Wednesday, May 20, 2026

હૈયે હેમાળો (6) : ઉસને મારી એન્‍ટ્રી ઔર.....ધડામ!

ચાર દિવસના રોકાણ પછી હવે અમારે લાયડાથી નીકળવાનું હતું. સામાન પેક કરી દીધો. ચા-નાસ્તો પતાવ્યો. કનુ નેગી અને પરિવારની વિદાય લીધી. કનુએ અમારા 'ટેસ્ટિમોનીયલ્સ' વિડીયો રેકોર્ડ કર્યા. (આ લીન્‍ક પર એ સાંભળી શકાશે.) કોઈ પ્રસંગ પછી સ્વજનો છૂટાં પડતાં હોય એવું અનુભવાતું હતું. અહીં હતા એ દરમિયાન કનુ નેગીએ કહ્યું હતું કે અમુક જથ્થામાં અમે મંગાવીએ તો તેઓ અહીંના સફરજન અમને પહોંચાડી શકે. આ ઓફર આકર્ષક હતી અને મોસમમાં અમે એનો અમલ કરવા વિચારીએ છીએ. અમે કુલ આઠ જણ હોવાથી બે કારની વ્યવસ્થા અહીંથી કરવામાં આવી હતી. અમે સૌની વિદાય લીધી અને ઉતરાણ ચાલુ કર્યું. એ અગાઉ કનુને કોઈક કામ માટે નીચે જવાનું થયું ત્યારે અમારો કેટલોક સામાન તેઓ લેતા ગયેલા. એ નીચે, ખુલ્લામાં જ, રસ્તાની કોરે મૂકેલો. ખરેખર, અહીં અસલામતિ અને અસુરક્ષા જેવા શબ્દો મનમાં જ નહોતા આવતા. હદ તો એ હતી કે અમે પહોંચ્યા કે કનુએ અમને સૌને રૂમ અનુસાર તાળાં આપી દીધેલાં. પણ અમને તાળાં મારવાનો વિચાર જ ન આવ્યો. અમે ફરવા જઈએ કે વ્યૂ પોઈન્‍ટ પર આંટો મારવા, અમારા રૂમ અને સામાન રેઢાં જ પડ્યા રહેતાં. ખરા અર્થમાં સતયુગ હોય એમ લાગતું.

