નાતાલની પૂર્વસંધ્યા, 24 ડિસેમ્બરની સાંજે સાડા સાતથી અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં 'નમ્બરીયા-2' કાર્યક્રમ યોજાઈ ગયો. આ અગાઉ 14 માર્ચે આ કાર્યક્રમની પહેલી કડી યોજાઈ હતી. હિન્દી ફિલ્મોના એક સમયના અનિવાર્ય અંગ જેવાં ટાઈટલ્સ, અને ટાઈટલ ટ્રેક્સ વિશે ખાસ વાત થઈ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આ જ વિષય પાર, એટલે કે ટાઈટલ ટ્રેક અથવા તો ટાઈટલ મ્યુઝિક પાર કાર્યક્રમ વિચારાયેલો. પહેલાં એમ હતું કે આવો એકાદ કાર્યક્રમ થઈ શકશે. પહેલો કાર્યક્રમ કરતી વખતે સમજાયું કે એકથી નહીં પતે. બીજો પણ કરવો પડશે. હવે બીજો કરતાં સમજાયું કે બેથી પણ નહીં ચાલે.
Showing posts with label Title music. Show all posts
Showing posts with label Title music. Show all posts
Wednesday, December 25, 2024
નમ્બરીયા- 2: મન કી 'બીન' મતવારી બાજે...
'નમ્બરીયા' શબ્દ સાથે ફીલ્મરસિકોની અનેક પેઢીઓનું અનુસંધાન રહેલું છે. એમને સમજાવવાની જરૂર નથી કે એનો શો અર્થ થાય. આને કારણે આ કાર્યક્રમમાં દર વખતે અનેક નવા ચહેરા જોવા મળે છે, જે કાર્યક્રમ પતવા સુધીમાં પરિચીત બની રહે છે. ગઈ કાલના કાર્યક્રમમાં પણ આમ જ થયું. પરિચીતની સાથે અનેક અપરિચીત ચહેરા જોવા મળ્યા.
આમ તો બધું મળીને પચીસેક સાઉન્ડ ટ્રેક હતી, જે ઘણી કહેવાય, કેમ કે, આમાં ક્યાંય ગીતોનો સમાવેશ નહોતો. પણ સ્ક્રેપયાર્ડના સુસજ્જ શ્રોતાઓએ અનેક ઝીણી ઝીણી વાતો સચોટ રીતે ઝીલી. તેને લઈને કાર્યક્રમ મજાનો બની રહ્યો.
મોટે ભાગે ગીતોને લગતા કાર્યક્રમો યોજાતા રહે છે, લાઈવ સંગીતના પણ ખરા. પણ આ રીતે ટાઈટલ ટ્રેકને અનુલક્ષીને રેકોર્ડેડ મ્યુઝીકનો કાર્યક્રમ યોજવો એ સાહસનું કામ ખરું. કબીરભાઈ અને નેહાબહેન આવા અનેક વિશિષ્ટ કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે એનો આનંદ.
Labels:
film,
Film music,
report,
Title music,
અહેવાલ,
ટાઈટલ મ્યુઝીક,
ફિલ્મ,
ફિલ્મસંગીત
Friday, March 15, 2024
નમ્બરીયા...કર ગયા મુઝ પે જાદુ
કોઈ પણ નવિન ચીજની પ્રસ્તુતિનો કાર્યક્રમ હોય અને પેટમાં પતંગિયાં ઊડે એવું જ મને છેલ્લા બે એક સપ્તાહથી થતું હતું. એમાં રોમાંચ ઉપરાંત અનિશ્ચિતતા અને તેને લઈને સહેજ અજંપાનો પણ ભાવ હોય. હિન્દી ફિલ્મોની ટાઈટલ ટ્રેક ધ્યાનપૂર્વક સાંભળવાનું અને એના વિશે ફેસબુક પર લખવાનું શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે હિન્દી સિનેમાનું આ ક્ષેત્ર લગભગ વણખેડાયેલું જ રહ્યું છે. ફેસબુક પર એકસો પચાસ ફિલ્મનાં ટાઈટલ મ્યુઝિક વિશે લખવા દરમિયાન એનાથી ત્રણ-ચાર ગણી ટાઈટલ ટ્રેક સાંભળવામાં આવી હશે. આમ છતાં, એની રજૂઆત કાર્યક્રમ દ્વારા થઈ શકે એવો વિચાર આવ્યો નહોતો, કેમ કે, એવો કાર્યક્રમ રાખે કોણ? અને કોઈ રાખે તો એમાં આવે કોણ?
આ બન્ને સવાલના જવાબ ગઈ કાલ, 14મી માર્ચે મળી ગયા. અમદાવાદના સાંસ્કૃતિક ધામ 'સ્ક્રેપયાર્ડ' સાથે મારો નાતો છેલ્લા છએક મહિનાથી બંધાયો છે, જેમાં દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનકળાનાં વિવિધ આયામ વિશેનો કાર્યક્રમ રજૂ થાય છે. અહીંના કેળવાયેલા શ્રોતાગણ સમક્ષ આ કાર્યક્રમ ચોક્કસ થઈ શકે એમ મને લાગ્યું. પહેલાં મેં ઉર્વીશ સાથે કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરી. એ પણ અઘરી કવાયત હતી, કેમ કે, હું નિજાનંદ માટે ટાઈટલ મ્યુઝિક સાંભળું એ અલગ વાત થઈ, અને એની રસપ્રદ રજૂઆત કરવી એ સાવ જુદું. બીજું, આ વિષય એવો છે કે એની સાથે ખાસ કથાઓ જોડાયેલી નથી. ઘણી મગજમારી પછી આખરે અમે અમુક સ્વરૂપ ઘડ્યું અને એ પછી 'સ્ક્રેપયાર્ડ'ના કબીરભાઈને એના વિશે વાત કરી. આ અનોખા કાર્યક્રમ માટે સકારણ અમે 14 માર્ચનો દિવસ નક્કી કર્યો. કેમ કે, 92 વર્ષ પહેલાં, 1931માં બરાબર આ જ દિવસે પ્રથમ ભારતીય બોલપટ 'આલમઆરા' રજૂઆત પામ્યું હતું.
કબીરભાઈ અને સાવને આ ઘટનાને સાંકળતું મસ્ત પોસ્ટર તૈયાર કર્યું. કાર્યક્રમનું શિર્ષક તેના વિષયને અનુરૂપ જ 'નમ્બરીયા' રખાયું. ધાર્યા મુજબ, આખેઆખી બે-ત્રણ પેઢીનું એની સાથે- આ શબ્દ સાથે અનુસંધાન નીકળ્યું. અનેક લોકો આ શિર્ષકથી આકર્ષાઈને આવ્યા.
મને સહેજ ફિકર એ હતી કે આટલા બધા લોકો મોટી અપેક્ષા સાથે આવ્યા હોય ત્યારે તેમનો રસ કાર્યક્રમમાં છેક સુધી જળવાઈ રહેશે ખરો? ખરેખર તો આ અજંપાએ જ કાર્યક્રમમાં શક્ય એટલું વૈવિધ્ય ઉમેરવાનો વિચાર આવતો ગયેલો.
પોસ્ટર જોઈને ઘણાને એવી પણ ગેરસમજ થયેલી કે આ 'આલમઆરા'નો શો છે, પણ એ તો આવતાં પહેલાં.
'નમ્બરીયા'નો કાર્યક્રમ હોય અને એની પહેલાં એની પૂર્વભૂમિકા બંધાતી હશે? આથી સીધા 'નમ્બરીયા' જ શરૂ થયા. 'જહોની મેરા નામ'ની કલ્યાણજી-આણંદજીએ તૈયાર કરેલી ટાઈટલ ટ્રેક શરૂ થતાં જ અંધારામાં પણ મને જણાયું કે એક હળવો રોમાંચ ફરી વળ્યો છે. થિયેટરમાં વાગતી એ જ રીતે સિસોટી પણ સંભળાઈ અને આખો માહોલ બની ગયો.
![]() |
| આજની રજૂઆત 'નમ્બરીયા' |
![]() |
| કાર્યક્રમના આરંભ પહેલાં કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડની પ્રવૃત્તિ વિશે ટૂંકમાં પરિચય |
ટાઈટલ ટ્રેક માણવામાં મગ્ન શ્રોતાગણ
બસ, એ પછીનો દોઢેક કલાક અવનવાં આશ્ચર્યોથી ભરેલો હતો. હિન્દી ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝિકમાં કેવી કેવી શૈલીઓ પ્રયોજાતી આવી છે, એમાં કેવું કેવું વૈવિધ્ય જોવા મળે છે એ ઉદાહરણ સાથે રજૂ થતું ગયું, જે ખરા અર્થમાં 'સરપ્રાઈઝ પેકેજ' બની રહ્યું. વચ્ચે વચ્ચે રજૂ થતી બારીકીઓ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનો તત્ક્ષણ પ્રતિભાવ મળે એ જોઈને મજા આવે.
ફિલ્મસંગીતના ધુરંધર કહી શકાય એવા અનેક વડીલો-મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા, એમ હું જેમને જરાય જાણતો નહોતો એવા સંગીતપ્રેમીઓ પણ માત્ર ને માત્ર આ વિષયના કારણે હાજર રહ્યા. એ આ વિષયનો પ્રતાપ.
અત્યાર સુધી મારી જાણમાં સંગીતના વિવિધ સ્ટેજ કાર્યક્રમોમાં ટાઈટલ મ્યુઝીકની અમુક ટ્રેક વગાડાતી સાંભળી છે, પણ આખેઆખા ટાઈટલ મ્યુઝીક પર કોઈ કાર્યક્રમ થયો હોય એવું કમ સે કમ મારી જાણમાં નથી. એ રીતે પણ આ કાર્યક્રમ વિશિષ્ટ બની રહ્યો.
હિન્દી ફિલ્મસંગીતના આવડા મોટા મહાસાગરમાંથી આ તો એક વાટકી જેટલું જ આચમન હતું. આ શ્રેણીમાં બીજો કાર્યક્રમ કરવાનું અત્યારે તો મનથી નક્કી છે.
