Showing posts with label સાર્થક પ્રકાશન. Show all posts
Showing posts with label સાર્થક પ્રકાશન. Show all posts

Tuesday, May 20, 2025

'સાર્થક'ના કાર્યક્રમ અને 'ટીમ સાર્થક' વિશે થોડું

રવિવાર, 18 મે, 2025ની સાંજે અમદાવાદના એ.એમ.એ.ખાતે રામચંદ્ર ગુહાના અંગ્રેજી પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના દિલીપ ગોહિલ અને ઉર્વીશ કોઠારીએ કરેલા ગુજરાતી અનુવાદનું વિમોચન યોજાયું. આ નિમિત્તે બન્ને અનુવાદકોને અને 'સાર્થક પ્રકાશનની ટીમ'ને અનેકાનેક અભિનંદન પાઠવવામાં આવ્યા અને હજી એ સીલસીલો ચાલુ છે. તો શું 'સાર્થક પ્રકાશનની ટીમ' ખરેખર છે ખરી? એ છે તો એમાં કોણ કોણ છે અને એ લોકોની ભૂમિકા શી હોય છે? આવું ખાસ કોઈ પૂછતું નથી. સામાન્યપણે માની લેવાય છે કે ટીમ હશે અને સૌની પોતપોતાની ભૂમિકા હશે.

આવી ટીમ હકીકતમાં છે પણ ખરી, અને આમ ક્યાંય નથી. 'સાર્થક પ્રકાશન'નો કાર્યક્રમ હોય એટલે એમાં અમુક વસ્તુઓ પાયાના નિયમ તરીકે સ્વીકારાયેલી છે. જેમ કે, કાર્યક્રમમાં સંચાલક નહીં હોય, અને જો હોય તો એની ભૂમિકા માત્ર સંચાલન પૂરતી, એટલે કે કાર્યક્રમની બે આઈટમ વચ્ચે સેતુરૂપ ભુમિકા બાંધવાની જ હશે. આ કારણે સંચાલકે શેરોશાયરીનો ઊપયોગ બિલકુલ કરવો નહીં. એટલે સંચાલકની જરૂર પડે તો મિત્ર પ્રણવ અધ્યારુ એ માટે કાયમી પસંદગી, કેમ કે, એ પણ આવું જ માનનારો. પ્રણવને સંજોગોની પ્રતિકૂળતા હોય અને એ ભૂમિકા કરવાની જ હોય તો અમારામાંથી કોઈ પણ એ ભૂમિકા કરી લે.

બીજી વાત એ કે કાર્યક્રમ શક્ય એટલો અનૌપચારિક અને આત્મીય બની રહેવો જોઈએ. 'આત્મીય' એ અર્થમાં કે વિવિધ ક્ષેત્રનાં સમાન રસરુચિવાળા લોકો આ કાર્યક્રમમાં આવે અને એકમેકને મળે એ ઉદ્દેશ્ય જળવાવો જોઈએ. દીપપ્રાગટ્ય, સરસ્વતીવંદના, બુક કે બુકેથી સ્વાગત- વગેરે લગભગ ન જ હોય. મહેમાનો પણ પોતાની મેળે જ આવીને મંચ પર ગોઠવાઈ જાય. એ કરવું જ પડે એમ હોય તો શક્ય એટલી અનૌપચારિકતાથી કરવું. અલબત્ત, આનો અર્થ એવો જરાય નહીં કે મહેમાનો સાથે 'નાખો વખારે'નો વહેવાર કરવો. મોટા ભાગના કિસ્સામાં મહેમાન એવા જ હોય કે જે પોતે પણ અનૌપચારિકતામાં માનતા હોય.

કાર્યક્રમનું મહત્ત્વનું પાસું એનું કન્ટેન્ટ બની રહેવું જોઈએ. માત્ર કોઈ જાણીતો ચહેરો કે સેલીબ્રીટીની ઉપસ્થિતિથી સંખ્યા ભેગી કરવાની નહીં. કન્ટેન્ટ સઘન હોય, તો ઉપસ્થિત સૌને મજા આવે એ ખાત્રી છે. આથી સંખ્યા ભેગી કરવા માટે લોકરંજકતાથી દૂર જ રહેવું. એમ કરવામાં ક્યારેક એમ બને કે સંખ્યા ઓછી થાય, અથવા 'ધાર્યા મુજબની' ન થાય, પણ જેટલા આવ્યા હોય એટલા નક્કર કન્ટેન્ટને કારણે જ આવ્યા હોય.

