Tuesday, May 31, 2022

વેસ્ટમાંથી બેસ્ટ નહીં, વધુ વેસ્ટ

અમુક મોસમમાં, ખાસ કરીને ચોમાસામાં બોન્સાઈનાં વડ, ફાયકસ જેવી અમુક પ્રજાતિનાં વૃક્ષોને અસંખ્ય વડવાઈઓ ફૂટતી હોય છે, પણ આમાંથી ભાગ્યે જ કોઈ વડવાઈ લાંબી થઈને કૂંડાની માટી સુધી પહોંચી શકે છે. ફૂટતી વડવાઈઓ જોઈને જે આનંદ થયો હોય એ બધો સૂકાયેલી વડવાઈઓ જોઈને ઓસરી જતો. આનો કોઈક રસ્તો અમે વિચારતા હતા.

ઘરમાં શેમ્પૂની અને એવી ઘણી ચપટી બોટલો ખાલી થતી હોય છે. આ બોટલનું તળીયું અને ટોચ કાપીને એને સપાટ કરી દઈએ અને પડખે કાપો મૂકી દઈએ એ તો એ ભાગ ખુલ્લો થઈ જાય, છતાં એના આકાર મુજબ બીડાયેલો રહે. અમે આવી કાપેલી બોટલને ખોલીને એને થડની આસપાસ ગોઠવી દીધી, અને પછી તેની પર બહારથી તાર વીંટાળીને એને બરાબર બીડી દીધી. આથી થડની આસપાસ બોટલ ગોઠવાઈ ગઈ અને વચ્ચે ઘણી જગા ઉભી થઈ. આ જગામાં, એટલે કે બોટલની અંદરના ભાગમાં છેક ઉપર સુધી માટી ભરી.


આને કારણે નવી ફૂટેલી જે વડવાઈઓ સહેજ લાંબી થતી હતી, તેને માટીનો આધાર મળ્યો અને તે વિકસવા લાગી. તે છેક તળીયા સુધી પહોંચી શકી અને પછી જાડી પણ થવા લાગી.


એ જ રીતે થડની ચારે બાજુ વીંટાળી શકાય અને ભીનું ન થાય એવી અન્ય ચીજો પણ નજરે પડવા લાગી, જેનો ઉપયોગ અહીં જોઈ શકાય છે.


(આ પોસ્ટ વાંચવામાં કોઈ બાધ નથી અને બોન્સાઈપ્રેમી ન હોય એ લોકો પણ વાંચી શકે છે, તે જાણ સારું.)

Monday, May 30, 2022

કૂતરાંને બિસ્કીટ ખવડાવનારા હે પુણ્યશાળીઓ!

 દૃશ્ય ૧

(લાંબી લાઈન)
દ્વારપાળ: આવો ભાઈ, તમે છેક અહીં આગળ આવો અને આ ભાઈની પાછળ ઉભા રહી જાવ.
લાંબી લાઈનમાં ઉભેલા અન્યો: એ ભાઈ! એ ભાઈ! આવું ના ચાલે! સાલું ભગવાનના ઘેર પણ આવું અંધેર? હદ થઈ ગઈ.
દ્વારપાળ (ગુસ્સે થઈને): મૂર્ખ લોકો! આવું બોલતાં તમને કીડા કેમ ન પડ્યા? ઈશ્વરને ગાળો આપો છો!
લોકો: ઈશ્વરને ત્યાં અને અમારે નીચે ફેર શો? ત્યાં બી લાઈનમાંથી લોકોને આગળ ખસેડાય છે. તમે બધા કરપ્ટ..... !
દ્વારપાળ (જોરથી): ખામોઓઓઓઓશ! મારી નિયત તરફ આંગળી ચીંધનારાઓ, તમારે એ જાણવું જોઈએ કે આ ભાઈને કેમ આગળ લઈ જવામાં આવ્યા. એ ભાઈએ આખી જિંદગી કૂતરાંને બિસ્કીટો ખવડાવ્યા છે. તમે કદી કૂતરાને હડધૂત કર્યા સિવાય કશું કર્યું છે? નીકળી પડ્યા છો મને કરપ્ટ કહેવા તે...!
(લાઈનના લોકો શાંત)
લાઈનમાંથી જેને આગળ લઈ જવામાં આવ્યા હતા એ સજ્જન: દ્વારપાળભાઈ, મેં આટલું સારું કામ કર્યું છે એની તો મને ખબર જ નહીં, હોં! મારી આગળ પણ ઘણા લોકો ઉભેલા છે? એ લોકો કોને બિસ્કીટ ખવડાવતા હતા? અને કેમ આગળ છે?
દ્વારપાળ: ભાઈ, અતિ જિજ્ઞાસા સારી નહીં. પણ હવે તેં પૂછ્યું જ છે તો કહું કે એ સજ્જનોએ જીવનપર્યંત હાથીને બિસ્કીટ ખવડાવ્યાં છે. એટલે એમનો નંબર તમારી આગળ છે. ઓકે?

દૃશ્ય ૨
(ઑફિસ)
મુકુટધારી સજ્જન: હે દ્વારપાળ! તારામાં અક્કલ છે કે નહીં?
દ્વારપાળ: ના. અક્કલ હોત તો તમારી જગાએ ન બેઠો હોત?
મુ.સ.: તને કોણે કહ્યું કે અહીં બેસવા અક્કલની જરૂર છે? એની વે! તેં પેલા કૂતરાવાળાને લાઈનમાં કેમ આગળ ન ઉભો રાખ્યો?
દ્વારપાળ: પ્રભો! એની આગળ બીજા બહુ લોકો એવા હતા કે જેઓ હાથીઓને બિસ્કીટ નાંખતા હતા. અરે, એક જણે તો એમ બી કીધું કે એના વડવાઓ ટી-રેક્સને પણ બિસ્કીટ ખવડાવતા હતા.
મુ.સ.: એટલે જ તું દ્વારપાળ છે, ભાઈ! સમજ્યો ને! મારે આજે સમસ્ત વિશ્વ હસ્તિ સમાજને મોં દેખાડવું ભારે પડી રહ્યું છે. એ લોકોની માંગણી છે કે એમને બિસ્કીટ ખવડાવીને ભૂખે મારનારા જાલિમોને નર્ક જ મળવું જોઈએ. હવે તું જ કહે, મારે શું કરવું આનું?
દ્વારપાળ: પ્રભો! તમે ગમે તે કહો, પણ મારામાં તમારાથી વધુ અક્કલ છે. મેં પહેલેથી જ એ લોકોને નરકની લાઈનમાં ઉભા રાખેલા છે. અને બિસ્કીટ ખવડાવનારી આખી પ્રજાતિને લાઈનમાં આગળ ઉભી રાખી છે. ઓક્કે?
મુ.સ.:ઓહ! યુ આર જીનિયસ.
દ્વારપાળ: નો. આઈ એમ જ્સ્ટ એન ઓર્ડીનરી દ્વારપાલ. એન્ડ આઈ વાન્ના બી ધ સેઈમ.

Sunday, May 29, 2022

એક મલ્ટીબોધ કથા

એક તળાવમાં બે બગલા અને એક કાચબો રહેતા હતા. એક વાર ઉનાળામાં તળાવનું પાણી સૂકાવા માંડ્યું. તેથી બન્ને બગલાઓએ ઉડીને બીજે રહેવા જવાનું નક્કી કર્યું. કાચબાએ કહ્યું, ‘હું આવું તમારી સાથે?’ બગલાઓએ કહ્યું, ‘તું આવે એનો વાંધો નથી, પણ તું બહુ વાતોડીયો છે. તારે તારી ટેવ પર કાબૂ રાખવો પડશે. નહીંતર મુશ્કેલી થશે.’ કાચબાએ કહ્યું, ‘સારું, હું વાતો નહીં કરું.’ બન્ને બગલાઓએ પોતાની ચાંચમાં એક લાકડી પકડી. એ લાકડીના વચ્ચેના ભાગને કાચબાએ પોતાના મોં વડે પકડી. બન્ને બગલાઓ ઉડ્યા અને તેમની સાથે કાચબો પણ ઉંચકાયો.

ધીમે ધીમે તેઓ આગળ વધ્યા. કાચબાને વાત કરવાનું બહુ મન થતું હતું, પણ તેને બગલાઓએ આપેલી ચેતવણી યાદ હતી. આથી તે મહામહેનતે જાત પર કાબૂ રાખતો હતો. છેવટે એક જગાએ એક સરોવર દેખાયું. એ જોઈને બગલાઓ બોલી ઉઠ્યા: ‘અહીં બહુ પાણી છે. અહીં લેન્ડીંગ કરીએ.’ બગલાઓ વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમની ચાંચમાંથી લાકડી છટકી અને કાચબો નીચે પટકાયો.
****

બોધ:
૧. પોતાની ખરાબ ટેવની જેમ, બીજાની સારી ટેવથી પણ ક્યારેક જાનનું જોખમ થઈ શકે.
૨. લાંબી મુસાફરીમાં સાથીદારની પસંદગીમાં ચીવટ રાખવી જોઈએ.
૩. ગમે તેની સાથે લટકી ન જાવ, અને ગમે તે વાહનમાં પણ!
૪. વાતોડીયા હોવું ખરાબ નથી. પણ ક્યારે ચૂપ રહેવું એ જાણી લેવું જોઈએ.
૫. શાંત રહેવું સારું નથી, પણ ક્યારે બોલવું એ જાણી લેવું જોઈએ.
૬. બીજાને સલાહ આપ્યા પછી ભૂલેચૂકેય પોતાનાથી તેનું પાલન ન થઈ જાય તેની કાળજી રાખો.
૭. પાણી ન હોય તો ગભરાવ નહીં. હવે બોટલમાં તૈયાર પાણી મળે છે.
૮. તળાવ પર દરવાજા બનાવી દો, અને એમાં એન્ટ્રી ટિકિટ રાખો, જેથી એમાં કોઈ મફત રહી કે જઈ ન શકે.
૯. વાર્તાઓ જેટલી જ લંબાઈ બોધની હોય તો એ વાંચવાનું ટાળો.
૧૦. બોધ નં. ૯નો અમલ ન થઈ શક્યો હોય તો શરમાયા વિના બોધ નં.૬ નું સ્મરણ કરો.
૧૧. કોઈ પણ વાતમાંથી બોધ, પોઝીટીવ થીન્કીંગ, જીવનોપયોગી ટીપ્સ વગેરે જોવાની કે લેવાની આદત પડી ગઈ હોય તો વેળાસર કોઈ સારા ડૉક્ટરને બતાવો. મઝા ખાતર મઝા લેતાં શીખો.

