મસ્ત ભોજન લીધા પછી લાગતી ઠંડી પથારીમાં પડ્યા પછી ઓર લાગવા માંડી. એમાં ને એમાં આંખ ક્યારે મિંચાઈ ગઈ એનો ખ્યાલ જ ન આવ્યો. સવારે આંખ ખૂલી ત્યારે આપણે અહીં સવારના આઠેક વાગ્યે હોય એવું અજવાળું જણાતું હતું. પણ વાગ્યા હતા માંડ સવા છ- સાડા છ. સામેનો ઊંચો પહાડ હતો એની પાછળ સૂર્યોદય થઈ ગયો હતો, પણ હજી સૂરજ એ પહાડની પાછળ જ હતો. આખી રાતની સળંગ ઊંઘથી, એમ આવા ખુશનુમા વાતાવરણને લઈને સ્ફૂર્તિ જણાતી હતી. પરસાળની બહારનું દૃશ્ય એવું હતું કે ત્યાં બેસીને જોતા જ રહીએ એમ થાય. ધીમે ધીમે સહુ પોતાના રૂમમાંથી બહાર આવવા લાગ્યા અને અહીં ગોઠવાતા ગયા. યજમાન કનુ નેગી શૈલી સિવાયનાં સૌ માટે મધની ચા અને બિસ્કીટો લઈ આવ્યાં. એને કારણે ઓર સ્ફૂર્તિ આવી ગઈ, પણ પછી અમે એમને કહ્યું કે કાલથી સવારે મધની ચા ન બનાવે. આ નવી આદત પડે તો ઘેર આવીને મધપૂડો ઉછેરવાનો થાય! બીજી એક સ્પષ્ટતા અમે લંચ બાબતે કરી લીધી. તે એ કે અહીંના રોકાણ દરમિયાન અમે સવારે ભારે નાસ્તો કરીશું, પણ બપોરે જમીશું નહીં. ફરીને આવ્યા પછી જરૂર હશે તો ચા પીશું. એટલે કે ભોજન ફક્ત સાંજનું જ.
કનુ નેગીની મઝા એ હતી કે એ અમને પહેલાં વાનગીનું વર્ણન કરે. એ શેની બને છે, શી રીતે બને છે એ વિસ્તારથી જણાવે. આને કારણે એ ખાવાની અમારી ઉત્સુકતા વધી જતી. એમણે જાહેર કર્યું કે એ દિવસે બ્રેકફાસ્ટમાં 'બેહુડી' બનશે- સાથે 'મલૌરી'ની ચટણી. એમના વર્ણન પરથી અમે એટલું સમજ્યા કે એ 'પૂડા' જેવી કોઈક ચીજ હશે. એક પછી એક ગરમ ઉતરતા ગયા એમ તે અમને પીરસતા ગયા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ ચીજ પૂડા અને પરાઠાના મિશ્રણ જેવી છે. બનાવટ ઘઉંના લોટની, પણ નીચેનું પડ આપણે જેને (પંજાબી નહીં, ગુજરાતી) પરાઠા કહીએ એના જેવું, જ્યારે ઊપલો ભાગ પૂડા જેવો. સ્વાદ એકદમ મસ્ત. 'મલોરી'ની ચટણીનો રંગ આછો કથ્થાઈ હતો, જેમાં ફૂદીનો અને અન્ય વનસ્પતિઓ પણ ઊમેરેલી હતી. બેહુડી તો ખરી જ, અમને સૌને ચટણી પણ ભાવી. એકદમ તાજી ચટણી. સાથે ચા. ચા-નાસ્તા દરમિયાન અમને જણાવાયું કે આજે અમારે પાણીના ધોધની મુલાકાત લેવાની છે, પણ આ ધોધ એકદમ 'સિક્રેટ' છે, એટલે કે પ્રવાસીઓ હજી ત્યાં પહોંચ્યા નથી.
હિમાચલ પ્રદેશમાં પ્રવેશ્યા પછી નાનામોટા ધોધ એ હદે જોવા મળે કે એની નવાઈ ન રહે. આમ છતાં, અમારા ખરા પ્રવાસનો આરંભ આજથી થતો હતો, એટલે અમે સૌ ઉત્સાહમાં હતા.
