Showing posts with label સર્કસ. Show all posts
Showing posts with label સર્કસ. Show all posts

Wednesday, March 5, 2025

હીરો સે જોકર બન જાના પડતા હૈ

વડોદરામાં આજકાલ 'જોરો શોરો થી ચાલતા' 'ગ્રેટ ગોલ્ડન સર્કસ' વિશે ખબર પડી ત્યારથી નક્કી કરેલું કે એ સપરિવાર જોવા જવું, કેમ કે, સર્કસથી વધુ સપરિવાર મનોરંજન કોઈ લાગ્યું નથી. સર્કસ એટલે વિશુદ્ધ અને સાતત્યપૂર્વકનું મનોરંજન. એક વાર બેઠક પર ગોઠવાયા પછી શો પતે ત્યારે જ ઊભા થવાનું. આ અગાઉ 2011માં વડોદરામાં સર્કસ આવેલું અને સપરિવાર જોવા ગયેલાં. એ પછી એના વિશે બે પોસ્ટ પણ લખેલી. એ વાતને ચૌદ વરસ વીત્યાં.

સર્કસ વિશે જેટલી વાર વિચારું એટલી વાર મનમાં અનેક સવાલો પેદા થાય, પણ કદી એની મુલાકાત લઈને જવાબો મેળવવાનું બન્યું નથી. ગઈ કાલનું સર્કસ જોતાં કેટલાંક નીરિક્ષણો અનાયાસે નોંધાયા. 

તંબુનો ઘટેલો વિસ્તાર 

સર્કસમાં પશુપક્ષીઓનો ઊપયોગ પ્રતિબંધિત થયો એ પછી એનું આકર્ષણ ઓસરે એ સ્વાભાવિક છે, પણ એમ છતાં સર્કસ ટકી રહ્યું છે. એનો અર્થ એ કે તેમણે બીજા પ્રયોગો ઊમેરીને આકર્ષણ ટકાવી રાખ્યું હશે. સર્કસનો માહોલ એવો હોય છે કે સ્થળ પર પહોંચીએ ત્યારથી જ આપણા મનમાં સર્કસ ચાલુ થઈ ગયું હોય.

સર્કસની એક ઓળખ એટલે આવા અસંખ્ય ટેકા 

મુખ્યત્વે દક્ષિણ ભારતીય શૈલીએ દોરાયેલાં 'પોપ આર્ટ' પ્રકારનાં સર્કસના ખેલ દર્શાવતા હોર્ડિંગ્સ એમાં ઊમેરો કરે. ગઈ કાલના સર્કસમાં હવે એ સ્થાન ફોટોગ્રાફ્સે લીધેલું જણાયું. એટલે કે તંબુની બહાર મોટા મોટા ફોટોગ્રાફ્સ ફ્લેક્સ કે બીજી કોઈ સામગ્રી પર જોવા મળ્યા. આ ઊપરાંત તંબુનું કદ પણ ઘણું નાનું લાગ્યું. ટિકીટ લઈને દરવાજામાંથી તંબુ સુધીના પેસેજ પરથી પસાર થતાં આસપાસ જે વિશિષ્ટ પ્રકારની ગંધ (મોટે ભાગે પ્રાણીઓની લાદની) આવતી તે સદંતર ગાયબ હતી, અને પેસેજમાં બન્ને બાજુએ વિવિધ કાર્ટૂનપાત્રો દર્શાવતાં આદમકદ ફ્લેક્સ લગાવેલાં હતાં. સર્કસમાં એની પોતાની એક આગવી 'પોપ આર્ટ' જોવા મળતી એનું સ્થાન હવે વધુ 'ફિનિશ્ડ' ડિજીટલ આર્ટે લીધું છે. 

દરવાજાથી તંબુ તરફનો પેસેજ 

તંબુમાં પ્રવેશ્યા પછી બેઠકવ્યવસ્થા પણ પ્રમાણમાં મર્યાદિત જણાઈ. પહેલાં જેનું ખાસ આકર્ષણ હતું એ 'ગેલરી' એટલે કે 'પગથિયાં'ની જેમ ગોઠવેલી પાટલીઓ નહોતી. તેને બદલે બધે જ પ્લાસ્ટિકની ખુરશીઓ આવી ગઈ છે. આને કારણે જાણે કે તંબુ સંકોચાઈને નાનો થઈ ગયો હોય એમ લાગ્યું. 

બાળપણમાં સર્કસની અંદરનું એક મહત્ત્વનું આકર્ષણ 'લાઈવ મ્યુઝીક' હતું, જેમાં મુખ્યત્વે એક ડ્રમર અને એક સેક્સોફોનવાદક અનિવાર્યપણે હોય જ. તેને બદલે હવે 'પ્રિ રેકોર્ડેડ મ્યુઝીક' સમગ્ર શો દરમિયાન સંભળાતું રહ્યું. 

સર્કસના ખેલમાં મુખ્યત્વે સંતુલન અને અંગકસરતના દાવ હતા. એકાદ જાદુની આઈટમ. એ અનુભવાયું કે હવે મનોરંજન આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ ગયું છે એવા સમયમાં કૌતુકપ્રેરક ખેલ શોધવા પડકારજનક છે. પ્રેક્ષકોની સાવ પાંખી સંખ્યા જોયા પછી એમ કરવાનો ઉત્સાહ ટકવો મુશ્કેલ છે. 

