સામાન્ય રીતે ગીતકાર ગુલઝાર પોતાના ઈન્ટરવ્યૂમાં પોતે લખેલા સૌ પ્રથમ ગીત તરીકે 'બંદિની'ના 'મોરા ગોરા અંગ લઈ લે'ને ગણાવે છે. અલબત્ત, તેમણે આ અગાઉ પણ ફિલ્મોમાં ગીતો લખેલાં છે. ક્યાંક એમ પણ વાંચવામાં આવેલું કે અગાઉનાં ગીતોમાં પોતે માત્ર કોઈકના લખેલા ગીતને 'સરખાં' કરવાનું જ કામ કર્યું હોવાનું તેમણે કહેલું. વાસ્તવિકતા જે હોય એ, એ હકીકત છે કે 'બંદિની' પહેલાં ગુલઝારનું નામ ફિલ્મના પડદે ગીતકાર તરીકે આવી ચૂક્યું હતું. એ ગીતો આ રહ્યાં.
Showing posts with label Lyricist. Show all posts
Showing posts with label Lyricist. Show all posts
Saturday, April 1, 2023
ગુલઝારનું લખેલું પ્રથમ ગીત કયું?
1960માં રજૂઆત પામેલી 'કે પિક્ચર્સ' નિર્મિત, પ્રદીપ નય્યર નિર્દેશીત 'ચોરોં કી બારાત'નાં કુલ છ ગીતો અલગ અલગ ગીતકારોએ લખેલાં, જેમાંનું એક ગીત 'જાને ઔર અન્જાને આજ કહીં દીવાને ઘૂમને નિકલે' ગુલઝારનું હતું. ગાયક સુમન કલ્યાનપુર અને મહેન્દ્ર કપૂર. ફિલ્મમાં તેમનું નામ 'ગુલઝાર દીનવી' તરીકે હતું. સૌ જાણે છે એમ તેમનું તખલ્લુસ આ જ હતું, જે પછી ટૂંકાઈને 'ગુલઝાર' બન્યું. (મૂળ નામ સંપૂર્ણસિંઘ કાલરા). સંગીતકાર મનોહર (ખન્ના). એ જ વરસે રજૂઆત પામેલી 'ભગવતી પ્રોડક્શન્સ'ની, પ્રદીપ નય્યર નિર્દેશીત 'દિલેર હસીના'નાં કુલ છ ગીતોમાંના ત્રણ ગીતો - 'ઓ ઓ ઓ મનચલી', 'ચટકો ના મટકો ના' અને 'ચાંદની રાત જિયરા ડોલે' ગુલઝારે લખેલાં. પહેલાં બે ગીતો મહેન્દ્ર કપૂરે ગાયેલાં, અને ત્રીજું ગીત મહેન્દ્ર કપૂર- સુમન કલ્યાણપુર તેમજ સાથીઓએ. ફિલ્મમાં નામ 'ગુલઝાર દીનવી'. સંગીતકાર ઈકબાલ. એ જ વરસે રજૂઆત પામેલી 'રૂપકલા પિક્ચર્સ'ની, એસ.એમ.અબ્બાસ નિર્દેશીત 'શ્રીમાન સત્યવાદી'નાં સાત ગીતો પૈકીનાં ચાર ગીતો ગુલઝારે, બે હસરત જયપુરીએ, અને એક ગુલશન બાવરાએ લખેલાં. ગુલઝારનાં ગીતો- 'ઋત અલબેલી, મસ્ત સમા' (મુકેશ), 'ઈક બાત કહૂં વલ્લાહ' (મુકેશ, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથી), 'ભીગી અદાઓં મેં તેરી અદાઓં મેં' (મન્નાડે, સુમન કલ્યાણપુર) અને 'ક્યૂં ઉડા જાતા હૈ આંચલ' (સુમન કલ્યાણપુર). સંગીતકાર હતા દત્તારામ. આ ગીતો ખાસ જાણીતાં નથી, પણ સંખ્યામાં જોઈએ તો ત્રણ ફિલ્મોનાં આઠેક ગીતો થાય છે. આમ, ફિલ્મો માટે દસેક ગીતો લખ્યાં પછી 'મોરા ગોરા અંગ લઈ લે' લખાયું. એ શક્યતા ખરી કે 'કાબુલીવાલા' કે 'પ્રેમપત્ર' કરતાં કદાચ 'બંદિની'નું ગીત લખાયું પહેલું હોય, અને ફિલ્મ મોડી રજૂ થવા પામી હોય. પણ આ ત્રણ ફિલ્મો બાબતે એ શક્ય નથી લાગતું.
'બંદિની'ની રજૂઆત 1963માં થઈ. એ અગાઉ 1961માં રજૂઆત પામેલી 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, હેમેન ગુપ્તા નિર્દેશીત 'કાબુલીવાલા'નું 'ગંગા આયે કહાં સે' ગીત એમણે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. 'કાબુલીવાલા'નાં બાકીનાં ત્રણ ગીતો પ્રેમ ધવને લખેલાં. અલબત્ત, આની ધૂન એ સમયે રજૂ થયેલી, રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા'ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ધૂન પણ સલીલદાની જ હતી. એ પછી 1962માં રજૂઆત પામેલી, 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, બિમલ રોય નિર્દેશીત ફિલ્મ 'પ્રેમપત્ર' 1962માં રજૂઆત પામી. એના પાંચ ગીતોમાંથી ચાર રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં, અને એક ગીત 'સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ' ગુલઝારે લખેલું, જેના ગાયક હતા લતા અને તલત મહમૂદ. સંગીતકાર સલીલ ચૌધરી. 'બંદિની'ની રજૂઆત 1963માં થઈ હતી.