કાર્યક્રમ સમયસર શરૂ કરવામાં અને સમયસર પૂરો કરવામાં માનનારો એક ઝનૂની વર્ગ છે, જેમને મન ઘડિયાળના કાંટા અને પોતાની પોતે માની લીધેલી નિયમિતતાથી વિશેષ કશું નથી, કાર્યક્રમનું કન્ટેન્ટ પણ નહીં. તેઓ આમાં બહુ મોટી સિદ્ધિ હોય એમ બહુ ગૌરવપૂર્વક કાર્યક્રમ શરૂ થતાં અને સમાપન કરતાં આનો ઉલ્લેખ કરે. અમે કાર્યક્રમની અવધિ પર વિશેષ ધ્યાન આપીએ છીએ. કાર્યક્રમ ચાલુ હોય ત્યારે મનોમન એ ગણતરી ચાલતી જ હોય કે સમય જળવાઈ રહ્યો છે કે કેમ. ક્યારેક કોઈ સમયમર્યાદા કરતાં વધુ બોલે તો એ પછીના વક્તા પોતાનો સમય એટલો ઓછો કરીને સમગ્ર કાર્યક્રમને લાંબો બનવાથી અટકાવે છે. દલીલ ખાતર એમ કહી શકાય કે કાર્યક્રમ દસ મિનીટ મોડો ચાલુ થાય તો અમુકતમુક માનવકલાકોનો વેડફાટ છે. આવે વખતે મને જાપાનીઝ વડાપ્રધાનના નામે ચડેલી ગંગાઘાટ પરની આરતીવાળી જોક યાદ આવે છે. સમયસર શરૂ અને પૂરો કરવાનો આગ્રહ બરાબર, પણ ઝનૂન ખોટું.

કાર્યક્રમની ગરિમા બરાબર જળવાવી જોઈએ. એ આત્મીય, અનૌપચારિક હોય, પણ એનું સ્તર જળવાય તો જ આ શક્ય બને. કેમ કે, આટલા અનુભવે એ સમજાયું છે કે 'સાર્થક કન્ટેન્ટ' પસંદ કરનારો વર્ગ છે જ.

હવે આવે ટીમની વાત. ટીમ એટલે શું? ટીમનો કોઈ કેપ્ટન હોય? કાર્યક્રમ નિમિત્તે અનેકવિધ એજન્સીઓની જરૂર પડે. અમદાવાદમાં અનેક મિત્રો એવા છે કે જે આવી એજન્સીઓને જાણતા હોય. એવા મિત્રોને જાણ કરવામાં આવે એટલે એની જવાબદારી તેઓ જ ઉપાડી લે અને પૂરી પાડે. એમનો નામોલ્લેખ કરવા જઈએ તો યાદી લાંબી થાય, છતાં અધૂરી રહે. એટલે સરવાળે માહોલ એવો ઊભો થાય કે કાર્યક્રમમાં આવનાર સૌ કોઈ અમારી ટીમનો સભ્ય હોય એમ જ લાગે. એ પોતાની સાથે બીજા સહૃદય મિત્ર/મિત્રોને લઈ આવે તો માણસ વધી જવાનું ટેન્શન થવાને બદલે ટીમમાં એક સભ્યનો ઉમેરો થયાનો આનંદ થાય. ટીમના કેપ્ટન? બધા જ પોતે સંભાળેલી જવાબદારીના કેપ્ટન. સંયોજન પૂરતી કાર્તિકભાઈ કે ઉર્વીશ સાથે વાત થાય એટલું જ, એથી આગળ કશું નહીં.

એક ઉદાહરણ કાલના જ કાર્યક્રમનું આપું. રામચંદ્ર ગુહાની ફ્લાઈટ બપોરના ચાર આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી જવાની હતી. તેમને આવકારવા, અને એ પછી તેમના ઉતારેથી છેક હૉલ સુધી લાવવાની જવાબદારી કોઈકે સંભાળવી પડે. આ વ્યક્તિ એવી હોય કે જે રામચંદ્ર ગુહાના કામથી પરિચીત હોય, તેમને કંપની આપી શકે એવી હોય તો સરસ. એ માટે બે વ્યક્તિઓએ જવાબદારી સંભાળી. નવી બનેલી મિત્ર સોહિની ચટ્ટોપાધ્યાય અને ઋતુલ જોશી. એમાં પણ ઋતુલ પોતે કેરળથી પ્લેનમાં એ સમયની આસપાસ ઉતરવાના હતા. પણ બધું સરસ સંયોજન થઈ ગયું, અને રામચંદ્ર ગુહા સાડા પાંચે હોલ પર હાજર. કાર્યક્રમ શરૂ થાય ત્યાં સુધી તેમને હોલ પર બેસાડવાના, અને કંપની આપવાની, યા તેમની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું. કેમ કે, આયોજક તરીકે અમે સૌ બીજા મિત્રોને આવકારવામાં વ્યસ્ત હોઈએ. એટલે હૉલના એ રૂમથી રામચંદ્ર ગુહા સ્ટેજ પર આવે ત્યાં સુધી એમનો કોન્ટેક્ટ પર્સન સુજાત પ્રજાપતિ.

