Showing posts with label AMA. Show all posts
Showing posts with label AMA. Show all posts

Wednesday, May 27, 2026

રમૂજની પહેલી શરત એટલે જાત પર હસતાં શીખવું

ઊનાળુ વેકેશન દરમિયાન અમદાવાદના એ.એમ.એ. (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન) દ્વારા બાળકોને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે AMAzing Summer Camp તરીકે ઓળખાવાય છે. આ વર્ષે અહીં મારે બે વર્કશોપ કરવાની હતી. એક તો પેપર કોલાજની અને બીજી કાર્ટૂન સ્કેચની એટલે કે કાર્ટૂન દોરતાં શીખવવાની.

કોલાજની વર્કશોપનું ત્રણ કલાકનું એક દિવસીય સેશન હતું, જ્યારે કાર્ટૂનની વર્કશોપનાં ત્રણ ત્રણ કલાકનાં કુલ બે સેશન, 16 અને 17 મે, એમ બે દિવસમાં હતાં. આમાં એકવીસ જેટલા વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતાં. આ વર્કશોપમાંં વયમર્યાદા 14થી 22 વર્ષની રખાયેલી હોવાથી એવા ઘણા વિદ્યાર્થીઓ આવેલા કે જેમને દોરવામાં રસ હોય.
બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. એકમેકના પરિચયથી આરંભ કર્યા પછી પહેલા દિવસે મોટા ભાગનો સમય કાર્ટૂન વિશેની ગેરસમજણ દૂર કરવામાં અને સમજણ સ્પષ્ટ કરવામાં ગયો. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તરત જ સવાલ પૂછે એમ રાખેલું. આને કારણે બહુ મજા આવી. મોટા ભાગના વિદ્યાર્થીઓએ ચર્ચામાં ભાગ લીધો. એ પછી પાંચેક વિષય પસંદ કરીને વિદ્યાર્થીઓને એમાંથી કોઈ પણ વિષય પર કાર્ટૂન દોરવા કહેવાયું. દોરેલાં કાર્ટૂન એક સાથે મૂકાતાં અને પોતે દોરેલા કાર્ટૂન વિશે વિદ્યાર્થી વાત કરતા. એ દિવસે સૌને ગૃહકાર્ય લેખે પોતાનું યા પોતાના કોઈ પરિવારજનનું કેરિકેચર દોરવાનું સોંપાયું.
કાર્ટૂન દોરવામાં રત વિદ્યાર્થીઓ

બીજા દિવસે કાર્ટૂન દોરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત થઈ. આમ તો એવી કશી નિર્ધારીત પદ્ધતિ નથી, છતાં શરૂઆત માટે ઊપયોગી થઈ પડે એ માટે એ જરૂરી હતું. બીજા દિવસના સેશનમાં 'નિરીક્ષણ' પર વધુ ભાર મૂકાયો અને એના વિશે ચર્ચા થઈ. કોઈ એક સ્થળ લઈને એમાં શી શી વસ્તુઓ હોય છે એ વિશે દરેક વિદ્યાર્થી એક એક વાત કરે. જેમ કે, ડૉક્ટરની ઓ.પી.ડી. દરેક વિદ્યાર્થીએ એવાં એવાં નિરીક્ષણો રજૂ કર્યાં કે નવાઈ લાગે. એ જ રીતે લગ્નપ્રસંગમાં ચાંલ્લો લખવાનું ટેબલ. આવાં બે-ચાર સ્થળો પરનાં નિરીક્ષણ વિશે વાત થયા પછી એમાં રમૂજ શી રીતે ભેળવી શકાય એની વાત થઈ. દરમિયાન બ્રેક પડ્યો, જેમાં સૌએ નીચેના માળે આવેલા એક ખંડમાં શરબત પીવા જવાનું હતું. આથી નીચે જતાં પહેલાં સૌને એ ખંડનું નિરીક્ષણ કરવાની સૂચના આપી.
શરબતવાળા રૂમનું નિરીક્ષણ બોર્ડ પર ચીતરાઈ રહ્યું છે

