Thursday, May 21, 2026

હૈયે હેમાળો (7): તડકો, છાંયો, ઠંડક, ભેજ, લીલ, કીચડ, ધુમ્મસ

ગુશૈનીનો આ હોમસ્ટે હતો તો નદીની બિલકુલ ઊપર, પણ અહીં નદીનો તટ ન હોવાથી નદીકિનારે ચાલવું મુશ્કેલ હતું. ઢોળાવ પર રહેલા પથ્થરો અને તેની વચ્ચેની નાની કેડી પર આગળ વધી શકાય, પણ પગ બહુ સાચવી સાચવીને મૂકવો પડે. એ સિવાય અહીંથી ક્યાંય બહાર નીકળવું હોય તો પહેલાં ચઢાણ ચડવું પડે. અમારે એ ચડતાં પંદરેક મિનીટ લાગતી હતી. અને ઊપર પહોંચીને ઘડીક શ્વાસ ખાવા ઊભા રહેવું પડતું.

અહીં આવ્યાના બીજા દિવસે અમારે બંજાર, જીભી, સોઝા વટાવીને ઝાલોરી પાસ જવાનું હતું. અંગ્રેજીમાં 'R' શબ્દ હિન્‍દીમાં મોટે ભાગે 'D'ની અવેજમાં વપરાય છે એમ આ વિસ્તારમાં ફરતાં લાગ્યું. કેમ કે, 'ઝાલોરી'નો ઉચ્ચાર અહીં 'ઝાલોડી', 'જીલોડી' કરાતો હતો.
સવારે છ વાગ્યાની આસપાસ આંખ ખૂલી ત્યારે ઘણું અજવાળું હતું. ઠંડી ખાસ નહોતી, કેમ કે, અમે લાયડા કરતાં ઓછી ઊંચાઈએ હતાં. ચા-નાસ્તો કરીને શક્ય એટલા વહેલા અમારે નીકળવાનું હતું, કેમ કે, ઝાલોડી પાસ પર ઊતરીને ત્યાંથી અમારે ચાલીને સેરોલસર સરોવર જવાનું હતું. અમને જાણવા મળેલું કે અહીંનો ટ્રેક સરળ અને સીધો છે. અંતર કોઈકે બે કિ.મી.નું કહ્યું, કોઈકે ત્રણ કિ.મી.નું, તો કોઈકે પાંચ કિ.મી.નું.
પોણા આઠે અમે નીકળ્યા. આજે અમે 'ટાટા સુમો' કરી હતી. એમાં આઠ જણા ગોઠવાયા. બંજાર, જીભી, સોઝા વટાવ્યાં. જીભી આ વિસ્તારનું જાણીતું નગર છે, જે યુવાઓમાં ખૂબ લોકપ્રિય હોવાનું કહેવાય છે. અહીં પુષ્કળ કેફે છે, એમ ગાંજાનું પણ આ કેન્દ્ર હોવાની વાત છે.
ધીમે ધીમે ઊંચાઈ પકડાતી ગઈ અને પોણા દસની આસપાસ અમે ઝાલોડી પાસ પહોંચી ગયાં. પોણા અગિયાર હજાર ફીટની ઊંચાઈએ આવેલો આ રસ્તો કુલ્લુ ખીણ અને શીમલા ખીણને જોડે છે. અહીંથી શીમલા લગભગ પોણા બસો કિ.મી. થાય. અમે વહેલાં હોઈએ એમ લાગતું હતું, કેમ કે, બહાર હજી ઊનનાં વસ્ત્રોની દુકાન (સ્ટોલ) ખૂલી રહ્યાં હતાં. થોડા ઘણાં લોકો હતા. બહાર એક મંદિર હતું. એની બાજુમાં આવેલા પ્રવેશદ્વારમાંથી ટ્રેક શરૂ થતો હતો, જ્યાં પ્રવેશ ટિકિટ લેવાની હતી. ઊંચાઈના પ્રમાણમાં ઠંડી ઓછી જણાઈ. અહીં ખ્યાલ આવ્યો કે અમારે જે ટ્રેક કરવાનો છે એ એક તરફ પાંચ કિ.મી.નો છે. એટલે કે જતાંઆવતાંના થઈને કુલ દસ કિ.મી.
ઝાઝું વિચાર્યા વિના અમે ચાલવાનું શરૂ કરી દીધું. એકદમ મસ્ત એકાંત હતું. સવારનો તડકો ઊંચા વૃક્ષોમાં થઈને આવતો હતો. અહીં ઊંચા ઝાડ પર અને પથ્થરો પર એટલી લીલ બાઝેલી હતી કે આખા જંગલનો રંગ સાવ જ જુદો, એકદમ ઘેરો લીલો જણાતો હતો. આવા રંગ પર છાયાપ્રકાશની રમત જોવાની કેવી મજા આવે! સૌ પોતપોતાની ગતિ મુજબ ચાલી રહ્યા હતા. આગળ ચાલી રહેલા પરેશની સાથે અન્ય એક ભાઈ પણ થઈ ગયા. એમનું નામ અનિલ. એમનું સરેલસર સરોવર પર કેફે હતું. તેમણે થોડીઘણી વાતો કરી. પરેશે તેમને અમારી સ્થળપસંદગી વિશે જણાવતાં તેમણે કહ્યું કે તેઓ એ રીતે ટ્રેક અમને ગોઠવી આપશે. સહેજ આગળ પહોંચ્યા કે ટ્રેકની બાજુમાં એક નાનકડું ચઢાણ આવ્યું. હજી શરૂઆત હતી એટલે એ નાનકડું ચઢાણ અમે ચડી ગયા. અહીં સહેજ સપાટ જગ્યા હતી. થોડા બાંકડા મૂકેલા. સામે એક તરફ ખીણનો નજારો દેખાતો હતો, તો છેક પાછળ ધૌલાધાર પર્વતમાળાનાં હીમશીખરો નજરે પડતાં હતાં. અનિલે કહ્યું કે વાતાવરણ હજી સાફ હોય તો તિબેટની પર્વતમાળા પણ નજરે પડે છે.