(તસવીરો: ઈશાન કોઠારી અને બિનીત મોદી)
Labels:
report,
Title music,
અહેવાલ,
ટાઈટલ મ્યુઝીક
Tuesday, April 17, 2018
ટાઈટલ મ્યુઝીક (7) : ઊષા ખન્નાની બે ફિલ્મોમાં સમાન ટાઈટલ મ્યુઝીક
સાવનકુમાર ટાંક (કે તક કે તાક) ફિલ્મોના નિર્માતા- દિગ્દર્શક હોવા ઉપરાંત ગીતકાર પણ છે. પોતાની ફિલ્મોનાં ઘણાં ગીતો તેમણે લખ્યાં છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં સંગીતકાર ઉષા ખન્નાનું સંગીત હોય છે.
સાવનકુમારની ફિલ્મોમાં મુખ્યત્વે સામાજિક પૃષ્ઠભૂમિ હોય છે. 1978માં તેમની એક ફિલ્મ આવેલી 'સાજન બિના સુહાગન', જેમાં ઉષા ખન્નાનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ઠીકઠીક લોકપ્રિય થયેલાં. 'કૈસે જિત લેતે હૈ લોગ દિલ કિસી કા', 'જિજાજી જિજાજી, હોનેવાલે જિજાજી', 'મધુબન ખૂશ્બુ દેતા હૈ', 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીતો વધુ જાણીતાં બનેલાં, અને આ ઉપરાંત બીજાં ત્રણ ગીતો હતાં. 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીત રેડિયો પર સાંભળતા ત્યારે એમ જ હતું કે ભાણીઓ પોતાના મામાને બર્થડે વીશ કરવા ગીત ગાતી હશે. ફિલ્મ જોતાં ખબર પડી કે 'મામા' નહીં, પણ 'મમ્મા'ને માટે એ ગીત છે.
સાવનકુમારની 1980માં રજૂઆત પામેલી અન્ય એક ફિલ્મ હતી 'સાજન કી સહેલી'. આ ફિલ્મનાં પાંચેક ગીતો હતાં, પણ તેમાં સૌથી જાણીતું બનેલું 'જિસકે લિયે સબકો છોડા, ઉસી ને મેરે દિલ કો તોડા'. આ ગીત મહમ્મદ રફી અને સુલક્ષણા પંડિતે ગાયેલું. તેના ઓપનીંગમાં અને વચ્ચે વચ્ચે વાગતા એકોર્ડિયનના પીસને કારણે આ ગીત ખાસ યાદ રહી ગયું છે.
'સાજન બિના સુહાગન'ના #ટાઈટલમ્યુઝીકનો આરંભ કોરસથી થાય છે, જે 'ઓ મમ્મા, ડીયર મમ્મા, હેપ્પી બર્થડે ટુ યુ'ની ધૂન છે. 1.03 થી વાયોલિનનો સમૂહ શરૂ થાય છે, જે ઉષા ખન્નાના 'આપ તો ઐસે ન થે'ના ગીત 'તૂ ઈસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ'ના ઈન્ટરલ્યુડ સાથે અમુક સામ્ય ધરાવે છે. ત્યાર પછી 1.21 થી સેક્સોફોનનો લાંબો પીસ અને ફરી ઓરકેસ્ટ્રા સાંભળવા મળે છે અને 1.48 થી શરૂ થાય છે 'મધુબન ખૂશ્બુ દેતા હૈ'ની ધૂન, જે કોઈ વાદ્ય પર નહીં, પણ કોરસ દ્વારા ગવાય છે. અને ફરી પાછો છેક સમાપન સુધી તંતુવાદ્યસમૂહ સંભળાય છે.
નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.
**** **** ****
અહીં 'સાજન કી સહેલી' ફિલ્મની લીન્ક આપી છે, જેથી તેના ટાઈટલ ટ્રેકમાં વાગતાં 'સાજન બિના સુહાગન'નાં ગીતોની ધૂનોનો ખ્યાલ આવે.
આ ક્લીપમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક છે.
Friday, December 1, 2017
ટાઈટલ મ્યુઝીક (6): બીનવાદન: હેમંતકુમારથી લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સુધીનું સામ્ય
સાપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા.......
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
બીનવાદન અને કલ્યાણજી-આણંદજી ની પોસ્ટ લખ્યા પછી જે પણ ગીતોમાં ‘આપ’ હોય એને બદલે ‘સાપ’ સંભળાય છે. એ વિચાર આવે છે કે મદારીઓને ફળ્યા હશે એથી અનેક ગણા સાપ ફિલ્મવાળાઓને ફળ્યા છે. મોટા ભાગની આવી ફિલ્મોનું કથાવસ્તુ કાં પૌરાણિક કે પછી નાગને લગતી દંતકથાઓની આસપાસ ફરતું રહે છે. સાપ પ્રત્યે ખાસ લગાવ ન હોવાને કારણે અંગત રીતે મને આવી ફિલ્મો જરાય ગમતી નથી, તેથી ભાગ્યે જ કોઈ ફિલ્મ મેં જોઈ હશે. એક અંગ્રેજી ફિલ્મ ‘સ્નેક’ જોયેલી એમાં પણ માણસનું સાપમાં થતું ક્રમિક રૂપાંતર જોઈને ત્રાસ છૂટેલો. નામ ભૂલી ગયો છું એવી એક હિન્દી ફિલ્મમાં અનેક સાપને વિવિધ વાદ્યો વગાડતા બતાવ્યા હતા. વિવિધ પ્રાણીઓને એનિમેટેડ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે જે તે પ્રાણીઓની લાક્ષણિકતાઓને બરકરાર રાખીને પણ તેમનો દેહ માનવ જેવો દેખાડવામાં આવતો હોય છે. સાપને હાથપગ જેવું કશું હોતું નથી, અને તેનું શરીર સીધું હોય છે, તેથી સાપને એનિમેટેડ સ્વરૂપમાં એ રીતે દેખાડવો અઘરો છે. એનિમેટેડ ફિલ્મોમાં પણ મને સાપનાં પાત્રો નથી ગમતાં.
પણ ‘સાપ ને યાદ દિલાયા, તો મુઝે યાદ આયા’ કે કેટલી હિન્દી ફિલ્મો સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને બની હશે? કુતૂહલવશ હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી સંપાદિત હિન્દી ફિલ્મોની ઈન્ડેક્સમાં તેમજ ગૂગલ પર ફક્ત ‘નાગ’, ‘નાગિન’, ‘સાપ’ કે ‘સપેરા’ શબ્દોથી શોધ ચલાવી અને જે નામો મળવાં લાગ્યાં એ જોઈને મોંમાંથી ‘હીસ્સ્સ્સ’ નીકળી ગયું. બાપ રે! સાપ તો ઐસે ન થે.
એ નામોની કેવળ એક ઝલક:
નાગભૈરવ (1985), નાગચંપા (1958 અને 1976), નાગદેવતા (1962 અને 1981 તેમજ 2004 - ડબ્ડ), નાગજ્યોતિ (1963), નાગલોક (1957), નાગમંદિર (1966), નાગમણિ (1977, 1988, 1991, 2004), નાગ મેરે સાથી (1973), નાગમોહિની (1963), નાગનાગિન (1989), નાગ પદ્મિની (1957), નાગ પંચમી (1953 અને 1972), નાગપૂજા (1971), નાગ રાની (કોબ્રા ગર્લ, 1963), નાગશક્તિ (2001-ડબ્ડ), નાગયોનિ (2000), નાગદેવી (2002-ડબ્ડ), નાગાનંદ (1935), નાગન (1934), નાગન (પચાસનો દાયકો), નાગન કી રાગની (1933), નાગેશ્વરી (2002- ડબ્ડ), નાગિન (1954 અને 1976), નાગિન ઔર લૂટેરે (1992), નાગિન ઔર નગીના (1988), નાગિન ઔર સપેરા (1966), નાગિન ઔર સુહાગન (1979), નાગિન બની દીવાની (1992), નાગિન કા ઈન્તેકામ (2010-ડબ્ડ), નાગિન કે દો દુશ્મન (1988), નાગલોક (2003-ડબ્ડ), નાગફની (1987), નગીના (1986), નિગાહેં (1989), સપેરા (1939 અને 1961), સુનહરી નાગિન (1963), કોબ્રા (1980), એક સપેરા એક લૂટેરા (1965), નાચે નાગિન ગલી ગલી (1990), નાચે નાગિન બાજે બીન (1960), દૂધ કા કર્ઝ (1990), હીસ્સ (2010), તુમ મેરે હો (1990), શેષનાગ (1990), જાની દુશ્મન: એક અનોખી કહાની (2010), એક વરદાન નગીના (2006), ઝહરી સાંપ (1933), ઝહરીલા બદન (2003)…..
આ યાદી હજી અધૂરી છે, અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક તેમજ અંગ્રેજી ફિલ્મોમાં પણ સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. આ તમામ ફિલ્મોના નિર્માતાઓએ ‘સર્પ ભજનાવલિ’ની જેમ એક પુસ્તિકા તૈયાર કરી હોવી જોઈએ અને ન કરી હોય તો કરવી જોઈએ. ‘સાપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે’, ‘સાપ આયે, બહાર આઈ’. ‘સાપ કી નઝરોં ને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે’, ‘સાપ કો પ્યાર છુપાને કી બુરી આદત હૈ’, ‘સાપ કે હસીન રુખ પે આજ નયા નૂર હૈ’, ‘સાપ મુઝે અચ્છે લગને લગે’, ‘સાપ સે પ્યાર હુઆ જાતા હૈ’, ‘સાપ કો પહલે ભી કહીં દેખા હૈ’, ‘સાપ આયે તો ખયાલ-એ- દિલ-એ-નાશાદ આયા’ વગેરે જેવાં ભજનો તેમાં સામેલ કરીને રોજ તેનો પાઠ કરવો જોઈએ.
પાછા મૂળ વાત પર આવીએ તો ‘નાગિન’થી બીન મ્યુઝીકનો દોર શરૂ થયો. આ ફિલ્મમાં મુખ્ય સંગીતકાર હેમંતકુમાર હતા, તેમના સહાયક તરીકે રવિ હતા, અને ક્લેવાયોલિન પર બીનના સૂરની અસર કલ્યાણજી વીરજી શાહે પેદા કરી હતી. આગળ જતાં કલ્યાણજી-આણંદજીની જોડી તરીકે તેઓ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને ‘મદારી’, ‘સુનહરી નાગિન’ જેવી સાપના કથાવસ્તુ પર આધારિત ફિલ્મોમાં તેમને સંગીત આપવાનું આવ્યું ત્યારે તેમાં પણ તેમણે બીન મ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. ‘નાગિન’ પછી હેમંતકુમારના સંગીતવાળી એવી કોઈ ફિલ્મ આવી હોવાનું ધ્યાનમાં નથી, જેમાં બીન મ્યુઝીકનો ઉપયોગ થયો હોય. (કોઈ મિત્રના ધ્યાનમાં હોય તો જરૂરથી જણાવે.) આગળ જતાં કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ જોડાયા. એ વાત પછી કરીએ.
