Wednesday, September 6, 2023

શિક્ષકદિને શિક્ષકો સાથે કેળવણીના પુસ્તક વિશેની વાત

પુસ્તક વિશે વાત કરવાની હોય તો મજા આવે. એમાંય એ પુસ્તક પોતાનું લખેલું હોય તો પૂછવું જ શું? અગાઉ 13 જૂન, 2023ના રોજ ભૂજના શિક્ષણવિદ હરેશ ધોળકીયાના હસ્તે જેનું વિમોચન થયું હતું એ 'કેળવણીનો કર્મયોગ' પુસ્તક ભરુચની અ‍ૅમિટી સ્કૂલની 37 વર્ષની કેળવણીની સફરનો આલેખ છે. આ દિવસોમાં હું લદાખના પ્રવાસે હોવાથી મારા માટે 'હતો એ મારો જ અવસર ને મારી હાજરી નહોતી' જેવો ઘાટ સર્જાયેલો. પ્રવાસેથી પાછા આવ્યા પછી અ‍ૅમિટીની મુલાકાત લેવાની ઘણી ઈચ્છા હતી, પણ સમયસંજોગોનો મેળ પડતો નહોતો. અ‍ૅમિટીના રણછોડભાઈ શાહ સાથે આ ગાળામાં વાત અવારનવાર થતી રહેતી, અને તેઓ પણ આવવાનો આગ્રહ કરતા, છતાં ગોઠવાતું નહોતું. આખરે એ ગોઠવાયું. ના, એમણે એ ગોઠવ્યું. અને દિવસ પસંદ કર્યો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનનો.

કાર્યક્રમ શો? તો મારે ત્યાં આવીને શિક્ષકો સમક્ષ મારા દ્વારા જ લખાયેલા આ પુસ્તકની સામગ્રી અને લેખનપ્રક્રિયા વિશે વાત કરવી. મોટા ભાગના શિક્ષકો અંગ્રેજી માધ્યમના હોવાથી એમાંના ઘણાએ પુસ્તક જોયું હોય ખરું, પણ વાંચી ન શકાયું હોય એ પૂરેપૂરી શક્યતા. અત્યાર સુધીના અનુભવે એટલું સમજાયું છે કે કોઈ પણ સર્જનપ્રક્રિયાની વાત યોગ્ય રીતે કહેવાય તો સૌને એમાં રસ પડતો હોય છે.
એ મુજબ સવારે ઉત્પલભાઈ સાથે ભરૂચ પહોંચી ગયો. અ‍ૅમિટીમાં જાઉં ત્યારે ત્યાંના ક્રમ અનુસાર પહેલાં સૌની સાથે હળવામળવાનું, એ પછી કોર ગૃપ (વિવિધ વિભાગના આચાર્ય/આચાર્યા) સાથે ચા-નાસ્તાનો દોર અને પછી કાર્યક્રમ તરફ.

અ‍ૅમિટીની પ્રણાલિ અનુસાર સ્વાગતનોંધ

શિક્ષકદિન હોવાથી સૌ શિક્ષકો ઉત્સાહમાં હતા. તેમણે નાનાનાના અને હળવાશથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રીનાબહેન તિવારીએ ભૂમિકા બાંધીને ઔપચારિક આરંભ કર્યા પછી શિક્ષકોના જૂથે વિવિધ કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણ હળવું બનાવી દીધું.

રીનાબહેન તિવારી દ્વારા પૂર્વભૂમિકા

શિક્ષકોએ કરેલી વિવિધ રજૂઆત પૈકીની એક 
એ હળવાશ જાળવી રાખીને મારે પુસ્તક વિશે વાત કરવાની હતી. પુસ્તકની સામગ્રી વિશે, એની પ્રક્રિયા વિશે તો વાત થઈ, પણ મને સૌથી વધુ મજા એના લે-આઉટ ડિઝાઈન વિશે વાત કરવામાં આવી. એમાં કેવી ઝીણી ઝીણી બાબતો અંગે અમે માથાકૂટ કરતા અને પરિણામ મળે ત્યારે કેવો આનંદ થતો એ બધી વાતો તાજી કરી. પુસ્તકના આલેખન દરમિયાન સામગ્રી શી રીતે મળતી ગઈ, પુસ્તકનું સ્વરૂપ શી રીતે ઘડાતું ગયું, એમાં જરૂરી કાટછાંટ થતી ગઈ તેની વિગતો વિસ્તારથી જણાવી. સામે પક્ષે શ્રોતાવર્ગ એવો સંવેદનશીલ હતો કે વાત તેના પૂરા ભાવ સાથે પહોંચતી હોવાનું અનુભવાતું હતું.

પુસ્તકની સામગ્રી અને સર્જનપ્રક્રિયા વિશે વાત 

મારા વક્તવ્ય પછી રણછોડભાઈએ મારી ભૂમિકા વિશે વધુ જણાવ્યું, તો સરોજબહેન રાણા અને પ્રકાશભાઈ મહેતાએ પણ સર્જનપ્રક્રિયાની વાતમાં આપૂર્તિ કરી.

પુસ્તકપ્રક્રિયાની બાકીની વિગતો આપતા રણછોડભાઈ શાહ
પુસ્તક વિશે વધુ વાત કરી રહેલાં સરોજબહેન
પુસ્તક વિશેની કેટલીક વાત કરતા પ્રકાશભાઈ મહેતા
શાળાના સદાયના શુભેચ્છક ઋષિભાઈ દવે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને એ પછી પણ સાથે હતા. સૌએ સાથે ભોજનનો આનંદ માણ્યો. એ પછી પણ બેસીને વાતો કરી.
અ‍ૅમિટીના આત્મીય અને પોતીકા લાગતા વાતાવરણમાં, તેની જ સફર વિશે, ત્યાંના શિક્ષકો સમક્ષ અનૌપચારિક રીતે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કરવાની તક મળી એ એક વિશેષ યાદગીરી બની રહી.

(તસવીર સૌજન્ય: Amity Educational Campus Bharuch)

No comments:

Post a Comment