Monday, September 28, 2026

હસ તૂ હરદમ...

કાર્ટૂન લઈને વિવિધ શ્રેણીના, અલગ અલગ વયજૂથના દર્શકો સામે જવાની એક મજા છે. કાર્ટૂન આમ તો દૃશ્યકળા છે, પણ દરેક વયજૂથના, વિસ્તારના, સમુદાયના લોકો એનો પ્રતિભાવ અલગ અલગ રીતે આપતા હોય છે. આપણને એમ લાગે કે આ કાર્ટૂન સમજતાં એમને થોડી વાર લાગશે, તો એ લોકો એને તરત જ સમજી જતાં હોય છે. એમ ઝટ સમજાતાં કાર્ટૂનમાં ક્યારેક વિગતે વાત કરવી પડતી હોય છે. આ અનુભવ વધુ એક વાર આજે પુનરાવર્તિત થયો.


વડોદરાના નાગરવાડા ખાતે આવેલી 'એમ.ઈ.એસ.' (મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી)ની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ આજે 'કહત કાર્ટૂન' લઈને જવાનું બન્યું. આ શાળાના આચાર્ય શકીલભાઈ પઠાણ અમારા મહેમદાવાદના, એટલું જ નહીં, અમારા પ્રિય શિક્ષક પઠાણસાહેબ(હનીફ 'સાહિલ')ના દીકરા. ઘણા વખતથી તેમનું આમંત્રણ ઊભું હતું. આખરે આજે એ મુહૂર્ત આવ્યું. અગાઉ એક આંતરશાળા સ્પર્ધામાં મિત્ર રાજેશ દાણી આ શાળામાં નિર્ણાયક તરીકે ગયેલા અને બહુ પ્રસન્ન થયેલા. આ શાળામાં તમામ વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના છે. સહશિક્ષણની શાળા છે. પડી શકે એટલી તમામ મુશ્કેલીઓ અહીં છે, અને એને પહોંચી વળવાના પડકાર શકીલભાઈ અને એમની હોંશીલી ટીમ ઊઠાવી રહી છે. એટલે આજે પહેલી વાર તો વિદ્યાર્થીઓને કેવળ કાર્ટૂનના માધ્યમથી પરિચીત કરવા એમ નક્કી થયું. એ મુજબ આઠમા અને નવમા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ રખાયો.

સવારે સાડા અગિયારે અમે પહોંચી ગયા. ઈશાને રબ્બાણીસાહેબની સાથે જઈને એસેમ્બલી હૉલમાં પ્રેઝન્ટેશન ગોઠવવાની તૈયારી કરી. કામિની અને હું શકીલભાઈ સાથે બેઠા. એ દરમિયાન તેમના વિવિધ વિષયોના શિક્ષકોનો તેમણે પરિચય કરાવ્યો.
હારબંધ ગોઠવાઇ ગયેલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ
ઊપર બધું ગોઠવાઈ ગયું હોવાનો સંદેશ મળ્યો એટલે અમે ત્રણ-ચાર દાદર ચડીને છેક ઊપર આવેલા એસેમ્બલી હોલમાં પહોંચ્યા. પ્રાર્થના-પરિચય-સ્વાગતાદિ ઔપચારિકતાઓ ઝડપથી પતાવીને કાર્યક્રમ શરૂ કર્યો. શકીલભાઈ બિલકુલ પાછળની હરોળમાં જઈને ગોઠવાયા.
પહેલાં તો કાર્ટૂન એટલે શું, અને શું નહીં, એનો આછો અંદાજ અને પછી વારાફરતી વિવિધ વિષયનાં કાર્ટૂન. એક પછી એક કાર્ટૂન પડદા પર આવે કે નવેસરથી હસવાના અવાજ સંભળાય. બસ, એ અવાજ જ કહી આપે કે કાર્યક્રમમાં સૌને કેવો રસ પડી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન
એકાદ કલાકના આ કાર્યક્રમ પછી સવાલજવાબ રાખેલા. એમાં પણ આ શાળાના ચિત્રશિક્ષક શોએબભાઈ પોતે કાર્ટૂનના ચાહક નીકળ્યા. તેમણે જણાવ્યું કે એમનાં દોરેલાં કાર્ટૂનોનું પ્રદર્શન તેઓ કરી ચૂક્યા છે. 'ધ હિન્દુ'ના કાર્ટૂનિસ્ટો કેશવ અને સુરેન્‍દ્રના તેઓ ચાહક છે. આ જાણીને સુખદ આશ્ચર્ય થયું. કેમ કે, અત્યાર સુધી કાર્ટૂનમાં રસ ધરાવતા લોકો મોટે ભાગે આર.કે.લક્ષ્મણ કે મારિયોથી આગળ ભાગ્યે જ વધતા જણાયા છે. તેમણે સરસ પ્રતિભાવ આપ્યો.
વિદ્યાર્થીઓ વતી પણ થોડા સવાલ પૂછાયા. પણ સૌ વિદ્યાર્થીઓએ ઈચ્છા વ્યક્ત કરી કે આવો કાર્યક્રમ ફરી કરવો. ફરી આવવાના વાયદા સાથે અમે છૂટા પડ્યા.
કાર્યક્રમ પછી પ્રતિભાવ આપતા અને
સવાલ પૂછતા શોએબભાઈ, (વચ્ચે) શકીલભાઈ
એ પછી શાળાસંકુલની ટૂંકી મુલાકાત, વિવિધ પ્રવૃત્તિઓની એક ઝલક નિહાળી. એ જોઈને બહુ આનંદ થયો કે આખી ટીમ કશી ફરિયાદ કરવાને બદલે હોંશપૂર્વક વિદ્યાર્થીઓને સાંકળતા વિવિધ ઉપક્રમ સતત યોજતી રહે છે. શકીલભાઈ સાથે મહેમદાવાદની, પઠાણસાહેબની યાદો તાજી કરી. ફરી મળવાના વાયદા સાથે અમે વિદાય લીધી ત્યારે વધુ એક વાર આ પ્રકારના કાર્યક્રમમાં થતી અનુભૂતિ ઘેરી થઈ કે દરેક કાર્યક્રમ આપણને કશુંક ને કશુંક શીખવતો જાય છે.
(તસવીરો: ઈશાન)

