Showing posts with label ગાયક. Show all posts
Showing posts with label ગાયક. Show all posts

Friday, April 14, 2023

આ કે ફિર ના જાના રે.....

સ્વપ્રસિદ્ધિના આ ઘોર યુગમાં એવા કલાકારોની કલ્પના કરવી અશક્ય લાગે કે જેઓ ખરેખરાં પ્રતિભાશાળી અને પોતાની કારકિર્દીની ટોચે હોવા છતાં પ્રયત્નપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહ્યાં હોય. ખ્યાતનામ ભજનગાયિકા જુથિકા રોયને આ શ્રેણીમાં મૂકી શકાય. એ ઉપરાંત આવાં બીજાં ગાયિકા એટલે શમશાદ બેગમ.

1940થી 1965નો સમયગાળો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ કહી શકાય. એ પછી પણ તેઓ સક્રિય રહેલાં. અનેક અદ્‍ભુત ગીતો પોતાની આગવી શૈલીએ ગાનાર આ ગાયિકાના અવાજની ધાર એટલી તીક્ષ્ણ છે કે એ કોઈ રમતિયાળ ગીત ગાય તો એમાં એમનો અંદાજ એકદમ નિરાળો હોય, પણ દર્દીલું ગીત ગાય તો રીતસર બરછીની જેમ એમનો અવાજ કાનની અને હૃદયની આરપાર નીકળી જાય. 1965 પછી ધીમે ધીમે તેમણે ગાવાનું ઓછું કર્યું, પણ કારકિર્દીની ટોચે હતાં ત્યારેય તેમની એકાદી તસવીર ભાગ્યે જ જોવા મળતી, અને ઇન્‍ટરવ્યૂ તો લગભગ નહીં. યોગ્ય સમયે ગાયનક્ષેત્રથી દૂર થઈ ગયા પછી તેમના વિશે ભાગ્યે જ કશું સાંભળવા મળતું. આમ છતાં, તેમના કંઠના ઘરેડ ચાહકોને તેમનાં ગીતો વ્યાકુળ કરી મૂકતાં. એક તબક્કો એવો આવ્યો કે તેઓ હયાત છે કે કેમ એ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું. પ્રસારમાધ્યમોમાં ન ચમકવાને કારણે એમ મનાતું કે હવે તેઓ વિદેહ થઈ ચૂક્યાં હશે. એવે સમયે રજનીકુમાર પંડ્યા તેમને તેમના મુમ્બઈના નિવાસસ્થાને મળ્યા. એ મુલાકાતનો હૃદયંગમ અહેવાલ તેમણે 'જન્મભૂમિ- પ્રવાસી'ની પોતાની કટાર 'શબ્દવેધ'માં આલેખ્યો ત્યારે એ ગાયિકા હજી હયાત છે એની જાણ થઈ. અલબત્ત, રજનીકુમારનો એ લેખ બહુ વિષાદપ્રેરક હતો. શમશાદ બેગમના અંગત જીવનની અને વ્યક્તિગત કારુણી એમાં છલકતી હતી. હું અને ઉર્વીશ આ જ અરસામાં રજનીકુમારના સંપર્કમાં આવેલા. સાથોસાથ અમે મુમ્બઈ જઈને જૂની ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને મળવા જવાનું વિચારતા હતા. રજનીકુમારની એક મુલાકાત દરમિયાન તેમણે અમને પોતે લીધેલી શમશાદ બેગમની એક તસવીર ભેટ આપી. એ સાથે જ અમને થયું કે બસ, ગમે એ થાય, શમશાદ બેગમને મળવું. મળીને શું કરીશું? કશું નહીં. બસ, એમનાં દર્શન થાય તો ઘણું. અમારે એમને કશું પૂછવું નહોતું કે નહોતું કશું જાણવું. બસ, તેમના દર્શન કરીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી. તેમનું સરનામું અમારી પાસે હતું એટલે મુમ્બઈની એક મુલાકાત દરમિયાન સાંજના સમયે અમે કોલાબામાં આવેલા તેમના એપાર્ટમેન્‍ટના ફ્લેટ પર પહોંચ્યાં. ડોરબેલ વગાડ્યો. મુમ્બઈના ફ્લેટની શૈલી અનુસાર ગ્રીલની પાછળ રહેલા બારણાની ડોકાબારી સરકી અને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, 'કૌન હૈ?' હું અને ઉર્વીશ આ સવાલનો જવાબ તરત નહોતા આપી શકતા, કેમ કે, શું કહેવું? અમે કહ્યું કે અમે શમશાદ બેગમના ચાહક છીએ અને એમને મળવા.... હજી આટલું કહીએ ત્યાં તો અંદરથી કડક અવાજમાં બોલાયું, 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી. આપ જાઈએ!' અને 'ધડામ!' દઈને ડોકાબારી બંધ. કલાકાર સાથે મુલાકાત ન થઈ શકે એવું અમને અપેક્ષિત હતું, પણ 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી' જેવું વાક્ય સાંભળવું અમારા માટે આકરું હતું. અમે નીચે