જમાનાને અનુરૂપ 'સેલ્ફી' લઈને 'ઈન્‍સ્ટા' પર
મૂકવાનું સૂચન 

સમગ્રપણે સર્કસમાં માનવબળ ઘણું ઓછું જણાયું. અગાઉના સર્કસમાં રીંગની બહાર ઊભા રહેતા અને વિવિધ ખેલની ચીજવસ્તુઓ ગોઠવતા લોકો પંદરવીસ તો રહેતા! હવે તો એ સાવ પાંચ-સાત હોય એમ લાગ્યું. એ જ રીતે ખેલાડીઓની સંખ્યા પણ ઘટેલી લાગી. એકનું એક જૂથ વસ્ત્રો બદલીને ત્રણ-ચાર આઇટમ રજૂ કરવા આવે એ સામાન્ય લાગ્યું. 

સર્કસમાં સૌથી મજા હોય એમાં જોવા મળતી ચિત્રવિચિત્ર વસ્તુઓ કે સાધનોની. આ વખતે એ સાવ ઓછી જોવા મળી. 'મોતનો ગોળો' અને એમાં ચાલતી બાઈક હંમેશાં ભયપ્રેરક કુતૂહલ જન્માવતાં રહ્યાં છે. 

સર્કસમાં એક મુખ્ય આકર્ષણ ઝૂલાના ખેલનું હોય છે. આ સર્કસમાં છેલ્લે દેખાડાયેલા એ ખેલમાં ગણીને માત્ર ચાર જ કરતબબાજો હતા, અને એમાં એક તો જોકર. એટલે ત્રણ જ ઝૂલાબાજોએ સાવ ઓછા સમય માટે ખેલ દેખાડ્યો. 

પ્રાણીઓનો ખેલ બંધ થયો એ સાથે જ રીંગ માસ્ટર પણ લુપ્ત થયા હશે. 

બધું મળીને બે કલાકમાં સર્કસનો ખેલ પૂરો થયો. અમને એમ લાગ્યું કે સર્કસમાં લોકોનો રસ કદાચ ઓછો થયો હોય કે એમને ટકી રહેવાનો સંઘર્ષ હોય એને લઈને, પણ ખેલનું વૈવિધ્ય ઘટ્યું છે, એમ ચોકસાઈ પણ ઘટી છે. 

ભલે એમ હોય તો એમ, પણ સર્કસની એક આગવી મજા છે જ.  

     

Sunday, July 3, 2011

સર્કસસંહિતા-૨

(પોસ્ટકાર્ડ પર ચિત્રાંકનો: શચિ કોઠારી)  

