Friday, June 24, 2011

વનસ્પતિવિહાર વનસ્પતિઓ અને વૃક્ષો વિષે મારી જાણકારી મર્યાદિત છે, પણ એનું અવલોકન કરવાનું બહુ ગમે છે. એનાં અઘરાં લેટિન નામો જાણવાની કે યાદ રાખવાની જફામાં પડવાની ઈચ્છા થતી નથી, પણ મૂળ, કુળ વિષે સહજપણે જાણવું ગમે. રીઢા જાણકાર બનવાને બદલે જિજ્ઞાસુ એમેચ્યોર બની રહેવું વધારે ગમે છે.  
શાળામાં ભણતી વખતે ભૂગોળમાં આવતું કે ફલાણી નદી ઢીંકણા પ્રદેશની જીવાદોરી ગણાય છે અને ઢીંકણું વૃક્ષ ફલાણા પ્રદેશના લોકોનું કલ્પવૃક્ષ ગણાય છે. એ વખતે થતું કે કલ્પવૃક્ષ એટલે શું? એ કેવું હોય?
વરસો વીતતાં ગાર્ડનીંગમાં થોડી સમજણ પડવા માંડી ત્યારે કલ્પવૃક્ષની વ્યાખ્યા સમજાઈ. કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે જેનો છાંયો અને ફળ આપણા આંગણામાં આવે અને પાંદડા પાડોશીના આંગણામાં પડે. આવું કોઈ વૃક્ષ વાસ્તવમાં તો છે નહીં. એટલે તો તે કાલ્પનિક છે.

બોગનવેલ
કાલ્પનિક પરથી વાસ્તવિક વાત પર આવીએ. બોટનિકલ ગાર્ડનમાં 
ઉગાડેલાં વૃક્ષો મુખ્યત્વે અભ્યાસુઓ માટે હોય છે, પણ શહેરોમાં જોવા મળતાં વૃક્ષોને નીરખવાની મઝા ઓર છે. મારા ઘરમાં અનેક વૃક્ષો બોન્સાઈ સ્વરૂપે ઉછેર્યા છે. એમાંના ઘણા એવા છે કે એનું પરંપરાગત બોન્સાઈ બનાવી ન શકાય, છતાં અમે પ્રયત્ન કર્યો છે અને મોટે ભાગે સફળતા મળી છે. નર્સરીમાં જઈને સાદા રોપા જ લાવ્યા પછી ઉછેરીને એને બોન્સાઈ બનાવ્યા છે. ઘણા મિત્રો અમારો બોન્સાઈ સંગ્રહ જોઈને કહે છે: તમે કોમ્પીટીશનમાં ભાગ લેતા હો તો?” કેમ જાણે, સ્પર્ધામાં ઈનામ જીતવામાં જ કશુંક કર્યાની સાર્થકતા ન હોય? ઘણા લોકોને એમ લાગે છે કે બોન્સાઈનામમાં કંઈક ખૂટે છે. એટલે તેઓ બોન્સાઈટ (બોક્સાઈટની જેમ) ઉચ્ચાર કરે છે. જેમને રસ ન હોય અને સમજણ તો જરાય ન હોય એવા લોકોય વિવેક ખાતર કહે છે, આમાં બહુ મહેનત પડે,નહીં!” અમુક જણા અમારામાં ફાટફૂટ પડાવવાનોય પ્રયત્ન કરે અને પૂછે, તમારા બન્નેમાંથી કોને આનો શોખ છે?” 
બટનવેલ

