Showing posts with label સરસ્વતીચંદ્ર. Show all posts
Showing posts with label સરસ્વતીચંદ્ર. Show all posts

Sunday, June 7, 2026

એક કાર્યક્રમ, બે સ્થળ, ત્રણ ભૂમિકાઓ

અહેવાલ તો શું લખવો! બૅક ટુ બૅક બે કાર્યક્રમ અને બન્ને વચ્ચે દોઢેક કલાકનો અવકાશ. એમાં પચીસેક મિનીટનું ભૌગોલિક અંતર. કાર્યક્રમનો સમય સાંજના સાડા પાંચનો હોવાથી હસિત મહેતાએ ત્યાંથી ઊંધી ગણતરી માંડીને સૂચના આપી કે આપણે શનિવારે સવારે સાડા દસે પાલડીના સ્ક્રેપયાર્ડમાં પહોંચી જવાનું. એ મુજબ એ સૌ નડિયાદથી અને હું વડોદરાથી લગભગ સાથેસાથે પહોંચ્યા. વીસેક જણની મંડળી હતી, જેમાં એકાંકીમાં ભાગ લેનારા પૂજા (ગાયનમાં પણ ખરી), નાઝનીન (ગોષ્ઠિમાં પણ ખરી), જય, અલ્ફીના (ગોષ્ઠિમાં પણ ખરી), આસ્થાના, તપન, કેતન, માધવ, વૈદેહી, હસિત મહેતા અને હું ભાગ લેનારા. આ ઊપરાંત શહેઝાદ, પર્જન્ય (બન્ને સાઉન્ડ પર), સ્મિત (મેક અપ), કામિની, લિમિશા મહેતા, પારૂલ પટેલ (બન્ને વિશ્વકોશમાં જોડાયાં)- આટલા હતા. આ ઊપરાંત બન્ને વાહનોના ડ્રાઈવર.