Saturday, May 28, 2022

કારકિર્દીની ઉજ્જ્વળ તક પૂરી પાડતા કેટલાક અવનવા કોર્સ

 શું આપ એકના એક કોર્સનાંં નામ સાંભળીને કંટાળી ગયા છો? પ્રસ્તુત છે કેટલાક નવાનક્કોર કોર્સ:

- એસે રાઈટિંગ વીધાઉટ મેન્શનિંંગ ક્રીષ્ના, પીકોક ફેધર એન્ડ લાઈકવાઈઝ
- વર્નાક્યુલર કોર્સ ઑફ ક્રીટીસાઈઝીંગ ધ ગવર્ન્મેન્ટ ઈન સ્પાઈટ ઑફ લૂકિંગ ન્યુટ્રલ
- સર્ટિફિકેટ કોર્સ ઈન વેબિનાર ટેરરિઝમ
- એક્સ્પર્ટ ઈન લોકેટિંગ ધ લોસ્ટ ટ્રેઈન્સ
- ડિપ્લોમા ઈન હેડલાઈન મેનેજમેન્ટ
- બેચલર ઓફ એક્સ્પ્લેનેશન મેનેજમેન્ટ એન્ડ ડેમેજ કન્ટ્રોલ
- માસ્ટર ઑફ જસ્ટિફિકેશન ઈન શેઈમલેસ મેનર
- પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન પોઝીટીવીટી
- ડૉક્ટરેટ ઈન કમ્યુનલાઈઝિંગ
ફી ચૂકવી શકવાની ત્રેવડ ધરાવતા તમામને ઉંમર, લિંગ, જાતિ, ધર્મ, ભણતર કે અન્ય કશા બાધ વિના પ્રવેશ આપવામાં આવશે.
બધી બેઠકો ન ભરાય ત્યાં સુધી પ્રવેશ ચાલુ!
કુલ કેટલી બેઠકો છે એ અંગે પૂછપરછ કરવી નહીં.
****

આવી રહ્યા છે તદ્દન નવા કોર્સ.
તોતિંગ ફી. કશું જ નહીં આવડવાની ગેરંટી.
ગોલ્ડન ફ્રેમમાં અપાતું સર્ટિફિકેટ.
માથું ઊંચું રાખીને ફરી શકાય એવાં વિશ્વસ્તરીય નામ.
ક્યાંય નોકરી નહીં મળવાની ખાતરી.
- કોર્સ ઈન ઝીગઝેગ મેનેજમેન્ટ
- અપ્લાઈડ એન્જિનિયરીંગ ઑફ ક્યૂ ટેરરિઝમ
- ડીપ્લોમા ઈન એરોગન્સ કોન્સ્ટેબલીઝમ
- બેચલર કોર્સ ઈન ફેક, ફેન્ક એન્ડ ફ્રેન્ક મેટર્સ
- માસ્ટર્સ ઈન મોબ એન્કરીંગ
- સર્ટિફિકેટ કોર્સ ઈન મેન્ટરમુંડન
આજે જ અમારું બ્રોશર મંગાવો.
(વિશેષ સૂચના: અમારું બ્રોશર મંગાવવા માટે બેન્ક લોનની સુવિધા ઊપલબ્ધ છે.)

(સંદર્ભ: કોવિડના કાળ દરમિયાન શ્રમજીવીઓને લઈને ગંતવ્ય સ્થાનને બદલે બીજે ક્યાંક પહોંચી જતી ટ્રેઈનો, સરકારી બેશરમી, ફાંકા ફોજદારી, ડેમેજ કન્‍ટ્રોલ, આ બધા વચ્ચે ફાલી નીકળેલી વેબિનારની મોસમ વગેરે ઘટનાઓ)

Friday, May 27, 2022

બચાઈયે જલ, બેહતર હોગા કલ

 "અલ્યા એય! તારું કામ તો સાવ નકામું છે! ફરી કોઈને વૉટરપ્રૂફિંગની ગેરંટી આપતો નહીં."

"સાહેબ, એમ ગમે એમ બોલીને મને બદનામ ન કરો. પ્રોબ્લેમ શું છે એ કહો."
"ગયા વરસે ચોમાસા અગાઉ મેં તારી પાસે વોટરપ્રૂફિંગનું કામ કરાવેલું. બરોબર?"
"હા. એ તો આપણે એકદમ હાઈક્લાસ કરી આપેલું ને!"
"શેનું હાઈક્લાસ? પહેલાં તો વરસાદ પડે ત્યારે જ પાણી ટપકતું હતું. તારી પાસે કામ કરાવ્યા પછી હવે છેક આ ચોમાસા સુધી પાણી ટપકવા માંડ્યું છે! બોલ, હવે શું કહેવું છે!"
"સાહેબ, હવે મારા બે સવાલના જવાબ આપજો. તમારે ત્યાં પાણીની છૂટ કેવીક છે એ કહેશો?"
"છૂટ? અલ્યા, અહીં તો અઠવાડિયે બે વાર પાણી આવે છે."
"ગુડ. હવે બીજું. પાણીમાં લોહતત્ત્વનું પ્રમાણ કેટલું હોય તો ફાયદાકારક?"
"10 પી.પી.એમ. અલ્યા, પણ તારે આ બધી શી માથાકૂટ?"
"સાહેબ, મેં બધું સમજીવિચારીને કર્યું છે. તમારે પાણીની તંગી હતી અને વૉટર કન્ઝર્વેશનની બહુ જરૂર હતી. અને એ પાણીમાં આયર્ન જરૂરી હતું, એટલે ધાબાના સ્લેબના સળિયાને અડકીને પાણી આવે તો જરૂરી આયર્ન પણ એ લઈ લે. તમારી એક સાથે બે સમસ્યાઓ ઉકેલી નાખી અને તમે પાછા મને બદનામ કરો છો?"
"ભાઈ! ભૂલ થઈ ગઈ મારી! હવે હું નવા વાસણ વસાવી લઈશ અને જળસંચય અભિયાન આદરીશ. દોસ્તોં, મેરે સાથ જોર સે બોલો- બચાઈયે જલ, બેહતર હોગા કલ!!!!!"

Thursday, May 26, 2022

ચિંતનની ચિંતા અને ચિતા

શું આપને ચિંતન લખવું છે? અને એ શી રીતે લખવું એની ખબર પડતી નથી? ફિકર નહીં, તમે જેને ચિંતક માનો છો, એવા ઘણાને પણ આ તકલીફ છે. આ સંજોગોમાં માનવ માનવને કામ નહીં આવે તો કોણ આવશે? પતંગિયાં અને પારિજાત?

આપની સુવિધા માટે પ્રસ્તુત છે ચિંતન લખવાની ટીપ્સ.
"પતંગિયું બેઠું. ખરેખર એ બેઠું નહોતું. એ બેસી શકે પણ નહીં. પણ ઉડતું નહોતું એટલે એ બેઠું હતું એમ કહી શકાય. તેને જોઈને પુષ્પ હસ્યું. પુષ્પ ખરેખર હસતું નહોતું. એ હસી શકે પણ નહીં. પણ તેની પર સૂરજનો તાપ પડતો હતો એટલે એ હસતું હતું એમ કહી શકાય. પુષ્પને હસતું જોઈને તેની ડાળી સહેજ ઝૂકી. પુષ્પના હસવાથી ડાળી ઝૂકે નહીં. એ ઝૂકી શકે પણ નહીં. પણ એ વખતે સહેજ પવન આવ્યો એટલે એ ઝૂકી એમ કહી શકાય. પવને ઝૂકેલી ડાળીને કાનમાં કંઈક કહ્યું. પવને ખરેખર ડાળીને કંઈ કહ્યું નહોતું. એ ખરેખર કંઈ કહી શકે પણ નહીં. પણ પંખો ચાલુ થયો એટલે એમ લાગ્યું. પંખાનો સૌથી મહત્વનો હિસ્સો કયો? કહી શકો છો? ના, એની પાંખો નહીં, પણ વચ્ચેનો ગોળાકાર. એ ગોળાકાર ન હોય તો પાંખો શેના આધારે ફરે? પંખો ફરતાં જ ફડફડ કરતો પાનાં ફરવાનો અવાજ આવ્યો. પંખાની સ્વીચ ચાલુ કરનારની નજર હવે પંખા પરથી પાનાં પર ગઈ. પંખાની હવાથી પાનાં ઉડી રહ્યા હતાં. પાનાં ખરેખર ઉડે નહીં. ઉડી શકે પણ નહીં. એ સ્ટેપલર પીનથી બંધાયેલાં હતાં. એટલે આમતેમ ફરી રહ્યાં હતાં."
(બસ, દર ચાર વાક્યે એક નવું પાત્ર ઉમેરતા જાવ. આ થઈ લેખનો ઉપાડ કરવાની ટીપ. તકલીફ અહીં જ છે, આગળ તો સહેલું છે. એક વાર ચિંતન લખવાના ચાળે ચડી જાવ. પછી તમારા માટે અનેક બારીઓ ખૂલી જશે અને તમારી ખ્યાતિ એટલી વધશે કે ‘સાર્થક જલસો’માં એ લેખ નહીં સ્વીકારાય તોય કશો ફરક નહીં પડે.)
****
"રસ્તે જતા વિશાળ હાથીને કોઈ દારૂ પાય તો? તો આખા ગામના દારૂડીયાઓએ તરસે મરવાનો વારો આવે. તરસ પ્રકૃતિનું એક એવું કાવ્ય છે, કે જેને સાંભળ્યા વિના ચિત્કાર નીકળી જાય છે. સુજાતા મહેતાના ‘ચિત્કાર’ કરતાં પણ તેની અસર વધુ પ્રભાવી હોય છે. પ્રભાવી અસરની સામે પ્રચ્છન્ન અસર કોઇને દેખાતી નથી, પણ સમાજમાં રહેલા તાણા અને વાણામાં તે વણાઈ જાય છે, જે સરવાળે એક સેક્યુલર સમાજની રચના કરે છે. સેક્યુલર સમાજ આઈસ્ક્રીમ જેવો નહીં, ફ્રોઝન ડેઝર્ટ જેવો હોય છે. સહરાનું રણ બરફ બનીને થીજી જાય ત્યારે તેની રેતી ફ્રોઝન ડેઝર્ટ થઈ જાય છે. આ બરફને ખોડવા બેસીએ તો વરસોનાં વરસ લાગે છે, તેથી તે પીગળે ત્યાં સુધી રાહ જોવી ઈષ્ટ છે. રાહ જોવા માટે કોઈને ગુરૂ બનાવવા હોય તો બગલાને બનાવી શકાય. બગલાઓ સામાન્ય રીતે ગુરૂ નહીં, ભગત બનવાનું પસંદ કરે છે. ‘ભગત’ અને ‘ભક્ત’માં પણ આઈસ્ક્રીમ તથા ફ્રોઝન ડેઝર્ટ જેટલો ફરક હોય છે."
(અમારા આગામી પ્રકાશિત નહીં થનારા પુસ્તક ‘ચિંતન શીખો 07 દિવસમાં’માંથી ત્રીજા દિવસના પ્રકરણનો અંશ)
****
'ચંદ્રનું હિમ જેવું કિરણ ઝીલીને તેને ડીપ ફ્રીઝરમાં મૂકીને બરફ બનાવી શકાય એવી શોધ હજી થઈ નથી. ઘુવડોને ઉલ્લુ બનાવી શકાતાં નથી, કેમ કે, ગુજરાતનું ઘુવડ હિન્દીભાષી પ્રદેશમાં જાય એટલે તે આપોઆપ ‘ઉલ્લુ’ બની જાય છે. પણ સૂર્યગ્રહણ થાય ત્યારે આ ઘુવડો કશે ગયા વિના, ઘેરબેઠે જ ‘ઉલ્લુ’ બની જાય છે. લોકતંત્રમાં ચૂંટણી એક મહાન ઘટના છે. તેને સૂર્યગ્રહણ સાથે કદી સરખાવી ન શકાય. સૂર્યગ્રહણને ઘણા લોકતંત્રની ચૂંટણી સાથે સરખાવે છે. એમ તો કૃષ્ણે વાળમાં ખોસેલા મોરપીચ્છના રંગોને ઘણા મેઘધનુષ સાથે સરખાવે છે. ગોકુળના ગોવાળિયાઓના ઘરમાં શિકામાં મૂકી રખાતા માખણને ઘણા અમૂલ બટર સાથે સરખાવે છે. ‘અમૂલ’ની ક્રાંતિના પહેલવહેલા સગડ એ રીતે છેક ગોકુળ સુધી પહોંચે છે. કૃષ્ણ અને કુરિયન એક જ કુળનાં નામ છે.'
(ચિંતનના સફળ ટ્રાયલ રન પછી આ બૂસ્ટર ડોઝ. અનુભવે સમજાયું કે ચિંતનમાં પ્રવર્તમાન સમસ્યાઓ અને રાજકારણના પ્રશ્નો સામેલ કરવા જોઈએ.)
****
"થર્મોમીટરમાં પારો ચાલીસથી ઉપર જાય ત્યારે અખબારોની હેડલાઈન બને છે, પણ રોજેરોજ ગેસના ચૂલા આગળ ઉભી રહેતી ગૃહિણી આગળ થર્મોમીટર મૂકી જોજો. એ તો હેડલાઈનની પરવા કર્યા વિના મૂંગે મોંએ પોતાની ફરજ બજાવે છે. થર્મોમીટરના પારાનું જીવનકાર્ય જ ઉપરનીચે થયા કરવાનું છે. એ તેના પોતાના હાથમાં નથી. કેમ કે, કાચને કે પારાને હાથ હોતા નથી. જેને હાથ ન હોય તેને પાંખો આપીને કુદરતે પલ્લું સરભર કરી આપ્યું છે. પ્રાણીઓને આગલા પગ હાથની જગ્યાએ આપેલા છે, એ બતાવે છે કે છેવટે દરેક સજીવને હાથની જરૂર હોય છે.
આ હાથ હલાવતા રહેવું એ આપણું જીવનકાર્ય હોવું ઘટે. હાથ હલાવતો ન હોય એ જીવ જીવતો હોવા છતાં તેને મૃત ગણવો જોઈએ અને એ માટે સિવિલ સર્જનના સર્ટિફિકેટની કશી આવશ્યકતા ન હોવી જોઈએ. કોઈકના હાથ જીવનની યાચના માટે ઉઠેલા હોય, કોઈના એન્કાઉન્ટર માટે, તો કોઈના આ ઘટનાનો અખબારી અહેવાલ વાંચવા માટે! હાથ એના એ જ છે, પણ જે દેહ સાથે એ જોડાયેલા છે તેની મનોવૃત્તિ વિજય માલ્યા જેવી હોય છે. અંદર હોય શું અને બહાર દેખાડે શું! એટલું યાદ રાખો કે મન વિજય માલ્યા છે, તો સંયમ સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ હોવો જોઈએ."

