Showing posts with label Mothertongue day. Show all posts
Showing posts with label Mothertongue day. Show all posts

Saturday, February 22, 2025

માતૃભાષાનું ગૌરવ લેવું કે ગર્વ?

વડોદરાની સાહિત્યસંસ્થા 'સાહિત્યસમીપે' અંતર્ગત 22-2-25 ને શુક્રવારની સાંજના સાડા પાંચથી સાત દરમિયાન 'ગોષ્ઠિ-125'નું આયોજન હતું. દર શુક્રવારે યોજાતી આ સાહિત્યિક ગોષ્ઠિનો આરંભ થયો ત્યારે 'ગોષ્ઠિ-1'માં જયેશભાઈ ભોગાયતા દ્વારા મને આમંત્રણ મળેલું. એ પછી અવારનવાર અહીં જવાનું બનતું રહ્યું છે. આને કારણે અહીંના મોટા ભાગના શ્રોતાવર્ગ સાથે નામનજરનો પરિચય છે એમ કહી શકાય.

નિશાબહેનના ગાનથી આરંભ
આ ગોષ્ઠિમાં જયેશભાઈ ઉપસ્થિત નહોતા. અકાદમી દ્વારા પોંખાયેલા તેમના પુસ્તકના પારિતોષિક સમારંભમાં તેમણે ગાંધીનગર જવાનું હતું. હર્ષદભાઈ દવે અને નિરંજનભાઈ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન સંભાળેલું. યોગાનુયોગે આ દિવસ 'વિશ્વ માતૃભાષા દિન' હતો, આથી સ્વાભાવિકપણે જ માતૃભાષા અંગે વાત થઈ. કાર્યક્રમનો આરંભ નિશાબહેનના સ્વરે ગવાયેલા ઉમાશંકર જોશીના ગીત ' 'મળી મને માતૃભાષા ગુજરાતી'થી થયા પછી નિરંજનભાઈએ સંચાલનનો દોર સંભાળ્યો અને ગુજરાતી ભાષાનાં કેટલાક સર્જકોના લખાણની ચખણી કરાવી. એ પછી હર્ષદભાઈ દવેએ ગુજરાતી ભાષા અને તેના ઉદ્ભવ અંગેની ભૂમિકા બાંધી આપી. ગુજરાતી ભાષાના વિવિધ તબક્કા તેમણે દર્શાવ્યા. એ પછી મારા વક્તવ્યનો વારો હતો.
નિરંજનભાઈએ સંભાળ્યો
 સંચાલનનો દોર
સ્વામી આનંદ લિખીત પુસ્તક 'ધરતીની આરતી' વિશે મારે બોલવાનું હતું, પણ એમાં મેં ત્રણ પેટાવિભાગ કર્યા. સૌ પ્રથમ માતૃભાષા વિશે થોડી વાત કરી. એ પછી સ્વામી આનંદનો ટૂંકો પરિચય આપ્યો. અને પછી 'ધરતીની આરતી' પુસ્તક વિશે કહ્યું. અહીંનો સજ્જ શ્રોતાગણ આ પુસ્તકથી સુપરિચીત હતો. હિમાલયનું વર્ણન ગમે એટલું કરીએ, પણ હીમાલયને પ્રત્યક્ષ જોવાની તોલે કશું ન આવે એ ન્યાયે પુસ્તક વિશે ટૂંકાણમાં વાત કર્યા પછી પુસ્તકમાંના કેટલાક ગદ્યખંડનું પઠન કરીને સ્વામી આનંદના ભાષાવૈભવનો સીધો પરિચય કરાવ્યો.
પુસ્તકની બહાર, પણ વિષયની અંદર રહીને કેટલીક વાત થઈ, જેમાં સ્વામી આનંદના પુસ્તક 'જૂની મૂડી'નો ઉલ્લેખ કર્યો. વિવિધ વ્યવસાયના પારિભાષિક શબ્દો વિશે પણ વાત થઈ. સ્વામી આનંદના લેખ 'માનવી અને ભૂગોળ'માં માનવના રહનસહન અને પ્રકૃતિ પર થતી ભૂગોળની અસર વિશે કહેવાની મજા આવી.
હર્ષદભાઈએ બાંધી આપેલી પૂર્વભૂમિકા
વક્તવ્ય પછી પ્રતિભાવનો વારો હતો. ઉપસ્થિત શ્રોતાસભ્યોએ વારાફરતી ટૂંકમાં પણ વિષયને અનુરૂપ પોતપોતાના અનુભવો રજૂ કર્યા અને મુખ્ય સામગ્રીમાં મૂલ્યવૃદ્ધિ કરી.
નિરંજનભાઈએ આભારદર્શન કરીને કાર્યક્રમનું સમાપન કર્યું. આ વર્તુળની મજા એ હોય છે કે અહીં મર્યાદિત સંખ્યા હોવાથી વક્તવ્યને બદલે વાતચીત કરતા હોઈએ એમ લાગે, એને કારણે યાંત્રિકપણાને બદલે સહજપણે વાત થઈ શકે છે, અને આનુષંગિક અનેક વાતો યાદ આવતી રહે છે. કાર્યક્રમ પૂરો થયા પછી પણ હળવામળવાનો અને વાતોનો આનંદ અહીં હોય છે.પાર્થિવભાઈ દેસાઈ સાથેનો પરિચય આનંદદાયક બની રહ્યો, તો મિત્ર ખુમાણભાઈ રાઠોડ ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા એનો આનંદ.
દર સપ્તાહે નિયમીતપણે યોજાતી આ ગોષ્ઠિનો આ સવાસોમો પડાવ હતો. આગામી દીર્ઘ સફર માટે સૌને શુભેચ્છાઓ.
હળવી ક્ષણને માણતા હર્ષદભાઈ અને નિરંજનભાઈ

માતૃભાષા, સ્વામી આનંદ અને
'ધરતીની આરતી' વિશે વાત
(તસવીર સૌજન્ય: જયેશ ભોગાયતા)