સ્ક્રેપયાર્ડના ખુલ્લા મંચ પર, લીમડાની છાંયમાં અમારી ત્રણે પ્રસ્તુતિઓ શી રીતે ભજવાશે એ રીહર્સલ કરીને જોયું. અહીં એકાંકી દિગ્દર્શીત કરનારા નિસર્ગ ત્રિવેદી પણ આવી પહોંચેલા. એટલે તેમની હાજરીમાં જ એ થયું. સ્ક્રેપયાર્ડના કબીરભાઈ અને એમની ટીમનો સભ્ય સાવન હાજર હતા. તેમની સાથે વિવિધ ચર્ચા થઈ. એ પછી સાડા બારની આસપાસ સૌ જવા ઊપડ્યા ઉસ્માનપુરા આવેલા વિશ્વકોશ ભવન. નિસર્ગભાઈ પણ ત્યાં હતા. અહીં ખંડમાં આવેલા મંચ પર કાર્યક્રમ થવાનો હતો. લાઈટિંગ પણ જોવાનું હતું. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. અહીં પણ સ્ટેજના માપ મુજબ રીહર્સલ થયું. કેટલીક મુશ્કેલી આવી, જેના ઊકેલ પણ તત્કાળ નીકળતા ગયા. જેમ કે, એકાંકીમાં જય ત્રણ ત્રણ ભૂમિકાઓ ભજવે છે. પહેલી પ્રવક્તાની, જેમાં તેણે ઝેન જીના યુવક દેખાવાનું હતું, બીજી ભૂમિકા સરસ્વતીચંદ્રની, અને ત્રીજી મિસ્ટર કારેનીનની. આમ તો આ ત્રણે પાત્ર માટે અલગ અલગ વીગ રાખેલી. જયના વાળ ખૂબ જ વાંકડિયા હોવાથી એક પાત્રમાં એને એમના એમ જ રાખવા અને બીજા બન્નેમાં વીગ પહેરાવવી એમ નક્કી થયેલું. પણ જોઈતી વીગ ન મળી. (પ્લીઝ, હવે સરનામું ન આપતા કે ફલાણે ઠેકાણે મળી જાત) નિસર્ગભાઈએ મસ્ત ઊપાય સૂચવ્યો. એમણે કહ્યું કે પાણીથી વાળ ભીના કરીને ચપ્પટ ઓળજે એટલે એ જુદું લાગશે. કામિનીએ એ જવાબદારી સ્વીકારી લીધી.
એવી રીતે નાઝનીનનાં પણ ત્રણ પાત્રો હતાં. એકાંકીમાં તો જાણે કે એ અના કરેનીના બનેલી. પણ ગોષ્ઠિમાં પ્રવક્તા અને વિદ્યાર્થીનીનાં બે પાત્રો. એમાં એણે પ્રવક્તા તરીકે સાવ જુદા ગેટ અપમાં આવવાનું અને પછી અંદર જઈને કપડાં બદલીને વિદ્યાર્થીની તરીકે પાછા આવવાનું. તે આવે એ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હોય, પણ તેમણે વાત શું કરવી? અમુક કહેલું, પણ એવુંય કહેલું કે નાઝનીનને પૂરતો સમય મળવો જોઈએ. એટલે એને આવતાં વાર લાગે તો તમે તમારી રીતે ખેંચજો.
અલબત્ત, દરેક પ્રસ્તુતિ અગાઉ રજૂ કરાતી પૂર્વભૂમિકામાં હસિતભાઈએ પ્રેક્ષકોને જણાવી દીધેલું કે કલાકારોને પોશાક- દેખાવ બદલવાનો સમય મળે એટલા માટે પૂર્વભૂમિકા જે તે પ્રસ્તુતિની પહેલાં રખાઈ છે. આ કારણ ખરું જ, પણ વાત એવી કે હસિતભાઈ જે ખૂબીથી પૂર્વભૂમિકા જણાવીને એ રીતે વિષયપ્રવેશ કરાવે સમગ્ર રજૂઆત જોવા માટે પ્રેક્ષકોને એક દૃષ્ટિકોણ મળી રહે. આમાંની એકે કૃતિ કોઈએ ન વાંચી હોય તો પણ તે આ રજૂઆતને માણી શકે.
'બીહાઈન્ડ ધ સીન્સ'ની જેમ બૅકસ્ટેજના ડખા એવો વિષય છે કે જેની વાત કરવાની મઝા જ આવે. પણ મુખ્ય કાર્યક્રમ એવી આ પ્રસ્તુતિઓની રજૂઆતને જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો એનાથી સૌનો ઉત્સાહ વધ્યો. અનેક મિત્રો-સ્નેહીઓ- પરિચીતો ઉપસ્થિત રહ્યાં અને સૌને પ્રોત્સાહન આપ્યું.
સૌ પ્રથમ વાર મુંબઈ, એ પછી અમદાવાદ, માંડવી, વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદમાં આ બે પ્રયોગો એમ કુલ પાંચ પ્રયોગો આ પ્રસ્તુતિના થયા. હજી ગુજરાતભરમાં એને લઈ જવા અમે ઉત્સુક છીએ. આમાં કોઈ વ્યાવસાયિક કલાકારો નથી, નથી વ્યાવસાયિક આયોજન. પણ એક મઝાની ટીમ બને અને ટાંચાં સાધનોમાં જે નક્કર કામ થાય એનો આનંદ બહુ છે.
અહેવાલ તો શું લખવો! બૅક ટુ બૅક બે કાર્યક્રમ અને બન્ને વચ્ચે દોઢેક કલાકનો અવકાશ. એમાં પચીસેક મિનીટનું ભૌગોલિક અંતર. કાર્યક્રમનો સમય સાંજના સાડા પાંચનો હોવાથી હસિત મહેતાએ ત્યાંથી ઊંધી ગણતરી માંડીને સૂચના આપી કે આપણે શનિવારે સવારે સાડા દસે પાલડીના સ્ક્રેપયાર્ડમાં પહોંચી જવાનું. એ મુજબ એ સૌ નડિયાદથી અને હું વડોદરાથી લગભગ સાથેસાથે પહોંચ્યા. વીસેક જણની મંડળી હતી, જેમાં એકાંકીમાં ભાગ લેનારા પૂજા (ગાયનમાં પણ ખરી), નાઝનીન (ગોષ્ઠિમાં પણ ખરી), જય, અલ્ફીના (ગોષ્ઠિમાં પણ ખરી), આસ્થાના, તપન, કેતન, માધવ, વૈદેહી, હસિત મહેતા અને હું ભાગ લેનારા. આ ઊપરાંત શહેઝાદ, પર્જન્ય (બન્ને સાઉન્ડ પર), સ્મિત (મેક અપ), કામિની, લિમિશા મહેતા, પારૂલ પટેલ (બન્ને વિશ્વકોશમાં જોડાયાં)- આટલા હતા. આ ઊપરાંત બન્ને વાહનોના ડ્રાઈવર.
સ્ક્રેપયાર્ડના ખુલ્લા મંચ પર, લીમડાની છાંયમાં અમારી ત્રણે પ્રસ્તુતિઓ શી રીતે ભજવાશે એ રીહર્સલ કરીને જોયું. અહીં એકાંકી દિગ્દર્શીત કરનારા નિસર્ગ ત્રિવેદી પણ આવી પહોંચેલા. એટલે તેમની હાજરીમાં જ એ થયું. સ્ક્રેપયાર્ડના કબીરભાઈ અને એમની ટીમનો સભ્ય સાવન હાજર હતા. તેમની સાથે વિવિધ ચર્ચા થઈ. એ પછી સાડા બારની આસપાસ સૌ જવા ઊપડ્યા ઉસ્માનપુરા આવેલા વિશ્વકોશ ભવન. નિસર્ગભાઈ પણ ત્યાં હતા. અહીં ખંડમાં આવેલા મંચ પર કાર્યક્રમ થવાનો હતો. લાઈટિંગ પણ જોવાનું હતું. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. અહીં પણ સ્ટેજના માપ મુજબ રીહર્સલ થયું. કેટલીક મુશ્કેલી આવી, જેના ઊકેલ પણ તત્કાળ નીકળતા ગયા. જેમ કે, એકાંકીમાં જય ત્રણ ત્રણ ભૂમિકાઓ ભજવે છે. પહેલી પ્રવક્તાની, જેમાં તેણે ઝેન જીના યુવક દેખાવાનું હતું, બીજી ભૂમિકા સરસ્વતીચંદ્રની, અને ત્રીજી મિસ્ટર કારેનીનની. આમ તો આ ત્રણે પાત્ર માટે અલગ અલગ વીગ રાખેલી. જયના વાળ ખૂબ જ વાંકડિયા હોવાથી એક પાત્રમાં એને એમના એમ જ રાખવા અને બીજા બન્નેમાં વીગ પહેરાવવી એમ નક્કી થયેલું. પણ જોઈતી વીગ ન મળી. (પ્લીઝ, હવે સરનામું ન આપતા કે ફલાણે ઠેકાણે મળી જાત) નિસર્ગભાઈએ મસ્ત ઊપાય સૂચવ્યો. એમણે કહ્યું કે પાણીથી વાળ ભીના કરીને ચપ્પટ ઓળજે એટલે એ જુદું લાગશે. કામિનીએ એ જવાબદારી સ્વીકારી લીધી.
એવી રીતે નાઝનીનનાં પણ ત્રણ પાત્રો હતાં. એકાંકીમાં તો જાણે કે એ અના કરેનીના બનેલી. પણ ગોષ્ઠિમાં પ્રવક્તા અને વિદ્યાર્થીનીનાં બે પાત્રો. એમાં એણે પ્રવક્તા તરીકે સાવ જુદા ગેટ અપમાં આવવાનું અને પછી અંદર જઈને કપડાં બદલીને વિદ્યાર્થીની તરીકે પાછા આવવાનું. તે આવે એ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હોય, પણ તેમણે વાત શું કરવી? અમુક કહેલું, પણ એવુંય કહેલું કે નાઝનીનને પૂરતો સમય મળવો જોઈએ. એટલે એને આવતાં વાર લાગે તો તમે તમારી રીતે ખેંચજો.
અલબત્ત, દરેક પ્રસ્તુતિ અગાઉ રજૂ કરાતી પૂર્વભૂમિકામાં હસિતભાઈએ પ્રેક્ષકોને જણાવી દીધેલું કે કલાકારોને પોશાક- દેખાવ બદલવાનો સમય મળે એટલા માટે પૂર્વભૂમિકા જે તે પ્રસ્તુતિની પહેલાં રખાઈ છે. આ કારણ ખરું જ, પણ વાત એવી કે હસિતભાઈ જે ખૂબીથી પૂર્વભૂમિકા જણાવીને એ રીતે વિષયપ્રવેશ કરાવે સમગ્ર રજૂઆત જોવા માટે પ્રેક્ષકોને એક દૃષ્ટિકોણ મળી રહે. આમાંની એકે કૃતિ કોઈએ ન વાંચી હોય તો પણ તે આ રજૂઆતને માણી શકે.
'બીહાઈન્ડ ધ સીન્સ'ની જેમ બૅકસ્ટેજના ડખા એવો વિષય છે કે જેની વાત કરવાની મઝા જ આવે. પણ મુખ્ય કાર્યક્રમ એવી આ પ્રસ્તુતિઓની રજૂઆતને જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો એનાથી સૌનો ઉત્સાહ વધ્યો. અનેક મિત્રો-સ્નેહીઓ- પરિચીતો ઉપસ્થિત રહ્યાં અને સૌને પ્રોત્સાહન આપ્યું.
સૌ પ્રથમ વાર મુંબઈ, એ પછી અમદાવાદ, માંડવી, વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદમાં આ બે પ્રયોગો એમ કુલ પાંચ પ્રયોગો આ પ્રસ્તુતિના થયા. હજી ગુજરાતભરમાં એને લઈ જવા અમે ઉત્સુક છીએ. આમાં કોઈ વ્યાવસાયિક કલાકારો નથી, નથી વ્યાવસાયિક આયોજન. પણ એક મઝાની ટીમ બને અને ટાંચાં સાધનોમાં જે નક્કર કામ થાય એનો આનંદ બહુ છે.
આ કાર્યક્રમનો વિગતવાર અહેવાલ અમારા મિત્ર પિયૂષભાઈ પંડ્યા દ્વારા લખાયો છે, જે આ લીન્ક પર વાંચી શકાશે.

