Saturday, June 11, 2022

કેળવણીયાત્રાના સાડત્રીસમા પડાવે

વ્યક્તિ માટે જેટલું મહત્ત્વ જન્મદિનનું હોય એવું અને એટલું જ મહત્ત્વ સંસ્થા માટે તેના સ્થાપના દિનનું હોય છે. આ દિવસે સ્થૂળ ઉજવણી ભલે થતી, પણ ખરેખર તો દર વરસે અચૂકપણે આવતો આ એવો મુકામ છે કે સહેજ થોભી, પાછા વળીને અત્યાર સુધીની સફરનું પશ્ચાત્ દર્શન કરવાનો મોકો એ પૂરો પાડે, જે આગામી સફરનો માર્ગ નક્કી કરવામાં પણ મદદરૂપ બની શકે.

ભરૂચસ્થિત ઍમિટી સ્કૂલનો શુભારંભ 1986ની 11મી જૂનના રોજ થયો.ચાર શિક્ષકો- રણછોડભાઈ શાહ, સંગીતાબહેન શાહ, પ્રમેશબહેન મહેતા અને શૈલાબહેન વૈદ્યે આ શાળાનો આરંભ કરેલો. આ સૌ અગાઉ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હતાં, પણ શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની તેમની ધખના હતી. થોડા સમય પછી પ્રવિણસિંહ રાજ પણ જોડાયા. શિક્ષણના પ્રત્યેક પાસાં અંગે સૌના ચોક્કસ વિચારો હતા. એ બધાનો અમલ ત્યારે જ થઈ શકે જો શાળા પોતાની હોય! પણ શાળા શરૂ કરવી શી રીતે? સૌથી પહેલી જરૂર નાણાંની. એ મેળવવા ક્યાંથી? વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં? શિક્ષકોનું શું? અનેક સવાલો હતા. સ્રોત અતિ મર્યાદિત, પણ એક જ બાબતનો સહારો હતો, અને એ હતી શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા.નારાયણ વિદ્યાલય નામની અન્ય શાળાના બે ઓરડામાં તેનો આરંભ થયો.  પુત્રના લક્ષણ પારણામાંથી એ ન્યાયે પોતે કેળવણીના ક્ષેત્રે નવો ચીલો પાડવા માટે કટિબદ્ધ છે એવો સંદેશ સૌ પ્રથમ દિવસથી જ તેણે પહોંચાડ્યો. શાળાના ઉદ્‍ઘાટક તરીકે કોઈ જાણીતી અને ખ્યાતનામ વ્યક્તિને નિમંત્રવાને બદલે શાળામાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શૈલેષ પટેલના હસ્તે શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. આમ, આ સંસ્થાના કેન્‍દ્રમાં વિદ્યાર્થી છે એ હકીકત શબ્દોથી નહીં, પોતાના કૃત્યથી પુરવાર કરી બતાવી.

ત્યારથી લઈને છેક આજ સુધી દર વરસે શાળાના સ્થાપના દિનનું આગવું મહત્ત્વ રહ્યું છે. શાળાના જન્મદિન તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે નવા શૈક્ષણિક વરસનો જૂન મહિનામાં થતો હોય છે. ક્યારેક એમ બને કે સ્થાપના દિનની તારીખથી જ વર્ષારંભ થાય તો ક્યારેક એમ બને કે શૈક્ષણિક વર્ષ આરંભાયાના બે-ત્રણ દિવસમાં જ સ્થાપના દિન આવતો હોય,યા ક્યારેક સ્થાપના દિન આવી ગયા પછી શૈક્ષણિક વર્ષનો આરંભ થતો હોય. કાર્યક્રમનું આયોજન આ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેનો આરંભ અગાઉથી થઈ જતો હોય છે.

આરંભિક વરસોમાં શાળાના વર્ગો ઓછા હતા, આથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા પણ ઓછી હતી. શિક્ષકો સાથેના સંબંધ કેવળ વ્યાવસાયિક બની રહે તેને બદલે એ માનવીય બની રહે અને અરસપરસ મૈત્રીની ભાવના કેળવાય એવું શાળાના સંચાલકોનું વલણ. આથી આરંભનાં થોડાં વરસો દરમિયાન સ્થાપના દિને શાળા સંચાલક અનુકૂળ સમયે પ્રત્યેક શિક્ષકને ઘેર જતા અને તેમને નાનકડી ભેટ આપતા. મહત્ત્વ ભેટ કરતાંય વધુ તો આ ચેષ્ટાનું કહી શકાય.