I know what comes next
આપણે ક્યાં હતા? હા, સીટમાં ગોઠવાઈ ગયા પછી એક ઘંટડી વાગી ગઈ છે. ત્રણ-ચાર મિનીટ પછી બીજી ઘંટડી વાગે એ સાથે થોડી ચહલપહલ દેખાય છે. પણ ક્યાં? રીંગમાં પ્રવેશવાના પડદા વડે બનાવેલા દ્વારની ઉપર બનાવેલા સાજિંદાઓ માટેના પ્લેટફોર્મ પર સાજિંદાઓ ચડતા દેખાય. ત્રણેક સાજિંદાઓ બહુ થઈ ગયા. એ લોકો સીડી ચડીને ઉપર આવે, પોતપોતાની જગા પર ગોઠવાય, વાદ્યોની ઝાપટઝૂપટ કરે અને પોઝીશન લે એ સાથે વાગે છે ત્રીજી ઘંટડી. અને પેલા સાજિંદાઓ મચી પડે છે. એક જણ સેક્સોફોન વગાડે, એક જણ ડ્રમ પર હોય અને એક જણ કેસીયો વગાડે. (કોઈ પણ કંપનીના કીબોર્ડને આપણે ત્યાં કેસીયો તરીકે જ ઓળખવામાં આવે છે.) આ સાજિંદાઓમાં સૌથી મહત્વની ભૂમિકા ડ્રમરની હોય છે. થોડી થોડી વારે એ ડ્રમ પર ડ્રઢઢઢઢઢ…....ઠીશ્શ્શ્શ્શ.. (ડીશનો અવાજ) જેવો તાલ વગાડે છે. નાનપણમાં સર્કસ જોઈને આવ્યા પછી ઘેર કંપાસના બે-ત્રણ ડબલાં અને બે સૂકાં દાતણ વડે દિવસો સુધી ડ્રમરની સ્ટાઈલમાં પ્રેકટીસ કરવાની મઝા જ જુદી હતી. એ વખતે દિવસો સુધી ડ્રમર બનવાનાં સપનાં આવતાં. સર્કસની અંદરની સાઉન્ડ સીસ્ટમ પણ બહાર વાગતી સાઉન્ડ સીસ્ટમ જેટલી જ નબળી હોય છે. સર્કસમાં ડીજીટલ સાઉન્ડનો ઉપયોગ કદાચ શરૂ થયો નથી લાગતો. એમાં લાઈવ સન્ગીતની વચ્ચે ક્યારે રેકોર્ડેડ ગીત-સંગીત શરૂ થઈ જાય એનો ખ્યાલ જ ન રહે.
સાજિંદાઓ તરફ નજર કરીએ ત્યાં ત્રીજી ઘંટડી વાગે એ સાથે જ સંગીત શરૂ થાય, પડદો ઊંચકાય અને છોકરા-છોકરીઓનું ટોળું હાથ ઊંચા કરતું રીંગમાં ધસી આવે. પહેલાં તો એક વાત નક્કી રહેતી. આગળના શોમાં જે આઈટમ છેલ્લી દેખાડાઈ હોય એ આઈટમ પછીના શોમાં પહેલી હોય. મોટે ભાગે પહેલી અને છેલ્લી આઈટમ તરીકે ઝૂલા અને વાઘસિંહના ખેલ જ હોય. હવે વાઘસિંહ બંધ થયા છે. વાઘસિંહનો ખેલ હોય તો પાંજરાં ઉભા કરાયેલાં જ હોય અને ઝૂલાનો ખેલ હોય તો જાળીઓ બંધાયેલી હોય, એ જોઈને ખ્યાલ આવી જાય કે પહેલું શું આવશે.
સર્કસની રીંગની અંદર, ઊપર અને આજુબાજુ એવી એવી અને એટલી બધી ચીજો હોય કે ઘણી વાર જે આઈટમ રજૂ થતી હોય એને બદલે બીજી ચીજો પર નજર વધુ રહે અને એનો કઈ આઈટમમાં ઉપયોગ થશે, એનું અનુમાન કરવાની મઝા આવે. બીજી મઝા જે આઈટમ રજૂ થઈ રહી હોય એના પછી કઈ આઈટમ આવશે, એનું અનુમાન કરવાની હોય. અને આ અનુમાન શેને આધારે કરવાનું? એને માટે રીંગમાં પ્રવેશવાના પડદા તરફ જોયે રાખવાનું. એ પડદો પડેલો હોય, પણ પવનને કારણે વારેવારે ઊડાઊડ થતો હોય. પછીની આઈટમવાળા ખેલાડીઓ કે તેને લગતી ચીજવસ્તુઓ પડદા પાછળ આવી ગઈ હોય. ઊડાઊડ કરતા પડદા પાછળથી એની એકાદ ઝલક પણ નજરે પડી જાય એટલે સર્વજ્ઞની અદાથી કહેવાનું: આના પછી સાઈકલ ચલાવતી છોકરીઓ આવશે અથવા હવે તોપના ગોળાવાળો ખેલ આવશે.
એ વખતે સર્કસમાં કામ કરતા તમામ જોકરો ચેપ્લીન તરીકે ઓળખાતા. ત્યારે અણસાર સુદ્ધાં નહોતો કે આવી ભવ્ય અંજલિ ચાર્લી ચેપ્લીન માટે છે! એક પછી એક આઈટમ રજૂ થતી જાય, સર્કસની ઓરકેસ્ટ્રા પર જૂના-નવાં ગીતો વાગતાં જાય. કયું ગીત વાગી રહ્યું છે એ શોધવાની નિષ્ફળ કોશિશ પણ સાથે જ થતી રહે. કમ સપ્ટેમ્બરની અતિ વિખ્યાત ધૂન પહેલવહેલી કદાચ કોઈક સર્કસમાં જ સાંભળ્યાનો ખ્યાલ છે. ( આ મૂળ ધૂન સાંભળવા અહીં ક્લિક કરો.)