તડકોછાંયો, ભેજ અને ઠંડક
 ધરાવતો મસ્ત ટ્રેક 

થોડો સમય ગાળીને અમે આગળ વધ્યાં. દર પાંચસો મીટરે પાટિયાં આવતાં હતાં, જે દર્શાવતાં હતાં કે અમારે કેટલું અંતર કાપવાનું બાકી છે. અહીં પથ્થરો નક્કર હતા. રસ્તો પ્રમાણમાં સરળ હોવા છતાં, તેમાં નાના ચડાવઉતાર હતા. સમય વીતતો ગયો એમ પાછળથી આવતા સ્થાનિક લોકો અમને ઓળંગીને આગળ વધવા લાગ્યા. મોટા ભાગની બહેનો હતી. તેઓ સરોવરકાંઠે કેફે ધરાવતી હતી. વચ્ચે વચ્ચે ઘોડા પર સવાર થયેલા પ્રવાસીઓ પણ આવતા હતા. અહીં વચ્ચે વચ્ચે કીચડ પણ હતો, જે સૂચવતો હતો કે અહીં વરસાદની નવાઈ નથી. જમીન ભીની હતી, પણ લપસણી નહીં. વાતાવરણમાં ઠંડક, ભેજ, તડકો અને તેને લઈને આવતી ગંધનું અજબ મિશ્રણ હતું. રોકાતા, પાણી પીતા, વાતો કરતા અમે આગળ વધી રહ્યા હતા. આખરે ધીમે ધીમે કરતાં અમે પહોંચ્યા ખરા.

એક જ પથ્થર પર લીલના
લીલા રંગની છટાઓ 

સરોવરથી પાંચસો મીટર પહેલાં કેડીની બન્ને બાજુ હારબંધ સ્ટોલ આવેલા હતા, જેમાં ખાણીપીણી અને ચા-નાસ્તાની વિવિધ ચીજો મળતી હતી. અમે સરોવર પહોંચીને પાછા વળતાં ચા-પાણી કરવાનું વિચારેલું. આ સ્ટોલ વટાવીને સહેજ આગળ જઈએ એટલે સહેજ ચડવાનું આવે, અને એ પછી પગથિયાં છે, જે સીધાં સરોવર સુધી પહોંચાડે છે. પોણા અગિયાર- અગિયાર હજાર ફીટની ઊંચાઈએ આવેલું સરોવર જોઈને જ આશ્ચર્ય થાય.

