- રાજેશ દાણી
(વડોદરામાં વસતા મિત્ર રાજેશ દાણીના રસ બહુવિધ છે. ફોન પર કે રૂબરૂમાં અમે સમયના રેશનિંગ વિના વાતો કરી શકીએ છીએ. ઓર્ગેનિક આહાર પ્રત્યેના પોતાના પ્રેમને તેમણે વ્યવસાયમાં તબદીલ કર્યો છે, અને 'સાત્ત્વિક' નામે ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણકેન્દ્ર ચલાવે છે. જૂનાં ગીતસંગીતના પણ પ્રેમી. જો કે, તેમનો મુખ્ય રસ નાટકનો, એમાંય ભવાઈ સ્વરૂપ પ્રિય. આધુનિક યુગના વિવિધ વિષયો કે સમસ્યાઓને તેઓ ભવાઈસ્વરૂપે રજૂ કરતા રહે છે, જેનો એક આગવો ચાહકવર્ગ ઊભો થયો છે. થોડા સમય અગાઉ તેમણે 'સૂત્રિત' નામના એક નાટકનું મંચન કર્યું. આ એક વિશિષ્ટ પ્રયોગ હતો. તેની નિર્માણપ્રક્રિયાની વાત તેમના જ શબ્દોમાં.)
મેધા ત્રિવેદીએ 2019માં લખેલી પોતાની લઘુ નવલકથા 'સૂત્રિત' મને મોકલેલી. ગાંધીજીના ચરખા અંદોલનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તામાં મને રસ પડ્યો અને રસપૂર્વક હું એ વાંચી ગયો. વાંચીને મને વિચાર આવ્યો કે આજ કાલ વાંચનની પ્રવૃત્તિ આમેય ઘટતી ગઈ છે. આવા સંજોગોમાં સાહિત્યમાં રસ ધરાવનાર સિવાય અન્ય કોઈ સુધી આ અદ્ભુત વાર્તા શી રીતે પહોંચશે? મારો જીવ મૂળભૂત રીતે નાટકનો. તેથી વિચાર્યું કે નાટક સ્વરૂપે રજૂ કરીએ તો વધારે લોકો સુધી આ વાતને પહોંચાડી શકાય, અને વધુ અસરકારક રીતે પણ! મે મેધાબ્હેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે મારે 'સૂત્રિત'નું નાટ્યરૂપાંતર કરવું છે. મેધાબહેને પૂછ્યું, “આનું નાટ્ય રૂપાંતર શક્ય છે ખરું?" મે કહ્યું કે મને પ્રયત્ન કરવા દો.
મેં હવે બીજી વાર વાર્તા વાંચવાનું શરુ કર્યું. આ વખતે કેટલીક જગ્યા પર મારી નોંધ પણ હું મૂકતો ગયો. મેધાબહેન સાથે એ અંગે ચર્ચા પણ કરી અને પછી શરૂ કરી નાટ્ય રૂપાંતરની પ્રક્રિયા. ક્યાંક ક્યાંક અડચણ પડી. વાર્તામાં હતી, એનાથી અલગ ક્રમમાં ઘટનાઓને મૂકી, ક્યાંક ઉમેરો કર્યો, કશુંક બાદ કર્યું. આખરે પહેલો ડ્રાફ્ટ તૈયાર કરીને મેધાબહેનને મેઈલ દ્વારા મોકલી આપ્યો. એ પછી અમે સામસામે લેપટોપ લઈને બેસી નાટ્ય રૂપાંતર પર લંબાણપુર્વક ચર્ચા કરી. એ પછી કેટલાક ફેરફાર સાથેની સ્ક્રીપ્ટ નવેસરથી મેધાબહેનને મોકલી. એમને એ ગમી. આ રીતે તૈયાર થયેલી સ્ક્રીપ્ટ મેં મારી સાથે હંમેશા કદમ મિલાવીને કામ કરતી અને મારા માટે પ્રેરણારૂપ કલાકાર મોક્ષદા દેસાઈ અને જયશ્રી દાણીને સામે બેસાડીને વાંચી. બંને તરફથી હકારાત્મક પ્રતિસાદ તેમજ પ્રોત્સાહન મળ્યું. મારા બીજા બે કલાકારને બોલાવીને એમની સામે પણ સ્ક્રીપ્ટ વાંચી. એમના તરફથી ખાસ પ્રોત્સાહિત પ્રતિસાદ ન મળ્યો. તેમણે કહ્યું કે આમાં બહુ ફેરફાર કરવાની જરૂર છે, આ સ્ક્રિટ ખૂબ જ વાચાળ છે, એમાં ઘટનાઓ ઓછી છે. જો કે, મારી પ્રતીતિ દૃઢ હતી. હું જયારે જ્યારે આ સ્ક્રીપ્ટ વાંચતો ત્યારે અમુક દૃશ્યો વખતે ભાવુક થઇ જતો. મને વિશ્વાસ હતો કે પ્રેક્ષકોને પર પણ એની એવી જ અસર થશે.