Monday, February 6, 2023
કુછ યાદ ઉન્હેં ભી કર લો
આજે રામચંદ્ર દ્વિવેદીની જન્મજયંતિ છે એમ કહીએ તો કદાચ એમની ઓળખાણ ઝટ ન પડે, પણ 'કવિ પ્રદીપ' કહેતાં જ અનેક ગીતો યાદ આવી જાય. 'પ્રદીપ' તખલ્લુસથી હિન્દી ફિલ્મોમાં તેમણે આગવી શૈલીએ ગીતો લખ્યાં. હિન્દી શબ્દાવલિ, સરળ શબ્દો તેમજ વિશિષ્ટ અંત્યાનુપ્રાસ તેમનાં ગીતોની ઓળખ બની રહ્યો. સરળમાં સરળથી ગહન ભાવવાળા ગીતો તેમણે લખ્યાં. પ્રદીપજી સાથે મારી એક વારની અને ઉર્વીશની બે-ત્રણ વારની મુલાકાત અત્યંત વિશિષ્ટ અને યાદગાર બની રહી છે. આજે પણ એ યથાતથ યાદ છે.
1989-90ના અરસામાં અમે મુંબઈ જઈને મનગમતા કલાકારોને મળવાનો ઉપક્રમ આરંભેલો. એ વખતે મારી વય ચોવીસ-પચીસની અને ઉર્વીશની સત્તર-અઢારની. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યત્વે જૂની ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાનો હતો. પ્રદીપજી એસ.વી.રોડ પર 'પંચામૃત' બંગલામાં રહેતા હતા. અમે સીધા જ એમને ઘેર ઊપડ્યા. પાર્લાની આસપાસ જઈને અમે એક દાણાવાળા (કરિયાણાવાળા)ને 'પંચામૃત'નું સરનામું પૂછ્યું. તેણે અમને સાચું સરનામું ચીંધ્યું અને અમે ત્યાં પહોંચી ગયા. ઝાંપો ખોલીને અમે અંદર પ્રવેશ્યા અને બેલ માર્યો. ઘણી વાર થઈ પણ કોઈ દેખાયું નહીં આથી અમે સહેજ ખચકાતાં ખચકાતાં અમે બંગલાના પાછળના ભાગમાં ગયા. ત્યાં સ્ટુડિયો જેવું દેખાયું, જેમાં થોડા વિદ્યાર્થીઓ ચિત્રકામ કરી રહ્યા હતા. અને એક બહેન ત્યાં ઉભેલા હતાં. અમને જોઈને તેઓ નજીક આવ્યાં અને અમારા આગમનનો હેતુ પૂછ્યો. અમે એમને હેતુ જણાવ્યો. તેમણે કહ્યું કે પ્રદીપજી બહારગામ ગયા હોવાથી એ મળી શકશે નહીં અને અમે ફરી મુંબઈ આવીએ ત્યારે શક્ય હોય તો અગાઉથી જાણ કરીને મળવાનો પ્રયત્ન કરવો. તેમનો આભાર માનીને અમે બહાર નીકળ્યા. બહાર નીકળીને જે પહેલી લાગણી થઈ તે એ કે ભલે પ્રદીપજી ન મળ્યા, પણ એ બહેને અમારી સાથે વાત બહુ સૌમ્યતાથી અને સરસ રીતે કરી. પછી ખબર પડી કે તેઓ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ હતાં.
પછીના વરસે અમે મુંબઈનો કાર્યક્રમ બનાવ્યો ત્યારે અગાઉથી અમે પ્રદીપજીને એક પોસ્ટકાર્ડ લખ્યું અને જણાવ્યું કે અમે અમુક દિવસોમાં મુંબઈ આવવાના છીએ અને તમને મળવાનો પ્રયત્ન કરીશું. એ મુજબ અમે મુંબઈ પહોંચ્યા અને એક દિવસ સવારે એમને ઘેર ફોન કર્યો. પ્રદીપજીએ જ ફોન ઉપાડ્યો. અમે કહ્યું એટલે એમણે જણાવ્યું કે અમારું પોસ્ટકાર્ડ એમને મળ્યું છે. એમણે અમને મળવા આવવાનો સમય ફાળવ્યો. નિયત દિવસે સાંજે અમે એમને ત્યાં પહોંચ્યા. અમારી સાથે મારા મુંબઈ રહેતા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ હતા.
દરવાજો પ્રદીપજીનાં પત્ની ભદ્રાબહેને ખોલ્યો અને અમને આવકાર્યા. અમે અંદરના રૂમમાં ગયા જ્યાં પ્રદીપજી બેઠેલા હતા. સાવ સુકલકડી દેહ, અને પલંગ પર પણ પગ સંકોચીને વિશિષ્ટ મુદ્રામાં બેઠેલા. એમની પાસે પડેલી બે-ત્રણ વસ્તુઓએ ધ્યાન ખેંચ્યું. એક તો 'જન્મભૂમિ પ્રવાસી' પલંગ પર પડેલું. એની બાજુમાં મોટો બિલોરી કાચ હતો, જેમાં બલ્બ લગાવેલો. અને ત્રીજું એક હોલ્ડર, જેમાં સીગારેટ ભરાવેલી.