'એ.એમ.એ.'ના પાર્થ ત્રિવેદી કહે, 'તમે બેનર બનાવડાવી લીધું કે બાકી છે?' એ બાકી હતું એ જાણીને પાર્થ કહે, 'રાહ જુઓ. કદાચ પાછળ સ્ક્રીનની વ્યવસ્થા કરાઈ રહી છે. હું બે દિવસ પહેલાં તમને જાણ કરીશ.' સ્ક્રીનની વ્યવસ્થા ન થઈ શકે તો બેનર બનાવવા માટે બે દિવસ પૂરતા હતા. પણ એ વ્યવસ્થા થઈ, હવે બેનર ફક્ત સ્ક્રીન પર બનાવવાનું હતું. એ ભાગ કેતન રૂપેરાએ સંભાળી લીધો.

મંચ પર આ બે જ સોફા

પૂરો ભરાયેલો હૉલ

રામચંદ્ર ગુહા વક્તવ્ય દરમિયાન

નાનામોટા નીતિવિષયક નિર્ણયો લેવાના પણ આવે. ત્યારે કાર્તિક શાહ અતિશય ઠંડકથી એ લે અને એમના ચહેરા પરની રેખા પણ ન બદલાય.

આ કેવળ થોડાં ઉદાહરણ છે. આ રીતે અનેક નાનામોટા કામ હોય, અને સૌ સ્વેચ્છાએ, આનંદથી એ જવાબદારી ઉઠાવે. એને 'સાર્થક'ની ટીમ કહેવામાં પણ માલિકીભાવ લાગે. આ તો સમરસિયા મિત્રોએ મળીને પાર પાડેલું કામ.

ફરી વાર લખું કે અહીં સૌના નામ લખી શકાય એમ નથી, કેમ કે, એમ કરવા જઈએ તોય અમુક બાકી જ રહી જાય. આ કેવળ કાર્યપદ્ધતિનો ખ્યાલ આપવા પૂરતાં જ નામ લખ્યાં છે.

મિત્ર, અને અનેક અવનવા કાર્યક્રમોના આયોજક હસિત મહેતા કહે છે એમ, 'કાર્યક્રમનું આયોજન એ રીતે કરવાનું કે આપણા માટે તો એ કાર્યક્રમ શરૂ થતા પહેલાં જ પૂરો થઈ ગયેલો હોય. આપણે પછી માત્ર પ્રેક્ષક બનીને જવાનું.' પ્રયત્ન કંઈક આવો હોય છે, અને એ શક્ય બને છે 'સાર્થક'ની આવી સ્વયંભૂ ટીમના સભ્યોથી.

ક્યારેક કોઈક સ્નેહીમિત્ર બહુ ગંભીરતાથી પૂછતા હોય છે, 'મારે તમારી ટીમના સભ્ય બનવું છે. શું કરવું?' આનો જવાબ આમ સહેલો છે, પણ અમે એટલા સૌજન્યવિહીન નથી કે મોં પર કહી શકીએ. એમને 'સાર્થક ટીમ'ના સભ્ય ફક્ત પોતાના લેખ છપાય એટલા માટે બનવું હોય તો એ શક્ય નથી. અમુક કિસ્સામાં એમ પણ કહેવાનું મન થઈ આવે કે તમે અત્યારે જે લખો છો એ લખવાનું બંધ કરો તોય બહુ. પણ એવું કહી શકાતું નથી. આથી અમે કહીએ છીએ, અને એ સાચું પણ છે કે 'સાર્થક'ની એવી કોઈ ટીમ જ નથી.

બીજું કે, પુસ્તક/સામયિક વેચાય એ તો હરેક પ્રકાશકની જેમ અમારું પણ સ્વપ્ન હોય એ સ્વાભાવિક છે, પણ એ સહજપણે થાય એમ અમે ઈચ્છીએ. આથી જ, 'જલસો'મિલનમાં અમે ખાસ કહીએ છીએ કે આપ આપના મિત્રોને જાહેરખબર માટે વાત કરજો, પણ ક્યાંય તમને એમ લાગે કે તમારો હાથ નીચે રહે એમ છે, એટલે કે તમારે કાકા મટીને ભત્રીજા બનવાનું થાય છે, તો એ ન કરતા. કેમ કે, એ રીતે આપણે આપણું સામયિક નથી વેચવું. આમાં 'કોઈની સાડાબારી ન રાખવી'નો ભાવ નથી, પણ આત્મગૌરવ જાળવવાની વાત છે અને એ મુખ્ય છે.

'સાર્થક પ્રકાશન' તંગ દોર પર ચાલે છે એ સૌ જાણે છે. પણ ગમતાં પુસ્તકો કરી શકાય અને આખરે આનંદ આવે એ બાબત મુખ્ય છે. બસ, 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદના કાર્યક્રમ નિમિત્તે આટલું જ.


(તસવીરો: બિનીત મોદી)