એક દિવસ પંદરેક કલાકારોને મેં મારા ઘરે ભેગા કર્યા. એમની સમક્ષ આખી સ્ક્રીપ્ટ વાંચી. બધાને ગમી. પછી એ કલાકારોને મેં કહ્યું કે તમે ઘરે ગયા પછી શાંતિથી વિચારીને મારા વ્યક્તિગત વ્હોટ્સસેપ પર મેં પૂછેલા સવાલના જવાબ જણાવજો. મે દરેકને પૂછેલા કેટલાક સવાલ આમ હતા.
૧. આ સ્ક્રીપ્ટ તમને કેવી લાગી?
૨. તમે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકો છો?
૩. તેના પાત્રો સાથે સંબંધ સ્થાપી શકો છો?
૪. આ નાટક આપણે કરવું જોઈએ?
વ્યક્તિગત રીતે વિના સંકોચે આના જવાબ મને જણાવવા મેં કહેલું. લગભગ સૌનો રિસ્પોન્સ હકારાત્મક આવ્યો. મારું જોમ વધ્યું. થોડા દિવસ પછી ફરી એક વાર કલાકારોને ભેગા કરીને સ્ક્રીપ્ટ વાંચવાનું શરુ કર્યું. શરૂઆતમાં એક એક સીન વાંચતા ગયા. ધીમે ધીમે પાત્રો પ્રમાણે કલાકારોને ગોઠવતો ગયો. બધાં મળીને લગભગ ૩૫ પાત્ર થતા હતાં. બને ત્યાં સુધી કોઈની પાસે ડબલ રોલ કરાવવાની મારી ઈચ્છા નહોતી.
દરમ્યાન મારી ટીમમાંથી કેટલાક કલાકારોનું સૂચન આવ્યું કે આપણે આ નાટક ચિત્રલેખા/ એલએલડીસીની હરીફાઈમાં મુકીએ. કોઈ હરીફાઈમાં ઉતરવાની મારી જરાય ઈચ્છા નહોતી. પરંતુ, સામે પક્ષે દલીલ એમ હતી કે એ બહાને ચોક્કસ સમયમાં નાટક તૈયાર થઇ જાય. મને આ વાત ગળે ઊતરી અને મેં સ્પર્ધાનાં ફોર્મ મંગાવ્યા. ફોર્મ આવ્યાં એટલે એને ભરીને મોકલ્યાં. એ પછી મેં ગણતરી કરી તો મારે માટે આ નિર્માણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હતું.. પસંદ કરાયેલા નાટકોની પ્રાથમિક હરીફાઈ મુંબઈમાં હતી. આયોજક તરફથી કુલ ૨૦ કલાકારોનું ટ્રેન ભાડું અપાય. તેની સામે મારે ટેકનીકલ ટીમ સહિત લગભગ ૩૮ થી ૪૦ કલાકાર-કસબીઓને મુંબઈ લઇ જવા પડે. એનો અર્થ એ કે આશરે ૨૦ જણાનું આવવા- જવાનું ટ્રેન ભાડું મારે ખિસ્સામાંથી કાઢવું પડે. ઉપરાંત, મુંબઈ રેલ્વે સ્ટેશનથી થીયેટર ૪૦ કલાકારોને લાવવા લઇ જવાની વ્યવસ્થાનો ખર્ચ. એ સિવાય ખાવા-પીવાનો જે પણ કાઈ ખર્ચ થાય તે મારે ભાગે આવે. ગણતરી કરતા લાગ્યું કે આ ખર્ચ ઘણો મોટો છે. એના કરતાં એટલા નાણાં હું બચાવું તો એ મને વડોદરામાં આયોજન કરવામાં કામ લાગે. એટલે ફોર્મ ભર્યા પછી મનમાં થતું હતું કે પ્રાથમિક હરીફાઈ માટે અમારું નાટક પસંદ ન થાય તો સારું. નસીબે જોર કર્યું અને અમારા નાટકની પસંદગી ન થઇ. અમારા કેટલાક કલાકારોને નવાઈ લાગી, તો કેટલાકને આનંદ પણ થયો.