હેમંતકુમારના સહાયક રવિ સ્વતંત્ર સંગીતકાર બન્યા. રવિએ પણ બીન મ્યુઝીકનો ઉપયોગ કર્યો. તેમને ‘નાગ પંચમી’માં સંગીત આપવાનો મોકો મળ્યો, જેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. બાબુભાઈ મિસ્ત્રી ટ્રીક ફોટોગ્રાફીના નિષ્ણાત હતા. (તેમણે પ્રચલિત કરેલી ‘કાલા ધાગા’ ટેકનિક બહુ જાણીતી બનેલી. મુંબઈના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર એક બાંકડો બાબુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી મૂકવામાં આવ્યો છે. અત્યારે એ બાંકડો છે કે નહીં એ ખબર નથી, પણ મેં અને ઉર્વીશે પહેલી વાર જોઈને બાબુભાઈનું નામ વાંચ્યું ત્યારે અમારા બન્નેના એક જ ઉદગાર હતા: ‘આ બાંકડો ખરેખર તો જમીનથી બે ફીટ અધ્ધર લટકતો મૂકાયેલો હોવો જોઈએ. પછી જો કે, ઉર્વીશને બાબુભાઈનો લાંબો ઈન્ટરવ્યૂ લેવાનો મોકો પણ મળેલો.) આથી આ પ્રકારની વિવિધ પરીકથાઓ પર આધારીત અનેક ફિલ્મો તેમના ભાગે દિગ્દર્શીત કરવાની આવી. તેમના ભાઈ નરેન્દ્ર મિસ્ત્રી પણ સિનેમેટોગ્રાફર હતા. (‘સાગર મુવીટોન’ પુસ્તકના આલેખન વખતે તેમને મળવાનું નક્કી થયેલું, પણ પછી છેલ્લી ઘડીએ તેમની નાદુરસ્ત તબિયતને કારણે પડતું મૂકાયું.)
‘નાગ પંચમી’નાં કુલ ચાર ગીતો હતાં, જે ઈન્દીવરે લખેલાં હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકરનું ગાયેલું ‘મૈં નદીયા કી ધારા’નું મુખડું સાંભળતાં જ ‘તૂઝે સૂરજ કહું યા ચંદા’ (એક ફૂલ દો માલી, સંગીતકાર:રવિ) યાદ આવી જાય. કિશોરકુમારે ગાયેલું ‘ના જાને તેરે ભાગ્ય મેં ક્યા હૈ’ ભારતીય નારીની સ્થિતિનો ચિતાર આપે છે. ‘તેરે લહૂ મેં સીતા હૈ, કર્મોં મેં તેરે ગીતા હૈ’ જેવા શબ્દો ઈન્દીવરની શૈલી છતી કરે એવા છે. ‘એ નાગિન જા બસ અપને દ્વારે’ ટીપીકલ રવિની શૈલીનું ગીત છે. આ ગીતમાં બીનના મ્યુઝીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાના ‘પતિ’ના અપમૃત્યુનો બદલો લેવા માટે તેને મારનારની સુહાગરાતે નાગણ આવે ત્યારે સુહાગણ તેને પાછી વળી જવાનું વીનવતી હોય એવી સિચ્યુએશન છે. ‘બદલા લેકર તુમ બદલે કી આગ બુઝા ન સકોગી, મન કા ચૈન તો તભી મિલેગા જબ તુમ ક્ષમા કરોગી’ જેવા શબ્દો ભલે એક સ્ત્રી નાગણને કહેતી હોય, પણ તેમાં ઈસુથી લઈને ગાંધી સુધીનાની ફિલસૂફી સમાયેલી છે. સરવાળે ઈન્દીવરના શબ્દો, લતાની ગાયકી અને રવિની સ્વરબાંધણીનો એવો પ્રભાવ પડે છે કે હત્યાના ઈરાદે આવેલી નાગણ આંખમાં આંસુ સાથે પાછી વળી જાય છે. એ હિસાબે માણસ કરતાં નાગણ વધુ ‘સહિષ્ણુ’ કહેવાય.
આશા ભોંસલેએ ગાયેલું ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સમૂહ ગીત છે, જેમાં બીન મ્યુઝીક છે. આગળ જતાં ‘નગીના’માં શ્રીદેવીએ નાગણમુદ્રાની શૈલી રજૂ કરી એ જ (બન્ને હથેળીઓ ફેણની મુદ્રામાં માથે મૂકવાની) મુદ્રા આ ગીતમાં પણ જોવા મળે છે. મુખડામાં ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સાંભળતાં ‘ધરતી કહે પુકાર કે’ (સંગીત: લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ) ‘જા રે કારે બદરા, બલમ કે પાસ’ની યાદ આવે છે.
‘નાગપંચમી’નું ટાઈટલ મ્યુઝીક બીનકેન્દ્રી છે, જેમાં વચ્ચે વચ્ચે ફ્લૂટ અને સિતારથી પૂર્તિ કરવામાં આવી છે. આ ફિલ્મનાં ટાઈટલ એનિમેટેડ છે. ગમે તેવાં હોય, એનિમેટેડ ટાઈટલ સામાન્યપણે મને ગમતાં હોય છે, પણ ભઈસા’બ, અહીં તો સાપનો અતિરેક થઈ ગયો છે. જિસ તરફ દેખિયે, સાપ હી સાપ હૈ. શરૂમાં ફિલ્મનું નામ જ નાનામોટા સાપની ગોઠવણી વડે લખાય, અને પછી એકે એક ટાઈટલમાં સાપ હોય જ. સિનેમેટોગ્રાફીમાં કેમેરા ચલાવતો સાપ, નૃત્ય નિર્દેશનમાં નૃત્ય કરતા સાપ, સંગીતમાં વાદ્યો વગાડતા સાપ.....! આ જોઈને આપણને થાય કે સાપ સે ભી ખૂબસૂરત સાપ કે અંદાઝ હૈ. નૃત્ય નિર્દેશનની ક્રેડીટ વખતે સાપને માનવાકૃતિની જેમ ઉભો નાચતો બતાવ્યો છે, એમાં જે રીતે તેના ‘હાથપગ’ બતાવ્યા છે એ કાબિલેદાદ છે. સાપના શરીરની કેવી ગાંઠની કલ્પના કલાકારે કરી હશે ત્યારે આ વીઝ્યુલાઈઝેશન તેમના મનમાં બેઠું હશે. મોટા ભાગની ફ્રેમોમાં સાપ ‘યો યો’ની જેમ પોતાની જીભથી રમત કરે છે. સંગીતકારની ક્રેડીટમાં બે સાપ જે રીતે સહકારી ધોરણે બીન વગાડે છે એ પણ મઝા પડે જેવું છે. એનિમેશન કલાકારોમાં ગુજરાતી કલાકાર લક્ષ્મણ વર્માનું નામ વાંચીને આનંદ થયો. આ ટાઈટલ જોઈને કોઈને સપનામાં સતત સાપ આવતા થાય, અને તેમને ચાંદીનો નાગ ક્યાંક દાટવાનો ઈલાજ કોઈ સૂચવે તો મારું સરનામું માંગી લેશો. એમ થાય તો પેલી ભજનાવલિમાં એક ગીત મારા તરફથી મૂકીશ, ‘સાપ કી ઈનાયતેં, સાપ કે કરમ, સાપ હી બતાયેં કૈસે, ભૂલેંગે હમ.’
આ ફિલ્મની ટ્રેકમાં ટાઈટલ મ્યુઝીક 0.33 થી 4.52 સુધી છે. આ સંગીત કર્ણપ્રિય છે, પણ સાંભળતાં કંટાળો તો જોવાની મઝા લઈ શકાશે અને જોતાં કંટાળશો તો સાંભળવાની.
*****
અગાઉ જણાવ્યા મુજબ કલ્યાણજી-આણંદજી સ્વતંત્ર સંગીતકાર બન્યા પછી તેમણે બીનમ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. આવી જ એક ફિલ્મ હતી 'સુનહરી નાગીન'. બાબુભાઈ મિસ્ત્રી દિગ્દર્શીત આ ફિલ્મ 1963 માં રજૂઆત પામી હતી.
અહીં આપેલી આ ફિલ્મની ટ્રેકમાં 2.48 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પહેલાં એ સાંભળીએ.
આ ટાઈટલ ટ્રેક શરૂ થાય એ સાથે જ આપણા કાન ચમકી ઉઠે છે. ઓહો! આ તો શ્રીદેવીવાળી ફિલ્મ 'નગીના' (1986) નું સંગીત. પણ 'નગીના'માં તો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત હતું. આનો તાળો એ રીતે મળે છે કે 'સુનહરી નાગીન'માં સંગીત સહાયક તરીકે આ જોડીનું નામ વાંચી શકાય છે. તેઓ પણ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને તક મળી ત્યારે બીનમ્યુઝીકનો ઉપયોગ કર્યો. 'સુનહરી નાગીન'નું ટાઈટલ મ્યુઝીક 'નગીના'નું થીમ મ્યુઝીક બની રહ્યું. 'નગીના'ના અતિ લોકપ્રિય ગીત 'મૈં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા'માં સંગીતનો આ ટુકડો વાગે છે. અને આ જ ટ્રેક ફિલ્મના ટાઈટલ મ્યુઝીક તરીકે પણ છે. અલબત્ત, વચ્ચે સહેજ બીજું સંગીત ઉમેર્યું છે, પણ મુખ્ય ધૂન એની એ જ રહે છે.
'નગીના'નું ટાઈટલ મ્યુઝીક અહીં સાંભળી શકાશે, જે 1.50 સુધી છે.