વિશ્વકોશ ભવનમાં એકાંકીના લાઈટિંગની ચકાસણી

લાઈટિંગ સંભાળનાર દિગીશભાઈ સાથે સ્ક્રિપ્ટ
 અને દૃશ્યો વખતના લાઈટિંગ વિશે વાતચીત

વાળને ચપ્પટ ઓળવાની
પ્રયુક્તિનો અમલ
(ડાબે: નિસર્ગ ત્રિવેદી, જય અને કામિની)

સ્ટેજનું માપ બદલાતાં વિવિધ સંયોજન બદલાય.

બન્ને કાર્યક્રમ પત્યા પછી સ્ક્રેપયાર્ડમાં પેટપૂજા

Tuesday, March 17, 2026

સરસ્વતીચંદ્રના ગાલ પર ઘસરકા, અને અના કરેનીનાનું બ્લેઝર

"અલ્યા, તમારા બેયનો ઝઘડો બહુ જલ્દી પતી જાય છે. સહેજ લંંબાવો અને દોઢથી બે મિનીટનો કરો."

"પણ આટલું ખેંચતાંય અમે હાંફી જઈએ છીએ. તો અમારે બોલવું શું?"
"એ તમે નક્કી કરી લો. કંઈ પણ બોલો. પણ નાઝનીનને આવતાં દોઢથી બે મિનીટ થશે. એટલું ખેંચવું જ પડશે."
14 માર્ચે સાંજના સાડા છ- સાતની આસપાસ વલ્લભ વિદ્યાનગરના 'ઈપ્કોવાલા ઓડિટોરિયમ'માં મંચની પાછળ આવેલા ગ્રીનરૂમમાં આવી ચર્ચા ચાલતી હતી.
અમે બધા શિખાઉઓ. 'ચરોતર સાહિત્ય ઉત્સવ' અંતર્ગત રાતના સાડા આઠે અમારી ત્રણ પ્રસ્તુતિ હતી. એમાં સૌથી પહેલી એકાંકી, એ પછી ગાયન, અને છેલ્લે ગોષ્ઠિ હતી.
'તમે કલમ મ્યાન કરી' એકાંકીમાં જય (પ્રવક્તા અને સરસ્વતીચંદ્ર), નાઝનીન (અના કરેનીના), પૂજા (કુમુદસુંદરી), દીપાલી (કરેનીન) અને અલ્ફીના (ચોકીદાર)એ ભાગ લેવાનો હતો. એ પછી તરત જ પૂજાનું ગાયન હતું. અને એ પછી અમારી ગોષ્ઠિ, જેમાં કેતન, ફૈઝાન, તપન, વૈદેહી, અલ્ફીના, નાઝનીન અને મારે ભાગ લેવાનો હતો. નાઝનીને ગોષ્ઠિની ભૂમિકા બાંધવાની હતી અને એ પછી તરત અંદર આવી જઈને વિદ્યાર્થીની તરીકે મંચ પર પાછા આવી જવાનું હતું. વચ્ચેના સમયગાળામાં હસિતભાઈ આ ત્રણેની ભૂમિકા બાંધે એવી ગોઠવણ હતી. પણ આ વખતે સમયની તંગી હતી.
'તમે કલમ મ્યાન કરી' (કુમુદસુંદરી અને અના કરેનીનાની ભૂમિકામાં પૂજા અને નાઝનીન)