શરબતવાળા રૂમમાં આટલી આટલી વસ્તુઓ આ રીતે હતી

પાછા આવ્યા પછી એક પછી એક વિદ્યાર્થીઓ એ નિરીક્ષણ રજૂ કરવા લાગ્યા. અમુકે એ બોર્ડ પર ચીતરી બતાવ્યું. એ પછી એવી સ્થિતિમાં રમૂજ શી રીતે પેદા થાય એની વાત દરેક વિદ્યાર્થીઓએ આગવી રીતે કરી. છેલ્લે દરેકે એક કાર્ટૂન યા કેરિકેચર દોરવાનું હતું. સૌએ દોરેલાં કાર્ટૂનને એક સાથે મૂકીને એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી સહિત બીજા મિત્રોને એ જોવા માટે નિમંત્ર્યા. આ વખતે પણ દરેક વિદ્યાર્થીએ પોતે દોરેલા કાર્ટૂન વિશે વાત કરી.

પોતે કરી લાવેલું ગૃહકાર્ય દેખાડીને
એના વિશે થઈ રહેલી વાત
ત્રણ કલાક ક્યાં વીતી ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. છેલ્લે સૌએ સમૂહ તસવીર ખેંચાવી અને છૂટા પડ્યા.
સેશન પૂરું થયા પછી થઈ રહેલી અનૌપચારિક વાતચીત

વિદ્યાર્થીઓ સાથે સર્જનાત્મક રીતે સંવાદ સાધવાના આ પ્રયાસમાં મજા બહુ આવી, એમ મને પણ શીખવા મળ્યું.

Tuesday, May 26, 2026

કાગળ ફાડીને કલાકૃતિ

શનિવારને 16 મેના રોજ સવારના સાડા નવથી સાડા બાર દરમિયાન એ.એમ.એ; અમદાવાદ ખાતે 'કોલાજ મેકિંગ'ની વર્કશોપ યોજાઈ ગઈ. ઊનાળુ વેકેશન દરમિયાન એ.એમ.એ. દ્વારા 'અમેઝિંગ કાર્નિવ, 2026' અંતર્ગત આ આયોજન કરાયેલું. ગયા વરસે ઊનાળામાં પણ આ આયોજન હતું, પણ મારો પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાયો હોવાથી એ શક્ય નહોતું બન્યું. આ વર્કશોપમાં ભાગ લેનારાની વયમર્યાદા આઠથી ચૌદ વર્ષની રાખવામાં આવેલી. વિવિધ વયજૂથનાં નવ બાળકોએ નામ નોંધાવેલાં.
એ.એમ.એ.માં આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અલાયદો 'એક્ટિવિટી રૂમ'જ બનાવવામાં આવેલો. ઊપરાંત સૌ સહભાગીઓ માટે એક કીટ પણ રખાયેલી.
બાળકો માટે આ માધ્યમ સાવ નવું હોવાથી પહેલાં તેના વિશે પરિચય આપ્યો. મારી બનાવેલી કેટલીક કૃતિઓ ઊપરાંત મારાં બે પુસ્તકોનાં ટાઈટલ પણ પેપર કોલાજથી બનાવેલાં એ બતાવ્યાં. તેની વિશેષતા શી છે, અને મર્યાદા કઈ, એમ તે 'ક્રાફ્ટ' (કૌશલ્ય) જેવું લાગતું હોવા છતાં એવું કેમ નથી એની વાત થઈ. 'કોલાજ' અને 'મોન્ટાજ' વચ્ચે શો ફરક છે એની ચર્ચા થઈ. માત્ર ત્રણ કલાકની અવધિ હોવાથી પંદરેક મિનીટમાં આ બધું પતાવ્યું. એકમેકનો પરિચય પણ મેળવ્યો. એ પછી કામ શરૂ કર્યું.