આ ફિલ્મના ટાઈટલમાં સંગીતકારના સહાયક તરીકેનું નામ જણાતું નથી. પણ જોઈ શકાશે કે હેમંતકુમારના મુખ્ય નિર્દેશનથી શરૂ કરીને તેમના સહાયકો પણ સ્વતંત્ર સંગીત નિર્દેશક બન્યા ત્યાં સુધી સૌએ બીનસંગીતનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો છે.
Labels:
Been music,
Title music,
ટાઈટલ મ્યુઝીક,
બીન સંગીત
Saturday, September 9, 2017
ટાઈટલ મ્યુઝીક (5) : બીનવાદન અને કલ્યાણજી-આણંદજી
‘નાગિન’ એટલે કે નાગણને કાન નથી હોતા. તે કેવળ ધ્રુજારી પારખી શકે છે, અને સાવ ઓછી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે છે. તે ડંખ મારે તો તેનું વિષ શરીરની સ્નાયુપેશીઓ સહિત રક્તમાં ભળી જાય છે. એટલે બોટલમાંથી નળી વડે દૂધ ખેંચીએ એમ ડંખ દ્વારા શરીરમાં પ્રસરેલું વિષ ખેંચી ન શકાય. નાગણની આંખમાં કેમેરા નથી હોતો. નાગ દૂધ પીતો નથી અને સૌથી અગત્યનું એ કે નાગણનું મનુષ્યમાં રૂપાંતર શક્ય નથી. (એથી વિપરીત સ્થિતિ શક્ય છે.)
અહીં લખેલી અને એ સિવાયની અનેક વૈજ્ઞાનિક હકીકતો ભલે આપણે જાણતા હોઈએ, નાગને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મ જોવા જઈએ એટલા પૂરતી તેને ભૂલી જવાની હોય છે.
1954માં આવેલી ફિલ્મીસ્તાનની ફિલ્મ ‘નાગિન’ને કદાચ નાગને લગતી હિન્દી ફિલ્મોની પૂર્વજ કહી શકાય. નંદલાલ જસવંતલાલે તેનું દિગ્દર્શન કર્યું હતું. (હા ભાઈ, તેઓ ગુજરાતી હતા. બસ?) પ્રદીપકુમાર, વૈજયંતિમાલા અને જીવનને ચમકાવતી આ સંગીતપ્રધાન ફિલ્મે એ સમયે રીતસર ઘેલું લગાડ્યું હશે. બન્ને હથેળીઓને ફેણની મુદ્રામાં માથે મૂકીને કરવામાં આવતા ‘નાગિન ડાન્સ’થી કયો લગ્નનો વરઘોડો બાકાત હશે એ શોધનો વિષય છે. અલબત્ત, આ ફિલ્મમાં કોઈ પણ પાત્રે એવી કશી મુદ્રા દેખાડી નથી.
ફિલ્મના સંગીતકાર હેમંતકુમાર હતા. તેમના સહાયક હતા રવિશંકર એટલે કે રવિશંકર શર્મા એટલે કે આગળ જતાં સ્વતંત્ર સંગીતકાર તરીકે આગવી ઓળખ ઉપસાવનાર રવિ. પણ આ ફિલ્મનાં ગીતોમાં બીન વગાડી હતી કલ્યાણજી વીરજી શાહે. તેમણે એ પછી કલ્યાણજી-આણંદજીના નામે પોતાના ભાઈ આણંદજી સાથે જોડી બનાવી. (કલ્યાણજી-આણંદજીના ભાઈ બાબલાએ એક આલ્બમમાં જૂનાં લોકપ્રિય ગીતોને ડીસ્કો સંગીતમાં વગાડ્યાં હતાં. એ રીતે વગાડેલા ‘નાગિન’ના ‘મન ડોલે મેરા તન ડોલે’ ગીતમાં તેમણે સાપના ફૂંફાડાના અવાજની અસર દર્શાવી હતી. એ સિવાય ‘મિ.નટવરલાલ’ ફિલ્મના આશાએ ગાયેલા ગીત ‘તૌબા તૌબા ક્યા હોગા’ના ‘મૈં બેબસ હૂં તેરે બસ મેં’ પછીના અંતરાના ઈન્ટરલ્યૂડમાં સંગીતકાર રાજેશ રોશને ‘નાગિન’નું આ મ્યુઝીક ફીટ કર્યું હતું.)
સાપ લઈને આવતા મદારીઓ મોરલી વગાડે છે, જેને પુંગી પણ કહે છે. તેનો એક વિશિષ્ટ મધુર સ્વર હોય છે, પણ તેની મર્યાદા એ છે કે તેમાં વધુ સૂર હોતા નથી. હેમંતકુમારે ફિલ્મમાં અસલ પુંગી વગાડવાનું વિચાર્યું હતું, પણ કલ્યાણજીભાઈના ક્લેવાયોલિન/clavioline અને રવિના હાર્મોનિયમનો ઉપયોગ કરીને એ સૂર અસલ વાદ્ય જેવો જ કાઢવામાં આવ્યો. કહેવાય છે કે હૈદરાબાદના એક થિયેટરમાં એક સાપ આ સંગીત સાંભળીને દોરાઈ આવ્યો હતો. જો કે, આવી વાતો ઘણા અચ્છા હાર્મોનિયમવાદકો બાબતે પણ સાંભળી છે કે તેઓ હાર્મોનિયમ પર ‘નાગિન’નું સંગીત વગાડે તો સાપ ખેંચાઈ આવે છે. એવું બને કે સાપ એ જણાવવા આવતો હોય કે કલ્યાણજી વીરજી શાહ પછી હવે કોઈને સ્વેચ્છાએ આ ધૂન વગાડવાનો અધિકાર નથી.
આ આખી ફિલ્મમાં ગીતોની ભરમાર હતી. બધું મળીને કુલ બાર ગીતો. અને ગીતો પણ કેવાં? એક સાંભળો ને એક ભૂલો! મુખ્ય ગાયકો પણ બે જ- લતા અને હેમંતકુમાર. એક ગીત આશાજીનું હતું. બે યુગલ ગીતો પૈકી ‘ગોરી છોડ દે પતંગ મેરી છોડ દે’ હેમંતકુમાર અને લતાએ ગાયેલું, જ્યારે ‘યાદ રખના, પ્યાર કી નિશાની ગોરી યાદ રખના’ હેમંતકુમાર અને આશાએ ગાયેલું. આ ઉપરાંત ‘તેરે દ્વાર ખડા એક જોગી’ અને ‘જિંદગી એ દેનેવાલે, જિંદગી કે લેનેવાલે’ હેમંતકુમારે ગાયેલાં. ‘મન ડોલે મેરા તન ડોલે’, ‘સુન રી સખી મોરે સજના બુલાયે’, ‘જાદુગર સૈયાં, છોડો મોરી બૈયાં’, ‘મેરા દિલ યે પુકારે આજા’, ‘સુન રસિયા, કહે કો જલાયે જિયા આજા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’ અને ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં સૈયાં છોડ કે..’ આ આઠ ગીતો લતાએ ગાયેલાં હતાં. ગીતકાર હતા રાજેન્દ્ર કૃષ્ણ.
શરૂઆતમાં ઠંડો પ્રતિસાદ મળ્યા પછી તેનું ‘બીન મ્યુઝીક’ જામ્યું અને એવો ઉપાડો લીધો કે ફિલ્મ પંચોતેર સપ્તાહ ચાલી. એ હદે કે આજે પણ ‘નાગિન’ શબ્દ સાંભળતાંની સાથે નાગ નહીં, પણ ‘બીન’ જ યાદ આવે. આ કમાલ આ ફિલ્મના સંગીતની છે. આ ફિલ્મનાં કુલ બાર ગીતોમાંથી ‘તેરે દ્વાર ખડા એક જોગી’ સિવાયનાં તમામ ગીતોમાં ક્લે વાયોલિનનો કર્ણાકર્ષક ઉપયોગ થયો હતો. એમાં પણ ‘જિંદગી કે દેનેવાલે’થી શરૂ કરીને થોડા સંવાદો અને પછી ‘સુન રસિયા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’, ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં’ એમ પાંચ ગીતો ફિલ્મમાં સળંગ આવે છે એ ઓછી જોવા મળતી ઘટના છે. (‘હમ કિસી સે કમ નહીં’માં ‘ચાંદ મેરા દિલ’થી શરૂ થતાં સળંગ ચાર ગીતો હતાં.)
આશ્ચર્ય થાય એવી હકીકત એ છે કે બીન મ્યુઝીક, જે આ ફિલ્મની, તેનાં ગીતોની ઓળખ બની રહ્યું છે એ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક માં બીનનો અણસાર સુદ્ધાં નથી. એટલું જ નહીં, બારમાંથી એકે ગીતની ધૂન પણ વાપરવામાં નથી આવી. ફિલ્મની રેકોર્ડમાં બીન મ્યુઝીકની અલગ સાઉન્ડ ટ્રેક આપવામાં આવી છે, જે ફિલ્મમાં અન્યત્ર વપરાઈ હશે. પણ ટાઈટલ મ્યુઝીકમાં એ બિલકુલ નથી. હેમંતકુમારે તેમાં ફક્ત કોરસથી કામ લીધું છે, જે આદિજાતિઓ દ્વારા બોલાયા હોય એવા શબ્દો અને ધૂન છે. આનો જવાબ હેમંતદા હયાત હતા ત્યારે મળવાનું બન્યું હોત તો પણ પૂછત કે કેમ એ સવાલ છે, કેમ કે, ત્યારે આ હકીકત ક્યાં ધ્યાનમાં આવેલી?
એ બાબતની નોંધ લેવાની કે 1976માં ‘નાગિન’ નામની એક મલ્ટીસ્ટારર ફિલ્મ રજૂ થઈ હતી, જેમાં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત હતું અને ગીતો લોકપ્રિય થયાં હતાં. તેમાં પણ બીનના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
‘નાગિન’ ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે.(ટેકનીકલ કારણોસર આ લીન્ક યૂ ટ્યૂબ પર જોઈ શકાશે. અહીં ક્લીક કરવાથી આ લીન્ક બીજી વિન્ડોમાં ખૂલશે.)
**** **** ****
'નાગિન' ફિલ્મના ટાઈટલ મ્યુઝીક અંગેની વાતમાં અનેક મિત્રો જોડાયા અને સરસ માહિતી આપી.