જેમ કે, જય પ્રવક્તા તરીકે ભૂમિકા બાંધીને અંદર જાય એ પછી દસેક મિનીટે તેણે સરસ્વતીચંદ્ર તરીકે પાછા આવવાનું હતું. એ દરમિયાન તેને પીતાંબર પહેરાવવાનું, વીગ કાઢવાની. અચાનક ધ્યાન પડ્યું કે જયે દાઢી રાખી હતી. પ્રવક્તા તરીકે એ બરાબર, પણ સરસ્વતીચંદ્ર તરીકે? એટલે હસિતભાઈએ તપનને દોડાવીને રેઝર અને શેવિંગ ક્રીમ મંગાવી લીધાં અને એને જ જવાબદારી સોંપી કે જેવો જય પ્રવક્તાની ભૂમિકા કરીને પાછળ આવે કે તારે એની દાઢી કરી દેવાની. પીતાંબર તો હસિતભાઈ પોતે જ પહેરાવવાના હતા. ઊતાવળે દાઢી કરવામાં જયના ગાલ પર ઘસરકાય પડ્યા, પણ છેવટનું પરિણામ મસ્ત મળ્યું.
એકાંકીમાં કુમુદસુંદરી બનેલી પૂજાએ સફેદ સાડી પહેરેલી. એ પછી તરત જ તેણે ગાવાનું હતું. અત્યાર સુધી અસ્થાના સાથે રહેતી, અને એ ગાવાનું શરૂ કરી દેતી, અને ત્યાં સુધીમાં પૂજા કપડાં બદલીને આવી જતી અને તેની સાથે જોડાઈ જતી. આ વખતે અસ્થાના નહોતી, એટલે પૂજાએ જ ગાયન શરૂ કરવાનું હતું. હસિતભાઈ પૂર્વભૂમિકા લંબાવે તો જ પૂજાને સમય મળી રહે. અલ્પા મેડમ અને પ્રિયંકા મેડમ પૂજાની સહાયમાં હતાં એટલે છેવટે એ પણ થઈ ગયું.

પૂજા દ્વારા 'સરસ્વતીચંદ્ર'માં આવતાં
ગીતોની પ્રસ્તુતિ

હવે છેલ્લો વારો ગોષ્ઠિનો હતો. એમાં નાઝનીન ગોષ્ઠિ વિશે ભૂમિકા બાંધે ત્યારે ટીશર્ટ અને બ્લેઝર પહેરીને બોલે, એ પછી તરત અંદર જઈને એ વિદ્યાર્થીનીના લિબાસમાં આવે એવી ગોઠવણ હતી. તે આટલું કરે એ દરમિયાન બહાર બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયેલા હોય અને તેમણે ગણગણાટ કરવાનો હતો. એ સમય પસાર થાય અને દર્શકોને લાગે નહીં કે સમય પસાર થઈ રહ્યો છે, એવું કંઈક કરવાનું. એમાં આ બોલાચાલી ઊમેરી, પણ એ ઝડપથી પતી જતી હતી. જો કે, મંચ પર એ બરાબર ભજવાઈ અને બહુ નૈસર્ગિક લાગી.
ગોષ્ઠિના આરંભે પ્રવક્તા (નાઝનીન) દ્વારા આ કાર્યનો પરિચય

સરસ્વતીચંદ્ર અને ભદ્રંભદ્રની સવા શતાબ્દિ નિમિત્તે
 બન્ને વિશેની ગોષ્ઠિ (જમણેથી: વૈદેહી, અલ્ફીના, કેતન, બીરેન, તપન,
ફૈઝાન અને નાઝનીન)

આમ તો આ બધા વિદ્યાર્થીઓ હતા. મંચ પર અભિનયનો કશો અનુભવ નહીં, કે નહીં એની બારીકીઓની જાણકારી. એટલે છેલ્લે ગોષ્ઠિ પતાવીને સૌ વિંગમાં ગયાં ત્યારે ખુશખુશાલ બનેલા અમારા સૌના ગજવામાં રહેલાં માઈકની સ્વિચ ચાલુ રહી ગયેલી. એટલે અંદર અમે 'મજ્જા આવી ગઈ', 'જોરદાર રહ્યું', 'તમે ઝઘડો બહુ મસ્ત કર્યો' જેવા સંવાદો બહાર દર્શકોને સંભળાતા હતા. એનો પણ એ લોકોએ આનંદ માણ્યો. આખરે હસિતભાઈ અંદર આવીને કહે, 'અલ્યા, માઈક તો બંધ કરો. બહાર બધું સંભળાય છે.' ત્યારે સૌને ખ્યાલ આવ્યો અને સૌએ માઈક બંધ કર્યાં.
કર્ટન કોલ વખતે સૌનો પરિચય હસિતભાઈએ કરાવ્યો. આવા દરેક કાર્યક્રમ કંઈ ને કંઈ શીખવી જતા હોય છે, અને એવો અનુભવ પણ છે કે એક વાર શીખેલો પાઠ બીજી વાર ભાગ્યે જ કામમાં આવે છે. છતાં એની મજા હોય છે.

કાર્યક્રમ પછી સમસ્ત મંડળી એક સાથે

આમ, વિદ્યાનગરમાં અમારી મંડળીને બહુ મજા આવી. હવે ગુજરાતનાં અન્ય નગર, શહેરો, ગામોમાં આવવા અમે ઉત્સુક છીએ.