Friday, September 25, 2026

પુસ્તકમેળે...

છેલ્લા થોડા વખતમાં શાળાઓ સાથે, શાળાના શિક્ષકો અને સંચાલકો સાથે મળવાનું વધતું રહ્યું છે, અને તેને કારણે અત્યાર સુધી જે સૃષ્ટિને એક તરફથી જોઈ હતી, એની બીજી બાજુનો પરિચય થતો રહ્યો છે. શાળાઓ દ્વારા યોજાતા વિવિધ ઉપક્રમના સાક્ષી, નિમિત્ત કે સહભાગી બનવાની તક મળતી રહી છે, અને તેના હજી સુધી થયેલા અનુભવો ઘણા ઉત્સાહજનક રહ્યા છે.

આજે આવા જ એક ઉપક્રમના સાક્ષી બનવાનું થયું. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી 'એમિકસ ઈન્ટરનેશનલ સ્કૂલ' આમ તો ભરૂચની 'એમિટી સ્કૂલ'ની ભગિની સંસ્થા. આ શાળાનું સંચાલન ઉત્પલભાઈ શાહ કરી રહ્યા છે, અને તેની સાવ શરૂઆતમાં તેની મુલાકાત લેવાનું બનેલું. અહીંનાં અતિ ઉર્જાવંત આચાર્યા ડૉ. હેમા અભિરૂપ સાથે એ પછીની બે-ત્રણ મુલાકાત ઊપરાંત પરોક્ષ રીતે સંપર્ક પણ ખરો.

હેમાબહેને જાણ કરી કે શાળામાં પહેલી જ વાર પુસ્તકમેળાનું આયોજન થઈ રહ્યું છે, અને તેનું ઉદ્‍ઘાટન મારે કરવું. મારે વિદ્યાર્થીઓ સમક્ષ કંઈક બોલવું પણ ખરુંં. વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્યની વાત આવે એટલે હું મારી જાતને જ દયામણા ચહેરે શ્રોતાઓની વચ્ચે, વિદ્યાર્થી સ્વરૂપે બેઠેલો કલ્પી લઉં. જો કે, હેમાબહેને મારી આ મૂંઝવણ પામી લઈને ધરપત આપતાં કહ્યું કે ત્રણ-ચાર મિનીટ જ બોલજો. આ જાણીને હાશ થઈ.
સવારના દસ વાગ્યાનો સમય હતો. એટલે અમે સમયસર પહોંચી ગયાં. મારી સાથે કામિની અને ઈશાન પણ હતા. એનસીસીના વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને અમારું સ્વાગત કર્યું અને અમને કોન્ફરન્સ રૂમ સુધી દોરી ગયા. આ બેન્ડમાં મેં પહેલી વખત બેગપાઈપ વાગતી જોઈ(સાંભળી). એ પછી સૌ સાથે ઔપચારિક પરિચય અને અમે પુસ્તકમેળો જ્યાં યોજેલો એ હોલ તરફ જવા નીકળ્યાં.
પ્રવેશદ્વારે સ્વાગતથી અંદર સુધી દોરી
જવાની વિધિ (તસવીર: ક્રિશ્ના શર્મા)
વિદ્યાર્થીઓએ પુસ્તકમેળાને અનુરૂપ કલાકૃતિઓ પણ તૈયાર કરેલી. બે એક સેલ્ફી પોઈન્‍ટ પણ તેમણે બનાવેલા. પૂછતાં જાણવા મળ્યું કે અગાઉના દિવસોમાં વિદ્યાર્થીઓને આ સ્થળે 'બ્રાઉઝ' કરવા માટે મોકલવામાં આવેલા. સાથે તેમને એક 'વીશ લિસ્ટ' અપાયેલું. એમાં તેઓ પોતાને ગમતા પુસ્તકનું નામ અને કિંમત લખી શકે. જરૂર પડે તો પોતાનાં માતાપિતાને ફોન દ્વારા પુસ્તક પણ બતાવી શકે. અને પછીના દિવસે માતાપિતા આવે ત્યારે તેઓ એ પુસ્તક ખરીદી શકે. આ જાણીને બહુ સારું લાગ્યું.