ઈલાયચી
જીવદયાપ્રેમીઓ, પ્લીઝ! બોન્સાઈ એ ક્રૂર પદ્ધતિ છે અને એનાં મૂળ કાપવાથી મૂંગી વનસ્પતિ પર અત્યાચાર થાય છે, એવું નિવેદન કશું જોયાજાણ્યા વિના ફટકારી ન દેશો. એટલા બધા સંવેદનશીલ બનવાની જરૂર નથી. રજનીભાઈ(પંડ્યા)એ એક વાર આ બાબતે કહ્યું હતું- વૃક્ષોમાં સંવેદનશીલતા હોય છે એ વાત સાચી, પણ એમનામાં સંવેદના નથી હોતી. હા, જેકી ચાન (કે ચેન જે હોય એ) ની કે માર્શલ આર્ટની જાપાનીઝ ફિલ્મોમાં મારામારીનાં દૃશ્યોમાં સંખ્યાબંધ બોન્સાઈનો ખુડદો નીકળતો બતાવાય એ જોઈને જીવ અવશ્ય બળે છે.
નર્સરીનો અનુભવ મોટે ભાગે એવો હોય છે કે તમે જે છોડ ખરીદો, તેની માવજત વિષે ભાગ્યે જ કશી જાણકારી આપવામાં આવે. આને કારણે સાવ શરૂઆતમાં ઓછા પાણીની જરૂરતવાળા કેટલાય 
એડેનિયમ વધુ પડતા પાણીથી અકાળે મરણને શરણ થયા છે. ઘણા છોડ એવા છે કે બહુ માવજતથી એને ઉછેરીએ, એ સુંદર દેખાય, પણ એનું નામ ખબર ન હોય. સાવ ટચૂકડા કૂંડામાં પામ ટ્રી જેવા (નીચે) દેખાતા આ છોડને ૨× ૧.૫ કૂંડામાં ઉછેર્યો છે. કોઈ સુજ્ઞજન એનું નામ જણાવશે તો આનંદ થશે. નર્સરીમાં વેચાતા વૃક્ષ સિવાયના મોટા ભાગના રોપાઓનું નામ શો પ્લાન્ટ હોય છે. અમુક નામો આપણા કાળીયા,’ ધોળીયા જેવાં નામોની જેમ વૃક્ષના દેખાવ આધારિત હોય છે. જેમ કે, બટન વેલ, બોટલ બ્રશ વગેરે. કેકટસના તો હજારો પ્રકાર છે, એ તરફ તો નજર જ માંડી નથી. મોટાં ભાગનાં વૃક્ષો તેના અસલ વૈજ્ઞાનિક નામને બદલે સ્થાનિક અને પ્રચલિત નામે ઓળખાય છે અને આપણી સંસ્કૃતિમાં મોટા ભાગના વૃક્ષોમાં કોઈ ને કોઈ દેવતાનો વાસ હોવાનું મનાય છે. સંસ્કૃતિપ્રેમીઓ કહી શકે કે એ તો લોકો વૃક્ષો કાપે નહીં એટલા માટે આપણા વડવાઓએ કહ્યું છે. વગેરે.. એમ હોય તો સારું કહેવાય, પણ આપણને મર્મ પકડવા કરતાં સ્થૂળ અર્થ પકડવાનું વધુ ફાવે છે. વટસાવિત્રીએ વડને પવિત્ર ગણીને વડના ફેરા ફરતી બહેનોને (કે ભાઈઓને) એ વડ કપાય ત્યારે કશું થતું નથી.