ઉતરીને એક જગ્યાએ ઉભા રહ્યા. અમારો ગુસ્સો વ્યક્ત કર્યો, જેનો ભાવ હતો, 'ભલે ના પાડો, પણ સરખી રીતે ના નથી પડાતી?' બે-પાંચ મિનીટ પછી અમારો ગુસ્સો અને અપમાનબોધ ઓછો થયો એટલે અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમાં તારણ એ નીકળ્યું કે ગુસ્સામાં જે બહેન બોલેલાં એ એમની દીકરી ઉષા હોવાં જોઈએ, કેમ કે, એમનો અવાજ પણ શમશાદ બેગમના જેવો જ લાગતો હતો. આ તારણ પછી અમે કંઈક સ્વસ્થ થયા અને એટલું તો લાગ્યું કે અમે ખોટે ઠેકાણે નહોતા આવ્યા. પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે ધારી લીધું કે બસ, હવે શમશાદ બેગમને મળવાનું ભૂલી જઈએ!
પણ એમ આપણું ધારેલું ઓછું થાય છે! એ પછી વરસો વીત્યાં. ઉર્વીશ અને હું લેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યા. રજનીકુમારના સ્વજન સમા બન્યા. અમારું વર્તુળ પણ વિસ્તર્યું. એવે વખતે 2010માં અમદાવાદની 'ગ્રામોફોન ક્લબ'માં શમશાદ બેગમનું આગમન નક્કી થયું. આ ગોઠવણ પણ રજનીકુમાર દ્વારા જ કરવામાં આવેલી. 'ગ્રામોફોન ક્લબ'ના મહેશભાઈ શાહ, મિલન જોશી જેવા પ્રિય સ્વજનો પોતાને ત્યાં આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગલા દિવસે ભોજન યોજે છે. તેમણે અમને એમાં આમંત્રિત કર્યા. ઉર્વીશ અને હું તો બરાબર, પણ કામિની, શચિ, ઈશાન, સોનલ અને આસ્થા પણ એમાં સામેલ હતાં. જે શમશાદ બેગમને ઘેરથી અમને તગેડવામાં આવેલા એ શમશાદ બેગમ અમારી સામે જ વ્હીલચેરમાં હાજર હતાં. અમે સૌએ તેમની સાથે યાદગીરીરૂપે તસવીરો લીધી. પણ રજનીકુમારના મનમાં એ વાત સતત ખટકતી હતી કે અમે શમશાદ બેગમને મળી નહોતા શક્યા. શમશાદ બેગમની સાથે તેમના જમાઈ કર્નલ રાત્રા આવેલા. રજનીકુમારે કર્નલને વિનંતી કરીને બીજા દિવસે સવારે એમની હોટેલ પર અમારી મુલાકાત ગોઠવી આપી. આ શુભ પ્રસંગના સાક્ષી બનવા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. અમે એવી ધારણા બાંધેલી કે શમશાદ બેગમને હવે ભાગ્યે જ કશું યાદ હશે. અને કદાચ યાદ હોય તો પણ એ અમને જવાબ આપે કે કેમ! આમ છતાં, અમે ગૃહકાર્ય તરીકે આઠ-દસ સવાલ એક ચબરખીમાં લખી રાખેલા. બસ, એના જવાબ મળી જાય તો ગંગા નાહ્યા!
બીજા દિવસે અમે સૌ સમયસર શમશાદ બેગમના હોટેલના ઉતારે પહોંચ્યા. કર્નલે અમને આવકાર્યા અને એક ખૂણે બેઠેલાં શમશાદ બેગમ તરફ આંગળી ચીંધી. રજનીકુમાર કર્નલ સાથે વાતોમાં રોકાયા અને તેમણે અમને બન્નેને શમશાદ બેગમને મળવાની મોકળાશ કરી આપી. સવાલ ઉર્વીશે પૂછવાના હતા, અને મારે હાથમાં સ્થિર પકડી રાખેલા કેમેરામાં એનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. કેમેરા જોઈને કર્નલ ભડક્યા અને એમણે રેકોર્ડિંગની ના પાડી, એટલે મેં એક વાર કેમેરા બંધ કર્યો અને પછી ફરી ચાલુ કર્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે શમશાદ બેગમની સ્મૃતિ ટકોરાબંધ હતી. અમારા એકે એક સવાલના જવાબ તેઓ મોજથી આપતા હતા. વીસ-પચીસ મિનીટમાં આ વાર્તાલાપ પૂરો થયો અને અમે ખરા અર્થમાં 'ઘેર બેઠે ગંગા નાહ્યા'નું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એમ લાગ્યું.
શમશાદ બેગમ હવે તો હયાત નથી, પણ 14 એપ્રિલના રોજ તેમની જન્મતિથિ છે. શમશાદ બેગમની એ મુલાકાત સાથે જ રજનીકુમારની અમારા માટેની નિસ્બત પણ અભિન્ન રીતે સંકળાયેલી છે.
શમશાદ બેગમનાં ગીતોને યાદ કરવા ક્યાં કોઈ દિનવિશેષની જરૂર છે! અમારી એ મુલાકાતનો અહેવાલ ઉર્વીશના બ્લૉગ પર અહીં વાંચી શકાશે .

