Monday, May 18, 2026

હૈયે હેમાળો (4): ભ્રમણ, ભોજન અને ગાયનવાદન

અગાઉ પરેશે ફોન પર વાત કરી ત્યારે, તેમજ અમે લાયડા આવ્યા પછી પણ કનુ નેગીએ જણાવેલું કે એક સાંજે તેઓ 'સાંસ્કૃતિક સંધ્યા'નું આયોજન કરવાના છે. ખરું કહું તો અમને ખાસ ઉત્સાહ નહોતો. અમારો મુખ્ય રસ રખડી રખડીને થાકવાનો, અને થાકીને સૂઈ જવાનો હતો. પહોંચ્યાના ત્રીજા દિવસે કનુએ જણાવ્યું કે આજે સાંજે સંગીત સંધ્યાનું આયોજન છે. પણ એ તો સાંજની વાત. આજનો રખડવાનો કાર્યક્રમ એટલે 'કેલો તાંડી' સુધીનું ટ્રેકિંગ. અને એ માટેની તૈયારી એટલે બ્રેકફાસ્ટ. કનુએ કહેલું કે સ્થળે આપણે 'મેગી' (નૂડલ્સ) બનાવીશું. એ માટે જરૂરી સામાન તેઓ લઈ લેવાના હતા.

બ્રેકફાસ્ટ હજી તૈયાર થઈ રહ્યો હતો. એવે વખતે પરસાળમાં એક મસ્ત દૃશ્ય જોવા મળ્યું. અમે આઠ સભ્યોમાંથી છ સભ્યો પહાડ તરફ મોં કરીને બેઠેલા હતા. છમાંથી પાંચ(સુજાત, પરેશ, ઈશાન, કામિની અને બીરેન)ના હાથમાં સ્કેચબુક હતી અને સામે દેખાતા દૃશ્યનો આવડે એવો સ્કેચ તેઓ બનાવી રહ્યા હતા, જ્યારે છઠ્ઠી શૈલી દોરામાંથી એરિંગ્સ બનાવી રહી હતી. આ દૃશ્ય જોતાં જ મજા પડી જાય એમ હતી. પોતાને ચિત્ર ફાવે છે કે નહીં, એની પરવા કર્યા વિના આવડે એવું દોરવા પ્રયત્ન કરવાના મૂડમાં સૌ હતાં.

સવારની પ્રવૃત્તિમાં સૌ વ્યસ્ત (સ્કેચિંગ અને એરિંગ્સ બનાવવાં)
બ્રેકફાસ્ટ તૈયાર થયો એટલે સૌ એ ખંડમાં ગયાં. બ્રેકફાસ્ટમાં આલૂ પરાઠાની સાથે કઠોળનું સલાડ, ચટણી અને ચા હતાં. કઠોળનું સલાડ એવું અદ્ભુત હતું કે ઘડીભર મન થઈ આવે કે આલૂ પરાઠાને કોરાણે રાખીને સલાડ જ ઝાપટી જઈએ. અલબત્ત, એકે 'મેડિટેશન ક્લાસ' કે 'મોટિવેશનલ સ્પીચ' યા 'સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ' વિના પણ અમે મનને નિયંત્રણમાં રાખ્યું, અને સલાડને સલાડની જેમ જ ટ્રીટ કર્યું. એટલે કે જેટલું હતું એટલું પૂરું કરી દીધું.