| પ્રદીપજીના નિવાસસ્થાને તેમની સાથે ઉર્વીશ અને બીરેન |
આ અરસામાં રજનીકુમાર પંડ્યાએ લખેલા પ્રદીપજી વિશેના બેએક લેખ 'મિસ કમલ બી.એ.ની પત્ની પઠાણ' અને 'સંતોષીમાનું એરકન્ડીશનર' અમે વાંચેલા હતા. જો કે, અમારી એ મુલાકાત જોઈએ એવી જામતી નહોતી. પ્રદીપજી વળીવળીને રાજકીય મુદ્દા પર જતા રહેતા. મારા પિતરાઈ કિશનભાઈ એમાં ટાપશી પુરાવે એટલે એ વાત આગળ ચાલતી. પ્રદીપજી વયમાં એટલા મોટા, અમે એટલા નાના કે એમની વાત કાપવાની હિંમત થતી નહીં. પ્રદીપજીએ જણાવ્યું કે પોતે 'જન્મભૂમિ પ્રવાસી'ના નિયમીત વાચક છે અને બિલોરી કાચ વડે એ વાંચે છે. અમે તેમની તસવીરો લેવા પ્રયત્ન કર્યો તો તેમણે સહેજ અનિચ્છા બતાવી. આથી અમે ખચકાતાં ખચકાતાં થોડી તસવીરો લીધી. રજનીભાઈએ પ્રદીપજી વિશેના લેખમાં લખેલું, 'એ કંઈ ખજૂરીનું ઝાડ નહોતા. ફટાકડાની સેર હતા. તરત તડ્ તડ્ થઈ ગયા.' આ વાક્ય અમારા મનમાં સતત રમતું હોવાથી એ અંદેશો પણ ખરો કે તેઓ અમારી આગળ તડ્ તડ્ ન થઈ જાય. પોણો કલાક જેટલો સમય વીત્યો. અમને લાગ્યું કે હવે અમારે નીકળવું જોઈએ. આથી અમે તેમની સમક્ષ ઑટોગ્રાફ બુક ધરી અને એમાં ઑટોગ્રાફ આપવા વિનંતી કરી. પ્રદીપજીએ કહ્યું, 'એવું બધું આપવામાં હું માનતો નથી.' અમે તેમને આગ્રહ કરી ન શક્યા. તેમની રજા લઈને અમે ઉઠ્યા. તેઓ અમને છેક બારણા સુધી વળાવવા આવ્યા અને 'આવજો' કહ્યું. અમે લોકો બહાર નીકળ્યા અને પાછા સાન્તાક્રુઝ આવવા નીકળ્યા. પ્રદીપજીના ઑટોગ્રાફ ન મળી શક્યા એ અફસોસ રહ્યો, પણ તેમની તસવીર લઈ શકાઈ હતી એ આશ્વાસન હતું.
એ પછીના અરસામાં ઉર્વીશને ગુજરાત રિફાઈનરી તરફથી છએક મહિના માટે મુંબઈ જવાનું થયું. એ વખતે નલિન શાહ સાથે તેનો નિયમિત સંપર્ક રહ્યો. એક વાર નલિનભાઈ પ્રદીપજીને મળવા જઈ રહ્યા હતા અને તેમણે ઉર્વીશને સાથે લીધો. ઉર્વીશે આગોતરી તૈયારીરૂપે ઑટોગ્રાફ બુક સાથે રાખી. તેઓ 'પંચામૃત' પહોંચ્યા. ભદ્રાબહેન મળ્યાં એટલે નલિનભાઈએ પૂછ્યું, 'શું કરે છે શેઠ?' આ સવાલથી તેમની આત્મીયતા અને અનૌપચારિકતાનો ખ્યાલ આવતો હતો. પ્રદીપજી દાઢી કરી રહ્યા હતા એ જોઈને નલિનભાઈ ઉર્વીશને એમનો ફોટો લેવા કહ્યું. પણ ઉર્વીશ ખચકાયો એ જોઈને નલિનભાઈએ એની પાસેથી કેમેરા માંગ્યો અને ફોટો લીધો.
| પ્રદીપજીના હસ્તાક્ષર |
નલિનભાઈએ ઉર્વીશનો પરિચય કરાવતાં કહ્યું, 'એને જૂનાં ગીતોમાં બહુ રસ છે.' આ સાંભળતાં જ પ્રદીપજી કહે, 'એમ? 'મોરે બાલાપન કે સાથી' ગાઈને બતાવો.' નલિનભાઈએ હસીને કહ્યું, 'એને કંઈ ગાતાં થોડું આવડે છે?' નલિનભાઈ હોય એટલે વાતનો દોર એમના હાથમાં જ હોય એ સ્વાભાવિક છે. આવી મુલાકાતમાં મૂક શ્રોતા બની રહેવાના લાભ હોય છે એ ઉર્વીશ સારી પેઠે જાણતો હતો. પ્રદીપજી પણ નલિનભાઈ સાથે બરાબરના ખીલ્યા હતા. આખરે જવાનો સમય આવ્યો. આ વખતે પ્રદીપજીએ આસાનીથી ઓટોગ્રાફ આપ્યા.
એ પછી ઉર્વીશને બેએક વખત પ્રદીપજીને મળવાનું બન્યું. નલિનભાઈ સાથે એમને ત્યાં લીધેલી વધુ એક મુલાકાત વેળા ઉર્વીશે 'કિસ્મત' અને 'બંધન'ની રેકોર્ડ સાથે રાખેલી. જતી વખતે એ રેકોર્ડ એણે પ્રદીપજી સામે ઑટોગ્રાફ માટે ધરી. પ્રદીપજીએ રેકોર્ડ હાથમાં લીધી. આમતેમ ફેરવી અને પાછી આપતાં કહ્યું, 'આમાં મારું નામ નથી. (એટલે હું સહી નહીં કરું)' આ વખતે નલિનભાઈ સાથે હતા એટલે એમણે પ્રદીપજીને કહ્યું, 'એમાં એ શું કરે? એણે કંઈ ઓછી રેકોર્ડ બનાવી છે? કરી આપો એને.' પ્રદીપજીએ એ રેકોર્ડ પર હસ્તાક્ષર આપ્યા.
| 'કિસ્મત' અને બંધન'ના એલ.પી.કવર પર પ્રદીપજીના હસ્તાક્ષએ |
પ્રદીપજી હવે હયાત નથી, પણ તેમનાં લખેલાં-ગાયેલાં અનેક ગીતો થકી તેમની સ્મૃતિ સતત તાજી રહે છે. અમારા માટે એ ગીતોની સાથોસાથ અમારી એ મુલાકાતનો રોમાંચ પણ ભળેલો છે.
