Showing posts with label Kanukaka. Show all posts
Showing posts with label Kanukaka. Show all posts

Tuesday, January 8, 2013

કનુકાકા: શિષ્યો જ નહીં, સ્વજનો તૈયાર કરનાર ગુરુ (૩)



અગાઉની બે કડીઓમાં કનુકાકાના આરંભકાળની વાતો અને એ પછી તેમની શૈક્ષણિક કારકિર્દીની વાતો જોઈ. ( ભાગ -૧ માટે ક્લીક કરો  http://birenkothari.blogspot.in/2012/12/blog-post_17.html અને ભાગ- ૨ માટે ક્લીક કરો http://birenkothari.blogspot.in/2012/12/blog-post_27.html ) ચીમનલાલ કોઠારીના પરિવાર સાથેના આ સંબંધના આરંભ પછી શી રીતે તે ઉત્તરોત્તર ગાઢ થતો ગયો? અને કયા તબક્કે પહોંચ્યો એ જાણવું રસપ્રદ થઈ રહે એમ છે.

(ડાબેથી) અનિલ અને નિરંજન કોઠારી:
'લોઢિયો' અને 'પિત્તળીયો'  
અગાઉ જણાવ્યું એમ આશરે ૧૯૪૦માં ચીમનલાલ કોઠારીના પરિવાર સાથે કનુકાકાનો સંબંધ બંધાયો. ચીમનલાલના આગ્રહથી તેની ગેરહાજરીમાં તેમનાં પત્ની કપિલાબેન અને ચાર સંતાનોના પરિવારનું ધ્યાન રાખવા માટે કનુકાકા રાત્રે સૂવા માટે તેમને ઘેર આવવા લાગ્યા. ચીમનલાલ બહારગામથી પાછા આવી ગયા ત્યાર પછી પણ આ વ્યવસ્થા ચાલુ રહી. કનુકાકાનું પોતાનું ઘર હતું. તેમના પિતાજી નટવરલાલ અને વિધવા બહેન પરસનબેન તેમાં રહેતાં હતાં. એટલે દિવસે શાળાના સમય સિવાય કનુકાકા ઘેર હોય તો પોતાના ઘેર હોય. સવારે જમતા પણ પોતાને ઘેર જ. ધીમે ધીમે તેમણે સાંજનું ભોજન કોઠારી પરિવારને ત્યાં કરવાનું રાખ્યું. કોઠારી પરિવારનાં ચાર સંતાનોમાંથી નિરંજન અને અનિલને તે ભણાવતા પણ ખરા. શિક્ષક તરીકે એ કોઈની શેહમાં ન રહે. અનિલ અને નિરંજન ધમાલિયા બહુ. સીધા બેસી રહેતાં તેમને તકલીફ બહુ પડે. બેય ભાઈઓ એકબીજા સાથે ઝઘડવાનો મોકો શોધતા રહે. અનિલની છાપ ધમાલિયા તરીકેની, તો નિરંજનની છાપ પ્રમાણમાં શાંત છોકરા તરીકેની. આવી છાપને આધારે જ ચીમનલાલે અનિલનું નામ લોઢીયો અને નિરંજનનું નામ પિત્તળીયો પાડેલું. પણ પિત્તળીયા નિરંજને એક વાર પોતાની છાપથી તદ્દન વિપરીત વર્તન કર્યું. કોઈક બાબતે ઝઘડો થતાં ગુસ્સે ભરાયેલા નિરંજને અનિલના બરડામાં ચાકુ ખોસી દીધું. (આજે આટલા વરસે વિચાર કરતાં લાગે છે કે કદાચ શાક સમારવાનું ચપ્પુ બરડામાં માર્યું હશે, જેનો ઘસરકો, અલબત્ત પડ્યો હશે, પણ ઉંડો ઘા પડ્યો નહીં હોય.) અનિલનાં તોફાનોય ઓછાં નહોતાં. ચુસ્ત ધાર્મિકપણાના એ જમાનામાં સ્નાન કરીને મંદિરે દર્શન કરવા જતી વૃદ્ધાઓ કોઈને અડકી ન જવાય તેની કાળજી રાખતી. અનિલનું લક્ષ્ય આવી વૃદ્ધાઓ રહેતી. ઘર આગળથી તે પસાર થતી હોય અને તે થોડી આગળ જાય કે અનિલ દોડે અને જઈને પાછળથી તેમને અડકી આવે. બસ, પછી જે સ્વસ્તિવચનો બોલાય એ સાંભળવા ત્યાં ઉભા નહીં રહેવાનું. કપિલાબેનને કાને પણ તેમના દીકરાનાં આવા પરાક્રમોની વાતો ફરિયાદરૂપે આવતી.

સૌથી મોટા સુરેન્‍દ્ર કોઠારી
આના પરથી અંદાજ આવશે કે કેવાં નંગો સાથે કનુકાકાને કામ પાર પાડવાનું હતું. નિરંજન અને અનિલ બન્નેને કનુકાકા ભણવા બેસાડતા. ત્યારે તો સૌ નીચે ભોંયતળિયે જ આસન પાથરીને ભીંતને કે બારણાને ટેકે બેસતા. છોકરાંઓની ગરદન સ્વાભાવિકપણે જ સહેજ આગળ ઝૂકેલી હોય. તેમને કશું ન આવડે કે તેઓ કશી આડીઅવળી વાત કરે એટલે કનુકાકા શું કરે? છોકરાંના માથાને તે પાછલી તરફ ધક્કો મારે. તેથી છોકરાંઓનું માથું ભીંતમાં કે બારણે અફળાય. આવા બારકસોને વશમાં રાખવાનો કદાચ આ જ સહેલો રસ્તો હતો. લોઢિયો કે પિત્તળિયો બરાબરના ગુસ્સે ભરાય. સામું ગમે તેમ બોલે. પણ કનુકાકાએ પોતાનું કામ કરી લીધું હોય. આ બન્નેના પ્રમાણમાં સુરેન્‍દ્ર મોટો હોવાને કારણે સમજદાર. તો સુલોચના અભ્યાસ સિવાયના સમયમાં મોટે ભાગે ઘરકામમાં મદદ કરતી. મહેમદાવાદના જ એક સંગીતશિક્ષક રમણલાલ સી. દેસાઈ પાસે તે સંગીત પણ શીખતી.
કનુકાકાએ સૂવા આવવાનું શરૂ કર્યું એ પછી તેમનું અસ્તિત્વ ઘરમાં એક પરિવારજનની જેમ સ્વીકારાઈ ગયું. બગીચામાં નવું ઘાસ ઉગે, પણ જોનારને તો આખો બગીચો એક જ લાગે એવી રીતે. ઘેર અનેક સગાંવહાલાંની અવરજવર ચાલતી હોય, પણ કનુકાકા તમામને ઓળખે, બોલાવે અને તેમની સાથે વાત કરે. કોઈના મનમાં આ કોણ?’, આપણા ઘરમાં એ શાથી?’ એવો સવાલ કદી ઉગ્યો જાણ્યો નથી. ચીમનલાલનું ઘર પ્રમાણમાં ઘણું મોટું- કુલ ત્રણ માળ ધરાવતું- હતું, એટલે જગાની મોકળાશ ઘણી. આને લઈને એવું બનતું કે ઉનાળાના વેકેશનમાં તમામ પિતરાઈઓ અહીં ભેગા થતા. ચીમનલાલના પક્ષના સગાંવહાલાંઓમાં મુંબઈ રહેતા તેમના ભાઈ શાંતિલાલ કોઠારી (શારદાકાકી અને સંતાનો ચન્‍દ્રવદન, રમેશ, નિર્મળા) નો પરિવાર, કપિલાબેનના પક્ષ તરફથી મુંબઈ રહેતાં તેમનાં બહેન સરલાબેન (સંતાનો શૈલેષ અને ઉષા)નો પરિવાર, અમદાવાદ રહેતાબીજાં બેન સૂર્યકાન્‍તાબેન (સંતાનો કિરીટ, દિનેશ, મીરા, જયશ્રી)નો પરિવાર, તેમજ કપિલાબેનના ભાઈ શાંતિલાલ દેસાઈ (સંતાનો રજનીકાન્‍ત, ચૈતન્ય, યશોધરા) નો પરિવાર [બીજા ભાઈ રમણલાલ દેસાઈ (તારામામી અને સંતાનો નરેન્‍દ્ર, શર્મિષ્ઠા) તો મહેમદાવાદમાં જ હતાં] – આ તમામ પરિવારનાં વિવિધ સાઈઝનાં છોકરાં-છોકરીઓ મહેમદાવાદ ખાતે ભેગા થતાં. ક્યારેક તેમના મિત્રોને પણ તેઓ લઈ આવતા. ત્રીજા માળે રાતના સળંગ પંદર-વીસ પથારીઓ પડતી. સહેલાઈથી કલ્પી શકાશે કે ઘરમાં કેવી ધમાલ મચતી હશે. આ બધાં બાળકો કનુકાકા સાથે હળેભળે. ક્યારેક કોઈક વેકેશન સિવાયના વચ્ચેના ગાળામાં આવ્યું હોય તો કનુકાકાની શાળાના વર્ગમાં બેસવાનો પણ લાભ તેને મળતો.  