દસેક વાગ્યે અમે સૌ નીકળ્યા. અગાઉ કહેલું છે એમ, પહેલાં તો સિમેન્ટની પગદંડી સુધી પહોંચવા માટે જ આડાતેડા, કાચા રસ્તે ઊતરવું પડે. એ પછી ગામ વટાવીને એક રસ્તો લીધો. ટ્રેક એટલે કે કેડી હતી, જેની બીજી તરફ ખીણ હતી. રસ્તો પથરાળ, નાના ઊતારચઢાવ વાળો હતો. એ પછી અમે એક ઝરણા નજીક આવી પહોંચ્યાં, જ્યાં ધીમી ધારે, પથ્થરો વચ્ચેથી પાણી વહીને અમારી તરફ આવી રહ્યું હતું. અમારે વહેણથી ઊંધી દિશામાં જવાનું હતું. અહીં પથ્થરો વધુ હતા. સાચવી સાચવીને ચડતાં ચડતાં અમે આગળ વધી રહ્યા હતા. ઝરણાના માર્ગની બહાર નીકળીને અમે એક કેડી પર આવ્યા. દેવદારનાં વૃક્ષોનું ગીચ જંગલ હતું. ગજબની ઠંડક. ખુલ્લું આકાશ. એમ થાય કે બસ, આ રસ્તો કદી ન ખૂટે. કનુ પોતે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર ખાસ્સા સક્રિય છે. એટલે તેમણે 'ફેસબુક લાઈવ' કરીને અમારા આ પર્યટનનું વૃતાંત શરૂ કર્યું. (તેમના ફેસબુક પેજ પર અહીં ક્લિક કરીને જોઈ શકાશે.
ધીમે ધીમે સૌ આગળ વધી રહ્યાં હતાં. બિલકુલ સ્વપ્નની દુનિયામાં હોઈ શકે એવું દૃશ્ય હતું. ચઢાણ હતું, પણ એટલું સીધું નહોતું. અમે અટકતાં અટકતાં આગળ વધ્યા. એક ઠેકાણે ઝાડનાં થડ કાપીને ગોઠવેલાં. બેઠક બનાવેલી. ત્યાં અમે સૌ ગોઠવાયાંં. લાગ્યું કે અહીં સહેજ વધુ વાર બેસીએ. કશું બોલવાની ઈચ્છા થાય એમ નહોતું, કેમ કે, જંગલનો અવાજ સાંભળવાની મજા ઓર હતી. થોડી વાર પછી ઈશાને એની બેગમાંથી હાર્મોનિકા કાઢ્યું અને વગાડવાનું શરૂ કર્યું. એકાદ ગીત વાગ્યું કે મલકે પણ એની બેગમાંથી હાર્મોનિકા કાઢ્યું અને તે પણ વગાડવામાં જોડાઈ. (એની એક ઝલક અહીં જોઈ શકાશે. )
દેવદારનાં ગાઢ જંગલમાંથી
પસાર થતી કેડી
આવા વાતાવરણમાં કદાચ આવું ફૂંકવાદ્ય એકદમ યોગ્ય હતું. થોડો વિસામો લઈને અમે આગળ ચાલ્યા.
આગળ વધ્યા એમ ચઢાણનો ઢાળ તીવ્ર થવા લાગ્યો અને ઊંચાઈ પણ પકડાવા લાગી. હવે ટોચ નજીક જણાતી હતી. ઊપર પહોંચવા આવ્યા ત્યારે સામા એક બે કૂતરા મળ્યા. એક કૂતરાના ગળે લોખંડનો કોલર બાંધેલો હતો. કામિનીએ કહ્યું કે દીપડાના હુમલાથી બચવા માટે એ બાંધેલો હતો, કેમ કે, દીપડા સીધા ગળા પર હુમલો કરતા હોય છે. આ વિસ્તારમાં દીપડા? આવું વિચારતા હતા કે એનો જવાબ પણ થોડી મિનીટોમાં મળી ગયો. સહેજ ઊપર પહોંચ્યા કે એક ગાયનું હાડપિંજર પડેલું હતું અને એક કૂતરો એની મિજબાની ઊડાવી રહ્યું હતું. સ્પષ્ટ હતું કે ગાયનો શિકાર દીપડાએ કર્યો હતો.
એ કમકમાટીભર્યું દૃશ્ય કેમે કરીને ટાળી શકાય એવું નહોતું. એને વટાવીને આગળ વધ્યા અને ટોચે આવી પહોંચ્યા. અહીં એક ઘર દેખાતું હતું, જે કનુનાં ફોઈનું ઘર હતું.
પ્રવેશ આગળ આડશો મૂકી હતી. એની પાછળ સફરજનનાં ઝાડ હતાં. અમે સૌ અંદર પ્રવેશ્યાં અને લીલાછમ ઘાસ પર ગોઠવાયાં. મેં સફરજનના એક ઝાડના છાંયે લંબાવી. બીજા સૌ ફોટા પાડવાના અને આમતેમ ફરવાના કામમાં લાગ્યા. કનુએ નાનાં લાકડાં ભેગાં કરીને આગ સળગાવવાની તૈયારી કરી. દરમિયાન તેમના ફોઈની દીકરો પણ આવી પહોંચ્યો.
