Monday, August 24, 2026

દો દિન કે લિયે 'કોઈ' ઈકરાર કર લે....સચ્ચા હી સહી

ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં 21-8-26ને શનિવારની સવારે એક વિશિષ્ટ કાર્યશાળા યોજાઈ. આ કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક મહેશભાઈ અને અંગ્રેજીનાં હેતલબહેન દવે સાથે મૂળ વાત શરૂ થયેલી વક્તવ્ય માટેના નિમંત્રણથી, પણ વિદ્યાર્થીઓને વક્તવ્યના મૂઢ મારથી અધમૂઆ શું કામ કરવા? એમ વિચારીને અમે સૌએ ભેગા મળીને એવું કંઈક આયોજન વિચાર્યું કે જેમાં તેમની સાથે વાત અને વિચારવિમર્શ કરી શકાય. એ ચર્ચાની ફલશ્રુતિ એટલે આ કાર્યશાળા. મહેશભાઈએ આ વિષયની વાત થતાં જ એનું શિર્ષક આપી દીધું: "જીવનકથા લેખન: સ્વરૂપ, કાર્યપદ્ધતિ અને વ્યાવસાયિક તકો." સમય ફાળવાયો ત્રણેક કલાકનો. આમ તો, આટલો સમય ઓછો પડે, પણ વિદ્યાર્થીઓને આટલા સમયમાં આ ક્ષેત્ર વિશે જાણકારી મળે અને તેમના મનમાં જે સવાલો જાગે એના જવાબ આપી શકાય એટલા માટે આ સમયમર્યાદા નક્કી કરી. રસ ધરાવતા, વિવિધ કોલેજોના બત્રીસેક વિદ્યાર્થીઓ આમાં ઊપસ્થિત રહેવાના હતા. મારું એક સૂચન એવું હતું કે સ્થળ એવું પસંદ કરવું કે જ્યાં વર્તુળાકારે બેસી શકાય. એટલે કોલેજની લોનમાં જ એ ગોઠવાયું. અને મોરના ટહુકાના પાર્શ્વસંગીતની સમાંતરે આ કાર્યશાળા આરંભાઈ.

લગ્નવિધિમાં આમંત્રિતો માટે જેમ ભોજન મુખ્ય લક્ષ્ય હોય છે, છતાં અન્ય યંત્રવત વિધિઓમાં તેમણે હાજરી આપવી પડતી હોય છે. એ જ રીતે આ કાર્યશાળામાં મુખ્ય લક્ષ્ય સંવાદનું હોવા છતાં અમુક ઔપચારિકતાઓ નિભાવવાની હોય છે. એ ક્રમમાં પ્રાચાર્ય અમીતભાઈ સુતરીયા, સંયોજક ભદ્રેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ વિભાગધ્યક્ષ રમેશભાઈ દ્વારા ઔપચારિક વિધિ પછી વાતનો આરંભ થયો.
તમામ વિદ્યાર્થીઓ આર્ટ્સના હોવાથી ભાષાની બારીકીઓની વાત પણ એમના સુધી યોગ્ય રીતે પહોંચતી હતી. સાથોસાથ તેમના મનમાં જે પણ સવાલો થાય એ તેઓ પૂછતા જતા. આમ, ધીમે ધીમે રસ જામતો ગયો. વચ્ચે બ્રેક લીધો ત્યારે ખ્યાલ આવ્યો કે દોઢ કલાક વીતી ગયો છે.