Friday, March 13, 2026

કુમુદસુંદરી, અના કરેનીના આણિ મંડળી વિદ્યાનગરમાં આવે છે

- બીરેન કોઠારી

મુંબઈ, અમદાવાદ અને ભૂજ પછી હવે ચોથી વખતની રજૂઆત વિદ્યાનગરમાં આવતી કાલે, 14મી માર્ચ ને શનિવારે સાંજના 8.30 વાગ્યે છે. એવું તે શું છે કે આ કાર્યક્રમ થયા પહેલાં એના વિશે લખવાની જરૂર પડે? પહેલાં તો આ કાર્યક્રમનો વિચાર શાથી અને શી રીતે જન્મ્યો?
2025નું વર્ષ 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ પૂર્ણ થયાનું સવાસોમું વર્ષ હતું. આની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી ન હોઈ શકે એવી દૃઢ પ્રતીતિ ગોવર્ધનરામ સંબંધિત વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા પ્રો. હસિત મહેતાની. નડિયાદની યુ.ટી.એસ.મહિલા કોલેજના પ્રાચાર્ય હસિતભાઈને એક વિચાર આવે એ પછી તેઓ સૂતા નથી અને સૂવા દેતા નથી. તેમણે અનેક લોકોને આમાં સાંકળ્યા, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા. સાથોસાથ પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું એટલે કે બીરેન કોઠારી હોય જ.
એટલે કુલ ત્રણ બાબતો નક્કી થઈ. એ પૈકીની એક એટલે 'તમે કલમ મ્યાન કરી' એકાંકી. બીજી 'ગોષ્ઠિ' અને ત્રીજું 'લાઈવ ગાયન'.
'સરસ્વતીચંદ્ર' અને 'તોલ્સ્તોય'ની નાયિકાઓ પોતાના લેખક સામે આરોપ મૂકે કે 'તમે સમાજને બોધ આપવા જતાં અમને અન્યાય કર્યો છે.' આ મૂળ વિચારને વીસેક મિનીટની ભજવણીમાં હસિતભાઈએ પોતે જ 'તમે કલમ મ્યાન કરી' શિર્ષકથી રૂપાંતરિત કર્યો. એનાં પાત્રો નક્કી થયાં. એ પછી તાલિમ અને પછી રીહર્સલ. પહેલી વાર તાલિમ લુણાવાડાના પ્રો. કમલ જોશી પાસે હતી, તો આ વખતે અમદાવાદના નિસર્ગ ત્રિવેદી પાસે. નાનામોટા ફેરફાર સ્ક્રિપ્ટમાં અને પાત્રોમાં પણ થતા ગયા.
ગોષ્ઠિ એ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે, જેનો આરંભ કુલીનચંદ્ર યાજ્ઞિકસાહેબે કરેલો. તેઓ નડિયાદમાં આવેલા ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન 'શ્રી ગોવર્ધનરામ સ્મૃતિમંદિર'માં દર ગુરુવારે સાંજે આવીને બેસે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. વિષય કોઈ પણ હોઈ શકે. યાજ્ઞિકસાહેબની વિદાય પછી આજેય આ પ્રવૃત્તિ નિયમીતપણે ચાલે છે. એટલે આ ગોષ્ઠિને ભજવણી તરીકે મંચ પર રજૂઆત કરવાનો વિચાર પ્રો. હસિત મહેતાને આવ્યો. પણ એકલી ગોષ્ઠિ શી કામની? એમાં કોઈક મુદ્દે કેન્દ્રિત ચર્ચા થાય તો મજા આવે. આ વખતે એમણે વિષય એવો રાખ્યો કે 'સરસ્વતીચંદ્ર' અને 'ભદ્રંભદ્ર' બન્નેનું આ સવા શતાબ્દિનું વર્ષ છે. તો એ બન્ને કેમ ક્લાસિક ગણાય છે એ વિશેની ચર્ચા.
ત્રીજી બાબત એ 'લાઈવ ગાયન'. 'સરસ્વતીચંદ્ર'માં અનેક ગીતો આવે છે, જે ગોવર્ધનરામે ખુદ લખેલાં છે. આ ગીતોનાં ચૂંટેલા અંશને મંચ પરથી રજૂ કરવાના.
એક વાર આ બધું નક્કી થયું અને એની રૂપરેખા તૈયાર થઈ એટલે પછી વાસ્તવિક તૈયારી શરુ થઈ.
'તમે કલમ મ્યાન કરી'માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તરીકે પૂજા અને નાઝનીન મુખ્ય ભૂમિકામાં અને અન્ય પાત્રોમાં દીપાલી, અલ્ફીના તેમજ જયને લેવામાં આવ્યા.
ગોષ્ઠિમાં તપન, કેતન, વૈદેહી, ફૈઝાન, નાઝનીન અને અલ્ફીના ઉપરાંત ગોષ્ઠિના સંચાલક તરીકે મારી ભૂમિકા નક્કી થઈ.
ઈપ્કોવાલા હોલમાં ગ્રાન્ડ રિહર્સલ પછી આખી મંડળી:
(ડાબેથી) જય, અલ્ફીના, બીરેન, હસિત મહેતા, નાઝનીન,
 વૈદેહી, તપન, કેતન, ફૈઝાન, પૂજા અને દીપાલી

તો લાઈવ ગાયન માટે અદ્ભુત સ્વર ધરાવતી વિદ્યાર્થીનીઓ અસ્થાના અને પૂજા નક્કી હતાં.
રિહર્સલ ક્યારેક મહિલા આર્ટ્સ કોલેજમાં યોજાય, તો ક્યારેક ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં. એકાંકીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી કોઈને અભિનયનો અનુભવ નહીં, પણ તેમની ગ્રહણશીલતા આશ્ચર્ય પમાડે. છેલ્લી ઘડીના સુધારાને પણ તેઓ એટલી સહજતાથી કરી દેખાડે કે મજા આવી જાય. આ તમામ રિહર્સલોમાં હળવી ક્ષણો આવે, એમ અકળાવનારી ક્ષણો પણ આવે. હસિતભાઈનું આશુતોષ અને આશુરોષ સ્વરૂપ પ્રગટ થાય એની મજા એ ખુદ લે અને બીજાને લેવડાવે. અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ આ કામ માટે સમય કાઢવો એ તો બરાબર, પણ સંકળાયેલા એકે એકની દરકાર લેવી એ એમની વિશેષતા. દરેક વિદ્યાર્થી પોતાને ઘેર સલામત પહોંચે ત્યાં સુધીની એ વ્યવસ્થા કરે.

રિહર્સલ વખતે: જય, પૂજા, નાઝનીન અને અલ્ફીના


સામેથી સૂચન આપતા હસિતભાઈ (પાછલી હરોળમાં વચ્ચે)
ડાબે કુમારભાઈ (ભૂરા ટીશર્ટમાં) અને જમણે તપન.
આગળની હરોળમાં વૈભવભાઈ.

સૌથી છેલ્લે ભોજન અને પછી પોતપોતાને ઘેર

આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે એ વિદ્યાનગરના 'ઈપ્કોવાલા ઓડિટોરિયમ'માં ગઈ કાલે, 12મી માર્ચે ત્રણેનું રિહર્સલ કરવામાં આવ્યું. મંચના વાસ્તવિક પરિમાણ અનુસાર ભજવણીની પદ્ધતિના ફેરફારો થયા અને બધું પાક્કું થઈ ગયું. હવે આવતી કાલે ફાઈનલ રજૂઆત.
મૂળ તો આ આયોજન 'ચરોતર સાહિત્ય ઉત્સવ 2026' અંતર્ગત થઈ રહ્યું છે, જેમાં દિવસ દરમિયાન બીજા અનેક કાર્યક્રમો છે. સૌથી છેલ્લે રાતના 8.30 થી 10.00 દરમિયાન કુલ દોઢેક કલાકની અવધિમાં આ ત્રણે કાર્યક્રમોની રજૂઆત હશે. 14 માર્ચની મોડી સાંજે યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભીનું આમંત્રણ. (ગરમી વધુ હોવાથી કદાચ 'ભીનું' સૂકાઈ જાય તોય 'ભાવ' તો છે જ.)
(નોંધ: આ કાર્યક્રમ કોઈ પોતાના સંકુલમાં યોજવા ઈચ્છે તો જરૂર યોજી શકાય. આ એક બિનવ્યાવસાયિક કાર્યક્રમ છે, અને તેનો મુખ્ય હેતુ આ વાતના પ્રસારનો છે.)