પેપર કોલાજ વિશે પ્રાથમિક વાતચીત

પેપર કોલાજના સ્વરૂપનો પરિચય

પોતપોતાની સમજણ મુજબ સૌ કૃતિ તૈયાર કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે 'આમ કરી શકાય?', 'આવું કરું તો ચાલે?' જેવા સવાલો પણ તેઓ પૂછતા.
હું પણ સૌની સાથે જ કામ કરતો હતો. એમ મારી સાથે આવેલાં ઈશાન અને કામિની પણ પોતાનું કામ કરતાં હતાં.
પોતાની કૃતિ વિશે વાત કરતા સહભાગીઓ

દોઢેક કલાક પછી નાના બ્રેક દરમિયાન સૌની સાથે થોડી વાતો થઈ. ધીમે ધીમે મોટા ભાગના બાળકોએ પોતાની કૃતિ પૂરી કરી. ત્રીજા/ચોથા ધોરણથી લઈને દસમા સુધીનાં બાળકો હતાં. સૌની કૃતિઓ પૂરી થાય એ પછી તેને એક જગ્યાએ મૂકવાની હતી, જેથી સૌ એકમેકનું કામ જોઈ શકે. સૌની કૃતિઓ ગોઠવાઈ ગઈ એટલે એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી અને તેમના કેટલાક સહકર્મીઓને અમે એ જોવા માટે આમંત્રણ આપ્યું. ઊપક્રમ એવો રાખ્યો કે દરેક જણ પોતાની કૃતિ બતાવે અને એના વિશે વાત કરે. આમાં બહુ મજા આવી.

પોતાના સર્જન પાછળનો વિચાર દર્શાવતા સહભાગીઓ

પોતપોતાની કૃતિઓ સાથે સમગ્ર ટીમ
અગાઉ એક વાર મેં પેપર કોલાજનો વર્ગ લીધેલો, પણ આવી વર્કશોપનો અનુભવ મારા માટે પણ પહેલો હતો, જે બહુ યાદગાર બની રહ્યો. વિદ્યાર્થીઓ સાથે આ બહાને સંવાદ સધાય અને તેમના મનોજગતમાં ડોકિયું કરવા મળે, જે આપણું પણ ઘડતર કરતું રહે છે, એમ અનુભવાતું રહ્યું છે. સમગ્ર ઊપક્રમ દરમિયાન એ.એમ.એ.નું આયોજન સુચારુ ઢબે હોવાથી એની એક જુદી મજા હોય છે. 

Thursday, May 14, 2026

કાગળને લાડ લડાવવાની કળા એટલે પેપર કોલાજ

શાળામાં મોટા ભાગના લોકોએ રંગીન કાગળને વાળીને, કાતર વડે કાપીને ભાતચિત્ર તૈયાર કરીને નોટબુકમાં કે ચિત્રપોથીમાં ચોંટાડ્યું હશે. એ બહુ સુંદર દેખાય, પણ ચાહે તો દરેક જણ એને એક સરખું બનાવી શકે. આને કૌશલ્ય એટલે કે ક્રાફ્ટ કહેવાય. પણ રંગીન કે શ્વેત-શ્યામ કાગળના ટુકડાને હાથ વડે યા કાતર વડે કાતરી કાતરીને તેને ચોંટાડવામાં આવે અને જે સંયોજન તૈયાર થાય એ ખરા અર્થમાં અનન્ય હોય. બનાવનાર ચાહે તો પણ અદ્દલ એકના જેવી બીજી ન બને. આથી એને કળા એટલે કે આર્ટ કહેવાય. ઘણા સુજ્ઞ લોકો પણ પેપર કોલાજને પેપર ક્રાફ્ટ સમજવાની ભૂલ કરી બેસે છે.