બ્રેક પછી નવેસરથી વાતો ચાલુ થઈ. કેવા કેવા સવાલ ઊભા થાય, કેવા નાના પડકાર આવે, જે ત્યારે બહુ મોટા લાગે, મુશ્કેલીઓ, આગ્રહ અને દુરાગ્રહ કેવા કેવા થાય- આ બધી વાતો કહેવાતી ગઈ. આમાં મજા એ હતી કે મેં જ્યારે રજનીકુમાર પંડ્યા સાથે જીવનકથાલેખનનું કામ શરૂ કર્યું ત્યારે તેમની એક કાર્યપદ્ધતિ હતી. એ પછી અમે એમાં જરૂર મુજબ ફેરફાર કરતા ગયા. એટલે કોઈ તૈયાર, સેટ કરાયેલી થિયરીને બદલે અમે અમારી કાર્યપદ્ધતિમાંથી 'થિયરી ' (જો એમ કહેવાય તો) નિપજાવી હતી. એટલે વિદ્યાર્થીઓ કશો પણ સવાલ પૂછે તો એના જવાબમાં કોઈ ને કોઈ ઉદાહરણ લગભગ હોય જ. આને લીધે વાત વધુ સારી રીતે એમને સમજાતી. જીવનકથા લેખનની વિવિધ કાર્યપદ્ધતિઓ તો ખરી જ, સાથોસાથ એનો વ્યાવસાયિક દૃષ્ટિકોણ શો હોઈ શકે એની પણ વાત ઉદાહરણો સાથે થતી ગઈ.
હેતલબહેન દ્વારા 'ઔપચારિક' સ્વાગત
આમ તો મારો મુખ્ય કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો હતો, પણ પાછળ શ્રોતારૂપે બેઠેલા પ્રાધ્યપકમિત્રોને અનેક સવાલો થતા હતા. એટલે વિદ્યાર્થીઓના સવાલજવાબ પછી તેમણે પણ ઘણા સવાલ કર્યા, અને એના જવાબ આપવાના મેં પ્રયત્ન કર્યા.
હિન્દીના શ્રી મિરઝાસાહેબે વિસ્તારથી પ્રતિભાવ- કમ- પૂછપરછ કર્યાં. છેલ્લે શ્રી રતિલાલે આભારવિધિ કરીને કાર્યક્રમ સંપન્ન કર્યો. તેનો વધુ અનૌપચારિક દૌર એ પછી બગીચામાં જ આયોજિત ભોજન દરમિયાન ચાલ્યો.
છેલ્લે હું અમે નીકળતા હતા ત્યારે વિભાગાધ્યક્ષ રમેશભાઈ એક વિદ્યાર્થી સાથે કશીક વાત કરી રહ્યા હતા. એ વિદ્યાર્થીએ મને કંઈક પૂછવું હતું એમ કહીને તેમણે મને બોલાવ્યો. એમના હાથમાં એક નોટબુક હતી. એ નોટબુકમાં પેલા વિદ્યાર્થીએ આ બેઠક દરમિયાન ટપકાવેલી નોંધ હતી અને અમુક સવાલ. મને ઘડીભર થયું કે જે પૂછવું હોય એ વિદ્યાર્થી પૂછે ને? એમાં રમેશભાઈએ વચ્ચે રહેવાની ક્યાં જરૂર? પણ જરૂર હતી એ મને તરત જ સમજાઈ ગયું. એ વિદ્યાર્થીને વાચાની તકલીફ હતી. શ્રવણ એકદમ બરાબર હતું. આ કાર્યશાળાની ફળશ્રુતિરૂપે તેને એ પૂછવું હતું કે પોતાને વાચાની આવી મુશ્કેલી છે, તો પોતે જીવનકથાલેખન (વ્યવસાયલેખે) કરી શકે કે કેમ? તેની સાથે જરૂરી વાત કરી અને એ ચોક્કસ જ કરી શકે અને એના માટે અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય એમ જણાવ્યું. આ વિદ્યાર્થીનો ઉત્સાહ મારા મનમાં અંકિત થઈ ગયો. મારે તો એને કહેવું હતું કે ભાઈ, કેવા કેવા લોકો, પોતાને એ ફાવે છે કે નહીં એ જોયાજાણ્યા વિના જીવનકથાઓ લખવાનું કામ લઈ લે છે. એ જો કરી લેતા હોય તો તારા જેવા જિજ્ઞાસુ અને મહેનતુ વિદ્યાર્થી કેમ ન કરી શકે? પણ એ સંવાદ મનોમન જ રાખીને અમે નીકળ્યા.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન
આ આખા ઉપક્રમમાં કામિની મારી સાથે જ હતી. તો મિત્ર યોગેન્દુભાઈ ચૌહાણ ખાસ હાજરી આપવા અને મળવા આવેલા. તેઓ શરૂઆતથી લઈને છેક સુધી બેઠા હતા, એટલું જ નહીં, કાર્યક્રમ પછી ચંદુભાઈ મહેરિયાના ઘર સુધી મૂકવા આવવાની માર્ગદર્શકની ફરજ પણ બજાવી. ચંદુભાઈ સાથે અલકમલકની વાતો કરીને સાંજે અમે પાછા આવવા નીકળ્યા.