Sunday, January 22, 2017
નક્શ લાયલપુરી:કૈસે કહેં કિ તેરે તલબગાર હમ નહીં
હિન્દી ફિલ્મ ગીતકારોની જૂની પેઢીના આખરી સિતારા
સમા નક્શ લ્યાલપુરીનું મુંબઈ ખાતે આજે 22 જાન્યુઆરી, 2017ના રોજ 89 વર્ષની
જૈફ વયે અવસાન થયું.
હવે પાકિસ્તાનના ફૈસલાબાદ તરીકે ઓળખાતા લ્યાલપુર
શહેરમાં 24 ફેબ્રુઆરી, 1928ના દિવસે તેમનો
જન્મ થયો હતો. તેમનું મૂળ નામ જશવંત રાય શર્મા. તેમના પિતા જગન્નાથજી શર્મા ઈજનેર હતા.
શાયર તરીકે નક્શસાહેબની મુલાકાત લઈને મુંબઈસ્થિત
પત્રકારમિત્ર શિશિરકૃષ્ણ શર્માએ આલેખેલી જીવનસફર પોતાના બ્લૉગ પર અહીં મૂકી છે. આ બ્લૉગ
પર નક્શસાહેબનાં અત્યંત જાણીતાં બનેલાં ગીતો પણ સાંભળી શકાશે. અહીં તેનું પુનરાવર્તન
કરવાને બદલે નક્શસાહેબના સર્જનના અન્ય પાસાને માણીએ.
પંજાબી
ફિલ્મોનાં ગીતો તેમજ અનેક ગૈરફિલ્મી ગીતોની સાથેસાથે તેમણે કેટલીય ટી.વી.ધારાવાહિકોનાં
શીર્ષક ગીતો લખ્યાં હતાં. આ ધારાવાહિકો દૂરદર્શન પર યા અન્ય ખાનગી ચેનલ પરથી પ્રસારિત
થઈ હતી. ઉતાવળે લખાયેલી આ શ્રદ્ધાંજલિમાં આવાં કેટલાંક શીર્ષક ગીતો સાંભળીએ.
‘ઈંતજાર ઔર સહી’ શ્રેણીનું આ ગીત.
‘દરાર’ નામની ધારાવાહિકનું શીર્ષક ગીત.
‘મિલન’માં આ ગીત.
‘કેમ્પસ’ નામની શ્રેણીમાં આ શીર્ષક ગીત અમીતકુમારે ગાયેલું છે.
‘સરહદેં’નું આ ગીત પણ.
‘ચુનૌતી’નું અમીતકુમારે ગાયેલું આ ગીત ત્યારે પણ બહુ ગમતું
હતું અને આજે પણ હૃદયમાં ગૂંજે છે.
**** **** ****
બેંગ્લોર
ખાતે આર.એમ.આઈ.એમ.ના મિલન દરમ્યાન નક્શસાહેબના મુખેથી આશરે પોણા બે કલાકનું અત્યંત રસપ્રદ સ્વકથન અહીં સાંભળી શકાશે. અહીં તેમણે પોતે લખેલાં, પણ ખાસ
જાણીતાં ન થયેલાં ગીતોની વાત કરી છે.
શબ્દોની સાધનાથી હિન્દી ફિલ્મોના ગીતકારોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ અનોખા ગીતકારને શ્રદ્ધાંજલિ.
વિવિધભારતી પરથી પ્રસારિત ‘આજ કે ફનકાર’ કાર્યક્રમ અંતર્ગત
નક્શસાહેબ પરનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં તેમનાં ઘણાં ગીતોની ઝલક સાંભળી શકાશે. કાર્યક્રમની રજુઆત યુનુસ ખાને કરી છે.
શબ્દોની સાધનાથી હિન્દી ફિલ્મોના ગીતકારોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ અનોખા ગીતકારને શ્રદ્ધાંજલિ.
(તમામ લીન્ક યૂ ટ્યુબના સૌજન્યથી)
(વિશેષ આભાર: શિશિરકૃષ્ણ શર્મા, મુંબઈ)
Labels:
film,
Lyricist,
Naqsh Lyallpuri,
ગીતકાર,
નક્શ લાયલપુરી,
ફિલ્મ,
શ્રદ્ધાંજલિ
Monday, July 4, 2016
તુઝે મેરે ગીત બુલાતે હૈ
માત્ર સરખામણી ખાતર કલ્પના કરવાની છે. માની લો
કે કોઈ પ્રદેશમાં પાણીની મૂળભૂત સુવિધા નથી. આ સમસ્યાને કારણે ખેતી માટે તો ઠીક, પીવાનું પાણી મેળવવાનાં પણ લોકોને ફાંફા છે.