આખું દૃશ્ય કોઈ પોસ્ટરનું હોય એમ જ લાગતું હતું. લીલાછમ ઘાસ વચ્ચેથી નીકળતી કેડી, દૂર દેખાતું લાકડાનું મકાન, મકાનની આડશે ગોઠવેલાં લાકડાં, સફરજનનાં ઝાડ....કેમ જાણે વાન ગોગે ચીતરેલા કોઈ ચિત્રમાં પ્રવેશી ગયા ન હોઈએ એમ જ લાગતું હતું.
વાન ગોગના કોઈ ચિત્ર જેવું દૃશ્ય
નવાઈ એ વાતની હતી કે આ પર્વતની ટોચે માત્ર એક જ ઘર હતું, છતાં અહીં વિજળીની સુવિધા હતી. એક જૂથ ઘરની સામેના છેડે હતું, તો અમે બે-ત્રણ જણા ઘરની બહાર મૂકેલી ખુરશીઓમાં ગોઠવાયાં. અમને આવેલાં જોઈને કનુનાં ફોઈ અને પુત્રવધૂએ અમારી સાથે વાતો શરૂ કરી. મેદાનોમાં કેટલી ગરમી પડે છે એની વાતો તેમણે સાંભળેલી, અમે એનું વધુ વર્ણન કર્યું. એ બહેન ઊભાં ઊભાં, વાતો કરતાં કરતાં પણ ક્રોશેથી ભરતકામ કરી રહ્યાં હતાં. અહીં રહેવાની મઝા આવે કે કંટાળો? એમ પૂછતાં તેમણે કહ્યું કે અમુક વાર તકલીફ પડે, બાકી તો મઝા જ આવે. બીજે છેડે, ફોઈનો દીકરો કહેતો હતો કે પોતે આ જગ્યા છોડીને નોકરી કરવા ઈચ્છે છે. ખરેખર, આ સાંભળીને થયું કે પારકે ભાણે મોટો લાડુ! 'કેલો તાંડી' (કે 'કેળ તાંડી')નો અર્થ પૂછતાં ફોઈએ જણાવ્યું કે 'કેળો' એટલે દેવદાર અને 'તાંડી' એટલે ટોચ. એટલે કે ટોચે ઊગેલાં દેવદાર.
નૂડલ્સ તૈયાર થઈ ગયાં હોવાની બૂમ પડી એટલે ફોઈની અને એમની પુત્રવધૂની રજા લઈને અમે નીકળ્યાં. કનુએ પોતે તૈયાર કરેલી 'પહાડી મેગી' સૌને બાઉલમાં પીરસી. સૌએ આનંદપૂર્વક એ પૂરી કરી. અહીં ટોચ હોવાને કારણે નીચે ખીણપ્રદેશ દેખાતો હતો. ઊપરના ભાગે એક મોટી લોઢાની ગરગડી અને તેની પર ગોઠવેલી બાસ્કેટ ('સ્પેન') હતી. તેનો ઊપયોગ તૈયાર થયેલાં સફરજનને નીચેના ગામે અને ત્યાંથી મોટા શહેરના બજારમાં મોકલવા માટે થતો હતો.
