Monday, September 11, 2023

હિન્દી સાહિત્ય વિષે વાતચીત: જો ડૂબા સો પાર

"તમે અમારા વિદ્યાર્થીઓ સમક્ષ 'રાગ દરબારી' વિશે વાત કરવા આવો ને!" ગુતાલ માધ્યમિક શાળાના સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે દ્વારા થોડા દિવસો અગાઉ આવું સૂચન થયું. મેં કહ્યું, "રાગ દરબારી' વિશે વાત કરવાની મને મઝા જ આવે, પણ તમારે ત્યાંના છોકરાંને હું અત્યારે એના વિશે કહેવા નથી માંગતો. કેમ કે, એમાં છેવટે સૂર નિરાશાનો છે." આમ કહીને મેં પૂછ્યું, "તમે શા માટે 'રાગ દરબારી' વિશે વાત થાય એમ ઈચ્છો છો?" પારસે કહ્યું, "મુખ્ય આશય વિદ્યાર્થીઓને હિન્દી સાહિત્યથી અવગત કરાવવાનો છે." "તો પછી એમ જ કરીએ ને!" મેં કહ્યું. આમ, આવો એક કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. એ ક્યારે ગોઠવવો એ તેમણે જોવાનું હતું, પણ આ વખતે એક ફરક હતો. અત્યાર સુધી ગુતાલની આ શાળામાં મેં કાર્ટૂન વિશેના ત્રણ કાર્યક્રમ કર્યા છે. (કાર્ટૂન શી રીતે માણવા, વ્યંગ્યચિત્રોમાં ગાંધી અને કાર્ટૂન શિબિર) અહીંનો વિદ્યાર્થી સમુદાય એકદમ સજ્જ અને સંવેદનશીલ છે. ભાઈ પારસે આ તમામ વિદ્યાર્થીઓમાંથી ત્રીસેકને અલગ તારવીને એમના માટે વધુ સઘન કામ કરવાનું વિચાર્યું છે. આથી આ કાર્યક્રમ મારે એ ત્રીસ વિદ્યાર્થીઓ માટે કરવાનો હતો. અહીં મોટી નિરાંત એ કે કાર્યક્રમનું માળખું આપણે જ નક્કી કરવાનું હોય. એ શી રીતે કરવું એની ઝંઝટમાં પડવાને બદલે નક્કી કર્યું કે હિન્દી સાહિત્ય વિશે અલકમલકની વાતો કરીશું. મેં કહ્યું, "પણ મારીય એક અપેક્ષા છે. આવનાર દરેક વિદ્યાર્થી એક એક હિન્દી/ઉર્દૂ સર્જકનું નામ લખી લાવે અને કોઈ એક કૃતિનું નામ પણ. અને જે એ ન લાવી શકે એ એમ કહે કે પોતે નથી લાવ્યો.'

કાર્યક્રમ રજાના દિવસે હતો. છતાં તમામ વિદ્યાર્થીઓ આવ્યા હતા. અમે વર્તુળ બનાવીને બેસવાનું જ નક્કી કર્યું, જેથી સ્વરૂપ અનૌપચારિક અને વાતચીતનું જળવાઈ રહે, તેમજ બોલનાર, સાંભળનાર સૌ પરિઘમાં રહે અને કેન્દ્રમાં મુખ્ય વિષય જ રહે. ગુજરાતી ખંડમાં વિવિધ ગુજરાતી સર્જકોના ચિત્રો અને પંક્તિઓ જોવા મળતા હતા. તેને કારણે આ સૌની છત્રછાયામાં બેસવાની અનુભૂતિ થતી હતી.


બહેન વૈશાલીએ એના મીઠા અને હલકદાર કંઠે 'વૈષ્ણવજન તો..' ગાયું એ કાર્યક્રમનો આરંભ. તેના સ્વરની મધુરતા અને જે રીતે એ પંક્તિને છોડે છે એની નાનકડી ઝલક સાવ ટૂંકી વિડીયો ક્લીપમાં ખાસ સાંભળવા અનુરોધ.


