Showing posts with label Ishan Bhavsar. Show all posts
Showing posts with label Ishan Bhavsar. Show all posts

Sunday, May 22, 2016

ચલતે ચલતે


-ઈશાન ભાવસાર 



(અમદાવાદ રહેતો મિત્ર ઈશાન ભાવસાર આ બ્લોગ પર પોતાના વિશિષ્ટ અનુભવો વહેંચતો રહ્યો છે. આ વખતે તે વર્ણવે છે અમદાવાદના દિલ્હી દરવાજાથી ઇન્કમટેક્સ સુધીની તેની આ પગપાળા સફરમાં અસલ અમદાવાદ ધબકતું દેખાય છે.) 


એક અધ્યાપક તરીકે મને ઘણી વાર ચિંતા થાય કે શું મારી જીવનલીલા DA, HRA,CPF, PPF, LIC, Mutual Fund, increment, grade pay વગેરેમાં જ અટવાઈને સંંકેલાઈ જશે? વર્ગખંડની ચાર દિવાલો મને હંમેશા જ્ઞાનને રૂંધનારી અને જ્ઞાનની અસીમતાને સિમિતતામાં કેદ કરી દેનારી લાગી છે. સિલેબસ, લેસન પ્લાનિંગ, લેક્ચર, મધ્ય સત્ર અને સત્રાંત પરીક્ષાઓ અને એનાં પરિણામો – ઘણીવાર આ બધું  તદ્દન યાંત્રિક ઢબે થઇ રહ્યું હોય એમ લાગે, જ્યાં વિદ્યાર્થી કે શિક્ષકની મૌલિકતાને કે નોખી વિચારસરણીને અવકાશ ન હોય. આપણને બધું એક સમાન ખપે – એક સમાન અને મધ્યમ કોટિનું...સિસ્ટમને mediocre માણસોનો ખપ છે, જે સિસ્ટમે સોંપેલું કામ ચૂપચાપ કર્યા કરે, સિસ્ટમથી ડરી ડરીને ચાલે અને સિસ્ટમ સામે સવાલો તો ભૂલેચૂકે ય ન ઉઠાવે. Mediocrity આજનો મહારોગ છે અને સંવેદનશીલ માણસે એનાથી સતત બચતા રહેવાનું છે. પણ તકલીફ એ છે કે આ રોગની કોઈ રસી નથી. અને તેના રોગીઓ એ હદે બહુમતિમાં છે કે સ્વસ્થ માણસોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ આવે. 

બસ કંઇક આવા જ વિચારોથી ઘેરાયેલો હું એ દિવસે સવારે બાઈક લઈને નીકળ્યો. ચેટીચંડની રજા હતી અને ઘણા સમયથી બાઈકને સર્વિસ કરાવવાની હતી. અમારાં અબ્બાસભાઈ ટૂ-વ્હીલર રીપેરીંગ અને સર્વિસિંગના ‘જુના અને જાણીતા’ કારીગર. વર્ષોથી ફક્ત એમની પાસે જ બાઈક સર્વિસ માટે આપતો હોઉં છું. અમારાં સંબંધો પણ  મિકેનિક-ગ્રાહક  પૂરતા જ સિમિત નહિ. છ-મહિને કે વર્ષે એમની પાસે રીપેરીંગ કરાવવા જવાનું થાય ત્યારે ખાલી હાથે કોઈ દિવસ નહિ જવાનું. એમનાં બાળકો માટે બિસ્કીટ કે મીઠાઈ તો લેતાં જ જવાનું. બીજા મિકેનિકસ્ તો કદાચ જરૂર ન હોય તો ય નવાં પાર્ટસનો ખર્ચો કરાવી ગ્રાહકના પાકીટમાં પંક્ચર પાડતા હશે જયારે અબ્બાસભાઈની ફિલોસોફી ‘ચાલે ત્યાં સુધી ચલાવો’ ની! બને ત્યાં સુધી નવો પાર્ટ નાખે નહિ પણ જે તે પાર્ટ ફર્સ્ટ ક્લાસ રીતે રીપેર કરી આપે. ને લેબરચાર્જ એકદમ વાજબી...કેટલીક વાર તો ચોકસાઈ કરવા પૂછવું પડે કે તમે લેબરચાર્જ લીધો તો છે ને?
**** **** **** 