ચોમાસે અનિશ્ચિતપણે વરસતો વરસાદ એક માત્ર આધાર. આમ ને આમ અભાવમાં વરસો વીતે છે. થોડા
સન્નિષ્ઠ લોકોના પ્રયત્નો થકી આ ગામ પાસેથી એક મુખ્ય નહેર પસાર થાય છે. નહેર પસાર
થતાં પાણીની સમસ્યાનો ઉકેલ દેખાવા લાગે છે. ખેતી માટે પાણી મળે છે, પીવાના પાણીની છત છે. ધીમે ધીમે લોકો હવે
પેટાનહેર કાઢીને જળાશયોમાં પણ પાણી ભરે છે.
કંઈક આવી જ સ્થિતિ થોડાં વરસો અગાઉ ફિલ્મોના
ગીતસંગીત ક્ષેત્રે જાણકારીની હતી. કોઈ ગીતની વિગત જાણવી હોય તો રેડિયો એક માત્ર
આધાર હતો, અને એ સાંભળતાં
ચૂકી જવાય તો ગઈ વાત. આવા સંજોગોમાં કાનપુરના સંગીતપ્રેમી હરમંદીરસીંઘ ‘હમરાઝે’ એક મહાકાર્યનો
આરંભ કર્યો. એકલપંડે આરંભાયેલા આ કાર્યમાં અનેક સમરસિયાઓ જોડાતા ગયા. અને એક પછી
એક એમ હિન્દી ફિલ્મોનાં ગીતોનાં તેમણે કુલ પાંચ સંકલન તૈયાર કર્યાં. આ ગ્રંથો
માહિતીરૂપી મુખ્ય નહેર સમા બની રહ્યા. આ પાંચ ખંડોમાં ૧૯૩૧ થી ૧૯૮૦ સુધીની તમામ
ફિલ્મો, તેનાં ગીતો તેમજ
કલાકારોની માહિતી આપવામાં આવી છે. બે લીટીમાં લખાઈ જતી આ કથા ખરા અર્થમાં ‘ભગીરથ’ કાર્ય જેવી હતી. (એ શી રીતે સંપન્ન થયું તેનો આલેખ અહીં .) આ
ગ્રંથોએ લાખો સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા, અને બીજા અનેક
પેટાસંપાદનો માટેના દરવાજા ખોલી આપ્યા. આ પેટાસંપાદનો કરવા સહેલાં નથી. તેમાં અનેક
ઝીણવટ, ચોકસાઈ, સંશોધન જોઈએ.
અલબત્ત, સુરતના હરીશ
રઘુવંશીએ ૧૯૮૫માં ‘મુકેશ ગીતકોશ’ પ્રકાશિત કર્યો ત્યારે કોઈ એક કલાકારના સમગ્ર
પ્રદાનને સમાવતો ભારતભરનો એ પહેલો ગ્રંથ હતો. એ રીતે હરીશભાઈએ જાણે કે એક મોડેલ પણ
મૂક્યું હતું.
**** **** ****
‘હમરાઝ’નાં ‘હિન્દી ફિલ્મ
ગીતકોશ’ની ગંગોત્રીમાંથી
વ્યક્તિગત કલાકારોનાં સંપાદનોની અનેક ગંગા નીકળવાનો આરંભ થયો. કાનપુરના જ રાકેશ
પ્રતાપસિંહે ‘તલત ગીતકોશ’ તૈયાર કર્યો. મહંમદ રફીનાં
ગીતોનું સંકલન પણ તૈયાર થયું. અલબત્ત, દરેકે દરેક
સંપાદનો સંપૂર્ણ નથી.
![]() |
| પં.ભરત વ્યાસ સમગ્ર |
ગયા વરસે પ્રકાશિત દિલ્હીના સંજીવ તંવરે તૈયાર
કરેલો ‘તુઝે મેરે ગીત
બુલાતે હૈ’ નામનો ગ્રંથ
ગીતકાર પં.ભરત વ્યાસની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી છે. પણ આ કેવળ ફિલ્મોગ્રાફીનો ગ્રંથ
નથી. ઉર્દૂ ગીતકારોની ભરમારમાં હિન્દીના પ્રાધાન્યવાળાં ગીતો લખનાર કવિઓમાં પં.
ભરત વ્યાસનું નામ ઈજ્જતભેર લેવાય છે.
આ ગ્રંથમાં સંજીવ તંવરે અનેક બાબતોનો સમાવેશ
કર્યો છે. ભરત વ્યાસના વંશવૃક્ષ ઉપરાંત તેમના જીવનનો સંક્ષિપ્ત આલેખ, ભરત વ્યાસ વિષે વી. શાંતારામ, બી.એમ.વ્યાસ, પૃથ્વીરાજ કપૂર, એસ. એન. ત્રિપાઠી, નરેન્દ્ર શર્મા, પં. ઈન્દ્ર જેવા દિગ્ગજોના સંકલિત લેખો છે.
આ
ઉપરાંત ભરત વ્યાસ દ્વારા રજૂ કરાયેલા વિશેષ જયમાલા કાર્યક્રમનો પાઠ, ઓલ ઈન્ડીયા રેડિયોના ‘ચિત્રશાલા’ અંતર્ગત
પ્રસારીત થયેલી તેમણે લખેલી વાર્તાનો પાઠ, અમીન સાયાનીએ ‘સંગીત કે સિતારોં કી મહેફિલ’ કાર્યક્રમ અંતર્ગત લીધેલા ઈન્ટરવ્યૂનો પાઠ
ઉપરાંત કેટલીક તસવીરો પણ છે.