 
  એ ઉપરાંત બીનાકા ગીતમાલાના શીર્ષકસંગીત તરીકે વગાડાતું કોઈક અંગ્રેજી ઓરકેસ્ટ્રાનું સંગીત સર્કસમાં અચૂક હોય જ. હમણાં સર્કસમાં ડ્રમ અને સેક્સોફોન પર તીસરી કસમનું સજનવા બૈરી હો ગયે હમાર સાંભળવા મળ્યું. આ ગીત આવાં વાદ્યો પર, આટલાં વરસો પછી બીજે ક્યાંય નહીં અને સર્કસમાં વાગે એવો તો અંદાજ જ ક્યાંથી હોય?
સર્કસમાં વિવિધ આઈટમોની સમાંતરે સતત ચાલતી ઘોષણાઓ બહુ રમૂજપ્રેરક હોય છે. દક્ષિણ ભારતીય ઉચ્ચારોની છાંટ સાથે કાં હિંદીમાં, કાં ગુજરાતીમાં વિવિધ માહિતી આપવામાં આવતી રહે, જેમ કે, હીપ્પો રોજનું કેટલા કિલો ઘાસ ખાય છે, કઈ આઈટમ કયો ખેલાડી રજૂ કરે છે વગેરે.. આમાંથી ભાગ્યે જ કશું સમજાય. ક્યારેક કશું સમજાય તો પણ આઈટમનું નામ તો કદી ન સમજાય. સામાન્યપણે તમામ ખેલાડીઓ- સ્ત્રીઓ કે પુરુષો ચમકદમકવાળો પોષાક પહેરેલાં જોવા મળે અને સ્પોટ લાઈટના ફોકસમાં એ વધુ ઉઠાવ આપે છે, પણ આનાથી તદ્દન સામા છેડાનો વિરોધાભાસ હોય છે સરકસમાં બાકીનું કામ સંભાળતા સ્ટાફના માણસો, જેમણે વિવિધ વસ્તુઓ ફટાફટ પાથરવાની, ગોઠવવાની કે સંકેલવાની હોય છે. સાવ સાદા પેન્ટ-શર્ટ અને મોટે ભાગે પગમાં સ્લીપર પહેરેલા આ માણસો રીંગમાં જ એક બાજુએ મોજૂદ હોય છે. એમની કામ કરવાની ચપળતા, ઝડપ અને ટીમવર્ક જોઈને નવાઈ જ લાગે. પંદર-વીસ જણા સાથે કામ કરતા હોય, પણ દરેકને પોતે શું કામ કરવાનું છે, એની ખબર હોય અને એમાં ક્યાંય સમજફેર થતી જોવા ન મળે. ઘણી વાર એમ થાય કે આ માણસોને, અથવા એમના મેનેજરને કોઈ સંસ્થાનું, રાજ્યનું કે દેશનું સુકાન સંભાળવા આપી દઈએ તો કદાચ એ આવી જ શિસ્તથી એ કામ પણ કરી દેખાડે. પહેલાં આવો વિચાર તુક્કા સમાન લાગે, પણ હવે લાગે છે કે અખતરા પૂરતુંય આવું કરી જોવું જોઈએ. દેશની હાલત અત્યારે છે, એનાથી વધુ ખરાબ તો નહીં જ થાય!    
વરસોજૂનું સદાબહાર આકર્ષણ એટલે ઝૂલા
સર્કસમાં ચાલુ ખેલે આવતા ફેરીયાઓ પણ કમાલના હોય છે. મોટે ભાગે એ લોકો સર્કસ સાથે સંકળાયેલા હશે, તો જ આ રીતે ચાલુ ખેલે અંદર ફરી શકે. આ ફેરીયાઓ નાનાં બાળકો જુએ એટલે જાણે કે ભેટ આપતા હોય એમ એમના હાથમાં આઈસ્ક્રીમનો કોન કે ફ્રુટીનું પેક કે પોપકોર્નનું પેકેટ થમાવી જ દે. બાળક બિચારું એ લઈ લે. કદાચ ખાવાય માંડે, ત્યાં એના માબાપનું ધ્યાન જાય. બાળકે ખાવાનું શરૂ કરી દીધું હોય તો એ ચીજના પૈસા ચૂકવ્યા વિના છૂટકો નહીં. ખાવાનું શરૂ ન કર્યું હોય અને એ પાછું ફેરીયાને આપવા જાય તો બાળક જીદ કરે કે એ અપાવો જ.
સર્કસના ફેરીયાનો એક અનુભવ યાદ રહી ગયો છે. અમે પાંચ-સાત મિત્રો એક વાર સર્કસ જોવા નડીયાદ ગયેલા. એની ટિકીટ પર શાળામાંથી કન્સેશન મળેલું, એટલે ગણતરી એવી હતી કે ત્રણએક રૂપિયામાં બધું થઈ પડશે. ત્રીસ-બત્રીસ વરસ પહેલાંની વાત. એ વખતે મહેમદાવાદથી નડીયાદની ટ્રેનની અડધી ટિકીટ ૬૦ પૈસા હતી. પચાસ પૈસા કે બાર આનાની કન્સેશન ટિકીટ સર્કસની. ચાલુ સર્કસે આઈસ્ક્રીમ વેચતા ફેરીયાઓ જોઈને એક મિત્રે આઈસ્ક્રીમનો ભાવ પૂછ્યો. ફેરીયાએ અંગ્રેજીમાં કહ્યું, ટ્વેન્ટી ફાઈવ (પૈસા). અમને થયું કે આ ભાવમાં ખોટું નહીં. એટલે અમે ત્યાં જ પૈસા ઊઘરાવ્યા અને છ કે સાત આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. ફેરીયાએ પૈસા લેવાને બદલે અમને પહેલો આઈસ્ક્રીમ આપ્યો અને કહે, પહલે ખા લો. અમને શી ખબર કે એ આવું કેમ કહે છે? એટલે અમે તો ખાવા માંડ્યા. અમે ખાધો ત્યાં સુધી એ ઉભો રહ્યો. જોતજોતામાં અમે આઈસ્ક્રીમ પૂરો કર્યો અને પૈસા ચૂકવવા ગયા, એટલે ફેરીયો કહે, વન ટ્વેન્ટી ફાઈવ. એટલે કે એક આઈસ્ક્રીમના એક રૂપિયો ને પચીસ પૈસા. અમારાં તો મોતિયાં મરી ગયાં. અમે દલીલ કરી કે તમે પચીસ પૈસા કહ્યા એટલે જ અમે તો આઈસ્ક્રીમ લીધેલો. બાકી તો લેત જ નહીં ને! એ કહે, પચીસ પૈસામાં આઈસ્ક્રીમ આવતો હશે?” અમે ગમે એમ તોય કન્સેશન ટિકીટવાળા બાળકો હતા. એણે અમને બધાને ઉભા કર્યા અને કહ્યું, ચાલો, બહાર. અમે ગભરાયા, પણ છૂટકો નહોતો. એની પાછળ પાછળ બહાર નીકળ્યા. સર્કસના મેદાનમાં જ આઈસ્ક્રીમની દુકાન જેવું હતું,ત્યાં એ અમને લઈ ગયો. ત્યાં બે-ચાર માણસો એના સાગરિતો જેવા ઉભેલા. એમાંના એકાદની મૂછ ખાસ્સી લાંબી (ક્રિકેટર બ્રીજેશ પટેલ જેવી) હોવાથી એ બધાના સરદાર જેવો લાગતો હતો. ફેરીયાએ એ સરદારને બધી વાત કરી. અમે પણ અમારી વાત રજૂ કરી,પણ અમારું સાંભળે કોણ? અમને એ લોકો ફિલ્મી ગુંડા જેવા જ લાગે. છેવટે એમણે તોડ કાઢતાં કહ્યું, ચાલો, તમારાં ખિસ્સાં ખાલી કરો અને જે પૈસા હોય એ આપી દો. ગભરાતાં ગભરાતાં સૌએ આઠ આના, ચાર આના કે જે નીકળ્યું એ કાઢ્યું અને એ ગેંગને આપ્યું ત્યારે છૂટકારો થયો. પણ આ ઘટનાથી સર્કસ જોવાની મઝા બગડી ગઈ. ઘેર તો આ અંગે વાત કરવાનો પ્રશ્ન જ ન હતો. એ ઘટના યાદ કરવી પણ ન ગમતી એટલે એ વખતે હાજર હતા એમાંના કોઈ મિત્ર સાથે ભાગ્યે જ એ અંગે પછી વાત નીકળી છે. પ્રદીપ (પંડ્યા), વિપુલ (રાવલ) કે જયંત (પટેલ)માંથી કોણ આ વખતે હતું એ બરાબર યાદ નથી. એ લોકો આ વાંચે અને જણાવે તો ખ્યાલ આવે. 
મોતના ગોળામાં ક્યારેક એક તો ક્યારેક બે સવારીઓ:
એક અક્ષાંશ પર, બીજો રેખાંશ પર.