અમે અમારી તૈયારી ચાલુ રાખી. ધીમે ધીમે વિવિધ પાત્રો માટે કલાકારો ગોઠવાતા ગયાં. કેટલાક યુવાન કલાકારો મેળવવા માટે મિત્ર કલાપી ધોળકિયાની મદદ લીધી. તેમણે સારા એવા સંપર્કો આપ્યા. એવામાં અચાનક એક મુશ્કેલી આવી. અમે રીહર્સલ કરતાં હતાં, એ સ્થળ બાબતે કેટલાક પ્રશ્ન ઉભા થયા અને અમને ત્યાં રિહર્સલ કરવાની નમ્રતાપૂર્વક ના પાડવામાં આવી. બીજી કોઈ વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે એક અઠવાડીયા માટે કલાપીની એક જગ્યામાં રીહર્સલ કર્યાં. મારા કરતાં વધુ તો કલાકારોની ધીરજની કસોટી થતી જતી હતી. એવામાં મુખ્ય પાત્ર ભજવનાર એક સ્ત્રી કલાકારને સીરીયલમાં કામ મળ્યું, એટલે તેણે કમને મારો પ્રોજેક્ટ છોડવો પડ્યો. બીજી પસંદગીમાં મારી પત્ની જયશ્રીને લેવાનું નક્કી કર્યું. મારી પત્ની હોવાને કારણે નહિ, પરંતુ એ એક સારી કલાકાર છે અને આ પાત્રને જીવંત કરશે એવા વિશ્વાસ સાથે એની સાથે અલગ રીડીંગ શરુ કર્યું. એનાં બધા સીન મોક્ષદા સાથે હતા. મોક્ષદા વધારાના સમયમાં ઘરે આવે અને જયશ્રી સાથે રીહર્સલ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ. ઉપરાંત, મોક્ષદાએ એક વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી. દરેક કલાકારને તેમના પાત્રની સમજણ, તેમનાં દૃશ્યો, તથા આખી વાર્તામાં એ પાત્ર અને તે કલાકારનું કનેક્શન સમજાવવાનું અઘરું કામ તેણે હોંશે હોંશે ઉપાડી લીધું.
હવે સમય હતો કે નાટક દરમિયાન કલાકારોને તેમણે ઉપયોગમાં લેવાની પ્રોપર્ટી સાથે પરિચિત કરાવવાનો. વડોદરામાં ચાલતા 'ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ'ના ખાદી ભંડારનો શ્રીમતી અરુણાબેન ચોકસી દ્વારા સંપર્ક કર્યો. ત્યાંના પ્રમુખ, સેક્રેટરી અને કર્મચારીઓનો સહકાર મળ્યો. ચરખો કેમ ચલાવવો, રૂની પૂણી, ખાદીનું કાપડ વગેરે સાથે પરિચય થયો, ઘણું જાણવા મળ્યું, અને રિહર્સલ માટે તેમજ શો માટે જરૂરી એવો ચરખો પણ એમણે આપ્યો.