આનું નામ જણાવશો?
એક સગા મારી પાસેથી ઉત્સાહમાં પીપળાનું બોન્સાઈ લઈ તો ગયા, પણ પછી એમને યાદ આવ્યું કે એ વૃક્ષના મૂળમાં એક્સ ભગવાનનો, પાંદડામાં વાય ભગવાનનો. ડાળીઓમાં ઝેડ ભગવાનનો વાસ હોય છે. એટલે એ મને પીપળો સાભાર પરત કરી ગયા. આપણી કોઈ કૃતિ સાભાર પરત આવે ત્યારે કદાચ દુ:ખ થાય, પણ આ કૃતિનું એમ થયું તેથી આનંદ થયો હતો.
રાવણતાડ: ધડ એક, માથાં અનેક
આપણા ઘણા વૃક્ષો કે વનસ્પતિઓનાં નામ સાથે ભગવાનનાં નામ સંકળાયેલાં હશે. કદાવર પ્રકારની વનસ્પતિ કે ચીજવસ્તુઓ સાથે મોટે ભાગે ભીમનું નામ જોડવામાં આવે છે. ધર્મગ્રંથોમાં પણ અનેક વૃક્ષોનો ઉલ્લેખ છે. કાલીદાસે મેઘદૂતમાં તો વિગતવાર બત્રીસ- તેત્રીસ વૃક્ષોનું વર્ણન કર્યું છે. રામાયણમાં રાવણે સીતાજીને અશોકવાટિકામાં રાખ્યાં હતાં. એ શું દર્શાવે છે? એ જ કે ત્યારેય હાઉસીંગ સોસાયટીઓનાં નામ આજે હોય છે એવા જ હતા. પણ કોઈ વૃક્ષ સાથે ખલનાયકનું નામ જોડાયું હોય એવું ધ્યાનમાં નથી, સિવાય કે રાવણતાડ. એ સિવાયના અન્ય નામ પર કોઈ ધ્યાન દોરશે તો આનંદ થશે. રાવણતાડની અન્ય વિગતો આ બ્લોગ પર જમણી બાજુએ મૂકેલી માય ફેવરીટ સાઈટ્સમાંની www.gujaratiprakruti.com ની સાઈટ પર છે જ. પણ એનું નામ રાવણતાડ શાથી પડ્યું? એ વૃક્ષનો ફોટો જોઈને જ ભદ્રંભદ્રની શૈલીમાં પ્રશ્નસ્ય અનૌચિત્યમ કહી શકાય. પ્રકૃતિમાં આપેલી માહિતી મુજબ અમદાવાદના નગીનાવાડી અને વટવા વિસ્તારમાં આ વૃક્ષો જોવા મળે છે. જો કે, આ વિસ્તારમાંથી અનેક વાર પસાર થવાનું બન્યું હોવા છતાં એ તરફ ધ્યાન ગયું નથી. શક્ય છે કે એના નામમાં રાવણ હોવાને કારણે એનો નાશ થઈ ગયો હોય! વડોદરામાં કમાટી બાગમાં આ વૃક્ષ છે તેમ એ વિસ્તારમાં બીજે પણ ક્યાંક છૂટાંછવાયાં જોવા મળી જાય છે. અહીં જે ફોટો મૂક્યો છે એ કમાટી બાગના (આગળ ઉભા રહો તો) પાછળના (અને પાછળ ઉભા રહો તો આગળના) ભાગમાં વિશ્વામિત્રી નદીને કિનારે આવેલા રાવણતાડનો છે. ફોટામાં આ વૃક્ષની નીચે દેખાતા રીક્ષા તેમજ અન્ય વાહનો એ દર્શાવે છે કે તે આ વિસ્તારના જનજીવનમાં વણાઈ ગયું છે. 8-)
સુરતના સંશોધક મિત્ર હરીશ રઘુવંશી જણાવે છે કે સુરતમાં રાવણતાડ નામનો એક વિસ્તાર પણ છે. આ નામ કેમ પડ્યું એ અંગે કોઈ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

