Showing posts with label visual humour. Show all posts
Showing posts with label visual humour. Show all posts

Sunday, July 5, 2026

MAD પુરાણ (22): આંકડા

આંકડા કદી અસત્ય ન બોલે. વાત તો સાચી. અને આ કારણથી જ વિવિધ જાહેરખબરો એક યા બીજી રીતે આંકડાઓનો આશરો લઈને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. પણ આ આંકડા પાછળનું સત્ય સમજવા જેવું છે, જે અહીંં 'મેડ' સમજાવવા પ્રયત્ન કરે છે. સર્વેક્ષણના આંકડા સાચા તો હોય, પણ તે કઈ પરિસ્થિતિમાં લેવાયેલા હોય છે એ જાણવાની મઝા આવે એવું છે. મઝા તો ખરી જ, સાથે આપણે જે આંકડાઓ પર ભરોસો મૂકીને અમુક વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે કેવા મૂર્ખ બનીએ એ પણ ખ્યાલ આવે છે.

'મેડ'ના લેખક ડીક ડીબાર્તોલો/Dick De Bartolo અને કલાકાર પૉલ કોકર/Paul Coker દ્વારા તૈયાર કરાયેલો આ વિભાગ જુઓ. આ વિભાગનું નામ Poll-ish Jokes Dept. રાખ્યું છે, જે 'Polish Jokes'ને મરડીને રાખવામાં આવ્યું છે. આપણે જેમ સરદારજી કે મારવાડીઓના લક્ષણગત ટુચકાઓ કહેતા ફરીએ છીએ એમ પૉલેન્ડના પૉલીશ લોકોના લક્ષણગત ટુચકા બહુ ચલણી છે. પૉલીશને બદલે અહીં સર્વેક્ષણ/Poll શબ્દ મૂકીને શ્લેષ તરીકે Pollish લખવામાં આવ્યો છે.

(Mad, Fall 1988, Super Special)




Saturday, July 4, 2026

MAD પુરાણ (21): ડેથ ઓન અરાઈવલ

 D.O.A. એટલે કે Dead On Arrival શબ્દાર્થમાં કહીએ તો- આગમન વેળા જ મૃત્યુ પામેલું. એટલે કે દવાખાને આગમન થયું ત્યારે જ તેનું મૃત્યુ થઈ ચૂકેલું. કોઈ ચીજ આપણને મળે એ વખતે નકામી સ્થિતિમાં હોય ત્યારે પણ રૂઢ અર્થમાં તે વપરાય છે. પણ 'મેડ'ના આ વિભાગમાં તેનો ઉપયોગ એકદમ શબ્દાર્થમાં કરાયો છે. વાત છે 'મોર્ગ'ની, કે જ્યાં નવાગંતુક તરીકે માત્ર ને માત્ર શબનું જ આગમન થાય છે. 'એકથી બે ભલા' સાથે સામ્ય ધરાવતી અંગ્રેજી કહેવત 'The more the merrier'ને મરડીને આ વિભાગનું નામ 'The Morgue the merrier' રાખવામાં આવ્યું છે. આ વિભાગના સર્જક છે ડક એડવિંગ, જેમની સહી તરીકે અલગ અલગ મુદ્રાઓ ધરાવતા બતક (ડક)નું ચિત્ર હોય છે.

સામાન્ય સંજોગોમાં શબ એટલે કરુણતા, ગમગીની, શોક, ઉદાસી, સંવેદના જેવા ઘેરા ભાવ. પણ શબ સાથે જેને રોજેરોજ નિપટવાનું બનતું હોય, શબ જેની રોજિંદી નોકરીનો જ એક ભાગ હોય એ લોકો આ બાબતને શી રીતે જુએ છે?
દેખીતી રીતે 'ડાર્ક હ્યુમર'નો આ પ્રકાર છે, જેમાં ક્યારેક જુગુપ્સા પણ ભળેલી જણાય, છતાં તેમાં રહેલું હાસ્ય અને તેનો આંતરપ્રવાહ માણવા જેવાં છે.
(Mad, April, 1991, issue no. 302)



Friday, July 3, 2026

MAD પુરાણ (20): કાસ્ટ અવે

કાસ્ટ અવે/Cast away એટલે એવી પરિસ્થિતિ, જેમાં જહાજભંગ થવાને કારણે વિખૂટો પડી ગયેલો કોઈ મુસાફર કોઈ નિર્જન ટાપુ પર આવી ચડે, અને કોઈક મદદની આશાએ દિવસો વ્યતિત કરે. દરિયાઈ મુસાફરીઓ સામાન્ય હતી ત્યારે કદાચ આવું બનતું હશે. આ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને અનેક સાહસકથાઓ લખાઈ છે, ફિલ્માવાઈ છે. પણ આ પરિસ્થિતિને 'મેડ' અલગ અલગ રીતે દર્શાવે છે.