હાથી મેરે સાથી ફિલ્મ આવી એ અરસામાં સર્કસમાં શિવપૂજા કરતા હાથીઓની આઈટમ સુપરહીટ હતી. એમાંય આગલા બે પગે આગળ નમીને નમન કરતો હાથી જોઈને ભારે આશ્ચર્ય થતું. હાથીની સૂંઢ પાછળ આવેલા મોંની ફાટનો વળાંક કુદરતી રીતે જ એવો હોય છે કે હાથી હસતો હોય એવું જ લાગે. ઘણા માણસોના હોઠનો આકાર પણ એવો જ હોય છે. હવે ક્રિકેટના યુગમાં હાથીને બોલબેટ રમાડાય છે.
અમારા ગામમાં જીતુકાકા નામે એક સજ્જન હતા મારા પપ્પાની ઉંમરના. છએક ફીટ ઊંચાઈ. એટલે અમે નામ પાડેલું 'જીતુ ઝંડ'. પપ્પાએ એક વાર માહિતી આપેલી, આ જીતુ નાનપણથી બહુ અવળચંડો હતો. એક વાર એ સર્કસ જોવા ગયેલો અને વાઘસિંહનો ખેલ આવ્યો, ત્યારે આ વાંદરપૂંછડાએ સિંહનું પૂછડું ખેંચેલું. સિંહે પૂંછડાની જોરથી ઝાપટ મારેલી,તે એની આંખ આગળ હજીય એનું નિશાન છે. આ માહિતી જાણ્યા પછી જીતુકાકા જ્યારે પણ રસ્તામાં મળે ત્યારે હું અને વિપુલ એની નજીક જઈને પેલી નિશાની શોધવાનો પ્રયત્ન કરતા. એમની આંખ પાસે કદાચ બે-ત્રણ નિશાની હતી, એટલે અમે અનુમાન કરતા કે કઈ નિશાની સિંહવાળી હશે.
સર્કસના ખેલની વિવિધ આઈટમોનું વર્ણન કરવા કરતાં મન પર રહેલી એની છાપ ઉપસાવવાનો આ પ્રયત્ન છે. હવે આજે સર્કસ જોતાં જુદી જાતનું વિસ્મય અનુભવાય છે. આટલા બધા માણસો એક રસોડે જમે, એમના બે ટંકના ખોરાક જેટલો ખોરાક તો એક હાથીનો જ હોય, અને એવા ચાર-પાંચ હાથીઓ હોય, બીજાં પ્રાણીઓ હોય, તો સર્કસનો માલિક કેટલા રૂપિયા કમાય ત્યારે બ્રેકઈવન પર પહોંચતો હશે? ગમે એવી ગણતરી કરતાંય આનો અંદાજ મળતો નથી. એટલે પછી જ્યારે સર્કસ આવે ત્યારે સર્કસ જોવા પહોંચી જઈએ છીએ અને એ રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે આપણી ટિકીટમાંથી સર્કસના લોકોને એક ટંકનો રોટલો પૂરો પાડ્યાનો સંતોષ લઈએ છીએ.
(હજી ફિલ્મોમાં કે ટી.વી.માં સર્કસનો વિષય તો ઉખેળ્યો જ નથી, પણ એ ફરી ક્યારેક)