કહેવાય છે કે વડોદરા નામ આ નગરીમાં રહેલા વડના વૃક્ષોને કારણે પડ્યું હતું. આ વાત સાચી હશે જ, કેમ કે કેટલાંય વડનાં વૃક્ષો કપાઈ ગયાં છતાંય હજી ઘણા વિસ્તારમાં વડનાં વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં કોઈ પ્રજાતિનો આડેધડ વિનાશ કરી નાંખવો અને પછી તેને લુપ્ત પ્રજાતિની શ્રેણીમાં મૂકીને તેના રક્ષણ માટેના કાર્યક્રમો ઘડવા અને તેને રાષ્ટ્રીય પશુ/પક્ષી/વૃક્ષનો દરજ્જો આપી દેવો એ માત્ર આપણી જ નહીં, સમગ્ર માનવજાતની તાસીર રહી છે. (વધુ વિગતો માટે જુઓ સફારીના જૂન, ૨૦૧૧ ના અંકનો સુપર ક્વિઝ વિભાગ).  
નાગજીભાઈનો વડ
વડોદરામાંથી વડનાં વૃક્ષોનો કદાચ ભવિષ્યમાં નાશ થઈ જાય તોય વાંધો નથી. ફતેગંજ સર્કલની વચ્ચોવચ્ચ વિખ્યાત શિલ્પકાર નાગજીભાઈ પટેલે પત્થરમાંથી બનાવેલા વડના વૃક્ષના શિલ્પનું સ્થાપન આગોતરું કરી દેવાયું છે. શિલ્પ સુંદર છે, આકર્ષક છે, પણ અહીં વડનાં સાચાં વૃક્ષો ઉછેરી શકાય એટલી જગા છે જ. આ સર્કલનું અધિકૃત નામ જે હોય એ, લોકો તેને વડ સર્કલ તરીકે જ ઓળખે છે. એટલે એ વાત ચોક્કસ કે આવનારી પેઢી વડથી સાવ અજાણી નહીં રહી જાય. 
આપણી ઘણી કહેવતોમાંય વૃક્ષોનો ઉલ્લેખ છે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા’, સુથારનું ચિત્ત બાવળીયે’, ભૂતનો વાસ પીપળે વગેરે. આવી કહેવતો સાંભળીને હવે મને પહેલો વિચાર એ જ આવે છે કે આ ઝાડનું બોન્સાઈ બની શકે કે કેમ? સાવ એવુંય નથી કે બોન્સાઈના બધા રોપા અમે નર્સરીમાંથી જ લાવ્યા હોઈએ. એક વખત મહેમદાવાદથી વડોદરા જતા હતા. નડીયાદના રસ્તે કેટલાંય બાવળ ઉગેલા છે. નર્સરીમાં બાવળ જલ્દી મળે નહીં. એક જગાએ અમે કાર ઉભી રાખી અને બાવળનો નાનકડો રોપો ઉખાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. વરસાદી મોસમ હતી એટલે જમીન પોચી હતી, પણ કાંટા હોવાથી પકડવાનું ફાવતું નહોતું. એટલામાં સામેથી એક ટ્રેકટર પસાર થયું. એમાં ચાર-પાંચ રબારી યુવાનો બેઠા હતા. એમણે અમને જોઈને લાગલું ટ્રેકટર ઉભું જ રાખી દીધું અને અમારી પાસે આવ્યા. કહે.હટી જાવ. તમારું કામ નહીં. જોતજોતામાં એમણે આખો રોપો મૂળસોતો ઉખાડીને અમારા હાથમાં આપી દીધો અને કહે, તમને આ ન ફાવે. અમારે તો રાતદિવસનું કામ. અમે હસી પડ્યાં એટલે એમણે પૂછ્યું, પણ આનું કરશો શું?” આનો જવાબ અઘરો હતો. અમે કહ્યું, અમારા ઘરમાં રોપીશું. હવે હસવાનો વારો એમનો હતો. બાવળીયો ઘરમાં રોપશો?” નવાઈ પામતા એ લોકો પાછા ટ્રેકટરમાં ગોઠવાઈ ગયા અને ટા ટાની મુદ્રામાં હાથ હલાવતા ઊપડી ગયા. 