કાર્યશાળા દરમિયાન
આવી કાર્યશાળા અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદ પછી આંતરિક રીતે વધુ ને વધુ સમૃદ્ધ થવાતું હોય છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આવી કાર્યશાળાઓ વ્યાવસાયિક તેમજ બિનવ્યાવસાયિક ધોરણે વધુ ને વધુ યોજવાની નેમ છે, કેમ કે, જે રીતે જીવનકથાલેખનમાં 'ભેલાણ' થઈ રહ્યું છે એ જોતાં એમ લાગે છે કે આ ક્ષેત્રે કમ સે કમ, અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય તો બીજું તો ઠીક, એક વાંચનક્ષમ જીવનકથા તો મળે.
(તસવીર સૌજન્ય: ડૉ. મહેશકુમાર)

Sunday, August 2, 2026

આલ્કિલેશન કેન નોટ કોન્‍ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!

ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.

અમે નવાસવા જોડાયા ત્યારે સુરાનીભાઈને પહેલી વાર મળતાં જ આપણી પાડોશમાં રહેતા કોઈ વડીલને મળતા હોઈએ એમ લાગેલું. માયાળુ અને મદદગાર પ્રકૃતિ ધરાવતા સુરાનીભાઈને કશું પણ પૂછી શકાય. ઔદ્યોગિક વાતાવરણ એવું હોય કે નવાસવા આવેલા લોકોને શરૂ શરૂમાં ફાવે નહીં. પછી ધીમે ધીમે ફાવતું જાય અને તેઓ રીઢા બનતા જાય. નવાસવા તાલીમાર્થીઓને અમુકતમુક સિનીયર માણસોને દૂરથી ચીંધીને તેમનો સાચોખોટો ડર દેખાડવામાં આવે. એવું ખરેખર ન હોય તો પણ અમુક સિનીયરોની ગંભીર મુખમુદ્રા જોઈને એ સાચું લાગ્યા વિના રહે નહીં. જો કે, સુરાનીભાઈ બાબતે ક્યારેય એમ ન લાગતું. તેઓ કદી કોઈ નવા આવેલાને કોઈ પણ જાતની હેરાનગતિ ન કરતા, એટલું જ નહીં, તેને શક્ય રીતે મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા.