'નીચે' માલ મોકલવા માટેની લોઢાની ગરગડી- બાસ્કેટ (સ્પેન)
અહીં થોડો સમય ગાળીને અમે વળતી મુસાફરી શરૂ કરી. ઊતરતાં ઝડપ વધુ હતી. જોતજોતાંમાં અમે ઝરણાના માર્ગ સુધી આવી પહોંચ્યા. એવામાં વાદળોની ગડગડાટી શરૂ થઈ. ઝીણો વરસાદ પણ શરૂ થયો. નજીકમાં એક સ્થળે મકાનમાં બાંધકામ ચાલી રહ્યું હતું. અમે ત્યાં પહોંચી ગયા. એ એક હોમસ્ટે બની રહ્યો હતો. ત્યાં ઊભા રહ્યા. વરસાદ બંધ થતાં અમે અહીંથી નીકળ્યા. જો કે, ગામ સુધી આવી પહોંચ્યા કે ફરી વરસાદ શરૂ થયો. ચાલતાં ચાલતાં સુજાત- શૈલી અને ઈશાન આગળ નીકળી ગયા હતા અને હોમસ્ટે સુધી પહોંચી ગયા હતા. અમે પાછળ રહેલા. આથી વરસાદ શરૂ થતાં અમે એક ઘરની ઓથે ઊભા રહ્યા. ખબર હતી કે વરસાદ બહુ નહીં ચાલે. છતાં અમે રેઈનકોટ પહેરી લીધો. અડધો કલાક વરસ્યા પછી વરસાદ અટક્યો અને અમે હોમસ્ટે તરફ જવા નીકળ્યા. સિમેન્ટની પગદંડીએથી ચઢાણ આવ્યું, પણ હવે અમે એનાથી ટેવાઈ રહ્યા હતા.
પહોંચીને પોરો ખાધો. એ પછી કનુએ ચા સાથે પકોડા તૈયાર કરેલાં. એ લિજ્જતથી ખાધાં. સાથે ચા. કામિની અને પ્રતિક્ષાએ કનુનાં પત્ની રીનૂને ભજીયાં બનાવતાં પણ શીખવ્યું, જે તેમણે હોંશે હોંશે બનાવ્યાં.
સાંજે અમે પેલા 'વ્યૂ પોઈન્ટ' પર ગયાં. ત્યાંનો નજારો માણ્યો. થોડી વારે પાછા આવ્યાં.
હોમસ્ટે પાસેના 'વ્યૂ પોઈન્ટ' પરથી દેખાતો હીમશિખરોનો નજારો
દરમિયાન રસોઈ તૈયાર થઈ રહી હતી. રાત પડી અને ઠંડી વધી એટલે અમે તંદૂરવાળા રૂમમાં ગોઠવાયાં. જોતજોતાંમાં ગરમાગરમ ભોજન પીરસાયું. આજે મટર- પનીરનું શાક હતું. અહીં જ ઊગાડેલા વટાણાની ગજબ મિઠાશ અને ઘરની ગાયના દૂધમાંથી બનાવેલા પનીરની નરમાશ શાકના સ્વાદને ગજબ રીતે વધારી આપતી હતી. આજે ચણાની દાળ હતી. આ ઊપરાંત ભાત, રોટી અને...મિષ્ટાન્નમાં હલવો. કનુએ પૂછ્યું કે શેનો હલવો છે એ કહો. હલવો એટલો નરમ અને મસ્ત હતો કે એ ચાખવા જઈએ કે જવાબ વિચારીએ! કામિનીએ ઓળખી કાઢ્યો અને કહ્યું, 'આ બ્રેડનો બનેલો છે?' કનુ સાચો જવાબ સાંભળીને ખુશ થઈ ગયા. બ્રેડ અહીં મળે નહીં, પણ વિશેષ પ્રકારની બ્રેડ તેમણે લાવી રાખી હતી. ભરપેટ ભોજન પછી અમે એ જ ખંડમાં બેઠા રહ્યા. કનુએ જણાવ્યું કે થોડા વખતમાં તેમના મિત્રો આવશે. એ પછી 'સંગીતસંધ્યા' કરીશું.
અમને એમ કે એમાં ભજનો ગવાશે, અને થોડાં ગીતો. અમારાથી પરિચીત ન હોય એવાં ગીતોમાં અમે કેમનો તાલ પુરાવીશું? હજી તેમના આવવાની વાર હતી, એટલે અમે પૂછ્યું, 'અહીં કયાં વાદ્યો છે?' કનુ ઉપર જઈને હાર્મોનિયમ અને ઢોલક લઈ આવ્યા. કાંસીજોડાની એક જોડ પણ હતી, અને એક નાનકડું કી બોર્ડ પણ તેમણે કાઢ્યું. દરમિયાન તેમણે અને રીનુએ જમી લીધું હતું.