કપોક

યાદ આવે તો અમે ક્યારેક મુસાફરીએ જતાં વાહનમાં (પ્લાન્ટ) કટર પણ મૂકી દઈએ. આઈ.પી.સી.એલ.ના રસ્તે સરસ વડલા છે. એની ડાળી એક વાર કાપવાનો અમે પ્રયત્ન કરતા હતા. દૂરથી કોઈક પશુપાલકે અમને જોયા. નજીક આવીને એણે પોતાની પાસેનું કટર કાઢ્યું અને ખાસ્સી જાડી એવી ડાળી મહામહેનતે અમને કાપી આપી. પણ પાછો એ જ સવાલ. 
આનું નામ શું?
આનું કરશો શું?”  આ જ છે ઈન્ક્રેડીબલ ઈન્ડીયા’, જેમાં કશી ઓળખાણ-પિછાણ વિનાનો માણસ સામે ચાલીને મદદ કરે. (અને ઓળખાણવાળો માણસ મોં ફેરવીને ચાલ્યો પણ જાય.)  
પીપળી
નાના હતા ત્યારે એક રોડ પરથી પસાર થતાં ખાસ ચેતવણી અપાતી. જો જો, અહીંથી પસાર થતાં કોઈ મિત્રને આવવું છે એમ નહીં કહેવાનું. કારણ? કારણ એ કે આ ઝાડ પર ભૂત રહે છે. આપણે આવવું છે?’ કહીએ એટલે એને એમ થાય કે આપણે એને સાથે આવવાનું કહ્યું. એ આવવા માંડે અને આપણને વળગી પડે. આ સાંભળીને ભયનું લખલખું ત્યારે તો પસાર થઈ જતું, પણ થોડા સમજણા થયા પછી એ ઝાડવાળા રસ્તેથી રાત્રે પસાર થતી વખતે અમે મોટેથી બૂમો પાડતા, ઓય! આવવું છે? ચાલ, થઈ જા તૈયાર. 
જાસૂદ
હવે તો મારા ઘરમાં જ બે-ત્રણ આંબલી, બે-ત્રણ પીપળા, વડ વગેરે બોન્સાઈ સ્વરૂપે છે. તો શું એની પર બોન્સાઈ ભૂત રહેતા હશે? શક્ય છે, કેમ કે સાંભળ્યું છે કે ભૂત તો ગમે એવો આકાર લઈ શકે.
બોન્સાઈના કે વૃક્ષઉછેરના વધુ અનુભવો (જ્યારે થશે ત્યારે) જણાવતા રહીશું.
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
(બોન્સાઈ: અમારા ઘરના સંગ્રહમાંથી)
(નોંધ: કોઈક કારણસર આ પોસ્ટની તમામ તસવીરો ઉડી ગઈ હતી. એ બધી જ તસવીરો ફરીથી મૂકી છે. ગોઠવણીમાં થોડો ફેરફાર થયો છે, પણ એકેય ઓછી કરી નથી.)

17 comments:

 1. વાહ! તમારી સંગત કરવી પડશે. એક વરસથી બોન્સાઈનો શોખ થયો છે. શરૂઆત કરી હતી.
  http://rutmandal.info/HobbyVishwa/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88/

  પણ ગયા શિયાળામાં અમદાવાદ આવ્યો અને આ બધા છોડ મરી ગયા . આ વસંત ઋતુમાં ફરીથી શરૂ કર્યું અને આ વખતે શિયાળામાં કાળજી લઈ શકીશ ,એમ લાગે છે.
  તમારું માર્ગદર્શન મળશે તો મજા આવશે.
  વનસ્પતિ કેવળ વર્તમાનમાં જીવે છે.
  મારો પણ એવો પ્રયત્ન છે. ઘણું લખ્યા બાદ આ .....
  http://gadyasoor.wordpress.com/2011/06/22/halokan/

  ReplyDelete
 2. Invaluable and very interesting reading and information. Very good.
  Raavan Taad trees are also found plenty near Diu. I have seen them while in Diu during last Diwali vacation.

  ReplyDelete
 3. Dear Birenbhai,
  I read your blog just now. It showed even the earlier entries, which is wonderful. All the writings are so interesting! And the photographs are a real treat. I had that attitude once about the 'bonsai' which you have made fun of (rightly), but my case was probably more like 'nach na jane angan tedha', you know, shirking work and responsibility at one go!! How sadly clever!!
  Well hooray to your blog and keep it up!
  With regards,

  ReplyDelete
 4. પ્રિય બિરેનભાઈ,

  તમે એક પછી એક સુંદર લખાણ આપવા લાગ્યા છો. એમ તો બોન્સાઈ વગેરેમાં મને કોઈ રસ ન હોવા છતાં વાંચવાની મજા પડી અને હવે રસ પડશે તેવી ખાતરી થઇ. આભાર!