આ ગ્રંથ દ્વારા જાણવા મળે છે કે પં. ભરત વ્યાસે
કુલ ૨૧૦ ફિલ્મોમાં ગીતો લખ્યાં છે, જેમાં હિન્દી
(૧૮૯), ક્ષેત્રીય ભાષાની (રાજસ્થાની-૪, હરિયાણવી- ૧, ગુજરાતી-૧), અપૂર્ણ ફિલ્મો (૪) તેમજ બિનફિલ્મી ગીતોનો પણ
સમાવેશ થઈ જાય છે. આરંભે વર્ષવાર, કક્કાવાર
અપાયેલી અનુક્રમણિકા પછી દરેક પાને આ તમામ ફિલ્મોની વિગત આપવામાં આવી છે. આ
વિગતોમાં ફિલ્મનું નામ, સેન્સર વર્ષ, કલાકારો અને કસબીઓનાં નામ, ગીતની પ્રથમ પંક્તિ તેમજ જે તે ગીતના ગાયકોનાંં નામ અપાયાં છે.
જે તે પાન પર તે
ફિલ્મના અન્ય સંગીતકાર,
ગીતકાર, નિર્માતા એ દિગ્દર્શકનો ટૂંકો સતસવીર પરિચય પણ
આપવામાં આવ્યો છે.
![]() |
| પુસ્તકનું એક પૃષ્ઠ |
પરિશિષ્ટમાં પં.
ભરત વ્યાસના કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ છે. સૌથી રસપ્રદ છે આંકડાકીય માહિતી, જેમાં તેમણે કયા સંગીતકાર સાથે, કયા નિર્દેશકો સાથે કેટલી અને કઈ કઈ ફિલ્મો કરી તે કોષ્ટકરૂપે મૂકવામાં
આવી છે. આપણી ધારણા મુજબ તેમની સૌથી વધુ ફિલ્મો એસ.એન.ત્રિપાઠી (કુલ ૧૮) સાથે છે.
સાથે એ જાણીને આશ્ચર્ય થાય કે અવિનાશ વ્યાસ સાથે પણ તેમની એટલી જ ફિલ્મો છે. વસંત
દેસાઈ સાથે તેમણે કુલ ૧૨ ફિલ્મો કરી છે.
આવી અનેક રસપ્રદ
માહિતીઓ આ પુસ્તકમાં પાને પાને પથરાયેલી છે.
આ પ્રકારનાં
સંપાદનોની સંગીતરસિયાઓ તેમજ સંશોધકોમાં ઘણી માંગ હોય છે. પણ વ્યાવસાયિક પ્રકાશકો
ભાગ્યે જ તેના પ્રકાશન માટે આગળ આવતા હોય છે. આવા સંજોગોમાં તેનું પ્રકાશન પણ
સંપાદકે જાતે જ કરવું પડતું હોય છે. ‘હમરાઝ’ના ગીતકોશ હોય,
હરીશભાઈનો મુકેશ ગીતકોશ હોય કે સંજીવ તંવરનો ‘તુઝે મેરે ગીત
બુલાતે હૈ’ ગ્રંથ હોય!
આશરે ત્રણસો
પાનાંનો, આ
સાઈઝનો આ ગ્રંથ જૂનાં ફિલ્મી ગીતોના ચાહકો પાસે વ્યક્તિગત ધોરણે, લાયબ્રેરીઓમાં કે સંશોધન કેન્દ્રોમાં અવશ્ય હોવો જોઈએ.
તેને મંગાવવા માટે
સંજીવ તંવરનો સંપર્ક ફોન: 098101 84233 પર તેમજ ઈ-મેલ sanjeevtanwar999@yahoo.com પર કરી શકાય.
Labels:
Bharat Vyas,
Book,
film,
Lyricist,
Sanjeev Tanwar,
ગીતકાર,
પુસ્તક,
ફિલ્મ,
ભરત વ્યાસ,
સંજીવ તંવર
Saturday, September 7, 2013
ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલની વિદાય: પ્યાર મેં સૌદા નહીં
વિઠ્ઠલભાઈ પટેલ
હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનું પ્રદાન આરંભથી
ઘણું રહ્યું છે, તેમ છતાંય અમુક
ક્ષેત્રોમાં તે તદ્દન જૂજ કહી શકાય એવું છે. આમાંનું એક ક્ષેત્ર એટલે ગીતલેખનનું.
જૂની પેઢીમાં રમેશ શાસ્ત્રી જેવા ગીતકારનું નામ આ શ્રેણીમાં લઈ શકાય, તો નવી પેઢીમાં સંજય છેલ, અબ્બાસ ટાયરવાલા જેવા ગીતકારોને ગણાવી શકાય.
આટલી નાની યાદીમાં પણ નોંધપાત્ર ગણવું પડે એવું એક નામ છે ગીતકાર વિઠ્ઠલભાઈ
પટેલનું.
વિઠ્ઠલભાઈના વડવાઓ મૂળ ગુજરાતના નડીયાદના હતા.
પણ વ્યવસાયાર્થે તે સાગર (મધ્યપ્રદેશ)માં જઈને વસેલા. વિઠ્ઠલભાઈનો જન્મ અને ઉછેર
પણ સાગરમાં જ થયેલો. પિતા લલ્લુભાઈ અને માતા કાંતાબેનના પુત્ર વિઠ્ઠલભાઈ કોલેજ
સુધી પહોંચ્યા અને તેમનામાં રહેલી નેતૃત્વની શક્તિઓ પ્રગટ થવા લાગી. સાથેસાથે
કાવ્યત્વ પણ!
