વર્ષ 2016નો એ ચોક્કસ દિવસ યાદ નથી, પણ થયેલી વાતચીત બરાબર યાદ છે. વડોદરા ખાતે આવેલા સરદાર ભવનમાં 'ગ્રંથગોષ્ઠિ' નામે ઊપક્રમ નિયમીતપણે ચાલી રહ્યો છે, જેમાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે નિમંત્રીત વક્તાઓ કોઈ એક પુસ્તક પર વાર્તાલાપ આપે છે. મૂળ કવિ હસિત બૂચે તેનો આરંભ કરેલો. હવે મોહનભાઈ બારોટ, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને બીજા મિત્રો તેની સાથે સંકળાયેલા છે. આ ઉપક્રમ અંતર્ગત 'રાગ દરબારી' વિશે મારો વાર્તાલાપ હતો. કદાચ જુલાઇ કે ઓગસ્ટનો મહિનો હશે. આમાં મુખ્ય કાર્યક્રમ પછી થતી અનૌપચારિક વાતચીત અને સ્નેહમિલન બહુ આનંદદાયક બની રહેતાં હોય છે. એ વખતે મિત્ર અમરીશભાઈ સાથે અમે વાર્તાલાપ પૂરો કર્યા પછી વાતે વળગેલા. એમાં કશીક વાત નીકળી એટલે અમરીશભાઈએ કહ્યું, 'તમારે બીજો કોઈ કાર્યક્રમ કરવો હોય તો પણ જણાવજો.' તેમને શું અભિપ્રેત હતું એ ખ્યાલ નથી, પણ મને શું સૂઝ્યું કે મેં કહ્યું, 'મારી પાસે ગાંધીજીનાં ઘણાં કાર્ટૂન છે. એનું કંઈક કરીએ.' તેમણે ઉત્સાહથી પૂછ્યું, 'એનું પ્રદર્શન?' મેં કહ્યું, 'ના. એની રજૂઆત.' એમણે તરત જ કહ્યું, 'આ બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિએ રાખીએ.' મેં હા પાડી. એ પછી અમે છૂટા પડ્યા, પણ હું રીતસરનો ધંધે લાગ્યો. મેં કહેતાં તો કહી દીધું કે કાર્યક્રમ કરીએ, પણ એમાં શું કરવાનું? કયાં કાર્ટૂન બતાવવાનાં? એના માટે શી વ્યવસ્થા કરવાની? આવા બધા સવાલો ઊભા થતા ગયા. અને એના જવાબ હું મારી રીતે મેળવતો ગયો.
Friday, October 2, 2026
શૌક-એ-સફર કો સાથ લિયા ઔર ચલ પડે
Monday, September 28, 2026
હસ તૂ હરદમ...
કાર્ટૂન લઈને વિવિધ શ્રેણીના, અલગ અલગ વયજૂથના દર્શકો સામે જવાની એક મજા છે. કાર્ટૂન આમ તો દૃશ્યકળા છે, પણ દરેક વયજૂથના, વિસ્તારના, સમુદાયના લોકો એનો પ્રતિભાવ અલગ અલગ રીતે આપતા હોય છે. આપણને એમ લાગે કે આ કાર્ટૂન સમજતાં એમને થોડી વાર લાગશે, તો એ લોકો એને તરત જ સમજી જતાં હોય છે. એમ ઝટ સમજાતાં કાર્ટૂનમાં ક્યારેક વિગતે વાત કરવી પડતી હોય છે. આ અનુભવ વધુ એક વાર આજે પુનરાવર્તિત થયો.
વડોદરાના નાગરવાડા ખાતે આવેલી 'એમ.ઈ.એસ.' (મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી)ની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ આજે 'કહત કાર્ટૂન' લઈને જવાનું બન્યું. આ શાળાના આચાર્ય શકીલભાઈ પઠાણ અમારા મહેમદાવાદના, એટલું જ નહીં, અમારા પ્રિય શિક્ષક પઠાણસાહેબ(હનીફ 'સાહિલ')ના દીકરા. ઘણા વખતથી તેમનું આમંત્રણ ઊભું હતું. આખરે આજે એ મુહૂર્ત આવ્યું. અગાઉ એક આંતરશાળા સ્પર્ધામાં મિત્ર રાજેશ દાણી આ શાળામાં નિર્ણાયક તરીકે ગયેલા અને બહુ પ્રસન્ન થયેલા. આ શાળામાં તમામ વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના છે. સહશિક્ષણની શાળા છે. પડી શકે એટલી તમામ મુશ્કેલીઓ અહીં છે, અને એને પહોંચી વળવાના પડકાર શકીલભાઈ અને એમની હોંશીલી ટીમ ઊઠાવી રહી છે. એટલે આજે પહેલી વાર તો વિદ્યાર્થીઓને કેવળ કાર્ટૂનના માધ્યમથી પરિચીત કરવા એમ નક્કી થયું. એ મુજબ આઠમા અને નવમા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ રખાયો.
| હારબંધ ગોઠવાઇ ગયેલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ |
| કાર્યક્રમ દરમિયાન |
| કાર્યક્રમ પછી પ્રતિભાવ આપતા અને સવાલ પૂછતા શોએબભાઈ, (વચ્ચે) શકીલભાઈ |
Friday, September 25, 2026
પુસ્તકમેળે...
