નદીના સતત ઘૂઘવાટને કારણે એમ લાગતું રહ્યું કે જાણે વરસાદ પડી રહ્યો છે. પણ એવું નહોતું. સવારે સૌ શાંતિથી જાગ્યાં. નીચે ગોઠવેલી ખુરશીઓ પર ગોઠવાઈને ચા-નાસ્તો કર્યો. પુરી અને બટાકાનું શાક સ્વાદિષ્ટ હતું. સાથે ચા. દરમિયાન આગલા દિવસની અવઢવ પૂરી થઈ ચૂકી હતી અને સૌએ જવાનું નક્કી કર્યું. બે કારની વ્યવસ્થા ગોઠવાઈ. સાડા અગિયાર આસપાસ અમે નીકળ્યાં. હોમસ્ટેથી ચઢાણ ચઢીને મુખ્ય માર્ગ પર આવ્યાં અને પાછળ નજર કરતાં જ મઝા પડી ગઈ. હીમશીખરો એકદમ મસ્ત રીતે ચમકી રહ્યાં હતાં.
| હોમસ્ટેથી ચઢીને મુખ્ય રસ્તા પર આવતાં જ દેખાય હીમશીખરોનો નજારો |
આજે અમારે તીર્થન નદીને સામે કાંઠે ઊપરની તરફ જે રસ્તો જતો હતો એ તરફ જવાનું હતું. મુકામ હતો શરચી અને જમાલા નામનાં બે ગામ. તીર્થન ખીણમાં આવેલાં સૌથી ઊંચાઈએ વસેલાં ગામ. રોડ સાવ તૂટેલો હતો, પણ સતત ચઢાણ હતું. અગાઉ થોડા સમય અગાઉ અહીં ભૂસ્ખલન થયેલું, જેની અસરો હજી જોઈ શકાતી હતી. એકાદ જગ્યાએ તો આખું મકાન ખીણમાં ધસવાની તૈયારીમાં દેખાયું. રસ્તે સૂકાયેલો કીચડ જણાયો. વચ્ચે એકાદ જગ્યાએ અમે ઊભાં રહ્યાં, કેમ કે, અહીંથી હીમશીખરો દેખાતાં હતાં. મોટા ભાગનો રસ્તો ધૂળિયો હતો. છેક શરચી પહોંચવા આવ્યાં ત્યારે રસ્તો કંઈક સરખો આવ્યો. શરચીમાં ઊતર્યા વિના અમે એ જ રસ્તે આગળ, નજીક જ આવેલા જમાલા ગામ ગયા. રસ્તે થોડા સફરજનનાં ઝાડ આવ્યાં. એ બતાવીને અમારા ડ્રાઈવર મહીન્દર 'માહી'એ કહ્યું કે કરા પડવાથી આ ઝાડ ખલાસ થઈ ગયા છે અને હવે એની પર સફરજન બેસશે નહીં. આ જાણીને થોડો જીવ બળ્યો. અમુક ઝાડ પર જાળી ઢાંકેલી પણ દેખાઈ. એ બચી ગયાં હતાં. અંતર બધું મળીને બાર- પંદર કિ.મી.નું હતું, પણ સીધું ચઢાણ અને રસ્તો ખરાબ હોવાથી પોણા બે- બે કલાક લાગેલા.
| ઘઉંના ખેતર વચ્ચેથી પસાર થતી કેડી |
| તીર્થન ખીણમાં સૌથી ઊંચે વસેલું રમણીય ગામ જમાલા |
| જમાલામાં સપાટ મેદાન |
તરત જ આવી ગયું. અને નીચે ઊતરીને સહેજ આગળ વધ્યા કે મોટું મેદાન દેખાયું. મેદાનને છેડે એક મંદિર જેવું હતું. તો મેદાનને અડીને એક નાનકડું તળાવ પણ હતું. સહેજ દૂર ઘરો દેખાતાં હતાં. અને એ ઘરોની પાછળ પર્વતો. મંદિરની પાસે એક ઝાડ નીચે કેટલાક પુરુષો વાત કરાતા બેઠા હતા. મેદાનમાં છોકરાં રમી રહ્યાં હતાં. આ ગામ ખાસ્સું જીવંત જણાયું.
અમે પાછા વળ્યા ત્યારે મુખ્ય રસ્તાના વળાંકે એક બેમજલી મકાન દેખાયું. એનાં બારણાં એકદમ આકર્ષક કોતરકામવાળાં હતાં. અહીં હાથે લખેલું એક બોર્ડ દેખાયું, જેમાં લખેલું, 'ફૂલ તોડવાનો દંડ પચાસ રૂપિયા અને પૂછ્યા વગર દાદર ચઢી જવાનો દંડ દસ હજાર રૂપિયા.' પહેલાં સહેજ હસવું આવ્યું, પણ પછી સમજાયું કે આ મકાનમાલિક પ્રવાસીઓથી કેવા ત્રસ્ત થઈ ગયા હોવા જોઈએ કે એમણે આવું બોર્ડ લગાવવું પડ્યું.
| શરચી ગામ |
હવે અમારી પાસે બે દિવસ રહેલા. અમારી પાસે બે વિકલ્પ હતા. એક તો ટ્રેન પકડવાના દિવસે સવારે જ ગુશૈનીથી નીકળીને ચંડીગઢ પહોંચવું. બીજું, એક દિવસ અગાઉ ગુશૈનીથી નીકળી જવું અને મંડી આસપાસ ક્યાંક રોકાઈ જવું. છેલ્લા દિવસે મંડીથી ચંડીગઢ પહોંચી જવું. ઘણી અવઢવ પછી આખરે બીજો વિકલ્પ પસંદ કરાયો, કેમ કે, પહાડી રસ્તા અને વાતાવરણમાં કશી અણધારી મુસીબત આવે તો અમે નિરૂપાય બની જઈએ.
આથી હવે ગુશૈનીનું અમારું છેલ્લું ડિનર હતું. નદીકાંઠે, તાપણાને અજવાળે ભોજન માટે અમે ગોઠવાયાં. અહીં આવ્યા પછી વાતાવરણ એકંદરે તરફેણમાં રહ્યું હતું. અહીં ઠંડી પણ એટલી બધી નહોતી. અથવા કદાચ અમે એનાથી ટેવાઈ ગયા હતા. બીજા દિવસે સવારે ચા-નાસ્તો કરીને અગિયાર આસપાસ મંડી જવા નીકળવું એમ નક્કી થયું.
જગીતા સાથે થોડી વાતો કરી અને પછી સૂવા ગયા. પણ અત્યાર સુધી જે વાતાવરણ શાંત રહેલું એણે રાતે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું. ભયાનક વીજળી, વાવાઝોડું અને વરસાદ શરૂ થયાં. નદીના ઘૂઘવાટામાં વરસાદનો અવાજ દબાઈ ગયેલો. પણ પવનને કારણે જે સૂસવાટા સંભળાતા હતા, અને ધાબે કશું ઊડવા, પછડાવાના અવાજ આવતા હતા એ ડરાવી મૂકનારા હતા. કલાક સવા કલાકે એ બધું શમ્યું હશે. સવારે જાગ્યા ત્યારે પ્રકૃતિ એના રમ્ય સ્વરૂપે નજરે પડી. જાણે કે રાત્રે કશું થયું જ નહોતું!
હિમાલયના વાતાવરણને કદી હળવાશથી લઈ શકાય નહીં. એ આપણી પામરતાનો અહેસાસ આપણને કરાવ્યા વિના રહેતો નથી.
હિમાલયના વાતાવરણ અંગેની નોંધ લેવા જેવી.
ReplyDelete