અમે જોડાયા ત્યારે તેઓ 'ફિલ્ડ'માં હતા. પ્લાન્ટમાં મુખ્યત્વે બે કાર્યક્ષેત્ર હોય છે. ખરેખરો પ્લાન્ટ, જેમાં વિવિધ શ્રેણીના ઓપરેટર અને ચોથા વર્ગના કર્મચારી હોય, અને તેનો કન્ટ્રોલ રૂમ, જેમાં મુખ્યત્વે અધિકારી વર્ગના લોકો હોય. થોડા વખતમાં પ્રમોશન મેળવ્યા પછી સુરાનીભાઈ કન્ટ્રોલ રૂમમાં ગયા. કન્ટ્રોલ રૂમ પ્લાન્ટમાં જ હોય, જેમાં વિવિધ પેનલ રહેતી. ફિલ્ડના લોકો સાથે સંવાદ કરવા માટે અહીં લાઉડોફોન પદ્ધતિ હતી. એટલે કે કન્ટ્રોલ રૂમમાં લાઉડોફોન મૂકાયેલું હોય, જેના દ્વારા ફીલ્ડમાં મૂકાયેલા વિવિધ માઈક પર અવાજ સાંભળી શકાય. કોઈ ચોક્કસ વિભાગના ઓપરેટરને સંબોધવો હોય, તો કન્ટ્રોલ રૂમમાંથી જે તે વિભાગનું બટન દાબીને જરૂરી સૂચના બોલવામાં આવે. સામે પક્ષે ફિલ્ડના જે તે વિભાગમાં મૂકાયેલા લાઉડોફોન પરથી ઓપરેટર સ્વીચ દાબીને પ્રતિભાવ આપે. કન્ટ્રોલ રૂમમાંથી અપાતી સૂચનાને 'અનાઉન્સમેન્ટ' કહેવાય.
પ્રત્યાયનની આ પદ્ધતિનું આટલું વિવરણ આપવાનું કારણ એ કે તેની સાથે અમારા સૌના મનમાં સુરાનીભાઈની મુખ્ય ઓળખ સંકળાયેલી છે.
પ્રમોશન પામીને કન્ટ્રોલ રૂમમાં ગયેલા સુરાનીભાઈની ઓળખ તેમની અનાઉન્સમેન્ટ કરવાની પદ્ધતિથી ઊભી થઈ. તેઓ બહુ વિશિષ્ટ રીતે અનાઉન્સમેન્ટ કરતા. જેમ કે, પ્લાન્ટમાં 'આલ્કિલેશન' નામે એક વિભાગ હતો. સુરાનીભાઈ લાઉડોફોન પર લલકારે: 'આલ્કિલેશન પ્લીઝ કોન્ટેક્ટ કન્ટ્રોલ રૂમ, આલ્કિલેશ...અ.....ન.' છેલ્લો શબ્દ તેઓ લંબાવીને બોલે. એક તો એમનો પોતાનો અવાજ મોટો, અને એમાં લાઉડોફોન. તેમણે ભલે એક વિભાગની સ્વીચ દાબીને અનાઉન્સમેન્ટ કર્યું હોય, પણ તે સંભળાય બીજા વિભાગોમાં પણ. તેમની બીજી એક શૈલી. તેઓ 'કોન્ટેક્ટ કન્ટ્રોલરૂમ' શબ્દો બોલે ત્યારે એ શબ્દો એકમેકમાં ભળી જતા. ધીમે ધીમે સુરાનીભાઈની આ શૈલી એવી પ્રચલિત બની કે તેઓ પોતે પણ એની મજા લેવા લાગ્યા. ઘણી વાર એમ થતું કે અમારી ફર્સ્ટ શિફ્ટ સવારના છ વાગ્યે શરૂ થતી. અને સાત વાગ્યે ચા-નાતો આવે, જેનું અનાઉન્સમેન્ટ કન્ટ્રોલ રૂમમાંથી કરાતું. સુરાનીભાઈ ફર્સ્ટ શિફ્ટમાં હોય અને કશા કામે ચા-નાસ્તાના સમય પહેલાં અનાઉન્સમેન્ટ કરે એનાથી ઘણા લોકો એમની પર મનોમન અકળાતા, કેમ કે, અનાઉન્સમેન્ટ ભલે બીજા વિભાગનું હોય, પણ સુરાનીભાઈના બુલંદ સ્વરે કરાયેલા, લંબાણપૂર્વકના અનાઉન્સમેન્ટથી એવા લોકોની ઉંઘમાં ખલેલ પડતી. એકાદ વાર એવા એક અસરગ્રસ્ત સહકાર્યકરે એમની સાથે બોલાચાલી પણ કરેલી.