ચીમનલાલ કોઠારીનું મકાન, જ્યાં કનુકાકા સાડા છ દાયકા રહ્યા. 
વેકેશનમાં પણ સહુએ કનુકાકા પાસે ભણવાનું નક્કી હતું. અને ભણવા માટે બધા કનુકાકાને ઘેર જતા. શાંત, મધ્યમ, તોફાની, અત્યંત તોફાની, કોઈકની સંગતે તોફાની- એમ બધી વિવિધતા ધરાવતી આ વાનરસેના કનુકાકાને ત્યાં ભેગી થાય એટલે શું થતું હશે? એક જ પ્રસંગ પરથી આનો અંદાજ આવશે.
આ સૌ પિતરાઈઓનું ટોળું એક વાર કનુકાકાને ત્યાં ભણવા બેઠું હતું. એમાંના એક દિનેશને કનુકાકાએ નીચલા માળે જઈને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોઈ આવવા કહ્યું. દિનેશ એટલે કપિલાબેન કોઠારીના અમદાવાદ રહેતાં બહેન સૂર્યકાન્‍તાબેનનો નાનો દીકરો. મહાતોફાની. દિનેશ ધડબડ ધડબડ કરતોકને દાદરનાં પગથિયાં ઉતર્યો. બસ, એ ઉતર્યો તે ઉતર્યો. પાછો આવ્યો જ નહીં. ઘડિયાળમાં સમય જોઈને આવવામાં કેટલી વાર લાગે? ખાસ્સી વાર થઈ. એટલે કનુકાકાએ નરેન્‍દ્રને નીચે જઈને દિનેશની તપાસ કરવા જણાવ્યું. નરેન્‍દ્ર એટલે મહેમદાવાદમાં જ રહેતા કપિલાબેનના ભાઈ રમણલાલ દેસાઈનો દીકરો. નરેન્‍દ્ર નીચે ઉતર્યો. જે ભીંતે ઘડીયાળ લટકતી હતી ત્યાં તે નહોતી. તો એ ક્યાં હતી? ઘડિયાળ પછડાઈને ભોંય પર પડી હતી અને તેનો કાચ તૂટી ગયો હતો. એટલે તારણ એવું નીકળ્યું કે દિનેશ ઘડિયાળમાં સમય જોવા ગયો અને તેનાથી ઘડિયાળ પડી ગઈ એટલે એ બારોબાર નીચેથી જ છૂમંતર થઈ ગયો.
અમે નાના હતા ત્યારથી આ ઘટના અનેક વાર સાંભળતા આવ્યા છીએ. હજી આજેય શૈલેષકાકા કે નરેન્‍દ્રકાકા મળે એટલે દિનીયાનું આ પરાક્રમ અચૂક યાદ કરે. અમારા માટે એ રહસ્ય વણઉકલ્યું જ રહ્યું છે કે દિનેશકાકાએ સમય જોવાની કઈ પદ્ધતિ અનુસરી હશે કે જેથી ઘડિયાળ નીચે પડે અને તૂટી જાય? દિનેશકાકા ઉંમરમાં સૌથી નાના, પણ આવું છું કહીને છૂમંતર થઈ જવાની તેમની આદત બાળપણથી હતી. સૌથી નાના હોવા છતાં તે સૌથી પહેલાં, અણધાર્યા જ આ પૃથ્વી પરથી પણ છૂમંતર થઈ ગયા-આવું છું કહેવા પણ ન રહ્યા.
**** **** ****

કોઠારી પરિવારનાં સંતાનો મોટાં થતાં ગયાં. તેમને પરણાવવાનો વખત આવ્યો. બીજી તરફ ચીમનલાલ કોઠારી વિવિધ વ્યવસાયમાં નસીબ અજમાવતા રહેતા હતા, પણ ક્યાંય ઠેકાણું પડતું નહોતું. પહેલાં તેમણે ભાગીદારીમાં પેટ્રોલ પંપ કર્યો તેમાં ખોટ ગઈ. એ પછી તે ઈન્‍ડીપેનનો વ્યવસાય, કપડાંનો ધંધો, કેસરનો વેપાર વગેરે અનેક લાઈન બદલતા રહ્યા. પણ ક્યાંય સરખી સફળતા મળતી ન હતી. ચીમનલાલમાં એક ધંધાદારી માણસને છાજે એવી શઠતા નહોતી. બહુ ઝડપથી તે કોઈની પર વિશ્વાસ મૂકી દેતા. એટલે વિશ્વાસઘાત થવાના સંજોગો ઉજળા બની રહેતા. તેમને છેતરવામાં આસાની થઈ પડતી.
ચીમનલાલનાં પત્ની કપિલાબેન પણ પોતાની રીતે પ્રવૃત્ત રહેતાં. ઘરમાં કોઈ પણ સમયે ચાર-પાંચ વૃદ્ધાઓ હાજર હોય જ. રુખીબેન, માણેકકાકી, માકોરકાકી વગેરે ખરેખર તો વૃદ્ધા નહોતાં, બલ્કે વિધવાઓ હતાં. અકાળે તે વૃદ્ધ થઈ ગયેલાં. આ કારણે તેમને બેસવાઉઠવાનાં ઠેકાણાં તદ્દન મર્યાદિત, એટલે તે કપિલાબેનને ત્યાં આવતાં. આ ઘરને પોતાનું જ ઘર માનીને સહુ બેસતાં, વાતોના તડાકા મારતાં, શાકભાજી ફોલવા જેવાં નાનાંનાનાં કામમાં મદદ કરતાં અને સાંજ પડે પોતાને ઘેર ચાલી જતાં. સ્વાભાવિક છે કે બપોરના ચા-પાણી અહીંયાં જ થતાં હોય. પણ આમાં કોઈ પક્ષે એકબીજાનો ઉપયોગ કરી લેવાની ભાવના નહીં. કોઈ વૃક્ષ પર આવીને પક્ષીઓ બેસે અને નિયત સમયે ઉડી જાય એમ બધું એકદમ સહજ ક્રમમાં ચાલે. કપિલાબેન સવારસાંજ નિયમીત મંદિર જતાં. મંદિરમાં પણ કોઈ ને કોઈ મદદવાંચ્છું આવેલું હોય. તેના માટે કશું કરવાનું હોય તો એ પણ તે કરી છૂટતાં. આ ઉપરાંત ગામમાં રહેતા પરિવારોને ત્યાં પણ આવનજાવન રહેતી.
આટલું વાંચ્યા પછી કોઈને થાય કે કનુકાકાની વાત કરતાં કરતાં વચ્ચે કોઠારીકુટુંબનો ઈતિહાસ ક્યાંથી શરૂ થઈ ગયો? અને અહીં તે જરૂરી છે? હકીકત એ છે કે એકની વાત કરીએ એટલે બીજાની વાત અનાયાસે આવી જાય એ હદે સંબંધોના તાણાવાણા ગૂંથાયેલા છે. કોઠારી પરિવારની આટલી પૃષ્ઠભૂમિ આપ્યા પછી હવે કનુકાકાની વાત પર આવીએ.

સૌથી પહેલાં લગ્ન લેવાયાં સુલોચનાનાં 
કોઠારી પરિવારમાં પહેલવહેલો લગ્નપ્રસંગ ૧૯૫૨માં આવ્યો. બીજા નંબરની દીકરી સુલોચનાનાં લગ્ન લેવાયાં. ચીમનલાલની જેમ જ અમદાવાદના વેરાઈપાડામાં રહેતા વિઠ્ઠલદાસ મોહનલાલ દેસાઈ અને સવિતાબેન વિઠ્ઠલદાસ દેસાઈનાં કુલ ચાર સંતાનોમાં પણ ત્રણ દીકરાઓ અને એક દીકરી હતાં. આમાં સૌથી મોટા હતા ઈન્‍દ્રવદન, જે બી.એસ.સી.(કેમીસ્ટ્રી) થયા પછી  ગુડ યર ટાયર કંપનીમાં નોકરી કરતા હતા. ૧૨મી મે, ૧૯૫૨નો દિવસ લગ્ન માટે નક્કી થયો. અમદાવાદથી જાન આવવાની હતી અને બે દિવસ રોકાવાની હતી. લગ્નનો સમય મધરાતનો હતો.
કનુકાકાએ આ પ્રસંગે રસોડાનો તમામ કારોબાર પોતાને હસ્તક લઈ લીધો. એ વખતે કેટરીંગ શબ્દ ચલણમાં પણ નહીં હોય. રસોઈયાને સીધુંસામાન આપવામાં આવતું અને રસોઈયો તેમાંથી રસોઈ બનાવતો. આવું જથ્થાબંધ કામ હોય એટલે રસોઈયાની સહજ મનોવૃત્તિ થોડુંઘણું સીધુંસામાન બચાવીને પોતાને ઘેર લઈ જવાની હોય અને તે આવી ફિરાકમાં રહે. કનુકાકા રસોઈયાઓની આ મનોવૃત્તિથી પરિચીત. તે ચકોર નજરે બધું ધ્યાન રાખતા હતા. રસોઈયાએ લાગ મળ્યે થેલી ભરીને લાલ મરચું સેરવી લીધું અને થેલીને ખીંટીએ લટકાવી દીધી. કનુકાકાના ધ્યાનમાં આ આવ્યા વિના રહે? પણ તે કશુંય બોલ્યા નહીં. રસોઈયો આઘોપાછો થયો એટલે તેમણે થેલીમાંથી મરચું પાછું ઠાલવી દીધું અને થેલીમાં ધૂળ ભરીને તેને પાછી લટકાવી દીધી. રસોઈયાએ ઘેર જઈને થેલી ઉંધી પાડી ત્યારે શું થયું હશે તેની કલ્પના જ કરવાની!
આગળ જતાં સુલોચના- ઈન્‍દ્રવદન પરિવારની આર્થિક ઉન્નતિ થતી ગઈ. તેમણે શાહપુર મિલ કમ્પાઉન્‍ડ વિસ્તારમાં વિઠ્ઠલ નિવાસ નામનું પોતાનું મોટું મકાન બનાવ્યું. અહીં પણ સારો એવો સમય ગાળ્યા પછી પાલડી વિસ્તારમાં તેમણે આલીશાન બંગલો બનાવ્યો. ઈન્‍દ્રવદને પણ ગુડ યરની નોકરી છોડીને પોતાના એક મિત્ર વિનોદભાઈ સાથે અમદાવાદ સાયકલ સ્ટોર્સની શરૂઆત કરી. એ પછી અમદાવાદના રિલીફ રોડ પર ઓટો ટાયર્સ નામે ટાયરની સ્વતંત્ર દુકાન કરી, જે પછી તો વડોદરા અને સુરતમાં પણ વિસ્તારી.
આ ગાળામાં તેમને એક પછી એક કુલ ચાર દીકરીઓ થઈ. કુટુંબની આ ચારેય બહેનો –રન્ના, ઉષ્મા, પારૂલ, બેલા- કનુકાકાને મામા કહીને સંબોધતી. તેમના મોસાળમાં કુલ ત્રણ નહીં, ચાર મામા હતા. ચોથા તે કનુમામા. એ રીતે કદાચ કોઠારી પરિવારમાં કનુકાકાને પહેલી વાર કોઈક સગપણનું લેબલ મળ્યું. પરણ્યા પછી સુલોચના રક્ષાબંધન પર મહેમદાવાદ આવતી ત્યારે કનુભાઈને પણ રક્ષા બાંધતી. સુલોચનાની દીકરીઓ મોટી થઈ, ભણીગણી અને એક પછી એક પરણતી ગઈ. એ સમયે તો બુફેનો જમાનો આવી ગયેલો. આમ છતાંય લગ્નના બે-ત્રણ દિવસ અગાઉ કનુકાકા પહોંચી જાય અને રસોડું સંભાળી લે. ભલે બધું રસોઈયાને બનાવવા આપી દીધું હોય, રસોઈયાએ જ બધી સામગ્રી લાવવાની હોય અને કોઈએ કશું ધ્યાન ન રાખવાનું હોય, છતાં કનુકાકાની હાજરી અનિવાર્ય બની રહે. આ બહેનોનાં લગ્ન વખતે તો કનુકાકા નિવૃત્ત થઈ ગયા હતા, પણ તે પોતાની સાથે એકાદ-બે શિક્ષકમિત્રોને કે કોઈક સાધારણ સ્થિતિના છોકરાને લેતા આવે. આ રીતે આવવામાં મોટે ભાગે રમેશભાઈ મહીડા અને પાઉલભાઈ પરમાર જેવા શિક્ષકોનો નંબર લાગતો. તેમણે આવીને કશું કરવાનું નહીં. ઉલટાની તેમની સંભાળ કનુકાકા રાખતા. રસોઈયો અને તેના માણસોની જરૂરિયાતનું પણ કનુકાકા ધ્યાન રાખે. તેમને સમયસર ચા-પાણી કરાવડાવે, અને તેઓ કામ કરતાં હોય ત્યારે તેમની પાસે બેસી રહીને કેટરીંગના ધંધાની આંટીઘૂંટીઓથી લઈને તેમનાં છોકરાંનાં ભણતર સુધીની વાતો કરે. મોટે ભાગે એમ બને કે રસોઈયાને અને તેની આખી ટીમને આ કાકા પોતાના લાગે. જતી વખતે સૌ કનુકાકાને ખાસ મળવા આવે. અમે ક્યાંક આસપાસમાં હોઈએ તો અમને બોલાવીને કનુકાકા અમારો પરિચય પણ મહારાજ અને તેમની ટીમ સાથે કરાવે. બધું એકદમ સ્વાભાવિક ક્રમમાં થાય.