  ઋતુલ

  ReplyDelete
 5. સાહેબ ભૂત જેમ પીંપળે(ઉ.ગુ. ની ભાષામાં પેંપળે)થી ઉતરીને માણસને વળગે એમ અમે તમારા બ્લોગને વળગી રહ્યા છીએ... પાછા બે ચાર જણાને બુમો પણ પાડીએ છીએ..."એ હેંડ આવું સે લ્યા ???" પણ અમુક નીરસ લોકો ના માને તો પછી આપણે એકલા જ મજા માણીએ છીએ.... !
  btw આ પેલા તમે બુમ પાડવા છતાંય ભૂતડા ન'તા આવતા એમાનું એક કારણ તો "તમે મારું શું કરશો ??" એ પણ હોઈ શકે કદાચ... એણેય તમને કીધું હશે,"ક્યાંક કોમ્પીટીશનમાં participate કરાવડાવો તો આવીએ" પણ તમને ધૂનમાં ને ધૂનમાં સંભળાયું નહી હોય !! :D ;)
  in short બ્લોગની આદત પડી ગઈ છે...!

  - Tushar Acharya

  ReplyDelete
 6. મહેમદાવાદથી વડોદરા ગયા પછી જે બે વિદ્યાઓ તેં ખીલવી- ગાર્ડનિગ અને મકાન બનાવવાની- એ મને ન ચડી તે ન જ ચડી. બોન્સાઇ વિશેનું મસ્ત-માર્મિક- નર્મમર્મયુક્ત લખાણ વાંચીને ફરી એક વાર એ યાદ આવ્યું.

  ReplyDelete
 7. superb Birenbhai, gardening or bonsai cultivation is not my cup of tea. but ur style (weaving of info) always attract me. ekdam saras, dada!

  ReplyDelete
 8. your interest in any subject takes your reader closer to you. you are indeed a gifted person.keep on writing and we'll certainly keep on reading you!

  ReplyDelete
 9. બોન્સાઈ વિશે જાતઅનુભવથી ભરી માહિતી અને વિશ્લેષણ ખૂબ આસ્વાદ્ય છે. નર્મમર્મ પણ નજાકતભર્યો.

  ReplyDelete
 10. Biren, thoroughly enjoyed the post. And the photos made it all the more interesting. Keep up the good work (blog and bonsai both) :)

  ReplyDelete
 11. and sorry but got a chance to visit the blog just today. Loved the name: Palette: anek rango ni anayas melavani.

  ReplyDelete
 12. it was always pleasure to read your articles on versatile & diverse topics...among these, this one is so superb. I will suggest my father to read this one, who is horticulturist by profession & hobby... Nirlep - Doha - Qatar

  ReplyDelete
 13. i guess a small correction, just went through your earlier posts.
  the banyan tree of nagji patel is a stone sculpture and not terracotta. in fact nagjibhai specialises in stone sculptures of large dimensions, his abacus at akshar chowk is also stone.

  ReplyDelete
 14. Ayesha, Thanx for pointing the correction. It has been implemented.

  ReplyDelete
 15. Dear Biren, I am not able to recall that circus case. Yes, we talked a lot about circus and Jitu Zand.Yes with your write up we can see circus now also.

  ReplyDelete
 16. Vipul,
  Thanx. It means Pradip or Jayant would be there.

  ReplyDelete
 17. બિરેનભાઈ, જે બીજું નામ તમે પૂછ્યું છે તે કદાચ સપ્તપર્ણી. અને કપોક એટલે ગુજરાતીમાં શીમળો, તેને સુંદર લાલ ફૂલો આવે અને તેનું રૂ રેશમી હોય....

  ReplyDelete