Monday, December 26, 2011

તારક મહેતા: પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

- બિનીત મોદી 

-         (તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ચિત્રલેખા જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ચિત્રલેખા’/ Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના દુનિયાને ઊંધા ચશ્મા વાંચવાનું. તારક મહેતા’/ Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.
દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ચિત્રલેખા વાંચવાનું અનિયમિત થયું, પણ ઊંધા ચશ્માં વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી. 
એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ચિત્રલેખાના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી. દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું. આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ. 

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ/ Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને કાકાના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)
કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.


રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.
મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ફિલ્મ્સ ડિવિઝનના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા એક્શન રિપ્લે’/ Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે. એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે. આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.
રહે છે અહીં, વસે છે સૌના દિલમાં
મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે,‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ. ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું,‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.
જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે,કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!
જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું,ક્યારે આવવાનું ફાવશે? મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં... કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું. તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.
એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ/ Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ગલ્ફ ન્યુઝ’/ Gulf News ના મેનેજરપદે હતા.
હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર આસ્ટોરિયા હોટલમાં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ભાણાનું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું,‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર. આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.
દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.
ઈન્દુમાસી- તારકકાકા 
મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે લાઇન ઓફ એક્શનની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.
લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.
લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું,‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે. મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ. આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ભત્રીજાનો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે. 

ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા 
ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ઉત્સવ હોટલના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ના પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી, મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.
તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે,શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા હવે તબિયતના કારણોસર એમ કરી શકતા નથી. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે માણસભૂખ્યું અને મહેમાનભૂખ્યું છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. પેરેડાઇઝ(એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.
ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા રેવડી દાણાદાણ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.
એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે,બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ફેમીલી મેમ્બર તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.
રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા. આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.
પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા 
ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'/ Tarak Mehta ka ooltah chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નથી અને સહજતાપૂર્વક તેને સ્વીકારી છે.
૨૦૦૮માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવભારત દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે.  
આજે 26 ડિસેમ્બર તારકકાકાનો, તારક મહેતાનો જન્મદિવસ છે. 1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને આજે અમદાવાદમાં જ ત્યાસીમાં વર્ષમાં પ્રવેશશે અને રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 768મો એપિસોડ હીંચકે બેઠા જોશે.
અમારી મિત્ર ત્રિપુટી સાથે 
 ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે, એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.
હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.
તારક મહેતાને ફોનથી શુભેચ્છા આપવા ઈચ્છતા મિત્રો (૦૭૯) ૨૬૩૦ ૨૬૪૭ પર બપોર પછી તેમનો સંપર્ક કરી શકે.

24 comments:

 1. સૌ પ્રથમ તો તમારા બ્લોગ દ્વારા તારક દાદા ને જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન ! સાથે સાથે આટલો સરસ અંગત સંભારણા સમો તમરો લેખ અમારા જેવા વાચકો સાથે વેહ્ચવા માટે આપનો પણ ખુબ આભાર, ગુજરતી સાહિત્ય માં આત્મકથા રૂપી સાહિત્ય વાંચવાની શરૂઆત તારક દાદા ની "એક્સન રિપ્લે" થીજ કરી હતી આજે પણ તેમના હસ્તાક્ષર મારી કોપી ઉપર ને તેમની સાથે ફોટો લેવાની અદમ્ય ઈચ્છા થાય છે , જોઈએ કયારે પૂરી કરી શકાય છે !

  ReplyDelete
 2. tartakbhai happy birthday (via: Oolta Chasma)
  Naresh Mehta Vadodara.

