આયોજન માટે આમંત્રણ ઘણા વખતથી હતું, પણ પરસ્પર અનુકૂળ તારીખો ગોઠવાતી નહોતી. આખરે બન્ને પક્ષે એક તારીખ નક્કી થઈ, અને એ હતી 21 ઑક્ટોબર, 2023ને શનિવાર. વાલોડનાં તરલાબહેન શાહના સંકલન થકી બોરખડીના 'કસ્તૂરબા અધ્યાપન મંદિર'ના પ્રતીકભાઈ વ્યાસ અને સંગીતાબહેન વ્યાસ આ પી.ટી.સી.કૉલેજની બહેનો માટે કાર્ટૂન વિશેનો કાર્યક્રમ ગોઠવવા ઈચ્છતા હતા.
એકાદ બે વખત તારીખો નક્કી થઈ, રદ થઈ, પણ આખરે એ ગોઠવાઈ ખરી. દક્ષિણ ગુજરાતના સાવ છેવાડાના કહી શકાય એવા આ ગામે જઈને અહીંની વિદ્યાર્થીનીઓ સમક્ષ શી રીતે વાત કરવી એની મીઠી મૂંઝવણ હતી, પણ સાથે કાર્ટૂન જેવી, સાર્વત્રિક અપીલ ધરાવતી વિષયવસ્તુ હોવાને કારણે નિરાંત પણ હતી.
કામિની અને હું બન્ને આગલા દિવસે સાંજે બોરખડી પહોંચી ગયા. અત્યંત રમણીય અને મનોહર રસ્તો, મોટા ભાગે શેરડીની ખેતી ધરાવતા આ વિસ્તારમાં થઈને સાડા છની આસપાસ બોરખડીના સંકુલે આવ્યા. પ્રતીકભાઈ, સંગીતાબહેન અને તેમની દીકરી વિધિ આ પરિસરમાં જ વસવાટ કરે છે. સંગીતાબહેન પ્રાચાર્યા છે, અને પ્રતીકભાઈ અહીં જ શિક્ષક તરીકે ફરજરત છે. ઔપચારિક પરિચય કરીને, ફ્રેશ થયા પછી અમે બહાર ખુલ્લામાં જ બેઠક જમાવી. અહીં જ વાતોનો દોર ચાલ્યો. આજુબાજુ અનેક વિદ્યાર્થીનીઓ વસવાટ કરતી હોવાથી તેમની આવનજાવન સતત ચાલતી હતી. રાતના નવની આસપાસ બહેનો એક સ્પીકર લઈ આવી, અને તેની પર તેમણે ગરબા રમવાના શરૂ કર્યા. દોઢેક કલાક સુધી તેઓ ગરબા રમી. દરમિયાન અમે બહાર ખુલ્લા આકાશ નીચે જ ભોજન લીધું.
બીજા દિવસે સવારે નવેક વાગ્યે કાર્યક્રમનો આરંભ કર્યો. નક્કી એવું કરેલું કે હું મારો બને એટલો સમય અહીં આપું. આથી અમે ત્રણ સેશનમાં કાર્યક્રમ વિભાજીત કરી દીધો હતો. સૌથી પહેલાં 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ હતો. તેમાં કાર્ટૂનની અગત્ય, તેના વિવિધ પ્રકાર અને અલગ અલગ પ્રકારનાં કાર્ટૂનને માણવા વિશે વાત થઈ. સવા-દોઢ કલાક જેટલા આ કાર્યક્રમ પછી નાનકડો બ્રેક રાખવામાં આવ્યો.
'આવો, કાર્ટૂન માણીએ'... |
વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી વિશે વાર્તાલાપ |
બ્રેક પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી'નો કાર્યક્રમ હતો. અગાઉ કાર્ટૂનોને ઉકેલવા વિશેની પ્રાથમિક માહિતી હોવાને કારણે ગાંધીજી વિશેનાં વિવિધ વ્યંગ્યચિત્રો માણવાની વિશેષ મજા આવી. બન્ને વખતે કામિની કમ્પ્યુટર પર સહયોગમાં રહી.
આ કાર્યક્રમ દરમિયાન તરલાબહેન શાહ પણ આવી પહોંચ્યાં.
કામિની કોઠારી અને તરલાબહેન શાહ |
સવા-દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ભોજનવિરામ હતો. એ પછી મુક્ત વાતચીત રાખી હતી. વિવિધ વિષયોને આવરી લેતી વાતચીત, જેમાં શોખનું મહત્ત્વ, તેમાં પડતો રસ, જીવનમાં તે શી રીતે કામ લાગી શકે વગેરે મુખ્ય બાબતોની આસપાસ વાત કરી. વિદ્યાર્થીનીઓએ પણ સવાલો કર્યા. સરવાળે સમયનો પૂરેપૂરો ઉપયોગ થયો. હવે આગામી બેઠકમાં મારે 'રમૂજી વાતો' કરવી એવો એક બહેનનો અનુરોધ હતો. જોઈએ હવે, એ ગોઠવાય ત્યારે ખરું, પણ કાર્ટૂન જેવા, તેમના માટે સાવ નવા માધ્યમમાં તેમને જે રસ પડ્યો એ જોઈને બહુ આનંદ થયો.
બપોરના સાડા ત્રણની આસપાસ બોરખડીથી નીકળીને વાલોડમાં તરલાબહેનને ઘેર ગયાં. તેમની સાથે કલાકેક સત્સંગ કરીને વડોદરા પાછા આવવા નીકળ્યાં. આ બે દિવસ જાણે કોઈક જુદી જ અનુભૂતિ થઈ. આપણા જ રાજ્યના એક અલાયદા વિસ્તારની મુલાકાત લેવાનું બન્યું. આમ ભલે અજાણ્યા હતાં, પણ હૃદયની ઉષ્માથી સૌ ભીંજાયાં અને યાદગાર સમય સાથે ગાળ્યો.
No comments:
Post a Comment