એ પછી વર્તુળમાં બેઠેલા વિદ્યાર્થીઓ વારાફરતી એક એક સર્જકનું નામ અને કૃતિનું નામ બોલતા ગયા. એમાં અમીર ખુસરો, તુલસીદાસ, કબીર, રહીમથી લઈને હરિવંશરાય બચ્ચન, 'નિરાલા', 'દિનકર' જેવાં નામો સાંભળીને સુખદ આશ્ચર્ય થયું.
આ રાઉન્ડ પત્યા પછી વાત શરૂ થઈ. હિન્દવી, હિન્દુસ્તાનીથી શરૂ કરીને કેવી કેવી બોલીઓ તેમાં ભળતી ગઈ, અને એને કારણે કેવું કેવું સાહિત્ય સર્જાતું ગયું એની વાત સહજપણે નીકળતી ગઈ. વિદ્યાર્થીઓ સુધી એ બરાબર પહોંચી રહી હોવાનું અનુભવાઈ રહ્યું હતું. વચ્ચે વચ્ચે પારસ પણ પોતાના વિદ્યાર્થીઓની ચકાસણી કરી રહ્યા હતા.


કૃષ્ણ ચન્દરની 'એક ગધે કી આત્મકથા'માં ગધેડો પોતાનો પરિચય આપે છે એ ફકરાનું પઠન કર્યા પછી એમાં કેવો રાજકીય વ્યંગ્ય છે એની વાત થઈ. અમીર ખુસરોની રચના પણ આવી અને બચ્ચનની 'મધુશાલા'ની અમુક પંક્તિઓ પણ. વાજિદ અલી શાહની રચના 'બાબુલ મોરા નૈહર છૂટ હી જાય'ને યાદ કરી. ભગવતીચરણ વર્માની 'ચિત્રલેખા'- તેની પરથી બનેલી બે ફિલ્મ, હરિવંશરાય બચ્ચનની ચાર ભાગની આત્મકથા, કૃષ્ણ ચન્દરની 'બોરબોન ક્લબ' જેવી કૃતિઓ ઉપરાંત હિન્દી હાસ્ય કવિતાઓના પ્રકાર વિશે વાત થઈ. હિન્દી/ઉર્દૂ શબ્દો શીખવા માટે ફિલ્મનાં ગીતોનું માધ્યમ કેવું અસરકારક છે એ પણ આવ્યું.


આવી ને આવી વાતોમાં બે કલાક ક્યાં પસાર થઈ ગયા એની સરત ન રહી. વાતના સમાપનમાં કાકા હાથરસીનો પરિચય આપ્યો અને એમના સંગ્રહમાંથી કોઈ પણ એક પાનું ખોલીને જે નીકળી એ હાસ્યકવિતાના પઠન સાથે કાર્યક્રમ પૂરો કર્યો.
વિદ્યાર્થીઓ સાથે આ રીતે સંવાદ સધાય ત્યારે ઘણું શીખવા મળે છે. આ અવસ્થાની તેમની મનોભૂમિ કશુંક ઝીલવા માટે તત્પર હોય છે. એવે વખતે તેમાં શું રોપવું એ વક્તાની જવાબદારી પણ છે અને નિસ્બત પણ. 'આ તો તમને નહીં ખબર હોય!', 'આના માટે તમે બહુ નાના છો!'ના અભિગમને બદલે તેમને યોગ્ય દિશા ચીંધવી એ મહત્ત્વની બાબત છે. આથી જ આવા સ્થાનોએ વક્તવ્યને બદલે સંવાદ વધુ અસરકારક બની રહે છે.
આપણી આભાસી વિદ્વત્તાથી સામેવાળાને આંજવાને બદલે તેમની ભૂમિકાએ જઈને સંવાદ સાધવાનો પ્રયત્ન હંમેશાં ફળદાયી બની રહે છે. આવા શિક્ષક અને આવા વિદ્યાર્થીઓ હોય ત્યારે તો ખાસ. આવી તક મળે છે એનો આનંદ છે, પારસ જેવા શિક્ષકો આવી તક ઊભી કરતા રહે છે એ બદલ તેમને ખાસ અભિનંદન.

(તસવીર સૌજન્ય: પારસ દવે)

No comments:

Post a Comment