છેલ્લા થોડા વખતમાં શાળાઓ સાથે, શાળાના શિક્ષકો અને સંચાલકો સાથે મળવાનું વધતું રહ્યું છે, અને તેને કારણે અત્યાર સુધી જે સૃષ્ટિને એક તરફથી જોઈ હતી, એની બીજી બાજુનો પરિચય થતો રહ્યો છે. શાળાઓ દ્વારા યોજાતા વિવિધ ઉપક્રમના સાક્ષી, નિમિત્ત કે સહભાગી બનવાની તક મળતી રહી છે, અને તેના હજી સુધી થયેલા અનુભવો ઘણા ઉત્સાહજનક રહ્યા છે.
આજે આવા જ એક ઉપક્રમના સાક્ષી બનવાનું થયું. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી 'એમિકસ ઈન્ટરનેશનલ સ્કૂલ' આમ તો ભરૂચની 'એમિટી સ્કૂલ'ની ભગિની સંસ્થા. આ શાળાનું સંચાલન ઉત્પલભાઈ શાહ કરી રહ્યા છે, અને તેની સાવ શરૂઆતમાં તેની મુલાકાત લેવાનું બનેલું. અહીંનાં અતિ ઉર્જાવંત આચાર્યા ડૉ. હેમા અભિરૂપ સાથે એ પછીની બે-ત્રણ મુલાકાત ઊપરાંત પરોક્ષ રીતે સંપર્ક પણ ખરો.
| પુસ્તકમેળા પહેલાંના દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા 'બ્રાઉઝિંગ' (તસવીર: સ્નેહલ શેઠ) |
| રીબન કાપીને પુસ્તકમેળાનું ઉદ્ઘાટન, ડાબે ઊભેલાં ડૉ. હેમા અભિરૂપ. (તસવીર: ક્રિશ્ના શર્મા) |
Monday, September 14, 2026
કુકેરીમાં વાત કાર્ટૂનકળાની
રવિવાર સાંજથી સોમવાર બપોર (6 અને 7 સપ્ટેમ્બર) સુધી કુકેરીમાં રોકાણ હતું અને પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ બીજા મિત્રો સાથે કામ અંગેની વાત કરવાની હતી. પણ મારી ઈચ્છા આ રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની હતી. પરિમલભાઈને એ જણાવતાં તેમણે બહુ ઊલટભેર એ વ્યવસ્થા ગોઠવી આપી. વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂન અંગેનો કાર્યક્રમ રજૂ કરવું એમ નક્કી થયું. આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની તૈયારી કરી હતી. પહેલાં વિદ્યાર્થીનીઓ સમક્ષ અને પછી વિદ્યાર્થીઓ સમક્ષ એમ કુલ બે કાર્યક્રમ સવારના ભાગે રાખવાનું આયોજન થયું.
| વિદ્યાર્થીનીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત |
કાર્યક્રમના આરંભે અપાયેલા મારા ઔપચારિક પરિચયમાં જે કંઈ બાકી હતું એ બધું વિદ્યાર્થીનીઓએ પૂછી લીધું. જેમ કે, એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમને કાર્ટૂનમાં ક્યારથી રસ પડવા લાગ્યો?' મારી સાથે કામિની અને ઈશાન આવેલાંં. તો એક વિદ્યાર્થીની કહે, 'તમારી ટીમનો પરિચય કરાવો.' આવા તો અનેક સવાલો તેમણે કુતૂહલવશ પૂછ્યા, જેના જવાબ આપવાની મજા આવી અને વધુ એક વાર એ બાબત શીખવા મળી કે આ પ્રકારના કાર્યક્રમમાં આગોતરી ધારણા બાંધી લેવાથી દૂર રહેવું. અને પૂછાતા તમામ સવાલના જવાબ શક્ય એટલી પ્રામાણિકતાથી આપવા.
Wednesday, September 9, 2026
શબ્દનાં સગાંની મુલાકાતે (2)
આવું શિર્ષક જરા વધુ પડતું રોમેન્ટિક કે આદર્શ લાગી શકે. પણ આ બે દિવસમાં એનો બરાબર અનુભવ થયો. જાતને મેં સવાલ પૂછ્યો કે આ સહુ સાથેનો મારો સંબંધ બંધાયો શી રીતે? જવાબ આ હતો.