એ દિવસે સવારે દસેક વાગે ઘરેથી નીકળ્યો. જે ઓટો પાર્ટસની દુકાનમાં એ કામ કરતા એ દિલ્હી દરવાજા પાસે આવેલી. ગાંધીબ્રીજ વીંધીને દિલ્હી દરવાજા પહોંચ્યો ત્યાં મારી જમણી આંખ અનાયાસે ફરકવા માંડી. આંખના ફરકવાથી મને યાદ આવ્યું કે અહીં માધુપુરા બાજુ જ તો ‘ફરકી’ની દુકાન છે. ‘ફરકી’ નામ પડતાં જ એની પ્રખ્યાત માખણીયા લસ્સી મારી આંખ આગળ તરવરવા માંડી...અથવા તો હું માખણનાં લચકાની જેમ એમાં ડૂબવા માંડ્યો! અને મારું બાઈક ટ્રાફિક સિગ્નલની તમા કર્યા વગર ડાબી બાજુએ વળી ગયું. હઠીસિંહના દેરાની નજીક આવેલી ‘ફરકી’ શોપની બહાર બાઈક ઉભું રાખ્યું. આમ આવી રીતે ‘ફરકી’ પર લસ્સી પીવા આવવાનો અને તે ય એકલા પીવાનો પ્રસંગ મારે માટે પહેલો હતો એટલે ઉત્તેજના કેવી હોય એ સમજી શકાશે! બાઈક પાર્ક કરીને પહેલું કામ મેં દુકાનને બહારથી અવલોકવાનું કર્યું. વિશાળ કદનાં  હોર્ડીંગ્સ પર ‘ફરકી’નાં ઉત્પાદનોની રંગબેરંગી ચિત્રાવલીઓ દુકાન આગળથી જતાઆવતા રાહદારીઓને અપ્સરાની જેમ આકર્ષી રહી હતી. આંખને ઠંડક પહોંચાડે એવાં આકર્ષણને ઘડીક માણીને હું કાઉન્ટર પર ગયો. અને નક્કી કરેલું એમ માખણીયા લસ્સીનો જ ઓર્ડર આપ્યો. આહા! લસ્સીના કપનું કવર અનાવૃત કરો અને કેસર ફ્લેવરની મધુર લસ્સીમાં મારો માખણીયો ભૂસકો! લસ્સીના સબડકા બોલાવવા સહેલા, પણ એમાં મોજથી ડૂબેલાં મગરમચ્છરૂપી માખણનું જોર ભારે! માખણનો એ ટુકડો હૈદરાબાદના નિઝામની જેમ છેવટ સુધી અડીખમ રહે અને ચમચીના પ્રહાર સામે એ મગરમચ્છ મચક આપતો નથી! આવી સ્થિતિ એટલે કટોકટીકાળ જ જોઈ લો. વિપક્ષ જ ન હોય તો લોકશાહીને શું ધોઈ પીવાની! એમ પ્રવાહી લસ્સી જ પુરી થઇ જાય તો એ માખણીયા ઘન ટુકડાનું શું કરવાનું? સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને સમરસ થવા જોઈએ તો જ લોકશાહીનો ખરો સ્વાદ આવે એમ માખણનાં ઘન ટુકડાને લસ્સીમાં સમરસ કરવો જ રહ્યો. અને આવું કાર્ય કેટલાક વિરલાઓ જ કરી શકતા હોય છે! આ બાબતમાં હું તો હજુ ‘એમેચ્યોર’ ગણાઉં!

ખેર, લસ્સી પીને હું ગેરેજ પર જવા નીકળ્યો. ‘ભારત કૃષ્ણા બેકરી’ની લાઈનમાં અબ્બાસભાઈનું ગેરેજ આવેલું છે. ગેરેજ એટલે ઓટો પાર્ટસની દુકાનનો ઓટલો! અબ્બાસભાઈ પાસે જઈએ એટલે પહેલાં તો મીઠો આવકાર મળે અને ઔપચારિક વાતો થાય. BRTSની મિક્સ ટ્રાફિકથી ધમધમતી રેલીંગ વટાવીને સામે જઈને મારે માટે ચા લઇ આવ્યા. ચા પીધા પછી બાઈક સર્વિસમાં મુકી જાઉં છું એવું કહ્યું એટલે તરત કહે, “મારું એક્ટીવા લેતા જાઓ. સાંજે પાછું લેતા આવજો.” મેં કહ્યું, “ના...મારે એક્ટીવાની જરૂર નથી.” તો એ ચિંતામાં પડ્યા, “કેવી રીતે જશો?” મારો જવાબ: “રીક્ષા છે, આ લાલ બસ છે...BRTS પણ છે.”  તો પણ એમણે આગ્રહ રાખ્યો કે રીક્ષા કે બસભાડાં ખર્ચવા કરતાં એમનું એક્ટીવા લઈ જાઉં. એટલે મારે કહેવું પડ્યું, “કોઈક દિવસ તો અમને બસમાં ફરવા દો. અને ઘરે તો બીજું વાહન છે જ. એટલે, તમે ફિકર ના કરો.” અને આમ, બાઈકની યોગ્ય મરમ્મત અને ઓઈલ બદલવા અંગેની સૂચનાઓ આપીને હું ચાલ્યો.

ચાલતો જ ગયો! સામે BRTSનું બસ-સ્ટેન્ડ હતું પણ બસમાં બેસવાનું મન ન થયું. વિમલ-ભારત કૃષ્ણા-એમ્પાયર જેવી જાણીતી બેકરીઓની દુકાનો વટાવીને દિલ્હી દરવાજા પહોંચ્યો. દિલ્હી ભણી તાકી રહેલા ખખડધજ પણ અડીખમ દરવાજાઓ સામું જોઈને મનોમન સલામ કરી ઝેબ્રા ક્રોસિંગ વટાવી નાખ્યું ત્યાં તો સીઝનલ સ્ટોર્સની હારમાળા શરુ થઇ. આ સીઝનલ સ્ટોર્સનાં કોમ્બીનેશન બહુ જોરદાર હોય છે! ક્યાં એકબાજુ ટોપલીઓમાં ગોઠવાયેલા નિર્દોષ ફળફળાદિ અને ક્યાં બીજીબાજુ વાયુ અને અવાજનું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા. ફટાકડાનાં બોક્સ પર હિન્દી સિનેમાની અભિનેત્રીઓનાં વિશિષ્ટ અદાઓમાં ચિત્રો જોવાં મળતા હતા. આગળ જતાં સીંગ-ચણાના સ્ટોર્સ વટાવી શાહપુર દરવાજા બાજુ આગળ વધ્યો. મુખ્ય રસ્તા અને ડીવાઈડરની વચ્ચેનાં ખાસ્સા લાંબા પેસેજમાં ઉદ્યાન બનાવવામાં આવેલો છે જેમાં બાળબચ્ચાંઓ અને કિશોરોની ટોળી વિવિધ રમતો રમતાં વેકેશનનો આનંદ માણી રહી હતી. બીજા કેટલાક ‘રખડુ’ છોકરાઓ સાયકલો લઈને નીકળી પડ્યા હતા. ‘કુવાવાળી પોળ’ની બહાર એક સેકન્ડ-હેન્ડ પુસ્તકો વેચવાવાળો એનો અસબાબ ફૂટપાથ પર પાથરીને બેઠો હતો. પુસ્તકો જોઈને મારું મન લલચાય નહિ એ બને! જોયા. પણ કંઈ ખરીદવા લાયક દેખાયું નહિ ત્યાં તો અનાયાસે એક પુસ્તક પર નજર પડી. એ પુસ્તક હતું: MAD In Orbit. હાસ્ય-કટાક્ષની દુનિયામાં કાતિલપણે જગમશહુર એવાં અમેરિકાના ‘મેડ’ મેગેઝીનનું આ સ્પેશિયલ પ્રકાશન હતું. ‘મેડ’ મેગેઝીનનો બીરેનભાઈ અને ઉર્વીશભાઈએ પહેલાં પરિચય અને પછી પ્રેમ કરાવેલો હતો. એટલે આવું કંઇક દેખાય તો આંખ મીચીને લઇ જ લેવાનું હોય. લઇને ખુશ થતો આગળ ચાલ્યો.