કનુને એમના કામ બાબતે બીજે જવાનું હોવાથી અમારી સાથે તેમના નાના ભાઈ જોડાયા. અમે સૌએ સફર આરંભી. 'ખુશ્મિતા હોમસ્ટે'નું સ્થાન એવું હતું કે ક્યાંય જવું હોય કે જઈને પાછા આવવું હોય તો અમુક અંતર ઊતરવું કે ચડવું જ પડે. એ રીતે તે ખરા અર્થમાં 'ઊંચા' સ્થાને હતું. અમે હોંશે હોંશે ઊતરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, સાચવી સાચવીને ઊતરતાં ગયાં, સિમેન્ટની પગદંડી સુધી પહોંચીને હાશકારો અનુભવ્યો. પણ આ તો અમે હજી 'રસ્તે' ચડ્યા હતા.
 |
| ગામના કાચાપાકા રસ્તે ધોધ તરફ |
સફર અહીંથી આરંભ થતી હતી. ગામ વટાવીને અમે નીચે ઊતરતા ગયા. એ પછી ટ્રેક શરૂ થયો. આમ તો, પર્વતની ધારે ધારે ચાલતા જવાનું હતું. એક ત્તરાફ પર્વત હતો અને બીજી તરફ ખીણ. છતાં બીક લાગે એમ નહોતું. કનુના નાના ભાઈ પણ વાતોડિયા હતા. વિવિધ વનસ્પતિઓની, પહાડી પરંપરાઓની વાત તેઓ કરતા જતા હતા. અમે જે રસ્ત્તે આગળ વધી રહ્યા હતા, ત્યાં પહાડ પર છૂટાછવાયાં ઝાડ હતાં. પણ ઘાસને લીધે એકંદરે લીલોતરી જણાતી હતી. ખીણ તરફ નીચે જોતાં એનાકોન્ડાના દાદા જેવા બે- ચાર અજગર પડ્યા હોય એવા રસ્તા દેખાતા હતા.
 |
| અજગરની જેમ પથરાયેલા રસ્તા |
ઢોળાવો પર છૂટાંછવાયાં મકાનો. આ રસ્તાની મઝા એ હતી કે અમુક ઠેકાણે લાગે કે બસ, રસ્તો પૂરો થઈ ગયો. પણ અંતિમ બિંદુ પર પહોંચતાં જ વળાંક આવે અને નવો રસ્તો ખૂલે. નાનું ચઢાણ- ઊતરાણ પણ આવતું. 'હજી કેટલે?' એમ પૂછતાં જવાબ મળતો, 'બસ, આ હી ગયે, સમઝો.' અમને એટલી ખબર હતી કે પાણીનો ધોધ હોય તો દૂરથી પાણીના પડવાનો અવાજ સંભળાવા લાગે. પણ એ હજી કાને પડતો નહોતો. શું 'ગુપ્ત' ધોધ એ હદે ગુપ્તતા રાખતો હશે? તડકો હતો, પણ ઘડીકમાં વાદળ છવાઈ જતાં. વળી પાછાં હટી જતાં. એમ ને એમ, આખરે લીલોતરી વચ્ચે પાણીની ધારાની ઝલક દેખાઈ. હજી દૂર હતી, પણ એ સમજાયું કે ધોધ નજીક અમે આવી પહોંચ્યા છીએ. આખરે એનો અવાજ પણ સંભળાયો. કંઈ ખાસ ઊંચેથી પાણી પડતું ન હતું. પણ સ્થળ બહુ આકર્ષક હતું. પાણીના ખાબોચિયા વચ્ચેના લપસણા પથ્થર પર પગ મૂકી મૂકીને અમે સામે દેખાતા મોટા પથ્થર તરફ ગયા, જ્યાંથી ધોધ સુધી જઈ શકાય એમ હતું. ધોધ પડતો હતો, ત્યાં નાનકડું ખાબોચિયું હતું, અને તેમાંથી છલકાઈને પાણી નીચે પડતું હતું.