  ReplyDelete
 3. મુ. શ્રી તારકભાઈને ન વાંચ્યા હોય એવો ગુજરાતી ભાગ્યે જ હશે. એમણે જેઠાલાલ-દયા અને ટપુડાપાત્રોને જીવંત અને આપણાં કુટુંબનાં સભ્ય બનાવી દેધાં છે. આની સરખામણી બકોર પટેલ અને શેરલૉક હોમ્સ સાથે જ થઈ શકે! એ બન્ને જેટલા સાચા લાગે છે.જેઠા પરિવાર તો એના કરતાં પણ વધારે વાસ્તવિક છે! તારકભાઈને શુભેચ્છાઓ અને તમારો આભાર.

  ReplyDelete
 4. દોઢેક દાયકાનો ગાળો એક સાથે આંખ સામેથી પસાર થઇ ગયો હોય એવું લાગ્યું. તારકભાઇ-ઇન્દુકાકીની મહેમાનગતિ તો સદાબહાર છે જ, છતાં જે સહજતાથી ત્યાં જઇ શકાય છે એ આપણા 'મોદી નં.1'ને લીધે. છેલ્લાં થોડાં વર્ષોથી તારકભાઇ દાંત નકલી પહેરે છે, પણ એમાંથી ઝળકતું તેમનું સ્મિત ખરેખર અંતરનું-અંદરનું હોય છે.

  ReplyDelete
 5. Tarakkaka Vishe vadhu Janvani maza padi gai..

  ReplyDelete
 6. આજે બપોર જ તારકભાઇને ત્યાં ગયો ત્યારે તને યાદ કર્યો હતો.તમારા બન્નેની યુતિ અનન્ય છે. બીનીત,તારું નામ લેતાં ઇંદુબહેન પણ ગળગળાં થઇ જાય છે અને તારકભાઇની નજરમાંથી અમી ઝરે છે,
  અતિ ભાવવાહી લેખ ,રજનીકાકા

  ReplyDelete
 7. તારક કાકા જેવા prolific writer ભાગ્યેજ વાંચવામાં આવ્યા. તેમના લેખનમાં માનવજીવનના વૈવિધ્યપૂર્ણ પાસાઓનું વિનોદી શૈલીમાં મિલન વાંચી તેમના પ્રત્યેનું માન એટલી ઊંચાઇએ પહોંચ્યું હતું કે તેમને મળવા માટે જરૂરી સપાટી પર પહોંચી શકાય જ નહિ એવું લાગતું હતું. આપના લેખ દ્વારા તેઓ કેટલા મિલનસાર, અને ઉષ્માભર્યા સજ્જન છે તે જાણવા મળ્યું. ભારત આવવાનું થાય તો તેમને મળવાનો જરૂર પ્રયત્ન કરીશ - અને આપને પણ. અત્યંત ખુશી થશે.
  આપનો
  કૅપ્ટન નરેન્દ્ર
  www,captnarendra.blogspot.com

  ReplyDelete
 8. વાહ, બિનીતભાઈ વાહ! તમારા અને તારક મહેતાની અંતરંગ વાતો જાણીને મજા આવી.

  ReplyDelete
 9. જ્યોતિન્દ્ર દવેના ગયા પછી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં અનેક હાસ્ય લેખકો આવ્યા અને ગયા.પરંતુ તારક મહેતા હ્જુય અટ્લ,અડીખમ ઊભા છે.....ખરા માસ્ટર બ્લાસ્ટર છે....

  ReplyDelete
 10. wonderfull Binitbhai. Happy Birth Day to our beloved Tarak Mehta.

  ReplyDelete
 11. બીનીતભાઈ, તારકભાઈ આમેય અતિ ગમતા લેખક, એટલી હદ સુધી કે જયારે ચારે બાજુ થી ઘેરાઈ ગયા હોઈએ અને કંઈ પણ ના ગોઠતું હોય તેવા દિવસોમાં તેમના 'ઉલટા ચશ્માં' એ હળવી ફુંક મારી હતાશાને દુર રાખી છે. પણ તમારા દ્વારા તેમનું જે અંતરંગ શબ્દ-ચિત્ર મળ્યું, જાણે તેમને રૂબરૂ મળ્યા હોઈએ એવું લાગ્યું. ખાસ તો બે પ્રસંગે રોમાંચથી રૂંવાડા ઉભા થઇ ગયા .. એક, ‘હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.’ અને બીજું, "તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ .. ખરેખર તો આ માન-સન્માન તારકભાઈને .. તેમના શબ્દની તાકાતને મળતું હતું. " ભગવાન તારકકાકા ને તંદુરસ્ત દીર્ઘાયુ અર્પે એ પ્રાર્થના. Thanks Birenbhai for the post.