સિક્કાનો શિકાર
સિક્કા માટે ઉદ્યમ કરતા ભગવાન
શાહપુર દરવાજાવાળા ચાર રસ્તા વટાવ્યા ત્યાં મુતરડીની વાસથી માથું ફાટી ગયું. મ્યુનીસીપલ શાળાની આગળ જ મુતરડી. મોંએ રૂમાલ દબાવી ઝટપટ ત્યાંથી પગ ઉપડ્યા તો આવ્યાં શંકરભુવનનાં છાપરાં. રસ્તાની કોરે કતારબદ્ધ ફર્નીચરની દુકાનો. અલગ અલગ આકાર-પ્રકારના હિંડોળા દેખાય. અને રસ્તા પર ઈલેક્ટ્રીકલના ભંગારની લારીઓ – ટેલીફોનના ડબ્બાઓ, ટીવી સેટ્સ, ટ્રાન્ઝીસ્ટર્સ, લેમ્પ અને બેટરીઓ જેવી આઇટમ્સ. ચાલતાં ચાલતાં ગાંધીબ્રીજ પણ આવી ગયો એમ વિચારતો બ્રીજ પરથી ચાલતો જતો હતો હતો ત્યાં એક ઘડા પર મારી નજર પડી. વપરાઈ ગયેલી પૂજાસામગ્રી કહેતાં નિર્માલ્યને નદીમાં ન નાખતાં એના કલેક્શન માટે બ્રીજ પર એક મોટો નિર્માલ્ય ઘડો મુકવામાં આવ્યો હતો.  એ ઘડો વટાવીને આગળ વધ્યો ત્યાં જિંથરીયા વાળવાળા એક ભાઈ નજરે પડ્યા. બ્રીજ પરથી એમણે નીચે સાબરમતીમાં દોરડું સરકાવેલું હતું. મેં નદીમાં ડોકિયું કર્યું. દોરડાનો એક છેડો નદીમાં ડૂબેલો હતો અને બીજો છેડો એમના હાથે બાંધેલો હતો. એ ભાઈની પાસેથી પસાર થતાં મેં અમસ્તું જ પૂછ્યું: “માછલી પકડો છો, ભાઈ?” તો એમણે કહ્યું, “ ના! એવું પાપ હું નથી કરતો.” એમના જવાબથી નવાઈ પામીને મેં પૂછ્યું, “તો શું કરો છો?”  આ પ્રશ્નનો એમણે જે જવાબ આપ્યો એનાથી મારી જિજ્ઞાસા રીતસર ભડકી ઉઠી. એમણે કહ્યું, “ સિક્કા કાઢું છું!”  “શું કહ્યું? સિક્કાઆઆઆ...?” આશ્ચર્યથી હું લગભગ કૂદી પડ્યો.
બોલ તેરી તકદીર મેં ક્યા હૈ? 
આ ભાઈએ દોરડું ખેંચવા માંડ્યું. દોરડા સાથે બંધાયેલાં ધાતુના ચોરસ ટુકડા પર નદીના તળિયાનો કદડો અને સાથે ચમકીલા બે સિક્કાઓ પણ ચોંટેલા હતાં. સિક્કાઓ કાઢીને એમણે ગાંધીબ્રીજની પાળે ઘસી નાખ્યા એટલે એકદમ કોરાકટ થઇ ગયા. તેમણે એ ખિસ્સામાં સરકાવી દીધાં! “ ચુંબક છે?”  ખબર હોવાં છતાં ય મેં સવાલ પૂછ્યો. “હા, જુઓ.” એમ કહીને એમણે મારાં હાથમાં ‘ચુંબકીયો ગલ’ થમાવ્યો. “ખેંચતી વખતે સિક્કા પડી જાય તો?” એવું પૂછ્યું તો એમણે  “આમ જુઓ” કહીને ચુંબકીયો ગલ ગાંધીબ્રીજની પાળ પરની લોખંડની ચીપ સાથે ચોંટાડયો અને એનું દોરડું મારા હાથમાં પકડાવીને કહ્યું, “હવે ખેંચો.” મેં દોરડું ખેંચ્યું તો જોયું કે ચુંબક અતિશય જોરાવર હતું અને ચીપ પરથી સહેજે ચસકવા તૈયાર નહોતું! એ ભાઈએ ચુંબકને હાથ વડે ચીપથી દૂર કરીને મારી સામું ‘વિનિંગ સ્માઈલ’ આપ્યું. પછી હવામાં ઘૂમરી ખવડાવીને ચુંબકીયો ગલ એમણે ફરી પાણીમાં નાખ્યો અને તળીયે જવા દીધો પછી મને કહે, “ તમારે કાઢી જોવાં છે સિક્કા?” અમદાવાદી એવો હું આવી બાબતમાં ના પાડું કે? “લાવો ત્યારે” કહીને મેં દોરડું હાથમાં લીધું.
સિક્કાની સાધનાની તૈયારી 