(આ ચિંતનક્યુબમાં કેટલીક સાંપ્રત ઘટનાઓનો સમાવેશ કરીને લખનારની સજ્જતા દેખાડવાનો પ્રયાસ કર્યો છે.) 

****

"સર, જુઓ ને. આ દવાઓ તો કેટલી મોંઘી! એ તો સારું છે કે સરકારે જેનેરિક મેડીસીન્સની પહેલ કરી..."
"ભાઈ, તમે અહીં સવારસવારમાં મારી સાથે સરકારી નીતિઓની કે જેનેરીક મેડીસીન્સની વાત કરવા આવ્યા છો? તો સોરી. મારે ઘણું કામ છે. જુઓ, એક તો આજે કોલમનો લેખ મોકલવાની ડેડલાઈન છે. એ લેખ માટે હજી મારે ચાર પુસ્તકો રીફર કરવાના છે. અને..."
"સાહેબ, માફ કરજો. પણ આ જેનેરિક મેડીસીન્સ પરથી એક વિચાર આવે છે."
"ઓહ! તમે યાર, સમજવા તૈયાર જ નથી. ડોન્ચ્યુ નો કે એક કોલમિસ્ટની સવાર કેટલી ટ્રબલસમ હોય છે? એમાંય લેખ મોકલવાની ડેડલાઈનનો દિવસ હોય ત્યારે તમે આ જેનેરિકનો ઘૂઘરો લઈને બેસી ગયા છો."
"સર, સોરી ટુ ટ્રબલ યુ અ લીટલ મોર. પણ મને એમ થાય છે કે જેમ સરકારે જેનેરિક મેડીસીન્સની સુવિધા કરી એ રીતે જેનેરિક ચિંતનકોલમની વ્યવસ્થા કરે તો કેવું?"
"વાઉ! યુ આર મોર ઈન્ટેલિજન્ટ ધેન આઈ એક્સ્પેક્ટેડ. પ્લીઝ, બી સિટેડ. આવો ને. આપણે થોડી ચર્ચા કરીએ એની. પ્લીઝ ટેલ મી મોર અબાઉટ ધેટ. યુ નો, મુખ્યમંત્રી અને હેલ્થ મિનિસ્ટર મારી કોલમ નિયમીત વાંચે છે. તો પ્લીઝ આ આઈડિયાને વિસ્તારથી કહો. સો ધેટ આઈ કેન...."
"સર, જવા દો હવે. મારે મોડું થાય છે. હું તો એટલું જ કહેવા માંગતો હતો કે સરકાર ચિંતનકોલમોને જેનેરિકની કેટેગરીમાં મૂકે તો તમારું નામ એમાં સૌથી પહેલું આવે."

Wednesday, May 25, 2022

ક્રોકટૉક યાનિ કિસ્સે મગરમચ્છ કે યાનિ મગર અને સી-પ્લેનની રોમાંચક કથા

 "પાયલટ, આ શેની રેલી છે? અલ્યા, આ શું? આ તો ગરોળીઓ લાગે છે! મારી બેટી ગરોળીઓ પણ શક્તિપ્રદર્શન કરતી થઈ ગઈ?"

"સર, એક્સક્યુઝ મી, પણ ગરોળીઓને જ એની જરૂર પડે ને?"
"વાહ! મારી સાથે રહીને તું પણ જુમલા ફટકારતો થઈ ગયો, હેં કે!"
"સોરી સર! હું પહેલાં સંચાલક હતો."
"ઠીક છે. પ્લેન થોડું નીચું લો અને મને રિપોર્ટ કરો કે નીચે શું થઈ રહ્યું છે."
"સર, પ્લેન નીચે ન લેવાય. ઝૂમ ઈનની શોધ ક્યારની થઈ ગઈ છે. લેટ મી ડુ ઈટ."
ઝૂઉઉઉઉમ.....
(નીચે કોલાહલ)
"આવ્યું, આવ્યું! હું નહોતો કહેતો કે એ આકાશમાંથી જ આવશે! પણ મારું કોઈ માને તો ને?"
"અંકલ! જુઓ તો ખરા. આ સી-પ્લેન નથી. સાદું પ્લેન છે. તમે બી, ગમે તે વાતમાં લાગુ જ પડી જાવ છો!"
"ચાલો હવે. મારે તો છોકરાંઓને પારણાં કરાવવાનાં છે. આ જેન નેક્સ્ટ...કહે કે સી-પ્લેન નહીં ખાઈએ ત્યાં સુધી મટનની સામું જોઈશું પણ નહીં. મારા બેટા આંખે પાટા બાંધીને ઝાપટતા હતા."
"મને એક વાત સમજાવ, દીકરા! સી-પ્લેન ખાવાની પ્રતિજ્ઞા હજી ઊભી જ રહી ને? આ તો પેલું, શું કહે છે...."
"અંકલ! હવે એવી બધી પ્રતિજ્ઞાઓ પાળવા દઈએ તો છોકરાંને ભૂખે મરવાનો વખત આવે. મેં એમને સમજાવી દીધા કે જુઓ, આ પ્લેને પહેલી ડાઈવ મારી તે 'એ-પ્લેન'. બીજી ડાઈવ મારી તે 'બી પ્લેન' અને ત્રીજી ડાઈવ મારી એ 'સી પ્લેન' કહેવાય.
"વાઉ! તુમ્હારી ઈસ અક્લ પે સારે મગરસમાજ કો નાઝ હૈ!"

****
"દોડો, દોડો, ભાગો' લ્યા!"
"અરે! આમ અચાનક શું થઈ ગયું? સી-પ્લેન આવી ગયું? પણ એ તો નહોતું આવવાનું ને? છોકરાંઓને માંડ સમજાવીને બીજે વાળેલા...."
"અરે કાકા! તમારી પીન હજી સી-પ્લેન પર જ ચોંટેલી છે? ભાગો. જીવતો મગર સી-પ્લેન પામે. સમજ્યા ને?"
"જીવતો મગર? કેમ? આપણને મારી નાખવાનું કાવતરું છે? પાણીમાં ઝેરી સાપ છોડવાના છે? કે પછી ઝેરી જાંબુના ટોપલા કિનારે મૂકવાના છે?"
"અંકલ! એનાથી તો હજી બચી શકાશે. આ તો એક લેખ વાંચવાની વાત છે. પેલા છે ને...."
"ઓહ! સમજી ગયો. આ તો ભયાનક ષડયંત્ર છે. તો તો પછી ભાગો, ભાગો, ભાગો! જિંદા રહના ચાહતે હો તો જાન બચાકે ખિસક લો, બચ્ચે લોગ."

****

"કેવડિયા કોલોની જવા દે, સી-પ્લેન ખાવા દે, તાજોમાજો થવા દે, પછી મને ખાજે!"
"સાથીઓ! તૂટી પડો! આ જુઠ્ઠાને હમણાં ને હમણાં જ પતાવી દો!"
****

"ચાલ હવે. બહુ થયું. ચરબી કર્યા વિના ખાઈ લે, નહીંતર આટલું પણ નહીં મળે. નીકળી પડ્યા મોટા, સી-પ્લેન ખાવા!




(સંદર્ભ: કેવડિયા ખાતે સી-પ્લેન ચાલુ થશે, થયું, બગડ્યું, હમણાં બંધ રહેશે..જેવા સમાચારો અવારનવાર આવ્યા કરે છે. આ વાંચીને આપણને કશું થાય કે ન થાય, ત્યાંના મગરોને શું થતું હશે એ અંગેના વિચારનું વ્યંગ્યસ્વરૂપ)

Tuesday, May 24, 2022

તુષાર નામનો સાર એટલે...

 મિત્ર તુષાર પટેલનો આજે 24મી મેના રોજ જન્મદિન છે. આઈ.વાય.સી. (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)ના નામે ઓળખાતા અમારા શાળાકાળના દસ ગોઠિયાઓના જૂથનો એ એક સભ્ય. પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી અમે શાળામાં સાથે હતા. એ પછી વિપુલ, મયુર, અજયની સાથોસાથે તુષાર પણ વિદ્યાનગરમાં ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્જિ.માં જોડાયો. ભણી રહ્યા પછી વિદ્યાનગરમાં જ તેને નોકરી મળી અને ઘણો વખત તે અપડાઉન કરતો હતો.

