Showing posts with label ડૉ. દક્ષાબહેન વ્યાસ. Show all posts
Showing posts with label ડૉ. દક્ષાબહેન વ્યાસ. Show all posts

Saturday, May 27, 2023

સાંધ્યગોષ્ઠિ

કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય.  મને મળેલું એક પુસ્તક જોતાં જ આવા વિચાર આવ્યા. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પુસ્તકમાં છે.

વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.
ડૉ. દક્ષાબહેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.
વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.
આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 
બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનભાઈ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.
'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.
મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.