“આમ બ્રીજ પર હળવે હળવે આગળ વધતા રહો.” મુજ શિખાઉને સૂચના મળી. “શું નામ તમારું?” મેં વચ્ચે પૂછ્યું. “ ભગવાનભાઈ.” જવાબ મળ્યો. બ્રીજ પર બીજાં બે-ત્રણ લોકો પણ  કુતૂહલવશ અમારી પાસે આવી ગયાં. “ધીમે ધીમે દોરડું ખેંચો. જોઈએ તમારા નસીબમાં શું છે.” બીજી સૂચના આવી અને એ પ્રમાણે હું દોરડું ખેંચવા લાગ્યો. જોડે જોડે તેઓ યોગ્ય ‘ઇનપુટસ્’ આપતા હતા અને અમારી વાતચીતનો દોર પણ સમાંતરે ચાલુ હતો: “ આ દોરડું છે ને...એ કોઈ ડૂબતો માણસ પકડી લે ને...તો બચી જાય...” “ એ રીતે તમે કોઈને બચાયેલા છે?” “ હા.” “કેટલાં ને?” “ઘણાય ને!” “ત્યાં પેલા કિનારે તરાપો દેખાય છે?” “હા.” “ એ તરાપો લઈને ડૂબતા માણસ સુધી પહોંચી જઉં અને એને બચાવી લઉં.” આમ વાતો થતી હતી ત્યાં ચુંબકીયો ગલ ઉપર આવતાં એમણે હાથમાં લઇ લીધો. “તમારાં નસીબમાં દિલ છે!” એમણે ઉત્સાહથી જાહેર કર્યું. “દિલ?” હું છળી મર્યો! જોયું તો દિલના આકારની હેરપીન હતી. “પણ આ દિલ તો પીળું છે! અને નીચે પેલો ખીલોય ચોંટેલો દેખાય છે. આનું શું સમજવું મારે?” ભગવાનભાઈ પણ મૂંઝાઈ ગયા!

ચુંબકની શક્તિનો ડેમો 
એમના ફોટા હું પાડતો હતો, એ પછી એમણે કહ્યું, “લાવો તમારા પણ ફોટા પાડીએ.” એકદમ એમણે કહ્યું. “મારા ફોટા? સારું લો... સ્ક્રીન પર ગમે ત્યાં આંગળી દબાવજો એટલે ફોટો પડી જશે.”  કહીને મેં મોબાઈલમાં કેમેરા ચાલુ કરી આપ્યો. ભગવાનભાઈએ એક-બે વાર પ્રયત્ન કર્યો પણ ફોટો ન પડ્યો એટલે ‘ઓડિયન્સ’ માંથી પેડલરીક્ષા ચાલક એક ભાઈ આગળ આવ્યા અને એમણે ફોટો પાડી આપ્યો. આ ભાઈ શંકરભુવનના છાપરામાં ભગવાનભાઈના પડોશી હતાં. નરેશ એનું નામ. “સિક્કા સિવાય ક્યારેક બીજું કંઈ મળે કે? વીંટી કે એવું?” “કોઈક વાર નંગ મળી આવે. આવજો મારે ઘેર.બતાવીશ તમને.” એમણે આમંત્રણ પણ આપી દીધું. “તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો?” મેં પૂછ્યું તો નરેશભાઈ કહે “મારો નંબર લઇ લો.” નરેશભાઈનો નંબર લીધો. પછી ભગવાનભાઈ પાછા ગલ લઈને કામે વળગ્યા. એમના ‘કામ’નું ડોક્યુમેન્ટેશન કરીને મેં ‘સાબરમતીના સિક્કાબાજ’ની વિદાય લીધી. ઇન્કમટેક્સથી રીક્ષા પકડીને સીધો ઘરે આવ્યો. મનમાં કેટલાક પ્રશ્નો થઇ રહ્યાં હતા: મેં દિલ્હી દરવાજાથી જ બસ કે રીક્ષા પકડી લીધી હોત તો મને ‘ભગવાન’નો ભેટો થાત? જો કોઈ મિત્રને લઈને બાઈક સર્વિસમાં આપવાં ગયો હોત તો મેં જે પગપાળા સફર કરી એ સફર અમે કરી હોત? ભગવાનભાઈને મળીને એવું લાગ્યું કે જાણે હું ઇંગ્લેન્ડના ખ્યાતનામ લેખક ચાર્લ્સ ડિકન્સની નવલકથાનાં કોઈ પાત્રને મળી રહ્યો હોઉં!
એક મંદિરમાં બેઠેલો નિર્જીવ ભગવાન છે જેને લોકો સામે ચાલીને અઢળક સિક્કાઓ ધરી જાય છે અને એક આ જીવતોજાગતો ભગવાન છે જેણે થોડાક સિક્કા મેળવવા માટે ભરતડકામાં કાળી મજૂરી કરવી પડે છે...