ટાપુ દરિયાની વચ્ચેનો છે એ દર્શાવવા મોટે ભાગે એકાદું નાળિયેરીનું ઝાડ બતાવવામાં આવે છે. ટાપુ એટલો મોટો નથી કે તેની પર ટહેલી શકાય. બલ્કે દરિયાના પાણીનાં મોજાં આસાનીથી એ માણસને ભીંજવી શકે. ખોરાક? નહીંવત. અન્ય કોઈ સરંજામ? ધ્યાન દોરવા માટેનાં રોકેટ હોય તો હોય, જે કેવળ રોશની ફેલાવે.
આ ટાપુ એવા સ્થાને હોય કે જ્યાં અન્ય જહાજોની અવરજવર નહીંવત હોય. જે પસાર થતાં હોય તે પણ ઘણે દૂરથી. ક્યારેક કોઈ રડ્યુંખડ્યું વિમાન ત્યાંથી પસાર થાય તો થાય.
અહીં છાંયો આવે એવી કોઈ જગ્યા નથી. પહેરેલા ખમીસને ઝાડ સાથે બાંધીને ધ્યાન દોરતી ધજાની જેમ ટીંગાડવું પડે એમ બને. પાટલૂન પણ તારતાર થવા આવ્યું હોય. દાઢી બનાવવાનું કે વાળ ઓળવાનું ઠેકાણું ન હોય. આખી પરિસ્થિતિ જીવન-મરણ વચ્ચેની હોય.
આવી વિપરીત, હાસ્ય માટે અત્યંત મર્યાદિત અવકાશવાળી પરિસ્થિતિમાં 'મેડ'ના કલાકારો કેવી કેવી રીતે હાસ્ય પેદા કરે છે એ જોવા જેવું છે.
આમાંના ચાર ચિત્રો ડોન માર્ટિનનાં છે, અને રંગીન ચિત્ર ડક એડવીંગનું છે. 'મેડ'ના અનેક અંકમાં આ પરિસ્થિતિ અને તેમાંથી નીપજતું હાસ્ય બતાવવામાં આવે છે. દરેકના શિર્ષકમાં સ્થળ અને ક્યારેક સમય પણ લખવામાં આવે છે.
રાબેતા મુજબ, 'મેડ'ના સચિત્ર હાસ્યની બારીકીઓને માણવાની છે.





Thursday, July 2, 2026

MAD પુરાણ (19): ડક એડવિંગ

 'મેડ'ના બીજા ડોન તે ડોન 'ડક' એડવિંગ/Don 'Duck' Edwing, જે ડક એડવિંગના નામે ચિત્રો બનાવે છે. અગાઉ ડોન માર્ટિનની એક એક પાનની ચિત્રકથાઓ જોઈ, એવી જ ડક પણ બનાવે છે. તેમની ચિત્રકથાના વિભાગનું નામ Tales from the Duckside Dept. છે. ચિત્રકથાઓનાં શિર્ષક જે તે સ્થળ કે ઘટના પર આધાર રાખે.

ડકની શૈલીમાં માનવાકૃતિઓનાં નાક રીંગણ આકારનાં, જે પાછલા ભાગે સાંકડા અને આગળના ભાગે પહોળા, ગોળ હોય. અમુક અંશે મારીઓ મિરાન્ડા દ્વારા બનાવાતાં નાકની યાદ અપાવે એવાં. આંખો પણ નાની, ગોળ, જેની વચ્ચેથી નાક નીકળતું બનાવ્યું હોય.
પોતાની સહી તરીકે આ કલાકાર અલગ અલગ મુદ્રાઓવાળું બતક ચીતરે છે, તો ક્યાંક 'Duck' પણ લખે છે. આ પાંચે ચિત્રકથાઓમાં ડકની સહી બતકરૂપે યા અક્ષરાંકનથી જોવા મળશે, જરૂરી નથી કે એ છેલ્લે જ હોય.
અહીં બતાવેલી ચિત્રકથાઓ 'બ્લેક હ્યુમર'નું તાદૃશ્ય ઉદાહરણ છે. તેને સમજાવવાને બદલે સૌ પોતપોતાનાં અર્થઘટન કરે તો વધુ મઝા આવે.





