Saturday, May 23, 2026

હૈયે હેમાળો (9): સ્મૃતિના આલ્બમમાં સચવાયેલો પ્રવાસ

સવાર પડતાં બહાર જઈને જોયું તો બધું મસ્ત, યથાવત હતું. તીર્થન એના એ જ ઘૂઘવાટાથી વહી રહી હતી. હા, તેનું વહેણ વધેલું, અને પાણીનો રંગ વધુ ડહોળો જણાતો હતો. અમે સૌ મળ્યા ત્યારે સૌએ પોતપોતાની રીતે રાતના વાવાઝોડાને શી રીતે અનુભવ્યું એ જણાવ્યું. જગીતા અને છોકરાઓ રાતે ધાબે ગયેલા. એ જોવા માટે કે પાણીની ટાંકી ઊડી તો નથી ગઈ ને! એવું કશું થયું નહોતું એટલી રાહત. આજે અમારે નીકળવાનું હતું. આથી સવારે નીચે નદીથી નજદીક મૂકાયેલી ખુરશીઓ પર ચા-નાસ્તો કર્યો.

નદી પાસે જ બ્રેકફાસ્ટની વ્યવસ્થા

નદીના સાન્નિધ્યમાં સુજાત અને શૈલી

જગીતા પણ આવી પહોંચ્યાં. અમે એકમેકનો આભાર માન્યો. સાથે ફોટા પડાવ્યા. પરેશે તેને અમુક ટીપ્સ પણ આપી કે જેથી હોમસ્ટેના સંચાલનમાં તેને અમુક રીતે મદદરૂપ થઈ શકાય. એ પછી સૌ પરવાર્યાં, સામાન પેક કર્યો. અગિયાર વાગ્યે બે કાર આવી ગઈ. અમારે મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે પેલું ચઢાણ ચડવાનું હતું. આજે અમે ફક્ત સાત જ મિનીટમાં એ ચડી ગયા. જગીતા અને છોકરાઓ પણ ઊપર આવ્યા. સામાન ગોઠવાયો અને અમે વિદાય લીધી. હવે વળતી મુસાફરીનો આરંભ હતો.

અહીં જોવા મળતું ચીડનું ઝાડ

તીર્થન નદીને અલવિદા

બંજાર વટાવીને અમે જાણીતા રસ્તે આવી પહોંચ્યાં. હવે સતત દૃશ્યો બદલાતાં જતાં હતાં. તડકો સખત અનુભવાતો હતો. વૃક્ષોના પ્રકાર બદલાતા ગયા. જોતજોતાંમાં અમે ઓટ ટનલ સુધી આવી પહોંચ્યાં. અહીંથી હવે હાઈવે જોડાતો હતો. મંડી પહોંચતાં પહેલાં રસ્તામાં ક્યાંક જમી લઈશું એમ વિચારેલું. લારજી અને પંડોહ બંધ વટાવીને અમે પંડોહ ગામ પાસે થોભ્યા. આ બંધ આગળ તીર્થન નદીનું વહેણ બિયાસ નદીને મળતું હતું. બંધની પાછળ આવેલા જળાશયમાં પ્લાસ્ટિકનો કચરો તરતો દેખાતો હતો. લાંબી ટનલ વટાવવાની પણ આવી. જે હોટેલ પાસે કાર ઊભી રાખી ત્યાં સખત તડકો હતો. અહીં અમે ભોજન લીધું અને આગળ વધ્યા. અહીં પહાડો તો હતા, પણ ગીચતા ઘણી જણાતી હતી. જોતજોતાંમાં અમે મંડી આવી પહોંચ્યા. મંડી ઓછી ઊંચાઈએ હતું. ખાસ્સું ગીચ અને વિશાળ. હોટેલે પહોંચીને અમે આરામ કર્યો. અહીં હોટેલના રૂમ સહેજ નાના અને બંધિયાર હોવાથી એ.સી. ચલાવવું પડ્યું. હિમાલયમાં હોવા છતાં!