પુસ્તકમેળા પહેલાંના દિવસોમાં વિદ્યાર્થીઓ
દ્વારા 'બ્રાઉઝિંગ' (તસવીર: સ્નેહલ શેઠ)
રીબન કાપીને વિધિવત રીતે પુસ્તકમેળાનું ઉદ્‍ઘાટન કર્યા પછી સ્વાગત, પરિચય વગેરેની ઔપચારિકતા અને એ પછી વક્તવ્ય હતું. એમાં ખાસ એ મુદ્દા પર ભાર મૂક્યો કે મોબાઈલ ફોન વિરુદ્ધ પુસ્તક જેવી કશી વાત નથી. બન્ને પોતપોતાને ઠેકાણે યોગ્ય છે. બન્ને અલાયદાં માધ્યમ છે, અને તેનું આગવું મહત્ત્વ છે.

રીબન કાપીને પુસ્તકમેળાનું ઉદ્‍ઘાટન,
ડાબે ઊભેલાં ડૉ. હેમા અભિરૂપ. (તસવીર: ક્રિશ્ના શર્મા)
આ ટૂંકા વક્તવ્ય પછી અમે પુસ્તકમેળાની મુલાકાત લીધી. વિવિધ પુસ્તકો, એને લગતી કલાકૃતિઓ, વિદ્યાર્થીઓએ બનાવેલાં પેપરવેઈટ, બુકમાર્ક વગેરે જોયાં. એ પછી કોન્ફરન્‍સ રૂમમાં ચા-નાસ્તો હતો. વિવિધ વિભાગીય વડા સાથે પરિચય અને વાતચીતનો આ સરસ સમય, અને એમિટીની આ સંસ્કૃતિથી હું પરિચીત. એટલે એનો આનંદ લીધો. વિવિધ મુદ્દે વાત થઈ.
ત્યાર પછી હેમાબહેનની સાથે અમે સમગ્ર શાળાના પરિસરની મુલાકાત કરી. સ્થાપત્યની રીતે બહુ મોકળું, કળાત્મક અને વિવિધ જરૂરિયાતોને સમાવતું સંકુલ મજાનું છે.

પુસ્તકમેળામાં (તસવીર: ક્રિશ્ના શર્મા)
ઉત્પલભાઈ આજે આવવા નીકળ્યા, પણ એમને એક કામ આવી જતાં તેઓ અધરસ્તેથી પાછા વળી ગયા. આમ છતાં ફોન પર અમારી વાત થઈ.

કાર્યક્રમ પછી સ્નેહમિલન (તસવીર: ક્રિશ્ના શર્મા)
બે એક કલાકનો આ સમય બહુ આનંદદાયી રહ્યો.
વિદ્યાર્થીઓ પુસ્તક સાથે આ રીતે સંકળાશે એ જાણીને ખુશી થઈ. આવા વિભિન્ન કાર્યક્રમો યોજાતા રહે એવી શુભેચ્છા અને એ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન.