તુષારના પપ્પા હર્ષદભાઈ પટેલ (એચ.એમ.પટેલ સાહેબ) અને મમ્મી જ્યોત્સ્નાબહેન બન્ને અમારી જ શાળામાં શિક્ષકો. બન્ને ભાષા શીખવે અને ખાસ કરીને સંસ્કૃતમાં તેમની નિપુણતા. તુષાર, તેની મોટી બહેન અમિતા અને નાનો ભાઈ સંજય એકાદ વરસ અગળપાછળ હશે. તુષારને સંસ્કૃતમાં ઘણી સારી ફાવટ. 1979માં એસ.એસ.સી.બૉર્ડની પરીક્ષામાં તેણે આ વિષયમાં 93 માર્ક્સ મેળવ્યા હતા. અલબત્ત, એ પછી વિષય તરીકે સંસ્કૃતને તેણે છોડ્યો, પણ રોજિંદા વ્યવહારમાં તેણે છૂટથી 'સંસ્કૃત' અપનાવી લીધું. વૈવિધ્યસભર ગાલિપ્રદાનને તેણે એક શોખની જેમ વિકસાવ્યું. આને કારણે તેની એવી છાપ ઊભી થઈ કે તુષારીયાને છંછેડવા જઈએ તો 'સંસ્કૃત' સાંભળવા મળશે, એટલે એને બહુ વતાવવો નહીં. કૉલેજઅભ્યાસ અને એ પછી થોડા સમય સુધી તેણે પ્રયત્નપૂર્વક પોતાની આવી છાપ ઊભી કરી હશે એમ મને લાગે છે. ચરોતરી બોલીનો તે મૌલિક રીતે ઉપયોગ કરતો. કોઈ પણ ક્રિયાપદની પાછળ 'લેલ' લગાડીને તેનું ક્રિયાવિશેષણ બનાવવું તેના માટે સહજ હતું. જેમ કે, રખડેલ, ખાધેલ, ઘિસલેલ...વગેરે... એ જ રીતે તે ભલભલાં નામનું ક્રિયાપદ બનાવી દેતો. જેમ કે, ચંપલાટ્યો, આલાટ્યો વગેરે...
એની ફાઈનલ વર્ષની પરીક્ષા વખતે તેના જે મિત્રોએ એને વાંચતો જોયો છે એ લોકોને હજી તુષારની એ મુદ્રા યાદ હશે. તે મોંએમાથે એવી રીતે શાલ કે ચોરસો લપેટીને બેસતો કે તેની આંખો અને ચહેરાનો જ થોડો ભાગ નજરે પડે. પરીક્ષામાં એક વખત તેનો નંબર બારી પાસે આવેલો ત્યારે એ રીતે ઓઢીને જ તે પરીક્ષા આપવા બેઠેલો. બહારના બીજા મિત્રો તો ઠીક, અમે 'આઈ.વાય.સી.'વાળા પણ એને બહુ વતાવતા નહીં.
(ડાબેથી) તુષાર પટેલ, વિપુલ રાવલ અને
અજય ચોકસી
પણ એ સમયે મિત્રોના લગ્નપ્રસંગો આવતા ગયા એમ તુષારની અસલિયતનો પરિચય થતો ગયો. વર્તનમાં સાવ રુક્ષ અને બરછટ લાગતો તુષાર કામ કરવામાં, ધક્કાફેરામાં સૌથી આગળ રહેતો. એ કશુંક કામ પતાવીને આવે એટલે સંબંધિત વ્યક્તિને જાણ કરી દે, બસ! એ પછી એની કશી વાત કે ઉલ્લેખ સુદ્ધાં નહીં. આ ઉપરાંત તમામ મિત્રોના વડીલો સાથે એનો અલાયદો વ્યવહાર. આવા પ્રસંગે તુષાર એમની ખાસ કાળજી લે. પણ એનું ઉપરનું, બાહ્ય આવરણ એણે બરછટપણાનું રાખેલું, એટલે જેણે એનું આ સ્વરૂપ જોયું ન હોય એને અંદાજ સુદ્ધાં ન આવે કે તુષલો આવો છે.
આવો તુષાર પ્રેમમાં પડે અથવા તો કોઈ એના પ્રેમમાં પડે એ ઘટના પણ ત્યારે ઘણાને નવાઈની લાગેલી. અપર્ણા બાલાણી સાથે તેનો પ્રેમસંબંધ બંધાયો, જે અંતે લગ્નમાં પરિણમ્યો. ત્યાં સુધીમાં અપર્ણા સાથે અમારે મળવાનું ભલે ઓછું થતું, પણ મળીએ ત્યારે બહુ આત્મીયતાથી મળાતું. લગ્ન અગાઉનો એક તબક્કો એવો પણ હતો અપર્ણા સાથે અમારો- મારો અને ઉર્વીશનો સ્વતંત્ર પત્રવ્યવહાર ચાલતો. અંગ્રેજી માધ્યમમાં ભળેલી અપર્ણા તુષારની ઠેઠ ચરોતરી બોલી સમજી ન શકે, એની હાજરીમાં તુષાર અમુક વાર જાણીબૂઝીને ચરોતરી પ્રયોગો વાપરે અને અપર્ણા એ સાંભળીને મૂંઝાય ત્યારે કોઈક એને સમજાવવાની મથામણ કરે- આ બધામાં બહુ મજા પડતી.
લગ્ન પછી થોડા જ સમયમાં તુષાર અને અપર્ણાએ અમેરિકા સ્થાયી થવાનું બન્યું. પછીના અરસામાં તેમનું ભારત આવવાનું પ્રમાણ ખાસ નહોતું. આમ છતાં, આત્મીયતાનો તંતુ એમનો એમ રહ્યો. નવા વરસે અમારી 'આઈ.વાય.સી.' મંડળી ભેગી થવાની હોય એ તુષારને ખબર એટલે એ સમયે અચૂક એનો ફોન આવે જ. આ ઉપરાંત પણ અન્ય સારામાઠા પ્રસંગે એ સૌને ફોન કરે, વિસ્તારથી વાત કરે, ઘરના એકે એક સભ્ય વિશે પૂછપરછ કરે, એટલું જ નહીં, સૌની જરૂરિયાતનો પણ ખ્યાલ રાખે.
અમારાં સૌનાં સંતાનોનાં હવે એક પછી એક લગ્ન થવા લાગ્યાં છે ત્યારે પણ વિવાહ કે લગ્નના દિવસે અચૂક તુષાર તરફથી કેક અને બુકે હોય જ. હવે તો સૌ ટેવાઈ ગયા, પણ શરૂઆતમાં સૌને આઘાત લાગતો કે તુષલાને આવા વ્યવહારડાહ્યા બનવામાં કેટલી બધી મુસીબત પડતી હશે! કેમ કે, લગ્ન અગાઉ આ જ તુષાર મનફાવે એવા અવાજે, મનફાવે એ શબ્દ બોલી શકતો. પણ લગ્ન પછી સ્વાભાવિક ક્રમમાં તેણે જાહેર વર્તનના સંદર્ભે 'માપ'માં રહેવાનું આવ્યું એની અનુભૂતિ અમને સૌને પણ તુષાર જેટલી જ હતી.
થોડા સમય પહેલાં તુષાર અને અપર્ણા બન્ને સાથે ભારત આવ્યા ત્યારે એક સાંજે અનેક મિત્રોનું મિલન ગોઠવ્યું હતું. પૈલેશે કરેલા આ આયોજનમાં, ટ્રેનમાં એક સમયે સાથે અપડાઉન કરતા અનેક મિત્રોને નોંતરવામાં આવ્યા હતા. એ વખતે દરેક જણ પોતાનો તુષાર સાથેનો એક એક કિસ્સો કહી સંભળાવે એવું આયોજન હતું. એમાંના ઘણા કિસ્સા તો મિત્રોએ 'કોડવર્ડ'માં અથવા તો 'સેન્સર' કરીને કહેવા પડતા હતા. આને કારણે મિત્રપત્નીઓ અને મિત્રસંતાનોને સમજાતું નહોતું કે આવી ફાલતૂ વાત પર સૌ આટલા બધા કેમ હસે છે! એમાંના અમુક જિજ્ઞાસુ સંતાનોએ પછી અમારા જેવાને મળીને પોતાની જિજ્ઞાસાનું શમન કરેલું.
મિત્રમિલન દરમિયાન
તુષાર અને અપર્ણા 
કિસ્સા સાંભળવાની મજા લેતા મિત્રો સાથે તુષાર
(ડાબેથી: કામિની કોઠારી, રશ્મિકા પરીખ, મનીષ શાહ,
આર.સી.પટેલ, તુષાર પટેલ, અજય ચોકસી, મહેન્‍
દ્ર પટેલ)

નડિયાદના એ જ મિત્રમિલન પછી સૌની સામૂહિક તસવીર.
 (ઉભેલાની પહેલી હરોળમાં ડાબેથી ચોથો- સફેદ શર્ટમાં- તુષાર)
તુષાર હજી પણ મળે ત્યારે એ જ ચરોતરીના પ્રયોગ કરે, મિત્રસંતાનોને 'તારા બાપા', 'તારા ડોહા' જેવા શબ્દોથી એમના પિતાની, એટલે કે પોતાના મિત્રોની વાત કરે. એક જ મુલાકાતમાં કોઈ એના વિશે સદંતર વિપરીત ધારણા બાંધી બેસે એવું એનું વર્તન જણાય. એ વર્તનની પાછળ રહેલા પ્રેમાળ, સૌની દરકાર લેનારા માણસ તરીકેની પોતાની ઓળખ તુષાર પોતે જ છતી ન થવા દે. આટઆટલા વરસોની મૈત્રીમાં હવે તો એટલો સમય વીતી ચૂક્યો છે કે તેના અમેરિકા સ્થાયી થયાનાં વરસોનો સરવાળો અમારાં સાથે રહ્યાનાં વરસો કરતાં કદાચ વધી ગયો હશે. પણ શરૂઆતનાં વરસોનો એ પાયો એવો મજબૂત છે કે એ અમારામાંના કોઈ પણ મિત્રના સંતાનને કહી શકે, 'જો ભઈ, આ તારો બાપો તો હારો વંઠેલ હતો, પણ તું ડાહ્યો લાગ છ. તું હરખો રે'જે.'
તુષાર અને અપર્ણાનાં સંતાનો સિદ્ધાર્થ અને પૂજા પણ હવે તો પોતપોતાનાં ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. તેમનો મોટા ભાગનો ઉછેર અમેરિકામાં થયો હોવાથી અમને સૌ મિત્રોને એક જ ચિંતા છે. અને તે એ કે એમને તુષારની 'સંસ્કૃત' સાંભળવાનો લાભ નહીં મળતો હોય.
અમારા સૌના આ પ્રિય મિત્રને જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ.

તુષારની વધુ એક મુલાકાત દરમિયાન
'આઈ.વાય.સી.'મંડળીના સભ્યો સાથે (તુષાર- ઉભેલામાં જમણેથી બીજો)

(તમામ તસવીરો ચપટી વગાડવા જેટલા જ સમયમાં મિત્ર વિપુલ રાવલે મોકલી આપી છે.)

Monday, May 23, 2022

'એ ટુ ઝેડ'ના એક્સપર્ટ

 "પ્રણામ, ગુરો!

"આવ વત્સ! બોલ, શી સમસ્યા છે?"

"ગુરો, ગુરો! આપ તો અંતર્યામી છો. આપને શી રીતે ખબર પડી ગઈ કે મને કોઈ સમસ્યા છે?"
"વત્સ, મારી પાસે એક ત્રીજું નેત્ર પણ છે...."

"ઓહ ગુરો! સોરી હોં! આઈ ફરગોટ કે તમે સી.સી.ટી.વી. કેમેરા મૂકાવેલા છે."
"સમસ્યાની વાત કર."

"હેંહેંહેં....સમસ્યાનું તો એવું છે ને, બાપજી...."
"હેય...ડોન્ટ કૉલ મી બાપજી. આયેમ....."

"હા, હવે. ખબર છે. તમને 'ગુરો' કહીને બોલાવવાના. બહાર બોર્ડ વાંચ્યું. આ તો પેલી આદત પડી ગઈ ને...."
"સમસ્યા...."

"કમિંગ ટુ ધેટ ઓન્લી, ગુરો! ચેક ધીસ બાસ્કેટ...."
"અલ્યા, તું મને તારો કમ્પાઉન્ડર સમજે છે? શું છે એમાં? મારા માટે ફ્રુટ્સ લાવવાની તને ના પાડી છે ને? હવે કોઈ વેચાતા નથી લેતું."