Tuesday, June 30, 2026

MAD પુરાણ (18): બ્લેક હ્યુમર

 'બ્લેક હ્યુમર' હાસ્યનો એવો પ્રકાર છે કે જેમાં સામાન્યત: ગંભીર, અસ્પૃશ્ય ગણાતા વિષયોને લગતું હાસ્ય સર્જવામાં આવ્યું હોય. મૃત્યુ, વંશીય ભેદભાવ, જાતીયતા વગેરે વિષયો આમાં આવી શકે. દેખીતી રીતે ગંભીર ગણાતા વિષયને લક્ષ્યમાં રાખીને હાસ્ય સર્જવાનો હેતુ જે તે ક્ષેત્રે વ્યાપી રહેલા કેટલાક મુદ્દાઓની ગંભીરતા બાબતે વિચારતા કરવાનો હોય છે.

સંવેદના કેટલાક વ્યવસાયનું અનિવાર્ય અંગ છે. જેમ કે, તબીબી ક્ષેત્ર. પણ આ ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે એ બાબત નિત્યક્રમ બની જાય ત્યારે શું?
'મેડ'માં અવારનવાર એવા વિભાગો આવતા કે જેમાં ક્રૂરતા, ઘાતકીપણું, મૃત્યુ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને હાસ્ય સર્જવામાં આવ્યું હોય.
અહીં આવા પાંચ નમૂના આપવામાં આવ્યા છે. એક પાનામાં એક આખી કથા છે. સંવાદ છે, પણ ખપ પૂરતા, અને ક્યાંક તો એ પણ નહીં. આ પાંચમાના ચાર ડોન માર્ટિનનું સર્જન છે, જ્યારે એક ડક એડવીંગનું.
તમામ વિભાગના શિર્ષક જોવા જેવા છે, જેમાં 'કોઈ એક દિવસે, અમુક સ્થળે' એવો ઉલ્લેખ છે. ડોન માર્ટિનનાં ચિત્રાંકનો ખાસ જોવા જેવા છે. તેમાં ખાસ કરીને હાથ અને પગનું કદ પાવડા જેવું, અને એકે એક આંગળીઓ બરાબર ચીતરાયેલી જોવા મળે છે.
ડક એડવીંગ પણ 'મેડ'ના કાયમી 'ઈડિયટ' છે. તેમની શૈલીમાં જાણે કોઈ ચિત્રમાં રંગ પૂરતા હોય એ રીતે ડીટેઈલિંગ કરેલું જણાશે.
(Mad, Super special, summer 1984)








Monday, June 29, 2026

MAD પુરાણ (17): હેન્‍ગર

'મેડ'ના અનેક પ્રદાનોમાંનું એક તેણે વિકસાવેલો સચિત્ર હાસ્યનો પ્રકાર હતો એમ કહી શકાય. ત્યાં સુધી સચિત્ર હાસ્ય મોટે ભાગે કાર્ટૂન દ્વારા જ જોવા મળતું, પણ 'મેડ'ના કલાકારો તેને કાર્ટૂનથી ઘણે આગળ લઈ ગયા.

અહીં આવો એક નમૂનો જુઓ. સાવ સાદા, તારના બનાવેલા હેન્ગર આપણે સૌએ જોયા છે. પણ તેમાં 'મેડ'ના કલાકારોની કલ્પના અને અવળચંડાઈ ભળે એટલે પરિણામ શું આવે એ જોઈ શકાશે.
પૉલ પીટર પોર્જિસ/Paul Peter Porges અને જહોન રિયોસ/John Rios ના વિચારોને કલાકાર બોબ ક્લાર્કે/Bob Clarke ચિત્રીત કર્યા છે.
આમાંના ઘણા પાત્રો ઐતિહાસિક છે, ઘણા પૌરાણિક છે, તો ઘણા તત્કાલીન અમેરિકન સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ છે. તેમનો સંદર્ભ ગૂગલ પર જોશો તો આ વિચારને વધુ સારી રીતે માણી શકાશે.
(મેડ, સપ્ટેમ્બર, 1980)





Friday, June 26, 2026

MAD પુરાણ (16): આઈ.ટી.રિટર્ન સરળ રીતે

આઈ.ટી.રિટર્નનો મહિનો છે. ગયા વર્ષની આવકજાવકનો હિસાબ કરીને તેને આવકવેરા વિભાગના નિર્ધારીત ફોર્મમાં ભરીને જમા કરાવવા માટે સહુ કોઈ દોડાદોડી કરતા હશે. મારા જેવા કેટલાય હશે કે જે વરસોથી નિયમીતપણે આ વિધિ કરે છે, પણ તે શાથી કરવી, શી રીતે કરવી એ જાણતા નથી. કોઈકને ત્યાં લગ્નપ્રસંગે જઈને ભોજન લીધા પછી વ્યવહાર કરીને આવી જઈએ એવી જ યાંત્રિકતાથી આ વિધિ પાર પાડવામાં આવે છે.