  ReplyDelete
 12. Belated Happy Birthday to Tarakbhai...
  and BINITBHAI, YOU ARE REALLY BLESSED to express what you think.... No words require to express my feelings.... I had chance to be with you for few years... but whenever I read any of your article, I feel those years... again....
  I Agree with the coment by Urvishbhai..."Aapna Modi No.1" You really deserve that title. From: Alpesh Parmar

  ReplyDelete
 13. ભરત કુમારDecember 28, 2011 at 9:15 AM

  પ્રિય બિનીતભાઈ,તારકકાકા (હું ય હવે એ જ કહું ને?)સાથેના તમારા સ્મરણો વાંચ્યા,ખૂબ જ આનંદ થયો.એક પોસ્ટકાર્ડથી આરંભાયેલો લાગણીનો પુલ છે....ક આત્મીયતાના છેડે સુધી લંબાયો.એ વાત સ્પર્શી ગઈ.એક વાચક તરીકેનો મુગ્ધ અહોભાવ તો ઉદાહરણરૂપ છે જ,પણ એક વાચકના અહોભાવનો હૂંફાળો (આજના યુગમાં થોડો દુર્લભ પણ ખરો.)પડઘો આપનાર તારક મહેતાની સંવેદનશીલતા કે માયાળુતા તો અદ્વિતીય જ ગણાય.તમને બંનેને સલામ.તારક મહેતાની ચિત્રલેખામાં પ્રગટ થતી અમર લેખમાળા 'દુનિયાને ઉંધા ચશ્માં' ગુજરાતી હાસ્યજગતની અનોખી ઘટના છે,આગવી મિરાત છે.'ટપુડા' ના એ સર્જકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.ને બિનીતભાઈ,તમારી લાગણીમાં ભિંજાવાનો મોકો મળ્યો છે,તમારી સ્પેશ્યલ બિનીતછાપ રમૂજમાં સાથે હસવાની થોડીક ક્ષણો માણવા મળી છે,એટલે કહેવું પડશે કે આ મોદી સાચે જ નંબર ૧ છે.એ બિરૂદના તમે હકદાર છો,દોસ્ત.

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. તારકકાકાને જન્મદિનની શુભેચ્છાઓ....
  વાહ બિનીતભાઇ...
  તમને અભિનંદન... ખુબ જ ભાવવાહી અને રસાળ લખાણ... છેકથી છેક તમારી સાથે રહ્યો...

  આશિષ કક્કડ
  અમદાવાદ

  ReplyDelete
 16. બીરેન કોઠારીDecember 29, 2011 at 3:08 PM

  હૂંફાળો પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. બિનીત મોદી પોતાનો બ્લોગ શરૂ ન કરે ત્યાં સુધી આ રીતે અવારનવાર એની કલમપ્રસાદી મળતી રહેશે.

  ReplyDelete
 17. finally could read this blog post and worth reading each word.I am happy that during my last trip ,i could also meet Tarak bhai and Indumashi with Jyoti chauhan.Somehow i became so sentimental after seeing Tarak bhai.He is one of the reason like Ashwini bhatt that i started reading gujrati literature....Thankx Birenbhai for such wonderful tribute...and Thanks Binitbhai everything....

  ReplyDelete
 18. No words really nice information. Where past his childhood ?

  ReplyDelete
 19. Very Apt N Timely piece on T bhai n I bahen. .......*Bharat M Ghelani/CHITRALEKHA/Mumbai

  ReplyDelete
 20. Going through the article, it felt like, along with you, I too met and living with Tarak Mehta!

  Superb narration!

  ReplyDelete