લાંબુંપહોળું વિચારવાની જરૂર નથી.
સામાન્ય સમજણથી ન સમજાય તો તર્કથી વિચારવું.
સેંકડો વરસે વિઘટન પામતું પ્લાસ્ટિકનું ઝભલું 'ઈકો ફ્રેન્ડલી' જણાતું હોય, સબસીડીનું ડીઝલ ભરાવીને ચાલતી લક્ઝૂરિયસ કાર 'એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી' ગણાવાતી હોય, દસ ગણા ભાવ પડાવીને કોલ્ડ ડ્રીંક પીવડાવતો શોરૂમનો માલિક 'કસ્ટમર ફ્રેન્ડલી' મનાતો હોય, અધ્યાપકોનેય સમજણ ન પડે એ ભાષામાં લખાયેલી સરકારી આચારસંહિતાઓ 'યુઝર ફ્રેન્ડલી' કહેવાતી હોય અને પોતાના અધ્યાપનને કારણે નહીં, બલ્કે મુક્ત અભિગમને કારણે અધ્યાપકો 'સ્ટુડન્ટ ફ્રેન્ડલી' બની જતા હોય, ટૂંકમાં, 'ફ્રેન્ડ' સિવાયનું બધું જ 'ફ્રેન્ડલી' હોય તો પછી વનમાં રહેતાં નિર્દોષ વન્ય પશુઓ 'કેમેરા ફ્રેન્ડલી' કેમ ન હોઈ શકે?
અને 'કેમેરા ફ્રેન્ડલી' બનેલા આ વન્ય પશુઓ પોતાની સંવેદના શબ્દોમાં વ્યક્ત કરે તો?
એટલી સ્પષ્ટતા કે આ (એટલે કે નીચેના) લખાણ દ્વારા કોઈ પણ પશુની લાગણી દુભાવવાનો આશય નથી.
