વચ્ચે ઘણા સમય સુધી આવકવેરા વિભાગ દ્વારા 'સરલ' નામનું ફોર્મ બહાર પાડેલું. મારા જેવાને એ પણ ભરતાં ફાવતું નહોતું. એવે વખતે મનમાં ઘણા કુવિચારો આવતા, પણ ભલું થજો અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું કે જે આવા વખતે અમારી વહારે ધાય છે.
ત્યારે એમ હતું કે આ 'સરલ'ની માથાકૂટ ભારતમાં જ હશે. પણ 'મેડ'નો જૂન, 1970નો આ અંક જોયો, અને તેમાં છપાયેલું 'સરળ-વાસ્તવિક ફોર્મ' જોયું ત્યારે સમજાયું કે આપણે ઘણા પાછળ છીએ.
અમેરિકન સરકારની, તેની વિવિધ નીતિઓની આવકવેરાના આ 'સરલ' ફોર્મમાં કેવી ખીલ્લી ઉડાડવામાં આવી છે એ ખાસ વાંચવા જેવું છે. અને રાબેતા મુજબ, ઈન્‍‍ટ્રો તો ખરો જ.
'મેડ'ના કલાકાર ડીક ડીબાર્તોલો દ્વારા આ આઈટમ તૈયાર કરવામાં આવી છે.
(Mad, June, 1970, issue no. 135)



Thursday, June 25, 2026

MAD પુરાણ (15): પરછાંંઈ દિખાયે સચ્ચાઈ


'મેડ'માં સચિત્ર હાસ્યનો જે મહિમા થયો છે એ ભાગ્યે જ બીજે જોવા મળ્યો છે. 'પંચ' મેગેઝીનમાં મોટે ભાગે લેખો આવતા. કાર્ટૂનનું પ્રમાણ મર્યાદિત રહેતું. 'મેડ'માં લખાણ હોય તો પણ તેને માણવા માટે ચિત્ર અનિવાર્ય બની રહે એવું મોટે ભાગે બનતું. સાવ શબ્દ વિના અનેક એવા વિષયો 'મેડ'માં જોવા મળતા, જેમાં એક એક ચિત્ર આખેઆખી પૂર્ણ કથાસમાન બની રહેતું.
વિવિધ પરિસ્થિતિઓમાં, વિવિધ વ્યક્તિઓના મનમાં ખરેખર શું ચાલતું હોય છે એ પડછાયા દ્વારા અહીં આબાદ વ્યક્ત કરાયું છે.
સર્જિયો એરેગોનસે કલ્પેલી અને ચીતરેલી એકે એક પરિસ્થિતિઓ ધ્યાનથી જોવા જેવી છે.
(Mad, Dec 1969)




Wednesday, June 24, 2026

MAD પુરાણ (14): સિમ્પસન્‍સ

 ઈમેજ બિલ્ડીંંગ, ઈમેજ મેકઓવર જેવા શબ્દો મોટે ભાગે સેલીબ્રીટીઓ માટે બનેલા હોય છે. પોતે કેવા દેખાશે એ બાબતે તેઓ બહુ સભાન હોય છે, અને પોતાના દેખાવને સરખો રાખવા માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને સૌંદર્યનિષ્ણાતોને રોકતા હોય છે.

'મેડ' આનો એક સસ્તો અને કિફાયત તરીકો ચીંધે છે. તે કહે છે, 'હે સેલીબ્રીટીઓ! સંગઠિત થાવ! અને નાણાં વેડફવાનું બંધ કરો.' કયો છે એ નવો તરીકો?
મૅટ ગ્રેનિંગ/Matt Groening નું સર્જન એવી એનિમેટેડ શ્રેણી 'ધ સિમ્પસન્સ' એક જમાનામાં અતિ લોકપ્રિય બનેલી. આ પાત્રોનું ચિત્રણ સહેજ અલગ પ્રકારે હતું. તેમની આંખો, વાળ, મોં વગેરે બાહ્ય રેખાઓથી ચીતરાયેલા. તેમાં ઝાઝું ડિટેઈલિંગ કરવામાં નહોતું આવ્યું. ડિઝનીનાં એનિમેટેડ પાત્રોની સરખામણીએ આ પાત્રો જરા રફ જણાય. (એ કારણે તે મારી અંગત પસંદગીમાં સ્થાન નથી પામતાં) આ તમામ પાત્રો વિવિધ વયજૂથ, લિંગ કે પ્રજાતિનાં હોવા છતાં તેમના ચિત્રણમાં અમુક સામ્ય જણાય છે. સેલીબ્રીટીઓની પસંદગી પણ ખાસ જોવા જેવી છે.
બસ, 'મેડ' હવે સેલીબ્રીટીઓને 'સિમ્પસન્સ લૂક' અપનાવવાનું કહે છે. એ અપનાવ્યા પછી તેઓ કેવા દેખાશે એના નમૂના....!
સ્ટેન હાર્ટ/Stan Hart ના વિચારને કલાકાર ગ્રેગ થીક્સ્ટન/Greg Theakston દ્વારા ચિત્રાંકિત કરવામાં આવ્યું છે.
અસલ સીમ્પસન્સ કેવા દેખાતાં હશે? આ સવાલ કોઈને ન થાય એ માટે બાજુના ચિત્રમાં તેમને સંદર્ભ માટે મૂક્યાં છે.