 |
| 'ગુપ્ત' ધોધ |
આ ખાબોચિયાની ફરતે પથ્થર પણ ગામલોકોએ ગોઠવ્યા હોય એમ લાગતું હતું. એક સ્થળે અમે સૌ ઊભા રહ્યા. ખરેખર 'ગુપ્ત' કહી શકાય એવા સ્થાને આ ધોધ હતો. ગામલોકોને આના વિશે જાણ હોય એ સ્વાભાવિક છે, પણ હજી પ્રવાસીઓ અહીં સુધી પહોંચ્યા ન હતા એમ લાગ્યું, કેમ કે, અહીં પ્લાસ્ટિક્નો કચરો નજરે ન પડ્યો. પાણી અતિશય ઠંડુ હશે એની ખબર હતી, પણ આટલે સુધી આવ્યા પછી એનું આચમન ન કરીએ તો કેમ ચાલે? પરેશ અને ઈશાન આગળ વધ્યા અને નાનું એવું ચઢાણ ચડીને ધોધ સુધી પહોંચ્યા. અમેય હિંમત કરી. પગરખાં ઊતાર્યાં અને ડગુમગુ કરતાં ત્યાં સુધી પહોંંચ્યા. પાણી ઠંડું તો હતું જ, પણ સહ્ય હતું. થોડી વાર એની મજા લીધી એવામાં વાદળોની ગડગડાટી શરૂ થઈ. કનુના ભાઈએ કહ્યું, 'બારીશ આયેગી.' ધીમો વરસાદ શરૂ પણ થઈ ગયો. અમે સૌ એક મોટા પથ્થરની નીચે ઊભા રહ્યા. અહીં પલળાય એમ નહોતું. કનુના ભાઈ ક્યારના સાંઠીઓ એકઠી કરી રહ્યા હતા. એમણે તોડી તોડીને એ ગોઠવી અને ખિસ્સામાંથી લાઈટર કાઢીને એ સળગાવી. આમ, વરસતા વરસાદે તાપણું થયું. એવી ઠંડી નહોતી, એમ તાપણું પણ એટલું ગરમ નહોતું, એટલે અમે એની ફરતે ઊભા રહ્યા. અડધા કલાક પછી વરસાદ અટક્યો. અમે હવે પાછા વળવાની તૈયારી શરૂ કરી. એવી ફિકર હતી કે વરસાદને લીધે માટીવાળા રસ્તા લપસણા થઈ ગયા હશે તો? માટીવાળા રસ્તા ભીના થયેલા, પણ માટી ચીકણી ન હોવાથી એ લપસણા નહોતા. ઊલટાનું અમારા પગલાંની પકડ મજબૂત બનતી હતી. ધીમે ધીમે અમે એ જ રસ્તે ચાલવા લાગ્યા. હવે આકાશ ખુલી ગયું હતું. અમસ્તુંય કોઈ અજાણી જગ્યાએ પહોંચતાં જે લાંબું અંતર અનુભવાય છે, એ સ્થળેથી પાછા વળતાં ઓછું લાગતું હોય છે. એ ન્યાયે અમે ઝડપભેર પાછા ગામ સુધી આવી પહોંચ્યા. બપોરનો દોઢેક થયો હતો.
 |
| આંખ સામે હોવા છતાં ઓઝલ થયેલો પર્વત |
સિમેન્ટની પગદંડીએથી ફરી અમારે કાચા અને વાંકાચૂકા રસ્તે ચઢવાનું હતું. એ ચઢીને અમે હોમસ્ટે સુધી પહોંચ્યાં કે તરત જ વરસાદ શરૂ થયો. જોતજોતાંમાં ધુમ્મસ એવું છવાયું કે સામે દેખાતો આખો પર્વત અદૃશ્ય! જાણે કે ત્યાં કશું હતું જ નહીં. નજર સામે દેખાતી વસ્તુને આંખના પલકારામાં ઓઝલ કરી દેતી જાદુગરોની ટ્રીક જોયેલી, પણ જાદુગરોની પ્રેરણા શી હોઈ શકે એનો અંદાજ કુદરતની આ પ્રયુક્તિ જોઈને આવી જાય. ધુમ્મસ ઘડીકમાં પર્વતની ટોચ દેખાડે, અને પછી એને સાવ ઢાંકી દે. આ બધું જોતા જ રહેવાનું મન થાય. આટલું ચાલ્યા એટલે બેહુડી પચી ગઈ હતી. આથી ચા પીધી અને નૂડલ્સ ખાધાં. વચગાળાની રાહતનું આ પેકેજ મળ્યું એટલે પેટમાં નિરાંત થઈ. કલાકેક આરામ કર્યો.