Saturday, June 18, 2022

વો હમેં તડપા રહે હૈં

ત્રીસી, ચાલીસી અને પચાસના દાયકામાં બિનફિલ્મી ગીતોનું આગવું મહત્ત્વ હતું. ફિલ્મો માટે ગાતા ગાયકો પણ બિનફિલ્મી ગીતો ગાતાં. હેમંતકુમાર, મન્નાડે, રફી, ચીતલકર જેવા ગાયકોનાં ફિલ્મી ઉપરાંત બિનફિલ્મી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. તો જગમોહન 'સૂરસાગર', જ્યુથિકા રોય જેવા ગાયકોની મુખ્ય લોકપ્રિયતા તેમનાં બિનફિલ્મી ગીતોને કારણે હતી.

બિનફિલ્મી ગીતો ગાનાર આવા જ એક ગાયક હતા વિદ્યાનાથ શેઠ, જે 'વી.એન.સેઠ' તરીકે પ્રસિદ્ધ હતા. મુખ્યત્વે પંજાબી ગીતો માટે જાણીતા વી.એન.સેઠે હિન્દી-ઉર્દૂની કેટલીક યાદગાર ગઝલો અને ગીતો ગાયાં છે.

'વો હમેં તડપા રહે હૈં ક્યા કરેં', 'ચદરીયા ઝીની રે ઝીની', 'આતા હૈ જબ બહાર પે મૌસમ શબાબ કા', 'સજની, ક્યું પ્યાર જગાયા થા', 'મૈં લગી દીલ કી બુઝા લૂં તો ચલે જાઈયેગા', 'આંખોં કો અશ્કબાર કિયે જા રહા હૂં મૈં' જેવાં અનેક ગીતો થકી તેમનો અવાજ સંગીતપ્રેમીઓના દિલમાં ગૂંજતો રહ્યો છે.
'રુપ રેખા' (૧૯૪૮)માં તેમણે પાંચ ગીતો પણ ગાયાં હતાં, જેમાંનાં અમુક તેમણે પોતે સ્વરબદ્ધ કર્યાં હતાં, તો અમુક સંગીતકાર રવિ રાય ચૌધરી તથા પં. અમરનાથે.
સંગીતપ્રેમીઓ માટે તદ્દન ગુમનામીમાં જીવતા આ ગાયકનો પત્તો કાનપુરના હરમંદીરસીંઘ 'હમરાઝે' 2011-12ની આસપાસ મેળવ્યો હતો, અને તેમની વિસ્તૃત મુલાકાત પોતાના ત્રિમાસિક 'લીસ્નર્સ બુલેટીન'માં પ્રકાશિત કરી હતી.
૧૮ જૂન, ૨૦૧૫ના રોજ તેમનું અવસાન દિલ્હી ખાતે, ૧૦૦ વર્ષની પાકટ વયે થયું. ટેકનોલોજી યુગની કમાલ એ છે કે જે ગાયકનાં ગીતો અતિ દુર્લભ મનાતા હતા, એમાંનાં ઘણા ગીતો આજે સહેલાઈથી યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
તેમનું અતિ જાણીતું ગીત 'મન ફુલા ફુલા ફિરે જગત મેં' સાંભળીને તેમની સ્મૃતિને તાજી કરીએ.

(નોંધ: આ પોસ્ટમાં લાલ અક્ષરઅ લખાણ પર ક્લીક કરવાથી એ ગીત સાંભળી શકાશે. 

Saturday, June 4, 2022

દુનિયા મેં પ્યાર કી એક હૈ બોલી

એસ.પી.બાલાસુબ્રમણ્યમનો પરિચય બિનદક્ષિણ ભારતીય શ્રોતાઓને 'એક દૂજે કે લિયે' થકી પહેલવહેલો થયો. કમલ હાસનના સ્વર તરીકે તેમની ઓળખ બની. એ પછી કમલ હાસનની જે થોડીઘણી હિન્દી ફિલ્મો આવી તેમાં 'એસ.પી.બી.'નો સ્વર તેમના માટે ઉપયોગમાં લેવાયો. 'મૈંને પ્યાર કિયા'થી તે સલમાન ખાનનો અવાજ બન્યા.

4 જૂન, 1946ના રોજ જન્મેલા એસ.પી.બી.એ પોતાની કારકિર્દીનું પહેલવહેલું ગીત 15 ડિસેમ્બર, 1966ના રોજ રેકોર્ડ કર્યું. ઉપલબ્ધ માહિતી અનુસાર, તેમણે કુલ 16 ભાષામાં ગીતો ગાયાં અને 25 સપ્ટેમ્બર, 2020ના રોજ થયેલા તેમના મૃત્યુ સુધીમાં તેમના દ્વારા ગવાયેલાં ગીતોની કુલ સંખ્યા 40,000 થી વધુ જણાવવામાં આવે છે.

એસ.પી.બી. જેવા ગાયકની મહાનતા તેમની ગાયકી થકી છે અને એમ જ હોવું જોઈએ, છતાં તેમનાં ગીતોની સંખ્યાને મોટે ભાગે આગળ કરવામાં આવી રહી છે. આથી કેવળ સામાન્ય ગણતરી કરીએ.

એક જાડા અંદાજ અનુસાર, એસ.પી.બી.ની કારકિર્દીનાં કુલ વર્ષ 1966થી 2020 એટલે કે 54 થાય. એક વર્ષના 365 દિવસ લેખે 50 વર્ષના એટલે કે કારકિર્દીના કુલ દિવસની સંખ્યા 54 X 365 = 19, 710 થાય. આનો અર્થ એ કે 1966થી 2020 સુધીના દિવસોએ તેમણે સરેરાશ એક દિવસ દીઠ 2.02 ગીત, એક પણ રજા પાડ્યા વિના, ગાયેલાં હોવાં જોઈએ. આમાં 1966 અને 2020ના વર્ષને આખાં ગણ્યાં છે.

એ પણ ખરું કે એક જ દિવસમાં સૌથી વધુ, એટલે કે 21 ગીત રેકર્ડ કરવાનો વિક્રમ તેમને નામે છે. ઉપરાંત આનંદ-મિલિંદ માટે એક જ દિવસમાં 15 થી 20 ગીતો રેકોર્ડ કરતા હોવાનું તેમણે એક ઈન્ટરવ્યૂમાંં જણાવ્યું હતું. આવા કિસ્સા અપવાદરૂપ હોય. એ કંઈ રોજના દસ ગીતો રેકોર્ડ ન કરતા હોય.

આથી તેમણે 40,000થી વધુ ગીતો ગાયાં હોય એ દાવો શંકાસ્પદ છે. આ અગાઉ લતા મંગેશકરના નામે આવો દાવો 25,000 ગીતોનો હતો, જેને 'ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં પણ પ્રવેશ મળ્યો હતો. એ પછી, જો કે, 'ગિનેસ'માંની ભૂલ સુધારી લેવામાં આવી હતી. અને આશા ભોંસલેને, સૌથી વધુ, અગિયારેક હજાર ગીતો ગાવા બદલ એ સ્થાન મળ્યું હતું.

મુદ્દો એટલો જ કે એસ.પી.બી.એ ચાલીસ હજાર ગીતો ગાયાં હોય કે ચાલીસ, તેમનો સ્વર બેમિસાલ હતો. કમનસીબે હિન્દી ફિલ્મોમાં તેમની ગાયનપ્રતિભાનો ઉપયોગ જોઈએ એવો થઈ શક્યો નહીં. (આ સાવ અંગત મત છે.)

જરા વિચારી જુઓ કે, એસ.પી.બી.એ 'ચુનરી સંભાલ ગોરી, 'યે શામ મસ્તાની', 'આજા આજા મૈં હૂં પ્યાર તેરા', 'તેરે બીના જિંદગી સે શિકવા', 'નામ ગુમ જાયેગા' જેવાં ગીતો એસ.પી.બી.એ ગાયાં હોત તો?

વિચારવાની જરૂર નથી. આ લીન્કમાં હૈદરાબાદ ખાતે યોજાયેલા રાહુલ દેવ બર્મનને અંજલિ આપતા એક કાર્યક્રમમાં એસ.પી.બી.એ ગાયેલાં આ ગીતો સાંભળી લો.