Tuesday, September 23, 2025

માંડવીમાં પહોંચ્યાં કુમુદ, સરસ્વતીચંદ્ર અને અના કરેનીના

'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે નડિયાદના પ્રો. હસિત મહેતાએ વિદ્યાર્થીઓને સાંકળીને ત્રણ રજૂઆતો તૈયાર કરી છે. પહેલવહેલી વાર એ મુંબઈમાં અને બીજી વાર એ અમદાવાદમાં થઈ. હવે ત્રીજી વખતનો વારો માંડવીનો હતો. વી.આર.ટી.આઈ; માંડવી ખાતે 20 અને 21 સપ્ટેમ્બરના રોજ આ સંસ્થાની સુવર્ણજયંતિ નિમિત્તે 'સુવર્ણ સાહિત્ય મહોત્સવ'નું આયોજન હતું, જેમાં બે દિવસ સાહિત્યલક્ષી વક્તવ્યોનું આયોજન હતું. આ પૈકી શનિવારે, 20 સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠે 'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે તૈયાર કરાયેલી ત્રણ રજૂઆતોનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના અહેવાલ અગાઉ અહીં લખી ગયો છું. તેથી એની વિગતોમાં જતો નથી. વાત મારે કરવાની છે આ સ્થળ સુધી પહોંચવાના અમારા પ્રવાસની. હકીકતમાં મારો 21મીએ સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ પહેલેથી નક્કી હોવાને કારણે આ કાર્યક્રમમાં મારી સામેલગીરી કેવળ રીહર્સલ પૂરતી જ હોય એ સ્વાભાવિક છે. પણ મારે જે ભૂમિકા કરવાની હતી એ ભૂમિકા કરનાર સ્મિત એનાં અન્ય રોકાણોને કારણે રીહર્સલમાં હાજર રહી શકે એમ ન હોવાથી હસિતભાઈએ આ રજૂઆત પૂરતો તેને સામેલ ન કર્યો. એટલે સવાલ આવ્યો કે એને બદલે કોણ? બીજા અનેક વિકલ્પો વિચારાયા પછી છેવટે મારે જ રહેવું એમ નક્કી થયું. આથી બેમાંથી એક પસંદગી કરવાની સ્થિતિ આવી. કાં સ્ક્રેપયાર્ડનો કાર્યક્રમ પાછો ઠેલવો, કાં અમારે સૌએ બીજા દિવસે માંડવીથી વહેલા નીકળવું અને સાંજ સુધીમાં મને અમદાવાદ પહોંચાડી દેવો. બીજો વિકલ્પ ચિંતા કરાવે એવો હતો, કેમ કે, દસ-અગિયાર કલાકની મુસાફરી પછી હું અમદાવાદ પહોંચું તો પણ કાર્યક્રમની રજૂઆત પર આ મુસાફરીના થાકની અસર થયા વિના રહે નહીં. કાર્યક્રમ પાછો ઠેલવા વિચાર્યું, પણ એ નવરાત્રિ પછી થઈ શકે. બીજી તરફ એક વાર આ કાર્યક્રમ વરસાદને કારણે મુલતવી રહ્યો હોવાથી મારે માથે જાણે કે એક પ્રસંગ નીપટાવવાનો ભાર લાગતો હતો. આથી નક્કી કર્યું કે જે હોય એ, મને માંડવીથી અમદાવાદ પહોંચાડી દેવામાં આવશે, અને અમદાવાદમાં હું કોઈક મિત્રને ત્યાં કલાકેક આરામ કરી શકું એટલો સમય પણ રહે તો રહે.