"અરે, ગુરો! નારાજ મત હો! એ આપના માટે નથી. એ મારી સમસ્યા છે."
"હેં? આ શું? આમાં તો સફરજન છે. અલ્યા, તું તારી જાતને શબરી માને છે? આ બધાં સફરજન ખાધેલાં છે."

"ગુરો! માફ કરશો, પણ પ્રોબ્લેમ એ છે કે તમે તો જાણો છો કે...."
"હા. તારે એપલનું ફાર્મ છે. મારા કે.વાય.સી.માં એ ડેટા છે જ."

"હા, ગુરો! એની જ આ રામાયણ છે."
"રામાયણ? તું તારી જાતને વાલ્મિકી સમજે છે? ઝટ સમસ્યા કહે."

"તો ગુરો, સમસ્યા એ છે કે રોજ રાત પડે ને ઝેબ્રાના ટોળેટોળાં મારા એપલફાર્મ પર આવે છે. અને એપલ અડધાંપડધાં ખાઈને જતાં રહે છે. નાઉ પ્લીઝ હેલ્પ મી."
"આર યુ ક્રેઝી? આ એગ્રીકલ્ચરનો સબ્જેક્ટ છે. એના કોઈ ડૉક્ટરને બોલાવ."

"ગુરો! ડોન્ટ ફીલ બૅડ, પણ એગ્રીકલ્ચર એક્સપર્ટની વિઝિટ ફી બહુ ભારે પડે છે. અને તમે તો કોઈ પણ સમસ્યાનું સમાધાન 51/-માં કરી આપો છો."
"ઓકે. તો હવે મને એ કહે કે આ સમસ્યા શેમાં આવે? જાદુટોનામાં? છૂટાછેડામાં? દુશ્મન કે સૌતનથી છૂટકારામાં? ગૃહક્લેશમાં? ભૂતપ્રેતમાં? વશીકરણ કે મૂઠચોટમાં? નજર લાગવામાં? મારા બ્રોશરમાં લખ્યું છે ને કે કેરફુલી રીડ ધ પ્રોડક્ટ બ્રોશર બિફોર એપોઈન્ટમન્ટ. નાઉ ગેટ ગોઈંગ."

"તો ગુરુદેવ, એ બ્રોશરમાંથી હવે એક શબ્દ કાઢી નખાવજો, જેથી મારા જેવાઓને ગેરસમજ ન થાય."
"કયો?"
"A ટુ Z. હું તો એ વાંચીને જ આવેલો."

(છાપામાં મૂકાઈને આવેલી આ જાહેરખબરના આ ફરફરિયા પરથી પ્રેરિત)



Sunday, May 22, 2022

રમણલાલ સોનીનાં બે પુસ્તકો

 બાળપણમાં વાંચેલા ઘણા પુસ્તકો એ ઉમરમાં વાંચેલા હોવાને કારણે મનમાં કોતરાઈ જતા હોય છે. તેનાં અર્થઘટનો કે અર્થચ્છાયાઓ ત્યારે સમજાય નહી એમ બને, પણ મોટા થયા પછી એ બધાનો ઉઘાડ મનમાં થતો જાય છે. આવા બે પુસ્તકો મને વિશેષ યાદ રહી ગયા છે, જેના લેખક હતા રમણલાલ સોની.

સુરતના 'હરિહર પુસ્તકાલય' દ્વારા પ્રકાશિત આ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે કે નહી એ ખ્યાલ નથી. મારી પાસે 1967ની આવૃત્તિ છે, જે તેની પ્રથમ આવૃત્તિ હતી. આ પુસ્તકમાં આવતી રમૂજો વાંચતી વખતે સાવ નિર્દોષપણે તે સમયે માણેલી, પણ આજે તેમાની અનેક કથાઓ યાદ કરું છું તો લાગે છે કે એ તમામ કાળના રાજ્યકર્તાઓને લાગુ પડે છે. તેના અર્થ હવે મનમાં એકદમ સ્પષ્ટપણે ઊઘડે છે.
એ બે પુસ્તકો એટલે 'ઠૂસમારખાં' અને 'ચીની ચાઉમાઉ એનો દીવાન હાઉવાઉ'. અહીં એ બંને પુસ્તકોના જેકેટની છબી મૂકી છે.
જોઈ શકાય છે કે આ પ્રકાશક દ્વારા પ્રકાશિત બાળવાર્તાના જેકેટ પરનું ચિત્ર એકસરખું, પણ અલગ રંગનું છે. રેખાંકનની શૈલી પરથી તે રજની વ્યાસનું દોરેલું જણાય છે. કલાકારનું નામ લખ્યું નથી. અનુકૂળતા હશે તો 
'ચીની ચાઉમાઉ એનો દીવાન હાઉવાઉ'ની વાર્તાઓ આ બ્લૉગ પર મૂકવાનો ઈરાદો છે, કેમ કે, તે કોઈ પણ સમયમાં પ્રસ્તુત બની રહે છે એ અનુભૂતિ વધુ ને વધુ તીવ્ર બની રહી છે. 





Saturday, May 21, 2022

'હૅટ્સ ઑફફ' કહેતાં પહેલાં...

 "એક્સક્યુઝ મી, સર! વ્હેર ઈઝ યૉર હૅટ?"

"હૅટ? વૉટ ડુ યુ મીન? હું આઝાદ ભારતનો ગુલામ નાગરિક, સોરી, ગુલામ ભારતનો આઝાદ નાગરિક, આઈ મીન એક વિચારવંત ગુજરાતી છું. તને ખબર નથી કે અંગ્રેજો આ દેશમાં 1947 થી જતા રહ્યા છે."
"સોરી, સર! ઈફ યુ ડોન્ટ હેવ હૅટ, વી વીલ પ્રોવાઈડ ઈટ. બટ ઈટ ઈઝ મેન્ડેટરી."
"અલ્યા, ડફોળ! આ આટલા બધા લોકો મેં મારી નજર સામે અંદર જતા જોયા. એ બધાના માથાં ઉઘાડા છે. ને તું પાછો મને કહે છે કે મેન્ડેટરી. પહેલાં તું સરખું ગુજરાતી તો બોલતાં શીખ."
"સર, આઈ હેવ ટુ ફોલો ઓર્ડર્સ. પ્લીઝ, ટેક ધીસ હૅટ એન્ડ પુટ ઈટ ઑન."
"ઓર્ડર્સ? અલ્યા, તું મને ઓર્ડર ફાડું છું? તને ખબર છે કે હું કોણ છું? મારી પહોંચ કોના સુધીની છે?"
"સર, આપની રિસીપ્ટબુકનું મારે કામ નથી. અમને અમારા આયોજક સરે કહેલ છે કે આપને હૅટ પ્રોવાઈડ કરવી. બહુ વેવલા થયા વિના પહેરી લો ને? આમેય અંદર જઈને આપ એને...."
"હં..આવી ગયો ને લાઈન પર. મેં પાણી લીધું છે કે જ્યાં સુધી અંગ્રેજી બોલતા એકે એક ગુજરાતીને પાછો ગુજરાતી બોલતો ન કરી દઉં ત્યાં સુધી...."
"હૅટ્સ ઑફ્ફ ટુ યુ, સર!"
"હેં? અલ્યા, આ તો મારો તકિયાકલામ છે. તું નકલ કરે છે? અને એય મારી?"
"અરે હોય, સાહેબ! આ તો આપને હૅટ પહેરવી કેમ ફરજિયાત છે એ સમજાવવા માટે ડેમો આપ્યો."

Friday, May 20, 2022

ચીનની ચટરપટર

‘મમ્મી, આ શું થઈ ગયું તને? કન્જક્ટિવાઈટીસ થયો છે? તારી આંખો કેમ ઝીણી થઈ ગઈ છે? પ્લીઝ, તું ગોગલ્સ પહેરી લે જલ્દી.’

‘ખબરદાર, મને ગોગલ્સ પહેરવાનું કહ્યું છે તો. મારી આંખો ઝીણી દેખાય છે ને? બસ, મારે એ જ જોઈએ છે. ચીન જવાનું છે મારે. તો એમના જેવું દેખાવું જોઈએ ને?’
****
‘ઓ માઆઆ...! મમ્મીઈઈઈ... વંદો! ઝટ સાવરણી લાવ.’
‘બેટા, એને કંઈ કરતી નહીં. પકડીને આ ખોખામાં મૂકી દે.’
‘વ્હોટ?મમ્મી, તારું ઠેકાણે છે ને?’
‘અરે, બેટા! મારે ચીન જવાનું છે તો કંઈક ગીફ્ટ એ લોકો માટે લઈ જવી પડશે ને?’
****

‘ડૉક્ટર, જુઓ, મારી આંખો તો હું બાબા ભ્રમદેવના યોગાથી ચૂંચી રાખતાં શીખી ગઈ છું. બસ, તમે હવે મારું નાક ટેમ્પરરીલી ચીબું કરી આપો. મારે ચીન જવાનું છે એટલે ચીની લૂક જોઈએ છે.’
‘સ્યોર, મેડમ. લેટ મી ચેક ઈટ. (જોઈને) સોરી, મેડમ. આ શક્ય નથી તમારા માટે.’
‘ડૉક્ટર, અમારા માટે કશું અશક્ય નથી, તો તમારા માટે કેવી રીતે કશું શક્ય ન હોય?’
‘એવું નથી, મેડમ. કપાઈ ગયેલા નાકને ચીબુ કરવું અશક્ય છે.’
****

‘અલ્યા, આ ચીન એશિયામાં આવે?
‘લગભગ તો હા. કેમ? શું થયું?’
‘આપણે ત્યાંની એકે એક વસ્તુઓ માટે આપણે ‘એશિયામાં પહેલી વાર’ કે ‘એશિયામાં સૌથી મોટી’ એમ કહેલું છે. આ ચીનમાં આવ્યા પછી લાગે છે કે હવે દેશમાં જઈને એવું કહેવાનું બંધ કરવું પડશે.’
‘અરે, ડોન્ટ વરી. બી હેપ્પી. ચીનાઓને ક્યાં એની ખબર છે?’
****
‘આપણા સાંસ્કૃતિક સંબંધો તો કેટલા જૂના છે! અમારે ત્યાં વરસો પહેલાંના એક ફિલ્મી ગીતમાં પણ આ સંબંધોની વાત કહેવાઈ છે. ‘બાબુજી મૈં ચીન સે આઈ, ચીની જૈસા દિલ લાઈ, સીંગાપોર કા જોબન મેરા, શાંઘાઈ કી અંગડાઈ.’
‘ધેટ્સ ટોટલી ફેક. ઈન શાંઘાઈ, નો વન ઈઝ અલાઉડ ટુ ટેક અંગડાઈ. એન્ડ વૉટ હેઝ સીંગાપોર ટુ ડુ વીથ ચાઈના?’
‘ઓહ, એમ? સીંગાપોરનું તો ખાલી નામ જ છે. અમારો એવો કોઈ ઇરાદો નથી. તમને એવું લાગતું હોય તો એ શબ્દોય બદલાવી નાંખીશું. ઓકે, મોટાભાઈ?’
****

'આ નકશો તો આપણા દેશનો છે. અહીંથી કેમ ખરીદ્યો?'
'અરે, જો ને! આપણા દેશનો છે, પણ બે-ચાર રાજ્યો ઉડાડી દીધા છે આ બદમાશોએ. મારે બતાવવો પડશે સરજીને.'
'ડફોળ, આવા નકશા તો આપણે ત્યાં જોઈએ એટલા મળે છે. તું કહે એ રાજ્ય એમાં ઉડાડેલું હોય! અહીંથી યુઆન ખર્ચીને લેવાતા હશે?'

(વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી 2015માં ચીનની પહેલવહેલી મુલાકાતે જવાના હતા એ સમયે લખાયેલું)

Thursday, May 19, 2022

લેખકશ્રી, વક્તાશ્રી, પુસ્તકશ્રી વગેરે...

"મિત્રો, આજના આપણા વક્તાશ્રી ખરેખર વિદ્વાન છે. નામની પરવા કર્યા વિના તેઓશ્રીએ અનેક પુસ્તકો લખ્યાં છે. મારા-તમારા-આપણા સૌના વાંચવામાં એ પુસ્તકો આવ્યાં હશે, છતાં આપણને અંદાજ નહીં હોય કે એ પુસ્તક તેઓશ્રીના કરકમળ વડે લખાયેલું હશે. અમે આ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી બનવા માટે તેઓશ્રીને નિમંત્રણ આપવા ગયા ત્યારે તેઓશ્રીએ તરત તેનો સ્વીકાર કરી લીધો. બાકી જાણીતા સાહિત્યકારો કેવો ભાવ ખાય છે એ આપણે સૌ ક્યાં નથી જાણતા? એ તો ઠીક, એમણે તો એ હદે કહ્યું કે તમે પુરસ્કાર નહીં આપો તો પણ ચાલશે.

તમે તો જાણો છો, સુજ્ઞ વાચકશ્રીઓ, કે આપણા સાહિત્યકારો જે ગામમાં ડામરનો રોડ પણ ન હોય ત્યાં બોલવા આવવા માટે પ્લેનની ટિકિટનું ભાડું માગતા હોય છે. હું મારી વાત વધુ લંબાવતો નથી, પણ મુદ્દે એટલું જ કહેવું છે કે આવા મહાનુભાવનું આપણી વચ્ચે ઉપસ્થિત હોવું આપણું સદ્ભાગ્ય છે. તેઓશ્રીનો ફક્ત એક જ આગ્રહ હતો. એમણે કહેલું કે એમનું વક્તવ્ય શરૂ થાય એ અગાઉ એમના પરિચયમાં પણ સમય ન વેડફવો. તેઓશ્રીના કહેવા મુજબ આવા પરિચયોમાં નકરી અતિશયોક્તિની સાથોસાથ નર્યાં જૂઠાણાં અને બિનજરૂરી લંબાણ હોય છે. મેં એમને ખાતરી આપી હતી કે સાહેબ, આપડે એવું કશું નહીં બોલીએ. તેઓશ્રીએ ફક્ત એક જ શરત મૂકી હતી, જે સાવ મામૂલી હતી. અને તે એ કે એમણે લખેલાં પુસ્તકોનાં નામની યાદી વાંચી સંભળાવવી, જેથી ઉપસ્થિત સુજ્ઞ વાચકોને એમના કાર્યનો અંદાજ મળી રહે. આવા અદના લેખકશ્રીને પહેલાં આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.

(તાળીઓનો ગડગડાટ)

"તો દોસ્તો, આ વિદ્વાન લેખકશ્રીએ લખેલાં કુલ વીસ પુસ્તકો છે. એનાં નામ છે: 'મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1990, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1991, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1992, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1993, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1994, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1995, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1996, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1997, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1998, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1999, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 2000. આ શ્રેણી પછી તેમણે એક અન્ય શ્રેણી શરૂ કરી."
(બેલનો અવાજ)
"મિત્રો, દિલગીરી સાથે કહેવું પડે છે કે આ સાથે આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થઈ ગયો છે. તેમનાં પુસ્તકોની અધૂરી યાદી માટે હવે તેમને આપણે ફરીથી નિમંત્રણ આપીશું. અને એમાં સમય રહેશે તો તેઓશ્રીનું ટૂંકું વક્તવ્ય પણ ગોઠવીશું."

Wednesday, May 18, 2022

બે મેનેજમેન્‍ટ કથાઓ

કાગડો અને શિયાળ

એક કાગડો હતો. એ એક પૂરી લઈને આવ્યો અને એક ઝાડની ડાળી પર બેસીને ‘કા કા’ કરવા લાગ્યો. નીચે એક શિયાળ બેઠેલું હતું. તેને થયું કે આ પૂરી પોતાને મળે તો કેવું સારું? તેણે કાગડાની સામું જોઈને અભિવાદન કર્યું. કાગડાના કંઠની પ્રશંસા શી રીતે કરવી એ વિચારતો હતો એ સાથે જ કાગડાએ એક પૂરી તેને આપી અને શિયાળ કશું બોલે એ પહેલાં જ કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’

ઘડીભર શિયાળના માનવામાં ન આવ્યું. તે પૂરી ખાઈ ગયું. બીજે દિવસે પણ કાગડો પૂરી લઈને એ જ સ્થળે બેઠો. શિયાળે તેનું અભિવાદન કર્યું એ સાથે જ કાગડાએ પૂરી તેને આપી દીધી અને કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’ એ પૂરી પણ શિયાળ ખાઈ ગયું.
ત્રીજે દિવસે કાગડો નાન લઈને આવ્યો. શિયાળે તેનું અભિવાદન કર્યું. કાગડાએ પણ સામું અભિવાદન કર્યું. એ પછી તેણે નાન ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં તે આખો નાન પૂરો કરી ગયો. શિયાળને તેણે કંઈ આપ્યું નહીં. આથી શિયાળને બહુ નવાઈ લાગી. તેણે કાગડાને પૂછ્યું, ‘તમે તમારાં વખાણ કરવાની મને ના પાડી હતી અને સામેથી મને પૂરી આપી હતી. એટલે હું કંઈ ન બોલ્યો, પણ તમે આખું નાન ખાઈ ગયા. મારે જાણવું છે કે તમે આવું કેમ કર્યું?”
કાગડાએ કહ્યું, ‘મેં પૂરી માટે ખોટાં વખાણ કરવાની ના પાડી હતી. નાન માટે સાચાં વખાણ તારે કરવા જોઈએ ને!’
બોધ: કોઈ ગમે એટલું ના કહે, પણ વખાણ તો કરવા જ. કોઈનું નાન મફતમાં જોઈતું હોય અને વખાણ પણ ન કરવા હોય તો પછી પેલો ખાય અને તમારે જોયા કરવાનો વારો જ આવશે.
બોધનો બોધ: કોઈ પણ કથાને તમે 'મેનેજમેન્ટ કથા'નું લેબલ આપશો એટલે એમાંથી અર્થ લોકો જાતે શોધી લેશે.

**** **** ****

બગલો અને શિયાળ
એક બગલો હતો. એક શિયાળ હતું. બન્ને મિત્રો હતા. એક દિવસ બગલાએ શિયાળને પોતાને ઘેર ભોજન માટે આવવાનું નિમંત્રણ આપ્યું. શિયાળ હોંશે હોંશે પહોંચી ગયું. બગલાએ ખીર બનાવી હતી. તેણે શિયાળને એક કુંજામાં ખીર પીરસી. બગલો લાંબા કુંજામાં ચાંચ બોળીને ખીર પીવા લાગ્યો. શિયાળે પોતાની કૅરીબેગમાંથી સ્ટ્રો પાઈપ કાઢી અને ખીર ચૂસવા લાગ્યું. તેને બહુ મઝા આવી. ધરાઈને ખીર ખાધા પછી તેણે પણ બગલાને પોતાને ઘેર ભોજન માટે નિમંત્ર્યો. નિયત દિવસે બગલો પહોંચી ગયો. શિયાળે પણ ખીર બનાવી હતી. તેણે એક મોટી કથરોટમાં ખીર પીરસી.પોતાની કથરોટમાંથી તે જીભ વડે ખીર ખાવા માંડ્યું. બગલાએ પોતાની પાંખ નીચેથી એક ચમચી કાઢી અને ચમચીએ ચમચીએ તે પણ ખીરનો સ્વાદ માણવા લાગ્યો. તેણે ધરાઈને ખીર પીધી.
આમ, બન્ને મિત્રોએ એકબીજાને ખીર ખવડાવીને સંતોષ લીધો.
બોધ: ક્લાયન્ટની જરૂરિયાતને તાબે થવાને બદલે તેને આપણા સ્રોત મુજબ તૈયાર કરો. એને એમ ઠસાવો કે આમ કરવું સરવાળે તેના જ ફાયદામાં છે.
બોધનો બોધ: આ કથામાં પાયાની અનેક ત્રુટિઓ છે. જેમ કે, બગલા અને શિયાળની દોસ્તી શક્ય નથી. કદાચ એમ હોય તો તેમને ખીર બનાવતાં આવડે એ શક્ય નથી. કદાચ એ પણ શક્ય હોય તો તેમને ઘેર કૂંજો અને કથરોટ હોય એ અશક્ય છે. માનો કે એ પણ હોય તોય બન્ને પોતપોતાને ઘેર ખાવાને બદલે બીજાને પોતાને ઘેર શું કરવા બોલાવે? અને એ રીતે બોલાવે તો ખીર જ શું કામ બનાવે? બગલો ચમચી અને શિયાળ સ્ટ્રો ખરેખર લઈને આવ્યા હતા કે તેઓ ક્લેપ્ટોમેનીઆક હતા? ખીરચૂસવામાં સ્ટ્રો કામ ન લાગે. કોપરાના ટુકડા અને ચોખા ભૂંગળીમાં ભરાઈ જાય.
બોધના બોધ પર ટીપ્પણી: સવાલો ઉઠાવતાં શીખો. ગીતાવચન મુજબ સંશયાત્મા વિકસતિ. મેનેજમેન્ટ કથા અને ગીતાના નામે કોઈ પણ, કંઈ પણ આપી દે તો એનાં અર્થઘટન કરવા ન બેસી જાવ. જ્ઞાનના પ્રદર્શનની બહુ ખુજલી હોય તો અર્થઘટન કરવાને બદલે મેનેજમેન્ટ કથાઓ લખવા માંડો. અર્થઘટન કરવામાં જ્ઞાનનું નહીં, બુદ્ધિનું પ્રદર્શન થાય છે. જો કે, એ નિ:શુલ્ક છે, તેથી એ સુવિધાનો લાભ લો તોય ખોટું નથી.

Tuesday, May 17, 2022

એક કચડાયેલા જીવની કરમકહાણી

 ના, મારો કશો વાંક નહોતો. મારા થકી કોઈ અનીતિ આચરે એમાં હું શી રીતે દોષી ગણાઉં? આ બયાન વાંચીને તમે જ નક્કી કરજો.