અસલ સિમ્‍પસન્સ 

Tuesday, June 23, 2026

MAD પુરાણ (13) : પ્રવાસની જાહેરખબરો

 વિવિધ સ્થળોની સુંદર તસવીરો જોઈને આપણે ઉદ્ગાર કાઢતા હોઈએ છીએ કે આ એકદમ 'પિક્ચર પોસ્ટકાર્ડ' જેવી છે! 'પિક્ચર પોસ્ટકાર્ડ' જેવી પરફેક્ટ તસવીરો મોટે ભાગે ટ્રાવેલને લગતાં બ્રોશર કે જાહેરખબરોમાં મૂકવામાં આવે છે.

હરેક ક્ષેત્રની જેમ 'મેડ' આ ક્ષેત્રને પણ બાકી શું કામ રાખે? અહીં આપણને ટ્રાવેલની વિવિધ જાહેરખબરો વાંચવાની 'સાચી' રીત 'મેડ' બતાવે છે.
હવે પછી કોઈ પણ ટ્રાવેલની જાહેરખબર વાંચીને લલચાવ અને તેમાં બુકિંગ કરાવવાનું વિચારો ત્યારે તેનો સાચો અર્થ પણ સમજી લેજો. આ લેખના ઈન્ટ્રોમાં આવો એક નમૂનો છે જ.
('મેડ'ના જૂના અંકોમાંથી ચૂંટેલી સામગ્રી પસંદ કરીને વિશેષાંકો નીકળતા હતા. આ આવો જ એક વિશેષાંક છે, જેનું નામ છે 'Biggest Greatest Cracked Annual', 1984)




Monday, June 22, 2026

MAD પુરાણ(12): એપ્ટિટ્યુડ ટેસ્ટ

કઈ કારકિર્દી તમને માફક આવશે એ નક્કી કરવા માટે જાતજાતના એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે. એ ટેસ્ટના પરિણામના આધારે તમે જે તે કારકિર્દી પસંદ કરો તો એમાં સફળ જવાશે કે નહીં એની કોઈ ખાત્રી હોતી નથી. આ સમસ્યાનો ઉકેલ 'મેડ' બતાવે છે. ડૉક્ટર તરીકેની કારકિર્દીમાં તમે સફળ થશો કે નહીં, તે આ સવાલના જવાબ મુજબ નક્કી કરવાનું છે.

ફ્રાન્ક જેકબ દ્વારા લખાયેલા આ સવાલો અને જ્યોર્જ વુડબ્રીજનું ચિત્રાંકન- વાંચીને હસતાં કે ગંભીર રીતે વિચારતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આ 'મેડ'ના 1984ના અંકમાં પ્રકાશિત થયેલું હતું.


Sunday, June 21, 2026

MAD પુરાણ (11): પગ

પગ યાનિ કી ચરણકમળ. પગનો આગવો મહિમા આપણે ત્યાં જોવા મળે છે. એમાંય 'આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈ..' જેવો સંંવાદ અને 'પાંવ છૂ લેને દો ફૂલોં કો ઈનાયત હોગી..' જેવી શાયરી તેમાં અનોખું રોમેન્ટિસીઝમ ઉમેરે છે. પણ 'મેડ' હંમેશાં બીજે જ નિશાન તાકે છે. રોમેન્ટિસીઝમને રીતસર ભડાકે દઈને તે એવું રીએલીઝમ દેખાડે છે કે એ જોયા પછી લાગે કે ખરી મઝા આની જ છે.