| બકુલાબહેન સાથે |
| સિલવાસ ખાતે: (ડાબેથી) કાવ્યા, કુંતલબહેન, રાજેન્દ્રભાઈ, કામિની, બીરેન અને ચંદ્રસિંહકાકા (તસવીર: ઈશાન) |
| હસીખુશીની પળો: (ઉભેલાં ડાબેથી) : રાજેન્દ્રભાઈ, કાવ્યા, કામિની, કુંતલબહેન, (બેઠેલાં ડાબેથી): બીરેન, ઈશાન, ચંદ્રસિંહકાકા |
| કુકેરી ખાતે: (ઊભેલાં ડાબેથી): પ્રતિભાબહેન, માલવી, કામિની, (બેઠેલાં ડાબેથી): પરિમલભાઈ, ઈશાન, બીરેન. (તસવીર: પ્રીતિ ઐયર) |
| ઉમેદસિંહભાઈ સાથે એક નાનકડા 'વહીવટ' વિશે વાત |
Tuesday, September 8, 2026
શબ્દનાં સગાંની મુલાકાતે (1)
મનુષ્યની જેમ પુસ્તકની પણ એક નિયતિ હોય છે. એ લખાતું હોય ત્યારે જુદું હોય, પ્રકાશન થાય ત્યારે જુદું હોય, અને વાચકના હાથમાં પહોંચે ત્યારે પણ જુદું હોય. આમ તો, વાચકના હાથમાં પુસ્તક પહોંચે અને એ વાંચીને તેનો પ્રતિભાવ લેખક સુધી પહોંચે તો વર્તુળ પૂરું થયું ગણાય- એમ હોવું જોઈએ. એમ કેટલા કિસ્સામાં થાય છે એ ન જાણીએ તો 'સુહાના ભરમ' ટકી રહે.
જુલાઈ, 2010માં પ્રકાશિત થયેલું, વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મેં લખેલું પુસ્તક મને અનેક રીતે ફળ્યું. એક વાર એક ફોન આવ્યો. "હું રણછોડ શાહ બોલું છું, ભરુચથી." મેં કહ્યું, "હા, બોલો." એ પછી રણછોડભાઈ જે બોલ્યા એનું તાત્પર્ય એ કે 'મોટા'ના હાથ નીચે તેઓ ગણિત ભણ્યા હતા, પણ તેમને મોટાના આ પાસા વિશે ખ્યાલ નહોતો. હવે =ઘણાં વરસોથી ભરુચમાં એમિટી નામની એક સ્કૂલ ચલાવે છે. એ પછીના વરસે તેમણે મને એમિટી સ્કૂલમાં, બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં નિમંત્રણ આપ્યું. વક્તવ્યની મને ખાસ ફાવટ નહીં, અને એ વિકસાવવાની રુચિ પણ નહીં. એક વાર તો મને થયું કે ના પાડી દઉં. પછી બીજો વિચાર આવ્યો કે લેખક તરીકે આ અનિવાર્ય બાબત રહેશે. એમ કોને કોને હું ના પાડીશ? એટલે મેં એ આમંત્રણ સ્વીકાર્યું. એ વર્ષ લગભગ 2011નું. બસ, ત્યારથી શરૂ થયેલો રણછોડભાઈ અને એમિટી સ્કૂલ સાથેનો સંબંધ હવે એ સ્તરે પહોંચ્યો છે કે જાણે એમિટીના બૃહદ પરિવારનો હું હિસ્સો ન હોઉં. એમિટી સ્કૂલના દસ્તાવેજીકરણનું પુસ્તક 'કેળવણીના કર્મયોગો' 2023માં પ્રકાશિત થયું એ અગાઉ ચાર-પાંચ વર્ષ ચાલેલી તેની લેખનપ્રક્રિયા દરમિયાન સમગ્ર એમિટી પરિવારની વધુ નિકટ આવવાનું બન્યું.
| મોટા વિશે અને પુસ્તક વિશે વાત |
Monday, August 24, 2026
દો દિન કે લિયે 'કોઈ' ઈકરાર કર લે....સચ્ચા હી સહી
ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં 21-8-26ને શનિવારની સવારે એક વિશિષ્ટ કાર્યશાળા યોજાઈ. આ કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક મહેશભાઈ અને અંગ્રેજીનાં હેતલબહેન દવે સાથે મૂળ વાત શરૂ થયેલી વક્તવ્ય માટેના નિમંત્રણથી, પણ વિદ્યાર્થીઓને વક્તવ્યના મૂઢ મારથી અધમૂઆ શું કામ કરવા? એમ વિચારીને અમે સૌએ ભેગા મળીને એવું કંઈક આયોજન વિચાર્યું કે જેમાં તેમની સાથે વાત અને વિચારવિમર્શ કરી શકાય. એ ચર્ચાની ફલશ્રુતિ એટલે આ કાર્યશાળા. મહેશભાઈએ આ વિષયની વાત થતાં જ એનું શિર્ષક આપી દીધું: "જીવનકથા લેખન: સ્વરૂપ, કાર્યપદ્ધતિ અને વ્યાવસાયિક તકો." સમય ફાળવાયો ત્રણેક કલાકનો. આમ તો, આટલો સમય ઓછો પડે, પણ વિદ્યાર્થીઓને આટલા સમયમાં આ ક્ષેત્ર વિશે જાણકારી મળે અને તેમના મનમાં જે સવાલો જાગે એના જવાબ આપી શકાય એટલા માટે આ સમયમર્યાદા નક્કી કરી. રસ ધરાવતા, વિવિધ કોલેજોના બત્રીસેક વિદ્યાર્થીઓ આમાં ઊપસ્થિત રહેવાના હતા. મારું એક સૂચન એવું હતું કે સ્થળ એવું પસંદ કરવું કે જ્યાં વર્તુળાકારે બેસી શકાય. એટલે કોલેજની લોનમાં જ એ ગોઠવાયું. અને મોરના ટહુકાના પાર્શ્વસંગીતની સમાંતરે આ કાર્યશાળા આરંભાઈ.
| હેતલબહેન દ્વારા 'ઔપચારિક' સ્વાગત |
| વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન |
| કાર્યશાળા દરમિયાન |
Sunday, August 2, 2026
આલ્કિલેશન કેન નોટ કોન્ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!
ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.
Friday, July 31, 2026
'સૂત્રિતનું મંચન: મંચ પર ગાંધીયુગને જીવંત કરવાનો ઉપક્રમ
- રાજેશ દાણી
(વડોદરામાં વસતા મિત્ર રાજેશ દાણીના રસ બહુવિધ છે. ફોન પર કે રૂબરૂમાં અમે સમયના રેશનિંગ વિના વાતો કરી શકીએ છીએ. ઓર્ગેનિક આહાર પ્રત્યેના પોતાના પ્રેમને તેમણે વ્યવસાયમાં તબદીલ કર્યો છે, અને 'સાત્ત્વિક' નામે ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણકેન્દ્ર ચલાવે છે. જૂનાં ગીતસંગીતના પણ પ્રેમી. જો કે, તેમનો મુખ્ય રસ નાટકનો, એમાંય ભવાઈ સ્વરૂપ પ્રિય. આધુનિક યુગના વિવિધ વિષયો કે સમસ્યાઓને તેઓ ભવાઈસ્વરૂપે રજૂ કરતા રહે છે, જેનો એક આગવો ચાહકવર્ગ ઊભો થયો છે. થોડા સમય અગાઉ તેમણે 'સૂત્રિત' નામના એક નાટકનું મંચન કર્યું. આ એક વિશિષ્ટ પ્રયોગ હતો. તેની નિર્માણપ્રક્રિયાની વાત તેમના જ શબ્દોમાં.)
મુંબઈસ્થિત લેખિકા મેધા ત્રિવેદીએ 2019માં લખેલી પોતાની લઘુ નવલકથા 'સૂત્રિત' મને મોકલેલી. ગાંધીજીના ચરખા અંદોલનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તામાં મને રસ પડ્યો અને રસપૂર્વક હું એ વાંચી ગયો. વાંચીને મને વિચાર આવ્યો કે આજ કાલ વાંચનની પ્રવૃત્તિ આમેય ઘટતી ગઈ છે. આવા સંજોગોમાં સાહિત્યમાં રસ ધરાવનાર સિવાય અન્ય કોઈ સુધી આ અદ્ભુત વાર્તા શી રીતે પહોંચશે? મારો જીવ મૂળભૂત રીતે નાટકનો. તેથી વિચાર્યું કે નાટક સ્વરૂપે રજૂ કરીએ તો વધારે લોકો સુધી આ વાતને પહોંચાડી શકાય, અને વધુ અસરકારક રીતે પણ! મે મેધાબ્હેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે મારે 'સૂત્રિત'નું નાટ્યરૂપાંતર કરવું છે. મેધાબહેને પૂછ્યું, “આનું નાટ્ય રૂપાંતર શક્ય છે ખરું?" મે કહ્યું કે મને પ્રયત્ન કરવા દો.
એક દિવસ પંદરેક કલાકારોને મેં મારા ઘરે ભેગા કર્યા. એમની સમક્ષ આખી સ્ક્રીપ્ટ વાંચી. બધાને ગમી. પછી એ કલાકારોને મેં કહ્યું કે તમે ઘરે ગયા પછી શાંતિથી વિચારીને મારા વ્યક્તિગત વ્હોટ્સસેપ પર મેં પૂછેલા સવાલના જવાબ જણાવજો. મે દરેકને પૂછેલા કેટલાક સવાલ આમ હતા.
૧. આ સ્ક્રીપ્ટ તમને કેવી લાગી?
૨. તમે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકો છો?
૩. તેના પાત્રો સાથે સંબંધ સ્થાપી શકો છો?
૪. આ નાટક આપણે કરવું જોઈએ?
વ્યક્તિગત રીતે વિના સંકોચે આના જવાબ મને જણાવવા મેં કહેલું. લગભગ સૌનો રિસ્પોન્સ હકારાત્મક આવ્યો. મારું જોમ વધ્યું. થોડા દિવસ પછી ફરી એક વાર કલાકારોને ભેગા કરીને સ્ક્રીપ્ટ વાંચવાનું શરુ કર્યું. શરૂઆતમાં એક એક સીન વાંચતા ગયા. ધીમે ધીમે પાત્રો પ્રમાણે કલાકારોને ગોઠવતો ગયો. બધાં મળીને લગભગ ૩૫ પાત્ર થતા હતાં. બને ત્યાં સુધી કોઈની પાસે ડબલ રોલ કરાવવાની મારી ઈચ્છા નહોતી.