આ કાર્યક્રમ બે ભાગમાં છે. પહેલા ભાગની લીન્ક:



બીજા ભાગની લીન્ક:

Wednesday, January 18, 2017

મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ


મહાનતા કદી આંકડાઓની મોહતાજ નથી હોતી. લતા મંગેશકર, આશા ભોસલે, મહમદ રફી, મુકેશ, હેમંતકુમાર  કે એ શ્રેણીના અન્ય ગાયકોએ કુલ કેટલાં ગીતો ગાયાં એ આંકડાશાસ્ત્રની રીતે મહત્ત્વની, પણ તેમની ગાયકીને માણવાની રીતે સાવ ગૌણ બાબત છે.
આજકાલ ફેસબુક કે વોટ્સેપ પરનાં વિવિધ જૂથોમાં એક ગાયકને બીજા કરતાં ચડીયાતા બતાવતી ચેષ્ટાઓ જોશભેર ચાલી રહી છે. સમય પસાર કરવા માટે આ બધું ઠીક છે, પણ સરવાળે એ પાણી વલોવવા જેવી વાત છે. એક હકીકત કોઈ પણ ગાયકના ચાહકે સ્વીકારવી રહી અને એ સ્વીકારવા માટે તેણે ચાહક મટીને કેવળ સુજ્ઞ શ્રોતા બનવું રહ્યું. તે એ કે પ્રત્યેક ગાયક છેવટે માણસ છે, અને તેના કંઠને ઉંમરસહજ ઘસારો લાગતો હોય છે. આ હકીકત ઉપર ઉલ્લેખ્યાં તેના સહિત એકે એક કળાકારને લાગુ પડતી હોય છે. આ હકીકત એવા કલાકારને જ લાગુ ન પડે જે વેળાસર ગાયકી છોડી દે, કાં તેનું વહેલું અવસાન થાય.
કુંદનલાલ સાયગલને આ બાબત બરાબર લાગુ પડે છે. માંડ 43 વર્ષનું આયુષ્ય (1904-1947). કલાકાર તરીકે સોળેક વર્ષની (1930-31થી 1946) અને ગાયક તરીકે સાવ તેર વર્ષની (1933-1946)કુલ કારકિર્દી. ગાયેલાં કુલ ગીતોની સંખ્યા માત્ર 185, જેમાંથી ફિલ્મી ગીત 142 (110 હિન્દી + 30 બાંગ્લા + 2 તમિલ) અને 43 ગૈરફિલ્મી ગીત (37 હિન્‍દી +2 બાંગ્લા ‌+ 2 પંજાબી + 2 ફારસી). આમ છતાં, પાર્શ્વગાયન શરૂ થયું ત્યાર પહેલાંનાં અને ત્યાર પછીના યુગમાં તેમનું નામ સૌથી પહેલું હોઠે આવે. કેવી હતી તેમની ગાયકી? શબ્દોમાં તેનું વર્ણન મુશ્કેલ છે. ત્યાર પછી શરૂ થયેલા અને છેક હજી સુધી ચાલી રહેલા ઝપાટાસંગીતના યુગમાં તેમની ગાયકીની ઠીકઠીક મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તેને લઈને એ હકીકત વધુ દૃઢ બનતી જાય છે કે તેમની ગાયકીની ઊંચાઈને આંબવી અશક્યવત્ છે.
ઘણા સમય સુધી ફિલ્મજગતમાં પ્રવેશતા નવાસવા ગાયકોનો આદર્શ કુંદનલાલ સાયગલ રહેતા. સાયગલના પ્રભાવ હેઠળ કારકિર્દીનો આરંભ કરીને આગળ જતાં સ્વતંત્ર ઓળખ ઉભી કરનાર ગાયકો વિશે અગાઉ આ પોસ્ટમાં અહીં  વાત કરી હતી. આજે સાયગલસાહેબની સીત્તેરમી મૃત્યુતિથી છે. 

તેમના વિશે એટલું બધું લખાયું છે કે એમાં કશો ઉમેરો કરવાની ગુસ્તાખી થઈ જ ન શકે. આમ છતાં, તેમની ગાયકીનાં પાસાંને અલગ અલગ રીતે મૂકીને જોવાની એક મઝા છે. સાયગલસાહેબ કે તેમના યુગ સાથે મારું અને મારા જેવા અનેકનું ભૂતકાળનું કોઈ જોડાણ કે અનુસંધાન (નોસ્ટેલ્જિયા) નથી. આ કારણે કુતૂહલભાવે તેમના કામને વિવિધ રીતે જોવાની જિજ્ઞાસા થતી રહે છે.
સાયગલસાહેબે સૌથી વધુ ગીતો હિન્‍દીમાં ગયાં. ત્યાર પછી બાંગ્લામાં. હિન્‍દી સિવાય તેમણે બાંગ્લા, તમિલ, ઉર્દૂ, ફારસી અને પંજાબી-એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષામાં ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને તેમનું સ્મરણ કરીએ.
તેમનું ગાયેલું આ બાંગ્લા ગીત છે, જે ગેરફિલ્મી છે. ગીતકાર પ્રણવ રોય અને સંગીતકાર સુબલ દાસગુપ્તા. 

સૌ પ્રથમ બંગાળીમાં બનેલી ‘દેબદાસ’ (1935) માં મુખ્ય ભૂમિકા પી.સી.બરુઆની હતી. તેને પગલે હિન્દીમાં ‘દેવદાસ’ (1935)નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સાયગલે મુખ્ય ભૂમિકા ભજવી. 1936માં ‘દેવદાસા’ નામે તમિલમાં આ ફિલ્મ બની, જેમાં મુખ્ય ભૂમિકા પી.વી.રાવની હતી. આ ફિલ્મમાં સાયગલે બે ગીત ગાયાં હતાં. તેમાંનું એક ગીત.


તેમણે બે ફારસી (પર્શિયન) ગીતો પણ ગાયાં હતાં. એ પૈકીનું મિર્ઝા કાતીલે લખેલું એક ગીત.



નવાઈ લાગે એવી વાત એ છે કે માતૃભાષા પંજાબીમાં તેમણે કેવળ બે જ ગીતો ગાયાં છે, જે બન્ને બિસ્મીલ અમૃતસરીએ લખેલાં છે. આ ગેરફિલ્મી ગીત પૈકીનું એક ગીત.