Monday, September 14, 2026

કુકેરીમાં વાત કાર્ટૂનકળાની

રવિવાર સાંજથી સોમવાર બપોર (6 અને 7 સપ્ટેમ્બર) સુધી કુકેરીમાં રોકાણ હતું અને પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ બીજા મિત્રો સાથે કામ અંગેની વાત કરવાની હતી. પણ મારી ઈચ્છા આ રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની હતી. પરિમલભાઈને એ જણાવતાં તેમણે બહુ ઊલટભેર એ વ્યવસ્થા ગોઠવી આપી. વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂન અંગેનો કાર્યક્રમ રજૂ કરવું એમ નક્કી થયું. આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની તૈયારી કરી હતી. પહેલાં વિદ્યાર્થીનીઓ સમક્ષ અને પછી વિદ્યાર્થીઓ સમક્ષ એમ કુલ બે કાર્યક્રમ સવારના ભાગે રાખવાનું આયોજન થયું.

અમારા આવાસની જવાબદારી પ્રીતિ ઐયરે સંભાળેલી. જમતાં જમતાં તેમની સાથે પણ વાતો થઈ. એમ પછીના દિવસના કાર્યક્રમ અંગે સંબંધિત વિભાગના આચાર્યો સાથે કોન્‍ફરન્‍સ કોલ પર ચર્ચા થઈ.
બીજા દિવસે સવારના સાડા આઠ આસપાસ અમે પહોંચી ગયાં. કાર્ટૂનકળાનો આરંભિક પરિચય મળી રહે એ મુખ્ય હેતુ સાથે કાર્યક્રમ આરંભાયો અને લગભગ એક-સવા કલાક ચાલ્યો. જો કે, ખરી મઝા કાર્યક્રમ પછીના સવાલ-જવાબની રહી. કાર્ટૂનમાં તો સૌને મઝા આવેલી એ પૂછવાની જરૂર નહોતી, કેમ કે, કાર્યક્રમ દરમિયાન કાને પડતા હાસ્યના અવાજો જ એનું પ્રમાણ હતાં. આથી મને એમ હતું કે વિદ્યાર્થીનીઓ કાર્ટૂનકળા વિશે સવાલ પૂછશે. એને બદલે તેમણે મારા વિશે સવાલો પૂછ્યા.
કાગળની મસ્ત કલાકૃતિ દ્વારા સ્વાગત

વિદ્યાર્થીનીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત

કાર્યક્રમના આરંભે અપાયેલા મારા ઔપચારિક પરિચયમાં જે કંઈ બાકી હતું એ બધું વિદ્યાર્થીનીઓએ પૂછી લીધું. જેમ કે, એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમને કાર્ટૂનમાં ક્યારથી રસ પડવા લાગ્યો?' મારી સાથે કામિની અને ઈશાન આવેલાંં. તો એક વિદ્યાર્થીની કહે, 'તમારી ટીમનો પરિચય કરાવો.' આવા તો અનેક સવાલો તેમણે કુતૂહલવશ પૂછ્યા, જેના જવાબ આપવાની મજા આવી અને વધુ એક વાર એ બાબત શીખવા મળી કે આ પ્રકારના કાર્યક્રમમાં આગોતરી ધારણા બાંધી લેવાથી દૂર રહેવું. અને પૂછાતા તમામ સવાલના જવાબ શક્ય એટલી પ્રામાણિકતાથી આપવા.
વિદ્યાર્થીનીઓ સમક્ષના કાર્યક્રમ પછી પંદરેક મિનીટનો બ્રેક હતો. અને હવે જવાનું હતું વિદ્યાર્થીઓ પાસે. જવાબો આપવામાં, પાત્રો ઓળખવામાં વિદ્યાર્થીઓ વધુ બોલકા લાગ્યા.

વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત
કાર્યક્રમ પછી રસ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત

કાર્યક્રમમાં તેમને મજા આવી, એટલે મનેય મજા આવી. અને એ પછીના સવાલજવાબના દોરમાં પણ વિવિધ સવાલો પૂછાયા. ખાસ તો, કાર્યક્રમ પૂરો થયા પછી અમે નીકળી રહ્યાં હતાં ત્યારે ત્રણેક વિદ્યાર્થીઓ મળવા આવ્યા. એમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ કંઈક પૂછવા માગતા હતા. ઊભા ઊભા જ એ સૌની સાથે નિરાંતે વાત કરીને એમની પૃચ્છા સંતોષી. એ પછી અમારે પ્રતાપનગર જવા માટે નીકળવાનું હતું.
વિવિધ વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે યોજાતા સંવાદ ખરેખર તો આપણી ખુદની સમજણને ઘડતા રહે છે, માંજતા રહે છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આ સમગ્ર ઉપક્રમનું આયોજન સહજતાથી ગોઠવી આપવા બદલ પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ સંબંધિત વિભાગના આચાર્યો અને શિક્ષકોનો આભાર.