![]() |
| વિઠ્ઠલભાઈ પટેલ |
સાગરથી આશરે પોણોસો કિલોમીટરના અંતરે આવેલા
બીનામાં ‘તીસરી કસમ’નું શૂટીંગ ચાલી રહ્યું હતું. ફિલ્મના નિર્માતા
શૈલેન્દ્ર અને હીરો રાજ કપૂર ત્યાં હાજર હતા. શૈલેન્દ્રે વિઠ્ઠલભાઈને બીનામાં
નિમંત્ર્યા. રાજ કપૂર સાથે આ રીતે તેમનો પહેલવહેલો પરિચય થયો, જે ઘણો ફળદાયી નીવડવાનો હતો.
‘મેરા નામ જોકર’ પહેલાંના ગાળાની વાત છે. રાજ કપૂર એક વખત
દિલ્હી ગયા હતા અને ત્યાં રોકાયા હતા. યોગાનુયોગે વિઠ્ઠલભાઈ પણ દિલ્હીમાં હતા.
બન્નેની મુલાકાત થયા પછી રાજસાહેબે તેમને હોટેલ પર નિમંત્ર્યા. રાત આખી કવિતાનો
દૌર ચાલતો રહ્યો. વિઠ્ઠલભાઈની કવિતાઓથી તૃપ્ત થયેલા રાજસાહેબે વહેલી સવારે કહ્યું, “ચલો,ગુરુદ્વારા ચલતે હૈ’. બન્ને સાથે ગુરુદ્વારા ગયા. ગ્રંથસાહિબ આગળ પોતે માથું ટેકવીને
રાજસાહેબે વિઠ્ઠલભાઈને પણ એમ કરવા જણાવ્યું. ત્યાર પછી વિઠ્ઠલભાઈના હાથમાં શુકનનો
રૂપિયો આપતાં કહ્યું, “તુમ મેરી અગલી
ફિલ્મ કે ગીતકાર હો. લિજીયે યે શગૂન.” જો કે, વિઠ્ઠલભાઈને ખબર
હતી કે પોતાનાં માતા તેમને મુંબઈ જવા દે એમ નહોતાં. આ વાત તેમણે રાજ કપૂરને જણાવી.
રાજ કપૂરે કહ્યું, “માતાજી કી
અનુમતિ મિલે તો કભી ભી ફોન કરકે બમ્બઈ આ જાના.”
![]() |
| રાજ કપૂરની 'બૉબી'થી ફિલ્મકારકિર્દીનો આરંભ |
રાજ અને વિઠ્ઠલભાઈ એક વખત ચર્ચા કરી રહ્યા હતા.
એ દરમ્યાન અભિનેત્રી સિમ્મીનો ફોન આવ્યો. સિમ્મીની કોઈક વાત સાંભળીને રાજ કપૂરે
કહ્યું, “દેખો, તુમ કહતી હો તો મૈં માન લેતા હૂં, મગર જૂઠ મત બોલના. જૂઠ બોલોગી તો કૌઆ કાટેગા.”
આ સંવાદ સાંભળીને વિઠ્ઠલભાઈના મનમાં ઝબકારો
થયો. તેમણે તરત મુખડું લખી નાંખ્યું. અને પછી તો સડસડાટ ગીત લખાઈ ગયું. ફિલ્મ રજૂ થતાં જ એ મુખડા પરથી લખાયેલું ગીત
ઠેરઠેર ગવાતું થઈ ગયું.
‘બૉબી’(૧૯૭૩)નું એ અતિ લોકપ્રિય ગીત.
આ ગીતની પહેલાં જ આવતું બીજું એક ગીત કોરસ હતું, જેની ધૂન ગોવાના લોકસંગીત પર આધારિત હતી. એ ગીત પણ સાંભળવા જેવું છે.
‘બૉબી’નાં આ બન્ને ગીતો ખૂબ લોકપ્રિય થઈ ગયા અને પહેલી જ ફિલ્મથી વિઠ્ઠલભાઈ પટેલનો સિક્કો જામી ગયો.
‘બૉબી’નાં આ બન્ને ગીતો ખૂબ લોકપ્રિય થઈ ગયા અને પહેલી જ ફિલ્મથી વિઠ્ઠલભાઈ પટેલનો સિક્કો જામી ગયો.
ત્યાર પછી મનોજકુમારની ‘સંન્યાસી’(૧૯૭૫) ફિલ્મમાં
વિઠ્ઠલભાઈએ એક ગીત લખ્યું, જેને મુકેશ અને
લતાનો કંઠ મળ્યો. ફિલ્મની સાથેસાથે એ ગીત પણ સફળ થયું. આ રહ્યું એ ગીત.
રાજ કપૂરની ‘સત્યમ
શિવમ સુંદરમ’(૧૯૭૮)માં પણ તેમણે એક ગીત લખ્યું.
વિઠ્ઠલભાઈ દ્વારા લખાયેલાં ગીતોમાં એક પ્રકારની
સરળતા હતી, જેને લઈને તે
સરળતાથી લોકજીભે ચડી જતાં હતાં.
આમ છતાં, અન્ય ગીતકારોની
જેમ પૂર્ણ સમયના ગીતકાર ન બની શક્યા. કારણ સ્પષ્ટ હતું. વિઠ્ઠલભાઈની આજીવિકા
ગીતલેખન નહોતી. તેમના માથે પારિવારીક વ્યવસાયને સંભળાવવાની જવાબદારી હતી. તેને લઈને
તે મુંબઈમાં કાયમ માટે સ્થાયી થઈ શક્યા નહીં.