એ પાપ હતું કેટલાક મુઠ્ઠીભર લોકોનું. ટૂંકા સમયમાં તેમને ઝાઝા રૂપિયા કમાઈ લેવાની લાલચ
હતી. ઉંબરે આવેલો ગ્રાહક પાછો જાય એ તેમને પોસાય એમ ન હતું. કોઈ પણ ભોગે એ લોકો તેમને ખંખેરી લેવા માંગતા હતા. એટલે જ અમારી સાથે એ લોકોએ આમ કર્યું.
અમને સૌને એક બંધ ઓરડામાં પૂરી દેવામાં આવી. અરે, નાંખવામાં આવી, એમ જ કહો ને! એક બારી હતી, એ પણ નામની. કેમ કે, એ મોટે ભાગે બંધ જ રહેતી હતી. ભયાનક બફારો થતો હતો. કોણ જાણે ક્યાં ક્યાંથી બધીને લાવવામાં આવી હતી. સાવ કાચી, કુમળી. અમારી ચિંતા એ જ હતી કે ક્યારે અહીંથી છૂટકારો થશે ? અને થશે તો કઈ હાલતમાં થશે? કોને ખબર, કોણ અમને લઈ જશે? ક્યાં રાખશે? કોઈક વિચિત્ર ગંધ આખા ઓરડામાં પ્રસરેલી હતી.
રોજ અમારામાંથી અમુકને બહાર કાઢવામાં આવતી. અને એક વાર બહાર ગયા પછી એ પાછી આવતી નહોતી. મારોય નંબર લાગશે એ આશામાં હું સમય પસાર કરી રહી હતી. કમ સે કમ સૂરજનો પ્રકાશ તો જોવા મળશે! અહીં તો દિવસ કે રાતની કશી સરત રહેતી ન હતી.
અચાનક એક દિવસ ઓરડાની બહાર પગલાંની ધડબડાટી સંભળાઈ. જાતજાતના અવાજો આવવા લાગ્યા. અમારા ઓરડાનાં બન્ને બારણાં એકસામટાં ખૂલી ગયાં. આંખો અંજાઈ જાય એ હદે અજવાળું અજવાળું થઈ ગયું. અચાનક અમને સૌને બહાર ધકેલીને એક વાહનમાં ચડાવી દેવામાં આવી. શહેરની ભાગોળે, વસ્તીથી દૂર એક ખુલ્લા મેદાનમાં અમને ધકેલી દેવામાં આવી. પીળા રંગનું એક મોટું વાહન જાણે કે અમારી રાહ જોતું ધુમાડા ઓકતું ઉભું હતું. તેના એન્જિનમાંથી નીકળતો ‘ઢગ્ ઢગ્ ઢગ્’ અવાજ અમારી અંતિમ ઘડી આવી રહી હોવાનું સૂચવતો હતો. હમણાં તે અમારા દેહ પર ફરી વળશે, અમારા દેહ જોતજોતાંમાં પંચમહાભૂતમાં ભળી જશે.
હીટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં હારબંધ ઉભેલા કેદીઓની જેમ અહીં કોઈ નાત નહોતી, જાત નહોતી, રંગ કે વર્ણનો કોઈ ભેદ નહોતો, કે નહોતી કોઈ સ્વતંત્ર ઓળખ. ઓળખ હતી તો સાવ ક્ષુલ્લક! અને સૌની એક જ નિયતિ હતી.
***** **** ****
...આખરે
મારો દેહ જીર્ણશીર્ણ થઈ ગયો છે. શરીરમાં હાડકું નામેય બચ્યું નથી. મને મોત કેમ ન આવ્યું? મશીન નીચે ચગદાઈ જઈને મરવાને બદલે કાગડા સમડી મારા જીવતા દેહને કોચી કોચીને મોતને હવાલે પહોંચાડે એ કદાચ કુદરતને મંજૂર હશે. કોને ખબર, કદાચ મારી આ વ્યથાકથા તમારા સુધી પહોંચાડવા માટે સર્જનહારે મને જીવતી રાખી હોય! જે હોય તે, મારી આ કથા તમારા સુધી પહોંચશે ત્યારે કદાચ મારો છેલ્લો શ્વાસ ચાલ્યો ગયો હશે અને તમે રસમાં બોળીને રોટલી ઝાપટતા હશો. બસ, એ વખતે એ ૫૨૦૦ કિલોમાંની એક કેરી તરીકે મુજ કમનસીબને એક ક્ષણ માટે યાદ કરી લેશો તો મારું આ અકાળે મૃત્યુ લેખે લાગશે.



Monday, May 16, 2022

બુદ્ધ સાથે અમારે ઘર જેવું...


બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ સાથેના મારા અંગત જોડાણની વાત કરવી જરૂરી છે. 
ગૌતમ બુદ્ધનો પહેલો પરિચય 'અમર ચિત્રકથા' દ્વારા થયેલો, જેમાં તેમના જીવનને વિવિધ ચમત્કારોથી ભરપૂર બતાવેલું. એ પછી 'ભારત એક ખોજ'માં તેમને વધુ ઊંડાણપૂર્વક બતાવાયા.

એટલું સમજાયું કે કોઈ પણ વ્યક્તિના વિચારો ગમે એવા ક્રાંતિકારી હોય, એ વિચારોના બાહ્ય સ્વરૂપને પકડવાનું જ આપણને વધુ ફાવે છે. એના હાર્દ સુધી પહોંચવાનું કઠિન કામ ભાગ્યે જ થાય છે. આથી કોઈ પણ ક્રાંતિકારી વિચારકની પાછળ જે નવો સંપ્રદાય, પંથ કે સમૂહ ઉભો થાય એ છેવટે વ્યક્તિપૂજા પૂરતો સિમીત બની રહે છે.
હવે વાત અમારા ઘરમાંના બુદ્ધની. નીચેની તસવીરમાં દેખાતા બન્ને મૂર્તિમંત બુદ્ધ હાલ મારા વડોદરાના ઘરમાં છે. ત્રીજા બુદ્ધ સદેહે હાજર છે, જે હવે અમારા પરિવારના સભ્ય બન્યા છે. એ બુદ્ધ એટલે સિદ્ધાર્થ નામધારી અમારા જમાઈ.
આ તસવીરમાં જે શ્યામવર્ણા બુદ્ધ દેખાય છે, એ પ્લાસ્ટર ઑફ પેરિસના બનેલા છે, અને બે-એક વરસ જૂના હશે. એક નૃત્યના કાર્યક્રમમાં અતિથિપદે મળેલા નિમંત્રણ અને મેં આપેલી હાજરીના સ્વીકારરૂપે ભેટમાં આવેલા. આ કાર્યક્રમનું નિમંત્રણ મિત્રપત્ની બિદીશા રાઠોડ દ્વારા મળેલું.
એની નીચેના બુદ્ધ ખાસ્સા પ્રાચીન છે. રેતીના પથ્થરનું એ શિલ્પ છે, જે ઘણું જર્જરિત થયેલું છે. અસલમાં એને લાવનાર અમારો અમેરિકાસ્થિત મિત્ર કિર્તી પટેલ. કિર્તીએ એ અમેરિકા લઈ જવા માટે ક્યાંકથી મેળવેલા, પણ વજન ખૂબ હતું. આથી વચગાળાના ઉપાય તરીકે તેણે અમારા મિત્ર વિપુલ રાવલને ઘેર મહેમદાવાદ ખાતે મૂક્યા. વિપુલને ત્યાં એક સમયે અમારી નિયમિત સાંધ્યસભા ભરાતી. જમીપરવારીને સૌ એને ત્યાં ભેગા થતા. એ વખતે આ શિલ્પ વિપુલના ઘરના બગીચામાં મૂકાયેલું સૌની નજરે પડતું. આથી મિત્ર મયુર દ્વારા તેને 'કિર્તીના માથા' તરીકે ઓળખાવવાનું ચાલુ થયું. એ પછી તો અમે અવારનવાર 'કિર્તી' સાથે વાત કરતા, તેનો અભિપ્રાય માગતા, અને એ ખુશ કે નાખુશ થાય તો 'રહેવા દો, ભાઈ. કિર્તી ના પાડે છે.' અથવા 'કિર્તી તૈયાર છે.' એમ કહીને એની હાજરીની નોંધ લેતા.
સમય વીતતો ચાલ્યો. એક પછી એક મિત્રો મહેમદાવાદ છોડવા લાગ્યા. વિપુલ પણ વિદ્યાનગર રહેવા આવ્યો. આમ છતાં, દર દિવાળીએ વિપુલના ઘેર એકઠા થવાનો ક્રમ અમે લગભગ જાળવતા આવ્યા છીએ. ઘણા વખત સુધી અમે દિવાળી ટાણે 'કિર્તી'ને પણ યાદ કરતા. જો કે, વરસના બાકીના દિવસો 'કિર્તી' એકલો પડી જતો. અચાનક એક વાર મને સૂઝ્યું કે આને વડોદરા મારે ઘેર લેતો આવું તો? અસલ કિર્તી જ્યારે પણ આવે અને ઈચ્છે તો મારે ત્યાંથી એ લઈ લેશે, પણ અહીં એ રેઢું રહે એ ઠીક નહીં. 'કિર્તી'ના કસ્ટોડિયન એવા વિપુલે ખુશીખુશી મંજૂરી આપી, અને એક દિવસ અમે આ પ્રાચીન બુદ્ધને એટલે કે 'કિર્તી'ને વડોદરા ખાતે લઈ આવ્યા.
ખરી મજા એ પછી આવી. દોઢેક વરસ અગાઉ મિત્ર પૈલેશનો ટૂંકી મુદતનો ફોન આવ્યો અને જાણ કરી કે એ અને કિર્તી અમારે ઘેર આવી રહ્યા છે. અમે ઘેર જ હતા, આથી તેમના આગમનની રાહ જોતાં નાનીમોટી તૈયારીઓ કરવા લાગ્યા. થોડી વારમાં તેઓ આવ્યા, પણ અમારા આશ્ચર્ય વચ્ચે પૈલેશ અને કિર્તી એકલા જ નહોતા. કિર્તીની સાથે તેનાં પત્ની પારૂલભાભી અને દીકરી ભક્તિ પણ હતાં. એ બન્નેને અમે ફોન પર મળેલાં, પણ રૂબરૂ પહેલી વાર મળી રહ્યા હતાં. એ કલાક-સવા કલાકમાં બહુ બધી ફટકાબાજી બેય પક્ષે થઈ, જેમાં કિર્તીએ પોતાના મિત્રો કેવા બદમાશ છે એની માહિતી આપી, અને અમેય અમારો મિત્ર કેટલો નકામો છે એ જણાવ્યું.
એ પછી અચાનક મને કંઈક યાદ આવતાં કહ્યું, 'કિર્તીને અમે રોજ યાદ કરીએ છીએ, એ તમને ખોટું લાગતું હોય તો એનો પુરાવો બતાવું.' આમ કહીને અમે બહાર નીકળ્યા, અને 'કિર્તીનું માથું' એના પરિવારજનોને બતાવ્યું. અમારી દરેક મિટિંગોમાં 'કિર્તી'ની હાજરી શી રીતે રહેતી, અને એના અભિપ્રાયને અમે શી રીતે માન આપતા- આ બધી વાતો પરિવારજનોએ બહુ રસપૂર્વક સાંભળી. છેવટનો ચૂકાદો એવો આપવાનો થયો કે- 'કિર્તીના મિત્રો એ કહે છે કે માને છે યા મનાવે છે એટલા બદમાશ નથી.' સામે પક્ષે અમારે પણ એ કહેવાનું થયું કે- અમારો મિત્ર પણ ધારીએ છીએ એવો નકામો નથી. ('ધાર્યા કરતાં વધારે છે' એ બેય પક્ષે વગર કહ્યે સમજી લીધેલું.)
એમ લાગે છે કે અમારી 'કિર્તીભક્તિ'થી પ્રસન્ન થઈને હવે આ બુદ્ધ અમારે ત્યાં જ રહેશે. અને છતાં તેના મૂળ માલિક ગમે ત્યારે એની માગણી કરે તો એ આપવાની અમારી તૈયારી છે જ. બુદ્ધને ઘરમાં (કે બહાર) રાખીએ તો આ અભિગમ કેળવવો જ પડે.
બુદ્ધ સાથે મારું જોડાણ આટલું તો છે જ.

Sunday, May 15, 2022

કહાં હૈ 'હોલી'?

