Tuesday, May 19, 2026

હૈયે હેમાળો (5): રખડપટ્ટીનો આનંદ

લાયડા આવ્યાનો આજે અમારો ચોથો દિવસ હતો. એટલે કે આખરી દિવસ. પછીના દિવસે અમારે બીજા મુકામે જવાનું હતું. એટલે કે આજનું અમારું ટ્રેકિંગ અહીં પૂરતું આખરી હતું. તાજગીભરી સવાર અને એમાં ઘઉંના ચિલ્લા (પૂડા) તેમજ આ વિસ્તારમાં થતી બિચ્છુગુટી નામની વનસ્પતિની મસ્ત ચટણી. આ વનસ્પતિ અહીંનાં જંગલોમાં ઘણી જોવા મળતી. પરેશ એને બરાબર ઓળખતો હતો, એટલે અમે ફરવા જઈએ ત્યારે એ બતાવતો. એનાં પાન એવાં હતાં કે ડંખની જેમ કાંટો વાગે. પણ એના ઔષધિય ગુણો પુષ્કળ. યાદ છે ત્યાં સુધી એની ચટણીની ફરમાઈશ પરેશે જ કરેલી. એને ખ્યાલ હતો કે આની ચટણી બનતી હોય છે. બહુ સ્વાદિષ્ટ હતી. ચા-નાસ્તો કરીને હવે અમારે રખડવા નીકળવાનું હતું. આજનો અમારો કાર્યક્રમ હતો 'તુંગડુ (રુ) ધાર' જવાનો.

બારીમાંથી સામે દેખાતા પર્વત તરફ ચીંધીને કનુએ કહ્યું કે એની ટોચે જવાનું છે.

બારીમાંથી ડાબે દેખાતા પહાડની
ટોચે જવાનું હતું
અડધો રસ્તો તો ગઈ કાલવાળો જ હતો. આથી પરિચીત હતો. અમે ગામ વટાવીને બહાર નીકળ્યા.
લાયડા ગામની એક ઝલક
ગઈ કાલવાળું ઝરણું આવ્યું. એના વહેણથી ઊંધી દિશામાં આગળ વધતા ગયા. ત્યાંથી પાછો કાચો રસ્તો આવ્યો અને દેવદારનું ગીચ જંગલ. સહેજ આગળ ગયા પછી અમારે હવે વહેણને ઓળંગીને સામેના પહાડ્ડ પર દેખાતી કેડીએ આગળ વધવાનું હતું. વહેણ ઓછું હતું, અને પથ્થરો વધુ હતા. એટલે અમે સહેલાઈથી સામે ગયા. સહેજ ચઢાણ પછી કેડી ચાલુ થઈ ગઈ. ત્રાંસવાળું ચઢાણ હતું, એટલે સરળતાથી આગળ વધી શકાતું હતું. રસ્તામાં ગામની એક મહિલા મળી, જે ઘાસ કાપવા માટે થોડે સુધી અમારી સાથે થઈ ગઈ. કનુ તેમને 'બુઆજી' કહીને સંબોધતા હતા. બુઆજી સાથે હસીમજાક કર્યા પછી તેઓ ફંટાયાં અને ઊપર ગયાં. કનુએ 'ફેસબુક લાઈવ' કરીને સૌની સાથે વાત કરી. (એની એક ઝલક
અહીં જોઈ શકાશે.)
આજનો રસ્તો પ્રમાણમાં સરળ હતો, અલબત્ત, ગઈ કાલની સરખામણીએ. ધીમે ધીમે કરતાં અમે ઊપર પહોંચ્યાં. અહીં પર્વતની ટોચે થોડી સપાટ જગ્યા હતી, અને એનું જ માહાત્મ્ય હતું. 'તુંગડુ ધાર'નો અર્થ શો થાય એ જાણવા-સમજવાનો પ્રયાસ અમે કર્યો, પણ સફળતા ન મળી. અમે ઊપર સુધી પહોંચવામાં હતા કે પાછળથી ત્રણ-ચાર લોકો આવ્યા.
દેવદારનાં જંગલમાંથી પસાર થતી કેડી

કનુએ તેમની સાથે વાતો કરી. તેઓ અમારાથી આગળ નીકળ્યા. ટોચે જઈને આસપાસ નિરીક્ષણ કરવા લાગ્યા . પૂછતાં ખબર પડી કે તેઓ વનવિભાગવાળા છે અને 'રાઉન્ડ'માં નીકળ્યા છે. તેમણે અમને જણાવ્યું કે આજના દિવસમાં તેઓ કેટલો ભાગ 'કવર' કરવાના હતા. અધિકારીઓ સાથે સ્થાનિક 'વનમિત્રો' પણ હતા. અહીંથી નીચે ખીણનો નજારો ગજબ દેખાતો હતો. અમે ઊતરેલાં એ હોમસ્ટે પણ નજરે પડતો હતો.