સિક્કાઓનો ખેલ, બીજું શું?

(તમામ તસવીરો: ઈશાન ભાવસાર) 

ઈશાન ભાવસારનો સંપર્ક: ishanabhavsar@gmail.com

Sunday, November 10, 2013

બાઈક પર બોધિવૃક્ષ

- ઈશાન ભાવસાર

(અમદાવાદ રહેતો મિત્ર ઈશાન ભાવસાર અગાઉ અહીં ભદ્રના કિલ્લાની મુલાકાતનો રસપ્રદ અહેવાલ લખી ચૂક્યો છે. આ વખતે તેણે એક અનુભવકથા આલેખી છે. આ કથા વિષે વધુ કંઈ કહેવાને બદલે તેને વાંચવાનો આરંભ જ કરી દો અને વાંચી લીધા પછી યાદ કરો કે તમારી સાથે આવું ક્યારે બન્યું હતું.) 

ગ્રહમાળામાં ગુરુનું જે સ્થાન હોય એ, પણ આપણી ભારતીય પરંપરામાં 'ગુરુ'નું સ્થાન કંઈક વધારે પડતું મહત્વનું છે. કમનસીબે આપણા લોકો 'શિક્ષક'ને 'ગુરુ' માની લેવાની ભૂલ કરતા હોય છે. દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા હોવાની વાત છે. પણ વર્તમાન જગતમાં ઘણા લોકો દત્તાત્રેયથી ચાર ડગલાં આગળ હોય છે. તેઓ સામેવાળા દરેકને 'ગુરુ'ના સંબોધનથી સંબોધે છે. અહા! જ્ઞાનપ્રાપ્તિની શી તત્પરતા! એક વ્યાખ્યા મુજબ 'ગુર' શીખવે એ 'ગુરુ'. વાત સાચી છે. ઘણા 'ગુરુ'ઓ પોતે 'ભગવાન' હોવાનો દાવો કરે છે. તો એથી વિરુદ્ધ ઘણા શિક્ષકો પોતે સદાય વિદ્યાર્થી હોવાનો દાવો કરે છે. દુન્યવી વ્યાખ્યા મુજબ આપનો વિશ્વાસુ પણ વ્યવસાયે 'શિક્ષક' એટલે કે 'પ્રાધ્યાપક' છે, છતાં વૃત્તિએ વિદ્યાર્થી છે. અલબત્ત, આ બાબતની વિદ્યાર્થીઓને ખબર નથી. આને કારણે 'ગુરુ'ની ભૂમિકાઓ ઘણી વાર બદલાઈ જાય છે. આપણે ગયા હોઈએ જ્ઞાન (ખરેખર તો માહિતી) આપવા, પણ સરવૈયું માંડીએ તો ખબર પડે કે આપણે જ્ઞાન મેળવીને સમૃદ્ધ થઈ રહ્યા છીએ. 
આવી અટપટી ભૂમિકા પછી જે જણાવવા માટે આ ભૂમિકા બાંધવાની ફરજ પડી એ બોધકથા. 
એક દિવસની વાત છે. ગાંધીનગરમાં હાલ જ્યાં અધ્યાપનકાર્ય માટે જાઉં છું એ કૉલેજનો સમય પૂરો થયો. સાંજે અમદાવાદ પાછા ફરવાનું હતું. મારી બાઈકને કીક મારવાની તૈયારી કરી રહ્યો હતો. અચાનક એક ગોળાકાર માનવાકૃતિ પ્રગટ થઈ. 
ગુણવંતરાય આચાર્યની દરિયાઈ કથાઓમાં આવે છે એમ એ માનવાકૃતિના કપાળે વહાણના લંગર આકારનો જૂનો ઘા હતો. શરીર બેઠી દડીનું. ચહેરો પરિચિત લાગ્યો. અરે હા! યાદ આવ્યું. આ તો પ્રથમ વર્ષનો મારો વિદ્યાર્થી! કંઈક અપેક્ષાએ એ મારી તરફ જોઈ રહ્યો હોય એમ લાગ્યું.પરીક્ષા હજી થઈ નહોતી, એટલે માર્ક્સ અંગે વાત નહીં હોય એમ ધારીને મેં સીધું જ પૂછ્યું,
“શું હતું?”
“સાહેબ, અમદાવાદ જાવ છો?” દડી બોલી.
“હા.”
“મને લેતા જશો? સિવિલ (હોસ્પીટલ) જવું છે. મારાં મમ્મીને ત્યાં દાખલ કરેલાં છે.” દડીએ એક શ્વાસે વિનંતી, હેતુ અને માહિતીનું ‘ફ્યુઝન’ કર્યું.
 “ કેમ નહિ? ચાલો. બેસી જાઓ.” એક કરતાં બે ભલા એમ વિચારીને મેં વગર વિચાર્યે તેમની વિનંતી-કમ-અરજી સ્વીકારી લીધી.
પાછલી સીટ પર એ શરીર ગોઠવાયું. અમારી બાઈકસફરનો આરંભ થયો.