વાદળની ઓથે સરોવરની સંતાકૂકડી 

સહેજ ઊંચેથી સરોવરનું દૃશ્ય દેખાય એ સાથે જ નજરે પડે એની ચારે બાજુ લગાવેલી લોખંડની કદરૂપી ફેન્સિંગ. આસપાસના પર્વતો અને હરિયાળીનું પ્રતિબિંબ સરોવરમાં પડતું હોવાથી દૃશ્ય બહુ આકર્ષક લાગ્યું. એક છેડે મંદિર હતું. અમે નીચે ઊતરીને સરોવર ફરતે આવેલી પાળી પર બેઠા. ઈશાન, પરેશ, સુજાત, શૈલી સરોવરની ફરતે આવેલા રસ્તે ગયાં. આ ઊંચાઈએ વાદળોની રમત જોવાની મઝા આવી. થોડી વારમાં અચાનક વાદળ આવ્યાં અને સરોવરને ઢાંકી દીધું. જોતજોતાંમાં એ વિખરાયાં કે સરોવર હાજરાહજૂર.

વાદળોને કારણે વોટર કલર
પેઈન્‍ટિંગ જેવું લાગતું દૃશ્ય

અહીં થોડી વાર બેસીને પાછા વળ્યા અને પગથિયાં ચડ્યાં કે ફરી એક વાર વાદળો આવી ચડ્યાં. અમુક ભાગ સાવ ઢંકાયેલો અને અમુક ભાગ ખુલ્લો. કોઈ કેમેરા આ દૃશ્યની મઝાને ઝીલી ન શકે.
પાછા ફરીને અમે અનિલના કેફે પર ગોઠવાયાં. ચા- નાસ્તો કર્યો. એમ ને એમ પોણા ત્રણ થયા. અનિલનો ફોન નંબર લીધો હતો. તેમની સાથે કોઈક પ્રવાસનું આયોજન કરવાની ઈચ્છા દર્શાવીને અમે પાછા નીકળ્યા. અગાઉ જણાવ્યું એમ, પાછા ફરતાં રસ્તો વધુ સરળ જણાતો હતો. પણ પાંચ કિ.મી. કાપવાના જ હતા.
ધીમે ધીમે કરતાં અમે આગળ વધ્યાં ત્યારે હજી ઘણા અમને સામા મળી રહ્યા હતા, એમ અગાઉ અમને ઓળંગેલા એવા લોકો પાછા પણ ફરી રહ્યા હતા. થાક લાગેલો, પણ એવો નહીં કે ન ચલાય. એટલે ધીમે પગલે અમે આગળ વધતા ગયા. એમ કરતાં પેલા ઊંચાઈવાળા સ્થળ નજીક આવી પહોંચ્યાં, જ્યાંથી સવારે અમે ધૌલાધાર પર્વતમાળા જોઈ હતી. આ પોઈન્‍ટ પર અમે ચડીએ તો ત્યાંથી એક રસ્તો ઉપર ને ઉપર થઈને જ છેક આરંભબિંદુએ મળતો હતો. કામિની અને પ્રતિક્ષાએ આવેલા એ જ રસ્તે પાછા ફરવાનું નક્કી કર્યું અને બાકીના અમે છ ઊપરના રસ્તે આગળ વધ્યા. અત્યારે ધૌલાધાર પર્વતમાળા અદૃશ્ય થઈ ગઈ હતી. પહાડોમાં ફરતાં એ વાત ખાસ યાદ રાખવી પડે કે જે દૃશ્ય જે સમયે જોવા મળે એ જ વખતે એને માણી લેવું. એને પછી પર ન ઠેલવું, કેમ કે, અહીંના વાતાવરણની અનિશ્ચિતતા એવી હોય કે ફરી એ જોવા ન પણ મળે. આ જ વાત જીવનની માણવાલાયક પળોનેય લાગુ પાડી શકાય. જેમ સાહિરે લખેલું: 'જો ભી હૈ, બસ યહી એક પલ હૈ.' (અત્યાર સુધીના પ્રવાસવર્ણનમાં ક્યાંય ફિલસૂફીનો વઘાર નથી કર્યો, એથી વાંચનાર મને કદાચ કેવળ પ્રવાસી માની બેસે એ ડરે સહેજ વઘાર કરી લીધો છે.)
ઊપર ચડતાં અદ્‍ભુત દૃશ્યો નજરે પડ્યાં. તડકો મસ્ત નીખર્યો હતો એટલે ઘાસિયાં મેદાન વધુ તેજસ્વી લીલો રંગ ધરાવતાં દેખાતાં હતાં. અહીંથી કેટલે બધે દૂર સુધીનું દૃશ્ય એકદમ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. પરેશ, સુજાત, શૈલી વધુ આગળ નીકળી ગયાં. હજી ક્યાંય રસ્તાનો અંત જણાતો નહોતો. એટલે તેમણે અનિલને ફોન કરીને પૂછ્યું કે તેઓ યોગ્ય રસ્તે છે કે કેમ. જો કે, અહીંથી બીજો કોઈ રસ્તો ફંટાતો ન હોવાથી એવી કશી શક્યતા નહોતી. છતાં પૂછી લેવું સારું. અનિલે અમુક નિશાનીઓ જણાવી અને કહ્યું કે એ નિશાનીઓ આવશે. પરેશે એ સ્થળના ફોટા પાડીને અનિલને મોકલ્યા એટલે અનિલે કહ્યું કે રસ્તો બરાબર જ છે અને થોડું ચાલતાં આવું કંઈક આવશે. અહીં જાણે કે ગોલ્ફ કોર્સની જમીન હોય એવો દેખાવ હતો. થોડી સપાટ, થોડો ઢોળાવ, અને મોટે ભાગે ઊગેલું ઘાસ. એમ ને એમ અમે હવે છેક સુધી આવી પહોંચ્યા હોઈએ એમ જણાતું હતું. કેમ કે, હવે અમને જે લોકો સામા મળતા હતા તેઓ કંઈ છેક સરોવર સુધી જવાના નહોતા. ઢોળાવવાળા આ સ્થળે ફોટા પડાવીને જ તેઓ પાછા ફરતા હતા.

