દિવંગત સ્વજનોની યાદ એમની જન્મ કે મૃત્યુતિથિએ જ આવે એવું ઓછું છે! જીવન આગળ વધતું જાય, એમ વિખૂટાં પડતાં જતાં સ્વજનોની સ્મૃતિઓ ઘણી વાર તીવ્રપણે ઘેરી વળતી હોય છે. તિથિ-તારીખ વગર. એમની સાથે વીતાવેલો સમય યાદ આવે. ક્યારેક હોઠ મરકી જાય, તો ક્યારેક આંખો ભીની પણ થઈ જાય. અલબત્ત, આ બધી અંગત સ્મૃતિઓ હોય છે.
મારા પપ્પા અનિલકુમાર કોઠારીની કેટલીક છબિઓ મારા મનમાં સ્પષ્ટપણે અંકાયેલી છે. એ ટાણેકટાણે મનની સપાટી પર દેખા દઈ દે. ક્યારેક તો સાવ ભળતી જ વાતમાં એમનો સંદર્ભ આવે અને ગળું ભરાઈ આવે. આગળ વાત કરી ન શકાય. આવું કેમ થાય છે એ સમજાવવું અઘરું છે. કદાચ આ બધી સ્મૃતિઓ મનના પેટાળમાં ભંડારાયેલી રહેતી જ હશે, અને સહેજ તક મળતાં દેખા દઈ દેતી હશે.
મારું નોકરીએ લાગવું અને પપ્પાનું નોકરી મૂકવાનું લગભગ એક જ સમયે થયેલું. દસ- બાર વરસ વડોદરા સાથે તેમનો અનુબંધ રહેલો, અને એ સમયગાળો એમને પોતાને યાદ કરવો બહુ ગમતો. તેઓ રોજ વડોદરા અપડાઉન કરતા. તેમણે ફર્સ્ટ ક્લાસનો પાસ (સીઝન ટિકિટ) કઢાવેલો. એ વખતે હજી પાસની સાથે આઈકાર્ડની પ્રથા નહોતી. તેની પર ફક્ત સહી કરેલી રહેતી. મહેમદાવાદથી મોટા ભાગના લોકો અમદાવાદ, નડિયાદ કે બહુ બહુ તો આણંદ સુધી અપડાઉન કરતા. વડોદરાવાળા સાવ ઓછા. આથી વડોદરા જવા ઈચ્છનારા ઘણા લોકો રવિવારે પપ્પાનો પાસ લઈ જતા. વડોદરાથી પાછા આવીને રાત્રે તેઓ એ પાછો આપી જતા. આઠમા ધોરણમાં હતો ત્યારે ઢગટસાહેબ સાથે મારો પરિચય નહોતો. તેઓ અંગ્રેજીના શિક્ષક હતા. અને તેમના પિતાજી (સિનીયર) ઢગટસાહેબે પપ્પાને ભણાવેલા. એટલે પપ્પા (જુનિયર) ઢગટસાહેબનો ઉલ્લેખ 'ઢગટમાસ્તરનો છોકરો' તરીકે કરતા. આગળ જતાં નવમા ધોરણમાં તેઓ મારા ક્લાસટીચર બનેલા અને અંગ્રેજી ભણાવતા. પણ આઠમા ધોરણમાં તેઓ મને ઓળખતા નહોતા, એમ હું ધારતો. પણ એક વાર કોઈ અન્ય વિષયના ચાલુ ક્લાસે તેઓ આવ્યા અને બહારથી બોલ્યા, 'પેલા કોઠારીને જરા બહાર મોકલો ને!' મને નવાઈ લાગી. ક્લાસમાં 'કોઠારી' તો હું એક જ હતો, એટલે તેઓ મારી જ વાત કરી રહ્યા હતા. પણ તેઓ મને શી રીતે ઓળખે એ વિચારીને નવાઈ લાગેલી. સહેજ આશ્ચર્ય સાથે હું બહાર ગયો એટલે તેમણે મને પૂછ્યું કે મારા પપ્પા આ રવિવારે ઘેર જ હશે કે કેમ. અને ઘેર હોય તો એમનો પાસ જોઈએ છે. મેં હા પાડી. એ પછી પપ્પા રાતે ઘેર આવ્યા એટલે એમને આ વાત કરી, તો એમણે પણ પાસ આપવા કહ્યું. એ લેવડદેવડ સુખરુપ પતી ગયેલી.
પાછો મૂળ વાત પર આવું તો હું બારમા ધોરણમાં હતો એ સમયે તેઓ ગંભીર રીતે બિમાર પડ્યા. હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમના નાકની અંદરની નસ ફાટી ગઈ હતી અને લોહી વહ્યે જતું હતું. એ અગાઉ, તેમણે વડોદરાનું કામકાજ સમેટી લીધેલું અને મહેમદાવાદમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી શરૂ કરેલી.