ટોચેથી દેખાતું લાયડા ગામ અને
જમણી તરફ ગામથી સહેજ
ઊપરની દિશામાં એકલોઅટૂલો
દેખાતો અમારો ઊતારો

કંઈક અજબ દૃશ્ય હતું. આ સપાટ ટોચ પર ઘાસ ઊગેલું હતું. અહીં અમે બેઠાં. સાથે થોડો નાસ્તો લાવેલા એ કર્યો. ખરી મઝા તો આ સ્થળને, અહીંના વાતાવરણને માણવાની હતી. વાતવાતમાં જાણવા મળ્યું કે અહીં હવે 'પેરાગ્લાઈડિંગ'વાળા આવીને 'સર્વે' કરી ગયા છે. અને કદાચ થોડા સમયમાં એનું કામ ચાલુ થશે. આ સાંભળીને અમે દુ:ખી થઈ ગયા એક વાર એવું બધું ચાલુ થાય તો પછી આ સ્થળનું સૌંદર્ય ખેદાનમેદાન થઈ જાય. ખેર! કશું આપણા હાથમાં નહોતું.
'તુંગડુ ધાર'- પર્વતની ટોચે આવેલી સપાટ જગ્યા
ઘણી વાર બેઠા પછી અમે વળતી મુસાફરી આરંભી, જે હંમેશાં સરળતર લાગતી હોય છે. ઝડપભેર ગઈ કાલવાળા અસલ રસ્તે આવી ગયા પછી એક સ્થળે બેઠાં. ઈશાને અને મલકે પોતપોતાનાં હાર્મોનિકા કાઢ્યાં અને ગીત વગાડ્યાં. થોડી વારે અમે આગળ વધ્યાં. રસ્તો ખાસ્સો પરિચીત થઈ ગયેલો, તેથી જોતજોતાંમાં ગામમાં આવી પહોંચ્યાં. પણ ગામ સુધી આવ્યા પછીય સિમેન્ટની પગદંડી પરથી કાચા રસ્તે ચઢાણ બાકી રહેતું હતું. હવે અમે એનાથી ટેવાવા લાગ્યા હતા. સાડા ત્રણ આસપાસ અમે હોમસ્ટે આવી પહોંચ્યાં.
આજે ચા સાથે 'બબરૂ'નો નાસ્તો હતો. બબરૂ'ને ગળ્યાં ભજીયા સાથે સરખાવી શકાય. ઘઉંના લોટની વાનગી, સ્વાદમાં માલપૂઆ જેવી, પણ સહેજ ક્રન્ચી. એની પરથી કામિનીએ રીનુને ભજીયાં બનાવતાં શીખવ્યાં. એમને એ બહુ ભાવ્યાં.
સહેજ આરામ કરીને સાંજે અમે પાંચેક જણ 'વ્યૂ પોઈન્ટ' પર જવા નીકળ્યા. આજે ત્યાં વાતાવરણ ખુલ્લું હતું. અહીં બેસવાની, બેઠા રહેવાની બહુ મજા હતી. વારાફરતી સૌ હીંચકે પણ બેઠાં. એ પછી ધીમે ધીમે પાછા ઊતારે આવી પહોંચ્યાં.
સાંજના ભોજનનો સમય થયેલો. અહીંના વાતાવરણમાં, અહીંના પાણીને કારણે એવું થતું કે ભૂખ સખત લાગતી, એમ ખાવાનું પચી પણ જલ્દી જતું. ગમે એટલું ખાવા છતાં પેટ ભારે ન લાગતું. સાંજના ભોજનમાં કઢી, આલૂચના, રોટી, દાળ, ભાત અને ચોખાની ખીર હતી. અતિ સ્વાદિષ્ટ. ભરપેટ જમીને અમે સૌ રૂમમાં જ બેઠાં. આગલી સાંજનો માહોલ ઊભો કરવા અમે ગીતો ગાવાનું શરૂ કર્યું, પણ બહુ જામ્યું નહીં. આજની રાત લાયડા ખાતેની અમારી છેલ્લી રાત હતી. બીજા દિવસે જવા માટેની વ્યવસ્થા કનુએ કરી રાખી હતી. અમારે હવે બંજાર ખીણમાં થઈને બીજા પ્રદેશ તરફ જવાનું હતું.

No comments:

Post a Comment