ઉર્દૂ- હિન્‍દી શબ્દો તેમનાં ઘણા ગીતોમાં સાંભળવા મળે છે. અહીં પ્રસ્તુત છે ‘બેદમ’ વારસીએ લખેલી ઉર્દૂ ગઝલ.


 સાયગલ વિશેનાં અનેક પુસ્તકો પૈકી સૌથી અધિકૃત કહી શકાય એવું પુસ્તક એટલે હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત ‘જબ દીલ હી તૂટ ગયા’. સાયગલ વિશેની અધિકૃત માહિતી ઉપરાંત તેમણે ગાયેલા એકેએક ગીતનો પાઠ પણ તેમાં આપવામાં આવ્યો છે. આ પોસ્ટમાંની તમામ માહિતી માટે એ પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.


સાયગલસાહેબની ગાયકીની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા અલગ બાબત છે, પણ તેમના સોના જેવા અવાજને સમયનો કાટ લાગી શકતો નથી, એ પ્રતિતિ સમય વીતતાં દૃઢ થતી જાય છે. 

(તમામ ગીતોની લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી) 

Sunday, January 18, 2015

કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં


૧૯૩૧માં આવેલી પહેલવહેલી બોલતી હિન્દી ફિલ્મ ‘આલમ આરા’થી લઈને છેક અત્યાર સુધી ફિલ્મોમાં ગીતોની દીર્ઘ પરંપરા રહી છે. આરંભે અદાકારો પોતે જ ગીત ગાતા અને ત્યાર પછી પાર્શ્વગાયનનો યુગ શરૂ થયો એ સાથે જ અનેક પાર્શ્વગાયકોનો ઉદય થયો. પણ આ બન્ને યુગમાં સૌથી ટોચે કોઈ એક ગાયકનું નામ મૂકવાનું આવે તો એક જ નામ હોઠે આવે- કે.એલ.સાયગલ એટલે કે કુંદનલાલ સાયગલ.
અનન્ય સાયગલ કોશ 
આ નામ કાને પડતાં જ કાનમાં મધુર સૂરોનું ગુંજન થવા લાગે અને એક પછી એક કેટલાંય ગીતો યાદ આવવા લાગે. અહીં સાયગલની જીવનકથા, તેમની ફિલ્મોની વાતો કે તેમના વિષેની અનેક દંતકથાઓ વિગતે આપવાનો જરાય ઈરાદો નથી. વ્યક્તિ તરીકે એ કેવા ઉમદા ઈન્સાન હતા એની વાત પણ નથી કરવી. સાયગલ વિષે નાનાંમોટાં અનેક પુસ્તકો, પુસ્તિકાઓ, કૉફી ટેબલ બુક્સ થયાં છે. કોઈકમાં તેમના જીવનના છૂટાછવાયા વાર્તાઓ જેવા અર્ધસત્ય કિસ્સાઓ છે, તો કોઈકમાં ચમકીલા કાગળ પર વિશાળ કદની તસવીરોની વચ્ચે નામ પૂરતું લખાણ મૂકીને સાયગલના નામે રોકડી કરવાનો પ્રયાસ છે. આવા પુસ્તકોના અંબારમાં તેમના જીવન અને કવન અંગેનું એક પુસ્તક સૌથી અલગ તરી આવે છે. ‘જબ દિલ હી તૂટ ગયા’ નામના આ પુસ્તકને ‘સાયગલ કોશ’ કહી શકાય. સાયગલના જીવન વિષેની ઝીણી ઝીણી વિગતોથી લઈને તેમણે ગાયેલાં તમામ ગીતોનો આખો પાઠ તેમાં આપવામાં આવ્યો છે. આ કોશના સંપાદક છે હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી. આ બન્ને સન્નિષ્ઠ સંપાદકોની સૂઝ અને ખંતનું એક ઉદાહરણ જાણવું પૂરતું થઈ પડશે.
સાયગલની જન્મતારીખ વિષે મતાંતર છે. અમુક જગાએ તે ૪ એપ્રિલ, ૧૯૦૪ છે, તો અમુક જગાએ ૧૧ એપ્રિલનો ઉલ્લેખ છે. આમાં સાચું શું? સાયગલસાહેબનાં પરીવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ તેમની પાસે કશો લેખિત પુરાવો હતો નહીં. રાઘવ આર. મેનનના પુસ્તક ‘ધ પિલ્ગ્રીમ ઑફ સ્વર’માં ત્રણ જ્યોતિષીઓ દ્વારા બનાવાયેલી કુંડળીના ઉલ્લેખ છે. પણ તેમાં ચોક્કસ તારીખ નથી. મેનન પાસે કદાચ અસલ કુંડળી હોત, પણ તેમનું અવસાન થઈ ગયું હોવાથી એ શક્યતા પર તાળું લાગી જતું હતું. આ બન્ને સંપાદકોએ મેનન દ્વારા અપાયેલી વિગતો પરથી આખી કુંડળી અને ફળાદેશ નવેસરથી કઢાવ્યા અને તેના આધારે પ્રસ્થાપિત કર્યું કે સાયગલસાહેબની સાચી જન્મતારીખ ૧૧ એપ્રિલ, ૧૯૦૪ છે. આ બન્ને કંઈ જ્યોતિષમાં આસ્થા રાખનારા નથી, પણ સંપાદનમાં વિગતો એકઠી કરવામાં કશાનો છોછ ન પાલવે, એમ દૃઢપણે માનનારા છે. (આ પુસ્તક મંગાવવા માટેની વિગતો 
અહીં  ઉપલબ્ધ છે.) સાયગલસાહેબ પર હજી એક વ્યક્તિ પુસ્તક લખે એવી સ્વાભાવિક અપેક્ષા છે, પણ એ વાત પછી. બરાબર આજના દિવસે, એટલે કે ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના દિવસે સાયગલસાહેબે આ પૃથ્વી પરથી સદેહે વિદાય લીધી હતી. પણ સ્વરદેહે તે સદાય અમર છે.
આજના દિવસે વાત કરવી છે તેમની ગાયકીના અન્ય ગાયકો પરના પ્રભાવની.
**** **** **** 
એ બહુ જાણીતી હકીકત છે કે સાયગલસાહેબે ગાયનની બાકાયદા તાલિમ ક્યાંય કોઈની પાસે લીધી ન હતી કે નહોતી તેમને શાસ્ત્રીય સંગીત અંગે ખાસ જાણકારી. અને છતાંય તેમના અવાજમાં, તેમની ગાયકીમાં એવું ગજબનું આકર્ષણ હતું કે રાયચંદ બોરાલ, પંકજ મલિક, તિમીર બરન, ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોએ ખાસ સાયગલના કંઠને જ ધ્યાનમાં રાખીને ગીતોની ધૂન બનાવી.
સાયગલનાં ગીતોને બેસુમાર લોકપ્રિયતા મળી. આમ આદમીથી માંડીને સંગીતના, શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદોએ પણ તેમના કંઠને વખાણ્યો. એ સમયે નવા આવનાર અનેક ગાયકો માટે સાયગલનો કંઠ આદર્શસમાન હતો. તેમના જેવું જ ગાવાની અને તેમના જેવો જ અવાજ કાઢવાની કોશિશ નવા ગાયકો કરતા. જો કે, એ સમયના કાબેલ સંગીતકારોએ આ ગાયકોને સાયગલના સ્વરની અસરમાંથી બહાર કાઢ્યા અને તેમને સ્વતંત્ર ઓળખ બક્ષી. પરિણામે આ ગાયકોના કંઠની આગવી લોકપ્રિયતા ઉભી થઈ.
શરદબાબુની વિખ્યાત નવલકથા પરથી ન્યુ થિયેટર્સ દ્વારા નિર્મીત ફિલ્મ ‘દેવદાસ’ (૧૯૩૫) ને ખૂબ જ પ્રસિદ્ધી મળી. તિમીર બરને સંગીતબદ્ધ કરેલાં અને સાયગલે ગાયેલાં ગીતો બહુ લોકપ્રિય થયાં. એમાંય કેદાર શર્માએ લખેલું ‘બાલમ આયે બસો મોરે મન મેં’ ગીત તો ફિલ્મની ઓળખસમાન બની રહ્યું. લોકોને હોઠે રમવા માંડ્યું. આ ગીતની સફળતાથી અંજાઈને મુંબઈની સાગર મુવીટોને પોતાની ફિલ્મ ‘ડેક્કન ક્વીન’માં આ જ ધૂન પર ‘બિરહા કી આગ લગી મોરે મન મેં’ ગીત સુરેન્દ્ર પાસે ગવડાવ્યું. સુરેન્દ્રની આ પહેલી જ ફિલ્મ હતી. 


