Friday, December 2, 2011

ટીનેજપ્રવેશનું ટીન ટીન: અનોખી ઉજવણી અને એક્સક્લુસિવ અહેવાલ


ના, ના. બહુ ખુશ ન થઈ જતા ! આજની પોસ્ટ ટીનેજરની સમસ્યાઓ વિષે નથી. એ છે એક અંગત પ્રસંગની ઉજવણીનો જાહેર અહેવાલ. હા, ગભરાઈ પણ ન જતા. એમાં આત્મકથાના ટુકડા નથી ઠાંસ્યા. ગઈ કાલે ૧ ડિસેમ્બર હતી, જે મારા દીકરા ઈશાનનો જન્મદિવસ છે. આજથી બરાબર બાર વરસ અગાઉ ૧ ડિસેમ્બર, ૧૯૯૯ના દિવસે ઈશાનનો જન્મ વડોદરા મુકામે થયો હતો. એટલે કે આ તેની તેરમી વર્ષગાંઠ હતી, એટલે કે તે ટીનેજ (teenage) માં પ્રવેશી રહ્યો હતો.
અમેરિકા જેવા દેશમાં અમે રહેતા હોત તો તેના વિધિવત ટીનેજપ્રવેશની જાણ કરતું કાર્ડ દેશમાં રહેતાં સ્વજનોને મોકલ્યું હોત, ભલે ને સ્વજનો એ કાર્ડ શેનું છે એ ઉકેલવા ફાંફા મારે! ભારતમાં ટીનેજનું માહાત્મ્ય જોઈએ એવું કરવામાં આવ્યું નથી. અહીં તો તમામ ઉંમરના લોકો ટીનએજ (tin edge/ પતરાંની ધાર) પર હોય એમ જીવે છે. (સરખામણીમાં સામ્ય ન લાગ્યું? ક્યાંથી લાગે? આ શબ્દપ્રયોગ તો શ્લેષની અસર ઉપજાવવા કર્યો છે.)
સામાન્ય રીતે જન્મદિનની ઉજવણી આપણે ત્યાં કેક કાપીને, મીણબત્તી ઓલવીને અને તાળીઓ પાડતાં પાડતાં બર્થડે સોંગ ગાઈને થાય છે. પણ એ તો વિદેશી પરંપરાની આંધળી અને વિચારહીન નકલ છે. કદી કોઈને પ્રશ્ન થયેલો સાંભળ્યો કે કેક જ કેમ?’ મીણબત્તીઓને કેમ ઓલવવાની જ?’ હેપી બર્થડે ટુ યુની ત્રીજી લીટીમાં જ  વ્યક્તિનું નામ બોલવાનું?’ આવા પાયાના સવાલ કોઈને નહીં થાય ત્યાં સુધી કોઈકની બર્થડે  પાર્ટીમાં ભરાઈ પડેલા આપણે માંડ એકાદ કિલોની બ્લેક કરન્ટ, બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ કે વેનિલા કેકના પાંચ દસ ગ્રામના ટુકડા ખાઈને જ ચલાવવું પડશે.
આ કેક નહોતી મૂકી. 