**** **** ****
સુલોચનાનાં લગ્ન પછી ઘરમાં બીજો પ્રસંગ આવ્યો મોટા દીકરા સુરેન્‍દ્રનાં લગ્નનો. સુરેન્‍દ્ર થોડા સમય પહેલાં મુંબઈ ગયો હતો. કુટુંબના એક સગા વૃંદાવનલાલ નંદલાલ મહેતા(વી.એન.મહેતા)એ તેને પોતાને ત્યાં કામ કરવા માટે બોલાવી લીધેલો. મહેતાકાકાને ત્યાં ઘણો સમય કામ કર્યા પછી તેણે બીજી જગાએ કામ મેળવ્યું. પણ એક વાત નક્કી થઈ ગઈ કે સુરે‍ન્‍દ્ર હવે મુંબઈ જ રહેશે. અત્યંત લાગણીશીલ સ્વભાવના આ સૌથી મોટા છોકરા પ્રત્યે કનુકાકાને વિશેષ લગાવ હતો. સુરેન્‍દ્રનું ઘરનું નામ હતું બાબુ’. પણ કનુકાકા જ્યારે પણ તેનો ઉલ્લેખ કરે ત્યારે મારો બાબુ કહીને જ વાત કરે. સહેજ ઉંમરલાયક થતાં જ ઘરથી દૂર મુંબઈ ગયેલા બાબુ માટે કનુકાકાને વિશેષ સહાનુભૂતિ. સુરેન્‍દ્રનાં લગ્ન નડિયાદના ચીમનલાલ પરીખની દીકરી પુષ્પા સાથે ગોઠવાયાં. તો ચીમનલાલનો બીજા નંબરનો દીકરો નિરંજન બી.એસ.સી.સુધી ભણ્યો હતો. તેને વિદેશ જઈને આગળ ભણવાની ઈચ્છા હતી. ચીમનલાલના એક ખાસ મિત્ર હતા નર્મદાશંકર મહેતા ઉર્ફે નાનુકાકા.(સંબંધોનો છેડો ક્યાંથી ક્યાં લંબાય છે! વરસો પછી આ જ નાનુકાકાનો દોહિત્ર અનાયાસે અમારો ખાસ મિત્ર બન્યો. એ મિત્ર એટલે દાઢી ઉર્ફે પ્રણવ અધ્યારુ.) નર્મદાશંકરના એક મિત્ર (મૂળ રુદણ ગામના) અંબાલાલ લલ્લુભાઈ શાહ યુગાન્‍ડામાં હતા. અંબાલાલને બે સંતાનો હતાં- દીકરી કુમુદ અને દીકરો કિરીટ. કુમુદ લગ્ન માટે ભારત આવવાની હતી. નર્મદાશંકરે વચ્ચે રહીને પોતાના એક મિત્રનો દીકરો અને બીજા મિત્રની દીકરીનો મેળાપ કરાવ્યો. બન્નેએ એકબીજાને પસંદ કર્યાં. અને લગ્ન પણ નક્કી થઈ ગયાં. એ રીતે સુરેન્‍દ્ર અને નિરંજનનો લગ્નપ્રસંગ સાથેસાથે જ આવ્યો. ૧૯૫૫ની આ વાત. બન્ને પ્રસંગો રંગેચંગે પાર પડ્યા.

નિરંજનનાં લગ્ન યુગાન્‍ડાનિવાસી કુમુદ સાથે થયાં
આ જ વરસે કનુકાકાના પિતાજી નટવરલાલ પંડ્યાનું અવસાન થયું. ગુજરી ગયા ત્યારે નટવરદાદાની ઉંમર હતી આશરે ૧૧૦ વરસની. છેક સુધી તે સ્વસ્થ રહેલા. તેમને મોતિયો છેક ૯૦ વરસની ઉંમરે આવેલો. કનુકાકાની સ્થાયી નોકરી થઈ ગઈ હતી છતાં નટવરદાદા ટહેલ પર જતા. સાથે એક માણસ રાખતા. હકીકતમાં નટવરદાદાએ મહેમદાવાદના શરાફ જગમોહનદાસ પરસોત્તમદાસ પરીખ (પહેલાં વડીલમિત્ર અને હવે અમારા પાડોશી બનેલા બિપીનભાઈ શ્રોફના પિતાજી) પાસેથી અઢીસો રૂપિયા વ્યાજે લીધેલા. વરસે પંદર રૂપિયા વ્યાજ ચૂકવવાનું થતું. આ કારણ હોય કે બીજું, પણ એ છેક સુધી ટહેલ માટે જતા. નટવરદાદાને આગલે દિવસે સાધારણ તાવ જણાયો અને બીજે દિવસે તે સ્વર્ગવાસી થયા. એકસો દસ વરસની ઉંમરે તેમના જવાનો કંઈ શોક ન હોય, પણ ત્રણ જણના કુટુંબમાંથી એક વ્યક્તિનો ઘટાડો થયો હતો એ નક્કી હતું. હવે કનુકાકાના ઘરમાં તેમનાં બાળવિધવા બહેન પરસનબેન જ રહ્યાં.
કનુકાકાના પિતાજી નટવરલાલ પંડ્યાની
રેલ્વે સીઝન ટિકીટ (૧૯૩૮) 

લગ્ન થયા પછી સુરેન્‍દ્રનો સંસાર મુંબઈમાં શરૂ થયો, તો થોડા સમય પછી નિરંજન યુગાન્‍ડા જવા રવાના થયો. હવે ચીમનલાલ, કપિલાબેન અને તેમનો સૌથી નાનો દીકરો અનિલ રહ્યા. અનિલનું પણ ભણવાનું ઠેકાણું પડ્યું નહીં, અને મેટ્રીકનો અભ્યાસ છોડીને તે નોકરીએ લાગ્યો. ચીમનલાલ વિવિધ વેપારમાં નિષ્ફળતા પછી અમદાવાદની ન્યુ કમર્શિયલ મિલ્સ સાથે વેપારની રીતે સંકળાયા હતા. આ મિલના માલિક કાંતિલાલ નાથાલાલ શેઠ સાથે તેમને પરિચય હતો એટલે અનિલને પણ તેમણે આજ મિલમાં લગાડ્યો. આમ, પિતાપુત્ર બન્ને ટ્રેનમાં અપડાઉન કરતા. એક તરફ ઉપરાછાપરી બે લગ્નપ્રસંગો અને બીજી તરફ વેપારમાં સતત નિષ્ફળતા. આને લઈને આર્થિક ઘસારો ઘણો લાગેલો. દરમ્યાન મુંબઈમાં સુરેન્‍દ્ર પોતાના જોગું મકાન જોતો રહેતો હતો. સાન્‍તાક્રુઝ (પૂર્વ)ના ચંદન મહાલમાં બે રૂમનું એક ઘર તેના ધ્યાનમાં આવ્યું. આ ઘર ખરીદવું હોય તો પાઘડીના દસ હજાર ચૂકવવા પડે. આ રકમ ત્યારે મોટી હતી. એક તોલા સોનાનો ભાવ ત્યારે એંસી રૂપિયાની આસપાસ હતો. એ પરથી આ રકમના મૂલ્યનો અંદાજ આવી શકશે. સુરેન્‍દ્ર પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોય? એટલે તેણે મદદ માટે ઘેર પૂછાવ્યું.
ચીમનલાલ માટે ધર્મસંકટ ઉભું થયું હશે. દીકરા માટે મુંબઈમાં મકાન લઈ લેવાય તો તેને કાયમની શાંતિ થઈ જાય, કેમ કે મુંબઈમાં ઓટલો મળવો ત્યારેય મુશ્કેલ હતો. બીજી તરફ પોતાની પાસેની મૂડી ધીમે ધીમે કરીને ઘસાઈ ગઈ હતી. દસ હજાર જેટલી રકમની વ્યવસ્થા પોતે ક્યાંથી કરી શકે એ મૂંઝવણ હતી. ઘરમાં તેમનો અને અનિલનો પગાર આવતો, પણ એનાથી તો ખર્ચ નીકળી રહેતો. એમ તો ગામમાં તેમની શાખ હતી, સંબંધોય હતા, પણ એ સૌની સામે હાથ લાંબો કરવો એટલે બાંધી મુઠ્ઠીને ભરબજારે ખોલી નાંખવી. પોતે વ્યવસ્થા ન કરી શકે તો તેનો અપરાધભાવ પણ જીવનભર રહી જાય. હવે કરવું શું?
કનુકાકાને આ વાતની ખબર પડી. કનુકાકાનો માસિક પગાર ત્યારે વધીને મહિને સાઠ રૂપિયાનો થયેલો. પણ બચતનો તેમનો સ્વભાવ. ઓછામાં ઓછા ખર્ચમાં તે રહેતા. ક્ષણનોય વિચાર કર્યા વિના તેમણે કહી દીધું, “ચિંતા ન કરો, ચીમનભાઈ. બાબુને કહો કે રૂમ રાખી લે. બધા પૈસા હું આપીશ.” પ્રાથમિક શાળાના આ શિક્ષક પાસે એ ગાળામાં દસ હજાર રૂપિયા હોય એ વાત જ કલ્પના બહારની હતી. ખરા અર્થમાં ટીપે ટીપે કનુકાકાએ આટલી મૂડી જમાવી હશે. પણ કોઈની ખરેખરી જરૂરિયાત કરતાં આ સંઘરેલી મૂડીનું મૂલ્ય તેમને મન વધુ નહોતું. કનુકાકા પૈસા આપતા હોય તો મામલો ઘરમેળે જ પતી જાય અને વાત પણ બહાર જાય નહીં. પોતે સમયસર પૈસા પાછા વાળી દેશે એમ કહીને ચીમનલાલે પૈસા સ્વીકાર્યા અને મુંબઈ સુરેન્‍દ્રને તે મોકલવાની વ્યવસ્થા કરી.
સમયસર નાણાં મળી જવાથી સુરેન્‍દ્રે સાન્‍તાક્રુઝના ચંદન મહાલમાં બાવીસ નંબરનું મકાન ખરીદ્યું. મકાન શું હતું! એક મોટા બિલ્‍ડીંગમાં માળાની જેમ બાંધેલો બબ્બે રૂમનો સેટ હતો. આગળ બેઠકખંડ, અંદરના ભાગે રસોડું અને સૌથી છેલ્લે સ્વતંત્ર બાથરૂમ-સંડાસ. અને આવી તમામ રૂમોની બહાર એક કૉમન લૉબી. જે હોય તે, મુંબઈમાં આટલું ઠેકાણુંય મળે એ ઓછું હતું?ઘરમાં જ સુરેન્‍દ્ર–પુષ્પાનો સંસાર પાંગર્યો. પહેલાં કિશન, પછી મયુર અને સૌથી છેલ્લે દીકરી સુજાતાનો જન્મ તથા ઉછેર આ જ સ્થળે થયો.
**** **** ****

