Showing posts with label કાસ્ટ અવે. Show all posts
Showing posts with label કાસ્ટ અવે. Show all posts

Friday, July 3, 2026

MAD પુરાણ (20): કાસ્ટ અવે

કાસ્ટ અવે/Cast away એટલે એવી પરિસ્થિતિ, જેમાં જહાજભંગ થવાને કારણે વિખૂટો પડી ગયેલો કોઈ મુસાફર કોઈ નિર્જન ટાપુ પર આવી ચડે, અને કોઈક મદદની આશાએ દિવસો વ્યતિત કરે. દરિયાઈ મુસાફરીઓ સામાન્ય હતી ત્યારે કદાચ આવું બનતું હશે. આ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને અનેક સાહસકથાઓ લખાઈ છે, ફિલ્માવાઈ છે. પણ આ પરિસ્થિતિને 'મેડ' અલગ અલગ રીતે દર્શાવે છે.

ટાપુ દરિયાની વચ્ચેનો છે એ દર્શાવવા મોટે ભાગે એકાદું નાળિયેરીનું ઝાડ બતાવવામાં આવે છે. ટાપુ એટલો મોટો નથી કે તેની પર ટહેલી શકાય. બલ્કે દરિયાના પાણીનાં મોજાં આસાનીથી એ માણસને ભીંજવી શકે. ખોરાક? નહીંવત. અન્ય કોઈ સરંજામ? ધ્યાન દોરવા માટેનાં રોકેટ હોય તો હોય, જે કેવળ રોશની ફેલાવે.
આ ટાપુ એવા સ્થાને હોય કે જ્યાં અન્ય જહાજોની અવરજવર નહીંવત હોય. જે પસાર થતાં હોય તે પણ ઘણે દૂરથી. ક્યારેક કોઈ રડ્યુંખડ્યું વિમાન ત્યાંથી પસાર થાય તો થાય.
અહીં છાંયો આવે એવી કોઈ જગ્યા નથી. પહેરેલા ખમીસને ઝાડ સાથે બાંધીને ધ્યાન દોરતી ધજાની જેમ ટીંગાડવું પડે એમ બને. પાટલૂન પણ તારતાર થવા આવ્યું હોય. દાઢી બનાવવાનું કે વાળ ઓળવાનું ઠેકાણું ન હોય. આખી પરિસ્થિતિ જીવન-મરણ વચ્ચેની હોય.
આવી વિપરીત, હાસ્ય માટે અત્યંત મર્યાદિત અવકાશવાળી પરિસ્થિતિમાં 'મેડ'ના કલાકારો કેવી કેવી રીતે હાસ્ય પેદા કરે છે એ જોવા જેવું છે.
આમાંના ચાર ચિત્રો ડોન માર્ટિનનાં છે, અને રંગીન ચિત્ર ડક એડવીંગનું છે. 'મેડ'ના અનેક અંકમાં આ પરિસ્થિતિ અને તેમાંથી નીપજતું હાસ્ય બતાવવામાં આવે છે. દરેકના શિર્ષકમાં સ્થળ અને ક્યારેક સમય પણ લખવામાં આવે છે.
રાબેતા મુજબ, 'મેડ'ના સચિત્ર હાસ્યની બારીકીઓને માણવાની છે.