ગઈ સાલ સુધી અમે ઈશાનના જન્મદિવસની ઉજવણી આ રીતે જ કરતા હતા. અમારા મનમાંય આવા સવાલ પેદા થતા હતા, પણ એનો વિકલ્પ મળતો ન હતો. પણ લાગ્યું કે આ વરસે ઉજવણીની રીત બદલવી જ રહી. કેમ કે, આ વરસ જરા વિશેષ છે. કેમ કે ટીનમાં પ્રવેશ એટલે...(સ્થળસંકોચ હોવાથી ત્રણ જ ટપકાં મૂક્યાં છે. અહીં તમને મનપસંદ એવું કોઈ પણ ક્વોટ મૂકી દેવું.) ઉજવણી શી રીતે કરવી એ માટે ઈશાન જન્મદિન ઉજવણી સમિતિ નામે એક સમિતિ બનાવવામાં આવી. સમિતિમાં અંદરોઅંદર ફાટફૂટ ન પડે એવી દૂરંદેશી રાખીને ફક્ત એક જ સભ્યની નિમણૂંક કરવામાં આવી. અને એક સભ્યની બનેલી આ સમિતિએ ઠરાવ્યું કે ટીનમાં પ્રવેશતી વેળાએ કેક નહીં, પણ ટીન કાપવું. અપેક્ષા મુજબ જાહેર જનતામાંથી તેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. પણ પોતાની તરફેણમાં આવેલા પ્રતિભાવને વધુ મહત્વ આપીને, તેનો વારંવાર ઉલ્લેખ કરીને, બહુમતિનો મત સમિતિના સૂચનની સાથે છે એવું ચિત્ર ઉપસાવી શકાયું. અને તેનો વેળાસર અમલ કરવા માટે પગલાં ભરવામાં આવ્યાં. કોઈ સમિતિ કશો ચૂકાદો આપે એ જ ઘટના ગણાય, એ ચૂકાદો માન્ય રખાય એ બીજી ઘટના ગણાય, અને એ ચૂકાદાનો અમલ થાય એ ત્રીજી ઘટના ગણાય. એ મુજબ, આ પ્રસંગે ઘટનાઓની હારમાળા સર્જાઈ.
સૌ પ્રથમ તો યોગ્ય પ્રકારના ટીનની શોધ કરવામાં આવી. આ શોધ દરમ્યાન જન્મદિનના આગલા દિવસે જ સમાચાર આવ્યા કે ઘરમાં હવે તેલ ખલાસ થવાને આરે છે, અને નવો ડબ્બો લાવવાનો જ છે. તેથી તેલનો ભરેલો ડબ્બો લાવવાનું નક્કી થયું, અને તેનો અમલ પણ ઝડપથી થઈ ગયો.
પ્રસંગનો આખો દિવસ ઘટનાસ્થળે શાંતિ રહી. પણ સાંજે ભોજન પછી ચહલપહલ શરૂ થઈ. પ્રસંગને અનુરૂપ સાધનસામગ્રી એકઠી કરવામાં આવી, અને તેને યોગ્ય રીતે ગોઠવવામાં આવી. સૌએ યથામતિ સૂચન કર્યાં એ મુજબ પેપર નાઈફ, કાતર, સૂડી, હથોડી શોધીને એકત્રિત કરાયાં, પણ કામિની(મારી પત્ની)એ જણાવ્યું કે સાણસી સિવાય ડબ્બો નહીં તૂટે. એટલે પછી તસવીરી ઔચિત્યને બાજુએ મૂકીને વાસ્તવિકતાનો વિચાર કરીને સાણસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
ઉજવણી માટે મનમાં ભારતીય પરંપરાનું મોડેલ હતું. એ મુજબ, સારા કે વાહિયાત, કોઈ પણ કાર્યક્રમનો આરંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. અને સાથે કહીએ છીએ કે દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. તો પછી જન્મદિનની ઉજવણી કરતી વખતે ફૂંક મારીને દીપ (મીણબત્તી) ઓલવીએ છીએ,એનો અર્થ જ્ઞાનનો છાંટોય આપણને ન ખપે એવો કાઢવો? એવું શી રીતે ચાલે? એટલે આરંભ કર્યો દીપપ્રાગટ્યના પ્રયત્નોથી. ઈશાનના હાથમાં પરાણે ગેસ લાઈટર પકડાવવામાં આવ્યું. તેણે સૌનું મન રાખવા ગેસ લાઈટર પકડ્યું અને તેનાથી દીપ પ્રગટાવવાનો સારો એવો પ્રયત્ન કર્યો. પણ દીવો કેમેય કરીને સળગ્યો નહીં. સૌએ પહેલાં ઈશાનને જાતજાતનાં સૂચનો આપ્યાં. આમ પકડ’, અહીંથી દબાવ’, ઊંધું તો નથી પકડ્યું ને!’, અંદરની પથરી ખલાસ થઈ ગઈ હશે’, ફોરેનની વસ્તુઓનું આ જ દુ:ખ, એક વાર બગડી એટલે ખલાસ! વગેરે જેવા ઉદગારો પણ કાઢ્યા. ગેસ લાઈટરનો વાંક કાઢ્યો. પહેલાંના જમાનામાં લોકો ફૂંકણીથી ચૂલો કેવો સરસ પેટાવતા, અસલના વખતના દીવા કેવા સરસ આવતા, જે આજના સોડિયમ લેમ્પનેય ટક્કર મારે એવા હતા, પછી પેટ્રોમેક્ષ આવ્યાં પણ દીવા જેવી મઝા નહીં, આહાહા! એ દીવા, એ કોડિયાં, એ તેલ ને એ દિવેટો... આવી અનેક વાતો થઈ. પછી યાદ આવ્યું કે દીવો તો હજી સળગ્યો જ નથી.