મિત્ર વિશાલ શાહ દ્વારા જણાવાયું કે આ બીનનું મ્યુઝીક નાગ અંગેની મોટા ભાગની ફિલ્મોમાં થોડા ફેરફાર સાથે વપરાયું છે. મિત્ર એચ. કણસાગરાએ 1958માં આવેલી 'ફાગુન'માં 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં બીન મ્યુઝીકને યાદ કર્યું. 'ફાગુન'માં સંગીત ઓ.પી. નય્યરનું હતું, અને તેમાં કુલ 11 ગીતો હતાં. આમાંથી બીન મ્યુઝીક ફક્ત 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં જ વગાડવામાં આવ્યું છે. હા, એની એ જ ધૂન અનેક ગીતોમા પુનરાવર્તિત થઈ છે, પણ તે મોટે ભાગે ફ્લૂટ પર વગાડવામાં આવી છે.
1959માં રજૂઆત પામેલી ફિલ્મ 'મદારી'નું મુકેશ-લતાનું ગીત 'દિલ લૂટનેવાલે જાદુગર' અને તેમાં વાગતું બીન મ્યુઝીક બધાને યાદ હશે જ. આ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેમાં 'મ્યુઝીક અરેન્જ્ડ બાય' પ્યારેલાલ અને 'આસિટન્ટ' તરીકે લક્ષ્મીકાન્તનું નામ અલગથી જોઈ શકાય છે. 'મદારી'નાં કુલ 8 ગીતો હતાં. અને મોટા ભાગનાં ગીતોમાં એક યા બીજી રીતે બીન મ્યુઝીક સામેલ કરવામાં આવ્યું હતું.
'મદારી'ના ટાઈટલ મ્યુઝીકનો આરંભ મોટા ભાગના ટાઈટલ મ્યુઝીકની લાક્ષણિક શૈલી જેવાં વાયોલિન સમૂહ વડે ઘોષણાત્મક પ્રકારના સંગીતથી થાય છે, અને 0.14 થી બીન મ્યુઝીક આરંભાય છે. પછી ટાઈશોકોટો પર 'દિલ લૂટનેવાલે જાદુગર'ની ધૂન વાગે છે. 0.54 થી ફરી પાછી શૈલી બદલાય છે. તેમાં ટ્રમ્પેટ ઉમેરાય છે અને પછી મેન્ડોલીન વાગે છે. 1.38 પર પ્યારેલાલ અને લક્ષ્મીકાન્તનું નામ હાઈલાઈટ થાય એ રીતે સંગીત વાગે છે અને એ પછી ક્લેરિનેટ પર ધૂન વાગે છે. વળી પાછો વાયોલિન અને બ્રાસવાદ્યોનો સમૂહ. અને અને અને.......
.....જે સાંભળવા આપણા કાન ઉત્સુક હોય એ 'નાગીન'વાળી જ ધૂન 2.03 પર સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીનું નામ દેખાય ત્યારે શરૂ થાય છે. તેમના નામ પછી ફક્ત દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીનું નામ જ આવે છે. આ ધૂનની ઝલક અને પાછા વાયોલિન સમૂહ તેમજ બ્રાસવાદ્યો પર આ ટ્રેક પૂરી થાય છે.
અહીં નોંધ પૂરતો એ ઉલ્લેખ કે 'મદારી' નામની એક બીજી ફિલ્મ 2016 મા રજૂ થઈ હતી.
મિત્ર વિશાલ શાહ દ્વારા જણાવાયું કે આ બીનનું મ્યુઝીક નાગ અંગેની મોટા ભાગની ફિલ્મોમાં થોડા ફેરફાર સાથે વપરાયું છે. મિત્ર એચ. કણસાગરાએ 1958માં આવેલી 'ફાગુન'માં 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં બીન મ્યુઝીકને યાદ કર્યું. 'ફાગુન'માં સંગીત ઓ.પી. નય્યરનું હતું, અને તેમાં કુલ 11 ગીતો હતાં. આમાંથી બીન મ્યુઝીક ફક્ત 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં જ વગાડવામાં આવ્યું છે. હા, એની એ જ ધૂન અનેક ગીતોમા પુનરાવર્તિત થઈ છે, પણ તે મોટે ભાગે ફ્લૂટ પર વગાડવામાં આવી છે.
1959માં રજૂઆત પામેલી ફિલ્મ 'મદારી'નું મુકેશ-લતાનું ગીત 'દિલ લૂટનેવાલે જાદુગર' અને તેમાં વાગતું બીન મ્યુઝીક બધાને યાદ હશે જ. આ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેમાં 'મ્યુઝીક અરેન્જ્ડ બાય' પ્યારેલાલ અને 'આસિટન્ટ' તરીકે લક્ષ્મીકાન્તનું નામ અલગથી જોઈ શકાય છે. 'મદારી'નાં કુલ 8 ગીતો હતાં. અને મોટા ભાગનાં ગીતોમાં એક યા બીજી રીતે બીન મ્યુઝીક સામેલ કરવામાં આવ્યું હતું.
'મદારી'ના ટાઈટલ મ્યુઝીકનો આરંભ મોટા ભાગના ટાઈટલ મ્યુઝીકની લાક્ષણિક શૈલી જેવાં વાયોલિન સમૂહ વડે ઘોષણાત્મક પ્રકારના સંગીતથી થાય છે, અને 0.14 થી બીન મ્યુઝીક આરંભાય છે. પછી ટાઈશોકોટો પર 'દિલ લૂટનેવાલે જાદુગર'ની ધૂન વાગે છે. 0.54 થી ફરી પાછી શૈલી બદલાય છે. તેમાં ટ્રમ્પેટ ઉમેરાય છે અને પછી મેન્ડોલીન વાગે છે. 1.38 પર પ્યારેલાલ અને લક્ષ્મીકાન્તનું નામ હાઈલાઈટ થાય એ રીતે સંગીત વાગે છે અને એ પછી ક્લેરિનેટ પર ધૂન વાગે છે. વળી પાછો વાયોલિન અને બ્રાસવાદ્યોનો સમૂહ. અને અને અને.......
.....જે સાંભળવા આપણા કાન ઉત્સુક હોય એ 'નાગીન'વાળી જ ધૂન 2.03 પર સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીનું નામ દેખાય ત્યારે શરૂ થાય છે. તેમના નામ પછી ફક્ત દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીનું નામ જ આવે છે. આ ધૂનની ઝલક અને પાછા વાયોલિન સમૂહ તેમજ બ્રાસવાદ્યો પર આ ટ્રેક પૂરી થાય છે.
અહીં નોંધ પૂરતો એ ઉલ્લેખ કે 'મદારી' નામની એક બીજી ફિલ્મ 2016 મા રજૂ થઈ હતી.
'મદારી' ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે.
(નાગ અને બીન વિશેની વધુ વાતો હવે પછી.)
Tuesday, August 8, 2017
ટાઈટલ મ્યુઝીક (4) : પ્રેરણા નહીં, સીધેસીધી નકલ
મૌલિકતા એટલે ન પકડાયેલી ચોરી. હળવાશમાં આવું કહેવાય છે, જેમાં તથ્ય પણ છે. ચોરી કરવી, ઉઠાંતરી કરવી, નકલ કરવી જેવા શબ્દો કરતાં 'પ્રેરિત થવું' શબ્દ જરા સન્માનજનક છે. સંગીતનું માધ્યમ સર્જનાત્મક છે, પણ તેની સાથે સંકળાયેલા બધા જ સર્જક હોય એ જરૂરી નથી. એવું જ અન્ય કળાઓ બાબતે કહી શકાય. ફિલ્મસંગીતમાં સર્જનાત્મકતાની સાથે સાથે વ્યાવસાયિકતા પણ ભળેલી હોય છે. ગમે એવી પ્રચંડ કાબેલિયત ધરાવતા સંગીતકાર વ્યાવસાયિક અભિગમ ન રાખે તો તે નિષ્ફળ જાય એવી તમામ સંભાવના છે. અને ઘણા તો એ હદનો વ્યાવસાયિક અભિગમ રાખે છે કે સર્જનાત્મકતાને પણ તેઓ ગૌણ ગણે છે.
હિન્દી ફિલ્મસંગીતમાં આવી 'પ્રેરણા' વરસોથી વહેતી રહી છે. પચાસ કે સાઠના દાયકામાં કેટલાય ગીતોની ધૂન સીધેસીધી અન્ય પ્રદેશની ધૂનોમાંથી લેવામાં આવી હતી. ભાગ્યે જ કોઈ સંગીતકાર આમાંથી બાકાત હશે. હવે તો એવાં પ્રેરીત ગીતો અને મૂળ ગીતો સંભળાવતી આખેઆખી વેબસાઈટ પણ છે. પણ એનો અર્થ એમ નહી કે એમ કરનાર સંગીતકારોમાં કાબેલિયત નહોતી. તેમની બીજી સ્વરરચનાઓ સાંભળતાં આ હકીકતનો અહેસાસ થાય છે.
પચાસના, સાઠના અને સીત્તેરના દશકમાં 'બીનાકા ગીતમાલા'ની લોકપ્રિયતા ટોચ પર હતી. અમીન સયાની દ્વારા રજૂ કરાતા આ કાર્યક્રમમાં ગીતોના ક્રમ માટે વપરાતો 'પાયદાન' શબ્દ આજે પણ ઉદઘોષકો 'બાદાન' તરીકે વાપરે છે. આ કાર્યક્રમમાં અમીન સયાની બિનાકામાં પહેલી વાર વાગતું ગીત, સરતાજ ગીત, અમુક વખત વાગ્યા પછી નિવૃત્ત થતું ગીત, પહેલી જ વાર 'ચોટી'એ પહોંચતું ગીત - એ રીતે ગીતોની રજૂઆત કરતા અને આવી દરેક શ્રેણી માટે અલગ અલગ સિગ્નેચર ટ્યૂન પણ તેમણે નક્કી કરેલી, જે તેઓ વગાડતા. પણ આ બધામાં સૌથી મસ્ત, અને લાંબી સિગ્નેચર ટ્યૂન ખુદ 'બિનાકા ગીતમાલા'ની પોતાની હતી. ચાહકો પોણા આઠથી રેડિયો સિલોન ચાલુ કરી દેતા અને નવ ને પાંચ સુધી એ સ્ટેશન રાખતા, જેથી કાર્યક્રમના આરંભે અને અંતે વાગતી આ ધૂન આખેઆખી સાંભળી શકાય.