મુકેશ પણ સાયગલના જબરદસ્ત પ્રભાવ તળે હતા. ‘નિર્દોષ’ દ્વારા તેમણે પાર્શ્વગાયનનો આરંભ કર્યો, એ પછી ‘પહલી નજર’માં ગાયેલું આ ગીત સાયગલની પ્રચંડ અસર તળે હતું.


આગળ જતાં જેમની ઓળખ ‘ઉછલમ કૂદમ’ તરીકે બની, એવા કિશોરકુમાર સાયગલસાહેબના જબ્બર ચાહક હતા. ‘જિદ્દી’માં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ગાયેલા તેમના આ ગીતમાં સાયગલસાહેબનો કેવો પ્રભાવ જણાય છે!


આ ગાયકો, જો કે, એટલા નસીબદાર કે, કાબેલ સંગીતકારોએ તેમને સાયગલના પ્રભાવમાંથી બહાર કાઢીને આગવી ઓળખ બક્ષી અને આગળ જતાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ આત્મા હશમતરાય ચૈનાની ઉર્ફે ચૈનાની આત્મા હશમતરાય એટલે કે સી.એચ.આત્મા એટલા નસીબદાર ન હતા. સાયગલના અવાજના પ્રભાવમાંથી તે આજીવન મુક્ત ન થઈ શક્યા, અને તેથી જ, અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, તેમના અવાજની સ્વતંત્ર ઓળખ ભાગ્યે જ બની. તેમનું ગાયેલું ‘નગીના’નું આ યાદગાર ગીત.


આ સૌ ભારતના ગાયકો હતા. અફઘાન ગાયક નશેનસ (સાદીક ફિતરત હબીબી) પશ્તો તેમજ ઉર્દૂ ગીતો ગાય છે. તેમને પણ ‘અફઘાન સાયગલ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગાયેલું સાયગલસાહેબનું આ ગીત. 


ઘણી વાર એ દલીલ કરવામાં આવે છે કે સાયગલનો અવાજ કે તેમનાં ગીતોનો જમાનો વીતી ગયો. હવે એવાં ગીતો ન ચાલે. દલીલની સામે પ્રતિદલીલ અને પ્રતિ-પ્રતિદલીલ ચાલ્યા જ કરે. આના જવાબમાં આ ગીત સાંભળો, જે ડૉ. સંગીતા નેરૂરકરે ગાયું છે. ડૉ. સંગીતા નેરૂરકર સાયગલનાં ગીતો સ્ટેજ પરથી રજૂ કરે છે. 


આ તમામ ગાયકોને સાંભળ્યા પછી કુંદનલાલ સાયગલનો અસલી અવાજ. ‘સ્ટ્રીટ સીંગર’નું આ ગીત ‘બાબુલ મોરા..’ સાયગલનું અત્યંત પ્રસિદ્ધ ગીત છે. વાજીદ અલી શાહની આ રચના અતિ જાણીતી અને અનેક ગાયકો દ્વારા ગવાયેલી છે, પણ સાયગલની વાત જ ન્યારી છે. ફિલ્મમાં આ ગીત તે હાથમાં હારમોનિયમ સાથે રસ્તે ચાલતા ચાલતા ગાતા બતાવાયા છે. પડદા પર બતાવાયું છે એ રીતે શૂટીંગ વખતે ચાલતાં ચાલતાં જ આ ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો, છતાં જે અસર તેમના અવાજમાં પેદા થઈ છે, તેની તોલે બીજા કોઈનું ગાયેલું આ ગીત ન આવે. (આ અંગત મંતવ્ય છે.)



સાયગલસાહેબનાં અન્ય ગીતોની અને તેમના પર લખાનારા પુસ્તકની વધુ વાતો સમય આવ્યે... 