તેઓ સામાજિક એટલા કે પ્લાન્ટની બહાર પણ સંબંધ સાચવે. એક વાર મારા હાથમાં 'હેરલાઈન ક્રેક' થયેલી અને પ્લાસ્ટર હોવાથી ત્રણેક અઠવાડિયાં રજા પર હતો. એ વખતે સુરાનીભાઈ પોતાનાં પત્ની સાથે મારી ખબર જોવા આવેલા. મને બહુ નવાઈ લાગેલી, કેમ કે, મારા જેવા જુનિયરની ખબર જોવા તેઓ આવે એવા ગાઢ અમારા સંબંધ નહોતા. પણ તેમના માટે એ સહજ હતું.
સુરાનીભાઈની એ ખાસિયત હતી કે તેમના મનમાં કદી કોઈના માટે દુર્ભાવ ન મળે. પ્લાન્ટમાં સાથે કામ કરતાં, મોટે ભાગે કાર્યપદ્ધતિને લઈને ઘણી વાર ઉગ્ર અવાજે બોલાચાલી થાય કે અભાવ પેદા થાય એમ બને. પણ સુરાનીભાઈ એવું કશું યાદ ન રાખે. પોતે કન્ટ્રોલ રૂમમાં હોવા છતાં 'અધિકારીપણું' તેમનામાં પ્રવેશ્યું નહોતું. આથી 'ફિલ્ડ'માં કશું કામ હોય તો તેઓ પોતે જ કન્ટ્રોલ રૂમની બહાર નીકળે જતા અને જે તે વિભાગમાં રહેલી, જરૂરી સાઈઝની લોખંડની 'વાલ્વ કી' (અંગ્રેજી F આકારનું સાધન) શોધીને જ એ વિભાગના ઓપરેટરનો સંપર્ક કરતા. કામ કરવાનું હોય એ સ્થળે તેઓ પહોંચતા, અને મોટે ભાગે તેઓ આગળ રહીને ઓપરેટરને દોરતા હોય એમ બનતું. ઘણી બધી વાર એમ બનતું કે પાઈપલાઈન પર વાલ્વ કી ઠોકવાની હોય, એટલે કે 'હેમરિંગ' કરવાનું હોય તો એમાંય સુરાનીભાઈની આગેવાની. ઘણા મજાકમાં એમ કહેતા કે જે પાઈપલાઈનમાં 'ચૉક' (જામી ગયેલું) હોય ત્યાં સુરાનીભાઈ 'વાલ્વ કી'થી 'હેમરિંગ' કરે એટલે એ નીકળ્યે જ છૂટકો.
અસલમાં સુરાનીભાઈ જૂનું મેટ્રિક ભણેલા. કેમિકલ એન્જિનિયરીંગનું વિધિવત શિક્ષણ એમણે લીધેલું નહોતું. આથી એક મત એવોય હતો કે સુરાનીભાઈને 'કેમિકલ પ્રોસેસ' વિશે સમજણ નથી, બસ, ક્યાંય 'હથોડા મારવાના' હોય તો જ એમને ફાવે. અમુક આખાબોલાઓ એમને મોં પર પણ આમ જણાવીને એમની મજાક કરતા. હકીકત શી હતી? સુરાનીભાઈ નિવૃત્ત થઈ ગયા એ સમયે પ્લાન્ટમાં ઘણા જુનિયર એન્જિનિયરો જોડાયેલા. તેઓ કોઈ પણ બાબતે મૂંઝાય, કઈ લાઈન ક્યાં જાય છે એની સમજણ ન પડે, તો તેઓ અડધી રાતે પણ સુરાનીભાઈને ફોન કરતા. અને સુરાનીભાઈ એવા સહૃદયી કે તેઓ ઘેર બેઠાં બેઠાં માર્ગદર્શન આપતા. એ હદે તેમણે પ્લાન્ટ અને તેના કાર્યક્ષેત્રને આત્મસાત કરેલું.