પાછા વળતાં ઊપરના રસ્તે મસ્ત નજારો 

જોતજોતાંમાં અમે પ્રવેશદ્વાર નજીક આવી પહોંચ્યા. સાડા પાંચ થયા હતા. આમ કુલ દસ કિ.મી.નો ટ્રેક અમે સંપન્ન કર્યો હતો. ઠંડીનો પરચો હવે શરૂ થવા લાગ્યો હતો, પણ વરસાદ નહોતો. છ વાગ્યે અમે વળતી મુસાફરી આરંભી. સવારની જેમ જ બે કલાકમાં પહોંચી જવાની ધારણા હતી. પણ રસ્તામાં ત્રણ જગ્યાએ ટ્રાફિક જામ નડ્યો. જગીતાનો ફોન આવ્યો ત્યારે અમે એમને જણાવેલું કે તેઓ ભોજન તૈયાર રાખે, કેમ કે, સૌ થાક્યાં હતાં અને ભૂખ્યાં પણ થયાં હતાં. વિલંબને કારણે અમે હોમસ્ટેના મુખ્ય રોડ પર પહોંચ્યા ત્યારે સાડા આઠ થયા હતા. અમને મદદ કરવા માટે જગીતા અને છોકરાઓ આવી પહોંચ્યા હતા. તેમણે ફોનની ટોર્ચના અજવાળે અમને સંભાળપૂર્વક નીચે ઊતરવામાં મદદ કરી. રાત પડ્યે તીર્થન નદીના ઘૂઘવાટા જાણે કે વધી ગયા હોય એમ લાગ્યું.
અમે રૂમ પર પહોંચીને ફ્રેશ થયા અને નીચે ગોઠવેલી ખુરશીઓ સુધી ભોજન માટે પહોંચ્યા. આજે કઢી, દાલ, મટરપનીરનું શાક અને રોટીનું ભોજન હતું. બહુ હળવા સ્વાદવાળું ભોજન હોવાથી જમવાની મજા આવી. આજે સૌ થાકેલા હતા એટલે જમીને થોડી વાર બેઠા પછી પોતપોતાના રૂમમાં ગયા.
પછીના દિવસે સરચી ગામે જવાનું વિચારેલું. પણ એમાં બે જૂથ પડી ગયેલા. એક જૂથની ઈચ્છા અહીં જ દિવસ ગાળવાની હતી. બીજા જૂથની ઈચ્છા રખડવાની હતી. થાક અને ઊંઘની અવસ્થામાં કશો નિર્ણય લેવાને બદલે જે હશે એ સવારે નક્કી કરીશું એમ રાખ્યું.

(ક્રમશ:)


આ પ્રવાસવર્ણનની આઠમી કડી અહીં ક્લિક કરીને વાંચી શકાશે. 

No comments:

Post a Comment