પેપર કોલાજ બનાવતાં પહેલાં કાગળ પર જે તે સંયોજનનો સ્કેચ દોરવો જરૂરી છે. એ પછી વિવિધ રંગીન કાગળો મળે એ મુજબ ચોંટાડતા જવાથી ધીમે ધીમે કરતાં એ એક સંપૂર્ણ સંયોજન બને છે.
પેપર કોલાજ કોઈ પણ સાઈઝનું બનાવી શકાય. નાનકડા ગ્રીટીંગ કાર્ડથી લઈને ઈમ્પિરીયલ સાઈઝ સુધીના કાગળ પર. પણ એ કેટલા સમયમાં પૂરું થશે એ કહેવાય નહીં, કેમ કે, ઈચ્છિત રંગના કાગળ ન મળે તો કામ આગળ ન ચાલે. એટલે કે રંગીન કાગળ એની મુખ્ય સામગ્રી ગણાય. સાવ સપાટ રંગના કાઈટ પેપર કે માર્બલ પેપર અનેક રંગોમાં મળે છે ખરા, પણ એમાં રંગછટાઓ ન હોવાથી એનો ઊપયોગ મર્યાદિત બની રહે છે. આથી મોટા ભાગના કલાકારો રંગીન મેગેઝીનના કાગળોનો ઊપયોગ કરે છે. અમૃતલાલ વેગડ તો લખાણ ધરાવતા રંગીન કાગળનો ઊપયોગ કરતા હતા.

કંકોતરીના કાગળનો
એક પેપર કોલાજ

ફાઈન આર્ટ્સ કોલેજ સાથેના મારા એક વર્ષના ટૂંકા સંબંધ દરમિયાન મને આ માધ્યમનો પરિચય થયો, પણ એમાં ખરું ખેડાણ મેં કોલેજ છોડ્યા પછી શરૂ કર્યું. એ સમયે 'ઈન્ડિયન એરલાઈન્સ'ના ઈન ફ્લાઈટ મેગેઝીન 'સ્વાગત'ના જૂના અંકો હું થોકબંધ ખરીદતો. અન્ય રંગીન, ગ્લોસી કાગળ ધરાવતા મેગેઝીન પણ ખરીદતો, છતાં એમાં 'સ્વાગત' જેવી મઝા નહોતી. હું મોટે ભાગે લખાણ વિનાના કાગળ પસંદ કરતો, તેને કારણે મુશ્કેલી બહુ પડતી, પણ એની મઝાય અલગ હતી. કાગળને ફાડવા માટે કાં કાતરનો ઊપયોગ થઈ શકે, યા મુક્ત રીતે કાપી શકાય, કે બન્ને રીત પ્રયોજી શકાય.

જોધપુરના મહેરાનગઢના એક હિસ્સાનો પેપર કોલાજ

જોધપુરના મહેરાનગઢના દૃશ્યનો પેપર કોલાજ
(આ ફ્રેમ કરેલો હોવાથી તસવીરમાં રંગ બરાબર દેખાતા નથી,
પણ ખ્યાલ આવી જશે.)

જોધપુરના મહેરાનગઢના એક હિસ્સાનો પેપર કોલાજ

બહાર ફરવા જવાનું થાય ત્યારે ઓછા સમયમાં દોરેલા સ્કેચ પછી કોલાજ માટે બહુ કામ આવતા. હવે તો ફોટો લઈ લેવાની સુવિધા સુલભ છે. ઘણા કલાકારો પેપર કોલાજનો ઉપયોગ મિક્સ મિડીયામાં કરે છે, એટલે કે પેપર કોલાજની સાથોસાથ તેઓ જળરંગો કે એવા અન્ય માધ્યમના રંગો પ્રયોજે છે. મેં નક્કી કરેલું કે મારે શુદ્ધ પેપર કોલાજ જ બનાવવા. એમાં પેન (કે બ્રશ)નો ઊપયોગ માત્ર ને માત્ર મારી સહી કરવા પૂરતો જ કરવાનો.
લેખનક્ષેત્રે કારકિર્દી વિકસી એટલે સ્વાભાવિક ક્રમમાં પેપર કોલાજ માટે સમય ફાળવવો મુશ્કેલ બનતો ગયો. વિવિધ રંગછટાઓવાળા કાગળ મેં કોથળો ભરીને એકઠા કરી રાખેલા. આખરે એક દિવસ ભારે હૈયે એ કોથળો કાઢી નાખ્યો. એમ વિચારીને કે, જ્યારે પેપર કોલાજનું કામ ફરી શરૂ કરીશું ત્યારે નવેસરથી કાગળો 'વસાવીશું'.