(તસવીરો: ઈશાન કોઠારી)

Wednesday, September 9, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (2)

આવું શિર્ષક જરા વધુ પડતું રોમેન્ટિક કે આદર્શ લાગી શકે. પણ આ બે દિવસમાં એનો બરાબર અનુભવ થયો. જાતને મેં સવાલ પૂછ્યો કે આ સહુ સાથેનો મારો સંબંધ બંધાયો શી રીતે? જવાબ આ હતો.

એમિટી સ્કૂલ, ભરુચથી અમારો મુકામ હતો વાપિ. પણ વચ્ચે એકાદ કલાક અમે પ્રિય બકુલાબહેનને મળવાનું નક્કી કરેલું. બકુલાબહેન સાથે આમ તો પરોક્ષ પરિચય ખરો, પણ પ્રત્યક્ષ પરિચય મહેન્દ્ર દેસાઈની જીવનકથા લખવા નિમિત્તે ભાનુબહેન દેસાઈ દ્વારા થયો. ત્યારથી લઈને આજ સુધી તેમની સાથે નિયમીતપણે અનિયમીત સંપર્ક રહ્યો છે. કામિની અને ઈશાન તેમને મળે એવી મારી ખાસ ઈચ્છા, કેમ કે, કામિનીએ તેમની સાથે ફોન પર વાત કરેલી છે, પણ મળવાના સંજોગો ઊભા થયા નહોતા.

બકુલાબહેન સાથે 
બકુલાબહેનને ત્યાં અનૌપચારિક ગોષ્ઠિ થઈ. તેમનું આતિથ્ય માણ્યું. એ જ સમયે મારે એક અરજન્ટ કામ આવી ચડતાં મેં એને ન્યાય આપ્યો. ત્યાં સુધી કામિનીએ અને બકુલાબહેને ગપ્પાંગોષ્ઠિ કરી. છેલ્લે છેલ્લે હું પણ જોડાયો. આ મુલાકાતની બહુ મધુર યાદગીરી લઈને અમે ત્યાંથી વાપિ જવા નીકળ્યાં.
****
આ લેખમાળાની પ્રથમ કડીમાં પ્રો. રાવજીભાઈ પટેલ 'મોટા'ના પુસ્તક અને તેના થકી થયેલા રણછોડભાઈ શાહના પરિચયની વાત લખી હતી. હવે આ જ પુસ્તકે મને કેવા સંબંધ સંપડાવી આપ્યા એની વધુ વાત.
કુકેરી ગામનાં ડાહીબહેન પરમાર વિશે મેં અગાઉ જણાવેલું, જેમનો પરિચય મને આ જ પુસ્તક થકી થયેલો. (ડાહીબહેન વિશેનો લેખ અહીં વાંચી શકાશે.)
માંડ ચારેક વરસના પરિચય અને ફક્ત એક જ વખતની રૂબરૂ મુલાકાત પછી ડાહીબહેને અણધારી વિદાય લીધી. પણ એ સંબંધનો અંત નહીં, સંબંધસૃષ્ટિનો આરંભ હતો. તેમની વિદાય પછી એક રિવાજ લેખે, તેમના પતિ ચંદ્રસિંહ પરમાર વર્ષમાં ચાર-પાંચ વખત, ખાસ કરીને તહેવારો પર નિયમિતપણે ફોન કરતા અને શુભેચ્છા પાઠવતા તેમજ બધાંની ખબરઅંતર પૂછતાં. 2020માં દીકરી શચિના લગ્નપ્રસંગે તેમના પુત્ર રાજેન્દ્રભાઈ દિલ્હીથી સીધા જ સુરત ઊતરીને ખાસ હાજરી આપવા આવેલા. તો તેમનાં દીકરી- જમાઈ પ્રતિભાબહેન અને પરિમલભાઈ પણ વચ્ચે વચ્ચે ફોન પર વાત કરતાં. એ અગાઉ 2019 માં મારું પુસ્તક 'ગુર્જરરત્ન' ડાહીબહેનને અર્પણ કર્યું ત્યારે તેમનાં સંતાનો- રાજેન્દ્રભાઈ, પ્રતિભાબહેન અને ઉર્વશીબહેન તો ખરાં જ, ડાહીબહેનના ભાઈઓ - રણછોડભાઈ અને ઉમેદસિંહભાઈનો પણ ફોન આવ્યો હતો. આમ, જાણે કે એ મારો જ વિસ્તૃત પરિવાર હોય એમ લાગેલું.
સિલવાસ ખાતે: (ડાબેથી) કાવ્યા, કુંતલબહેન, રાજેન્દ્રભાઈ,
કામિની, બીરેન અને ચંદ્રસિંહકાકા (તસવીર: ઈશાન)