નાટકના પહેલા પ્રયોગ માટે મેં મનોમન 27 મી માર્ચ, વિશ્વ રંગભૂમિ દિનની આસપાસના દિવસનો વિચાર કરવા માંડ્યો. કલાકારો તરફથી મને વારેવારે પૂછવામાં આવતું કે નાટકની ભજવણીની તારીખ કઈ હશે. મેં માર્ચ અંતની આ તારીખની વાત કરી તો બે કલાકારોએ તરત ના પાડી દીધી, કેમ કે, એ દિવસોમાં તેમને પરીક્ષા આવતી હતી. એટલે ફરી પાછી રીપ્લેસ્મેન્ટની શોધ શરુ થઇ. આ દરમ્યાન એમ. કે. હાઇસ્કુલના શ્રી સુભાષભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો અને તેમણે એમની સ્કૂલના પ્રાંગણમાં રીહર્સલની વ્યવસ્થા ગોઠવી આપી. બે કલાકારો શોધવા માટે ફરી પાછી કલાપીભાઈની હેરાનગતિ શરુ કરી. તેમના સહયોગથી યોગ્ય કલાકાર મળી પણ ગયા. આ આખી પ્રક્રિયામાં કલાકાર તરીકે એ સારા હોવા ઉપરાંત, ટીમ સાથે કામ કરી શકે, રાતનો સમય આપી શકે તેમજ માર્ચ અંત સુધી સાથે રહી શકે એ બધું જ જોવાનું હતું.
એવામાં અનાયાસે બે કલાકાર અમારી સાથે જોડાયા. એમાંની એક તે શાલીની પટેલ : મારો એક નાટકનો મિત્ર, પ્રદીપ ગઢવી (જે છેલ્લા ચારેક વર્ષથી સંપર્કમાં નહોતો) તેનો અચાનક ફોન આવ્યો અને કહ્યું, “એક છોકરી છે, એને થોડીક પ્રાથમિક તાલીમની જરૂર છે. તો તમારી પાસે ઓળખાણ કરાવવા લઇને આવું છું." પ્રદીપ શાલિનીને મારી પાસે લઇ આવ્યો. શાલીની, ૨૨ વર્ષની ઉમર, અમેરિકામાં જન્મી અને ઉછરેલી. તેણે અમેરિકામાં ચાર વર્ષનો સાયકોલોજી અને થીયેટરનો કોર્સ કરેલો. ગુજરાતી વાંચતા, લખતા કે બોલતા જરાય ના આવડે. મારી પાસેથી તેને એ અપેક્ષા હતી કે પોતે થોડુંઘણું ગુજરાતી સમજે અને ગુજરાતી/ ભારતીય રંગભૂમિ તેમજ સંસ્કૃતિ વિષે જાણે. શાલીની મારી સાથે 'સૂત્રિત'માં જોડાઈ. મારા રિહર્સલમાં આવે, ગુજરાતી સ્ક્રીપ્ટ સમજવાનો પ્રયત્ન કરે, સમજ ન પડે તો મને પૂછે. એના પ્રશ્નો તો અઢળક. ધીમે ધીમે ગુજરાતી નાટક, તેના સંવાદો, કલાકારોના હાવભાવ સમજવા માંડી, એટલું જ નહિ પણ તેનું મૂલ્યાંકન કરીને મારી સાથે ચર્ચા કરતી થઇ ગઈ. મારી સાથે વિવાદ કરે, મજાક પણ કરે. ટૂંકમાં રીહર્સલનો તે પૂરેપૂરો આનંદ લેવા માંડી. ઉપરાંત, મે એને 'ગાંધી' ફિલ્મ બતાવી, ગાંધીજીની આત્મકથા (અંગ્રેજી) વાંચવા આપી.
જો કે, આખરે અમારા નાટકનો શો તા. ૨૯મી માર્ચના નક્કી થયો ત્યારે તેના પિતાજીએ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની પાછા જવાની ૨૨ મી માર્ચની ટીકીટ બુક કરાવી દીધી. એટલે કે તે હવે શો દરમ્યાન અમારી સાથે ન રહી શકે. તે ખુબ દુખી થઇ. ૨૨ મીએ તે રિહર્સલમાં આવી અને બધાને મળી. બધાનું મોઢું મીઠું કરાવ્યું, સૌને ભેટી, શુભેચ્છા આપી અને અત્યંત ભારે હૈયે વિદાય લીધી. અમારા નાટકના આમંત્રણમાં સહાયક તરીકે તેનું નામ હતું, પણ એ સફળ પ્રયોગને, એ સફળતાનો આનંદ માણવા અમારી સાથે હાજર ન રહી શકી. દરેક વ્યક્તિનો પોતાનો પ્રવાસ હોય છે. કહેવાય છે કે 'People enter into our life for Reason, Season or Lifetime.'