હવે અમારું ઊતરાણ શરૂ થયું. પહેલાં ગામને પસાર કર્યું, અને પછી ધીમે ધીમે મુખ્ય રસ્તા સુધી આવ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે અમે આવ્યા ત્યારે કેટલું ચઢીને આવેલા. દસેક વાગેલા, પણ તડકો તીવ્રપણે અનુભવાતો હતો. નીચે બે કાર ઊભેલી. અમે પહેલાં સામાન ગોઠવ્યો અને પછી અમે ગોઠવાયાં. હવે ફરી આ સ્થળે ક્યારે આવીશું એ ખબર નહોતી. કનુની વિદાય લઈને અમે મુસાફરી શરૂ કરી.
હવે અમારે ગુશૈની ગામે જવાનું હતું. અંતર ઓછું, પણ પર્વતીય રસ્તા એટલે દોઢ બે કલાકની મુસાફરી હતી. ત્યાં 'તીર્થન મોક્ષ હોમસ્ટે'માં અમારો ઊતારો નક્કી થયેલો. એનાં માલિકણ જગીતા નામે એક બહેન હતાં. એમની સાથે પરેશે ફોન પર વાત કરેલી અને એની પરથી પરેશે કહેલું કે એ બહેન બહુ ઉત્સાહી અને ત્વરિત છે. એમને મેસેજ કરીએ તો તરત જ જવાબ આવી જાય. ફોનની વાતમાં પણ એમના અવાજમાં ઉત્સાહ છલકતો દેખાય. પરેશે એમની સાથે વિડીયો કોલ દ્વારા વાત કરેલી. અહીં આવ્યા પછી પણ તે જ એમની સાથે સંપર્કમાં હતો.
અમે બંજાર નગર વટાવીને આગળ વધ્યા અને પુલ વટાવ્યા પછી મુખ્ય રસ્તેથી ફંટાયા. બંજાર મોટું હતું, અને ગીચ પણ. પર્વતીય નગર હોવા છતાં અહીં રમણીયતા નહોતી. તીર્થન નદી અહીંથી વહેતી હતી અને અમારે તેના વહેણથી ઊંધી દિશામાં જવાનું હતું. અહીં વચ્ચે અમુક નાનાં ગામ એવાં આવ્યાં કે એમાં રસ્તાની આસપાસ નકરાં કેફે દેખાતાં હતાં. ઘડીભર અમને થયું કે આવા કોઈક ગામમાં તો અમારે રહેવાનું નહીં આવે ને! પણ પરેશની સ્થળપસંદગી બાબતે સૌ નિશ્ચિંત હતા.
જોતજોતાંમાં ગુશૈની ગામ આવી ગયું. અહીં એક બ્રીજ હતો તેની નજીક અમે કાર ઊભી રાખી. પરેશે જગીતાને ફોન કરીને રસ્તો પૂછ્યો કે જવાબ મળ્યો, એ પોતે ગામમાં જ છે અને પાંચ જ મિનીટમાં આવી પહોંચે છે. અમારે એસ.બી.આઈ. પાસે ઊભા રહેવું. અમે ત્યાં જ ઊભેલા. પરેશ કારની બહાર નીકળીને ઊભો રહ્યો. બન્ને ડ્રાઈવરો પણ બહાર નીકળ્યા. થોડી વારમાં એક ટુ વ્હીલર આવી પહોંચ્યું અને ઉત્સાહથી છલકતો અવાજ સંભળાયો, 'નમસ્કાર, સર!' અમે પાછલી કારમાં બેઠેલાં. હજી આટલું અભિવાદન કરીને જગીતા સહેજ જ આગળ વધ્યાં કે એમનું ટુ વ્હીલર લપસ્યું. 'ધડામ' કરતાંક તેઓ નીચે પટકાયાં. બહાર હતા એ લોકો તરત દોડીને ત્યાં પહોંચી ગયાં. વાહનને અને જગીતાને ઊભાં કર્યાં. ખાસ વાગ્યું નહોતું. ચહેરા પર સહેજ છોલાયેલું. તેમણે એ જ ઉત્સાહથી અમને રસ્તો બતાવ્યો અને પોતે આગળ નીકળ્યાં.
આ રસ્તો ગામથી દૂર જઈ રહ્યો હતો. સાવ કાચો રસ્તો હતો. નીચે ઘૂઘવાટા કરતી તીર્થન નદી વહી રહી હતી. અમે રસ્તે આગળ વધ્યાં પણ ક્યાંય કશું દેખાયું નહીં. એટલે જગીતાને ફરી ફોન લગાવ્યો. ખ્યાલ આવ્યો કે અમારાથી એક ફાંટો ચૂકાઈ ગયો હતો. કાર વાળીને અમે પાછા આવ્યા અને પેલા ફાંટે વળ્યાં. આ રસ્તો સૂમસામ જણાતો હતો. અહીં કશું નજરે પડતું નહોતું. એવામાં સહેજ આગળ બે-ત્રણ છોકરાઓ ઊભેલા દેખાયા. તેઓ અમને લેવા આવેલા હતા. અમે ત્યાં કાર ઊભી રખાવી. નીચે ઊતર્યાં. પણ ક્યાંય કશું નજરે પડ્યું. પૂછતાં ખ્યાલ આવ્યો કે અમારે નીચે, ખીણ તરફ ઊતરવાનું હતું. નીચે નજર કરતાં જ અમારી નજરે હોમસ્ટેની ઈમારત પડી અને અમે રોમાંચિત થઈ ગયા.
બરાબર તીર્થન નદીની ધારે,
ખીણમાં એકલોઅટૂલો હોમસ્ટે

ઘૂઘવાટાભેર વહેતી તીર્થન નદીના કાંઠે નહીં, તેની સહેજ ઊપર જ હોમસ્ટેનું મકાન દેખાયું. આખા વિસ્તારમાં આ એક જ મકાન. અગાઉ લાયડામાં અમારે ઊપર ચડવાનું હતું, જ્યારે અહીં અમારે નીચે ઊતરવાનું હતું. છોકરાઓએ અમારો મોટો મોટો સામાન લઈ લીધો અને ઝાપાટાભેર નીચે ઊતરી ગયા. સામાન મૂકીને તેઓ પાછા ઊપર પણ આવી ગયા. અમે પગ ગોઠવી ગોઠવીને, સંભાળપૂર્વક નીચે ઊતરી રહ્યા હતા. તેમણે અમને સાચવીને, જરૂર પડે ત્યાં હાથ પકડીને નીચે ઊતાર્યા.
નીચે ઊતર્યા અને અમે સામે જોયું! અહાહા! શું અદ્‍ભુત દૃશ્ય હતું. બિલકુલ સાંકડી ખીણ. એમાં ઊગેલાં ઝાડ. અને ખીણમાં વહેતું તીર્થન નદીનું જોશભર્યું વહેણ. હજી તો આ તેનો વહેણ વિસ્તાર હતો, એટલે નદીના પટ જેવું કશું હતું નહીં. નાનામોટા પથ્થરો હતા.