વરસો વીતતાં ગયાં એમ શાળાસંકુલનો વિકાસ થતો ચાલ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વધતી રહી. શાળાના સ્થાપના દિનની ઉજવણીનો ક્રમ નિયમીતપણે ચાલતો રહ્યો. ઉજવણીનો પ્રકાર બદલાતો રહ્યો. આમ છતાં, આ ઉજવણીના કેન્‍દ્રમાં શાળા અને તેની ફિલસૂફી જ રહ્યાં.

શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને ગયેલા ઘણા વિદ્યાર્થીઓ આ દિવસે શાળામાં આવતા. કોઈ વ્યક્તિનો જન્મદિન મનાવવાનો હોય એમ જ તેઓ પોતાની માતૃસંસ્થામાં હાજર રહેતા. કોઈક ચોકલેટ લઈને આવતું, કોઈક કેક લઈને, તો કોઈક પુષ્પગુચ્છ લઈને આવતું. શાળાના કેટલાક શુભેચ્છકો પણ પુષ્પગુચ્છ થકી પોતાની શુભેચ્છા પાઠવતા. આ દિવસે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાને કારણે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ સામાજિક કાર્ય સાથે સાંકળવામાં આવે એ રીતનો કાર્યક્રમ ગોઠવાય.

ક્યારેક ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો અને ગીતા પ્રવચનો જેવાં પ્રેરક પુસ્તક ભેટરૂપે આપવામાં આવે. શાળાની સફર આગળ ધપતી ગઈ એમ આ ઉજવણી વધુ ને વધુ આયોજનબદ્ધ અને પ્રેરક બનતી ગઈ.  

આજે તો એ દહેજ બાયપાસ રોડ પર પોતાના વિશાળ સંકુલમાં કાર્યરત છે, પણ 36 વરસની આ સફર અત્યંત રોમાંચક બની રહી છે. 

આ વખતે પણ એ જ પરંપરાના અનુસંધાનરૂપે વિશિષ્ટ રીતે ઉજવણીનું આયોજન છે. એ મુજબ સ્થાપના દિનના પછીના દિવસે, એટલે કે 12 જૂનને રવિવારના રોજ એક નિ:શુલ્ક હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે આ કેમ્પમાં સેવા આપનાર તમામ ડૉક્ટર ઍમિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આમ, ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન અને તેમની ઉપસ્થિતિના ફળસ્વરૂપ હેલ્થ ચેક અપ કેમ્પ- એમ બમણા લાભનું આયોજન છે. આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું ઘડતર વિશિષ્ટ રીતે થતું હોય છે. અહીં ભણી ગયેલા વિદ્યાર્થીઓ આ કારણે જ પોતાની શાળાને કદી વીસરી શકતા નથી. 

આ કાર્યક્રમની તૈયારીઓની ઝલક આપતી કેટલીક તસવીરો. 





હવે ઍમિટીનું સુકાન ઉત્પલભાઈ શાહે સંભાળ્યું છે, અને તેઓ પણ ઍમિટીની પરંપરા જાળવવા માટે કટિબદ્ધ છે. તેમની પડખે પ્રકાશભાઈ મહેતા, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય, રીનાબહેન તિવારી, સરોજબહેન રાણા, તોરલબહેન પટેલ, કેતકીબહેન ભાવસાર અને હેતલબહેન મેનગર જેવી સક્ષમ દ્વિતીય હરોળ છે. આ શુભ અવસર નિમિત્તે ઍમિટી સાથે સંકળાયેલા સહુ કોઈને શુભેચ્છાઓ અને તેમની આ પરંપરા ભવિષ્યમાં પણ જળવાયેલી રહે એવી કામના.  

(તસવીર સૌજન્ય: ઍમિટી શાળા પરિવાર) 

2 comments: