વર્ષ 2016નો એ ચોક્કસ દિવસ યાદ નથી, પણ થયેલી વાતચીત બરાબર યાદ છે. વડોદરા ખાતે આવેલા સરદાર ભવનમાં 'ગ્રંથગોષ્ઠિ' નામે ઊપક્રમ નિયમીતપણે ચાલી રહ્યો છે, જેમાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે નિમંત્રીત વક્તાઓ કોઈ એક પુસ્તક પર વાર્તાલાપ આપે છે. મૂળ કવિ હસિત બૂચે તેનો આરંભ કરેલો. હવે મોહનભાઈ બારોટ, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને બીજા મિત્રો તેની સાથે સંકળાયેલા છે. આ ઉપક્રમ અંતર્ગત 'રાગ દરબારી' વિશે મારો વાર્તાલાપ હતો. કદાચ જુલાઇ કે ઓગસ્ટનો મહિનો હશે. આમાં મુખ્ય કાર્યક્રમ પછી થતી અનૌપચારિક વાતચીત અને સ્નેહમિલન બહુ આનંદદાયક બની રહેતાં હોય છે. એ વખતે મિત્ર અમરીશભાઈ સાથે અમે વાર્તાલાપ પૂરો કર્યા પછી વાતે વળગેલા. એમાં કશીક વાત નીકળી એટલે અમરીશભાઈએ કહ્યું, 'તમારે બીજો કોઈ કાર્યક્રમ કરવો હોય તો પણ જણાવજો.' તેમને શું અભિપ્રેત હતું એ ખ્યાલ નથી, પણ મને શું સૂઝ્યું કે મેં કહ્યું, 'મારી પાસે ગાંધીજીનાં ઘણાં કાર્ટૂન છે. એનું કંઈક કરીએ.' તેમણે ઉત્સાહથી પૂછ્યું, 'એનું પ્રદર્શન?' મેં કહ્યું, 'ના. એની રજૂઆત.' એમણે તરત જ કહ્યું, 'આ બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિએ રાખીએ.' મેં હા પાડી. એ પછી અમે છૂટા પડ્યા, પણ હું રીતસરનો ધંધે લાગ્યો. મેં કહેતાં તો કહી દીધું કે કાર્યક્રમ કરીએ, પણ એમાં શું કરવાનું? કયાં કાર્ટૂન બતાવવાનાં? એના માટે શી વ્યવસ્થા કરવાની? આવા બધા સવાલો ઊભા થતા ગયા. અને એના જવાબ હું મારી રીતે મેળવતો ગયો.
Friday, October 2, 2026
શૌક-એ-સફર કો સાથ લિયા ઔર ચલ પડે
સૌ પ્રથમ મેં ગાંધીજી વિશેનાં કાર્ટૂનોને વિષયવાર વિભાજીત કર્યા. એ પછી વિષયવાર ગોઠવતો ગયો. આમ એક ઢાંચો તૈયાર થતો ગયો. એમાં રોજેરોજ હું ફેરબદલ કરતો રહેતો. એમાંનાં અનેક કાર્ટૂન મારા અંગત સંગ્રહમાંનાં હતાં, તો ઘણાં ઈન્ટરનેટ પરથી પણ મેળવેલાં હતાં. એટલું સ્પષ્ટ હતું કે એને ઠાલવી દેવાનાં નહોતાં. પણ દર્શકોને રસ પડે એ રીતે રજૂ કરવાનાં હતાં.
આનું માર્ગદર્શન તો કોણ આપે? એટલે જાતે જે જાતે જ મથામણ કરતા રહીને એ કામ આગળ વધતું ગયું. કાર્યક્રમની તારીખ નજીક આવી એમ મારો ઉત્સાહ પણ વધ્યો અને એક જાતનો સંતોષ પણ થયો કે કાર્યક્રમ સ્તરનો બન્યો હતો. જો કે, એમાં ખરેખર કેટલો સમય જશે એનો અંદાજ નહોતો આવ્યો. આથી મેં પચાસેક કાર્ટૂન રાખેલાં.