અનિલની ઉંમર પણ લગ્નલાયક થઈ ગઈ હતી. બલ્કે એ સમય મુજબ વધારે થઈ ગઈ હતી એમ કહી શકાય. તેનું સગપણ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ સાંઢાસાલના અગ્રણી વેપારી ચંદુલાલ કેશવલાલ દેસાઈની એકમાત્ર દીકરી સવિતા સાથે થયું હતું. ચંદુલાલની પોતાના ભાઈઓ સાથે સહિયારી કાપડની પેઢી હતી, જેનું નામ હતું કેશવલાલ કીલાભાઈ દેસાઈની કું. લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવાવાનો હતો. મહેમદાવાદથી જાન સાંઢાસાલ જવાની હતી. ત્રણ દિવસ સુધી જાનનો મુકામ સાંઢાસાલ ખાતે રહેવાનો હતો. એક રીતે ચીમનલાલ પરિવારનાં સંતાનોમાં આ છેલ્લો લગ્નપ્રસંગ હતો. એ પછી પંદર- વીસ  વરસનો અંતરાલ પડી જવાનો હતો. આ કારણે પણ સહુ પિતરાઈઓ લગ્નમાં મહાલવા માટે થનગની રહ્યા હતા.

અનિલ અને સ્મિતા લગ્નગ્રંથિથી જોડાયાં (૨/૨/૧૯૬૦) 
લગ્ન માટેનો સૌનો ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પણ ઘરની કથળેલી આર્થિક સ્થિતિમાં ખાસ ફેરફાર થયો નહોતો. હા, ત્રણ માળનું મકાન હતું, તેને લઈને બહારથી કોઈને કશો અંદાજ ન આવે, પણ અંદર શું હતું એ તો ઘરના જ જાણતા હતા. ફરી એક વાર કનુકાકા વહારે આવ્યા. અગાઉ તેમણે આપેલા દસ હજાર રૂપિયા પાછા વાળવાનો હજી જોગ થયો નહોતો. પણ ઘરની સ્થિતિથી તે વાકેફ હતા. તેમણે ચીમનલાલને આશ્વાસન આપ્યું અને સામે ચાલીને પાંચેક હજારની મદદ કરી. કનુકાકાએ કશી મદદ ન કરી હોત તો પણ ચાલત. તેમણે ધાર્યું હોત તો લગ્ન સાદાઈથી કરવાની શિખામણ પણ આપી શક્યા હોત. અરે, અગાઉ ઉછીના આપેલા દસ હજારની ઉઘરાણી પણ આ ટાણે કરી શક્યા હોત. પણ આમાંનું કશું તેમણે કર્યું નહીં. તેમની સ્પષ્ટ અને સાદી સમજણ હતી કે આપણે ઉછીના પૈસા આપેલી વ્યક્તિ ભીડમાં હોય તો તેની પાસેથી આપણા નાણાંની ઉઘરાણી ન કરાય. કનુકાકાએ ઉઘરાણી તો ન કરી, પણ સામે ચાલીને વધારાના નાણાં આપ્યાં. અને આ વાત ત્રણ જ જણ જાણતાં- ચીમનલાલ, કપિલાબેન અને ત્રીજા કનુકાકા.

અનિલના લગ્નની જાનમાં સફેદ સૂટ પહેરેલા અનિલની પાછળ ઉભેલા ટોપી પહેરેલા
કનુકાકા, સૌથી ડાબે બ્લેઝર અને ચશ્મા પહેરેલા ઈન્‍દ્રવદન દેસાઈ અને તેમની બાજુમાં
હાથમાં નાણાંકોથળી પકડીને ઉભેલા સુરેન્‍દ્ર કોઠારી
૨ ફેબ્રુઆરી, ૧૯૬૦ના દિવસે અનિલનાં લગ્ન લેવાયાં ત્યારે તેની ઉંમર ૨૮ વરસની હતી. પરણીને આવેલી નવી વહુ સવિતાનું નામ હવે સ્મિતા રાખવામાં આવ્યું. તેની ઉંમર હતી ૨૨ વરસની. કુટુંબમાં કનુકાકાનું સ્થાન એ હદે કાયમી થઈ ગયું હતું કે લગ્નના થોડા સમય પછી પિયરે ગયેલી સ્મિતાને તેડવા માટે સાસરી પક્ષના પ્રતિનિધિ તરીકે કનુકાકા અને સુલોચના ગયાં હતાં. મહેમદાવાદથી સાંઢાસાલ જવું એટલે એ સમયે અડધા દિવસની મુસાફરી. મહેમદાવાદથી વહેલી સવારે છ વાગે ટ્રેનમાં નીકળીને વડોદરા થઈને સમલાયા જવાનું. સમલાયાથી નેરોગેજ ટ્રેન પકડીને સાંઢાસાલ પહોંચે ત્યારે બપોરના અઢી-ત્રણ વાગ્યા હોય. પાછા આવવા માટે પણ આવી જ કવાયત કરવાની.
અનિલ-સ્મિતાનો સંસાર શરૂ થયો. ચારેક વરસ પછી પહેલી પ્રસૂતિ માટે સ્મિતા પોતાના ભાઈઓને ત્યાં અમદાવાદ ગઈ હતી. અહીં તેણે દીકરાને જન્મ આપ્યો, જેનું જન્મતાંવેંત અવસાન થયું. ચીમનલાલના માથે ત્યારે થોડું દેવુંય થઈ ગયેલું. ચીમનલાલની તબિયત પર પણ આ બાબતની વિપરીત અસર થવા લાગી હતી.
વરસેક પછી ફરી એક વાર સ્મિતાને સારા દિવસ રહ્યા. આ વખતે મહેમદાવાદના નગર પંચાયતના દવાખાનામાં જ બાળકને જન્મ આપવાનું નક્કી થયેલું. તેને આઠમો મહિનો ચાલતો હતો એ ગાળામાં જ એક દુર્ઘટના બની. દિવસ હતો સાતમી માર્ચ, ૧૯૬૫ને રવિવારનો.
એ દિવસે રજા હતી. મુંબઈથી ચીમનલાલના મોટા ભાઈ શાંતિલાલ પણ આવેલા હતા. હળવા વાતાવરણમાં દાળભાત, શાક, લાડુ અને વાલનું ભોજન સહુ જમ્યા. ભોજન પછી પુરુષવર્ગ બહારના રૂમમાં જઈને બેઠો. સ્ત્રીવર્ગ અંદર પરવારી રહ્યો હતો. ચીમનલાલ તેમની કાયમી આરામખુરશીમાં બેઠા હતા. તેમના હાથમાં વીક્સની શીશી હતી. વાતવાતમાં એ નીચે ગબડી ગઈ. આરામખુરશીમાં બેઠેબેઠે જ ચીમનલાલ શીશી લેવા નીચા નમ્યા. તેમણે સંતુલન ખોયું, અને ખુરશી પરથી નીચે ગબડ્યા. લોહી નીકળવા માંડ્યું. તે બેશુદ્ધ થઈ ગયા. અનિલે આ જોઈને દોટ મૂકી સીધી સરકારી દવાખાના તરફ. શાંતિલાલે અંદર જઈને સ્ત્રીવર્ગને જાણ કરી. સૌ બહાર ધસી આવ્યા. મામલો ગંભીર હતો એ વગર કહ્યે સમજાઈ જાય એમ હતું. ચીમનલાલ ફરી શુદ્ધિમાં ન આવ્યા. તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું, જેને લઈને તરત જ બ્રેઈન હેમરેજ થઈ ગયું. થોડી વારમાં ડૉ. ઘનશ્યામભાઈ શાહ (દાદા) આવ્યા. તેમણે ચીમનલાલને તપાસ્યા. અમદાવાદના કોઈ ડૉક્ટરને બોલાવવાનું તેમણે સૂચવ્યું એ પરથી સૌને ખ્યાલ આવી ગયો કે સ્થિતિ ગંભીર છે. અમદાવાદથી ડૉ. સુમન શાહને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી. ચારસો રૂપિયા તો તેમની વિઝીટ ફી હતી, પણ એ સમયે કશાનો વિચાર કરવાનો નહોતો. જો કે, ડૉ. સુમન શાહે પણ તપાસીને કહી દીધું કે હવે રાહ જોયા વિના કંઈ થઈ શકે એમ નહોતું. રવિવારની રાત તો વીતી. ત્યાં સુધીમાં સગાંવહાલાંને સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા. બીજે દિવસે એટલે કે ૮ માર્ચ, ૧૯૬૫ના દિવસે સોમવારે સવારના દસેકની આસપાસ ચીમનલાલે શ્વાસ મૂક્યો. તેમની ઉંમર સાઠેકની હોવી જોઈએ.