એક સમયે જે પક્ષીઓ માત્ર ને માત્ર સીમમાં કે વગડે જોવા મળતા હતા, એવાં પક્ષીઓ હવે ઘરઆંગણે નિયમીત મુલાકાત લઈ રહ્યાં છે. ચકલી, કાગડો ખાસ દેખાતાં નથી, પણ કબૂતરો ઘણાં વસે છે. જ્યારે શક્કરખોરો, બુલબુલ, સુગરી, લેલાં, હોલો અને જેને હું ઓળખી શકતો નથી એવાં બે-ત્રણ જાતનાં નવાં પક્ષીઓ રોજેરોજ દેખાય છે. આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.

અમારા ઘરની બહાર, એક પીપમાં ઉગાડેલા સપ્તપર્ણીના ઝાડમાં એક હોલા યુગલે માળો બાંધ્યો હતો. બહારની બાજુએ ઊભા રહીએ તો ઝટ નજર ન પડે, પણ ઘરની બારીમાંથી તે બરાબર સામે જ દેખાય છે. હોલા દંપતિ ત્યાં આવે છે, આસપાસ ઊડે છે. એકાદ બે કૂતરાં પણ તેમને જોઈને ઝાડના આંટાફેરા કરે છે.
પછી એક દિવસ ધ્યાન પડ્યું કે તેમાં ઈંડું પણ મૂકવામાં આવ્યું છે, અને તેને સેવવા માટે એ પક્ષી તેની પર બેસે છે. આમ તો, આ બધી 'પ્રાઈવેટ' ક્ષણો કહેવાય અને તેને કેમેરામાં ઝડપવી નીતિમત્તાની દૃષ્ટિએ યોગ્ય ન ગણાય. આથી વચલો રસ્તો કાઢીને મેં તેને મોબાઈલ ફોનના કેમેરામાં ઝડપી છે, જેથી પક્ષીને ખલેલ ન પહોંચે. જો કે, માદા આવા સમયે બહુ સચેત અને સાવચેત રહેતી હોય છે. બીજી વાર તેને ખ્યાલ આવી ગયો એટલે તે ઉભી થઈ ગઈ અને મોં ફેરવી દીધું.
આસપાસના ઘરોમાં પક્ષીઓ માટે પાણી મૂકાયું હોય અને આપણે ન મૂકીએ તો ચાલે કે કેમ? અમારે ત્યાં મર્યાદિત પ્રમાણમાં હરિયાળી છે. એટલે કે કૂંડામાં કે પીપમાં ઉગાડેલા છોડ કે વૃક્ષ છે, જે પક્ષીઓને આકર્ષે છે, એમ અમને લાગે છે. પક્ષીપ્રેમીઓ જણાવી શકશે કે 'બર્ડ ફીડર' અથવા પાણી ઘરઆંગણે મૂકવાથી પક્ષીઓને કંઈ ફાયદો થાય? કેમ કે, અમારે ત્યાં એક બિલાડી પણ નિયમીત આવનજાવન કરે છે. બિલાડીની નજર આ પક્ષીઓ પર હોય છે, અને બહાર રખડતાં કૂતરાંઓની નજર આ બિલાડી પર.
મોરના (ખરેખર તો ઢેલના) ઈંડાને ચીતરવા ન પડે, એમ કહેવાય છે. પણ આનુવંશિકતાની રીતે જોઈએ તો કોઈ પણના ઈંડાને ચીતરવા ન પડે. હા, માણસનાં ઈંડા (એટલે કે બચ્ચાં)ને ચીતરવાનો ધંધો જોરદાર ચાલે છે. આ ઉદ્યોગમાં ખરેખર કોઈ પ્રક્રિયા થતી હોય તો તે એ કે નાણાંનું એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થળાંતર થાય છે.

(સ્પષ્ટતા: છેલ્લી લીટી 'ચિંતન' નથી, 'ચિંતા' છે, એમ સમજવું.)
(સૂચના: તસવીરોની ગુણવત્તા અંગે ફરિયાદ કરવી નહીં.)

Saturday, May 14, 2022

બસ, એમ જ...

 ભારતનો એક જાસૂસ પાકિસ્તાન-ભારત વચ્ચે આવનજાવન કરે છે. બીજા આવા ઘણા જાસૂસો છે. પોતાના એક સાથીએ જ કરેલી ચુગલીથી આ જાસૂસ પકડાઈ જાય છે. તેને પાકિસ્તાનની જેલમાં પૂરવામાં આવે છે. એક જેલમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ તેને ફેરવવામાં આવે છે. સતત મોતના ખોફ નીચે જીવતો આ ભારતીય જાસૂસ પોતાની આ હેરફેર દરમિયાન પાકિસ્તાની જેલોનો અનુભવ લે છે, ત્યાંની સૃષ્ટિને જુએ છે. તેનું સદ્નસીબ એ છે કે આખરે તેનો જેલવાસ પૂરો થાય છે અને તે ભારત પરત ફરે છે.

ભારત પરત ફર્યા પછી તેને વરવા અનુભવ થાય છે. સરકાર તેમની કોઈ જાતની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દે છે. ખિન્ન અને હતાશ થયેલા એ જાસૂસે લખ્યું છે: 'તે વખતે મારી પાસે પિસ્તોલ હોત તો તેની ચેમ્બર ખાલી થઈ જાય ત્યાં સુધી હું એમાંથી ગોળીઓ છોડ્યા કરત.'
આ જાસૂસનું નામ મોહનલાલ ભાસ્કર અને તેમના પુસ્તકાકારે લખાયેલા અનુભવો એટલે 'મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા'. 1985-86ની આસપાસ 'જનસત્તા'માં સાપ્તાહિક ધારાવાહિક તરીકે તે પ્રકાશિત થતા હતા, જે મારા વાંચવામાં છૂટકછૂટક આવેલા. અતિશય રોમાંચક વાંચન હતું.

1997-98ની આસપાસ આ મૂળ હિન્દી પુસ્તક મેં ખરીદ્યું. અત્યંત રસપ્રદ એ પુસ્તક મેં ઝડપથી પૂરું કર્યું. પણ એટલેથી મને સંતોષ થયો નહીં. મને થયું કે આનો મારે ગુજરાતી અનુવાદ કરવો જોઈએ. શા માટે? એ સવાલ મનમાં ઉગ્યો જ નહોતો. બસ, કરીએ. એને પ્રકાશિત કરવાનો કશો વિચાર હતો જ નહીં. રતિલાલ સાં.નાયક દ્વારા સંપાદિત 'બડા કોશ' (હિન્દી-ગુજરાતી કોશ) ખરીદી લીધો અને અનુવાદ શરૂ કર્યો. પુસ્તક તાજું જ વાંચેલું હતું, અને તેની ભાષા પ્રમાણમાં સરળ હતી. આથી અનુવાદ ઝડપથી થવા લાગ્યો. જોતજોતાંમાં એ પૂરો પણ થઈ ગયો. હવે શું કરવું? કશું નહીં. એક ગમતું કામ કર્યાનો રાજીપો મેં અને ઉર્વીશે માણ્યો, અને એ અનુવાદ ફાઈલમાં મૂકી દીધો.
પ્રથમ પ્રકરણનો અનુવાદ
એ પછી 2002માં પહેલવહેલી વાર રજનીકુમાર પંડ્યાએ મને એક વ્યાવસાયિક કામમાં સાંકળ્યો. (એ વખતે હું અન્યત્ર નોકરી કરતો હતો) અમે ચોવીસે કલાક ભેગા રહેતા. કામ વચ્ચે બ્રેક લેતાં અનેક વાતો થતી. એક વાર તેમણે મને પૂછ્યું, 'તું કશું સ્વતંત્ર કેમ લખતો નથી?' આનો જવાબ મારા માટે મુશ્કેલ હતો, કેમ કે, સ્વતંત્રપણે શું લખવું એ મને સમજાતું નહોતું. એ વખતે મને મોહનલાલ ભાસ્કરનો મેં કરેલો અનુવાદ યાદ આવ્યો. મેં તેના વિશે રજનીકુમારને વાત કરી. તેમણે મને એ લઈ આવવા કહ્યું. વચ્ચે એક વાર હું વડોદરા આવ્યો ત્યારે યાદ રાખીને એ અનુવાદવાળી ફાઈલ સાથે લીધી. રજનીકુમાર કામ કરતાં કંટાળે ત્યારે બ્રેક લેવા માટે કામનો પ્રકાર બદલતા. આવા એક 'બ્રેક' દરમિયાન તેમણે કહ્યું, 'લાવ, તારી પેલી ફાઈલ. મને જોવા દે.' મેં ખચકાતાં ખચકાતાં તેમને ફાઈલ આપી. કેમ કે, મેંં માત્ર નિજાનંદ માટે કરેલો અનુવાદ તેમના જેવી વ્યક્તિને કેવો લાગશે એ વિચારતો હતો.

તેમણે એ વાંચવાનું શરૂ કર્યું અને રસ પડતો ગયો. વચ્ચે વચ્ચે 'વાહ!', 'બહુ સરસ' જેવા ઉદ્ગારો કાઢતા. થોડાં પાનાં વાંચીને તેમણે મને પૂછ્યું, 'આ તેં ક્યાંય પ્રકાશન માટે મોકલ્યો છે?' મને મનમાં હસવું આવ્યું. એ બાબતે કશું કદી વિચાર્યું જ નહોતું. મેં ના પાડી. આવી બાબતે 'શુભસ્ય શીઘ્રમ'નો અભિગમ ધરાવતા રજનીકુમારે તરત જ મુંબઈ 'ચિત્રલેખા'ને ફોન જોડ્યો. (એ વખતે મોબાઈલ ફોનમાં ઈનકમિંગ ચાર્જ પણ લાગતા) એક તરફ મને બહુ સંકોચ થતો, પણ રજનીકુમારે મુંબઈ ફોન લગાડવામાં સહેજે વિલંબ કર્યો નહીં. અલબત્ત, એ સમયે 'ચિત્રલેખા'ના માળખામાં તે બંધબેસતું ન હોવાથી તેનું આગળ કંઈ થયું નહીં. એ અનુવાદ ફાઈલમાં જ ધરબાયેલો રહ્યો.
અંતિમ પ્રકરણનો અનુવાદ 
એ પછી ઉર્વીશ 'આરપાર'માં જોડાયો. એ સમયે આ અનુવાદ તેમાં પ્રકાશિત કરવો એમ તેણે સૂચવ્યું. અલબત્ત, એમાં કૉપીરાઈટ વગેરે મુદ્દાઓ હતા. આથી એ મારા નામને બદલે કોઈક એજન્સીના નામે તેમાં ધારાવાહિકરૂપે પ્રકાશિત કરાયો. જો કે, આઠ-દસ હપતા માંડ છપાયા અને કોઈક કારણસર એ અટક્યું.
વધુ એક વાર તે ફાઈલમાં રહી ગયું.
આગળ જતાં અંગ્રેજીની સાથેસાથે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારવાનું શરૂ કર્યું ત્યારે આ અનુભવ બહુ કામમાં લાગ્યો. 'કરેલું કશું નિષ્ફળ જતું નથી' એ વચનમાં હું આ રીતે ઘણી શ્રદ્ધા ધરાવતો થયો.
આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયેલો છે. 'જનસત્તા'માં તેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થતો એ કોણે કરેલો એ ખ્યાલ નથી, પણ એનું પુસ્તક થયું હોવાનું જાણમાં નથી.
મનમાં જે આવે એ લખી દેવું, લખેલું બધું પ્રકાશિત કરી દેવું, કે ખુદના લખાણના પ્રેમમાં પડી જવું- આનાથી બચવાના પાઠ આવા અનુભવ પરથી ઘડાતા જાય છે, જે અત્યારના સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમ પર મગજને ઠેકાણે રાખવામાં ઘણે અંશે મદદરૂપ બને છે.