Thursday, October 24, 2013

મન્નાડેની વિદાય: તુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર


પ્રબોધચંદ્ર ડે (મન્નાડે) 

૧-૫-૧૯૧૯ (૨૦)થી ૨૪-૧૦-૨૦૧૩ 
આખરે મન્નાડે પણ ગયા. ચારેક મહિના પહેલાં જ તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. ૯૩ વર્ષની પાકટ વયે મૃત્યુ થવાથી આઘાત કદાચ ન લાગે, એમાંય જેમના મૃત્યુની અફવા ફેલાઈ હોય એ ખરેખર મૃત્યુ પામે ત્યારે એક હદે એ સમાચારને સ્વીકારવા માટે માનસિક ભૂમિકા પણ બંધાઈ ગઈ હોય. છતાં મન્નાડેના મૃત્યુ સાથે પાર્શ્વગાયનના સુવર્ણયુગના છેલ્લા સિતારાનો અસ્ત થયો છે, એ હકીકતે મનમાં વિષાદ પણ થાય છે.(હમણાં તેમનું જન્મવર્ષ ૧૯૧૯ લખાય છે, અને ૨૦૦૭માં પ્રકાશિત તેમનાં સંસ્મરણોના પુસ્તક  માં પણ આ જ વરસ છે, જ્યારે ૨૦૦૩માં મન્નાડેની ગાયનકારકિર્દીનાં ૬૦ વરસ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવેલી સ્મરણિકામાં તે ૧૯૨૦ છે. સાચું કયું માનવું?) 
સક્રિય ગાયનમાંથી મન્નાડે ક્યારના નિવૃત્ત થઈ ગયા હતા, પણ તેમના ચાહકોના હૃદયમાં તે પોતાના સ્વર થકી સદાય જીવંત હતા અને છે. શાસ્ત્રીય ઢબે કેળવાયેલો બુલંદ અવાજ ધરાવતા મન્નાડેનું મૂળ નામ હતું પ્રબોધચંદ્ર ડે. પિતા પૂર્ણચંદ્ર ડે અને માતા મહામાયા ડેના આ પુત્ર સંગીતના પાઠ પોતાના કાકા કૃષ્ણચંદ્ર (કે.સી.) ડે પાસેથી શીખ્યા હતા.
મન્નાડેને પહેલવહેલા પાર્શ્વગાયનની તક મળી ફિલ્મ ‘તમન્ના’(૧૯૪૨)ના એક યુગલ ગીતથી, જેના સંગીતકાર કે.સી.ડે હતા અને સહગાયિકા હતાં સુરૈયા. આ ગીતની એક ઝલક.


અલબત્ત, મન્નાડેની સ્વતંત્ર ગાયક તરીકેની ઓળખ ઉભી થઈ ‘રામરાજ્ય’(૧૯૪૩)ના આ ગીતથી. ગીત લખ્યું હતું રમેશ ગુપ્તાએ.


મન્નાડેને ખરા અર્થમાં ખ્યાતિ મળી ‘મશાલ’(૧૯૫૦)ના આ અદ્‍ભુત ગીતથી, જે લખ્યું હતું કવિ પ્રદીપે. સંગીતકાર હતા એસ.ડી.બર્મન.


આ ગીત પછી મન્નાડેની સૂરસફરે ખરા અર્થમાં ગતિ પકડી. તેમનાં લોકપ્રિય ગીતો કેટકેટલાં યાદ કરવાં? અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી, શંકર જયકિશન, સચીન દેવ બર્મન, વસંત દેસાઈ, રોશન જેવા ધુરંધર સંગીતકારોના સંગીત નિર્દેશનમાં ગાયેલાં કેટલાં બધાં બેનમૂન ગીતો છે મન્નાડેનાં! ફક્ત તેનો ઉલ્લેખ કરીએ તોય આખી અલગ પોસ્ટ થઈ જાય. આવાં ગીતોને સલીલ દલાલે પોતાની આ બ્લોગપોસ્ટમાં યાદ કર્યાં છે. એટલે અહીં તેમની કારકિર્દીનાં કેટલાંક મહત્વનાં વૈવિધ્યપૂર્ણ ગીતો આપવાનો ઈરાદો છે.
મન્નાડેએ ૧૬ જેટલી હિ‍ન્‍દી ફિલ્મો તેમજ ૬ બંગાળી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. સંગીતકાર તરીકેની તેમની ૧૬ ફિલ્મો આ મુજબ છે:
સતી તોરલ (૧૯૪૭), વીરાંગના (૧૯૪૭), હમ ભી ઈન્‍સાન હૈ (૧૯૪૮)- આ ત્રણેય ફિલ્મમાં હરિપ્રસન્ન દાસ સાથે, જાન પહેચાન (૧૯૫૦, ખેમચંદ પ્રકાશ સાથે), મશાલ (૧૯૫૦, સચીન દેવ બર્મન સાથે), શ્રીગણેશજન્મ (૧૯૫૧, ખેમચંદ પ્રકાશ સાથે), ચમકી (૧૯૫૨), તમાશા (૧૯૫૨, એસ.કે.પાલ અને ખેમચંદ પ્રકાશ સાથે), નૈના (૧૯૫૩, ગુલામ મહંમદ સાથે), શુક રંભા (૧૯૫૩), મહાપૂજા (૧૯૫૪, અવિનાશ વ્યાસ અને શંકરરાવ વ્યાસ સાથે), શિવકન્યા (૧૯૫૪), જય મહાદેવ (૧૯૫૫), ગૌરીપૂજા (૧૯૫૬), નાગચંપા (૧૯૫૮), અને સોનલ (૧૯૭૩). આ ઉપરાંત ‘રીશ્તે કી દીવાર’ નામની તેમના સંગીતવાળી ફિલ્મ અધૂરી રહી હતી.
મન્નાડેના સંગીતનિર્દેશનવાળી છ બંગાળી ફિલ્મો આ મુજબ છે: રામધક્કા, શેશ પૃથ્યાય દેખૂં, બાબુમોશાય, પ્રેયસી, લલિતા અને કાટા ભાલો બાશા.
આ વિશિષ્ટ ગીત કોઈ ફિલ્મનું નથી. ૧૯૫૮માં ‘ઑલ ઈન્‍ડીયા રેડીયો’ દ્વારા વિવિધભારતીનો આરંભ કરવામાં આવ્યો એ પ્રસંગે નરેન્‍દ્ર શર્મા લિખીત આ ગીત પહેલવહેલું પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેને સ્વરબદ્ધ કર્યું હતું અનિલ બિશ્વાસે.