Thursday, June 30, 2011

સર્કસસંહિતા


સેલ્ફ મેઈડ સ્ટ્રક્ચર
ટી.વી. પર દેખાડાતા જાતભાતના શો તેમજ વૈવિધ્યસભર ચેનલને કારણે હવે મોટે ભાગે બાળકોમાં વિસ્મયનો લોપ થતો જાય છે. તેમને કોઈ વસ્તુ નજર સમક્ષ જોવા મળે તોય વિસ્મય પામવાને બદલે તેઓ આવું તો પેલી ચેનલ પર બતાવે જ છે ને!’ જેવા રીઢો પ્રતિભાવ આપતાં જોવા મળે છે. વયસ્કો પણ આમાંથી બાકાત નથી. અમુક જરૂરી વસ્તુ માટે પૈસા ખર્ચવાના આવે ત્યારે તેઓ કહી દે છે, અરે, આની પાછળ તો આટલા પૈસા ખર્ચાતા હશે? ડીસ્કવરી પર આનાથીય સરસ બતાવે છે. આટલા રૂપિયામાં તો મારા ને તારા પિત્ઝા આવી જાય.
આમ છતાં, અમુક વસ્તુઓ મારા જેવા માટે સદાય વિસ્મયકારક હોય છે. આમાં તરત યાદ આવે એવી બે મુખ્ય બાબતો એટલે જાદુનો ખેલ અને સર્કસ. આપણને ખબર હોય કે જાદુબાદુ જેવું કંઈ હોતું નથી અને બધી હાથચાલાકી જ હોય છે. તેમ છતાંય જોતી વખતે એની સરત રહેતી નથી અને એમાં ઓતપ્રોત થઈ જવાય છે. એ વખતે આમાં શી નવાઈ? એ તો અમુકતમુક રીતે કરતા હશે એવું કહીને આપણે વિજ્ઞાનના માણસ છીએ એવું (આપણી જાત આગળ જ) દેખાડવાનું ગમતું નથી.
એવું જ સર્કસનું છે. બલ્કે એથી વધારે. ગામમાં કે શહેરમાં સર્કસ આવે એટલે પહેલાં તો છાપામાં એની જાહેરખબરો જોઈને મનમાં માહોલ બંધાવા લાગે. ફરતી રીક્ષામાં થતી સમજાય નહીં એવી ભાષામાં થતી જાહેરાતો, રીક્ષામાંથી ફેંકાતા સાવ રદ્દી, પાતળા, મોટે ભાગે પીળા રંગનાં ચોપાનિયાં, એમાં કાળા ધાબા જેવા છપાયેલાં એકાદ બે ચિત્રો, જેમાં એકાદું ચિત્ર હાથીનું હોય એવો ખ્યાલ આવે અને એકાદમાં કોઈક છોકરીને અંગકસરતના દાવની મુદ્રામાં દેખાડી હોય. સર્કસની એક નિરાંત હોય. એનો મુકામ લાંબા સમય માટે હોય. એટલે મનમાં ધીમે ધીમે એ જોવાની તૈયારી થતી રહે. ફિલ્મની જેમ નહીં કે એક અઠવાડિયામાં જોઇ લેવી પડે, નહીંતર ઊડી જાય. 
આ હાથી અંદર કામ કરે છે.
સર્કસ એટલે સહકુટુંબ પિકનીક માટે જવાનું સ્થળ. તમે ક્યારેય કોઈ પ્રેમીપંખીડાને સર્કસમાં એકાંત શોધતા જોયા? કુટુંબકબીલાવાળા જ અહીં વધુ જોવા મળે. સર્કસ જોવાની ખરી મઝા રાતના છેલ્લા શોમાં. સાંજના શોમાંય ચાલે. પણ રાત્રે એનો ઠાઠ જુદો જ હોય. રાત પડે એટલે અમુક સર્કસવાળા ફોકસ લાઈટ ચાલુ કરે,જેનો શેરડો દૂર દૂર સુધી પડે. એ શેરડો ફળિયામાં પડે કે ઓટલે બેઠેલા છોકરાઓ ઓય ઓય કરીને બૂમો પાડે. સર્કસ જોવા જઈએ એટલે દૂરથી એના તંબૂ પર કરેલી રોશની જોઈને દિલ ખુશ થઈ જાય. જેમ નજીક જઈએ એમ આદમ કદનાં ચિત્રો મૂકેલાં દેખાય, જેમાં મોં ફાડીને ઉભેલો, બે મોટા દાંત દેખાડતો  હીપ્પોપોટેમસ તો હોય જ. એકાદ બે જોકરના ચહેરા દોરેલા જોવા મળે. મોટરસાયકલ અને જીપના સ્ટંટનાં દૃશ્ય પણ ચીતરેલા જોવા મળે. પહેલાં સાયકલ ચલાવતા રીંછનું કે વાઘનું ચિત્ર ખાસ જોવા મળતું. આ ચિત્રો અને દક્ષિણ ભારતીય ફિલ્મોનાં પોસ્ટરની શૈલી સરખી જ લાગે. તેનાં રંગોનું સંયોજન, ચહેરા બધું દક્ષિણ ભારતીય જણાય. સર્કસની ખરી મઝા એ હોય કે અહીં એકે એક ચીજો સર્કસના જ માણસોએ ઈનહાઉસ તૈયાર કરેલી હોય. ટિકીટબારીથી જ શરૂ કરો ને! પતરાં મારીને બનાવેલી કેબીન, પાંજરા જેવી જાળીની પાછળ લાલ,પીળા, લીલા વગેરે જેવા રંગોની ટિકીટોની થપ્પી લઈને બેઠેલો દક્ષિણ ભારતીય ચહેરાવાળો માણસ, ટિકીટબારી પર લખેલા વિચિત્ર ગુજરાતી અક્ષરોમાં ટિકીટના દર વગેરે. રનીંગ લાઈટોની રોશની હોય, એની સાથે સાથે ડીઝલથી ચાલતા જનરેટરનો તાલબદ્ધ ઢકઢક, ઢકઢક અવાજ ભળી ગયો હોય, અને સાઉન્ડ સીસ્ટમ પર ન સમજાય એવાં હિંદી ગીતો વાગી રહ્યાં હોય.
ટિકીટબારી પર લાંબી લાઈન ભાગ્યે જ જોવા મળે. ટિકીટ લઈને લોખંડના ઉભા કરેલા પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થઈએ એટલે લાંબો પેસેજ હોય. અહીં પ્રવેશતાં જ ઘાસ, પ્રાણીઓની લાદ વગેરેની મિશ્ર સુગંધ આપણા નાકમાં પ્રવેશી જાય. આ પેસેજની બન્ને બાજુએ બે-ચાર હાથી, ત્રણ-ચાર ઘોડા અને ઊંટ બાંધેલા હોય અને એ ઘાસ ખાતા હોય. એની પાછળ અસંખ્ય નાના નાના તંબૂઓ બાંધેલા જોવા મળે. આ જોઈને જ જલસો પડી જાય અને સર્કસના માહોલમાં પ્રવેશી ગયા હોઈએ એવું લાગે. વિચાર તો કરો. સિનેમામાં આવું શક્ય છે? શોલે જોવા જઈએ અને સિનેમાગૃહમાં દાખલ થતાં પહેલાં બહાર પેસેજની આસપાસ સંજીવકુમાર, અમિતાભ, ધર્મેન્દ્ર, અમજદ, હેમા માલિની, જયા બચ્ચન વગેરે બેસીને સમોસાં ખાતાં જોવા મળે ખરા?