ચીમનલાલ અને કપિલાબેન કોઠારી 
આમ, એક તરફ પરિવારે મોભી ગુમાવ્યો હતો, તો બીજી તરફ એક નવા જીવના આગમનની તૈયારી પણ થઈ ગઈ હતી. લગભગ એક મહિના પછી મંગળવાર, છઠ્ઠી એપ્રિલ, ૧૯૬૫ના દિવસે સ્મિતાએ પુત્રને જન્મ આપ્યો. આગલા વરસની પ્રસૂતિ વખતની દુર્ઘટના, મહિના પહેલાંનો આઘાત અને એ પછી આ નવા જીવના આગમને પરિવારમાં આનંદની લાગણી પ્રસરાવી. તેનો ચહેરો જોઈને સૌ કહેતાં, “આ તો ચીમનલાલ જ પાછા આવ્યા છે.” આ બાળકે પોતાના દાદાનું મોં સુદ્ધાં જોયું નહોતું. તેના નાના ચંદુલાલ દેસાઈ પણ બેએક વરસ અગાઉ ૧૯૬૩માં દેવલોક પામ્યા હતા. પણ તેને ક્યાં અણસાર હતો કે દાદા અને નાનાની ખોટ સરભર થઈ જાય એવી કાળજી તેને મળતી રહેવાની છે! આ સંતાનનું નામ રાખવામાં આવ્યું બીરેન’. (જેને ૪૭ વરસ પછી આ પોસ્ટ લખવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત થવાનું હતું.)
અલબત્ત, આ બાળકના જન્મ થકી પેદા થયેલો ખુશીનો માહોલ ચોમાસામાં થોડી વાર નીકળતા ઉઘાડ જેવો હતો. આર્થિક સંકટનાં વાદળો હજી ઘેરાયેલાં જ હતાં. આ વાદળોની રૂપેરી કોર પણ જણાતી નહોતી. આવા માહોલમાં કનુકાકાએ પરિવારના મોભીની ભૂમિકા સાવ સહજપણે, કશી અપેક્ષા વિના કે કશા ઢંઢેરા વિના, એક કર્તવ્યનિષ્ઠ વડીલની જેમ અદા કરી.
છએક વરસ પછી સ્મિતાને ફરી સારા દિવસો રહ્યા. આ વખતે પણ મહેમદાવાદની નગર પંચાયત હોસ્પિટલમાં જ દાખલ થવાનું હતું. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ને ગુરુવારના દિવસે બીજા દીકરાનો જન્મ થયો, જેનું નામ ઉર્વીશ પાડવામાં આવ્યું. અનિલ-સ્મિતાના આ બન્ને દીકરાઓને કનુકાકાની છત્રછાયામાં ઉછરવાનું, તેમની હૂંફ મેળવવાનું અને સાડા ત્રણ દાયકા સુધી તેમની સાથે રહેવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત થયું. આ ગાળામાં કોઠારી પરિવારે અનેક તડકીછાંયડી જોઈ. પણ એ તમામ સંજોગોમાં કનુકાકા પરિવારની પડખે અડીખમ ઉભા રહ્યા.

કનુકાકાના વ્યક્તિત્વની વધુ રસપ્રદ વાતો આગામી કડીઓમાં.

 (ક્રમશ:)

Thursday, December 27, 2012

કનુકાકા: શિષ્યો જ નહીં, સ્વજનો તૈયાર કરનાર ગુરુ (૨)


( શિક્ષક તરીકે કનુભાઈ નટવરલાલ પંડ્યાની કારકિર્દીના આરંભ વિષે ભાગ-૧માં વાંચ્યું, જે અહીં ક્લીક કરવાથી જોઈ શકાશે. http://birenkothari.blogspot.in/2012/12/blog-post_17.html
હવે આગળ.)


કનુકાકા મહેમદાવાદમાં જ જન્મ્યા, ઉછર્યા અને અહીં જ શિક્ષકની નોકરીએ લાગ્યા. આને કારણે મહેમદાવાદના અનેક કુટુંબો સાથે તેમનો સંપર્ક ગાઢ બન્યો. તેમની અત્યંત નિકટનું એક કુટુંબ હતું ભૂલા પોળમાં રહેતું માણેકધર વૈદ્યનું. માણેકધર વૈદ્યના દીકરા ભાનુધર વૈદ્ય પણ ખાનદાની વૈદું કરતા હતા. અને ભાનુધર વૈદ્યના ત્રણ દીકરાઓમાંથી બે- ડૉ. કૌશિકધર અને ડૉ. નૈષધધર ભટ્ટ પણ અનુક્રમે વૈદ્ય તથા ડૉક્ટર બન્યા. મહેમદાવાદની પંડ્યા પોળમાં રહેતા ચન્‍દ્રકાન્‍ત માણેકલાલ શાહ (ઓષડિયા) ના પરિવાર સાથે પણ કનુકાકાને ઘરોબો હતો.

૧૯૩૫-૩૬ની આસપાસ મૂળ નડિયાદના એક વેપારી ચીમનલાલ ચુનીલાલ કોઠારી મહેમદાવાદમાં સ્થાયી થવા આવ્યા હતા. અહીં તેમણે મકાન પણ બનાવ્યું. તેમના કુટુંબમાં પત્ની કપિલાબેન અને ચાર સંતાનો- દીકરાઓ સુરે‍ન્‍દ્ર, નિરંજન અને અનિલ તથા એક દીકરી સુલોચના- નો સમાવેશ થતો હતો. આ પરિવારનો પણ કનુકાકા સાથે સંપર્ક થયો. નિરંજન અને અનિલ તો શાળામાં કનુભાઈના હાથ નીચે ભણતા જ હતા. કનુભાઈ તેમને ભણાવવા માટે ઘેર પણ આવતા. ચીમનલાલને ત્યારે વેપાર અંગે  અવારનવાર મુંબઈ જવાનું બનતું. આ સમયે ઘેર પત્ની અને ચાર બાળકો એકલાં જ હોય. આવા સંજોગોમાં કોઈક વિશ્વાસુ વ્યક્તિને ભરોસે કુટુંબ સોંપીને જવાય તો સારું એમ તેમણે વિચાર્યું. બાળકોને ભણાવવા માટે ઘેર આવતા નિષ્ઠાવાન શિક્ષક કનુભાઈ તરત તેમના ધ્યાનમાં આવ્યા. પોતાની ગેરહાજરીમાં રાત્રે ઘેર સૂવા આવવા માટે ચીમનલાલે કનુભાઈને વિનંતી કરી. કનુભાઈએ જરાય આનાકાની વિના આ વિનંતી સ્વિકારી. ૧૯૪૦નું એ વરસ હતું. કનુભાઈનું પોતાનું ઘર હતું જ. દિવસ આખો શાળામાં તે વીતાવતા. બન્ને સમય પોતાને ઘેર જ જમતા અને રાત્રે ફક્ત સૂવા માટે તે ચીમનલાલને ઘેર આવતા.
કનુકાકા

પંદર-વીસ દિવસે ચીમનલાલ પાછા આવ્યા. તેમણે અનુભવ્યું કે આ વ્યવસ્થા સૌને અનૂકુળ આવી ગઈ છે. ચીમનલાલના પાછા આવી ગયા પછી હવે કનુભાઈએ ત્યાં સૂવા માટે આવવાની જરૂર રહી નહોતી. છતાં ચીમનલાલે કનુભાઈને ભારપૂર્વક કહ્યું, “કનુભાઈ, હું હોઉં ત્યારે પણ તમે અમારે ઘેર જ સૂવા આવજો. એ સારું રહેશે.” એ સમયે આમ આગ્રહ કરનાર ચીમનલાલ કોઠારીને કે એ આગ્રહને માન આપીને પછી તેમના ઘરમાં સૂવા આવવાનું શરૂ કરનાર કનુભાઈ પંડ્યાને ક્યાં ખ્યાલ હતો કે કેવા મજબૂત અને આજીવન ચાલનારા સંબંધનો આ પાયો નંખાઈ રહ્યો છે. ચીમનલાલના પરિવાર સાથે કનુભાઈનું બંધન એટલું દીર્ઘજીવી નીવડ્યું કે આ પૃથ્વી પરથી કનુભાઈએ ૨૦૦૫ની ચોથી નવેમ્બરે નેવુ વરસની વયે વિદાય લીધી ત્યારે જ તેમણે આ ઘરનો ઉંબરો કાયમ માટે વળોટ્યો. આ ગાળામાં તેમણે કોઠારી પરિવારની ચાર ચાર પેઢીને પોતાની હૂંફ અને છત્રછાયા આપી. ચીમનલાલનાં ચારેય સંતાનોનાં લગ્ન તેમની સક્રિય હાજરીમાં થયાં. વરસો પછી ચીમનલાલની ત્રીજી પેઢી એટલે કે તેમનાં સંતાનોનાં દીકરા-દીકરીઓનાં લગ્ન વારાફરતી લેવાયાં ત્યારે પણ મુખ્ય વડીલ તરીકે કનુકાકાની જ હાજરી રહી. ચીમનલાલની ચોથી પેઢી એટલે કે તેમનાં પૌત્ર-પૌત્રીઓના વસ્તારને પણ કનુકાકાએ મોટો થતો જોયો. કોઠારી કુટુંબ સાથેના તેમના આ ગાઢ અનુબંધની વાત આગળ ઉપર કરીશું. હમણાં તેમની શિક્ષક તરીકેની કારકિર્દીની વાત.

