Showing posts with label Kukeri. Show all posts
Showing posts with label Kukeri. Show all posts

Wednesday, September 9, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (2)

આવું શિર્ષક જરા વધુ પડતું રોમેન્ટિક કે આદર્શ લાગી શકે. પણ આ બે દિવસમાં એનો બરાબર અનુભવ થયો. જાતને મેં સવાલ પૂછ્યો કે આ સહુ સાથેનો મારો સંબંધ બંધાયો શી રીતે? જવાબ આ હતો.

એમિટી સ્કૂલ, ભરુચથી અમારો મુકામ હતો વાપિ. પણ વચ્ચે એકાદ કલાક અમે પ્રિય બકુલાબહેનને મળવાનું નક્કી કરેલું. બકુલાબહેન સાથે આમ તો પરોક્ષ પરિચય ખરો, પણ પ્રત્યક્ષ પરિચય મહેન્દ્ર દેસાઈની જીવનકથા લખવા નિમિત્તે ભાનુબહેન દેસાઈ દ્વારા થયો. ત્યારથી લઈને આજ સુધી તેમની સાથે નિયમીતપણે અનિયમીત સંપર્ક રહ્યો છે. કામિની અને ઈશાન તેમને મળે એવી મારી ખાસ ઈચ્છા, કેમ કે, કામિનીએ તેમની સાથે ફોન પર વાત કરેલી છે, પણ મળવાના સંજોગો ઊભા થયા નહોતા.

બકુલાબહેન સાથે 
બકુલાબહેનને ત્યાં અનૌપચારિક ગોષ્ઠિ થઈ. તેમનું આતિથ્ય માણ્યું. એ જ સમયે મારે એક અરજન્ટ કામ આવી ચડતાં મેં એને ન્યાય આપ્યો. ત્યાં સુધી કામિનીએ અને બકુલાબહેને ગપ્પાંગોષ્ઠિ કરી. છેલ્લે છેલ્લે હું પણ જોડાયો. આ મુલાકાતની બહુ મધુર યાદગીરી લઈને અમે ત્યાંથી વાપિ જવા નીકળ્યાં.
****
આ લેખમાળાની પ્રથમ કડીમાં પ્રો. રાવજીભાઈ પટેલ 'મોટા'ના પુસ્તક અને તેના થકી થયેલા રણછોડભાઈ શાહના પરિચયની વાત લખી હતી. હવે આ જ પુસ્તકે મને કેવા સંબંધ સંપડાવી આપ્યા એની વધુ વાત.
કુકેરી ગામનાં ડાહીબહેન પરમાર વિશે મેં અગાઉ જણાવેલું, જેમનો પરિચય મને આ જ પુસ્તક થકી થયેલો. (ડાહીબહેન વિશેનો લેખ અહીં વાંચી શકાશે.)
માંડ ચારેક વરસના પરિચય અને ફક્ત એક જ વખતની રૂબરૂ મુલાકાત પછી ડાહીબહેને અણધારી વિદાય લીધી. પણ એ સંબંધનો અંત નહીં, સંબંધસૃષ્ટિનો આરંભ હતો. તેમની વિદાય પછી એક રિવાજ લેખે, તેમના પતિ ચંદ્રસિંહ પરમાર વર્ષમાં ચાર-પાંચ વખત, ખાસ કરીને તહેવારો પર નિયમિતપણે ફોન કરતા અને શુભેચ્છા પાઠવતા તેમજ બધાંની ખબરઅંતર પૂછતાં. 2020માં દીકરી શચિના લગ્નપ્રસંગે તેમના પુત્ર રાજેન્દ્રભાઈ દિલ્હીથી સીધા જ સુરત ઊતરીને ખાસ હાજરી આપવા આવેલા. તો તેમનાં દીકરી- જમાઈ પ્રતિભાબહેન અને પરિમલભાઈ પણ વચ્ચે વચ્ચે ફોન પર વાત કરતાં. એ અગાઉ 2019 માં મારું પુસ્તક 'ગુર્જરરત્ન' ડાહીબહેનને અર્પણ કર્યું ત્યારે તેમનાં સંતાનો- રાજેન્દ્રભાઈ, પ્રતિભાબહેન અને ઉર્વશીબહેન તો ખરાં જ, ડાહીબહેનના ભાઈઓ - રણછોડભાઈ અને ઉમેદસિંહભાઈનો પણ ફોન આવ્યો હતો. આમ, જાણે કે એ મારો જ વિસ્તૃત પરિવાર હોય એમ લાગેલું.
સિલવાસ ખાતે: (ડાબેથી) કાવ્યા, કુંતલબહેન, રાજેન્દ્રભાઈ,
કામિની, બીરેન અને ચંદ્રસિંહકાકા (તસવીર: ઈશાન)