સર્કસના લાંબા પેસેજમાં ક્યારેક બન્ને બાજુએ વિવિધ તસવીરો પણ લગાડેલી જોવા મળે,જેમાં જે તે સર્કસને મળેલા ઈનામની કે કોઈ વી.આઈ.પી. સાથે સર્કસના માલિકની તસવીર હોય. હમણાં અમે જમ્બો સર્કસ જોવા ગયા ત્યારે એ સર્કસના માલિકની જવાહરલાલ નહેરુ સાથે તેમજ ડૉ. રાધાકૃષ્ણન સાથેની તસવીરો લગાડેલી હતી. એ શું દેખાડે છે? એ જ કે પહેલાંના જમાનાના વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો સર્કસ જોવા તંબૂમાં આવતા હતા. હવે તેમણે એ માટે સંસદની બહાર પણ નીકળવાની જરૂર પડતી નથી. વખત વખતની વાત છે!
લાંબો પેસેજ પસાર કર્યા પછી છેવટે આવે મુખ્ય પ્રવેશદ્વાર. દ્વાર શેનું? લાંબા લાંબા પડદાને એક બાજુએ ભેગા કરીને બાંધી દીધા હોય. અહીંથી જ વિવિધ દરવાળી ટિકીટના વિભાગ પડે. આ દ્વાર પર એટલી બધી સંખ્યામાં સર્કસના માણસો ઉભેલા જોવા મળે કે ભૂલથીય સસ્તી ટિકીટવાળો મોંઘી ટિકીટવાળા વિસ્તારમાં પહોંચી ન જઈ શકે. મલ્ટીપ્લેક્સ થયા પછી તો એ બાબતેય સર્કસમાં સુખ લાગે છે કે અંદર પ્રવેશતાં કોઈ તમારા થેલા તપાસતું નથી કે એમાંની ખાદ્યચીજો બહાર મૂકાવતું નથી. જો કે, મલ્ટીપ્લેક્સમાં આવું થાય છે અને એની સામે કોઈને વાંધો પડતો નથી, એ પણ સર્કસ કે જાદુ જેવા જ વિસ્મયની વાત કહેવાય.
તંબૂ મેં બમ્બૂ
રીંગની સૌથી નજીક સૌથી મોંઘા દરની ટિકીટ હોય છે. ઘણા બધા મધ્યમવર્ગીઓ પોતાને આ ટિકીટનું પોસાણ છે, પણ પોતે એ કેમ ખરીદતા નથી, એનું સજ્જડ કારણ આપે છે: આ તો સર્કસ છે, ભાઈ! વાઘસિંહ કે રીંછ જેવા જંગલી પ્રાણીઓ ભૂલેચૂકે વિફરે અને આપણે નજીક બેઠા હોઈએ તો?” અમુક આરોગ્યપ્રેમી લોકો કહે છે: રીંગની નજીક બેસીએ એટલે ધૂળ બહુ ઉડે. અને હાથીબાથી પોદળા પાડે તો નકરી ગંધ આવે. ભઈ, પૈસા આપીને ઉપરથી આવી ગંધ લેવાની? જા, ભઈ જા. હેમ્લેટીયા મનોવૃત્તિવાળા અમુક પ્રેક્ષકો વચ્ચેના દરવાળી ટિકીટ ખરીદે છે, જેથી પોતે ગરીબીરેખામાં નથી આવતા, એવો સંતોષ એમને પોતાને થાય અને શો ચાલુ થયા પછી આગળની બેઠકો ખાલી હોય તો કૂદીને એમાં ક્યાં બેસી નથી જવાતું? હકીકત એ છે કે સર્કસ જોવાની અસલી મઝા છે ગેલેરી તરીકે ઓળખાતી ઊંચાઈવાળી પાટલીઓ પર, જેનો દર સૌથી ઓછો હોય છે. એ સૌથી છેલ્લે હોય એ વાત બરાબર, પણ એ પગથિયાંની જેમ ઊંચાઈમાં ગોઠવેલી હોવાથી કોઈનું માથું વચ્ચે નડતું નથી કે નથી કોઈ ફેરિયો ત્યાં આવતો. ચાલુ સર્કસે આવતા ફેરીયાઓનીય એક અલગ તાસીર હોય છે. એની વાત પછી. 
તંબૂમાં દાખલ થયા પછી ખરી મઝા છે યોગ્ય બેઠક શોધવાની. અહીં સીટ નંબર તો હોય નહીં. અને આખો તંબૂ એટલા બધા વાંસડાઓના ટેકે ઉભો કરેલો હોય કે બેઠા પછી કોઈ વાંસડો વચ્ચે ન નડે એનું ખાસ ધ્યાન રાખવું પડે. અમુક જાણકારો તો એ પણ જાણતા હોય કે અહીં બેસીશું તો ઝૂલાનો ખેલ બરાબર દેખાશે,પણ જીપ કૂદાવવાવાળી આઈટમ જોવાની મઝા નહીં આવે.
 ગેલેરીમાં બેસનારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય  છે કે ચાલુ ખેલે થેલામાંથી કોઈ વસ્તુ કાઢીને તેઓ પોતે ખાવા જાય કે સાથીદારને આપવા જાય ત્યારે ચમચી કે બોટલ કે બીજી કોઈ ચીજ નીચે પડી ગઈ તો ખલાસ!  એને  લેવા માટે તંબૂની બહાર જઈને પાછળથી આવવું પડે. ગેલેરી પછી સરકસના મુખ્ય  તંબૂનું કાપડ એ રીતે હોય કે નીચેના ભાગમાંથી તંબૂની પાછળનું દૃશ્ય અને હિલચાલ બરાબર દેખાય. ક્યારેક વાઘસિંહના પાંજરા પણ નજરે પડે. અને એમના  ઊંહકારા ' ઉંઅઅઅઅઅ સંભળાય. પહેલાં અમે એને ગર્જના કહેતા, પણ પછી ખ્યાલ આવ્યો કે સર્કસનું કોઈ પણ પ્રાણી જે અવાજ કાઢે એને ઊંહકારો જ કહેવાય. આ ઊંહકારાની નકલ મન થાય તો હજીય અમે ઘરમાં ક્યારેક કરીએ છીએ અને ભૂખ લાગે ત્યારે એવો જ અવાજ કાઢીને વાઘ કે સિંહ ભૂખ્યો થયો છે એવી સૂચના ઘરનાને એક શબ્દની આપ-લે વિના આપીએ છીએ. હવે તો,જો કે, મેનકા ગાંધીને પ્રતાપે એ અવાજો સર્કસમાંથી સંભળાતા બંધ થયા છે. હા, પ્રાણીબાગમાં જઈએ ત્યારે એ સંભળાય છે. પણ આ લુપ્ત થયેલા સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી માટે જાળવી લેવા માટે આપણે સૌએ ઘરમાં કમ સે કમ દિવસમાં એક વાર,મોં ખોલ્યા વિના, પેટમાં ઉંડેથી શક્ય એટલો મોટો અને લાંબો અવાજ કાઢવો જોઈએ. ભલે ને વર્તમાન પેઢીનું જે થવાનું હોય એ થાય!  (આને યુ ટ્યૂબ પર ના મૂકાય! જેને ન ફાવે એ મને કે ઉર્વીશને ફોન કરીને એનો ડેમો સાંભળી શકે. પણ પોતે દિવસમાં એક વાર ઘરમાં આવો અવાજ કાઢવાના હોય તો અને તો જ ડેમો આપવામાં આવશે,જેની સૌએ નોંધ લેવી.)  
અહી થશે ઝૂલાના ખેલ