કનુએ એકાદ બે ભજનથી શરૂ કરી. એઓ ગાતા અને ઢોલક વગાડતા. મેં હાર્મોનિયમ સંભાળ્યું અને એ ભજનની ધૂન બેસાડવા પ્રયત્ન કર્યો. કાંસીજોડાં વારાફરતી સૌના હાથમાં ફરતાં રહ્યાં. ધીમે ધીમે માહોલ જામવા લાગ્યો. (આની એક ઝલક અહીં જોઈ શકાશે.) એવામાં બારણું ખૂલ્યું અને બે સજ્જનો પ્રવેશ્યા. કનુએ એમનો પરિચય કરાવ્યો. એક હતા મહેન્દ્ર નેગી અને બીજા ભાઈ હતા બીજય. મહેન્દ્રભાઈએ હાર્મોનિયમ સંભાળ્યું અને બીજયે ઢોલક.
મહેન્દ્રભાઈએ પહેલી એક કડી લલકારી. 'શાયદ ઊનકા આખરી હો યે સિતમ'. અમને એમ કે, આ કોઈક ભજનની પંક્તિ હશે, પણ તેમણે પંક્તિ આગળ વધારી. 'હર સિતમ યે સોચકર હમ સહ ગયે.' હવે અમેય રંગમાં આવી ગયા અને 'નિકાહ'નું ગીત અમે સૌએ ઝીલ્યું. મહેન્દ્રભાઈનો સ્વર બહુ મીઠો અને બુલંદ હતો. હાર્મોનિયમ પર આંગળીઓ ઝડપભેર ફરતી હતી. સાથે બીજય પણ ઢોલકની સંગત કરતો હતો. એકાદ પહાડી ગીત, એકાદું પંજાબી ગીત, થોડાં હિન્દી ગીતો થયાં એટલે એ લોકો અમને કહે કે, 'હવે ગુજરાતી ગીત થવા દો.' અમે સૌ એકમેકનાં મોં જોવા લાગ્યાં. આખું ગુજરાતી ગીત કોઈને યાદ નહોતું આવતું. પેલા લોકો અમારી સામું જોઈ રહ્યા હતા. છેવટે મેં બીજયને કહ્યું કે 'તમે 'ધીન તકડ, તીન તકડ' આ રીતનો તાલ વગાડો.' બીજયને ગરબાનો તાલ ખ્યાલ નહોતો, પણ તેણે આ રીતે એ તરત પકડી લીધો અને વગાડવાનું શરૂ કર્યું. છતાં કોઈને ગુજરાતી ગીત યાદ ન આવ્યું. આખરે અમે સી.રામચંદ્રનાં ગીતો શરૂ કર્યાં, કેમ કે, એમનો આ પ્રિય તાલ હતો. 'આધા હૈ ચંદ્રમા, રાત આધી', 'અરે જારે હટ નટખટ', 'રાધા ના બોલે, ના બોલે', 'ભોલી સૂરત દિલ કે ખોટે', 'શામ ઢલે, ખીડકી તલે' જેવાં ગીતો શરૂ થયાં એટલે અમારી મંડળી રંગમાં આવી ગઈ. પછી બે-ચાર ગુજરાતી ગરબા પણ યાદ આવ્યા. સરવાળે એવી રમઝટ જામી કે જોતજોતાંમાં અગિયાર વાગી ગયા. હવે પેલા લોકોએ ગામમાં પણ ભજનના કાર્યક્રમમાં જવાનું હતું. એટલે તેઓ નીકળ્યા. અને અમેય ઊઠ્યા. અત્યાર સુધીના અમારા પ્રવાસોમાં અમે ગીતો ગાતા, પણ આ રીતે નહીં. એ રીતે આ એક જુદો જ અનુભવ બની રહ્યો.
મઝા એ હતી કે આ રૂમમાંથી બહાર નીકળ્યા પછી હવે ઠંડી લાગતી નહોતી. અમે ટેવાતા જતા હતા? કે પછી આ ગાયનવાદને અમારામાં ઉષ્માનો સંચાર કરી દીધો હતો? કોને ખબર.
સાડા અગિયાર આસપાસ સૌ સૂવા ગયાં.

(ક્રમશ:) 

No comments:

Post a Comment