બાઈકરથ 
ત્યારે ક્યાં ખબર હતી કે અમારી વચ્ચે થનારા આ સંવાદ કેવળ ઔપચારિક વાતચીત ન બની રહેતાં જ્ઞાનબોધની ઉંચાઈને પામવાના છે! ચાલુ બાઈકે મેં જ વાતચીત આરંભી.
“શું કરો છો?” આ દડીનો પરિચય જાણવા મેં પૂછ્યું.
“’ચીટાહી’માં ફ્લોર મેનેજર છું, સાહેબ. યુ.પી.એસ., એ.સી., અર્થીંગ એવું બધું સંભાળવાનું.” જવાબ મળ્યો.
“હા, હા, યાદ આવ્યું. તમે અગાઉ જણાવેલું. બરાબર.” મને યાદ આવી ગયું. દડી તરફ વળી સવાલનો દડો ગબડાવતાં પૂછ્યું, “તો તમે અહીં આર્ટસમાં કેમ કરતાં આવી ચડ્યા?”
“
જી.પી.એસ.સી.ની તૈયારી કરવાની છે, સાહેબ.” દડીએ સવાલના દડાને સહેજ મોડ આપ્યો. 
અનાયાસે હું એ તરફ ફંટાયો અને પૂછ્યું,
“ ક્યા વિષયમાં આપશો?”
“ હીસ્ટ્રીમાં, સાહેબ. આ તો શું કે મામલતદાર-તલાટીની તૈયારી થાય ને! આર્ટસ લેવાનું કારણ તો અંગ્રેજી જરા એ બહાને પાકું થાય એ છે, સમજ્યા ને સાહેબ?”
હું ન સમજ્યો. મોંમાંથી “હેં?” ઉદ્‍ગાર નીકળી ગયો. આગળ પૂછ્યું, “હં...તો કોઈ કોચિંગ ક્લાસમાં જાવ છો?”
“
અરે હા, હા, સાહેબ. પેલી જી.એલ.એફ. એકેડેમીમાં જાઉં છું. મારા પપ્પા વકીલ છે. એમને મોટા મીનીસ્ટરો જોડે ઊઠવા- બેસવાનું થાય છે.” આમ કહીને એ અટક્યો. પછી ગુપ્ત માહિતી આપતો હોય એમ કહે, “કોઈ મીનીસ્ટરના પી.એ. થવા માટેના પ્રયત્નો પણ ચાલુ જ છે, સાહેબ.”
“
હેં?” આ ભાઈની મહત્વાકાંક્ષા સાંભળીને વધુ એક વાર મારાં મોમાંથી ઉદ્‍ગાર નીકળી ગયો. એની કળ વળે એ પહેલાં દડી બોલી, “ સાહેબ...એક વાત કહું?”
“ હં...”