ગુજરાતના ‘રાષ્ટ્રગીત’ જેવું આ ગીત પણ મન્નાડેએ ગાયું હતું, જે રમેશ ગુપ્તાએ લખ્યું હતું.


હરિવંશરાય બચ્ચનની ખ્યાતનામ રચના ‘મધુશાલા’ મન્નાડેના કંઠમાં આપણા સુધી પહોંચી હતી. તેની એક ઝલક.


મન્નાડે દ્વારા ગવાયેલું અને સ્વરબદ્ધ કરાયેલું મધુકર રાજસ્થાની લિખીત શૃંગારરસનું આ અદ્‍ભુત બિનફિલ્મી ગીત સંગીતરસિકોના હૃદયમાં આજેય કોતરાયેલું છે.


મન્નાડેનો કંઠ એવો બુલંદ હતો કે હિન્‍દી ફિલ્મોના સરેરાશ નાયકના કુમળા ચહેરા સાથે તે ભાગ્યે જ મેળ ખાય. અલબત્ત, રાજ કપૂર માટે મુકેશ ઉપરાંત મન્નાડેએ પણ ઘણાં યાદગાર ગીતો ગાયાં. મહેમૂદ જેવા હાસ્યઅભિનેતા માટે પણ તેમણે ઘણાં ગીતો ગાયાં. જો કે, ફકીર, ગાડીવાળા, સાધુઓ વગેરે જેવાં પાત્રો પર તેમનાં ગવાયેલાં ગીતો વધુ ફિલ્માવાયાં હોય એમ લાગે. 
રાજ કપૂર માટે તેમણે ગાયેલું આ ગીત રજૂ નહીં થઈ શકેલી એક ફિલ્મ 'બહરૂપિયા'નું છે, જેનો સમાવેશ 'ફિલ્મ હી ફિલ્મ'માં કરવામાં આવ્યો હતો. 

બધું મળીને કુલ ૧૮ ભાષા(બોલી)ઓમાં મન્નાડેએ આશરે ૨,૫૦૦ ગીતો ગાયાં હતાં, જેમાં હિન્‍દી (૧૩૪૨ ગીતો) અને બંગાળી (૮૯૬ ગીતો) ઉપરાંત અસમીયા (૭), ભોજપુરી (૩૪), ગુજરાતી (૯૯), કન્નડ (૪), કોંકણી (૧), માગધી (૨), મૈથિલી (૧), મલયાલમ (૨), મરાઠી (૬૧), મારવાડી (૨), નેપાળી (૩), ઉડીયા (૫), પંજાબી (૧૬), સંસ્કૃત (૨), સિંધી (૧) અને તેલુગુ (૧) નો સમાવેશ થાય છે.
૧૯૯૧માં આવેલી ‘પ્રહાર’માં બહુ લાંબા અંતરાલ પછી તેમણે ગાયું હતું. એ પછી ગુડીયા(૧૯૯૬)માં તેમણે ગાયું હતું. ‘ઉમર’(૨૦૦૬)માં તેમણે ગાયેલું આ સમૂહગીત તેમનું છેલ્લું ગીત હોય એમ લાગે છે, જેમાં તેમના ઉપરાંત કવિતા કૃષ્ણમૂર્તિ, શબાબ સાબરી અને સોનુ નિગમનો પણ સ્વર છે.  


અનિલ બિશ્વાસ દ્વારા સંગીતબદ્ધ કરાયેલું મેહમાન (૧૯૫૩)નું આ અનન્ય ગીત મન્નાડેને જીવંત ગાતાં સાંભળી શકાશે. 

મન્નાડેને 'પદ્મભૂષણ' તેમજ 'દાદાસાહેબ ફાળકે' સન્માન પણ પ્રાપ્ત થયું હતું. ૨૦૧૨માં તેમનાં પત્ની સુલોચનાનું અવસાન થયું હતું. પરિવારમાં તેમને બે દીકરીઓ છે. છેલ્લા ઘણા વખતથી તે બેંગ્લોરમાં જ રહેતા હતા. તેમના જીવન પર બનેલી એક ફિલ્મ 'આમિ શ્રી ભજહરી મન્ના'માં તેમણે અભિનય પણ કર્યો હતો. આ ફિલ્મનું નામ તેમણે ગાયેલા એક બંગાળી ગીતની પહેલી પંક્તિના શબ્દો છે. 
હિન્‍દી ફિલ્મોના પાર્શ્વગાયનના સુવર્ણયુગના મન્નાડે છેલ્લા જીવિત પ્રતિનિધિ હતા. આ યુગના ગાયકોની ખાસિયત એ હતી કે સૌનો આગવો અવાજ અને ગાયનશૈલી હતાં અને તેઓ નાકમાં ગાતાં નહોતાં. આ ગાયકો એવા કાળમાં ગાયનક્ષેત્રે આવ્યા જ્યારે એક એકથી કાબેલ સંગીતકારો કાર્યરત હતા, જેમણે આ ગાયકોને આગવી ઓળખ આપી. તેને લઈને જ તલત મહેમૂદ, મુકેશ, કિશોરકુમાર, મહંમદ રફી, હેમંતકુમાર, મન્નાડે જેવા ગાયકો અનન્ય અને એકમેવ બની રહ્યા. તેમના દેહનું મૃત્યુ થાય તેનાથી દુ:ખ અવશ્ય થાય, પણ સંગીતપ્રેમીઓના મનમાં તેમનો સ્વર સદાય ગૂંજતો રહેવાનો. 

(માહિતીસૌજન્ય: હરીશ રઘુવંશી, સુરત) 
(તમામ ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે. અમુક ગીતો અપલોડ ન થઈ શકવાથી તેની લીન્‍ક મૂકી છે, જેની પરથી જે તે ગીત સાંભળી શકાશે.)