દીવના કિલ્લાના પ્રવેશદ્વારનો પેપર કોલાજ

પેપર કોલાજ બંધ થયા, પણ સ્કેચિંગ/ડ્રોઈંગ ચાલુ રહ્યું. પેપર કોલાજ માટેનું આકર્ષણ ઓસર્યું નહીં. છાપાંમાં આવતાં વિવિધ જાહેરખબરનાં ફરફરિયાંમાં મને કોલાજ માટેની સામગ્રી દેખાતી. મેં નવેસરથી એ સંઘરવા માંડ્યાં. આ કળા વિશે વાત કરીને કોઈને સમજાવવું મુશ્કેલ હતું, અને એના નમૂના સાથે લઈને ફરાય નહીં. આમ છતાં, રસ ધરાવનારને એ હું બતાવતો. ઘણી વાર મને થતું કે કળાના આ માધ્યમનો પ્રસાર થાય તો કેટલું સારું! કેમ કે, એનાથી કળાદૃષ્ટિ તો વિકસે જ છે, સાથોસાથ એકાગ્રતા, ખંત, ધીરજ જેવા ગુણો આપોઆપ જ વિકસે છે. અને આ બધું કશાય ઘોંઘાટ વિના, શાંત ગતિએ થાય છે.
'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના મિત્ર પાર્થ ત્રિવેદી સાથે આ બાબતે વાત થઈ ત્યારે તેમણે ઊમળકાભેર પેપર કોલાજની વર્કશોપ માટે આયોજન કરવાનું આમંત્રણ આપ્યું. આમ તો, ગયે વરસે પણ આ આયોજન હતું. જો કે, એ વરસે પછી અમારો ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવાતાં એ થઈ શક્યું નહીં. આ હજી પહેલી વારનું આયોજન હોવાથી પ્રવેશ માટેની વયમર્યાદા આઠથી ચૌદ વર્ષનાં બાળકોની રાખી. આશય એટલો કે આ વયજૂથનાં બાળકો નવુંનવું ગ્રહણ કરવા માટે સજાગ માનસ ધરાવતાં હોય છે. આથી આ વયે તેમને આવા માધ્યમની જાણકારી મળે તો કશું નહીં તોય કળા પ્રત્યેનો તેમનો અભિગમ કેળવાય.
ત્રણ કલાકની આ વર્કશોપમાં તેમને પેપર કોલાજના માધ્યમથી પરિચીત કરાવવામાં આવે અને દરેક જણ એકાદ નાની કૃતિ સર્જે એવું આયોજન વિચાર્યું છે. તમને લાગે કે તમારા મિત્રવર્તુળમાં આવાં બાળકો છે, તો તેમને આની જાણ કરશો. હા, આ કાર્યક્રમ વયસ્કો માટે થઈ શકે, પણ તેનું આયોજન અલાયદું કરવું પડે. જરૂર પડ્યે એય વિચારી શકાય. હાલ તો, શનિવારે સવારે 9.30થી 12.30 દરમિયાન આ વર્કશોપનું આયોજન છે, જેની રજિસ્ટ્રેશન લીન્ક અને અન્ય વિગતો અહીં આપેલી છે.