“તમે સંઘર્ષ બહુ કર્યો, હોં.” એણે પ્રશંસાના સૂરે કહ્યું.
મને આનંદ તો થયો, પણ વિવેક કરતાં મેં કહ્યું, “આભાર. પણ હજુ મારો સંઘર્ષ ચાલુ જ છે.”
“
સાહેબ, હું તો ઝટપટ સફળતા મળે એમાં માનું છું. પેલી કહેવત તો તમે સાંભળી જ હશે. Justice delayed is justice denied.”  મારા આ વિદ્યાર્થીની વિચારવાનગી અને તેની ઉપર ભભરાવેલા અંગ્રેજી જુમલાથી હું ચીત થઈ ગયો. લાગ્યું કે આ કોઈ સાધારણ આત્મા નથી. એની પાસેથી વધુ ને વધુ જ્ઞાનનું દોહન કરી લેવું જોઈએ. કોને ખબર, ફરી એ મોકો ક્યારે મળે. થોડે આગળ જતાં રસ્તામાં મકાઈડોડાવાળા દેખાયા. ડોડા ખાવાને નિમિત્તે આ જ્ઞાની આત્મા સાથે એટલો વધુ સમય ગાળી શકાય એમ ધારીને મેં બાઈક ત્યાં ઉભું રાખ્યું. બે ડોડા લીધા. એક એ વિદ્યાર્થી-કમ-ગુરુ-જ્યાદાને આપ્યો. વિદ્યાર્થીની ગુરુવાણી આગળ ચાલી.
“હા, સાહેબ...ને શું કહું છું, સાહેબ... મારુંય તમને એ જ કહેવું છે કે તમે બી ક્યાંક કાયમી નોકરી લઇ લો. ચાલો, તમને હિંમતનગર ટ્રાન્સફર કરાવી આપવાની જવાબદારી મારી...”
“
તમે હિંમતનગરના લાગો છો.” મેં હિંમતનગરનો ઉલ્લેખ સાંભળીને અટકળ લગાવી. 
પણ એ સવાલને અવગણીને તેણે કહ્યું, “ હા. ને સુદર્શન સ્વદેશીજી ખરા ને? આપણા સબમરીન ખાતાના મંત્રીજી...!”
“
 હં? હા,હા.”
“ એમનુંય કંઈ કામ હોય તો કહેજો.”
મારાથી એવું કામ તો કહેવાય નહીં કે મારી પાકી નોકરીનું ગોઠવી આપો. એટલે પૂછ્યું, “કેમ? તમારે કશી ઓળખાણ છે?”
મારા અજ્ઞાન પર હસતાં એ બોલ્યો, “ અરે, ના ના, સાહેબ. પણ અમે બેય એક જ કાસ્ટના. વાત ત્યાં છે. સમજી ગયા ને?”
“હંહં...” ઘડીભર મને લાગ્યું કે આ મનખાદેહ મેં શા કારણે ધારણ કર્યો? એના કરતાં મકાઈડોડો બન્યો હોત તો? આગળ શું પૂછવું એ ન સૂઝતાં મેં મકાઈના ડોડાને બટકું ભર્યું અને પૂછ્યું: “આખું નામ શું તમારું?”
“
દર્શન ભારતીય.”
“ હં, અચ્છા.” હવે મારું ધ્યાન મોતી જેવા મકાઈદાણા ચણવામાં હતું.
દર્શનની વાણીસવારી આગળ ચાલી, “શું કહું છું સાહેબ...હું પોલીટેકનીક કરતો હતો ને, ત્યાં એક સિવિલના સાહેબ હતા. બિલકુલ તમારા જેવા સીધા. લીટી જેવા અને સિદ્ધાંતવાદી. લેક્ચર લે અને ઘેર જાય. એમને મેં કીધું કે આ ભણાવવા બણાવવાને બદલે કોર્ટ-કચેરીમાં ફસાયેલો બાજુનો પ્લોટ તમે ખરીદી લો ને! સાહેબે કોઈકને એ વિષે પૂછ્યું હશે તો બધાએ કહ્યું કે આ તો ગાંડિયો છે એની વાત ના માનશો. પણ સાહેબને હું કહેતો રહ્યો કે આ પ્લોટ લગડી છે લગડી. જો જો તમે. સાહેબ છેવટે માન્યા. મારા પપ્પાએ મદદ કરી અને પ્લોટ સાહેબના હાથમાં ગયો. માનશો? સાહેબે પછી ત્યાં મોટું કોમ્પ્લેક્ષ બાંધ્યું. ને સાહેબ...એમણે ત્યાં એકેક દુકાન દીઠ બબ્બે લાખ રૂપિયા નફો ઉતારેલો. આપણને બી કડદાના સારા એવા પૈસા મળેલા. ખોટું નહીં કહું. હવે આજે એ સાહેબ લેવા ખાતર એકાદ બે લેક્ચર લે છે. બાકી એમનું બધું ધ્યાન મૂડીરોકાણોમાં જ છે. સમજ્યા ને સાહેબ?”
પેલા સીવીલના સાહેબ પ્રત્યે દયા અને ઈર્ષ્યાની મિશ્ર લાગણી મને થઈ આવી. પણ લાગ્યું કે આ બાબલાને મારે યાદ કરાવવું રહ્યું કે ભઈ, ગમે એટલું તોય તું વિદ્યાર્થી છું. એટલે મેં કહ્યું, “એક વાત કહું?”
“
અરે, બે કહો ને, મારા સાહેબ.” બાબલો ઉત્સાહમાં આવી ગયો હતો. 
“તમને નથી લાગતું કે તમારે પી.એ. થવા કરતાં સીધા મંત્રી બનાવા માટેના જ પ્રયત્નો કરવા જોઈએ?”
અણધાર્યો બાઉન્‍સર આવ્યો હોય એમ એ ચોંક્યો, “હેં?”
“જુઓ. માનનીય સુદર્શનજી દીર્ઘાયુષ પામે એમ આપણે ઈચ્છીએ. પણ એ કંઈ અમરપટ્ટો તો લખાવીને આવ્યા નથી. એટલે તમારા કોન્ટેક્ટ્સ હજીય વધારતા રહો ને મંત્રી બનવાનું જ લક્ષ બનાવો. મનેય કોઈક દિવસ કામમાં આવશો.”
મકાઈડોડો ખવાઈ રહ્યો હતો. હવે વારો હતો એ માટેનાં નાણાં ચૂકવવાનો. સ્વાભાવિકપણે મેં જ પાકીટ કાઢ્યું. એ ખોલીને તેમાંથી વીસ વીસની બે નોટ કાઢતો હતો એ સમગ્ર પ્રક્રિયા કૂતુહલવશ પેલા ‘વિદ્યાર્થીગુરુ’ નિહાળતા રહ્યા અને પાકીટમાંથી મોટો ખજાનો નીકળવાનો હોય એમ ડોકીયું કરતા રહ્યા. ચાલીસ રૂપિયા ચૂકવીને અમે પાછા બાઈકરથ પર સવાર થયા. કૃષ્ણના સ્થાને એ હતા, છતાં તે પીલીયન રાઈડર બન્યા, જ્યારે અર્જુનના સ્થાને હોવા છતાં મારે સારથિ બનવાનું હતું. 
