ભરૂચના પ્રવિણસિંહ રાજના 24 મે, 2021ને સોમવારે થયેલા અવસાનના સમાચાર આજે જાણ્યા. તેમની સાથેનો મારો પરિચય માંડ ચારેક વર્ષનો, છતાં તેમના વ્યક્તિત્ત્વ માટે આદર સતત વધતો રહે એવી તેમની પ્રકૃતિ.
ભરૂચની 'એમિટી સ્કૂલ'ના પાયામાં જે મુખ્ય વ્યક્તિઓ ગણાય એમાં રણછોડભાઈ અને સંગીતાબેન શાહ, પ્રમેશબેન મહેતા, શૈલાબેન વૈદ્ય અને પ્રવિણસિંહ રાજ. આમાંના શૈલાબેનનું એક માર્ગ અકસ્માતમાં 1999માં અકાળે અવસાન થયેલું.
અસલમાં આ સૌ જે તે સમયે ભરૂચના 'રુંગટા વિદ્યાલય' સાથે સંકળાયેલા હતા. પણ શિક્ષણ માટે સતત કંઈક કરી છૂટવાની ભાવના એમનામાં સામાન્ય હતી, અને તેને પરિણામે તેમણે પોતાની શાળા સ્થાપવાનું વિચારેલું.
પ્રવિણભાઈ 'એમિટી'માં શરૂઆતથી જ જોડાવા ઈચ્છતા હતા, પણ તેમને માથે પરિવારની મોટી જવાબદારી હતી. તેમના પિતાજી ખેડૂત હતા. બે ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં પ્રવીણભાઈ સૌથી મોટા. આમોદ તાલુકાના કેસલુ નામના નાનકડા ગામમાં પરિવારનું કાચું મકાન હતું. પિતાજી પાસે જમીન સાવ ઓછી, અને આવકનો એક માત્ર સ્રોત પણ એ જ. આથી પાદરા તાલુકાના ડબકા જેવા નાનકડા ગામમાં, પોતાના મામાને ત્યાં રહીને પ્રવીણભાઈ શાળાકીય શિક્ષણ લેવું પડેલું. ઉચ્ચ શિક્ષણ લઈ શકાય એવા આર્થિક સંજોગો નહોતા. બને એટલા વહેલા નોકરી મેળવીને પરિવારને ટેકારૂપ બનવાનું તેમનું ધ્યેય હતું.
પ્રવીણભાઈનાં લગ્ન વિલાસબેન સાથે થયાં ત્યારે પણ ઘરની સ્થિતિમાં ખાસ ફેરફાર નહોતો થયો. એક નાનકડા મકાનમાં તેમનું લગ્નજીવન આરંભાયું. તમામ અગવડો વચ્ચે વિલાસબેન પરિવારને ટેકારૂપ બની રહ્યાં અને પ્રવીણભાઈને પડખે અડીખમ ઊભા રહ્યાં. આવા વિષમ સંજોગોમાં સુદ્ધાં પ્રવીણભાઈની મહેનતુ અને પ્રેમાળ પ્રકૃતિ તેમજ કોઈને મદદરૂપ બની રહેવાની ભાવના જળવાઈ રહી હતી. આ ઉપરાંત સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના પણ તેમના હૈયે હતી.
પ્રવીણભાઈ ભરૂચની ‘રુંગટા વિદ્યાભવન’માં ક્લાર્કની કામગીરી સંભાળી રહ્યા હતા. પરિવારની સામાન્ય સ્થિતિ જોતાં તેઓ આ નોકરી છોડી દે તો મુશ્કેલી પડે એમ હતું. આથી ‘ઍમિટી’ થોડી પગભર થાય એ પછી તેમણે નોકરી છોડવી એમ ઠેરવાયું હતું.
પ્રવીણભાઈ જે શાળામાં નોકરી કરતા હતા એ શાળા અનુદાનિત હતી, અને તેમની નોકરી કાયમી. નિયમાનુસાર તેમની નોકરીનો સમયગાળો અમુક વર્ષનો હોય તો તેઓ પેન્શનને પાત્ર ગણાય. પરિવારની આર્થિક સ્થિતિ અને જરૂરિયાત જોતાં નોકરી છોડવી તેમના માટે જરાય ઉચિત નહોતી. આમ છતાં, આંતરિક સ્ફુરણાને વશ થઈને પ્રવીણભાઈએ પોતાની કાયમી નોકરીમાં રાજીનામું મૂક્યું. દુનિયાદારીની રીતે જોઈએ તો આ પગલું કદાચ મૂર્ખતાભર્યું ગણી શકાય એવું હતું. પોતે પેન્શનને પાત્ર બની શકે એટલો સમયગાળો પૂરો કરવા પણ તે ન રોકાયા, અને કાયમી આર્થિક નુકસાન વેઠવું પસંદ કર્યું. તેની સામે જે સંતોષ હતો એ આ બધી ખોટને સરભર કરી દે એવો હતો.
એ પછીની લાંબી સફરની વાત ટૂંકમાં કરું તો પ્રવીણભાઈ આખરે 'એમિટી'માં જોડાયા. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો ચહેરો તેના સંચાલકો હોય, જે મુખ્યત્વે શિક્ષણ સાથે સંકળાયેલા હોય. પણ એટલું જ અગત્યનું પાસું છે સંસ્થાના વહીવટનું, જેમાં મોટે ભાગે વાલીઓ સાથે સંકળાવાનું હોય છે. આ ભાગને કરોડરજ્જુ સાથે સરખાવી શકાય, જે નજરે ન પડે, પણ તમામ આધાર એ પૂરો પાડે. પ્રવીણભાઈ ધીમે ધીમે આ વહીવટી પાસું સજ્જ કરવા માંડ્યા અને તેમણે વિવિધ પ્રણાલિઓ તૈયાર કરી. બધું પોતાને હસ્તક રાખવાને બદલે તેમણે એક આખી હરોળ તૈયાર કરવા પર ધ્યાન આપ્યું. તેમણે આ બાબત એવી રીતે સંભાળી લીધી કે 'એમિટી'ના સંચાલકોએ એ તરફની કોઈ ફિકર કરવાની જ ન રહે. શાળાનો પાયો પ્રવીણભાઈ હતા જ, પણ એ પછીના અરસામાં તે એક મહત્ત્વનો સ્તંભ બની રહ્યા.
ચાર વર્ષમાં જેટલી વાર મારે એમને મળવાનું બન્યું ત્યારે તેમની કાર્યપદ્ધતિ અને કાર્યશૈલી ઊડીને આંખે વળગે એવી જણાય. કોઈ પણ બાબતનું તમામ આયોજન તેમના મનમાં હોય જ, અને તેના અમલની તમામ તૈયારી તેમણે કરેલી હોય, છતાં તેનો કશો ભાર ન મળે. તેમના સ્મિતમાં હંમેશાં 'સ્વાગત'નો ભાવ લાગે. પોતાની સાથે સંકળાયેલા લોકોની સતત ખેવના અને દરકાર રાખે, તેમની જરૂરિયાત સમજે, અને એ પણ ખરા દિલથી. સંબંધ જાળવવાની તેમની વિશેષ આવડત. આથી તેમના સંપર્કમાં આવનારી વ્યક્તિના હૃદયમાં પ્રવીણભાઈ બે-ત્રણ મુલાકાતમાં જ વસી જાય.
એક અંગત પ્રસંગ લખું.
'એમિટી'ના દસ્તાવેજીકરણનું કામ મને સોંપાયું, એ પછીના એકાદ વરસના ગાળામાં મારી દીકરી શચિનું લગ્ન લેવાયું. 'એમિટી પરિવાર'ને સ્વાભાવિકપણે જ આમંત્રણ હોય. વ્યાવસાયિક ધોરણે સોંપાયેલા કામમાં આર્થિક વ્યવહાર અમારી શરત મુજબ યોગ્ય રીતે થયેલો. પણ પ્રવીણભાઈ જેનું નામ! તેમણે કહ્યું, 'શરતો જે હોય એ, લગ્ન વખતે માણસને નાણાંની જરૂર હોય. એ વખતે આપણી ફરજ છે એમને આપવાની!' બીજું કોઈક હોત તો એણે પૂછવાનો વિવેક કર્યો હોત, અને મેં 'હા' પાડી હોત એ પછી નાણાં આપ્યા હોત. પ્રવીણભાઈ પૂછવા ન રહ્યા. એમણે સીધા નાણાં મોકલી જ આપ્યા. લગ્નમાં પણ તે રણછોડભાઈ-સંગીતાબેન-ઉત્પલભાઈ સાથે ઉપસ્થિત રહ્યા. તેમને આવકાર આપીને તેમની સાથે બે શબ્દોની આપ-લે હું કરવા જાઉં કે એમણે કહ્યું, 'અમે તો ઘરના છીએ. તમે બીજા મહેમાનોને સમય આપો. અમારી ચિંતા ન કરો.' તેમની આવી ચેષ્ટા તેમને વિશિષ્ટ અને દુર્લભ વ્યક્તિત્ત્વની શ્રેણીમાં મૂકતી હતી.
તેમની સાથે એક લાંબા ઈન્ટરવ્યૂનું આયોજન હતું, જેમાં તેમની કાર્યપદ્ધતિ વિશેની વિગતો પૂછવાનું વિચારેલું. પરિસ્થિતિ સહેજ સરખી થાય કે એ વહેલી તકે કરવો એમ હતું.
તેમને કોવિડ લાગુ પડ્યો અને છેલ્લે સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના સમાચાર રણછોડભાઈ દ્વારા મળેલા. તેમની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળેલું, છતાં મનમાં ઊંડે ઊંડે એમ હતું કે પ્રવીણભાઈ તો આયોજનના માણસ છે. એમ એમને કશું ન થાય!
તેમની વિદાયથી 'એમિટી'ને જે ખોટ પડે એ અણધારી અને અઘરી હશે, પણ એક સહૃદયી તરીકે તેમની ખોટ તેમની સાથે સંકળાયેલા સહુ કોઈને સૌથી વધુ સાલશે.
(Image courtsey: Amity Educational Campus, Bharuch)
This comment has been removed by the author.
ReplyDeleteકોરોનાની આ લહેર અનેક કુટુંબોમાંથી આધારસમાં આપ્તજનોને પોતાની સાથે તાણી ગઈ છે.
ReplyDelete'એમિટી' સંસ્થા અને પ્રવિણભાઈનાં નીજ કુટુંબને જે ખોટ પડી છે તે ઘણી જ અકારી છે તે સમજી શકાય છે.
આવી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ક્યાંકથી ફૂટી નીકળે છે એમ માનીને બેસી જ રહેવુ પડે છે. પ્રવિણભાઈના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ તેવી સહૃદય પ્રાર્થના….