૧૯૭૩થી ૧૯૮૭ સુધી તે હિન્દી ફિલ્મોમાં સક્રિય
રહ્યા. બધું મળીને તેમણે કુલ ૨૭ ફિલ્મોમાં ગીતો લખ્યાં. કોઈ ફિલ્મમાં બધેબધાં ગીતો
તેમનાં લખાયેલાં હોય એવું ભાગ્યે જ બની શક્યું. શંકર જયકિશન, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન, કલ્યાણજી આણંદજી, ઉષા ખન્ના જેવા સંગીતકારોએ મુખ્યત્વે તેમનાં
ગીતો સ્વરબદ્ધ કર્યાં.
રાજ કપૂરની આદત હતી
એક ફિલ્મ માટે ઘણા ગીતો,
ધૂન તૈયાર કરવી. તેમાંથી અમુક પસંદ કરવી અને બાકીની સંઘરી રાખવી. તેનો ઉપયોગ યોગ્ય
સમયે કરવો. ‘બૉબી’ માટે આવું એક ગીત ‘વો કહતે હૈ હમસે, અભી ઉમર નહીં હૈ પ્યાર કી’ તેમણે લખેલું. ફિલ્મમાં એ ગીત લેવાયું નહીં. રાજેશ રોશન ત્યારે ‘બૉબી’ના સંગીતકાર લક્ષ્મી-પ્યારેના સહાયક હતા. તેમના
મનમાં આ ગીતના શબ્દો વસી ગયેલા. તેર-ચૌદ વરસ પછી ‘દરિયાદિલ’(૧૯૮૭)માં રાજેશ રોશને વિઠ્ઠલભાઈની પરવાનગી વિના આ ગીત વાપર્યું, એટલું જ નહીં, તેને ગીતકાર ઈન્દીવરના નામે ચડાવી
દીધું. વિઠ્ઠલભાઈને આની જાણ થતાં જ તેમણે અદાલતમાં દાવો દાખલ કર્યો. નિર્માતા અને
સંગીતકારે સમાધાન કર્યું અને વિઠ્ઠલભાઈને અમુક રકમ આપવાની ચેષ્ટા કરી. વિઠ્ઠલભાઈએ
તેને સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું, “રૂપિયા માટે મેં આ
નથી કર્યું. ટાઈટલમાં અને રેકોર્ડ પર ગીતકાર તરીકે મારું નામ મૂકાવું જોઈએ.”
તેમની શરત માન્ય
રાખવામાં આવી.
‘દરિયાદિલ’નું આ વિવાદાસ્પદ ગીત:
![]() |
| 'જૂઠ બોલે કૌઆ કાટે' કાવ્યસંગ્રહ |
'જૂઠ બોલે કૌઆ કાટે', 'દીવારોં કે ખિલાફ', 'પ્યાસે ઘટ', 'નાદાં હૈ હમ', 'અંત નહીં, આરંભ' જેવા તેમના કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.
બધું મળીને તેમનાં ફિલ્મો માટે લખાયેલાં ગીતોની સંખ્યા પૂરી પચાસે પણ પહોંચતી નથી. તેમનાં કુલ ફિલ્મી ગીતો ૪૭ છે. અને તેમાંના ઘણા એવી ફિલ્મો માટે છે કે જે ફિલ્મો ખાસ સફળ ન થઈ હોય. આમ છતાં, હિન્દી ફિલ્મોમાં સાવ ઓછું, પણ નોંધપાત્ર પ્રદાન કરનાર ગીતકારોમાં વિઠ્ઠલભાઈ પટેલનું નામ અવશ્ય મૂકવું પડે.
મધ્ય પ્રદેશમાં જન્મ્યા
અને ઉછર્યા હોવા છતાં, હિન્દીમાં
ગીતો લખતા હોવા છતાં વિઠ્ઠલભાઈ માતૃભાષા ગુજરાતીને ભૂલ્યા ન હતા. ગુજરાતીમાં તે આસાનીથી
વાત કરી શકતા.
તેમનાં કુલ ચાર સંતાનોમાં
બે દીકરાઓ સંજય અને ધર્મેન હતા, જેમાં ધર્મેનનું ૪૫ વર્ષની વયે અવસાન થયું હતું. સંજય હાલ વ્યવસાય સંભાળી
રહ્યા છે. બે દીકરીઓ કિર્તી અને આરતી પણ પરણીને પોતપોતાની ગૃહસ્થી સંભાળે છે.
આજે, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ
સવારે સાડા દસ વાગ્યે આ અનોખા ગીતકારે સાગર ખાતે ૭૭ વર્ષની વયે શ્વાસ મૂક્યા.
દેશવ્યાપી પ્રચંડ લોકપ્રિયતા
પામ્યા પછી પણ ફિલ્મક્ષેત્રની ચમકદમકથી અંજાયા વિના પોતાના વતનમાં રહીને લોકસેવા કરનાર
આ અનોખા ગીતકારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
**** **** ****
વિઠ્ઠલભાઈ પટેલ લિખીત કેટલાંક જાણીતાં ગીતો:
રાજ કપૂરની ફિલ્મ 'બીવી ઓ બીવી'(૧૯૮૧)માં રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં:
મનમોહન દેસાઈ નિર્દેશીત 'ધરમવીર'(૧૯૭૭)માં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં:
ફિલ્મ 'દો જૂઠ'(૧૯૭૫)માં શંકર- જયકિશનના સંગીત નિર્દેશનમાં આ ગીત:
**** **** ****
વિઠ્ઠલભાઈ પટેલની આ ચોકસાઈભરી ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે.
(માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
Labels:
film,
Lyricist,
obit,
Vithalbhai Patel,
ગીતકાર,
ફિલ્મ,
વિઠ્ઠલભાઈ પટેલ,
શ્રદ્ધાંજલિ
Subscribe to:
Posts (Atom)



.jpg)
.jpg)



+copy.jpg)