**** **** ****

બદલી થઈને મહેમદાવાદ આવતા સરકારી અમલદારો, સ્ટેશનમાસ્ટર જેવા અધિકારીઓને આગલા અધિકારી પોતાના કાર્યનો ચાર્જ આપવાની સાથેસાથે કનુભાઈ માસ્તર પણ ચાર્જમાં આપતા. કસ્ટમ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ એસ.એ.બુખારી, તારાપોરવાલા, તિરમીઝીસાહેબ, મામલતદાર ડેનિસ બોઝ, સ્ટેશન માસ્ટર રમેશભાઈ હાં‍સોટી, અરવિંદભાઈ બોરડ, મલ્હોત્રાસાહેબ, રતિલાલ પટેલ, વિનોદભાઈ પટેલ જેવા અનેક અધિકારીઓ મહેમદાવાદ છોડ્યા પછી પણ કનુકાકાનો વિસ્તૃત પરિવાર બની રહ્યા. આ સૌ અધિકારીઓનાં જે સંતાનોને કનુકાકાએ એકાદ-બે વરસ ભણાવ્યાં એ સહુ પણ પોતે ભણ્યા-ગણ્યા, સ્થાયી થયા. તેઓ પોતાનાં સંતાનોને લઈને કનુકાકાને મળવા આવતા.

જો કે, ભણાવવાની પદ્ધતિ એક બાબત છે અને આચાર્ય તરીકે શિક્ષકો પાસેથી કામ લઈને પરિણામ લાવી બતાવવું બીજી બાબત છે.

મુખ્ય શિક્ષક બન્યા પછીની તેમની એક નોંધપોથી સ્વહસ્તાક્ષરમાં
મહેમદાવાદમાં અગાઉ ફક્ત એક જ શાળા હતી. પણ સમય જતાં તેની ત્રણ શાખાઓ થઈ, જે બ્રાન્‍‍ચ કુમાર શાળા તરીકે ઓળખાઈ. મુખ્ય શાળા તાલુકા શાળા તરીકે ઓળખાઈ, જ્યાં ચોથું ધોરણ ભણાવાતું, જ્યારે બ્રાન્‍ચ કુમારશાળામાં એકથી ત્રણ ધોરણ ભણાવાતાં. ૧૯૬૦માં કનુકાકા આ ત્રણેય શાળાઓના આચાર્ય નિમાયા. આચાર્ય થયા ત્યારથી લઈને ૧૯૭૩માં તે નિવૃત્ત થયા ત્યાં સુધીનો સમયગાળો કનુકાકાની કારકિર્દીમાં શિખર સમો બની રહ્યો. વિપરીતતાઓ  અનેક હતી. ‘….અડગ મનના માનવીને હિમાલય નથી નડતો કે મૈં તો અકેલા ચલા થા જાનિબે મંઝીલ મગર.. કે એ વીલ વીલ ફાઈન્‍ડ અ વે જેવી પંક્તિઓ વિષે તેમને ખબર હશે કે કેમ એ પણ સવાલ છે. કનુકાકાએ એવી કોઈ પંક્તિ અનુસરી નહોતી. બલ્કે કોઈને એ પંક્તિ રચવાની પ્રેરણા મળે એ રીતે તેમણે કામ કર્યું.
કેવી હતી આચાર્ય તરીકેની તેમની કાર્યશૈલી? વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરકારના શિક્ષણવિભાગ સાથે તેમણે શી રીતે કામ લીધું? અને કેવાં પરિણામ નીપજાવ્યાં?

**** **** ****

તેમના હાથ નીચેની ત્રણેય શાળાઓમાં થઈને એકથી ત્રણ ધોરણના સાત સાત વર્ગ હતા, એટલે કે કુલ ૨૧ વર્ગ. શાળાનું પોતાનું કોઈ મકાન નહોતું. એક શાખા વળાદરા વાડમાં આવેલી વળાદરા બ્રાહ્મણોની જ્ઞાતિની વાડીમાં ચાલતી. બીજી શાખા નડિયાદી દરવાજે આવેલા હનુમાનના મંદિરમાં ચાલતી. ત્રીજી શાખા વારાહી માતાના મંદિરમાં ચાલતી. આ તમામ જગાએ બંધ બારણાવાળાં ખંડ નહોતા. લાંબી પરસાળ હતી, તેમાં વિદ્યાર્થીઓ બેસતા. છાપરા માટે વપરાયેલાં જૂનાં પતરાંના કાણાઁઆંથી પડતા તડકાનાં ચાંદરણાંની તો નવાઈ નહોતી. પણ ચોમાસામાં તેમાંથી ટપકતું પાણી બહુ હેરાન કરતું. વળાદરાની વાડીમાં તો છાપરા અને વળીઓની વચ્ચે ક્યારેક ઘો પણ દેખા દઈ દેતી. ભોંય પર લાદી તો હોય જ ક્યાંથી? સિમેન્‍ટની છો કરેલી હતી, જે શિયાળામાં અત્યંત ઠંડી થઈ જતી.

આ બધી બાહ્ય વિપરીતતાઓ હતી. તેની ફરિયાદ કરીને બેસી રહેવાનો અર્થ નહોતો. નક્કર કામ કરવું વધુ અગત્યનું હતું. કનુકાકાથી એકલે હાથે કામ થઈ ન શકે. શિક્ષકોના સાથ વિના કશું ન થઈ શકે. કનુકાકાએ શિક્ષકોને પોતાની 'હાથ નીચેના કર્મચારી' ગણવાને બદલે પોતાના સમકક્ષ જ ગણ્યા. એ કહેતા- અમારી શાળામાં એક આચાર્ય નથી, બલ્કે ૨૮ આચાર્યો છે. અને આવું કંઈ કહેવા ખાતર નહોતું. આચાર્યના કાર્યાલયમાં આવતા શિક્ષક સામાન્યપણે ઉભા રહીને અદબભેર વાત કરે એવી ત્યારે પરંપરા હતી. સામે ખુરશી ખાલી હોય તો પણ એ બેસે નહીં, એવી આમન્યા રાખવાનો રિવાજ. પણ કનુકાકા આગ્રહપૂર્વક, બલ્કે દુરાગ્રહપૂર્વક શિક્ષકને બેસાડે. એ પછી જ તેની વાત સાંભળે. પોતાની આગવી શૈલીમાં એ કહેતા, “ગુનેગાર હોય એ ઉભો રહે. તમે ગુનેગાર છો કંઈ?” પછી ઉમેરે, “લોકો આપણને ગાળો બોલીને આ ખુરશીમાં બેસી જાય છે. તો તમે કેમ નથી બેસતા?” તેમનો ઈશારો ક્યારેક દારૂ પીને આવતા દેવીપૂજક બાળકોના વાલીઓ તરફ હોય.

વર્ગની વહેંચણી તે શિક્ષકની કક્ષા પ્રમાણે કરતા. કોઈ શિક્ષકને અમુક ધોરણના વિદ્યાર્થીઓ જ ભણાવવાની ઈચ્છા હોય તો અહમનો મુદ્દો બનાવ્યા વિના તે વર્ગ આપવામાં આવતો. પરીક્ષાના ચાર મહિના બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓની કક્ષા મુજબ તેમના ભાગ પાડી દેવામાં આવતા- ઉત્તમ, સારા, ખરાબ અને નબળા વિદ્યાર્થીઓની જૂથવાર વહેંચણી થઈ જતી. એ પછી નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન અપાતું, સાથેસાથે હોંશિયાર વિદ્યાર્થીઓ પણ આગળ વધતા. નબળા વિદ્યાર્થીઓને લઈને હોંશિયાર વિદ્યાર્થીઓનો વિકાસ રુંધાતો નહીં. તેમ નબળા વિદ્યાર્થીઓ પર ધ્યાન વધુ કેન્‍દ્રિત થઈ શકતું.
દરેક શિક્ષકની સગવડ સાચવવાની, પણ કામમાં કશી બાંધછોડ નહીં. કોઈક શિક્ષકની નિર્ધારીત બાર રજાઓ વપરાઈ ગઈ હોય અને એ પછી તેને રજાની જરૂર પડે તો પણ તે આપવામાં આવતી. એકને આપું તો બીજા માંગે કે ખોટો દાખલો બેસે એવું કહીને વાત ટાળવામાં ન આવતી. આ રીતે રજા પર જનાર શિક્ષકનો વર્ગ બીજા શિક્ષક લઈ લેતા. વાત ઘરમેળે જ સમેટાઈ જતી.


પણ ભણાવવામાં જરાય દિલચોરી ચાલતી નહીં. ત્રણેય શાળાઓમાં કનુકાકા આચાર્ય તરીકે નિયમીત રાઉન્‍ડ મારતા. પણ તેમના આવવાનો કોઈ નિશ્ચિત સમય નહીં, બલ્કે તે રોજેરોજ અલગ અલગ સમયે જ શાળામાં જઈ પહોંચે. ક્યારેક તો એક જ દિવસમાં બે વાર પણ આવી ચડે. આને કારણે શિક્ષકને ગાફેલ રહેવું જરાય ન પરવડે. દરેક શિક્ષકે પોતાની નોંધપોથી કરેલા કામ મુજબ રોજેરોજ ભરવાની રહેતી. આચાર્ય તરીકે કનુકાકા શાળાની મુલાકાતે આવે ત્યારે જે તે શિક્ષકની નોંધપોથી જોવા માંગતા. તેમાં જે વિષય કે પ્રકરણ ભણાવાયાની નોંધ હોય તે અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને ખાતરી કરી લેતા. વિદ્યાર્થીઓ પણ એ રીતે તૈયાર થયેલા કે ખોટું ચલાવી ન લે. કોઈનો ડર રાખ્યા વિના સાચું કહી દે. શિક્ષકે જોડણી ખોટી લખી હોય તો પણ વિદ્યાર્થી બેધડક કહી દેતા. આનો ફાયદો એ થતો કે પાસ થઈને ઉપલા ધોરણમાં જતા વિદ્યાર્થીઓ સજ્જ બનીને જતા. તેને કારણે પહેલા-બીજા ધોરણના સાવ નાનાં બાળકોને ભણાવવામાં જે તકલીફ પડે એ આપોઆપ ઘટી જતી. આથી શિક્ષકો પણ રાજી રહેતા.
આ શાળામાં બદલી દ્વારા શિક્ષકોની આવનજાવન ચાલુ રહેતી. બદલી થઈને જતા શિક્ષક માટે ફંડફાળો એકઠો કરવાની કે વિદાયસભા યોજવાની પ્રથા તેમણે શરૂ જ ન કરી. બસ, બદલી થઈને જનાર શિક્ષકને શુભેચ્છાના પ્રતીકરૂપે નાળિયેરની સાથે સવા રૂપિયો આપી દીધો એમાં બધુંય આવી ગયું. આ નિયમમાં તેમણે પોતાના માટે પણ અપવાદ ન રાખ્યો.