સાંજે સૌ મંડીમાં ટહેલવા નીકળ્યા. એક મોટું બજાર અને બીજી અનેક સાંકડી ગલીઓમાં બજાર વિસ્તરેલું હતું. મુખ્ય માર્ગ વાહન માટેનો હતો, પણ તેની આસપાસ મોટી ફૂટપાથ બનાવેલી અને બાંકડા પણ મૂકેલા. લોકો આરામથી બેસી શકે એવી સુવિધા હતી અને લોકો બેસતા પણ ખરા. વાહનચાલકોમાં પણ ઘણી શિસ્ત જોવા મળી.
અહીંના બજારમાંથી પ્રતિક્ષા અને કામિનીએ ફળો ખરીદ્યાં. ગુજરાતથી આવેલા જાણી દુકાનદાર એમને કહે, 'તમારે ત્યાંના કેળાં જોરદાર હોય છે. અમે એ ખરીદવા આણંદ આવીએ છીએ. અને કેસર કેરી તો બસ! અહીં એવી ન થાય!' આ સાંભળીને, આ બન્ને બાબતોમાં અમારું કશું પ્રદાન ન હોવાથી કરી શકાય એટલો ગર્વ કર્યો. રાતના સાડા આઠ નવે બજાર બંધ થવા લાગ્યું. અમે પણ જમીને ટહેલતા ટહેલતા હોટેલ પર આવી ગયા.
બીજા દિવસે સવારે એક જગ્યાએ ચા-નાસ્તા માટે ગયા. એક સરદારજીની દુકાન હતી. સરદારણી અંદર પરાઠા બનાવતાં હતાં. પહેલાં અમે ત્રણ જણ ગયેલા અને એક પરાઠાનો ઓર્ડર આપ્યો. સરદારજી આશ્ચર્યથી કહે, 'એક હી?' કામિનીએ કહ્યું, 'પહલે એક મંગવાતે હૈ. ફિર અચ્છા લગે તો...' આ સાંભળીને સરદારજી હસી પડ્યા. કહે, 'અરે! આપ પંજાબી આદમી દેખકર ભી ઐસા કહતી હૈ?' પરાઠું આવ્યું. એની સાઈઝ ઘણી મોટી હતી. એટલે બીજું અમે સહેજ નાનું બનાવવા કહ્યું. એ સાંભળીને પણ તેમને નવાઈ લાગી. એ પછી પરેશ પરિવારે નાના પરાઠાનો ઓર્ડર આપ્યો એટલે સરદારજી હસીને કહે, 'દેખિયે, પરાઠા તો જીતના બનતા હૈ ઉતના હી બનેગા.' અમે એમને સમજાવ્યું કે અમારે ત્યાં ગુજરાતમાં આલૂ પરાઠા મોટા બનાવવા હોય તો કહેવું પડે, જ્યારે અહીં નાના બનાવવા હોય તો કહેવું પડે.
ધરાઈએ નાસ્તો કર્યા પછી અમે ઊઠ્યા એટલે સરદારજી હાથ મિલાવતાં કહે, 'જિન્‍દગી રહી તો ફિર મિલેંગે, સર!'
દરમિયાન અમારી ટેક્સી આવી ગઈ હતી. અમે હોટેલે પહોંચીને એમાં સામાન ગોઠવ્યો. અમેય ગોઠવાયાં અને ચંડીગઢની અમારી વળતી મુસાફરી આરંભાઈ. ચંડીગઢથી અમારે ટ્રેન દ્વારા ગાંધીનગર પહોંચવાનું હતું.
લાયડા ગામ, ત્યાંની ઠંડી હવા, ગુશૈનીમાં તીર્થનને કાંઠે રહેવાનું, જમાલાની કેડીઓ પર ટહેલવું આ બધું જાણે કે કોઈ સ્વપ્ન હોય એમ લાગવા માંડ્યું હતું. એમ થતું કે કાલે આપણે આવી જગ્યાએ હતા? આ બધાં પાત્રોને આપણે ખરેખર મળ્યા હતાં? હવે આ આખો પ્રવાસ સ્મૃતિના આલ્બમમાં સચવાયેલો રહેવાનો હતો.

લાયડામાં અમારી મંડળી: (ઊભેલાં, ડાબેથી): પ્રતિક્ષા,
પરેશ, કનુ અને રીનૂ નેગી (હાથમાં વામિકા), કામિની અને બીરેન.
(બેઠેલાં, ડાબેથી): સુજાત, મલક, શૈલી અને ઈશાન 

ગુશૈનીમાં અમારી મંડળી (ડાબેથી): ઈશાન, સુજાત, શૈલી,
પ્રતિક્ષા,પરેશ, મલક, યજમાન જગીતા, કામિની, બીરેન
અને બન્ને છોકરાઓ (છેલ્લે બંટી) 

(સંપૂર્ણ)

No comments:

Post a Comment