આખરે એ દિવસ આવ્યો. વડોદરાના કારેલી બાગમાં આવેલા વેલચંદ બેન્કર હોલમાં 2 ઓક્ટોબર, 2016ની સવારે એ કાર્યક્રમ ગોઠવાયો. અનેક લોકો એમાં હાજર હતા. ગાંધીજીના જીવન અને કાર્યને કાર્ટૂનિસ્ટોની નજરે નિહાળવાનો ઉપક્રમ સૌને નવિન લાગ્યો, કેમ કે, એ હતો પણ નવિન જ.
એ પછી આવા કાર્યક્રમની દિશા ખૂલી. ખાસ કશા પ્રચાર વિના આ કાર્યક્રમનું આયોજન થતું ગયું. ક્યાંક મને વક્તવ્ય માટે બોલાવે તો હું વક્તવ્યને બદલે આ કાર્યક્રમ સૂચવતો. તેમાં જરૂર હતી માત્ર પ્રોજેક્ટર અને પડદાની, જે હવે સહેલાઈથી ઉપલબ્ધ હોય છે.
શાળા, કોલેજ, સંસ્થા વગેરેમાંથી આમંત્રણ આવતું ગયું અને હું એ સ્વીકારતો ગયો. દરેક વખતે કાર્ટૂનની પસંદગી બદલતો, વિભાગ બદલતો, જેથી મને એકવિધતા ન જણાય. આમ ને આમ, પાંચેક વરસ ચાલ્યું. એવામાં એક નવો ફણગો ફૂટ્યો.
ગુતાલની સરકારી શાળાના સન્નિષ્ઠ શિક્ષકમિત્ર પારસ દવેએ આ કાર્યક્રમ પોતાને ત્યાં કરવા આમંત્રણ આપ્યું. મને પહેલી વાર થયું કે વિદ્યાર્થીઓને કાર્ટૂન દ્વારા સીધેસીધા ગાંધીજી પાસે લઈ જઈએ એના કરતાં પહેલાં તેમને કાર્ટૂનકળાનો પરિચય કરાવીએ. પારસને મેં આ સૂચન કર્યું અને તેમણે હોંશભેર એ સ્વીકાર્યું. એ રીતે પહેલવહેલી વાર કાર્ટૂનકળાના પરિચય અને આસ્વાદનો કાર્યક્રમ તૈયાર કર્યો. એ પણ પહેલવહેલી વાર જ હતો, એટલે શક્ય તમામ બાબતોનો તેમાં સમાવેશ કર્યો, અને એ ધ્યાન રાખ્યું કે કાર્યક્રમ એકેડેમિક નહીં, પણ માહિતીપ્રદ, છતાં મનોરંજનકેન્દ્રી બની રહે.
ત્યારે ખબર નહોતી કે આ કેડી પણ આગળ જતાં રસ્તો બનવાની છે. 2023માં મિત્રદંપતિ કબીર ઠાકોર અને નેહા શાહે 'સ્ક્રેપયાર્ડ'માં ગાંધીજીનાં કાર્ટૂન વિશેનો કાર્યક્રમ કરવા આમંત્રણ આપ્યું ત્યારે તેમને મેં કહ્યું, 'એ સિવાય પણ ઘણા વિષયો છે.' કબીરભાઈએ તત્ક્ષણ કહ્યું, 'તો પછી સિરીઝ કરીએ.' આમ શરૂ થઈ 'કહત કાર્ટૂન...' શ્રેણી. દર મહિને અલગ અલગ વિષય, એને લગતાં કાર્ટૂન, અને એને શોધવાની, ગોઠવવાની મથામણ. સતત દસ મહિના સુધી એ ચલાવી અને ત્યાંના સજ્જ શ્રોતાગણને કારણે મને અનેક બિનપરંપરાગત વિષયો પર કામ કરવાની પ્રેરણા મળી. એ પછી હું દર્શકોના વર્ગ અનુસાર ખાસ વિષયનાં કાર્ટૂન પસંદ કરતો થયો.