દરમિયાન પોતાના કામે ગયેલા કનુ નેગી આવી ગયા. સાંજે અમારે તેમના એક 'વ્યૂ પોઈન્ટ' પર જવાનું હતું. શું હતો એ 'વ્યૂ પોઈન્ટ'?
 |
'વ્યૂ પોઈન્ટ' પરથી દેખાતો ખીણનો નજારો |
તેમના સફરજનના બગીચામાં થઈને એક કેડી જતી હતી, જે પર્વતની ધાર સુધી પહોંચતી હતી. બસ, અહીંથી બધી બાજુ ખીણનાં જ દર્શન થતાં હતાં. દૂર ક્યાંક હીમશીખરો નજરે પડ્યાં. કનુ અમને એ અમુક શીખરોની ઓળખ કરાવતા હતા. આ આમ તો તેમની વાડીમાં આવેલી, પોતાની જ જગ્યા છે. પણ અહીં તેમણે એક હીંચકો મૂક્યો છે. બેઠક બનાવી છે. અને ધારે ફેન્સિંગ છે, જેથી એ 'વ્યૂ પોઈન્ટ' જેવું લાગે. અન્ય પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે. ધીમે ધીમે ઠંડી વધી રહી હતી. થાકને કારણે અમને એ વધુ જણાતી હતી. એટલે અમે પાછા વળ્યા.
સાડા આઠ આસપાસ ભોજન પીરસાયું. અમારી સંમતિથી આજે તેમણે મશરૂમ વટાણાનું શાક બનાવેલું. મશરૂમ મેં જીવનમાં પહેલી વાર ચાખ્યાં. અને વટાણાની મિઠાશ કેવી અદ્ભુત! તંદૂરવાળા રૂમમાં તાપણા ફરતે પલાંઠી વાળીને સૌ ગોઠવાયા. કાંસાની થાળીવાટકીમાં મશરૂમ-મટરનું શાક, રાજમા, ભાત, રોટી અને ખીર પીરસાયાં. આજે તેમણે મખાણાની ખીર બનાવી હતી. તેઓ ખીર, દાળ વગેરેમાં છૂટથી ઘીનો 'અભિષેક' કરતા હતા. રાજમાની મિઠાશ ગજબની હતી. ખીર પણ માફકસરનું ગળપણ ધરાવતી. બે-ચાર વાટકી પી જઈએ તો પી શકાય. પણ અમે એક વાટકીમાં જ ધરાઈ જતા. ભોજન પછી બહાર નીકળીએ તો ઠંડી વધુ લાગે. એટલે ભોજન પતાવીને, એ રૂમમાં જ બેસીને અમે ગપાટા માર્યા.
પછીના દિવસે અમારે 'કેલો તાંડી' જવાનું હતું એમ જણાવાયું. વાતોથી ભોજન પચાવીને સૌ પોતપોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા, પણ પરસાળમાં એ ઠંડી લાગી કે ઝડપભેર રૂમમાં ભરાઈ ગયા. આમ, લાયડા ગામમાં અમારો સૌ પ્રથમ દિવસ બહુ મઝાનો રહ્યો હતો. અને લાગતું હતું કે બાકીના દિવસોપણ એવા જ જશે. પેલા ડ્રાઈવરે પૂછેલા સવાલ 'આપ યહાં આયે કિસલીયે?'ના જવાબમાં અમે કહી શકીએ એમ હતા કે 'લાયડા ને બુલાયા ઈસલિયે.'
(ક્રમશ:)
(આ પ્રવાસવર્ણનની પહેલી કડી અહીં અને બીજી કડી અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)
No comments:
Post a Comment