પણ હસિતભાઈના આયોજનની ઝીણવટ એવી હોય કે તેમના મનમાં સતત કંઈ ને કંઈ ચાલતું રહે. એટલે એમનો ફોન આવ્યો કે વીસમીએ સાંજે કાર્યક્રમ પતાવીને ભૂજથી ટ્રેનમાં વડોદરા આવવા નીકળી જવાનું અમને ફાવે? આમ તો, આ ઉત્તમ ઓફર હતી, પણ અમારો કાર્યક્રમ જ સાંજના સાડા આઠનો હોય તો પછી ટ્રેન પકડવી શી રીતે શક્ય બને? હસિતભાઈ કહે, 'એ શક્ય છે. આપણો કાર્યક્રમ સાડા પાંચે રાખી શકાય એમ છે. અને એ વિકલ્પ ચકાસીને જ તમને પૂછું છું.' હજીય મારા મનમાં અવઢવ હતી, પણ હસિતભાઈએ મારા માટે, મારા કરતાંય વધુ વિચારી રાખેલું. એ કહે, 'તમે નક્કી કરીને મને દસ મિનીટમાં ફોન કરો એટલે ટિકિટ બુક કરાવી લઉં.' અમે હા પાડી એટલે ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ. એ મુજબ અમારે ભુજથી શનિવારે રાતે 10.40ની ટ્રેનમાં નીકળીને રવિવારે સવારે સાડા સાતે વડોદરા પહોંચવાનું હતું. સવારે ઘેર પહોંચી જાઉં તો મને આરામ માટે પૂરતો સમય મળે અને સાંજે હું અમદાવાદ જઈ શકું. આ તો પાછા આવવાની વાત થઈ. પણ માંડવી પહોંચવાનું શું?
અમારે શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે નડિયાદથી નીકળવાનું હતું. કુલ અઢાર જણની ટીમ. આ વખતે કામિની પણ સાથે આવવાની હતી. આથી અમે નક્કી કર્યું કે આગલા દિવસે, શુક્રવારે સાંજે હસિતભાઈને ઘેર જ પહોંચી જવું. એ મુજબ અમે પહોંચી ગયા ત્યારે હસિતભાઈએ જણાવ્યું કે નીકળવાના સમયમાં ફેરફાર કર્યો છે, અને હવે આપણે સવારે ત્રણ વાગ્યે નીકળવાનું છે. આનો અર્થ એ કે અમારે બે-સવા બે વાગ્યે જાગી જવું પડે. આ માટે તમામ સભ્યોનું એક વોટ્સેપ ગૃપ બનાવી દેવાયું હતું.
ઉંઘીએ, જાગીએ કે પડખાં ઘસીએ એટલામાં તો એલાર્મ વાગ્યું. અમે તૈયાર થઈને નીચે આવ્યાં એટલામાં વાહન પણ આવી ગયું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓના અનેક પ્રવાસોના આયોજન કરી ચૂકેલા હસિતભાઈએ ઝીણી ઝીણી બાબતોની કાળજી રાખી હતી, જેમાં તેમનાં પત્ની પીન્કી અને પુત્ર પર્જન્ય પણ સાથે હતાં. બરાબર ત્રણ વાગ્યે અમે નીકળ્યાં. બે ઠેકાણેથી અમારા સાથીદારોને લેવાના હતા. સંતરામ મંદિરના મુખ્ય દરવાજા પાસેથી અને મીલના દરવાજા પાસેથી. કોણ ક્યાંથી ચડશે એની વિગત સૌએ જણાવી દીધી હતી.
કુલ ત્રણ પ્રસ્તુતિમાં એક હતી 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ચૂંટેલાં ગીતોની જીવંત રજૂઆત, જે પૂજા અને અસ્થાના કરવાનાં હતાં. અસ્થાના પ્રજ્ઞાચક્ષુ છે, અને અદ્ભુત કંઠ ધરાવે છે. હિંમતનગરથી એ આગલા દિવસે નડિયાદ આવી ગયેલી. પૂજાનો કંઠ પણ બહુ સુંદર છે. એ અને તેના પતિ મીતને અમારે વરસોળા ચોકડીએથી લેવાના હતા. વાહન ઊપડ્યું ત્યારે હસિતભાઈ પરિવારનાં ત્રણ અને અમે બે એમ કુલ પાંચ સભ્યો હતાં. સંતરામ મંદિર પાસેથી વૈદેહી, તપન, દિવ્યેશ, કેતન અને દીપાલી આવ્યાં. એ પછી મિલ રોડ પરથી નાઝનીન, અલ્ફીના, ફૈઝાન, શેહજાદ અને જય આવ્યાં. સૌ ગોઠવાઈ ગયાં એટલે ગાડી આગળ વધી. અત્યારે તો સૌએ સૂઈ જવાનું હતું. ક્યાંક સહેજ વાતચીતનો અવાજ સંભળાય કે હસિતભાઈ વર્ગશિક્ષકની જેમ ટોકતા અને કડક અવાજે સૂઈ જવા કહેતા, જે બહુ જરૂરી હતું એનો ખ્યાલ દિવસ ઊગતો ગયો એમ આવ્યો.
હસિતભાઈનું પોતાનું વક્તવ્ય અમે પહોંચીએ કે તરત જ એક કલાકમાં હતું. વહેલા જાગવાની ટેવ ધરાવતા હોવાથી તેમણે વક્તવ્યની તૈયારી પ્રવાસ દરમિયાન કરવાનુ રાખેલું. આથી તેઓ ડ્રાઈવરની બાજુની સીટ પર ગોઠવાઈ ગયા અને માથે ટોર્ચ બાંધીને પોતાની અભ્યાસ સામગ્રી કાઢીને તૈયારી કરવા લાગ્યા. તૈયારી કરીને વક્તવ્ય આપતા વક્તાઓની પ્રજાતિ કેટલી દુર્લભ છે એ કહેવાની જરૂર ખરી?
ટોર્ચના અજવાળે, વાહનની
આગલી સીટ પર વક્તવ્યની
તૈયારી કરતા હસિતભાઈ

પીન્કીએ ઘેરથી ગરમ પાણીની બોટલ લીધી હતી અને સાથે સૂંઠનો પાઉડર. અસ્થાના, પૂજા અને નાઝનીનને એ પીવડાવાયું, જેથી એમનું ગળું સરખું રહે. અને તેઓ આ પીવે એની જવાબદારી તપનને સોંપાઈ. અમે સૌ ઝોકાં મારતાં હતાં. એમ ને એમ અમદાવાદનો રીંગ રોડ વટાવીને અમે આગળ વધ્યા. સવાર થવા લાગી હતી, પણ સૌએ ફરજિયાત સૂઈ જવાનો આદેશ હતો, જે બરાબર પળાયો હતો. આઠેક વાગ્યે એક સ્થળે ચા-નાસ્તા માટે ઊતર્યાં. સાથે લાવેલો વિવિધ પ્રકારનો નાસ્તો અને ચા. એ પતાવીને પ્રવાસ આગળ ધપ્યો. હવે બધાં બરાબર જાગી ગયાં હતાં અને વાતો શરૂ થઈ હતી. વચ્ચે વચ્ચે માંડવીથી આયોજક ગોરધનભાઈ કવિ ફોન દ્વારા પૃચ્છા કરી રહ્યા હતા. સતત પ્રવાસ પછી અમે સંસ્થાથી થોડે પહેલાં આવેલી એક હોટેલમાં ભોજન માટે થોભ્યા ત્યારે બપોરનો દોઢ થયો હતો. સૌ જમતા હતા ત્યારે હસિતભાઈ પોતાના વક્તવ્યને આખરી ઓપ આપી રહ્યા હતા. જમીને અમે અઢી- પોણા ત્રણે સ્થળે પહોંચ્યા.