સાવ પાસેથી પસાર થતી
તીર્થન નદી 
વહેણનો અવાજ એટલો મોટો હતો અને વહેતા પાણીનો જથ્થો એવડો બધો હતો કે ઘડીભર ડર પણ લાગે. છોકરાઓએ કહ્યું કે અત્યારે પાણી સહેજ ડહોળું આવે છે, કેમ કે, ઊપર ક્યાંક રસ્તો બનાવવાનું કામ ચાલે છે. બાકી આ પાણી એટલું ચોખ્ખું હોય છે કે નીચે તરતી માછલીઓ પણ દેખાય.
અમે રૂમ ખોલીને અમારો સામાન મૂક્યો. બહાર લૉબી હતી. ત્યાં અમે ઊભા, એવામાં છોકરાઓ ખુરશીઓ લઈ આવ્યા. અમે ત્યાં જ બેઠા. એકમેક સાથે વાત પણ ન કરી શકાય એવા ઘૂઘવાટા નદીના હતા. જાણે કે અમને સ્પષ્ટ સંકેત હતો કે તમારે અહીં મારો અવાજ સાંભળવાનો છે. અહીં ઊંચાઈ પ્રમાણમાં ઓછી હતી, અને ઠંડી પણ. કેમ કે, આ ખીણની વચ્ચેનો વિસ્તાર હતો. છોકરાઓ બુરાંશ (Rhodendron)નું લાલ શરબત લઈ આવ્યા. અમે હોંશથી એ પીધું. દરમિયાન જગીતા આવી પહોંચ્યાં હતાં. ત્રીસ-બત્રીસ વર્ષની ઊર્જાસભર ઉત્સાહી યુવતી. ચહેરા પર સહેજ હળદર લગાવેલી. અમે એની ખબર પૂછી એટલે કહે કે વાગ્યું નથી, પણ બધાએ કહ્યું એટલે હળદર લગાવી દીધી.
ચા- નાસ્તો પીરસાયો. ઘઉંના ચિલ્લા, અખરોટ અને અન્ય સામગ્રીની ચટણી, અલગથી ઘી અને મધ. અમે ચા-નાસ્તા માટે નીચે ઊતર્યાં. હોમસ્ટેની બહાર, નદીથી સહેજ જ ઊપર આવેલી નાનકડી ખુલ્લી જગ્યામાં ખુરશીઓ ગોઠવેલી. અહાહા! એમ થાય કે અહીં જ બેઠા રહીએ અને નદીને તાક્યા જ કરીએ. જગીતા સાથે પરિચય થતાં જાણવા મળ્યું કે તેના પતિ સૈન્યમાં છે. અને અત્યારે પેન્‍ગોન્ગ સરોવરના વિસ્તારમાં તેમનું પોસ્ટિંગ છે. પોતાની આ જમીન હતી, જ્યાં પહેલાં ઘંટી હતી અને મત્સ્યઉછેર. પછી જગીતાને થયું કે કંઈક નવું કરીએ. એમણે જોયું કે બહારથી લોકો અહીં શા માટે ખેંચાઈ આવે છે? અહીંના વાતાવરણને કારણે. જ્યારે પોતાને, અહીંના રહેવાસી હોવાને કારણે એની કદર નથી. આથી તેમણે હોમસ્ટે શરૂ કરવાનું વિચાર્યું. સાસુસસરા અને માતાપિતાએ એને પ્રોત્સાહન આપ્યું. એકાદ વર્ષ પહેલાં જ આ શરૂ કરેલું. કશો અનુભવ નહીં, પણ ઉત્સાહ પુષ્કળ. ગૂગલ પર વાંચી વાંચી, જોઈ જોઈને શીખતાં ગયાં. ભૂલો પણ થઈ હશે. સરવાળે એ બધા 'પાઠ' હતા. અમારા જેવા કુટુંબકબીલાવાળાએ અહીં રહેવાનું પસંદ કર્યું એનો એમને બહુ આનંદ હતો. તેઓ આગામી સ્થાનિક ચૂંટણીમાં ઊમેદવારી કરવાનાં હોવાથી એનું ફોર્મ ભરવા ગયેલાં. એવામાં અમારો ફોન આવ્યો. એટલે અમને આવકારવાનો ઉત્સાહ. એમાં ને એમાં ધ્યાન ન રહ્યું અને પટકાયાં એ એમણે બહુ હળવાશપૂર્વક, હસતાં હસતાં જણાવ્યું.
આજે અમારે ક્યાંય જવાનું નહોતું. અહીં જ રહેવાનું હતું. એમ થયું કે આરામ કરીએ. પણ પછી લાગ્યું કે આવી જગ્યાએ, પહેલા જ દિવસે રૂમમાં પૂરાઈને આરામ કરવો ગુનો કહેવાય. એટલે અમે પરસાળમાં જ બેઠા.
સાંજે એમ થયું કે બહાર નીકળીએ. પણ વિચાર આવ્યો કે રસ્તા પર પહોંચતાં પહેલાં પેલું ચઢાણ ચડવું પડશે એનું શું? મન મક્કમ કરીને ઈશાન, કામિની અને હું નીકળ્યા. આડુંઅવળું ચઢાણ હતું, પગથિયાં જેવાં પગથિયાં નહીં, પણ ચડી શકાય એ રીતે અમુક જગ્યાએ પથ્થરો ગોઠવેલા. એ ચડીને અમે રસ્તા પર આવ્યાં. ગામની દિશામાં ચાલવાનું શરૂ કર્યું. વચ્ચે એક નાનકડું ઝરણું આવ્યું ત્યાં બેઠાં. વળી આગળ ચાલ્યાં. ઘણું ચાલ્યાં, પણ ગામ હજી ખાસ્સું દૂર જણાતું હતું. એટલે અમે પાછા વળ્યાંં.
ગામના રસ્તે જતાં વચ્ચે
આવતું ઝરણું 