ધૂનનો આટલો ટુકડો હકીકતમાં એક લાંબી અને અદભૂત ધૂનનો આકર્ષક હિસ્સો છે. Edmundo Ruso ના 'સ્પેનિશ જિપ્સી ડાન્સ'ની એ ધૂન હવે તો યૂ ટ્યૂબ પર આખેઆખી ઉપલબ્ધ છે અને તેના જુદાજુદા વર્ઝન પણ સાંભળી શકાય છે. એવી એક લીન્ક આ રહી.
પચાસના, સાઠના અને સીત્તેરના દશકમાં 'બીનાકા ગીતમાલા'ની લોકપ્રિયતા ટોચ પર હતી. અમીન સયાની દ્વારા રજૂ કરાતા આ કાર્યક્રમમાં ગીતોના ક્રમ માટે વપરાતો 'પાયદાન' શબ્દ આજે પણ ઉદઘોષકો 'બાદાન' તરીકે વાપરે છે. આ કાર્યક્રમમાં અમીન સયાની બિનાકામાં પહેલી વાર વાગતું ગીત, સરતાજ ગીત, અમુક વખત વાગ્યા પછી નિવૃત્ત થતું ગીત, પહેલી જ વાર 'ચોટી'એ પહોંચતું ગીત - એ રીતે ગીતોની રજૂઆત કરતા અને આવી દરેક શ્રેણી માટે અલગ અલગ સિગ્નેચર ટ્યૂન પણ તેમણે નક્કી કરેલી, જે તેઓ વગાડતા. પણ આ બધામાં સૌથી મસ્ત, અને લાંબી સિગ્નેચર ટ્યૂન ખુદ 'બિનાકા ગીતમાલા'ની પોતાની હતી. ચાહકો પોણા આઠથી રેડિયો સિલોન ચાલુ કરી દેતા અને નવ ને પાંચ સુધી એ સ્ટેશન રાખતા, જેથી કાર્યક્રમના આરંભે અને અંતે વાગતી આ ધૂન આખેઆખી સાંભળી શકાય.
ધૂનનો આટલો ટુકડો હકીકતમાં એક લાંબી અને અદભૂત ધૂનનો આકર્ષક હિસ્સો છે. Edmundo Ruso ના 'સ્પેનિશ જિપ્સી ડાન્સ'ની એ ધૂન હવે તો યૂ ટ્યૂબ પર આખેઆખી ઉપલબ્ધ છે અને તેના જુદાજુદા વર્ઝન પણ સાંભળી શકાય છે. એવી એક લીન્ક આ રહી.
જી.પી.સીપ્પી નિર્મિત, પ્રમોદ ચક્રવર્તી નિર્દેશીત ફિલ્મ 12 ઑ'ક્લોક (1958) ના ટાઈટલ મ્યુઝીકમાં પ્રિય સંગીતકાર ઑ.પી.નય્યરે આ ધૂનને કશા ફેરફાર વિના, એમની એમ લીધી. એ જ ટેમ્પો, અને એ જ વાદ્યો.
'12 ઑ'ક્લોક' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.25 સુધી છે.
આ જ ધૂન સંગીતકાર રોબીન બેનર્જીએ 'રૂસ્તમ કૌન' (1966) ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં પણ એ જ રીતે વાપરી છે. 'રૂસ્તમ કૌન' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.24 સુધી છે.
**** **** *****
આવી બીજી અતિ પ્રચલિત ધૂન છે 'કમ સપ્ટેમ્બર'ની. 1961માં રજૂઆત પામેલી આ અંગ્રેજી ફિલ્મનું થીમ મ્યુઝિક અતિશય લોકપ્રિય બની રહ્યું છે. પહેલાં તેની મૂળ ધૂન સાંભળીએ.
આ મૂળ ધૂનને સહેજ પણ ફેરફાર વિના 1963 માં રજૂઆત પામેલી મહેમૂદની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'કહીં પ્યાર ન હો જાયે'ના ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી. આ ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. અહીં આપેલી આ ફિલ્મની લીન્કમાં 1.40 સુધી ટાઈટલ મ્યુઝિક છે, જેમાં તે સાંભળી શકાશે.
અલબત્ત, આટલી જાણીતી ધૂન પર કોઈ શબ્દો ન લખાય એમ બને ખરું? સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલા એક બિનફિલ્મી ગીત 'રિમઝીમ રિમઝીમ રિમઝીમ બરસે યે મોતી કે દાને' સીધું આ જ તર્જ અને સંગીત પર લખાયું. અહીં ટાઈટલ મ્યુઝીકની મુખ્ય વાત કરવાની હોવા છતાં આ ગીત સાંભળી લઈએ.
પાકિસ્તાની સંગીતકાર પણ તેનાથી પ્રેરિત થયા. 1962માં આવેલી 'દાલ મેં કાલા' નામની પાકિસ્તાની ફિલ્મમાં 'સમઝ ન આયે, દિલ કો કહાં લે જાઉં' ગીત આ તર્જ પર લખાયું. એ ગીત આ રહ્યું. નાહીદ નિયાઝીએ ગાયેલા આ ગીતને મુસ્લેહુદ્દીન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું. તેના ગીતકારની માહિતી ઉપલબ્ધ નથી.
1995માં આવેલી ફિલ્મ 'બાઝી' માં અનુ મલિકે આ ધૂન પર ગીત રચ્યું, જેના શબ્દો હતા 'ડોલે ડોલે દિલ મેરા ડોલે'.
1995માં જ આવેલી 'રાજા' ફિલ્મમાં ગીતકાર સમીરે 'નઝરેં મિલી, દિલ ધડકા' ગીત આ જ ધૂન પર લખ્યું, જેમાં સંગીત નદીમ-શ્રવણે આપ્યું. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં ફિલ્મનાં અન્ય ગીતની સાથે સાથે આ ધૂનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. 'રાજા' ફિલ્મની આ લીન્કમાં 2.45 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જેમાં 2.04 થી 'કમ સપ્ટેમ્બર'ની એટલે કે 'નઝરેં મિલી'ની ધૂન શરૂ થાય છે.
કોઈ વિદેશી સંગીત પરથી 'પ્રેરિત' થયા હોય એવા ઉદાહરણો અનેક છે, પણ સીધેસીધી નકલ થઈ હોય એવાં ટાઈટલ મ્યુઝીક આ પોસ્ટમાં કેન્દ્રસ્થાને છે.
(નોંધ: તમામ લીન્ક યૂ ટ્યૂબના સૌજન્યથી)
Labels:
Come September,
Copy,
film,
Title music,
કમ સપ્ટેમ્બર,
ટાઈટલ મ્યુઝીક,
નકલ,
ફિલ્મ
Saturday, July 22, 2017
ટાઈટલ મ્યુઝીક (3): શંંકર-જયકિશન અને રહસ્યપ્રધાન ફિલ્મો
ગીતોની સુલભતા આજના જેવી સામાન્ય નહોતી ત્યારે શોખીનો પોતાની પસંદગીનાં ગીતો કેસેટમાં રેકોર્ડ કરાવતા. એ રીતે ચોક્કસ થીમ કે મૂડવાળા ગીતોનાં આલ્બમ તૈયાર મળતાં. આમાં સૌથી લોકપ્રિય પ્રકાર હતો HAUNTING MELODIES નો, જેને 'ભૂતિયાં' ગીતો કહી શકાય. આવાં ગીતો મોટે ભાગે સ્ત્રીસ્વરમાં રહેતાં, અને ખાસ કરીને લતા મંગેશકરે ગાયેલાં. રહસ્યમય (એટલે કે સસ્પેન્સ) ફિલ્મોમાં આવું એકાદ ગીત તેનું થીમ સોંગ બની રહેતું, અને ફિલ્મમાં કોઈ રહસ્યમય દુર્ઘટના બનવાની હોય કે બની ગઈ હોય એ પછી તે ગૂંજતું. 'મહલ'ના 'આયેગા આનેવાલા' પછી કદાચ આ ચલણ શરૂ થયું, અને ત્યાર પછી 'બીસ સાલ બાદ' (કહીં દીપ જલે કહીં દિલ), 'મેરા સાયા' (તૂ જહાં જહાં ચલેગા), 'વહ કૌન થી'(નૈના બરસે રીમઝીમ રીમઝીમ), 'કોહરા' (ઝૂમ ઝૂમ ઢલતી રાત), 'ગુમનામ' (ગુમનામ હૈ કોઈ) સહિત બીજી અનેક ફિલ્મો અને ગીતો આ શ્રેણીમાં મૂકી શકાય.
જે ફિલ્મ જ રહસ્યમય હોય, આખી ફિલ્મમાં ચોંકાવનારું પાર્શ્વસંગીત આવતું હોય એવી ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક કેવું હશે? આ સવાલનો એક જવાબ નથી. પ્રમાણમાં મોડી આવેલી (1971) 'પરદે કે પીછે'માં શંકર જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મમાં પણ આવું એક ગીત હતું 'તેરે બિન જીયા ના લાગે, આજા રે, આજા રે', જે લતાએ ગાયું હતું. મોટા ભાગનાં આ પ્રકારનાં ગીતોની જેમ જ તેની ગતિ ધીમી હતી અને ઈન્ટરલ્યૂડમાં સંગીત વડે રહસ્યમય વાતાવરણ ઊભું કરાયેલું.
પણ શંકર જયકીશને આ જ ફિલ્મની ધૂનનો ટાઈટલ મ્યુઝીકમાં ઉપયોગ કર્યો ત્યારે આખી વાત બદલાઈ ગઈ. આ આખી ધૂન એકદમ તેજ ગતિમાં અને પશ્ચિમી સંગીતની શૈલી ટાઈટલમાં વાગે છે. આપણને સતત એમ લાગે કે આ ધૂન કેમ જાણીતી લાગે છે, પણ પછી ખ્યાલ આવે કે ઓહો! આ તો 'તેરે બિન જીયા ના લાગે'ની ધૂન છે. અહીં 'પરદે કે પીછે' ફિલ્મની આખી ક્લીપ મૂકી છે, જેમાં ટાઈટલ મ્યુઝીક 2.55 સુધી છે.