 પોતાની બેઠક લેવાઈ જાય, સૌ કુટુંબીઓ સર્કસ પૂરતા ઠેકાણે પડી જાય, ત્યાર પછી બધાની નજર રીંગ પર સ્થિર થાય છે. ખેલાડીઓને આવવાના પ્રવેશદ્વાર પર ઢાંકેલો પડદો અને તેની પર ચમકતા જરીવાળા અક્ષરે અંગ્રેજીમાં લખેલું જે તે સર્કસનું ગ્રેટ રેમન સર્કસ’, એપોલો સર્કસ’, ગોલ્ડન સર્કસ જેવું નામ, પ્રવેશદ્વારની બરાબર ઉપર સાજિંદાઓને બેસવા માટેનું પ્લેટફોર્મ, મોટે ભાગે પ્રવેશદ્બારની જમણી બાજુએ ગોઠવેલો જાળીવાળો મોતનો ગોળો’, રીંગની છેક ઉપર બાંધી રાખેલા ઝૂલા, રંગીન ફોકસ ફેંકવા માટેની લાઈટનાં બે પ્લેટફોર્મ, જેના સુધી પહોંચવા માટેની સીડી ઝૂલાના ખેલાડીઓ વાપરે છે એવી જ લટકતી હોય, જીપ કે મોટરસાઈકલ કૂદાવવા માટે મૂકેલું ઢાળવાળું પાટિયું અને ઉપર લટકતી બીજી અનેક ચિત્રવિચિત્ર ચીજો.
એક વાર બેસી જઈએ પછી બંધિયાર તંબૂમાં ખાસ્સો ઊકળાટ થાય છે. હવે સર્કસ ચાલુ થવાની કેટલી વાર, એવું વિચારીને વારંવાર ઘડિયાળમાં સમય જોઈએ ત્યાં ઘંટડી વાગે છે. ટ્રીનનનનનનનનનનન....હવે ગણતરી શરૂ થાય છે કે બસ, બીજી ઘંટડી વાગશે, ત્યાર પછી ત્રીજી અને પછી ખેલ શરૂ.
(સર્કસનો  ખેલ શરૂ થયા પછીની વધુ વાતો હવે પછી...)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)