દરમ્યાન મારી ટીમમાંથી કેટલાક કલાકારોનું સૂચન આવ્યું કે આપણે આ નાટક ચિત્રલેખા/ એલએલડીસીની હરીફાઈમાં મુકીએ. કોઈ હરીફાઈમાં ઉતરવાની મારી જરાય ઈચ્છા નહોતી. પરંતુ, સામે પક્ષે દલીલ એમ હતી કે એ બહાને ચોક્કસ સમયમાં નાટક તૈયાર થઇ જાય. મને આ વાત ગળે ઊતરી અને મેં સ્પર્ધાનાં ફોર્મ મંગાવ્યા. ફોર્મ આવ્યાં એટલે એને ભરીને મોકલ્યાં. એ પછી મેં ગણતરી કરી તો મારે માટે આ નિર્માણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હતું.. પસંદ કરાયેલા નાટકોની પ્રાથમિક હરીફાઈ મુંબઈમાં હતી. આયોજક તરફથી કુલ ૨૦ કલાકારોનું ટ્રેન ભાડું અપાય. તેની સામે મારે ટેકનીકલ ટીમ સહિત લગભગ ૩૮ થી ૪૦ કલાકાર-કસબીઓને મુંબઈ લઇ જવા પડે. એનો અર્થ એ કે આશરે ૨૦ જણાનું આવવા- જવાનું ટ્રેન ભાડું મારે ખિસ્સામાંથી કાઢવું પડે. ઉપરાંત, મુંબઈ રેલ્વે સ્ટેશનથી થીયેટર ૪૦ કલાકારોને લાવવા લઇ જવાની વ્યવસ્થાનો ખર્ચ. એ સિવાય ખાવા-પીવાનો જે પણ કાઈ ખર્ચ થાય તે મારે ભાગે આવે. ગણતરી કરતા લાગ્યું કે આ ખર્ચ ઘણો મોટો છે. એના કરતાં એટલા નાણાં હું બચાવું તો એ મને વડોદરામાં આયોજન કરવામાં કામ લાગે. એટલે ફોર્મ ભર્યા પછી મનમાં થતું હતું કે પ્રાથમિક હરીફાઈ માટે અમારું નાટક પસંદ ન થાય તો સારું. નસીબે જોર કર્યું અને અમારા નાટકની પસંદગી ન થઇ. અમારા કેટલાક કલાકારોને નવાઈ લાગી, તો કેટલાકને આનંદ પણ થયો.
અમે અમારી તૈયારી ચાલુ રાખી. ધીમે ધીમે વિવિધ પાત્રો માટે કલાકારો ગોઠવાતા ગયાં. કેટલાક યુવાન કલાકારો મેળવવા માટે મિત્ર કલાપી ધોળકિયાની મદદ લીધી. તેમણે સારા એવા સંપર્કો આપ્યા. એવામાં અચાનક એક મુશ્કેલી આવી. અમે રીહર્સલ કરતાં હતાં, એ સ્થળ બાબતે કેટલાક પ્રશ્ન ઉભા થયા અને અમને ત્યાં રિહર્સલ કરવાની નમ્રતાપૂર્વક ના પાડવામાં આવી. બીજી કોઈ વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે એક અઠવાડીયા માટે કલાપીની એક જગ્યામાં રીહર્સલ કર્યાં. મારા કરતાં વધુ તો કલાકારોની ધીરજની કસોટી થતી જતી હતી. એવામાં મુખ્ય પાત્ર ભજવનાર એક સ્ત્રી કલાકારને સીરીયલમાં કામ મળ્યું, એટલે તેણે કમને મારો પ્રોજેક્ટ છોડવો પડ્યો. બીજી પસંદગીમાં મારી પત્ની જયશ્રીને લેવાનું નક્કી કર્યું. મારી પત્ની હોવાને કારણે નહિ, પરંતુ એ એક સારી કલાકાર છે અને આ પાત્રને જીવંત કરશે એવા વિશ્વાસ સાથે એની સાથે અલગ રીડીંગ શરુ કર્યું. એનાં બધા સીન મોક્ષદા સાથે હતા. મોક્ષદા વધારાના સમયમાં ઘરે આવે અને જયશ્રી સાથે રીહર્સલ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ. ઉપરાંત, મોક્ષદાએ એક વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી. દરેક કલાકારને તેમના પાત્રની સમજણ, તેમનાં દૃશ્યો, તથા આખી વાર્તામાં એ પાત્ર અને તે કલાકારનું કનેક્શન સમજાવવાનું અઘરું કામ તેણે હોંશે હોંશે ઉપાડી લીધું.
| નાટકના મંચન વખતે કલાકારોનો કાફલો |
હવે સમય હતો કે નાટક દરમિયાન કલાકારોને તેમણે ઉપયોગમાં લેવાની પ્રોપર્ટી સાથે પરિચિત કરાવવાનો. વડોદરામાં ચાલતા 'ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ'ના ખાદી ભંડારનો શ્રીમતી અરુણાબેન ચોકસી દ્વારા સંપર્ક કર્યો. ત્યાંના પ્રમુખ, સેક્રેટરી અને કર્મચારીઓનો સહકાર મળ્યો. ચરખો કેમ ચલાવવો, રૂની પૂણી, ખાદીનું કાપડ વગેરે સાથે પરિચય થયો, ઘણું જાણવા મળ્યું, અને રિહર્સલ માટે તેમજ શો માટે જરૂરી એવો ચરખો પણ એમણે આપ્યો.