મઝાની વાત એ છે કે બિલકુલ આ જ શૈલીનું ટાઈટલ મ્યુઝીક આ જોડીએ અગાઉ 'ગુમનામ'માં પણ આપ્યું હતું, જેના ટાઈટલમાં 'ગુમનામ હૈ કોઈ'ની ધૂન એકદમ તેજ ગતિએ અને પશ્ચિમી શૈલીના સંગીત સાથે વગાડવામાં આવી હતી. નીચે ગુમનામ'ના ટાઈટલ મ્યુઝીકની ક્લીપ આપેલી છે.
(નોંધ: વિડીયો ક્લીપો નેટ પરથી)
Labels:
film,
Shanker-Jaikishan,
Title music,
ટાઈટલ મ્યુઝીક,
ફિલ્મ,
શંકર-જયકિશન
Friday, July 14, 2017
ટાઈટલ મ્યુઝીક (2) : રાજ કપૂર નિર્મિત ફિલ્મો અને શંંકર- જયકિશન
ટાઈટલ મ્યુઝીકની વાત કરતાં અગાઉ ટાઈટલ સોંગ વિશે થોડી સ્પષ્ટતા. બે પ્રકારનાં ગીતોને ટાઈટલ સોંગ તરીકે ઓળખાવાય છે. એક તો ફિલ્મના ટાઈટલ્સ દરમ્યાન જે ગીત વાગે તે. અને બીજું, ફિલ્મનું નામ (ટાઈટલ) જે ગીતમાં આવે એ ગીત. રાજ કપૂરની 'બરસાત'નું ગીત 'બરસાત મેં' એક રીતે ટાઈટલ સોંગ કહી શકાય, કેમ કે તેમાં 'બરસાત' નામ આવે છે, પણ આ ગીત ફિલ્મના ટાઈટલ દરમ્યાન નથી વાગતું. ફિલ્મના ટાઈટલમાં તેની ધૂન જ વગાડવામાં આવી છે. એટલે આ ગીતને ટાઈટલ સોંગ તરીકે ઓળખાવતાં ગૂંચવાડો થવાનો પૂરો સંભવ રહે છે.
આ શ્રેણીમાં હાલ આપણે ટાઈટલ (દરમ્યાન વાગતા) સોંગની વાત નથી કરતા, કેમ કે, આપણો મુખ્ય વિષય ટાઈટલ મ્યુઝીક છે.
હિન્દી ફિલ્મોના ટાઈટલ મ્યુઝીકની અને પાર્શ્વસંગીતની વાત રાજકપૂરની ફિલ્મો અને તેમાંના શંકર-જયકિશનના સંગીત વિના અધૂરી ગણાય. અનેક કથા-દંતકથાઓ તેના વિશે પ્રચલિત છે, જેમાં હાલ ઊંડા ઉતરવાની જરૂર નથી.
રાજકપૂરે સહુ પ્રથમ ફિલ્મ 'આગ'નું નિર્માણ કર્યું ત્યારે 'આર.કે.ફિલ્મ્સ'નું બેનર હતું, પણ તેનો લોગો અને મ્યુઝીક બન્યાં નહોતાં. 'આગ'ના આરંભે ગાયત્રી મંત્રનું ગાન સંભળાય છે, 'બરસાત'થી આર.કે.ની તમામ ફિલ્મોમાં ફિલ્મનો આરંભ 'ઓમ નમ: શિવાય' બોલતા પૃથ્વીરાજ કપૂરથી થતો બતાવાયો છે.
ત્યાર પછી ડાબા હાથમાં વાયોલિન અને જમણા હાથ પર કમરેથી પાછળની તરફ ઝુકેલી યુવતીનું પ્રતીક ધરાવતો 'આર.કે.ફિલ્મ્સ'નો લોગો અને તેને અનુરૂપ સંગીત. ફિલ્મનાં ટાઈટલ શરૂ થતાં 'બરસાત મેં'ની ધૂન વાગે છે. પોતાની ફિલ્મનાં ગીતો, પાર્શ્વસંગીત વગેરે બાબતે અત્યંત ઝીણવટથી વિચારતા રાજ કપૂર ફિલ્મના ટાઈટલ મ્યુઝીકને અલગ ઓળખ આપવાનું ન વિચારે તો જ નવાઈ, એમ મને લાગ્યું છે. એ જ રીતે તેમણે ફિલ્મોના અંત વખતે પણ એક ચોક્કસ પ્રકારનું સંગીત વાગે એવો પ્રયત્ન કર્યો છે, જેની વિગતે વાત ક્યારેક અહીં કરીશું.
1951માં રજૂઆત પામેલી 'આવારા'ના શિર્ષકસંગીત પરથી લાગે કે શંકર જયકિશન અને રાજ કપૂરે 'આર.કે.'ની ફિલ્મોની અલગ ઓળખ ઉભી થાય એવું કશુંક વિચાર્યું હશે.
'આવારા હૂં' જેવું યાદગાર ગીત આ ફિલ્મની ઓળખ સમાન બની રહ્યું. આ ગીતની આખી ધૂનને ટાઈટલ મ્યુઝીકમાં શીર્ષકસંગીત તરીકે વાપરવામાં આવે એ નવાઈ નથી. નવાઈ છે તેને વગાડવાની પદ્ધતિમાં. મૂળ ગીતમાં જ્યાં ગાયન એટલે કે શબ્દો આવે છે એ ભાગ અહીં ટાયશોકોટો પર અદ્ભુત રીતે વગાડવામાં આવ્યો છે. અને મૂળ ગીતમાં ઈન્ટરલ્યુડ સંગીતના જે ટુકડા છે, તેને મોટે ભાગે કોરસમાં ગાવામાં આવ્યા છે. તેને લઈને એક જાદુઈ અસર ઉભી થાય છે.
પહેલાં 'આવારા'નું ટાઈટલ મ્યુઝીક સાંભળીએ.
બિલકુલ આ જ પદ્ધતિ 'શ્રી 420'ના ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી છે. તેમાં 'મેરા જૂતા હૈ જાપાની'ની ધૂનને આ જ રીતે વાપરવામાં આવી છે.
પણ નવાઈ લાગે એવી વાત એ છે કે માત્ર આ બે ફિલ્મો પછી આ શૈલી કે ઓળખ આગળ વધારવામાં ન આવી અને અટકાવી દેવાઈ. 'આહ'નું ટાઈટલ મ્યુઝીક આની સરખામણીએ મામૂલી લાગે, અને 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'માં તો આખું ગીત જ રીતસર ટાઈટલ વખતે મૂકાયું છે. 'જાગતે રહો'માં સલીલદાનું સંગીત હતું એટલે એના વિશે કશું કહી શકાય નથી.
'બૂટ પોલિશ'ના ટાઈટલમાં 'તુમ્હારે હૈ તુમસે દુઆ માંગતે હૈ'ની ધૂન ઓરકેસ્ટ્રામાં વગાડવામાં આવી છે. 'સંગમ' થી જાણે આર.કે.ના ટાઈટલ મ્યુઝીકની ઓળખ ખોવાઈ ગઈ હોય લાગ્યા વિના રહે નહીં. 'મેરા નામ જોકર' અને 'કલ આજ ઔર કલ'નું ટાઈટલ મ્યુઝીક ખાસ અસર ઉભી કરી શકતું નથી એમ લાગે છે. 'અબ દિલ્લી દૂર નહીં'ના સંગીતકાર શંકર-જયકિશનના કાબેલ સહાયક દત્તારામ હતા. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક વિશે દત્તારામ અંગેની પોસ્ટમાં આગળ વાત કરીશું.
એમ લાગે છે કે આ પદ્ધતિના શીર્ષકસંગીતને 'આર.કે.ફિલ્મ્સ'ની ઓળખ બનાવવાનો વિચાર કર્યા પછી ખુદ 'આર.કે.ફિલ્મ્સ'ની ઓળખનો પ્રશ્ન ઉભો થયો હશે. (એ ફિલ્મો જોયા પછીનો અંગત અભિપ્રાય છે અને આમ હોવાની હળવી ધારણા.)
(નોંધ: લીન્ક યૂ ટ્યૂબના સૌજન્યથી)
Labels:
Aawara,
film,
Shanker-Jaikishan,
Shree 420,
Title music,
આવારા,
ટાઈટલ મ્યુઝીક,
ફિલ્મ,
શંકર-જયકિશન,
શ્રી 420
Sunday, July 9, 2017
ટાઈટલ મ્યુઝીક (1)
ફેસબુક અને બ્લોગ બંને સાવ અલગ માધ્યમો છે, એમ તેને વાંચનારાઓ પણ અલગ પ્રકારના હોય છે. એક સ્ટેટસ મૂકાય તો તેને વાંચીને તરત જ નીચે પ્રતિભાવ આપી શકાય એવી સુવિધા ફેસબુકમાં છે, જ્યારે બ્લોગમાં એટલું ત્વરિત એ થઈ શકતું નથી. આ કારણે ફેસબુક પર ટૂંકાં લખાણો વધુ જોવા મળે છે, અને કોઈ વિષયનું સાતત્યપૂર્વક ખેડાણ ત્યાં થાય એ શક્યતા ઓછી રહે છે. ત્રણેક વર્ષથી મારી હાજરી ફેસબુક પર છે અને શક્ય હોય ત્યાં સુધી રોજ સવારે કશું ને કશું મૂકાય એવા પ્રયત્નો હોય છે. એ રીતે એક વખત અનાયાસે 'અલીબાબા ઔર ચાલીસ ચોર' ફીલ્મનું ટાઈટલ મ્યુઝીક મેં તેની પર શેર કર્યું. સાથે થોડી નોંધ પણ લખી.
અનાયાસે આ લખાણ એક નવી દિશા ઉઘાડી આપનારું બની રહ્યું. ફેસબુક પર પીયૂષ પંડ્યા, રક્ષિત પંડીત, વિશાલ શાહ, રમેશભાઈ જોશી, શ્રી કણસાગરા જેવા મિત્રોએ તેમાં ગજબ રસ દાખવ્યો અને રક્ષિતભાઈ જેવાએ તો રાહુલ દેવ બર્મનની ચાલીસેક ટાઈટલ ટ્રેક ધરાવતી એક લીન્ક આપી. રજનીકુમાર પંડ્યા પણ અવારનવાર હાજરી પૂરાવવા લાગ્યા. તેને પગલે મને પણ અવનવા સમયગાળાના અને સંગીતકારોની ફિલ્મના ટાઈટલ મ્યુઝીકને સાંભળવાનો ચસકો લાગ્યો. ફેસબુક પર તે નિયમિત મૂકાવા લાગ્યું. એ રીતે થોડાં લખાણો થયાં ત્યારે મને લાગ્યું કે આ લખાણોને ફેસબુક પર ફરી શોધવા મુશ્કેલ પડશે. આથી તેને એ રીતે મૂકવા જોઈએ કે તે એક સાથે મળી શકે.