એટલે છેવટે ગેસ લાઈટરને પડતું મૂક્યું. ભારતમાં રહેતા હોઈએ એટલે આવી કોઈ અણધારી આફત સામેની તૈયારી કરી રાખવાની ટેવ હોય જ. એટલે અમે વિકલ્પરૂપે દિવાસળીની પેટી તૈયાર રાખેલી જ હતી. શચિ  (મારી દીકરી)થી ઈશાનની હાલત જોઈ ન શકાઈ, એટલે એ ઈશાનની મદદે આવી. લૉની વિદ્યાર્થીની હોવાથી પહેલાં તો એણે લાઈટર બનાવતી કંપની પર દાવો માંડવાની વાત કરી. પણ એ વિષય હજી ચોથા સેમેસ્ટરમાં આવશે, જ્યારે હજી તો એ પહેલા સેમેસ્ટરમાં ભણે છે, એ યાદ આવતાં એણે ચૂપચાપ દિવાસળી પેટાવી. પહેલા જ ઝાટકે દીવાસળી સળગી ગઈ. એ ઓલવાઈ ન જાય તે માટે ઈશાનને હથેળી ધરી રાખવાનું કહેવામાં આવ્યું. શચિને એમ લાગ્યું કે એના આવવાથી દીવો સળગ્યો છે. અમને લાગ્યું કે લાઈટર ગમે એવાં મોંઘા લઈએ, છેવટે તો દોઢ રૂપિયાવાળી દિવાસળીની પેટી જ કામ લાગે છે. 
દીપપ્રાગટ્ય તો કરી લીધું. પણ પોઝીટીવ થિંકીંગનાં પુસ્તકોનાં ટાઈટલ જોયેલાં એ યાદ આવી ગયાં. મનમાં થયું કે આપણે ભારતીય સંસ્કૃતિના એવા અંધ ટેકેદાર અને વિદેશી સંસ્કૃતિના ઝનૂની ટીકાકાર ન બનવું જોઈએ કે વિદેશી ચીજને નામમાત્રથી ધિક્કારીએ. સૌ કોઈનું સારું આપણે ગ્રહણ કરવું જ જોઈએ. એટલે પછી એ સળગાવેલા દીવાને ફૂંક મારીને ઓલવ્યો. આમ, આ ઉજવણીમાં દેશી અને વિદેશી પરંપરાનો સુભગ સમન્વય કરવામાં આવ્યો.
હવે મુખ્ય પ્રસંગની ઉજવણી કરવાની હતી. અગાઉ જોયું એમ ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનું આગવું સ્થાન અને મહત્વ છે અને આપણે પ્રતિકોને જ યાદ રાખીએ છીએ કે અનુસરીએ છીએ. અમે પણ કાપવાનાં, તોડવાનાં પ્રતિકોને એક પછી એક પ્રતિકાત્મક રીતે અજમાવ્યાં. એ તો સૌ કોઈ જાણે છે કે પેપર કટર, કાતર કે સૂડી વડે કંઈ ટીનનો ડબ્બો ન કાપી શકાય. પણ અગાઉ જણાવ્યું એમ આ ચેષ્ટાનું પ્રતીકાત્મક મહત્વ છે.