શિક્ષકોને તે સતત આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરતા. આ કારણે મુખ્યત્વે પી.ટી.સી. થયેલા તેમની શાળાના ઘણા શિક્ષકો નોકરી ચાલુ રાખીને બી.એ; બી.એડ. કર્યા પછી એમ.એ. અને એ પછી એમ.એડ.પણ થયા. અભ્યાસ દરમ્યાન શિક્ષકે ક્યારેક કપાતે પગારે પણ રજા લેવી પડતી. પણ કનુકાકા પોતાના સ્રોત દ્વારા આ પગારની જોગવાઈ કરી આપતા. અભ્યાસ કરી રહેલા શિક્ષકને ઓછી તકલીફ પડે એ માટે તેને સારા વિદ્યાર્થીઓવાળો વર્ગ અપાતો. ઉચ્ચ અભ્યાસ પછી સ્વાભાવિક ક્રમમાં આ શિક્ષકો આગળ વધ્યા, આ શાળા છોડીને હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના વર્ગો લેતા થયા, પણ કનુકાકાને જીવનભર ન ભૂલ્યા. અને ભૂલે શી રીતે? શિક્ષકોની કેવળ હાજરી કે રજાની જ તે અનૂકુળતા કરી આપતા હતા એવું નહોતું. એ ઉપરાંત જે તે શિક્ષકના કૌટુંબિક સંજોગોની પણ તે જાણકારી રાખતા. તેમને માટે જરૂરી કોલેજ ફીની જોગવાઈ પણ તે કરી આપતા. એ શી રીતે?

આચાર્ય થયા ત્યાં સુધી કનુકાકાના હાથ નીચે ભણીને એક પેઢી પસાર થઈ ગઈ હતી. આ સૌ કોઈ ને કોઈ રીતે કનુકાકાનું ઋણ ચૂકવવાની ચેષ્ટા કરતા. કનુકાકાની પોતાની જરૂરિયાત સાવ મર્યાદિત હતી. આચાર્ય તરીકે તેમને મળતા સાઠ રૂપિયાના માસિક પગારમાં તેમનું થઈ રહેતું. સફેદ પહેરણ, સફેદ ધોતિયું, ઉપર બંડી અને ટોપી- આ તેમનો કાયમી પોશાક. કનુકાકાની પહેરવા-ઓઢવાની જરૂરિયાત સાવ મર્યાદિત હતી. પણ કોલેજમાં ભણતા શિક્ષકો તે જમાના મુજબ યોગ્ય વસ્ત્રો પહેરે એવો તેમનો આગ્રહ રહેતો. પોતે એક જોડ ચપ્પલમાં બે-ત્રણ વરસ ખેંચી કાઢે, પણ કોલેજમાં અભ્યાસ કરતા પોતાના શિક્ષકને પોતાની સાદાઈના કે કરકસરના ઉદાહરણ આપવાને બદલે નવા બૂટ લાવવા આગ્રહપૂર્વક પૈસા આપે. એ કહેતા, “તમારે કોલેજમાં જવાનું છે. તો એ પ્રમાણે રહેવું જરૂરી છે.”
તેમના હાથ નીચે ભણીને આગળ વધેલા અનેક લોકો કનુકાકાને મદદ કરવા તત્પર રહેતા. કોઈક તેમને રોકડા રૂપિયા આપતું, તો કોઈક ધોતીજોટો આપતું. પણ કનુકાકા સવિનય એ સ્વીકારવાનો ઈન્‍કાર કરતા. કહેતા, “મારે કશાની જરૂર નથી. પણ જરૂર પડશે ત્યારે ચોક્કસ માંગીશ.” અને પોતાના શિક્ષકોની જરૂર માટે કનુકાકા વિના સંકોચે માંગી લેતા. મોટે ભાગે એવું બનતું કે મદદ લેનાર શિક્ષક ઉપકારના ભાવમાં આવી જતો. તે કનુકાકાનું અંગત કામ કરવાની તૈયારી દેખાડતો. પણ કનુકાકા જેનું નામ! પેલાને ઉપકાર લગાડવાની તો વાત જ નહીં, જાણે કે પોતે કશું કર્યું જ નથી, એવી નિર્લેપતા અને ક્યારેય કશો ઉલ્લેખ સુદ્ધાં નહીં. ભલું હોય તો લાગ જોઈને બીજી કોઈ વાતે એ શિક્ષકને ધધડાવી પણ નાંખે, જેથી પેલો બીકનો માર્યો પણ આભાર બોલવાની હિંમત ન કરે. આવી રીતે ખખડાવવા પાછળ કનુકાકાના મનમાં એમ પણ હોઈ શકે કે પેલાને આ ધમકાવેલું વધારે યાદ રહી જાય અને એની આડમાં પોતે મદદ કરેલી એ વાત ભૂલાઈ જાય. કોઈને મદદ કરવી અને એ પછી તેને એની યાદ અપાવવી એ તો પાપ કહેવાય એવી તેમની સમજણ. અલબત્ત, પાપ શબ્દનો તેમનો અર્થ અધમ કાર્ય હતો, પ્રચલિત પાપ-પુણ્યનો નહીં.

આ રીતે કનુકાકાની  'સેના'માં 'એક સેનાપતિ અને બીજા સૈનિકો' જેવો નહીં, બલ્કે 'સૌ સૈનિકો' અથવા  તો 'સૌ સેનાપતિઓ' જેવી વ્યવસ્થા હતી,જે તદ્દન વ્યૂહાત્મક રીતે, નિશ્ચિત ધ્યેય રાખીને કામ કરતી. કેવું હતું તેમનું ધ્યેય? અને એ પાર પાડવા માટેની કાર્યપદ્ધતિ?

**** **** ****

કનુકાકાએ બનાવેલી આ યાદી
પરથી તેમના વિદ્યાર્થીઓ કયા
વર્ગના હતા એ  ખ્યાલ આવી શકશે. 
એ સમયે જ્ઞાતિભેદ તીવ્ર હતો. ૧૯૩૫-૩૬ થી મહેમદાવાદમાં ભંગી(તે જમાનામાં વપરાતો શબ્દ)ઓના બાળકો શાળાએ આવતા થયેલા. સાવ ઓછી શાળાઓમાં આવી શરૂઆત થઈ હતી, જેમાં મહેમદાવાદનો પણ સમાવેશ થતો હતો. શિક્ષકો આ બાળકોને ભણાવતા ખરા, પણ શાળાએથી ઘેર ગયા પછી તેઓ સ્નાન કરતા અને કપડાં બદલી લેતા. ધીમે ધીમે આ ઘટતું ગયું, અને દસ-પંદર વરસે તો સાવ નાબૂદ થઈ ગયું. અન્ય જ્ઞાતિઓનાં બાળકોની જેમ જ આ બાળકોનો સ્વિકાર થયો. કનુકાકાની શાળામાં વિદ્યાર્થી કોઈ પણ કોમનો હોય, કશો ભેદભાવ નહોતો. હા, શ્રમજીવી, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવતું. આવાં બાળકો પ્રત્યે તેમને વિશેષ સહાનુભૂતિ. તેમને માટે ચોપડીઓ કે સ્લેટપેનની વ્યવસ્થા તો એ કરતા જ, પણ પોતાના ઓળખીતા-પાળખીતાઓ પાસેથી તેમના માટે કપડાંય લઈ આવતા. ઘણાં બાળકો એવાં હતાં કે પોતાનાં માબાપને મજૂરીમાં મદદ કરવા માટે તેમને જવું પડતું- ખાસ કરીને ટ્રેનના સમયે સામાન ઉંચકવા કે લારી ખેંચવા. આવા વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં લઈને તેમને વહેલા જવાની છૂટ આપવામાં આવેલી. પણ પછી તેમની પર વિશેષ ધ્યાન અપાતું. શાળામાં સવારે પ્રાર્થનાના સમય પહેલાં આવી જતા વિદ્યાર્થીઓને આંક શીખવાડવામાં આવતા. સારા અક્ષરો અને એ માટેની કનુકાકાની પદ્ધતિ તો તેમની શાળાની ઓળખ બની ગયેલી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વિદ્યાર્થીઓને સાવ શરૂઆતમાં ચિત્રકામ શીખવાડાતું. તેને કારણે વળાંકો પર વિદ્યાર્થીની હથોટી બેસવા લાગતી. એ પછી તેમને અક્ષર શીખવાડવામાં આવતા. આને લઈને મોટે ભાગે એમ બનતું કે વર્ગના લગભગ બધા બાળકોના અક્ષર એકસરખા મોટા, મરોડદાર, જેને આપણે મોતીના દાણા જેવા કહીએ છીએ એવા હતા. અક્ષરો મોટા અને મરોડદાર, બે શબ્દો વચ્ચે જગાનો મંત્ર તો કનુકાકાનો જાણે કે જીવનમંત્ર બની ગયો હતો. અમારાં બાળકોને પણ એ સાંભળવાનો લાભ મળ્યો છે. લારી ખેંચતા, દુકાનમાં અનાજની ગુણો ઉંચકવાની છૂટક મજૂરી કરતા, સફાઈકામ કરતા, ભીખ માંગતા અને ગામની સીમે સાવ અલાયદી ઝૂંપડપટ્ટીની વસાહતમાં રહેતા લોકોને તેમના બાળકોને શાળાએ મોકલવા માટે કનુકાકા સમજાવતા. ભણશો તો સુખી થશો એ જ એમની સમજાવટ અને એ જ એમનું સૂત્ર. આચાર્ય તરીકે વિદ્યાર્થી અને શિક્ષક ઉપરાંત સરકારના શિક્ષણવિભાગ સાથે પણ પનારો પડવો સ્વાભાવિક અને અનિવાર્ય હતો. ખરેખર તો ત્યારે સૌથી અઘરું અને અગત્યનું મનાતું આ કામ કનુકાકાની શાળામાં સાવ સરળ થઈ ગયેલું.

