Monday, September 28, 2026

હસ તૂ હરદમ...

કાર્ટૂન લઈને વિવિધ શ્રેણીના, અલગ અલગ વયજૂથના દર્શકો સામે જવાની એક મજા છે. કાર્ટૂન આમ તો દૃશ્યકળા છે, પણ દરેક વયજૂથના, વિસ્તારના, સમુદાયના લોકો એનો પ્રતિભાવ અલગ અલગ રીતે આપતા હોય છે. આપણને એમ લાગે કે આ કાર્ટૂન સમજતાં એમને થોડી વાર લાગશે, તો એ લોકો એને તરત જ સમજી જતાં હોય છે. એમ ઝટ સમજાતાં કાર્ટૂનમાં ક્યારેક વિગતે વાત કરવી પડતી હોય છે. આ અનુભવ વધુ એક વાર આજે પુનરાવર્તિત થયો.


વડોદરાના નાગરવાડા ખાતે આવેલી 'એમ.ઈ.એસ.' (મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી)ની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ આજે 'કહત કાર્ટૂન' લઈને જવાનું બન્યું. આ શાળાના આચાર્ય શકીલભાઈ પઠાણ અમારા મહેમદાવાદના, એટલું જ નહીં, અમારા પ્રિય શિક્ષક પઠાણસાહેબ(હનીફ 'સાહિલ')ના દીકરા. ઘણા વખતથી તેમનું આમંત્રણ ઊભું હતું. આખરે આજે એ મુહૂર્ત આવ્યું. અગાઉ એક આંતરશાળા સ્પર્ધામાં મિત્ર રાજેશ દાણી આ શાળામાં નિર્ણાયક તરીકે ગયેલા અને બહુ પ્રસન્ન થયેલા. આ શાળામાં તમામ વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના છે. સહશિક્ષણની શાળા છે. પડી શકે એટલી તમામ મુશ્કેલીઓ અહીં છે, અને એને પહોંચી વળવાના પડકાર શકીલભાઈ અને એમની હોંશીલી ટીમ ઊઠાવી રહી છે. એટલે આજે પહેલી વાર તો વિદ્યાર્થીઓને કેવળ કાર્ટૂનના માધ્યમથી પરિચીત કરવા એમ નક્કી થયું. એ મુજબ આઠમા અને નવમા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ રખાયો.

સવારે સાડા અગિયારે અમે પહોંચી ગયા. ઈશાને રબ્બાણીસાહેબની સાથે જઈને એસેમ્બલી હૉલમાં પ્રેઝન્ટેશન ગોઠવવાની તૈયારી કરી. કામિની અને હું શકીલભાઈ સાથે બેઠા. એ દરમિયાન તેમના વિવિધ વિષયોના શિક્ષકોનો તેમણે પરિચય કરાવ્યો.
હારબંધ ગોઠવાઇ ગયેલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ
ઊપર બધું ગોઠવાઈ ગયું હોવાનો સંદેશ મળ્યો એટલે અમે ત્રણ-ચાર દાદર ચડીને છેક ઊપર આવેલા એસેમ્બલી હોલમાં પહોંચ્યા. પ્રાર્થના-પરિચય-સ્વાગતાદિ ઔપચારિકતાઓ ઝડપથી પતાવીને કાર્યક્રમ શરૂ કર્યો. શકીલભાઈ બિલકુલ પાછળની હરોળમાં જઈને ગોઠવાયા.
પહેલાં તો કાર્ટૂન એટલે શું, અને શું નહીં, એનો આછો અંદાજ અને પછી વારાફરતી વિવિધ વિષયનાં કાર્ટૂન. એક પછી એક કાર્ટૂન પડદા પર આવે કે નવેસરથી હસવાના અવાજ સંભળાય. બસ, એ અવાજ જ કહી આપે કે કાર્યક્રમમાં સૌને કેવો રસ પડી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન
એકાદ કલાકના આ કાર્યક્રમ પછી સવાલજવાબ રાખેલા. એમાં પણ આ શાળાના ચિત્રશિક્ષક શોએબભાઈ પોતે કાર્ટૂનના ચાહક નીકળ્યા. તેમણે જણાવ્યું કે એમનાં દોરેલાં કાર્ટૂનોનું પ્રદર્શન તેઓ કરી ચૂક્યા છે. 'ધ હિન્દુ'ના કાર્ટૂનિસ્ટો કેશવ અને સુરેન્‍દ્રના તેઓ ચાહક છે. આ જાણીને સુખદ આશ્ચર્ય થયું. કેમ કે, અત્યાર સુધી કાર્ટૂનમાં રસ ધરાવતા લોકો મોટે ભાગે આર.કે.લક્ષ્મણ કે મારિયોથી આગળ ભાગ્યે જ વધતા જણાયા છે. તેમણે સરસ પ્રતિભાવ આપ્યો.
વિદ્યાર્થીઓ વતી પણ થોડા સવાલ પૂછાયા. પણ સૌ વિદ્યાર્થીઓએ ઈચ્છા વ્યક્ત કરી કે આવો કાર્યક્રમ ફરી કરવો. ફરી આવવાના વાયદા સાથે અમે છૂટા પડ્યા.
કાર્યક્રમ પછી પ્રતિભાવ આપતા અને
સવાલ પૂછતા શોએબભાઈ, (વચ્ચે) શકીલભાઈ
એ પછી શાળાસંકુલની ટૂંકી મુલાકાત, વિવિધ પ્રવૃત્તિઓની એક ઝલક નિહાળી. એ જોઈને બહુ આનંદ થયો કે આખી ટીમ કશી ફરિયાદ કરવાને બદલે હોંશપૂર્વક વિદ્યાર્થીઓને સાંકળતા વિવિધ ઉપક્રમ સતત યોજતી રહે છે. શકીલભાઈ સાથે મહેમદાવાદની, પઠાણસાહેબની યાદો તાજી કરી. ફરી મળવાના વાયદા સાથે અમે વિદાય લીધી ત્યારે વધુ એક વાર આ પ્રકારના કાર્યક્રમમાં થતી અનુભૂતિ ઘેરી થઈ કે દરેક કાર્યક્રમ આપણને કશુંક ને કશુંક શીખવતો જાય છે.
(તસવીરો: ઈશાન)

No comments:

Post a Comment