હસીખુશીની પળો: (ઉભેલાં ડાબેથી) : રાજેન્દ્રભાઈ, કાવ્યા, કામિની,
 કુંતલબહેન, (બેઠેલાં ડાબેથી): બીરેન, ઈશાન, ચંદ્રસિંહકાકા
ચંદ્રસિંહકાકા હવે કુકેરી નહીં, પણ પુત્ર રાજેન્દ્રભાઈ સાથે સિલવાસ રહે છે. આથી વાપિના ટૂંકા રોકાણ દરમિયાન અમે તેમને મળવા જવાનું નક્કી કર્યું. રવિવારે સવારે અમે ત્યાં પહોંચ્યા અને બહુ ઉષ્માસભર રીતે મળ્યા. તેમને ત્યાં અમે કલાકેક ગાળ્યો, તેમનું આતિથ્ય માણ્યું અને જાતભાતની વાતો કરી. રાજેન્દ્રભાઈ, કુંતલબહેન અને દીકરી કાવ્યા સાથે ડાહીબહેન વિશે અને એ ઊપરાંત પણ ઘણી વાતો થઈ.
સાંજે અમારે કુકેરી પહોંચવાનું હતું, અને પ્રતિભાબહેન-પરિમલભાઈને ત્યાં ઊતરવાનું હતું. એ જ રીતે પછીના દિવસે એટલે કે સોમવારે નજીકના પ્રતાપનગર ખાતે રહેતા ડાહીબહેનના ભાઈ-ભાભી ઉમેદસિંહભાઈ અને ઉર્મિલાબહેનને મળવાનું હતું. ઉમેદસિંહભાઈના ખાસ આગ્રહ મુજબ અમારે એમને ત્યાં ભોજન લેવાનું હતું.
પ્રતિભાબહેન અને પરિમલભાઈની આ વિસ્તારમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી લખવા વિચાર છે, એટલે અહીં માત્ર એનો ઉલ્લેખ કરીને આગળ વધું છું. તેમની દીકરી માલવીએ બહુ રસપૂર્વક ડાહીબહેન વિશેની વાતો સાંભળી. સ્વાભાવિક રીતે જ, એક 'બહારની' વ્યક્તિના દૃષ્ટિકોણનો તેને ખ્યાલ ન જ હોય. માલવી એટલી સંવેદનશીલ અને લાગણીભીની છે કે 'દાદી' વિશેની વાત સાંભળતાં અનાયાસે જ એની આંખો અનેક વાર ભીંજાઈ.

કુકેરી ખાતે: (ઊભેલાં ડાબેથી): પ્રતિભાબહેન, માલવી, કામિની,
(બેઠેલાં ડાબેથી): પરિમલભાઈ, ઈશાન, બીરેન. (તસવીર: પ્રીતિ ઐયર)
પ્રતિભાબહેન અને પરિમલભાઈને ત્યાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે બપોરે ઉમેદસિંહભાઈને ત્યાં ઊપડ્યા. એ જ પ્રેમભર્યો આવકાર અને 'અઠવાડિયું રહેવા આવો'નો પ્રેમાગ્રહ. અમે રહેવા આવીએ તો અમારે કયા રૂમમાં ઊતરવાનું એ પણ તેમણે બતાવ્યું. ત્યાં પણ ચારેક કલાક અમે વીતાવ્યા અને અવનવી વાતો કરી. નેવુ વટાવી ચૂકેલા ઉમેદસિંહભાઈનું સ્વાસ્થ્ય એકદમ મજબૂત હતું.
ઉમેદસિંહભાઈ સાથે એક નાનકડા 'વહીવટ' વિશે વાત
બીજી તરફ વાંસદા રહેતાં ઉર્વશીબહેન સતત આગ્રહ કરતાં રહ્યાં કે અમે ત્યાં આવીએ. અમે ત્યાં જવા નીકળ્યા પણ ખરા. જો કે, એક નાનકડી અડચણ પેદા થતાં છેવટે અમારાથી જઈ ન શકાયું. અને અમે પાછા સુરતની વાટ પકડી.
આ બે દિવસનો અલગ અલગ સમય ડાહીબહેનનાં પરિવારજનો સાથે વીતાવ્યો. આ સંભારણું એટલું મધુર બની રહ્યું છે કે હજી મનમાં એની મિઠાશ પ્રસરેલી છે.
ફરી વાર એ જ સવાલ થાય છે. આ પરિવાર સાથે મારે સગપણ શું? અમે શી રીતે મળી શક્યાં? અને પહેલી મુલાકાતથી લઈને છેક આજ સુધી આટલો સ્નેહભાવ શી રીતે જળવાયેલો રહ્યો?
જવાબ એ જ. સગપણ શબ્દનું. અને સગાં શબ્દનાં. આવા સંપર્કો થતા રહ્યા છે, હજી થતા રહે છે, ત્યારે અનુભવાય છે કે લેખનક્ષેત્રે આવ્યો ન હોત તો શું આ શક્ય બન્યું હોત ખરું?