ઈતિહાસમાં અનેક હસ્તિઓ થઈ ગઈ. તેમની લાક્ષણિકતાઓ અને પ્રસંગો લોકોના દિલોદિમાગમાં એ રીતે અંકાઈ ગયેલાં હોય છે કે ભવિષ્યમાં કશી સાચી માહિતી મળે તો પણ મન એ માનવાનો ઈન્કાર કરી દે. જગતના એકે એક વિષયને 'સળી' કરનાર 'મેડ' માટે ઈતિહાસ અતિ પ્રિય વિષય બની રહે સ્વાભાવિક જ છે.
ઈતિહાસનાં ચોપડે કેટલાંય feats (પરાક્રમો) નોંધાયેલા છે, પણ 'મેડ' અહીં વાત કરે છે 'feets' (પગ)ની. feet પોતે બહુવચન છે, અને તેને sની જરૂર નથી, એ ભૂલી જવાનું છે. પણ કેટલાંક ઐતિહાસિક પરાક્રમોમાં 'પગ'ની શી સ્થિતિ હતી કે ભૂમિકા હતી એ અહીં જણાવવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખાયેલાં પાત્રો, સ્થળો વિશે પ્રાથમિક જાણકારી ન હોય તો ગૂગલ પરથી મેળવીને પછી આ ચિત્ર જોશો, તો મઝા આવશે.
આ વખતે પૉલ પીટર પોર્જિસના વિચારોને બૉબ જોન્સ દ્વારા ચીતરવામાં આવ્યા છે. રાબેતા મુજબ, ડાબે મથાળે 'Footnotes' ને બદલે 'Foot-nuts' લખવામાં આવ્યું છે. જમણે મથાળે સર્જિયોની હાંસિયાપટ્ટી પણ છે.
(Mad, winter 1984 super special)



Friday, June 19, 2026

MAD પુરાણ (10) : મૅડ દૃષ્ટિએ

 'મેડ'નો લગભગ નિયમિત વિભાગ એટલે 'A Mad look at......', જેને ''મેડ' દૃષ્ટિ'એ...............' એમ કહી શકાય. કોઈ એક જ વિષય પર એવી એવી અકલ્પ્ય સિચ્યુએશન આમાં દર્શાવવામાં આવે, અને એ પણ ત્રણથી ચાર પાનાંઓમાં! આની વિષય પસંદગી પણ એવી 'ખતરનાક' હોય કે એમ લાગે કે આ વિચાર 'મેડ'ને જ આવી શકે.

કોઈ પણ હોનારત અચાનક નથી બનતી. તેની પહેલાં કશુંક એવું બનતું હોય છે, જે આખરે હોનારત સુધી દોરી જાય છે. આ 'કશુંક' એટલે શું? એને 'મેડ' Moment before the disaster તરીકે ઓળખાવે છે.
અહીં પૉલ પીટર પોર્જિસ/Paul Peter Porges દ્વારા Moment before the disaster અંતર્ગત તેમણે ચીતરેલી પરિસ્થિતિઓ જુઓ. પોર્જિસનાં ચિત્રાંકનો વિશે અગાઉ 'More MAD Candid snapshots of historical celebrities.'માં વિગતે વર્ણન કરેલું છે, તેની પરથી તેમની ચિત્રશૈલીને પણ ઓળખતા જવાનો પ્રયત્ન કરવા જેવો છે.
આ તમામ ચિત્રોમાં ચિત્રાંકન જ માણવાનું છે. 'મેડ' આ રીતે સચિત્ર હાસ્યને માણતાં શિખવે છે. એક ચિત્રને ધ્યાનથી જોવું, અને તેને ઊકેલવું. રાબેતા મુજબ 'Things to come'ને બદલે આ વિભાગને 'Zings to come' તરીકે ઓળખાવાયો છે. ઉપરાંત બીજા પાન પર ઉપલા જમણે ખૂણે સર્જિયોની 'માર્જિનલ થીન્કીંગ'ની પટ્ટી બોનસ તરીકે છે.




'ફૂટપ્રિન્ટ્સ' એટલે કે પદચિહ્નો તરફ વક્ર દૃષ્ટિ. આ શિર્ષક વાંચીને ઘડીક થાય કે 'ફૂટ પ્રિન્ટ્સ'માં હોઈ હોઈને કેવીક વક્રતા મૂકી શકાય? પણ એનો નમૂનો તાદૃશ્ય જોયા પછી જ એ સમજાય.
ડીન નોર્મન/Dean Normanના વિચારોને કલાકાર બૉબ ક્લાર્ક/Bob Clarke દ્વારા અહીં ચીતરવામાં આવ્યા છે. આ બન્ને પાનાંમાં માત્ર ને માત્ર દૃશ્યકળાને માણવાની છે.








Thursday, June 18, 2026

MAD પુરાણ (9): સ્પીડોમીટર

 'સ્પીડોમીટર' ક્યાં લાગેલું હોય? સ્પીડ (ગતિ) માપવાની હોય ત્યાં. એટલે કે મોટે ભાગે વાહનોમાં. પણ વાહન સિવાયના 'પદાર્થ'ની ગતિ માપવાની હોય તો? એના માટે પ્રસ્તુત છે 'The Mad Speedometer.