| નાટકનું એક દૃશ્ય |
| વિવિધ પાત્રો અને વિવિધ વેશભૂષા |
એવામાં અનાયાસે બે કલાકાર અમારી સાથે જોડાયા. એમાંની એક તે શાલીની પટેલ : મારો એક નાટકનો મિત્ર, પ્રદીપ ગઢવી (જે છેલ્લા ચારેક વર્ષથી સંપર્કમાં નહોતો) તેનો અચાનક ફોન આવ્યો અને કહ્યું, “એક છોકરી છે, એને થોડીક પ્રાથમિક તાલીમની જરૂર છે. તો તમારી પાસે ઓળખાણ કરાવવા લઇને આવું છું." પ્રદીપ શાલિનીને મારી પાસે લઇ આવ્યો. શાલીની, ૨૨ વર્ષની ઉમર, અમેરિકામાં જન્મી અને ઉછરેલી. તેણે અમેરિકામાં ચાર વર્ષનો સાયકોલોજી અને થીયેટરનો કોર્સ કરેલો. ગુજરાતી વાંચતા, લખતા કે બોલતા જરાય ના આવડે. મારી પાસેથી તેને એ અપેક્ષા હતી કે પોતે થોડુંઘણું ગુજરાતી સમજે અને ગુજરાતી/ ભારતીય રંગભૂમિ તેમજ સંસ્કૃતિ વિષે જાણે. શાલીની મારી સાથે 'સૂત્રિત'માં જોડાઈ. મારા રિહર્સલમાં આવે, ગુજરાતી સ્ક્રીપ્ટ સમજવાનો પ્રયત્ન કરે, સમજ ન પડે તો મને પૂછે. એના પ્રશ્નો તો અઢળક. ધીમે ધીમે ગુજરાતી નાટક, તેના સંવાદો, કલાકારોના હાવભાવ સમજવા માંડી, એટલું જ નહિ પણ તેનું મૂલ્યાંકન કરીને મારી સાથે ચર્ચા કરતી થઇ ગઈ. મારી સાથે વિવાદ કરે, મજાક પણ કરે. ટૂંકમાં રીહર્સલનો તે પૂરેપૂરો આનંદ લેવા માંડી. ઉપરાંત, મે એને 'ગાંધી' ફિલ્મ બતાવી, ગાંધીજીની આત્મકથા (અંગ્રેજી) વાંચવા આપી.
| અનેક કલાકારોને સાંકળતું નાટકનું એક દૃશ્ય |
જો કે, આખરે અમારા નાટકનો શો તા. ૨૯મી માર્ચના નક્કી થયો ત્યારે તેના પિતાજીએ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની પાછા જવાની ૨૨ મી માર્ચની ટીકીટ બુક કરાવી દીધી. એટલે કે તે હવે શો દરમ્યાન અમારી સાથે ન રહી શકે. તે ખુબ દુખી થઇ. ૨૨ મીએ તે રિહર્સલમાં આવી અને બધાને મળી. બધાનું મોઢું મીઠું કરાવ્યું, સૌને ભેટી, શુભેચ્છા આપી અને અત્યંત ભારે હૈયે વિદાય લીધી. અમારા નાટકના આમંત્રણમાં સહાયક તરીકે તેનું નામ હતું, પણ એ સફળ પ્રયોગને, એ સફળતાનો આનંદ માણવા અમારી સાથે હાજર ન રહી શકી. દરેક વ્યક્તિનો પોતાનો પ્રવાસ હોય છે. કહેવાય છે કે 'People enter into our life for Reason, Season or Lifetime.'
બીજી હતી અંશુ અગ્રવાલ. એકવાર પ્રદીપ ગઢવી અમારું રીહર્સલ જોવા આવ્યો. એની સાથે એક છોકરી હતી, અંશુ, જે એની સાથે કામ કરતી હતી. એને રિહર્સલમાં મજા પડી. બીજે દિવસે પ્રદીપનો ફોન આવ્યો કે અંશુને મારી ટીમમાં જોડવાની ઈચ્છા છે. મેં કહ્યું કે આજે પણ તેને રિહર્સલમાં લઇ આવ. તેની સાથે મેં વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેને થીયેટરનો અનુભવ હતો. તેણે નાટકના સંગીત સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી.
પૂનમ મેવાડાએ મારી પરિકલ્પના મુજબ સેટ ડીઝાઈન તૈયાર કરી હતી. તેણે અર્પિત સોનીની સાથે મળીને પ્રકાશ સંયોજન અને સંચાલનની જવાબદારી ઊપાડી લીધી. પૂનમે નાટકની કેટલીક સંવેદનશીલ પળોને વધુ અસરકારક રીતે રજૂઆત કરવામાં પણ મદદ કરી.
| વિવિધ વયના કલાકારો |
આ નાટકના રીહર્સલ દરમ્યાન નવ્યા, હિમાંસી, શ્લોકા અને અર્ચિત જેવા બાળ કલાકારો રીહર્સલના સમયને વધુ રસપ્રદ બનાવી દેતા. રીહર્સલમાં કેટલાક અનુભવી કલાકારો કહેતા કે આ નાના કલાકારોનો આત્મવિશ્વાસ ગજબનો છે. મને લાગતું કે કે એ તો બરાબર, પણ એમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અત્યાર સુધી હું માનતો હતો કે બાળકો સાથે કામ કરવા હું સક્ષમ નથી. પરંતુ, આ બાળકોએ મારામાં અનેરો આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.