(સંપૂર્ણ) 

Tuesday, September 8, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (1)

મનુષ્યની જેમ પુસ્તકની પણ એક નિયતિ હોય છે. એ લખાતું હોય ત્યારે જુદું હોય, પ્રકાશન થાય ત્યારે જુદું હોય, અને વાચકના હાથમાં પહોંચે ત્યારે પણ જુદું હોય. આમ તો, વાચકના હાથમાં પુસ્તક પહોંચે અને એ વાંચીને તેનો પ્રતિભાવ લેખક સુધી પહોંચે તો વર્તુળ પૂરું થયું ગણાય- એમ હોવું જોઈએ. એમ કેટલા કિસ્સામાં થાય છે એ ન જાણીએ તો 'સુહાના ભરમ' ટકી રહે.

જુલાઈ, 2010માં પ્રકાશિત થયેલું, વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મેં લખેલું પુસ્તક મને અનેક રીતે ફળ્યું. એક વાર એક ફોન આવ્યો. "હું રણછોડ શાહ બોલું છું, ભરુચથી." મેં કહ્યું, "હા, બોલો." એ પછી રણછોડભાઈ જે બોલ્યા એનું તાત્પર્ય એ કે 'મોટા'ના હાથ નીચે તેઓ ગણિત ભણ્યા હતા, પણ તેમને મોટાના આ પાસા વિશે ખ્યાલ નહોતો. હવે =ઘણાં વરસોથી ભરુચમાં એમિટી નામની એક સ્કૂલ ચલાવે છે. એ પછીના વરસે તેમણે મને એમિટી સ્કૂલમાં, બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં નિમંત્રણ આપ્યું. વક્તવ્યની મને ખાસ ફાવટ નહીં, અને એ વિકસાવવાની રુચિ પણ નહીં. એક વાર તો મને થયું કે ના પાડી દઉં. પછી બીજો વિચાર આવ્યો કે લેખક તરીકે આ અનિવાર્ય બાબત રહેશે. એમ કોને કોને હું ના પાડીશ? એટલે મેં એ આમંત્રણ સ્વીકાર્યું. એ વર્ષ લગભગ 2011નું. બસ, ત્યારથી શરૂ થયેલો રણછોડભાઈ અને એમિટી સ્કૂલ સાથેનો સંબંધ હવે એ સ્તરે પહોંચ્યો છે કે જાણે એમિટીના બૃહદ પરિવારનો હું હિસ્સો ન હોઉં. એમિટી સ્કૂલના દસ્તાવેજીકરણનું પુસ્તક 'કેળવણીના કર્મયોગો' 2023માં પ્રકાશિત થયું એ અગાઉ ચાર-પાંચ વર્ષ ચાલેલી તેની લેખનપ્રક્રિયા દરમિયાન સમગ્ર એમિટી પરિવારની વધુ નિકટ આવવાનું બન્યું.