આ દુર્ઘટના પછી તેઓ સાજા થયા. સદ્ભાગ્યે અંદર કશું નુકસાન થયું નહોતું. પણ એક વાતની અમને સૌને ચિંતા થઈ આવી કે હવે એમની તબિયત વધુ સાચવવી પડશે. તેમની વય ત્યારે માંડ પચાસની આસપાસની. એ પછી તેમણે એક સગાંના સગાની ફેક્ટરીમાં વટવા અપડાઉન કર્યું. બીજી તરફ બારમામાં મારા ઝાઝા ટકા ન આવ્યા. મેં ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પ્રવેશ લીધો. ત્યારે તો એમાં કશી સમજણ કે રસ પડતો નહોતો, પણ એ સામાન્ય બાબત હતી. એક તો એ ઉંમરે પોતાની રુચિ શેમાં છે એ હજી સ્પષ્ટ થયું ન હોય, અને કારકિર્દી કઈ અપનાવવી એની સમજ ન હોય, એટલે મોટે ભાગે આવું જ જોવા મળતું. એ કોર્સ પૂરો કરતાંવેંત મને નોકરી મળી અને આઈ.પી.સી.એલ.માં એક વર્ષની એપ્રેન્ટિસ કરવાની આવી. એ પૂરી થયા પછી સામાન્યપણે ત્યાં જ નોકરી મળી જતી, જે કેન્દ્ર સરકારનું જાહેર સાહસ હતું.
એક વર્ષ માટે મને દર મહિને પાંચસો રૂપિયા સ્ટાઈપેન્ડ મળવાનું હતું, જેમાં કપાત થતાં પોણા પાંચસો જેટલા મળતા. મારી ઉંમર હતી ઓગણીસ વર્ષ. એ વખતે અમદાવાદ-વડોદરા-મહેમદાવાદ જેવાં સ્થળોએ કામ કર્યા પછી પપ્પા વટવા જતા હતા અને તેમનો પગાર હતો અઢીસો રૂપિયા. ઊપરાંંત કનુકાકા પણ પોતાનો પગાર ઘરમાં આપતા. મમ્મી આ બધામાંથી ઘરખર્ચ મેનેજ કરતાં. આ રકમ એ જમાનામાં પણ ઓછી જ હતી. છતાં પપ્પાને એ વાતે બહુ ખુશી હતી કે મારો શરૂઆતનો પગાર તેમના પગાર કરતાં વધુ છે. જો કે, મેં નોકરી શરૂ કર્યા પછી ત્રીજા, અને કાયમી થયાના બીજા વર્ષે તેમને ફરી એક વાર બ્લડ પ્રેશર વધ્યું અને સ્ટ્રોક આવ્યો. બચી તો ગયા, પણ હલનચલન મર્યાદિત બન્યું. સાજા થવાની ગતિ ધીમી હતી, પણ છેવટે પોતાની મેળે હલનચલન કરતા થયા એ આશ્વાસન હતું.
એ પછી તેઓ કશું કામ કરે એ સવાલ હતો જ નહીં. એટલે ઘરની મોટા ભાગની જવાબદારી મારા માથે આવી. જો કે. હવે નિયમીત પગાર ચાલુ થઈ ગયો હતો, અને એ નિર્ધારીત ક્રમે વધતો જતો હતો એ ખરું, છતાં મારે શરૂઆત લગભગ શૂન્યથી કરવાની હતી.
ઘણી વાર હું દીકરા ઈશાનને કહું છું કે- મારા દાદાનું અવસાન થયું ત્યારે તેમને દેવું હતું. એટલે મારા પપ્પાએ માઈનસથી શરૂ કરેલું. મારા પપ્પા કામ કરતા બંધ થયા ત્યારે તેઓ માઈનસમાંથી બહાર આવીને ઝીરો પર અટકેલા. મેં ઝીરોથી આગળ વધવાનું શરૂ કર્યું અને હવે ચોથી પેઢી પ્લસમાં છે. રાહત એટલી કે મારે માઈનસથી શરૂ કરવાનું ન આવ્યું. કૌટુમ્બિક તરાહની રીતે જોઈએ ત્યારે કંઈક આવું દેખાય છે.
એ પછી મારી નોકરીનાં વરસો વીતતાં ગયાં, પ્રમોશન અને સાથે પગાર વધતો ગયો, પણ પપ્પા સાથે એ બધી બાબતે ભાગ્યે જ વાત થતી. ખરેખર તો ઘરના કોઈની પણ સાથે એ બાબતે ભાગ્યે જ વાત થતી. કેમ કે, એ નાણાં ક્યાં રોકવાં એની ચર્ચા થઈ શકે એવી રકમ જ એકઠી થઈ શકતી નહોતી. આજે કદીક હું મારી નોકરીનાં વરસોનાં ઈન્કમ ટેક્સ સર્ટિફિકેટ જોઉં ત્યારે ખ્યાલ આવે છે કે કેટલો બધો ટેક્સ મેં કપાવા દીધો હતો. કેમ કે, ટેક્સ બચાવવા માટે જરૂરી નાણાંનું રોકાણ કરવું પડે. એ કરીએ તો ટેક્સ બચે, પણ એ લાવવાં ક્યાંથી?