આ સ્પીડોમીટર ભલભલી 'ચીજો'ની ગતિ જણાવે છે. સ્થાનિક કે દેશભરમાં ટપાલ પહોંચવાની ગતિ, મોજાં ઊતરીને નીચે આવી જવાની ગતિ, બો ડેરેક ('ટેન' અને 'ટારઝન' ફેમ)ની કપડાં ઊતારવાની ગતિ અને બીજી અનેક...
લેખક જહોન ફીકારા અને ચિત્રકાર બૉબ ક્લાર્કની જુગલબંદીની કમાલ જુઓ. સરકારી સેવાઓ, ગ્રાહક વપરાશની ચીજો, નાગરિકો કે સેવાકર્મીઓની (કુ)ટેવો જેવી અનેક બાબતોને આ સ્પીડોમીટરમાં આડે હાથે લેવામાં આવી છે.
આ વિભાગનું નામ 'સ્માઈલ્સ (માઈલ્સને બદલે) પર અવર' તો જાણે બરાબર, પણ એક લીટીમાં લખેલો ઈન્ટ્રો ખાસ વાંચવા જેવો છે.









Wednesday, June 17, 2026

MAD પુરાણ (8): ઐતિહાસિક પાત્રોની ઈતિહાસસફર

કેટલીક ક્ષણો, ઘટનાઓ, પાત્રો, સૂત્રો ઐતિહાસિક બની રહ્યાં છે. જેમ કે, 'રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો', 'કોલંબસે અમેરિકા શોધ્યું' વગેરે...પણ આ ઐતિહાસિક બાબતની પૃષ્ઠભૂમિ જાણનારા ઓછા હોવાના.

રાજકારણીઓ ઈતિહાસમાં ચેડાં કરે એ બાબત ગંભીર છતાં હાસ્યાસ્પદ હોય છે. પણ 'મેડ' જ્યારે એમ કરવા જાય ત્યારે તે હાસ્યાસ્પદ હોવાની સાથેસાથે પૂરેપૂરી ગંભીરતાથી કરતું હોય છે. ઈતિહાસ 'મેડ'નો પ્રિય વિષય છે. મહાન વ્યક્તિઓનાં અવતરણો અને તેની પાછળની સચ્ચાઈ, મહાન વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજો વગેરે 'મેડ'માં અવારનવાર જોવા મળતાં.
અહીં આવો જ એક વિષય છે: 'More MAD Candid snapshots of historical celebrities.' કેટલાંક ઐતિહાસિક પાત્રો જે લાક્ષણિકતા માટે જાણીતાં છે ત્યાં સુધી તેઓ શી રીતે પહોંચ્યાં?
એક એક ચિત્ર અલગ અલગ કાળખંંડ અને તેનાં પાત્રો દર્શાવે છે. મઝા એ છે કે નીચે સંદર્ભ પૂરતું લખાણ છે, બાકીનું ચિત્ર જોઈને સમજવાનું છે.
થોડી વાત આ લેખક-ચિત્રકાર પૉલ પીટર પોર્જિસ (પોર્ગસ)/Paul Peter Porges વિશે. 2016માં 89 વર્ષની વયે 'ટેં' થઈ ગયેલા આ ચિત્રકારનાં ચિત્રોની શૈલી કાર્ટૂનમાં હોય છે એવાં રેખાંકનોની નહીં, બલ્કે પેઈન્ટિંગમાં હોય છે એ રીતની હતી. તેમનાં મૂળ ચિત્રો રંગીન હશે કે કેમ એ ખ્યાલ નથી, પણ શ્વેતશ્યામ ચિત્રોમાં ત્રણ-ચાર ટોન જોવા મળે. ડિટેઈલીંગ પણ ખાસ્સું કરેલું જણાય. અહીં મૂકેલા ચિત્રમાં ડૉ. લિવિંગ્સ્ટન કે કિંગ ડેવિડવાળું ચિત્ર જોવાથી આ બાબતનો ખ્યાલ આવશે. આગળ ઉપર પોર્જિસનાં અન્ય ચિત્ર જોઈશું તેમાં પણ આ બાબત ધ્યાને પડશે.
બીજી વાત આખી થીમના લે-આઉટની. ઐતિહાસિક પાત્રો હોવથી તેની તસવીરોને કોર્નર વડે ચોંટાડીને તેમાં ભરાવી છે. આજે કમ્પ્યુટર પર ભલભલી કળાઓ કરી શકાય છે, પણ આ કળા 1986ના અંકની છે એ ધ્યાન રાખવું.