એ રીતે આ લખાણોને બ્લોગ પર મૂકવાનો વિચાર આવ્યો.
એ રીતે આ લખાણોને બ્લોગ પર મૂકવાનો વિચાર આવ્યો.
બે-ત્રણ સ્પષ્ટતા આ શ્રેણી પૂરતી કરી લઉં.
- આ શ્રેણી બ્લોગ પર શોધવામાં સરળ રહે એ માટે તેનું મુખ્ય શીર્ષક 'ટાઈટલ મ્યુઝીક' જ રાખીશું. પેટા શીર્ષકમાં જે તે ફિલ્મનું નામ મૂકવા વિચાર છે, જેથી સરળતાથી શોધી શકાય. 'લેબલ'માં 'ટાઈટલ મ્યુઝીક', ફિલ્મનું નામ અને સંગીતકારનું નામ પણ મૂકીશું.
- સૌથી મોટો પ્રશ્ન એ છે કે યૂ ટ્યૂબ પર માત્ર ટાઈટલ ટ્રેકની ક્લીપ હોય એવું ઓછું છે. તેને પરિણામે મારે આખેઆખી ફિલ્મની લીન્ક આપવી પડે છે અને તેમાં કાઉન્ટર નં. લખવો પડે છે. કોઈ મિત્ર આનો ઉકેલ બતાવે તો આભારી થઈશ.
- બને ત્યાં સુધી આ લખાણને ફેસબુક પર હતું એ જ સ્વરૂપે મૂકવા વિચાર છે. બને ત્યાં સુધી તેમાં ખાસ ફેરફાર કરીશ નહી.
- પ્રમાણમાં આ લખાણ નાનું, અને અગાઉ લખેલું હોવાને કારણે અઠવાડિયામાં બેથી ત્રણ વાર અપલોડ થઈ શકશે, એમ અત્યારે લાગે છે.
બસ, તો સ્વાગત છે હિન્દી ફિલ્મસંગીતના રસિયા એવા સૌ કોઈ મિત્રોનું, આ તદ્દન નવી શ્રેણીમાં. હિન્દી ફીલ્મોના સંગીતકારોની શૈલીને, દરેક યુગના સંગીતને માણવાનો આ પ્રયાસ અને પ્રવાસ છે.
**** **** ****
અલીબાબા ઔર ચાલીસ ચોર: રાહુલ દેવ બર્મન
ફિલ્મ મારા જેવા અનેકો માટે મનોરંજનનું વિસ્મયપ્રેરક માધ્યમ છે. અમે ફિલ્મને માત્ર જોઈએ છીએ. મિત્ર અભિમન્યુ મોદી ફિલ્મની એક એક ફ્રેમ વાંચી બતાવે ત્યારે અમને સમજાય છે કે આ ફરક વ્યક્તિનો નહીં, આખેઆખી પેઢીનો છે.
દૃશ્યમાધ્યમ માટેનું વિસ્મય ઘરમાં ટી.વી.ના આગમન પછી ખતમ થવા માંડ્યું. એ અગાઉ 'ચલ'ચિત્ર જોવા માટે થિયેટર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ફિલ્મ જોવાનો 'પોગરામ' હોય. થિયેટર પર વહેલા જવાનું, કબાટના કાચની આરપાર મૂકાયેલા ફિલ્મના 'ફોટા' ધ્યાનથી જોવાના, ટિકિટ લઈને અંદર બેઠા પછી એક એક જાહેરખબરો અને 'ફિલ્મ્સ ડિવિઝન કી ભેંટ'વાળી ફિલ્મ પણ રસપૂર્વક જોવાની. આ સંજોગોમાં મૂળ ફિલ્મ એના નંબરીયા શરૂ થાય એ પહેલા દેખાડાતા સેન્સર સર્ટિફિકેટથી જ શરૂ થઈ ગઈ ગણાતી.
આ વાત સિત્તેર-એંશીના દાયકાની કરું છું.
એ વખતે જોયેલી ઘણી ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક બહુ આકર્ષક લાગતું અને એ સાંભળીને રોમાંચ થતો. ત્યાર પછી ઉર્વીશ અને મેં લોંગ પ્લે રેકર્ડો ખરીદવાનું શરૂ કર્યું તેની પાછળનું એક મુખ્ય આકર્ષણ આ રેકર્ડમાં આવતું ટાઈટલ મ્યુઝિક પણ ખરું. ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક ગમતું, પણ બહાર નીકળ્યા પછી યાદ રાખવું મુશ્કેલ હતું.
દૃશ્યમાધ્યમ માટેનું વિસ્મય ઘરમાં ટી.વી.ના આગમન પછી ખતમ થવા માંડ્યું. એ અગાઉ 'ચલ'ચિત્ર જોવા માટે થિયેટર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ફિલ્મ જોવાનો 'પોગરામ' હોય. થિયેટર પર વહેલા જવાનું, કબાટના કાચની આરપાર મૂકાયેલા ફિલ્મના 'ફોટા' ધ્યાનથી જોવાના, ટિકિટ લઈને અંદર બેઠા પછી એક એક જાહેરખબરો અને 'ફિલ્મ્સ ડિવિઝન કી ભેંટ'વાળી ફિલ્મ પણ રસપૂર્વક જોવાની. આ સંજોગોમાં મૂળ ફિલ્મ એના નંબરીયા શરૂ થાય એ પહેલા દેખાડાતા સેન્સર સર્ટિફિકેટથી જ શરૂ થઈ ગઈ ગણાતી.
આ વાત સિત્તેર-એંશીના દાયકાની કરું છું.
એ વખતે જોયેલી ઘણી ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક બહુ આકર્ષક લાગતું અને એ સાંભળીને રોમાંચ થતો. ત્યાર પછી ઉર્વીશ અને મેં લોંગ પ્લે રેકર્ડો ખરીદવાનું શરૂ કર્યું તેની પાછળનું એક મુખ્ય આકર્ષણ આ રેકર્ડમાં આવતું ટાઈટલ મ્યુઝિક પણ ખરું. ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક ગમતું, પણ બહાર નીકળ્યા પછી યાદ રાખવું મુશ્કેલ હતું.
સિત્તેર-એંશીના દાયકાની ફિલ્મોના ટાઈટલ મ્યુઝીકમાં મોટે ભાગે બ્રાસ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ વધુ થતો હતો એમ લાગે છે. ખાસ કરીને સંગીતકાર, દિગ્દર્શકનું નામ આવે ત્યારે એ સંગીત ધ્યાન ખેંચે એ રીતે આવતું.
યાદ છે ત્યાં સુધી અમદાવાદ-વડોદરા પર આવતા 'જયભારતી' કાર્યક્રમમાં બપોરે 2.10 થી 2.20 દરમ્યાન આવતા સમાચાર પછી કાર્યક્રમની બાકી રહેતી દસ મિનીટમાં કોઈ એક દિવસે ઉદ્ઘોષક ભરત યાજ્ઞિક 'શીર્ષક સંગીત' સંભળાવતા હતા, એવું યાદ છે. (આવા એક કાર્યક્રમમાં 'જહોની મેરા નામ'નું ટાઈટલ મ્યુઝીક સાંભળવા મળેલું.) એ વખતે એફ.સી.મહેરાની ફિલ્મ 'અલીબાબા ઔર ચાલીસ ચોર' આવેલી. આર.ડી.બર્મનના સંગીતવાળી આ ફિલ્મનાં ગીતો ત્યારે ઠીકઠીક લોકપ્રિય થયેલાં.
જે હોય એ, મને તો ફિલ્મ પણ ગમેલી. છુપાવવાનું શું, એ મેં બે વાર જોયેલી. પણ તેમાં ખરી મઝા હતી આર.ડી.ના ટાઈટલ મ્યુઝીકની. ઘોડેસવારીના કરતબ દેખાડતા ઘોડેસવારો જોઈને જે મઝા પડતી અને તેમાં ઉમેરો કરતું આ મ્યુઝીક.
યાદ છે ત્યાં સુધી અમદાવાદ-વડોદરા પર આવતા 'જયભારતી' કાર્યક્રમમાં બપોરે 2.10 થી 2.20 દરમ્યાન આવતા સમાચાર પછી કાર્યક્રમની બાકી રહેતી દસ મિનીટમાં કોઈ એક દિવસે ઉદ્ઘોષક ભરત યાજ્ઞિક 'શીર્ષક સંગીત' સંભળાવતા હતા, એવું યાદ છે. (આવા એક કાર્યક્રમમાં 'જહોની મેરા નામ'નું ટાઈટલ મ્યુઝીક સાંભળવા મળેલું.) એ વખતે એફ.સી.મહેરાની ફિલ્મ 'અલીબાબા ઔર ચાલીસ ચોર' આવેલી. આર.ડી.બર્મનના સંગીતવાળી આ ફિલ્મનાં ગીતો ત્યારે ઠીકઠીક લોકપ્રિય થયેલાં.
જે હોય એ, મને તો ફિલ્મ પણ ગમેલી. છુપાવવાનું શું, એ મેં બે વાર જોયેલી. પણ તેમાં ખરી મઝા હતી આર.ડી.ના ટાઈટલ મ્યુઝીકની. ઘોડેસવારીના કરતબ દેખાડતા ઘોડેસવારો જોઈને જે મઝા પડતી અને તેમાં ઉમેરો કરતું આ મ્યુઝીક.
અચાનક તે યાદ આવ્યું અને શોધતાં યૂ ટ્યુબ પર તરત તે મળી પણ ગયું. એ સાંભળીને લાગ્યું કે એ સમયે પણ આપણી પસંદગી સાવ ખોટી નહોતી.
અહીં એ સાંભળી શકાશે.
અહીં એ સાંભળી શકાશે.
(ઈમેજ નેટ પરથી અને ઓડિયો ક્લીપ યૂ ટ્યૂબ પરથી)
Subscribe to:
Posts (Atom)




.jpeg)


.jpeg)