Monday, October 9, 2023

જીવન જીવવા માટે છે, નહીં કે ટૂંકાવવા માટે!

 

- વી. શાંતારામ
નવાં ચિત્રપટોનું નિર્માણ જ મારું કામ છે! આ કામ જ જીવન છે! એને યથાર્થમાં જીવવું જોઈએ! મારું ચિંતન કંઈક આ રીતે પરિપક્વ થતું જતું હતું.
અને એ સમયે નિરાશાવાદને ઉજાગર કરતી એક ફિલ્મ 'દેવદાસ' લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી હતી. કલકત્તાની 'ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક પ્રમથેશ બરૂઆ હતા. એક ફિલ્મ તરીકે એ બહુ સુંદર હતી. તેમાં સાયગલે ગાયેલું એક ગીત 'દુ:ખ કે અબ દિન બીતત નાહી' અતિ સુંદર હતું. આજે પણ એ ગીત મને બહુ ગમે છે. પણ આ નિરાશાવાદી ફિલ્મ યુવા પેઢીના મનમાં એક જાતની હતાશા પેદા કરી રહી હતી. દેવદાસ શરાબનો હેવાયો બની જાય છે, વેશ્યાને ત્યાં જવા લાગે છે અને આખરે પ્રેમને ખાતર પોતાની જાતને શરાબમાં ડૂબાડી દે છે. એમાં જ એનો અંત આવી જાય છે. આ ફિલ્મ જોતી વખતે યુવાનો રડવા લાગતા. ખરેખરા પ્રેમ માટે મરી પડવું જોઈએ, આત્મહત્યા પણ કરવી જોઈએ- આવો ખોખલો આદર્શવાદ તરુણ પેઢીના મન પર હાવી થઈ રહ્યો હતો. પણ આપણા સમાજને આવા હતાશ, નિષ્ક્રીય તરુણોની આવશ્યકતા ન હતી. એને જરૂર હતી એવા યુવાઓ, જે દુ:ખમાં પણ રસ્તો કાઢીને બહાદુરની જેમ જીવનની કઠિન રાહ પર પણ ઉમંગ અને ઉલ્લાસથી આગળ વધે. પ્રેમની વિફળતાને કારણે દુ:ખી થઈને મરી જવાનું નામ જીવન નથી. જીવન તો એને કહેવાય કે જે પોતાના પ્રેમની સ્મૃતિને હૃદયમાં જાળવીને જીવનપર્યંત કર્તવ્ય બજાવે. યુવકોને આ નિષ્કર્ષ પર પહોંચાડવા માટે મેં ધ્યેયવાદી અને આશાવાદી ફિલ્મ બનાવવાનો નિર્ધાર કર્યો. 'દેવદાસ'ને કારણે નિરાશાવાદની જે લહેર પ્રસરેલી એને અટકાવવી સમાજહિત માટે નિતાંત આવશ્યક હતી.
આ વિચાર થકી મેં મારા સહાયક ભાસ્કરરાવ એમેમ્બલને મારી કલ્પના જણાવી અને એને આધારે એક વાર્તાની રૂપરેખા તૈયાર કરવા કહ્યું. એ રૂપરેખા અનુસાર નવી ફિલ્મની અમારી કલ્પના ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ. 'દેવદાસ'ની મૂળ કથા સુપ્રસિદ્ધ બંગાળી લેખક શરદચંદ્ર ચેટર્જીની હતી. એ અતિ સશક્ત કલમના માલિક હતા. એમના નિરાશાવાદી ચિંતનને બરાબર જવાબ આપતી વાર્તા તૈયાર કરવાનો પડકાર મેં જાતે જ પહેલ કરીને ઊપાડ્યો.
સ્પષ્ટ છે કે માત્ર સુભાષિતો અને રૂઢિપયોગોથી ભરપૂર સંવાદો આવો પ્રભાવ ન ઊભો કરી શકે. વાર્તા એવા લોકોની હોવી જોઈએ કે જે સાવ સાદું અને સામાન્ય જીવન જીવતા હોય. જે લોકો નાના હોય એમનાં સુખદુ:ખ પણ સામાન્ય હોય. ભય, સાહસ, ગુણ, દોષ વગેરેને કારણે જ એ લોકો 'આદમી' કહેવાય છે. અને આદમી લાગે પણ છે. અમારો પ્રયાસ હતો કે એમના જીવન પર આધારિત વાર્તા હોય. આમ, જાણ્યેઅજાણ્યે નવી ફિલ્મનું નામ 'આદમી' નક્કી થઈ ગયું.


(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: 'દેવદાસ' (1935)ના જવાબરૂપે તૈયાર કરાયેલી ફિલ્મ 'આદમી'ના પોસ્ટરમાં જ લખાયું હતું 'Life is for living.'

No comments:

Post a Comment