Paul Peter Porges (1927-2016)

Tuesday, June 16, 2026

MAD (7) પુરાણ: એડ પેરડી

લાગણી દુભાવાનો આપણે ત્યાં ગૃહઉદ્યોગ ચાલે છે. ક્યારે, કોની, કયા કારણસર લાગણી દુભાઈ જાય એ કહેવાય નહીં. અને એ દુભાય ત્યારે શું પરિણામ આવે એ પણ નક્કી નહીં. કોના માથા સાટે ઈનામ નીકળી જાય, કોના ઘરની બારીઓના કાચ તૂટે, કોની પર ટોળાનો હુમલો થાય, કોના વિરુદ્ધ હેશટેગ ઝુંબેશ ચાલે, કોનો બહિષ્કાર થાય એ નક્કી ન કહેવાય. આ બધું થયા પછી કોઈ અકળ કારણસર બધું એ રીતે ભૂલાઈ જાય કે જાણે એવું કશું હતું જ નહીં. આ બાબત વ્યક્તિ, સંસ્થા, સમાચારથી લઈને ગાય, બકરી, સિંહ જેવાં પ્રાણીઓ સુધી કોઈ પણને લાગુ પડી શકે.

'મૅડ' જોયા-વાંચ્યા પછી લાગે કે આપણા દેશમાં આવું સામયિક શક્ય જ નથી. અગાઉ જણાવ્યું છે એમ તેના માટે કોઈ પણ વ્યક્તિ કે વિષય પવિત્ર ગાય નથી. વ્યક્તિ જીવિત હોય કે મૃત, શાસક હોય કે વિરોધ પક્ષ, આદરણીય હોય કે બદનામ, 'મૅડ' માટે બધા જ સરખા. એ ગમે તેની સળી કરે, ખિંચાઈ કરે. ખરી મઝા એ કે જેની ખિંચાઈ કરવામાં આવી હોય એ પણ મોટે ભાગે તેને માણે.
'મૅડ'નું છેલ્લું જેકેટ અવનવા વિષય લઈને આવે છે. તેમાંનો એક પ્રકાર એટલે કોઈ જાણીતી કંપનીની જાણીતી બ્રાન્ડની 'મૅડ'વિશેષ પેરડી. મૂળ પ્રોડક્ટના નામ અને લોગો જેવી જ શૈલીમાં 'મૅડ' એવી ક્રૂરતાપૂર્વક એ જાહેરખબરની પેરડી બનાવે કે ઋજુહૃદયી વાચકને મૂળ પ્રોડક્ટ કે કંપનીની દયા આવી જાય.
ખરેખર તો મૂળ કંપનીઓ પર્યાવરણની, ગ્રાહકહિતની કે અન્ય એવી બાબતોની જાળવણીના હાસ્યાસ્પદ દાવા કરે એ આપણે સાચા માની લેતા હોઈએ છીએ. 'મેડ'નો આશય કદાચ એ રૂઢિગત માન્યતા પર પ્રહાર કરવાનો છે.
અહીં ચાર નમૂના આવી 'એડ પેરડી'ના આપેલા છે. એ જુઓ, એનું ઝીણામાં ઝીણું લખાણ વાંચશો તો જ 'મેડ'ની કમાલનો ખ્યાલ આવશે.
ખ્યાતનામ Winston બ્રાન્ડની સિગારેટની ખિંચાઈ Winsom ના નામે, અને Crayola ની ખિંચાઈ Grayola ના નામે, તો Reader's Digestની ખિંચાઈ Reader's Disgust તરીકે કરવામાં આવી છે. ટાઈપોગ્રાફી મૂળ પ્રોડક્ટ જેવી જ છે, એટલે પહેલી નજરે મૂળ કંપનીનું નામ જ હોવાનો આભાસ થાય. તેની અંદરનું એકે એક લખાણ વાંચવા જેવું છે.
સૌથી છેલ્લું 'વિડીયોકોન'ની જાહેરખબરવાળું જેકેટ અહીં સહેતુક મૂકવામાં આવ્યું છે. એ અન્ય જાહેરખબર જેવી જ સામાન્ય જાહેરખબર છે. જે 'મૅડ'નાં છેલ્લા પાને ભલભલા ચમરબંધીને ન ગાંઠતી જાહેરખબરની પેરડી જોવા મળતી તેને સ્થાને હવે આવી જાહેરખબર છપાવા લાગી હતી. કોઈ ખુદ્દાર દોસ્ત સમય જતાં ઘૂંટણિયે પડી ગયો હોય એવી લાગણી આ પ્રકારની જાહેરખબરો જોઈને થાય છે.
'વક્ત ને કિયા ક્યા હસીં સિતમ' આને જ કહેતા હશે!