માંડવી જતાં આખી મંડળી

પહેલાં અમારા કામચલાઉ ઉતારે સામાન ગોઠવ્યો. કાર્યક્રમ ચાલુ હતો, એટલે અમે સૌ સ્ટેજ અને તેનાં પ્રવેશદ્વાર જોવા ગયા, જેથી ખ્યાલ આવે કે ભજવણી શી રીતે કરવી. દરમિયાન મેકઅપ માટે જગદીશભાઈ ગોર ભૂજથી આવી ગયા. તેઓ અમુક વીગ અને મૂછો તેમજ મેકઅપ સામગ્રી લેતા આવેલા. છેલ્લી સૂચનાઓ આપી દીધા પછી હસિતભાઈએ કહ્યું, 'હવે હું વક્તવ્ય માટે જાઉં છું. આપણે હવે સીધા ભજવણીમાં જ મળીશું. અબ તુમ્હારે હવાલે.'
અહીં ઊકળાટ અનુભવાતો હતો. બધા સહેજસાજ હળવા થયા પછી ધીમે ધીમે તૈયારી શરૂ કરવામાં આવી. સૌથી પહેલાં 'તમે કલમ મ્યાન કરી'ની ભજવણી હતી. તેમાં પૂજા (કુમુદસુંદરી) અને નાઝનીન (અના કરેનીના)ની મુખ્ય ભૂમિકા હતી. એ ઊપરાંત અલ્ફીના (બટલર), જય (સરસ્વતીચંદ્ર) અને દીપાલી (પ્રવક્તા) નાની ભૂમિકામાં. મુખ્ય મેક અપ અને તૈયારી ચારે છોકરીઓએ કરવાની હતી. છોકરીઓને તૈયાર કરવામાં કામિની જોડાઈ. એકાંકી પછી અસ્થાના અને પૂજાનું ગાયન હતું. એટલે પૂજાએ દોડીને રૂમ પર આવીને કુમુદસુંદરીનો વેશ બદલીને પૂજાનો વેશ ધારણ કરવાનો હતો. ગાયન પછી ગોષ્ઠિની પ્રસ્તુતિ હતી. અના કરેનીના બનતી નાઝનીને ગોષ્ઠિમાં પહેલા પ્રવક્તાની અને એ પછી વિદ્યાર્થીનીની ભૂમિકા કરવાની હતી. ગોષ્ઠિમાં ફૈઝાન, તપન, કેતન, નાઝનીન, અલ્ફીના અને સૌથી નાની એવી વૈદેહી વિદ્યાર્થીઓ તરીકે અને મારે શિક્ષકની અથવા ગોષ્ઠિના સંચાલકની ભૂમિકા કરવાની હતી. આ બધાના દેખાવ, એક જ વ્યક્તિની વિવિધ ભૂમિકામાં જરાય સામ્ય ન રહે એ જોવાનું હતું, જેનાં રીહર્સલ અમે કરી ચૂક્યાં હતાં, અને હવે એનો આખરી સમય આવી ગયેલો. ગોષ્ઠિ પછી વધુ એક વાર અસ્થાના અને પૂજાનું ગાયન હતું. આ તમામ રજૂઆત પહેલાં હસિતભાઈ એની પૂર્વભૂમિકા આપે, જેથી પ્રેક્ષકોને એનો સંદર્ભ પકડાય. અને હસિતભાઈ પૂર્વભૂમિકા આપતા હોય એ દરમિયાન સૌ પોતપોતાના વેશની તૈયારી કરે એવું ગોઠવાયેલું છે. અહીં ફરક એ હતો કે સ્ટેજ ખુલ્લું હતું અને એની સાથે કોઈ ગ્રીનરૂમ નહોતો. આથી સ્ટેજથી બે-ત્રણ મિનીટના અંતરે આવેલા રૂમમાં જવાનું રહેતું. આ બધું ઉચક જીવે પણ બહુ મસ્ત રીતે પાર પડ્યું. દિવ્યેશ કેમેરા પર હતો, તો પર્જન્ય સાઉન્ડ પર. 

દીપાલીના મેકઅપમાં વ્યસ્ત
જગદીશભાઈ અને વીગ પહેરાવવા
માટે મદદમાં કામિની

રજૂઆતની રાહ જોતાં પાત્રો 

પ્રવક્તા દ્વારા પૂર્વભૂમિકા

અસ્થાનાનું ગાયન

પ્રવક્તા દ્વારા ગોષ્ઠિનો પરિચય 

ગોષ્ઠિની મંચ પરથી રજૂઆત
રજૂઆત પછી મંચ પર સમગ્ર ટીમનો પરિચય કરાવતા હસિતભાઈ 

પ્રેક્ષકોએ તમામ રજૂઆતો ખૂબ વધાવી. કાર્યક્રમ પછી ભોજન હતું. કામિની અને હું ફટાફટ ભોજન પતાવીને ભુજ આવવા નીકળવાના હતા. મેકઅપવાળા જગદીશભાઈ અમને ભુજ સ્ટેશને ઉતારવાના હતા. સૌની વિદાય લઈને અમે નીકળ્યાં અને ભુજ પહોંચ્યા ત્યારે સવા નવ થયા હતા. ટ્રેન મૂકાતાં અમે એમાં ગોઠવાયાં અને બીજા દિવસે સવારે વડોદરા આવી ગયા.
અમારા સિવાયની મંડળી બીજા દિવસે વહેલી સવારે નીકળીને માંડવીના સાગરતટે નીકળી. દરિયામાં મજા કરી, ખાધુંપીધું અને આનંદ કરતાં કરતાં સૌ પરત આવવા નીકળ્યા. વચ્ચે વચ્ચે તેઓ અમારી ખબર પણ પૂછતા રહ્યા.

બીજા દિવસે માંડવીના દરિયામાં મંડળી, જેમાં અમે હાજર નહોતાં

સાંજે લગભગ એવું થયું કે હું સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ આપવા માટે અમદાવાદમાં પ્રવેશ્યો લગભગ એ જ સમયે આ મંડળી અમદાવાદમાંથી બહાર નીકળી.
આમ, આ આખો પ્રવાસ બહુ મજાનો બની રહ્યો. આવા પ્રવાસની ઉપલબ્ધિ એ હોય છે કે એ એકમેકને ઓળખવાની, નજીક આવવાની તક પૂરી પાડે છે, અને પરોક્ષપણે ઘડતર કરે છે. આવા દર પ્રવાસ પછી આપણા સહપ્રવાસીઓ સાથેનું આપણું વર્તન બદલાતું હોય છે, અને એ બહેતર બનતું હોય છે. આ પ્રવાસ નિમિત્તે વિદ્યાર્થીમિત્રોની સાથે આટલો સમય ગાળવાની તક મળી એનો આનંદ જ જુદો છે.

Tuesday, August 12, 2025

સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ

-બીરેન કોઠારી

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!

ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમની મંચ ઉપર અને પાછળની ટીમ 

લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.

(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)