મેં 2007માં કંપની છોડ્યા પછી સ્વાભાવિકપણે જ તેમને મળવાનું સાવ ઓછું થયું. એ પછી તેઓ પણ નિવૃત્ત થયા. ક્યારેક સુધીરભાઈ (શાહ) જેવા મિત્ર પાસેથી જાણવા મળતું કે ધીમે ધીમે સુરાનીભાઈની દૃષ્ટિ સાવ ઝાંખી થઈ રહી છે અને તેઓ નહીંવત્ જોઈ શકે છે. એક વખત યોજાયેલા સ્નેહમિલનમાં તેઓ આવેલા. ત્યારે આ અમે અનુભવ્યું. તેમની પાસે જઈને ઊભા રહીએ અને 'કેમ છો, સુરાનીભાઈ?' કહીએ કે તરત જ તેઓ અવાજ ઓળખી જાય અને ઉષ્માપૂર્વક જવાબ આપે. એ સ્નેહમિલનમાં અમીષ ભાવસાર પણ હાજર હતા, જેઓ બહુ લોકપ્રિય એન્જિનિયર હતા. તેઓ સુરાનીભાઈને 'સુરાનીકાકા' કહેતા. એ સ્નેહમિલન પતવા આવ્યું અને સૌ છૂટા પડી રહ્યા હતા ત્યારે અમીષે એમને એક વિશિષ્ટ ફરમાઈશ કરી. કહે: 'કાકા, એક વાર અનાઉન્સમેન્ટ કરો ને!' મતલબ કે પ્લાન્ટમાં તેઓ જે શૈલીએ લાઉડોફોન પર અનાઉન્સમેન્ટ કરતા એ જ શૈલીએ અનાઉન્‍સ કરે. (કોઈ ગાયકને તેના કોઈ લોકપ્રિય ગીતની ફરમાઈશ કરવામાં આવે એ રીતે) સુરાનીભાઈ એટલા સરળ અને સહજ પ્રકૃતિના કે તેમણે આ વિનંતી સહર્ષ સ્વીકારી લીધી, કેમ કે, એ કરી હતી અમીષે, પણ એ સૌની લાગણીનો પડઘો હતો. દૃષ્ટિ લગભગ નહીં જેવી, પણ ખુરશીમાં બેઠે બેઠે જ સુરાનીભાઈએ એ જ લહેકાથી 'આલ્કિલેશન, પ્લીઝ કોન્ટેક્ટ, આલ્કિલેશ.....અ..અ..ન.' લલકાર્યું એ સાથે જ સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા. એક સાથે સૌના મનમાં પોતે પ્લાન્ટમાં વીતાવેલો સમયગાળો સજીવન થઈ ઉઠ્યો.
બસ, સુરાનીભાઈ સાથેની એ કદાચ મારી છેલ્લી મુલાકાત હશે. મારું ક્ષેત્ર સાવ બદલાઈ ગયેલું હોવાથી મળવાનું બનતું નહીં. તેમનું બહાર નીકળવાનું પણ લગભગ બંધ થઈ ગયેલું.
ગઈ કાલે તેમનું અવસાન થયાના સમાચાર જાણ્યા કે મનમાં સૌથી પહેલું કશું યાદ આવ્યું હોય તો એમના અવાજમાં થતું અનાઉન્સમેન્ટ. આવા નિષ્પાપ, મદદગાર અને સરળ પ્રકૃતિ ધરાવતા મુકુંદભાઈ સુરાની સ્વર્ગમાં પણ પોતાની ભૂમિકા શોધી લેશે. સ્વર્ગના દરવાજાની બહાર પ્રતીક્ષામાં ઉભેલા લોકોને તેઓ માઈક પર કહેશે, 'લાઈનમાં ઊભા રહો, પ્લી...ઈ...ઈ...ઝ, લાઈનમાં.'