“ જે સંદર્ભમાં તમે પેલી અંગ્રેજી કહેવત ટાંકી એ પરથી લાગે છે કે તમને વાંચવાનો શોખ હોવો જોઈએ.” મેં વાતનો દોર સાંધતા કહ્યું.
“હા સાહેબ...વાંચી લઈએ હવે...આપણી લાયબ્રેરીમાં ને બીજે બધે.” નિ:સ્પૃહતાથી તેણે જવાબ આપ્યો. 
“આપણી લાયબ્રેરી બહુ સમૃદ્ધ છે, નહિ?” મેં પૂછવા ખાતર પૂછ્યું.
“એ તો હશે, સાહેબ. (સહેજ અટકીને) મેં પ્રિન્સીપાલને અને આપણા પ્રોફેસર્સને એક ઑફર કરેલી.”
“શું?”
“
કે અમારા જેવા ૫-૬ વિદ્યાર્થીઓના હાથમાં સત્તા આપો તો કોલેજમાં શિસ્ત ને બધું જળવાયેલું રાખીએ.”
“એ તમે બહુ સારું કર્યું. પછી?”
“ એ લોકો મારી વાત સમજ્યા તો ખરા, પણ કોઈ નિર્ણય પર ન આવી શક્યા.”
“ એટલે જ તો અમે પ્રોફેસર મૂઆ છીએ.” મનમાં ને મનમાં હું બોલી ઉઠ્યો.
“અરે,સાહેબ! આ તો કંઈ નથી. એક વાર મેં  ક્વિઝમાં ભાગ લીધેલો ત્યારે નીરમા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને સુણાવી દીધેલું કે આ તમે જેને શિક્ષણ કહો છો એ ખરેખર શિક્ષણ છે?”
આ દડી હવે બ્રહ્મજ્ઞાનનો દડો બની રહી હોવાનો અહેસાસ મને થવા લાગ્યો. ઉત્સુકતાથી મેં પૂછ્યું, “પછી?”
“ પછી શું? મેં કહી દીધું કે આ બી.એસ.સી. ફી.એસ.સી. ને એવી ડીગ્રીઓ કંઈ શિક્ષણ નથી.”
મારા બન્ને હાથે બાઈકનું સ્ટીયરીંગ પકડેલું હતું, નહીંતર તેમના આ અવતરણ પર સાક્ષાત તેમના ચરણોમાં લેટી જાત. 
તેણે વાત આગળ વધારી. “કહ્યું કે સાંભળજો સાહેબ. education is what brings change, progress and character. હા. અને સાહેબે મારી દલીલ તરત સ્વીકારી લીધી.”
“એટલે એમણે તરત નીરમા યુનિવર્સીટી બંધ કરી દીધી?” મોંએ આવેલો પ્રશ્ન મેં મહાપ્રયત્ને ખાળી રાખ્યો.
દડીએ આગળ ચલાવ્યું, “ સાહેબ...આજનો સમાજ કેવો છે, કહું?”
“કેવો છે?” મેં અબુધની જેમ પૂછ્યું.
 “પેલું ગધેડું દોડે ને કુતરું એની પાછળ દોડે. લોકો કુતરાને કહે કે હટ્ટ હટ્ટ. કુતરું આગળ દોડવા જાય તો ગધેડાની પૂંછડી ચાવી ખાય, કાં તો ગધેડાની લાતથી કુતરાનું મોં ભાંગે. પણ લોકોને તો બેય પરિસ્થિતિમાં મજા જ મળવાની છે. સમજ્યા ને સાહેબ?”
“હેં....?” ‘ગુરુ’ ની અસીમ શક્તિના ચમકારા જોઈને હું ડઘાતો ચાલ્યો. પ્રતિભાવ આપવાના પણ હોશકોશ મારામાં રહ્યા નહીં.
'યુનિવર્સિટી ઓન વ્હીલ્સ'ની સાથે વાતોમાં આર.ટી.ઓ આવી ગયું એની ખબર જ ન પડી. બી.આર.ટી.એસના બસ સ્ટેન્ડ પાસે મેં બાઈક ઉભી રાખી અને ‘ગુરુ’ને ઉતરવા માટે અનૂકુળતા કરી આપી. ‘ગુરુ’ ઉતર્યા તો ખરા, પણ ઉતરીને સીધા બાઈકની આગળ આવી ગયા અને મને આંતર્યો. સિવિલ સુધી તેમને જવું હતું. એ હેતુથી તેમણે મારી પાસે ફક્ત રૂપિયા વીસની માંગણી કરી. વરસાદી ઋતુ હોવાથી ગુરુ પાકીટ લીધા વગર નીકળ્યા હતા. મને થયું કે કાશ! હું ટાટા હોતે તો મીઠાપુરનો આખો પ્લાન્‍‍ટ એમના નામે કરી દેત. વીસ રૂપિયા તો શી ચીજ છે! બહુ દિલગીરી સાથે મેં કહ્યું, “અરેરે! પૈસા તો બધા ડોડામાં જ પતી ગયા. રહો, હું ઉપરનું ગજવું જરા જોઈ લઉં.”  ઉપરના ગજવામાં ૫૦/- ની એક નોટ કેટલાય દિવસોથી આરામ ફરમાવતી હતી. એ જોઈને જ ગુરુની આંખમાં ચમક આવી ગઈ. “છુટ્ટા કરાવવા પડશે.” હજી તો મારું આ વાક્ય પૂરું થાય ન થાય ત્યાં જ ગુરુ દોડી ગયા અને સીધા પહોંચી ગયા નજીકના બસસ્ટેન્ડમાં બેઠેલા કન્ટ્રોલર પર પોતાના કામણ પાથરવા. પેસેન્જરો સાથે છુટ્ટા પૈસા બાબતે હંમેશા તકરાર કરતા રહેતા કન્ટ્રોલર પણ કદાચ ગુરુની દેહભાષાથી પ્રભાવિત થઈ ગયો હશે એટલે તેણે હોંશે હોંશે ૧૦-૧૦ની પાંચ નોટો ગણી આપી. મને ઉછીના આપતા હોય એવા વટથી ગુરુએ મારા હાથમાં ઝટપટ ત્રીસ રૂપિયા પકડાવી દીધા અને ઝડપી ડગલાં ભરતા ભીડમાં સમરસ થઇ ગયા. માત્ર વીસ રૂપિયા જેટલી તુચ્છ રકમમાં મને કેવું અમૂલ્ય જ્ઞાન બાઈકબેઠે પ્રાપ્ત થયું હતું. આ બાઈક જ મારું બોધિવૃક્ષ બની ગયું હતું. હું રાજકુમાર સિદ્ધાર્થ હોત તો ચોક્કસપણે આ સફરના અંતે ‘બુદ્ધ’ બની ગયો હોત.મારા આ સદ્‍ભાગ્યનો વિચાર કરતાં જ ઘર સુધી ભૂખ્યા પેટે પહોંચવાનું બળ મળી રહેતું હતું. 

(નોંધ: ચિત્ર પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધું છે.
ફક્ત પાત્રોનાં નામ બદલ્યાં છે.)