આ વરસે આવતા શિક્ષક દિન નિમિત્તે એમિટીમાંથી આમંત્રણ આવ્યું કે અમારા શિક્ષકો સમક્ષ 'મોટા' વિશે વાત કરવી. આ તો ગમતી વાત. જો કે, મેં એમ પણ સૂચવ્યું કે હું મારી વાત કરું એ અગાઉ રણછોડભાઈ પોતે પોતાની નજરે 'મોટા' વિશે વાત કરીને પૂર્વભૂમિકા બાંધે અને એ પછી હું મારી વાત કરું.
એમ આખો ઉપક્રમ ગોઠવાયો.
આ વખતે મારી સાથે કામિની ઉપરાંત ઈશાન પણ હતો. નિયત દિવસે સવારે અમે એમિટી પહોંચી ગયા. અહીં અડધો કલાક વહેલા પહોંચવાની એક લાલચ કાયમ રહે છે. મસ્ત ચા-નાસ્તા સાથે એમિટીના 'કોર ગૃપ' (વિવિધ વિભાગોના વડા) સાથે ગપસપનું આકર્ષણ મને હંમેશાં રહે છે. સરોજબહેન સદાય હસતાં, આગતાસ્વાગતા માટે તૈયાર હોય. તો તોરલબહેન પટેલ, રીનાબહેન તિવારી, સુબી મેડમ, સુનિતા મેડમ, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય (આ વખતે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે આ ગપસપમાં નહોતાં, પણ કાર્યક્રમમાં હતાં) સાથે અનેક વિષયો છેડાય અને હાસ્યના અવાજ પણ સંભળાય. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ હાજર હતાં, તો પ્રમેશબહેન મહેતાની વિદાય પછી તેમના ખાલી પડેલા સ્થાનનો અહેસાસ પણ થતો હતો.
ચા- નાસ્તા દરમિયાન 'ચેનલ નર્મદા'વાળા ઋષિ દવે અને બકુલભાઈ પટેલ પણ આવી ગયા. ગપસપ પછી કાર્યક્રમના સ્થળે અમે આવી પહોંચ્યા. દરમિયાન ભરુચનિવાસી મિત્ર દેવેન્‍દ્રસિહ ગોહીલ અને કાનન પણ આવી ગયાં. તો વક્તવ્ય દરમિયાન મિત્ર નીતિન ભટ્ટ પણ આવ્યા.
પ્રાર્થના પછી રીનાબહેન તિવારીએ પરિચય આપ્યો અને પ્રકાશભાઈ મહેતાએ સંચાલન સંભાળ્યું.

રીનાબહેન તિવારી દ્વારા વક્તા પરિચય

રણછોડભાઈ પોતાના શિક્ષક 'મોટા'ની વાત કરી રહ્યા છે.

સંકુલ નિયામક પ્રકાશભાઈએ એક નિષ્ઠાવાન વિદ્યાર્થીની જેમ આ પુસ્તકનું 'રીવીઝન' કર્યું હતું, એનો અહેસાસ કાર્યક્રમ દરમિયાન થતો રહ્યો. સ્વાગતાદિની વિધિ પછી રણછોડભાઈએ 'મોટા' વિશે વાત કરી, સાથે એ વાત પર ખાસ ભાર મૂક્યો કે જે રીતે 'મોટા'ને ત્યાં વિદ્યાર્થીઓ મળવા જતા હતા, એમ વિદ્યાર્થીઓ પોતાની પાસે આવે એવું શિક્ષક કેમ ન કરી શકે? એ જ રીતે, શિક્ષકોએ પણ 'આવા' લોકોને મળવું જોઈએ.
મારા વક્તવ્યને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલું. એ મુજબ, પહેલાં 'મોટા' કોણ અને શું હતા એની વાત કરી, એ પછી પુસ્તકલેખનની પ્રક્રિયા અને મને એમાં નડેલી મૂંઝવણ વિશે જણાવ્યું, તેમજ છેલ્લે એ પુસ્તકની ડિઝાઈન અંગે પણ વિગતવાર વાત કરી. આ પુસ્તકલેખનનો યોગ જેમના થકી પ્રાપ્ત થયો એ બિપીનભાઈ શ્રોફને યાદ કર્યા.

મોટા વિશે અને પુસ્તક વિશે વાત
એકાદ કલાકમાં આટલી વાત કર્યા પછી સવાલજવાબનો દોર શરૂ થયો. વિવિધ શિક્ષકોએ અલગ અલગ પ્રકારના સવાલ કર્યા. સવાલજવાબ બહુ રસપ્રદ બની રહ્યા, કેમ કે, વક્તવ્યમાં ન આવરી શકાઈ હોય એવી વાતો એમાં સમાવાઈ ગઈ. પ્રકાશભાઈ પણ વચ્ચે યોગ્ય પાદપૂર્તિ કરતા હતા.
આમ, સમગ્રપણે એક સરસ ઉપક્રમનો હિસ્સો બનવાનું બન્યું. એ પછી ભોજન દરમિયાન પણ ગપસપનો દોર લંબાયો.
સવાલજવાબના રસપ્રદ દૌર દરમિયાન

આમ, મોટા નિમિત્તે રણછોડભાઈ સાથે થયેલા પરિચયથી શરૂ થયેલું વર્તુળ એમિટી સ્કૂલમાં મોટા વિશેની વાત કરવા સાથે પૂરું થયું હોય એમ લાગ્યું.
ભોજન પતાવીને અમારે હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાનું હતું, અને જેમને મળવાનું હતું એમાં યોગાનુયોગે 'મોટા'ના પુસ્તક થકી થયેલો અને વિસ્તરેલો પરિચય જ કારણભૂત હતો.

(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ, એમિટી સ્કૂલ)