આ કાર્યક્રમ ચાલતા રહ્યા, એમાં નડિયાદમાં મિત્ર પ્રો. હસિત મહેતા દ્વારા પત્રકારત્વની કોલેજ અને એમાં પત્રકારત્વનો અભ્યાસક્રમ આરંભાયો. તેમણે મને કાર્ટૂનને એક વિષય તરીકે ભણાવવાનું આમંત્રણ આપ્યું. આમ, વિદ્યાર્થીઓ સુધી આ માધ્યમે પહોંચાયું.
એ પછી નવજીવન, અમદાવાદમાં પત્રકારત્વનો અભ્યાસક્રમ શરૂ થયો ત્યારે મિત્ર કિરણ કાપૂરેનું 'ઊભું' આમંત્રણ રહેતું. અમદાવાદની અનેક મુલાકાત દરમિયાન નવજીવનના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનકળાનાં વિવિધ પાસાંની વાત કરવાની તક મળી.
ભાઈ પારસે કાર્ટૂન માણવાના કાર્યક્રમનું અને એ પછી ગાંધીજીનાં કાર્ટૂનોના કાર્યક્રમનું આયોજન કર્યું, પણ પછી કહે, 'અમારાં છોકરાંને કાર્ટૂન ચીતરતાં પણ શીખવો.' ચિત્રની મારી મર્યાદિત આવડત, પણ કાર્ટૂનકળામાં ઊંડી રુચિને કારણે એ આમંત્રણ સ્વીકારીને પહેલવહેલી વાર કાર્ટૂન ચીતરતાં શીખવાની નાનકડી કાર્યશાળા કરી. આ કેડી પણ આગળ વધી.
અમદાવાદસ્થિત એ.એમ.એ.ના મિત્ર પાર્થ ત્રિવેદીએ ત્યાં યોજાતા વેકેશન કોર્સમાં કાર્ટૂનની વર્કશોપનું બે વાર આયોજન કર્યું, અને એક જુદા જ વર્ગ સુધી પહોંચવાનો મોકો મળ્યો.
આ દરમિયાન 'વારેવા' માસિકનો આરંભ થયો. મિત્ર રાજુ પટેલે આગ્રહપૂર્વક (રાજુનો આગ્રહ દુરાગ્રહ કક્ષાનો હોય, પણ આપણને એમ જ લાગે કે એ વિનંતી કરી રહ્યા છે.) મને કાર્ટૂન ચીતરવાનું નિમંત્રણ આપ્યું. અને તેના પહેલવહેલા અંકથી તેમાં મારાં દોરેલાં કાર્ટૂન છપાતાં થયાં.
દરમિયાન એક વાર મુંબઈ મુલાકાત વખતે દીપકભાઈ દોશીને મળવાનું બન્યું. તેમણે 'નવનીત સમર્પણ' માટે 'કંઈક' લખવા મને જણાવ્યું. સાથોસાથ 'કાર્ટૂન વિશે' લખવું એમ પણ સૂચવીને મારી મૂંઝવણ દૂર કરી. એ રીતે 'નવનીત સમર્પણ'માં આરંભાયેલી કાર્ટૂન અંગેની માસિક શ્રેણી સળંગ ત્રણ વર્ષ ચાલી.
આમ, આજના દિવસે આ સફરે દસ વર્ષ સંપન્ન કર્યાં તેમાં કાર્ટૂનના ચાહકમાંથી આગળ વધીને રજૂઆત, અધ્યાપન, ચિત્રણ, લેખન તેમજ દોરતાં શીખવવાના ઉપક્રમોમાં સઘનપણે કામ થઈ શક્યું. ખરું કહું તો મારા ખાસ કશા પ્રયત્ન વિના. પ્રયત્નો કાર્યક્રમની તૈયારીના ખરા, પણ કાર્યક્રમ યોજાય એ માટેના નહીં. એવું નથી કે મેં ક્યાંય સામેથી કોઈને કહ્યું નથી. કહેવાય એવું હોય ત્યાં માત્ર જાણ કરી છે. દબાણ કે ફોલોઅપ નહીં. સહજપણે થાય એવું જ રાખ્યું છે.
કાર્ટૂનની રજૂઆતના કાર્યક્રમોનો સરવાળો આ દસ વરસમાં પચાસ આસપાસ પહોંચે છે. દસ વરસમાં મને જે સૌથી વધુ આનંદ મળ્યો તે એ કે કાર્યક્રમોને બહાને મને પોતાને વિવિધ કાર્ટૂનો જોવા-માણવાનાં મળ્યાં એ. (મારા બ્લોગ પર 'કાર્ટૂનકળા' શિર્ષક હેઠળ કાર્ટૂનસંબંધિત તમામ વિગતો મૂકેલી છે.)
કાર્ટૂનસફરનાં આ દસ વરસ તો સપાટી પર દેખાતો સમયગાળો છે. એનો આરંભ તો ક્યારનો થયો હતો- કદાચ ચૌદ-પંદરની વયે. કાર્ટૂન વિશેની પ્રાથમિક સમજ કદાચ પપ્પાએ આપેલી. આઈ.પી.સી.એલ.ક્લબમાં આવતાં વિવિધ અખબારોમાંથી એકઠાં કરેલાં કાર્ટૂનોને ઉર્વીશે સુવ્યવસ્થિત ગોઠવ્યાં. એ પછી 'ઈલસ્ટ્રેટેડ વીકલી'માં આવતા 'નેશનલ લેમ્પૂન'નાં કાર્ટૂનો પણ.
આ સફરમાં કામિની કાયમી સંગાથી, એમ સંતાનો શચિ અને ઈશાન પણ કાર્યક્રમમાં આવતાં રહે, અને નાનીમોટી ભૂમિકા નિભાવતાં રહે. સ્ક્રેપયાર્ડના કાર્યક્રમોનો કાયમી હમસફર પરેશ.
મુ. તરલાબહેન શાહ થકી કેટલાક એવા વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ આ કાર્યક્રમ રજૂ કરવાનો મોકો મળ્યો, જે સામાન્ય સંજોગોમાં કદી મને ખ્યાલ ન આવત.
આ કાર્યક્રમોએ જુદી રીતે, પરોક્ષપણે મારું સતત ઘડતર કર્યું અને એ સતત ચાલતી પ્રક્રિયા છે.
કેડી માનીને ચાલુ કરેલી આ સફરમાં કેટલાય ફાંટા આવ્યા અને એ દરેક પણ રસ્તા જેવા બની રહ્યા એનો આનંદ. ઈન્ટરનેટને કારણે આ શોખ વધુ ઊંડો બની રહ્યો.
કાર્ટૂનના કાર્યક્રમના તમામ આયોજકોનો આભાર, કે જેમણે મને નિમંત્રીને આ કાર્યને પ્રોત્સાહન આપ્યું. આ સફરના હમસફરોનો આભાર ન મનાય, પણ એમના સાથે હોવાનો અહેસાસ અત્યંત આનંદ પમાડે છે.
હજી તો ઘણું વૈવિધ્યપૂર્ણ ખેડાણ આ ક્ષેત્રે કરવાનું છે.
મખમૂર સઈદીનો આ શેર થોડા ફેરફાર સાથે કહું તો:
रख़्त-ए-सफ़र में और कुछ नहीं था,
शौक़-ए-सफ़र को साथ लिया और चल पड़े।
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment