આર.ત્રિવેદીની આજે બીજી પુણ્યતિથિ છે.

10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. તેમની સાથેનો મારો વિશિષ્ટ અનુબંધ હતો.

જીવનકથા કે જીવનચરિત્રના લેખન ક્ષેત્રે મારો અધિકૃત પ્રવેશ એપ્રિલ, 2007માં પ્રકાશિત 'પુરુષાર્થની પેલે પાર'થી થયો. અધિકૃત એ રીતે કે એ પુસ્તકના ટાઈટલ પર રજનીકુમાર પંડ્યા સાથે મારું પણ નામ મૂકવામાં આવેલું. આ જીવનકથા મુંબઈસ્થિત નવનીતરાય આર. ત્રિવેદીની હતી. વીસનગરથી શરૂ થયેલી તેમની જીવનસફર ઈંગ્લેન્ડ- સ્વીત્ઝરલેન્ડ-જર્મની થઈને મુંબઈમાં આગળ વધી હતી. આટલા બહોળા ફલકવાળી કથા બે ભાગમાં, કુલ આઠસો પાનામાં પ્રકાશિત કરવામાં આવી, જે કદાચ આજ સુધી અમે લખેલી સૌથી દીર્ઘ કથા છે. એક રીતે જીવનચરિત્રલેખન માટે આ પુસ્તક એક માપદંડ બની રહ્યું. કેમ કે, એ પછી કોઈની પણ કથા આટલા બહોળા ફલક પર અમે જોઈ નથી. ત્રિવેદીસાહેબ મુંબઈ, રજનીકુમાર અમદાવાદ અને હું વડોદરા હોવાને કારણે આખી કાર્યપદ્ધતિ અને સંકલન બહુ વિશિષ્ટ રીતે ગોઠવાયેલું. ત્રિવેદીસાહેબ પોતાનું કથન કેસેટમાં રેકોર્ડ કરીને મને મોકલે, હું એની શબ્દશ: સ્ક્રીપ્ટ તૈયાર કરું અને એ રજનીકુમારને મોકલું. રજનીકુમાર વચ્ચે વચ્ચે મુંબઈ જઈને એમનો ઈન્ટરવ્યૂ પણ કરે. ક્યારેક ત્રિવેદીસાહેબ પણ અમદાવાદ આવે. તેમની સાથે બે-ત્રણ વખત તેમની જન્મભૂમિ વીસનગરની મુલાકાત પણ લેવાનું બન્યું.

આ નિમિત્તે ત્રિવેદીસાહેબનો પરિચય અંતરંગ બન્યો. એ વિશેની રસપ્રદ વાત 'સાર્થક જલસો'ના 13મા અંકમાં ત્રણ લેખશ્રેણીરૂપે વિસ્તૃત આલેખાયેલી છે. (વ્યાવસાયિક જીવનચરિત્રલેખન વિશેનો મારો લેખ- એની પરથી રજનીકુમારને સૂઝેલી વાર્તા- અને એ વાર્તાની રજનીકુમારે લખેલી કેફિયત) અતિશય સાહસિક અને હકારાત્મક વ્યક્તિત્ત્વ ધરાવતા ત્રિવેદીસાહેબ પોતાના જીવનમાં વિવિધ તબક્કે પોતાને ઉપયોગી બનેલા લોકોનું ઋણ વિશિષ્ટ રીતે અદા કરવા માંગતા હતા. એક પછી એક એમ કુલ પાંચ એવી વ્યક્તિઓની જીવનકથા તેમણે અમારી પાસે લખાવડાવી. આ ઉપરાંત તેમની પોતાની કથા 'પુરુષાર્થની પેલે પાર'નો અંગ્રેજી અનુવાદ પણ મેં કર્યો, જેનું પરામર્શન પ્રો. હરીશ મહુવાકરે કરેલું. આ અંગ્રેજી પુસ્તક તેમણે પોતાના બિનભારતીય મિત્રો અને કુટુંબીઓ માટે કરાવેલુ અને તેનું વિમોચન પણ બર્લિનમાં યોજેલું. (તેમનાં જીવનસાથી રોઝમેરી ઉર્ફે સંધ્યાબેન જર્મન હતાં).

 10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. ઘણા વખતથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સ્મૃતિભ્રંશ પણ થવા લાગ્યો હતો. આખરે 90 વર્ષની વયે તેમણે વિદાય લીધી. તેમના બન્ને પુત્રો હરિત અને શરદ પણ એટલા જ પ્રેમાળ અને ઉષ્માસભર છે. તેમની સાથે વાત થતાં તેમણે બહુ પ્રેમપૂર્વક પિતાજીની યાદો અને અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધને પણ તાજો કર્યો.





તેમની જીવનકથાના વિમોચન સમારંભમાં તેમણે મારો ઉલ્લેખ 'An expert on my life who knows more about me than myself' કહીને કર્યો હતો. મારા જેવા ત્યારે સાવ નવાસવા અને અજાણ્યા જણને બિરદાવીને તેમણે પોતાની ખેલદિલી અને સૌજન્ય દર્શાવ્યાં હતાં. તો રજનીકુમારે પણ આ પુસ્તકના આલેખનમાં મારું પ્રદાન જોઈને બહુ ઉદારતાપૂર્વક મારું નામ તેમની (નીચે કે પુસ્તકની અંદર નહીં, પણ) સાથે મૂકવાનો આગ્રહ રાખ્યો હતો.

 નવીસવી વ્યાવસાયિક કારકિર્દીના આરંભે આવા અનુભવો આગળ વધવાનો જબરદસ્ત ધક્કો પૂરો પાડે છે.

 

ત્રિવેદીસાહેબની સ્મૃતિને વંદન.