હસીખુશીની પળો: (ઉભેલાં ડાબેથી) : રાજેન્દ્રભાઈ, કાવ્યા, કામિની,
 કુંતલબહેન, (બેઠેલાં ડાબેથી): બીરેન, ઈશાન, ચંદ્રસિંહકાકા
ચંદ્રસિંહકાકા હવે કુકેરી નહીં, પણ પુત્ર રાજેન્દ્રભાઈ સાથે સિલવાસ રહે છે. આથી વાપિના ટૂંકા રોકાણ દરમિયાન અમે તેમને મળવા જવાનું નક્કી કર્યું. રવિવારે સવારે અમે ત્યાં પહોંચ્યા અને બહુ ઉષ્માસભર રીતે મળ્યા. તેમને ત્યાં અમે કલાકેક ગાળ્યો, તેમનું આતિથ્ય માણ્યું અને જાતભાતની વાતો કરી. રાજેન્દ્રભાઈ, કુંતલબહેન અને દીકરી કાવ્યા સાથે ડાહીબહેન વિશે અને એ ઊપરાંત પણ ઘણી વાતો થઈ.
સાંજે અમારે કુકેરી પહોંચવાનું હતું, અને પ્રતિભાબહેન-પરિમલભાઈને ત્યાં ઊતરવાનું હતું. એ જ રીતે પછીના દિવસે એટલે કે સોમવારે નજીકના પ્રતાપનગર ખાતે રહેતા ડાહીબહેનના ભાઈ-ભાભી ઉમેદસિંહભાઈ અને ઉર્મિલાબહેનને મળવાનું હતું. ઉમેદસિંહભાઈના ખાસ આગ્રહ મુજબ અમારે એમને ત્યાં ભોજન લેવાનું હતું.
પ્રતિભાબહેન અને પરિમલભાઈની આ વિસ્તારમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી લખવા વિચાર છે, એટલે અહીં માત્ર એનો ઉલ્લેખ કરીને આગળ વધું છું. તેમની દીકરી માલવીએ બહુ રસપૂર્વક ડાહીબહેન વિશેની વાતો સાંભળી. સ્વાભાવિક રીતે જ, એક 'બહારની' વ્યક્તિના દૃષ્ટિકોણનો તેને ખ્યાલ ન જ હોય. માલવી એટલી સંવેદનશીલ અને લાગણીભીની છે કે 'દાદી' વિશેની વાત સાંભળતાં અનાયાસે જ એની આંખો અનેક વાર ભીંજાઈ.

કુકેરી ખાતે: (ઊભેલાં ડાબેથી): પ્રતિભાબહેન, માલવી, કામિની,
(બેઠેલાં ડાબેથી): પરિમલભાઈ, ઈશાન, બીરેન. (તસવીર: પ્રીતિ ઐયર)
પ્રતિભાબહેન અને પરિમલભાઈને ત્યાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે બપોરે ઉમેદસિંહભાઈને ત્યાં ઊપડ્યા. એ જ પ્રેમભર્યો આવકાર અને 'અઠવાડિયું રહેવા આવો'નો પ્રેમાગ્રહ. અમે રહેવા આવીએ તો અમારે કયા રૂમમાં ઊતરવાનું એ પણ તેમણે બતાવ્યું. ત્યાં પણ ચારેક કલાક અમે વીતાવ્યા અને અવનવી વાતો કરી. નેવુ વટાવી ચૂકેલા ઉમેદસિંહભાઈનું સ્વાસ્થ્ય એકદમ મજબૂત હતું.
ઉમેદસિંહભાઈ સાથે એક નાનકડા 'વહીવટ' વિશે વાત
બીજી તરફ વાંસદા રહેતાં ઉર્વશીબહેન સતત આગ્રહ કરતાં રહ્યાં કે અમે ત્યાં આવીએ. અમે ત્યાં જવા નીકળ્યા પણ ખરા. જો કે, એક નાનકડી અડચણ પેદા થતાં છેવટે અમારાથી જઈ ન શકાયું. અને અમે પાછા સુરતની વાટ પકડી.
આ બે દિવસનો અલગ અલગ સમય ડાહીબહેનનાં પરિવારજનો સાથે વીતાવ્યો. આ સંભારણું એટલું મધુર બની રહ્યું છે કે હજી મનમાં એની મિઠાશ પ્રસરેલી છે.
ફરી વાર એ જ સવાલ થાય છે. આ પરિવાર સાથે મારે સગપણ શું? અમે શી રીતે મળી શક્યાં? અને પહેલી મુલાકાતથી લઈને છેક આજ સુધી આટલો સ્નેહભાવ શી રીતે જળવાયેલો રહ્યો?
જવાબ એ જ. સગપણ શબ્દનું. અને સગાં શબ્દનાં. આવા સંપર્કો થતા રહ્યા છે, હજી થતા રહે છે, ત્યારે અનુભવાય છે કે લેખનક્ષેત્રે આવ્યો ન હોત તો શું આ શક્ય બન્યું હોત ખરું?

(સંપૂર્ણ)