**** **** ****

શાળામાં નિયત સમયે સરકારના શિક્ષણવિભાગનું ઈન્‍સ્પેક્શન આવતું. સામાન્ય પરંપરા મુજબ તો આ નિરીક્ષકની મહેમાનગતિમાં ધ્યાન રાખવાનું હોય, જેમાં તેમની આવવ-જવાની સુવિધાઓ ઉપરાંત તેમને ભાવતાં ભોજન પણ જમાડવાં પડતાં. જેથી તે શાળા અંગે કશી વિપરીત ટીપ્પણી ન લખે. પણ કનુકાકાની શાળામાં આવતા નિરીક્ષક માટે ચાના પ્યાલાથી વધુ કશી જ મહેમાનગતિ થતી નહીં. અને અહીં નિરીક્ષકને બીજી કશી અપેક્ષા પણ રહેતી નહીં. તેમને ખબર જ હતી કે આ શાળાઓના વિદ્યાર્થીઓ એકદમ તૈયાર છે, શિક્ષકો સજ્જ છે, તમામ બાબતોના રેકર્ડ વ્યવસ્થિત છે. આથી વિશેષ શું જોઈએ!
આ ત્રણેય શાળાઓની ખ્યાતિ જોતજોતાંમાં એવી પ્રસરી કે તેના ઉદાહરણો અપાવાં લાગ્યાં. ૧૯૬૪-૬૫માં તો જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓના આચાર્યોને લેખિત હુકમ ફરમાવ્યો કે મહેમદાવાદની બ્રાન્‍ચ કુમારશાળા દરેકે ફરજિયાત જોઈ આવવી. નથી આ શાળાના મકાનના ઠેકાણાં, કે નથી બીજી કશી સગવડ, અને છતાંય તે કેવું ઉત્કૃષ્ટ કામ કરે છે એ સૌએ નજરે જોવું રહ્યું.
આ હુકમ પછી શાળાના મુલાકાતીઓ વધવા લાગ્યા. પણ તેને લઈને ભણતરના કામમાં કશો વિક્ષેપ પડતો નહીં. જિલ્લા શિક્ષણ સમિતિનાં સભ્ય અને નડીયાદની વિઠ્ઠલ કન્યાવિદ્યાલયનાં આચાર્યા કુસુમબેન પટેલ તો આ શાળાઓનું કામ જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગયાં. તે પોતે કન્યાવિદ્યાલયનાં આચાર્યા હોવાથી શિસ્તનું મહત્વ સારી પેઠે જાણતાં હતાં. અહીં તેમણે જે વાતાવરણ જોયું, તે અંગે તેમણે લખેલી નોંધમાં મુક્તપણે પ્રશંસા કરી.

કનુકાકાને રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થયાના સમાચાર 
એક રીતે ત્રણેય શાળાઓના શિક્ષક અને કનુકાકાનો આ બૃહદ પરિવાર જ બની ગયેલો. રમેશભાઈ વ્યાસ (નવાપરા), રમેશભાઈ સોની (નવાપરા), રમેશભાઈ મહીડા, પાઉલભાઈ પરમાર, ગિરીશભાઈ, મૂળજીભાઈ (વાંઠવાળી), ગઢવીસાહેબ, ભાનુભાઈ દરજી, ભારતીબહેન વ્યાસ, ભારતીબહેન શાહ, વીણાબહેન દરજી, વિદ્યાબેન શાહ, ઉષાબેન, દાઉદભાઈ, ફિલીપભાઈ અને બીજા ઘણા શિક્ષક-શિક્ષિકાઓ કનુકાકા આચાર્યપદે હતા ત્યાં સુધી જ નહીં, બલ્કે તે જીવિત રહ્યા ત્યાં સુધી સ્વજન સમા બની રહ્યાં.
મહેમદાવાદની આ શાળાઓની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને જિલ્લા શિક્ષણાધિકારીએ કનુકાકાનું નામ ગુજરાત સરકારના શિક્ષણ ખાતામાં નામાંકન માટે મોકલ્યું. કનુકાકાને મન તો બાળકો ભણેગણે અને સ્વાશ્રયી બને એ જ મોટો પુરસ્કાર હતો. તેમનું વિશ્વ બાળકોની કેળવણી પર જ કેન્‍દ્રિત હતું. શિક્ષકને રાજ્ય પારિતોષિક જેવું કોઈ સન્માન સરકાર આપે છે એ પણ તેમને ખબર નહોતી. જિલ્લા શિક્ષણાધિકારીએ તેમનું નામ સૂચવ્યા પછી જરૂરી વિધિ અને ફોર્મ ભર્યાં ત્યાં સુધી કનુકાકાને ખ્યાલ નહોતો કે એ શેના માટે છે. પણ ૧૯૭૧ની ૧ ઓક્ટોબરે સાંજે રેડિયો પરથી ૭.૧૦ વાગ્યાના પ્રાદેશિક ન્યુઝ બુલેટિનમાં સમાચાર પ્રસારિત થયા અને ઘોષણા કરવામાં આવી કે રાજ્યભરમાંથી કુલ નવ શિક્ષકોની પસંદગી  રાજ્ય પારિતોષિક માટે કરવામાં આવી છે. આ નવ શિક્ષકોમાં એક નામ મહેમદાવાદના કનુભાઈ નટવરલાલ પંડ્યાનું પણ હતું.

એ સમયે રેડિયોના સમાચાર સાંભળવાનો મોટા ભાગના લોકોનો નિત્યક્રમ હતો. જોતજોતાંમાં ગામ આખામાં આ સમાચાર પ્રસરી ગયા. શિક્ષકો સૌ રાજી થઈ ગયા. સૌ ભેગા મળીને કનુકાકાને મળવા માટે અમારે ઘેર આવ્યાં. પણ કનુકાકા ક્યાં? એ તો એમના નિત્યક્રમ મુજબ ભાનુભાઈ વૈદ્યને ત્યાં હતા. થોડી વારે એ આવ્યા. સૌએ તેમને વારાફરતી હાથ જોડ્યા. મમ્મીએ ગોળધાણા એક થાળીમાં તૈયાર કર્યા. સૌએ તે હોંશે હોંશે લીધા. (શુભ પ્રસંગે ગોળધાણા વહેંચાય છે, એવી મને ત્યારે પહેલવહેલી વાર ખબર પડી.) કનુકાકાએ આવેલા તમામનો આભાર માન્યો. એક જોતાં સૌ શિક્ષકોને એમ લાગતું હતું કે આ સન્માન તેમનું ખુદનું થયું હતું. કનુકાકાએ પણ તેનો જશ સૌના પ્રયત્નોને આપ્યો.
એ પછી ૧૯૭૨માં આ પારિતોષિક એનાયત કરવાનો સમારંભ યોજાયો. જો કે, આ બધું માર્ગમાં આવતા એક મુકામથી વિશેષ કંઈ નહોતું. કનુકાકાએ પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ જ રાખ્યું. આમ ને આમ, તેમની નિવૃત્તિનો સમય આવ્યો.

૧૯ ફેબ્રુઆરી, ૧૯૭૩ના રોજ તેમના કાર્યકાળની મુદત પૂરી થતી હતી. કનુકાકાએ બહુ સાહજિકપણે આ વાત સ્વીકારી લીધેલી. પછી શું કરીશું?’ એવો ભય તેમના મનમાં પેદા થયો જ નહોતો. જો કે, નિવૃત્તિ વેળાએ શૈક્ષણિક વર્ષ અધૂરું રહી જતું હતું, એટલે તેમણે નિવૃત્તિની મુદત છ મહિના જેટલી લંબાવવાની શરતી વિનંતી કરી, જેથી શૈક્ષણિક વરસ આખું પૂરું થઈ શકે. તેમની શરત એ હતી કે વધારાના છ મહિનાના આ ગાળા દરમ્યાન પોતે પગાર લેશે નહીં. તેમની વિનંતી માન્ય રખાઈ.




છેવટે તેમની વિદાયનો દિવસ પણ આવી ગયો. તેમની શાળાના શિક્ષકો તેમને ભવ્ય વિદાય આપવા ઈચ્છતા હતા. પોતાના તરફથી સ્મૃતિચિહ્નરૂપે કશીક ભેટ અને તેમના માનમાં જમણવાર. પણ કનુકાકાએ ધરાર કશું સ્વીકારવાની ના પાડી. ન ભેટ કે ન જમણવાર. તેને બદલે એટલી રકમ ગરીબ બાળકો પાછળ વાપરવા માટે જણાવ્યું. તેમણે ફક્ત નાળિયેર અને સવા રૂપિયો જ સ્વીકાર્યો અને સૌ શિક્ષકોને વ્યક્તિગત રીતે મળીને વિદાય લીધી. બન્ને પક્ષે લાગણી વ્યક્ત કરવાના શબ્દો નહોતા. શિક્ષકોની કેવળ આંખો જ વહી રહી હતી. કનુકાકાએ સૌને શુભકામનાઓ આપીને શાળામાંથી વિદાય લીધી. શાળામાંથી તેમણે વિદાય લીધી હતી, પણ સૌના હૈયામાં તેમણે અચળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
૧૯૭૩માં અઠ્ઠાવન વરસની ઉંમરે આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી કનુકાકા વધુ પ્રવૃત્ત બન્યા. નોકરીમાં તે જોડાયા ત્યારે તેમનો માસિક પગાર રૂ. ૧૫/- હતો. એ પછી તે મુખ્ય શિક્ષક બન્યા ત્યારે પગાર વધીને રૂ.૬૦/- થયો. આચાર્ય તરીકે નિવૃત્તી વેળાએ તેમનો પગાર હતો રૂ. ૨૮૦/-. હવે એ પગાર બંધ થવાનો હતો અને મહિને રૂ. ૧૦૧/- (૮૬રૂ. મૂળ રકમ + ૧૫રૂ. મોંઘવારી) નું પેન્‍શન ચાલુ થવાનું હતું. એકલા જીવના નિભાવ માટે આટલી રકમ કદાચ પૂરતી ગણાય. પણ કનુકાકા ક્યાં એકલા હતા? તેમનું કુટુંબ કેવડું વિશાળ! કોઈ પણ જરૂરતમંદ તેમનો કુટુંબી હતો. એ ગરીબ હોય કે મધ્યમવર્ગી, જરૂરતમંદ હોય એ પૂરતું હતું.

કનુકાકાના આ વિશાળ કુટુંબના વિશિષ્ટ કુટુંબીજનો વિષે તેમજ અમારા પરિવારમાં તેમની ભૂમિકા હવે આગામી કડીઓમાં. 


(ક્રમશ:)