****
મેં જે સન્નિવેશની પરિકલ્પના કરી હતી તેમાં અનેક મોટી પાટની જરૂરીયાત પડે તેમ હતું. વડોદરામાં સેટ ભાડેથી આપનારાઓએ કહ્યું કે આવી પાટ ફરાસખાનાવાળા પાસેથી જ લાવવી પડે. અને મને યાદ આવ્યો મારો 'દિવ્ય ભાસ્કર'નો સાથી અને મારો મિત્ર અંકુર ગોર, જે હાલ 'ટ્યૂલિપ ટચ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. અંકુર ગોર લગ્નના ડેકોરેશનના કામમાં ખુબ જ કીર્તિ કમાઈ ચૂક્યો છે તેમ જ અસંખ્ય એવોર્ડ પણ તેને મળ્યા છે. તેનું પોતાનું મોટું ગોડાઉન છે અને એમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેની સાથે વાત કરતાં જ તેણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી બતાવી. મને વિચાર આવ્યો કે સ્ટેજ પર આટલા લેવલ્સ મૂકવાના હોય અને કલાકારોએ તેનો ઉપયોગ કરવાનો હોય તો રીહર્સલ દરમ્યાન પણ કેટલીક પાટ લાવવી જોઈએ. તેઓ સીધા સ્ટેજ પર જ પાટ આવે તો તેમને તકલીફ પડે. અંકુરે હા પાડી અને છેલ્લા ૧૫ દિવસ કલાકારોએ પાટ (લેવલ્સ) સાથે રીહર્સલ કર્યા. આ કવાયત ખૂબ જ કારગત નીવડી.
મને ઈચ્છા હતી કે આ નાટકમાં વિશિષ્ટ ગીત – સંગીતનો ઉપયોગ કરવામાં આવે, તો નાટક વધારે દીપી ઉઠે. આ કવાયત માટે સમય ઓછો પડે તેમ લાગ્યું. મારા વડીલમિત્ર વિહારભાઈએ નવો વિચાર આપ્યો. અને અમે મારા બીજા જીગરી મિત્ર મુકેશ ગાંધીને મળ્યા. મુકેશભાઈએ AI ની મદદથી પ્રત્યેક દૃશ્યને અનુરૂપ સંગીત તૈયાર કર્યું.
હવે, સંગીત તેમજ પ્રકાશની સાથે રિહર્સલ્સ ચાલુ થયાં. રોજ રાત્રે 12 વાગ્યા સુધી 25 થી 30 કલાકારોનો કાફલો મારી સાથે હોય, મારા ગાંડપણને વધાવવા. શોની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ મારી તેમજ કલાકારોની આતુરતા સાથે ચિંતા વધતી જાય. ક્યારેક ક્યારેક કેટલાક (નજીકના) કલાકારો સાથે ઉગ્ર ચર્ચા પણ થતી. પાછા એકબીજાને મનાવી લઇ, અમે એકમેકનો આત્મવિશ્વાસ વધારતા જતા. ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ, અમારા એક સિનિયર કલાકારનાં માતુશ્રી ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા. ઘણી અનિશ્ચિતતા હતી. એ કલાકારે મને જણાવ્યું કે ગમે ત્યારે કંઇ પણ થઈ શકે. એટલે એ પાત્રની તૈયારી મેં પોતે કરવા માંડી. એક સીનમાં એવું ગોઠવ્યું હતું કે આ કલાકારનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે અને સ્ટેજ પર પ્રવૃત્તિ હોય. અમે આ વિભાગ અમારા બંનેના અવાજમાં રેકોર્ડ કરી રાખ્યો. શો વખતે જેણે પાત્ર ભજવવાનું થાય, તેનો અવાજ વાપરવો એમ નક્કી કર્યું. જો કે, આખરે એ સિનિયર કલાકાર એ પાત્ર ભજવી શક્યા, અને તેમણે ખૂબ જ સરસ રીતે ભજવ્યું.નાટકના અપેક્ષિત પ્રેક્ષકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની વી.એન.એમ. ચેનલ તરફથી રીહર્સલની કલીપ તથા અમારો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરાયો. 'દિવ્ય ભાસ્કર'માં રીહર્સલના ફોટા સાથે આવનાર નાટકની માહિતી આપવામાં આવી. આને કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાતું ગયું.
