'નવનીત સમર્પણ'નો જુલાઈ, 2026નો અંક પ્રકાશિત થઈ ગયો છે. આ અંકમાં મારી શ્રેણી 'કાર્ટૂનકથા'નો 36મો હપતો રજૂઆત પામ્યો. ઓગષ્ટ, 2023થી આરંભાયેલી આ શ્રેણીએ ત્રણ વર્ષ સંપન્ન કર્યાં, અને આ હપતો એમાંનો અંતિમ છે. 'નવનીત સમર્પણ'ના સંપાદક દીપકભાઈ દોશીએ આવી શ્રેણી શરુ કરવાનું સૂચન કર્યું ત્યારે અમારા બેમાંથી કોઈના મનમાં એના સ્વરૂપ વિશે સ્પષ્ટ ખ્યાલ નહોતો. જો કે, એટલું મેં નક્કી કરેલું કે આમાં કાર્ટૂનિસ્ટોનો પરિચય ન જ આપવો, કેમ કે, એ સૌથી સહેલું અને હાથવગું કામ છે, અને એને કરવું હોય તો પણ પછીના તબક્કામાં કરી શકાય. તો પછી શું? પહેલાં એમ વિચાર્યું કે દેશના સ્વાતંત્ર્યોત્તર ઈતિહાસને વિવિધ વડાપ્રધાનના કાળખંડ મુજબ વિભાજીત કરીને એને કાર્ટૂન દ્વારા જોવાનો પ્રયાસ કરવો. એ વિચાર પણ મનોમન હડસેલી દીધો, કેમ કે, એમાં મુખ્યત્વે રાજકીય સંદર્ભ વધુ હોય, અને કાર્ટૂનની કળા વિશે વાત કરવાનો અવકાશ ઓછો રહે. એટલે એમ નક્કી થયું કે કાર્ટૂનની કળા વિશે વાત કરવી. શી વાત કરવી એ ખૂલતું જશે એમ વિચારીને શ્રેણીનો આરંભ કર્યો.
Showing posts with label Cartoonkatha. Show all posts
Showing posts with label Cartoonkatha. Show all posts
Wednesday, July 1, 2026
ઈતિશ્રી કાર્ટૂનકથા
દર મહિને તેમાં કાર્ટૂનકળાનો પોતાનો કે પછી તેના ઈતિહાસના કોઈક પાસાંનો આયામ લઈને તેના વિશે વાત થતી. આ લેખશ્રેણીને 'એકેડેમિક' બનાવવી નહોતી, કેમ કે, એ મને આવડતું નથી, અને એની જરૂર પણ નથી. કોઈ વસ્તુ એકેડેમિક બને એનો વાંંધો નથી, પણ નકરી એકેડેમિક બની રહે એ ન ગમે. એટલે સહુ કોઈને રસ પડે એ રીતે એનું આલેખન થતું ગયું. દર મહિને એવા એવા વિષય સૂઝતા ગયા અને આલેખાતા ગયા કે જે ધાર્યા પણ નહોતા.
'નવનીત'માં આ શ્રેણી આરંભાઈ એ જ અરસામાં અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે પણ 'કહત કાર્ટૂન' શ્રેણીનો આરંભ થયો, જેમાં દર મહિને કોઈ એક વિષય પર વિવિધ કાર્ટૂનોનો આસ્વાદ કરાવાતો. કબીરભાઈ અને નેહાબહેનની ઉલટને કારણે આ શ્રેણી પણ સાવ જુદી બની રહી.
દીપકભાઈએ જણાવેલું કે દસેક ચિત્રો દરેક હપતામાં સમાવી શકાશે. 'નવનીત'નું કદ અને તેમાં આવતી અન્ય સામગ્રીની સરખામણીએ આ ઘણું કહેવાય, પણ વિષયને ન્યાય તો જ મળી શકે. દીપકભાઈએ એ માટે મોકળું મેદાન પૂરું પાડ્યું.
કાર્ટૂનકળાની બારીકીઓ ઊપરાંત તેના ઈતિહાસ અને વર્તમાનની અનેક બાબતો આ શ્રેણીમાં આવરી શકાઈ. જરૂર પડી ત્યાં મેં પણ કેટલાંક કેરિકેચર ચીતર્યાં. સળંગ ત્રણ વર્ષ ચાલ્યા પછી એને વિરામ આપવાનું નક્કી કર્યું.
કાર્ટૂન વિશે હજી ઘણું લખી કહી શકાય એમ છે. આ પહેલું પગથિયું છે. આગળઉપર કંઈક ને કંઈક થતું રહેશે.
મઝાની વાત એ થઈ કે મૂળ તો મારી કાર્ટૂનપ્રીતિ અખબારોમાંથી ફાડીને સંઘરવાથી શરૂ થયેલી. એ પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમની રજૂઆત કરવાનું સૂઝ્યું, જેણે આગળ જતાં બીજા અનેક વિષયમાં પ્રવેશ કર્યો. નડિયાદની કોલેજમાં તેમજ નવજીવનમાં ચાલતા પત્રકારત્વના અભ્યાસક્રમમાં એક વિષય તરીકે કાર્ટૂનને ભણાવવાનું થયું. એ પછી રાજુ પટેલના આગ્રહથી 'વારેવા'માં કાર્ટૂન ચીતરવાનું શરૂ થયું. અને હવે આ લેખન. ગમતા શોખના વિવિધ આયામોમાં આ રીતે પ્રવેશ કરવા મળે એથી વધુ આનંદ શો!
હવે આ શ્રેણી પુસ્તકરૂપે પ્રકાશિત થશે, પણ એમાં માત્ર પૂંઠું નહીં બદલાય. એકે એક હપ્તાનું પુન:આયોજન અને પુનર્લેખન તેમજ ઊમેરા થઈ રહ્યા છે. આ વર્ષમાં પુસ્તક પ્રકાશિત કરવાની ધારણા છે.
બસ ત્યારે, વધુ એ પુસ્તકના પ્રકાશન સમયે.
Subscribe to:
Posts (Atom)