બીજી હતી અંશુ અગ્રવાલ. એકવાર પ્રદીપ ગઢવી અમારું રીહર્સલ જોવા આવ્યો. એની સાથે એક છોકરી હતી, અંશુ, જે એની સાથે કામ કરતી હતી. એને રિહર્સલમાં મજા પડી. બીજે દિવસે પ્રદીપનો ફોન આવ્યો કે અંશુને મારી ટીમમાં જોડવાની ઈચ્છા છે. મેં કહ્યું કે આજે પણ તેને રિહર્સલમાં લઇ આવ. તેની સાથે મેં વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેને થીયેટરનો અનુભવ હતો. તેણે નાટકના સંગીત સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી.
પૂનમ મેવાડાએ મારી પરિકલ્પના મુજબ સેટ ડીઝાઈન તૈયાર કરી હતી. તેણે અર્પિત સોનીની સાથે મળીને પ્રકાશ સંયોજન અને સંચાલનની જવાબદારી ઊપાડી લીધી. પૂનમે નાટકની કેટલીક સંવેદનશીલ પળોને વધુ અસરકારક રીતે રજૂઆત કરવામાં પણ મદદ કરી.
આ નાટકના રીહર્સલ દરમ્યાન નવ્યા, હિમાંસી, શ્લોકા અને અર્ચિત જેવા બાળ કલાકારો રીહર્સલના સમયને વધુ રસપ્રદ બનાવી દેતા. રીહર્સલમાં કેટલાક અનુભવી કલાકારો કહેતા કે આ નાના કલાકારોનો આત્મવિશ્વાસ ગજબનો છે. મને લાગતું કે કે એ તો બરાબર, પણ એમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અત્યાર સુધી હું માનતો હતો કે બાળકો સાથે કામ કરવા હું સક્ષમ નથી. પરંતુ, આ બાળકોએ મારામાં અનેરો આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.
****
મેં જે સન્નિવેશની પરિકલ્પના કરી હતી તેમાં એક મોટી પાટની જરૂરીયાત પડે તેમ હતું. વડોદરામાં સેટ ભાડેથી આપનારાઓએ કહ્યું કે આવી પાટ ફરાસખાનાવાળા પાસેથી જ લાવવી પડે. અને મને યાદ આવ્યો મારો 'દિવ્ય ભાસ્કર'નો સાથી અને મારો મિત્ર અંકુર ગોર, જે હાલ 'ટ્યૂલિપ ટચ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. અંકુર ગોર લગ્નના ડેકોરેશનના કામમાં ખુબ જ કીર્તિ કમાઈ ચૂક્યો છે તેમ જ અસંખ્ય એવોર્ડ પણ તેને મળ્યા છે. તેનું પોતાનું મોટું ગોડાઉન છે અને એમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેની સાથે વાત કરતાં જ તેણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી બતાવી. મને વિચાર આવ્યો કે સ્ટેજ પર આટલા લેવલ્સ મૂકવાના હોય અને કલાકારોએ તેનો ઉપયોગ કરવાનો હોય તો રીહર્સલ દરમ્યાન પણ કેટલીક પાટ લાવવી જોઈએ. સીધા સ્ટેજ પર જ પાટ આવે તો તેમને તકલીફ પડે. અંકુરે હા પાડી અને છેલ્લા ૧૫ દિવસ કલાકારોએ પાટ (લેવલ્સ) સાથે રીહર્સલ કર્યા. આ કવાયત ખૂબ જ કારગત નીવડી.
મને ઈચ્છા હતી કે આ નાટકમાં વિશિષ્ટ ગીત – સંગીતનો ઉપયોગ કરવામાં આવે, તો નાટક વધારે દીપી ઉઠે. આ કવાયત માટે સમય ઓછો પડે તેમ લાગ્યું. મારા વડીલમિત્ર વિહારભાઈએ નવો વિચાર આપ્યો. અને અમે મારા બીજા જીગરી મિત્ર મુકેશ ગાંધીને મળ્યા. મુકેશભાઈએ AI ની મદદથી પ્રત્યેક દૃશ્યને અનુરૂપ સંગીત તૈયાર કર્યું.
હવે, સંગીત તેમજ પ્રકાશની સાથે રિહર્સલ્સ ચાલુ થયાં. રોજ રાત્રે 12 વાગ્યા સુધી 25 થી 30 કલાકારોનો કાફલો મારી સાથે હોય, મારા ગાંડપણને વધાવવા. શોની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ મારી તેમજ કલાકારોની આતુરતા સાથે ચિંતા વધતી જાય. ક્યારેક ક્યારેક કેટલાક (નજીકના) કલાકારો સાથે ઉગ્ર ચર્ચા પણ થતી. પાછા એકબીજાને મનાવી લઇ, અમે એકમેકનો આત્મવિશ્વાસ વધારતા જતા. ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ, અમારા એક સિનિયર કલાકારનાં માતુશ્રી ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા. ઘણી અનિશ્ચિતતા હતી. એ કલાકારે મને જણાવ્યું કે ગમે ત્યારે કંઇ પણ થઈ શકે. એટલે એ પાત્રની તૈયારી મેં પોતે કરવા માંડી. એક સીનમાં એવું ગોઠવ્યું હતું કે આ કલાકારનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે અને સ્ટેજ પર પ્રવૃત્તિ હોય. અમે આ વિભાગ અમારા બંનેના અવાજમાં રેકોર્ડ કરી રાખ્યો. શો વખતે જેણે પાત્ર ભજવવાનું થાય, તેનો અવાજ વાપરવો એમ નક્કી કર્યું. જો કે, આખરે એ સિનિયર કલાકાર એ પાત્ર ભજવી શક્યા, અને તેમણે ખૂબ જ સરસ રીતે ભજવ્યું.નાટકના અપેક્ષિત પ્રેક્ષકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની વી.એન.એમ. ચેનલ તરફથી રીહર્સલની કલીપ તથા અમારો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરાયો. 'દિવ્ય ભાસ્કર'માં રીહર્સલના ફોટા સાથે આવનાર નાટકની માહિતી આપવામાં આવી. આને કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાતું ગયું.
****
આ નાટકના આયોજન દરમિયાન બીજો એક ચમત્કારિક કહી શકાય એવો અનુભવ થયો. મારે આ નાટકનો શો 22મી માર્ચના રોજ ગોઠવવાની ઈચ્છા હતી. પરંતુ, સી. સી. મહેતા ઓડીટોરીયમ એ દિવસે અગાઉથી બુક થયેલું હતું. 29 મીનું બુકિંગ કોઈ અન્ય પાર્ટી તરફથી મૌખિક રીતે કરાયેલું હતું, પણ તેણે પૈસા ભર્યા નહોતા. મેં મેડીકલ કોલેજનો હોલ બુક કરવાનું વિચાર્યું, એ પણ 22 અને 29માટે અગાઉથી બુક હતો. પછી મને સી.સી. મહેતા હોલમાંથી ફોન આવ્યો કે 29મી એ હોલ સુલભ છે. મેં તક ઝડપી લીધી અને હોલ બુક કરાવી દીધો. મનમાં થયું કે 22મી મળી હોત તો વધુ સારું થાત. પછી ખબર પડી કે મેડીકલ હોલ જેમણે 22મી મે માટે બુક કર્યો હતો તેમનું બુકિંગ બે કે ત્રણ દિવસ પહેલાં જ કેન્સલ કરવામાં આવ્યું, કારણ કે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના હતા. મને થયું કે કુદરતે મને બચાવી લીધો. મારે ત્રણ દિવસ પહેલાં હોલ કેન્સલ કરીને અન્ય વ્યવસ્થા કરવાની આવી હોત તો કેટલી અનહદ મુશ્કેલી પડત.! ( જો કે, હોલના આયોજકોને તેની કોઈ ચિંતા હોતી નથી)
****
અન્ય એક પૂરક માહિતી અને મારો અનુભવ અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. વડોદરામાં, વડોદરાના કલાકારોનું નાટક ટિકિટ શોથી કરવું ઘણું અઘરું છે. તેમજ નાટકના કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ મળવી પણ એટલી જ અઘરી. આથી અમે ડોનેશન કાર્ડ રાખ્યાં હતાં. મારા પરિચયના અનેક મિત્રો, શુભેચ્છકોએ ડોનેશન કાર્ડ લઈને સીટ બુક કરાવવા માંડી. એને લઈને અમારો ઉત્સાહ વધ્યો. અમારા નાટકનાં એક મિત્ર અનસૂયા પટેલને અમારું નાટક જોવાની ખૂબ જ ઇચ્છા હતી. પરંતુ, તેમને એક અકસ્માત નડ્યો અને તે નાટક જોવા આવી શકે તે શક્ય નહોતું. તો પણ તેમણે બે સીટ બુક કરાયેલી રાખીને પૈસા મોકલી આપ્યા. તો આની સામા છેડાનો બીજો એક એવો અનુભવ પણ થયો કે એક મિત્રને વોટ્સએપ પર અમારું પોસ્ટર મોકલ્યું, તેમણે ચાર સીટ બુક કરવા કહ્યું. મેં એમને ડોનેશન કાર્ડનો ચાર્ટ મોકલ્યો તો તેમણે કહ્યું કે 'If I have to pay, then leave it.'મને મારા વ્યક્તિગત સંબંધ દ્વારા કેટલાક શુભેચ્છકોએ આર્થિક મદદ કરી. આ એક આનંદની વાત. પરંતુ, દુઃખની વાત એ કે એ મદદ વ્યક્તિગત સંબંધને કારણે હતી, નાટ્ય પ્રવૃતિને મદદ નહોતી. કેટલાક મિત્રો શુભેચ્છકોએ નાટક જોયા પછી આર્થિક સહાય આપી. આ વાતને હું નાટકની સફળતા માનું છું. અમારાં મિત્ર અને કાયમી શુભેચ્છક શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું. અવારનવાર તેઓ મને રિહર્સલના સમાચાર પણ પૂછતા રહેતાં.
છેલ્લા બે દિવસમાં મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધી ગયો.
****
આખરે શોનો દિવસ આવ્યો. મેધાબહેન અને તેમના પતિ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી મુંબઈથી ખાસ નાટક જોવા આવ્યા હતા. મેધાબહેનના ચાર મિત્રો પોતાના કુટુંબ સાથે અમદાવાદથી આવ્યા હતા. મેધાબહેન અને ગોપાલભાઈએ નાટક પૂરું થયા પછી, નાટકના તમામ કલાકારો, અને વિશિષ્ટ આમંત્રિતો (કુલ 60 વ્યક્તિ) માટેનો ભોજનખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.
નાટક શરૂ થયું. કલાકારો ગજબના આત્મવિશ્વાસથી અભીનય કરી રહ્યા હતા. પ્રેક્ષકો પુરા રસપૂર્વક નાટક માણી રહ્યા હતા. બે અંકમાં વહેચાયેલું નાટક 20 કરતાં વધારે દૃશ્યોમાં ભજવાઈ રહ્યું હતું. પ્રેક્ષકો દરેક દૃશ્ય પછી કલાકારોને તાળીઓથી વધાવી, પછીના દૃશ્યની આતુરતાપૂર્વક રાહ જોતા. આખરે બીજા અંક પછી જ્યારે પડદો પડ્યો, કલાકારોની ઓળખાણ આપવા કર્ટન કોલ સમયે પ્રેક્ષકોએ સૌને તાળીઓથી વધાવી લીધા. વિવિધ લોકોએ આવા વિષયની પસંદગીને દાદ આપી, કેટલાક નાટકના જાણકારોએ ભજવણીને દાદ આપી.
| કર્ટન કોલ વખતે સહુ કલાકારો |
સમગ્રપણે એક અદભુત અનુભવ થયો, ઘણું શીખવા મળ્યું. રંગમંચ માટે મારું ભાથું બંધાયું. મારા ઉપર વિશ્વાસ રાખીને મહેનત કરનાર કલાકારોનો, મારી ઉપર વિશ્વાસ મૂકતા પ્રેક્ષકગણનો તેમજ મારા શુભેચ્છકોનો આભાર.