ગામ તરફના રસ્તેય સતત થતા
રહેતા તીર્થનનાં દર્શન 

ગામ તરફનો કાચો, સૂમસામ રસ્તો 

ધીમે ધીમે અંધારું થતું ગયું એમ કહેવાને બદલે અજવાળું આછું થતું ગયું એમ કહી શકાય. સાંજ પડ્યે જાણે કે નદીનું વહેણ વધી જતું હોય એમ લાગતું હતું. અમે નીચે ખુલ્લી જગ્યામાં જ બેઠા. છોકરાઓએ લાકડાનાં નાના નાના ટુકડા શોધીને એને ઊભા ગોઠવ્યા અને સળગાવ્યા. વગર કહ્યે કે જાહેરાત કર્યે, જાણે કે રોજની ક્રિયા હોય એ રીતે તેમણે આ કર્યું. તાપણા ફરતે અમે સૌ ગોઠવાયાં. ઘઉંના લોટનું 'સિદ્દુ' જેવું બનાવેલું. ઊપરાંત રાજમા, દાલ તડકા, ભાત, રોટી અને સલાડ. સ્વાદ એકદમ મીઠો અને હળવો. સૌએ ધરાઈને ખાધું. જગીતાએ પણ અમારી સાથે જ ભોજન લીધું. ભોજન પછી સૌ બેઠા જ રહ્યાં. ઠંડી ખાસ નહોતી. એ પછી વાતમાંથી વાત નીકળતાં હાર્મોનિકા વિશે વાત નીકળી. એટલે જગીતાએ ઈશાનને અને મલકને હાર્મોનિકા વગાડવા આગ્રહ કર્યો. બન્નેએ એની પર બે-ત્રણ ગીત વગાડ્યાં.અહીં કુલ ચાર રૂમો હતી, જે પૈકીની ત્રણમાં અમે હતા. ચોથી રૂમમાં છત્તીસગઢનો એક છોકરો ઊતરેલો, જે ઈન્‍ફ્લુઅન્સર હતો. પોતાની સાથે એ બ્લૂ ટૂથથી ચાલતું સ્પીકર લઈ આવેલો. હાર્મોનિકા પર વગાડાયેલાં ગીત એણે પોતાના ફોન દ્વારા સ્પીકરમાં સંભળાવ્યાં. જો કે, સૌથી ઊત્તમ પાર્શ્વસંગીત હતું નદીના વહેણનું. આપણા પ્રદેશમાં વરસાદ પડે ત્યારે જેવો જોશભેર અવાજ સંભળાય એવો જ અવાજ આ વહેણનો હતો. આથી વગર વરસાદે જાણે કે વરસાદ વરસી રહ્યો હોય એમ લાગતું હતું.ઘણી વાર બેઠા પછી સૌ પોતપોતાની રૂમમાં ગયાં. પછીના દિવસે અમારે અહીંથી ફરવા માટે નીકળવાનું હતું.

(ક્રમશ:‌)

No comments:

Post a Comment