જો કે, એનો કશો અફસોસ નહોતો કે નથી.
બાવીસ વરસ નોકરી કર્યા પછી અમારી કમ્પનીએ ત્રીજી વાર વી.આર.એસ. મૂકી અને મેં ઘરનાંને મળીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચરિત્રલેખન ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય કર્યો. એ વખતે મારી ઉંમર હતી 42 વર્ષ.
આ નિર્ણય જે દિવસે લીધો એ જ દિવસે મારા મોટાકાકાનું અવસાન થયેલું. એટલે પહેલાં મેં કામિની અને ઉર્વીશની સાથે એ ચર્ચા કરી. કામિની સાથે પહેલાં જ વાત થઈ ગયેલી, અને એણે કહી દીધેલું, 'તને ગમતું કામ કરવા મળતું હોય તો એ જ કર. પૈસાની ચિંતા ન કર. તું જે લાવીશ એમાં હું ઘર ચલાવીશ.' ઉર્વીશ સાથે વાત કરી એટલે એણે તરત જ કેટલાક મિત્રોને ફોન કરીને જાણ કરવા માંડી કે હવે હું પૂર્ણ સમયનું લેખન કરવાનો છું. હવે મમ્મી અને પપ્પાને જાણ કરવાની હતી. ત્યારે તેઓ મહેમદાવાદમાં જ, મોટાકાકાને ઘેર હતાં. મમ્મીને વાત કરી. બધી વાત જણાવી. એમણે જે રીતે પોતાનું જીવન આર્થિક તંગીમાં વીતાવેલું એ જોતાં સહજપણે જ એમના મોંમાંથી નીકળી શકત, 'પછી તારી આવકનું શું? એનું કશું વિચાર્યું છે? જે કરું એ વિચારીને કરજે, જેથી પાછળથી મુશ્કેલી ન પડે.' તેને બદલે એમણે એટલું જ કહ્યું, 'બહુ સરસ.' એ પછી પપ્પાને જાણ કરવાની હતી. પપ્પાને લાંબુંપહોળું સમજાવવા ગયો કે એ પછી હું આ રીતે કામ કરીશ અને આ રીતે મને કામ મળશે..વગેરે. પપ્પાએ પણ એટલું જ કહ્યું, 'સરસ. સરસ. તું ઘેર ક્યારથી રહેવાનો?' મેં કહ્યું, 'બસ, આવતા મહિનાથી.' એ રાજી થઈ ગયા. મને કામ મળશે કે કેમ, નિશ્ચિત નોકરીમાંથી આર્થિક અનિશ્ચિતતા તરફ લઈ જતું એ પગલું હતું, પણ એમને એ વાતનો રાજીપો હતો કે હવે હું ઘેર રહી શકીશ.
હું આમ કરું ને તેમ કરું એવી કશી અપેક્ષા એમણે સેવી જ નહોતી. બસ, મને ગમતું કામ કરું એ જ અપેક્ષા હશે. એવું કદી શબ્દોમાં નથી કહ્યું તો પણ. આથી મારું કોઈ પણ પુસ્તક બહાર પડે, અને એનો ક્યાંક કાર્યક્રમ યોજાય તો મને ભાગ્યે જ એમ થાય કે આ વખતે પપ્પા કે મમ્મી હોત તો કેટલું સારું થાત!
'સંતાનમાં વિશ્વાસ મૂકવો', 'એને એના રસ્તે ચાલવા દેવું' આવી બધી બાળઉછેરની કોઈ થિયરીટીકલ વાતો તેમણે વાંચી નહોતી કે આસપાસમાં કોઈને ત્યાં એવું જોયું નહોતું. એટલે એમના આવા અભિગમ બાબતે આજેય વિચારું છું ને મને નવાઈ લાગે છે. અમુક તબક્કા પછી મારાં સંતાનો શચિ અને ઈશાન બાબતે મારે શું કરવું એ સવાલ મને જરાય મૂંઝવતો નથી કે નહોતો. પણ મનમાં કદાચેય એ ઊભો થાય તો એનો જવાબ મને આ ઘટનામાંથી મળી જાય છે.
માતાપિતા આપણને શું આપતા ગયાં છે એ સમજતાં ઘણી વાર આખી જિંદગી લાગતી હોય છે. અને આપણે એ ભૂમિકામાં આવીએ ત્યારે વધુ તીવ્રપણે એ અનુભવાય છે.
(ગઈ કાલે પપ્પાની જન્મતારીખ હતી એ ફેસબુકે મેમરીમાં દેખાડ્યું. એ નિમિત્તે આટલી વાત.)
No comments:
Post a Comment