છેલ્લા થોડા વખતમાં શાળાઓ સાથે, શાળાના શિક્ષકો અને સંચાલકો સાથે મળવાનું વધતું રહ્યું છે, અને તેને કારણે અત્યાર સુધી જે સૃષ્ટિને એક તરફથી જોઈ હતી, એની બીજી બાજુનો પરિચય થતો રહ્યો છે. શાળાઓ દ્વારા યોજાતા વિવિધ ઉપક્રમના સાક્ષી, નિમિત્ત કે સહભાગી બનવાની તક મળતી રહી છે, અને તેના હજી સુધી થયેલા અનુભવો ઘણા ઉત્સાહજનક રહ્યા છે.
આજે આવા જ એક ઉપક્રમના સાક્ષી બનવાનું થયું. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી 'એમિકસ ઈન્ટરનેશનલ સ્કૂલ' આમ તો ભરૂચની 'એમિટી સ્કૂલ'ની ભગિની સંસ્થા. આ શાળાનું સંચાલન ઉત્પલભાઈ શાહ કરી રહ્યા છે, અને તેની સાવ શરૂઆતમાં તેની મુલાકાત લેવાનું બનેલું. અહીંનાં અતિ ઉર્જાવંત આચાર્યા ડૉ. હેમા અભિરૂપ સાથે એ પછીની બે-ત્રણ મુલાકાત ઊપરાંત પરોક્ષ રીતે સંપર્ક પણ ખરો.
હેમાબહેને જાણ કરી કે શાળામાં પહેલી જ વાર પુસ્તકમેળાનું આયોજન થઈ રહ્યું છે, અને તેનું ઉદ્ઘાટન મારે કરવું. મારે વિદ્યાર્થીઓ સમક્ષ કંઈક બોલવું પણ ખરુંં. વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્યની વાત આવે એટલે હું મારી જાતને જ દયામણા ચહેરે શ્રોતાઓની વચ્ચે, વિદ્યાર્થી સ્વરૂપે બેઠેલો કલ્પી લઉં. જો કે, હેમાબહેને મારી આ મૂંઝવણ પામી લઈને ધરપત આપતાં કહ્યું કે ત્રણ-ચાર મિનીટ જ બોલજો. આ જાણીને હાશ થઈ.
સવારના દસ વાગ્યાનો સમય હતો. એટલે અમે સમયસર પહોંચી ગયાં. મારી સાથે કામિની અને ઈશાન પણ હતા. એનસીસીના વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને અમારું સ્વાગત કર્યું અને અમને કોન્ફરન્સ રૂમ સુધી દોરી ગયા. આ બેન્ડમાં મેં પહેલી વખત બેગપાઈપ વાગતી જોઈ(સાંભળી). એ પછી સૌ સાથે ઔપચારિક પરિચય અને અમે પુસ્તકમેળો જ્યાં યોજેલો એ હોલ તરફ જવા નીકળ્યાં.
વિદ્યાર્થીઓએ પુસ્તકમેળાને અનુરૂપ કલાકૃતિઓ પણ તૈયાર કરેલી. બે એક સેલ્ફી પોઈન્ટ પણ તેમણે બનાવેલા. પૂછતાં જાણવા મળ્યું કે અગાઉના દિવસોમાં વિદ્યાર્થીઓને આ સ્થળે 'બ્રાઉઝ' કરવા માટે મોકલવામાં આવેલા. સાથે તેમને એક 'વીશ લિસ્ટ' અપાયેલું. એમાં તેઓ પોતાને ગમતા પુસ્તકનું નામ અને કિંમત લખી શકે. જરૂર પડે તો પોતાનાં માતાપિતાને ફોન દ્વારા પુસ્તક પણ બતાવી શકે. અને પછીના દિવસે માતાપિતા આવે ત્યારે તેઓ એ પુસ્તક ખરીદી શકે. આ જાણીને બહુ સારું લાગ્યું.
| પુસ્તકમેળા પહેલાંના દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા 'બ્રાઉઝિંગ' (તસવીર: સ્નેહલ શેઠ) |
| રીબન કાપીને પુસ્તકમેળાનું ઉદ્ઘાટન, ડાબે ઊભેલાં ડૉ. હેમા અભિરૂપ. (તસવીર: ક્રિશ્ના શર્મા) |
ત્યાર પછી હેમાબહેનની સાથે અમે સમગ્ર શાળાના પરિસરની મુલાકાત કરી. સ્થાપત્યની રીતે બહુ મોકળું, કળાત્મક અને વિવિધ જરૂરિયાતોને સમાવતું સંકુલ મજાનું છે.
ઉત્પલભાઈ આજે આવવા નીકળ્યા, પણ એમને એક કામ આવી જતાં તેઓ અધરસ્તેથી પાછા વળી ગયા. આમ છતાં ફોન પર અમારી વાત થઈ.
વિદ્યાર્થીઓ પુસ્તક સાથે આ રીતે સંકળાશે એ જાણીને ખુશી થઈ. આવા વિભિન્ન કાર્યક્રમો યોજાતા રહે એવી શુભેચ્છા અને એ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન.
No comments:
Post a Comment