****
આ નાટકના આયોજન દરમિયાન બીજો એક ચમત્કારિક કહી શકાય એવો અનુભવ થયો. મારે આ નાટકનો શો 22મી માર્ચના રોજ ગોઠવવાની ઈચ્છા હતી. પરંતુ, સી. સી. મહેતા ઓડીટોરીયમ એ દિવસે અગાઉથી બુક થયેલું હતું. 29 મીનું બુકિંગ કોઈ અન્ય પાર્ટી તરફથી મૌખિક રીતે કરાયેલું હતું, પણ તેણે પૈસા ભર્યા નહોતા. મેં મેડીકલ કોલેજનો હોલ બુક કરવાનું વિચાર્યું, એ પણ 22 અને 29માટે અગાઉથી બુક હતો. પછી મને સી.સી. મહેતા હોલમાંથી ફોન આવ્યો કે 29મી એ હોલ સુલભ છે. મેં તક ઝડપી લીધી અને હોલ બુક કરાવી દીધો. મનમાં થયું કે 22મી મળી હોત તો વધુ સારું થાત. પછી ખબર પડી કે મેડીકલ હોલ જેમણે 22મી મે માટે બુક કર્યો હતો તેમનું બુકિંગ બે કે ત્રણ દિવસ પહેલાં જ કેન્સલ કરવામાં આવ્યું, કારણ કે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના હતા. મને થયું કે કુદરતે મને બચાવી લીધો. મારે ત્રણ દિવસ પહેલાં હોલ કેન્સલ કરીને અન્ય વ્યવસ્થા કરવાની આવી હોત તો કેટલી અનહદ મુશ્કેલી પડત.! ( જો કે, હોલના આયોજકોને તેની કોઈ ચિંતા હોતી નથી)
****
| નાટકનું એક સંવેદનશીલ દૃશ્ય |
મને મારા વ્યક્તિગત સંબંધ દ્વારા કેટલાક શુભેચ્છકોએ આર્થિક મદદ કરી. આ એક આનંદની વાત. પરંતુ, દુઃખની વાત એ કે એ મદદ વ્યક્તિગત સંબંધને કારણે હતી, નાટ્ય પ્રવૃતિને મદદ નહોતી. કેટલાક મિત્રો શુભેચ્છકોએ નાટક જોયા પછી આર્થિક સહાય આપી. આ વાતને હું નાટકની સફળતા માનું છું. અમારાં મિત્ર અને કાયમી શુભેચ્છક શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું. અવારનવાર તેઓ મને રિહર્સલના સમાચાર પણ પૂછતા રહેતાં.
છેલ્લા બે દિવસમાં મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધી ગયો.
****
આખરે શોનો દિવસ આવ્યો. મેધાબહેન અને તેમના પતિ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી મુંબઈથી ખાસ નાટક જોવા આવ્યા હતા. મેધાબહેનના ચાર મિત્રો પોતાના કુટુંબ સાથે અમદાવાદથી આવ્યા હતા. મેધાબહેન અને ગોપાલભાઈએ નાટક પૂરું થયા પછી, નાટકના તમામ કલાકારો, અને વિશિષ્ટ આમંત્રિતો (કુલ 60 વ્યક્તિ) માટેનો ભોજનખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.
નાટક શરૂ થયું. કલાકારો ગજબના આત્મવિશ્વાસથી અભીનય કરી રહ્યા હતા. પ્રેક્ષકો પુરા રસપૂર્વક નાટક માણી રહ્યા હતા. બે અંકમાં વહેચાયેલું નાટક 20 કરતાં વધારે દૃશ્યોમાં ભજવાઈ રહ્યું હતું. પ્રેક્ષકો દરેક દૃશ્ય પછી કલાકારોને તાળીઓથી વધાવી, પછીના દૃશ્યની આતુરતાપૂર્વક રાહ જોતા. આખરે બીજા અંક પછી જ્યારે પડદો પડ્યો, કલાકારોની ઓળખાણ આપવા કર્ટન કોલ સમયે પ્રેક્ષકોએ સૌને તાળીઓથી વધાવી લીધા. વિવિધ લોકોએ આવા વિષયની પસંદગીને દાદ આપી, કેટલાક નાટકના જાણકારોએ ભજવણીને દાદ આપી.
| (ઊભેલાં - ડાબેથી) યતીન ત્રિપાઠી, નિક અયલાની , શ્લોક શાહ, નિત્ય વકીલ, તેજસ ત્રિવેદી, વિદ્યા પરમાર, રાજેશ દાણી મોક્ષદા દેસાઈ, જયશ્રી દાણી, ઉર્વશી નાયક, શેફાલી ત્રિપાઠી, રૂપા લખલાણી, નેહા ડાભી, માનસી ઝાલા, (બેઠેલા) ધવલ પટેલીયા, હિમાંસી ઝાલા, હર્ષલ કાતરિયા, હિમાક્ષી પીઠડીયા, શ્લોકા ત્રિવેદી, ભવ્યા પંચાલ, પ્રવિણ કાળે, વિરેન્દ્ર રાવલ, અલભ્યા ત્રિપાઠી, અર્ચિત રાજદેવ, આ ઊપરાંત તસવીરમાં નથી એવા- અખિલેશ નાણાવટી, જલ્પેશ પાઠક, નિત્ય પાઠક , કેશા શાહ, ક્ષિતિજ સુપેકર, ધર્મિલ , |