   

પણ પ્રતીકને પકડીને ક્યાં સુધી બેસી રહેવું? વાસ્તવિકતાનો સામનો પ્રતિકાત્મક રીતે ન થાય. એમાં તો નક્કર પગલાં લેવા પડે. એટલે છેવટે વારો આવ્યો સાણસી અને હથોડીનો. જો કે, ઘરગૃહસ્થીવાળી કોઈ પણ વ્યક્તિ જાણે છે કે કોઈના હાથમાં માત્ર સાણસી અને હથોડી પકડાવી દઈએ એટલે કંઈ એને તેલનો ડબ્બો ખોલતાં આવડી ન જાય! બોઈંગ વિમાનની ચાવી કોઈ આપે અને સ્ટાર્ટર મારીને એને ઉડાડવાનું કહે તો એમ કંઈ ફાવે ખરું? આ સત્ય ઉજવણીમાં હાજર રહેલામાંથી કામિની અને મારા કરતાં વધુ સારી રીતે કોણ સમજી શકે?
કામિની એટલા માટે સમજી શકે કે તેલનો ડબ્બો દર વખતે એ જ ખોલે છે. અને હું એટલા માટે સમજી શકું કે એક વાર ડબ્બામાં ભળતી જગાએ કાણું પડી ગયું ત્યારથી ડબ્બો ખોલવામાં મારી મદદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. એટલે માત્ર ફોટો પડાવવા પૂરતી ઈશાનના હાથમાં હથોડી પકડાવીને પછી કામિનીએ જ સાણસીથી ડબ્બો ફટાફટ ખોલી નાંખ્યો. અનેક અટપટી વિધિ કર્યા પછી છેવટે ડબ્બો ખૂલ્યો તો ખરો.
ઉપસ્થિત સૌએ આ પ્રસંગને કેક કાપવાની સમકક્ષ ગણીને તાળીઓથી વધાવી અને હેપી બર્થ ડે ટુ યુ ગાયું. અને ત્રીજી વાર ગાતી વખતે યુની જગાએ ઈશાનનું નામ બોલ્યા. અત્યંત મર્યાદિત કુટુંબીઓની આ પ્રસંગે હાજરી હતી. મિડીયાવાળાને જાણી જોઈને દૂર રાખવામાં આવ્યા હતા.
તેલ ભરેલો ટીનનો ડબ્બો કપાઈ ગયા પછી વારો હતો સૌને તેલનો આસ્વાદ કરાવવાનો. આ ક્રિયામાં પણ મહત્વ પ્રતીકનું હતું, એટલે સૌએ પોતાને ગમતું તેલનું પાત્ર અને પદ્ધતિ પસંદ કરી, જેની એક ઝલક અહીં જોઈ શકાશે.
         ઉજવણીમાં  સૌની હિસ્સેદારી 

સમગ્રપણે આખો પ્રસંગ પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવાયો. ભોજન લઈ લીધા પછી આ ઉજવણી રાખવામાં આવેલી હોવાથી ભોજન લેવાનો કોઈ સવાલ પેદા થતો નહોતો. ઉજવણીમાં ભાગ લેનારા સૌ કોઈ ઘરના જ હોવાથી ઉજવણી સંપન્ન થયે વિખરાઈને ઘેર જવાનો સવાલ નહોતો. એટલે સૌ ત્યાંના ત્યાં જ રહ્યા અને સૂવાનો સમય થયો એટલે સૂઈ ગયા.
બિનઅગત્યની નોંધ: આ ઉજવણીનું આયોજન ઘણા લાંબા સમયથી કરેલું હતું. અનેક ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. એવી પણ વાત છે કે આઈ.આઈ.એમ.(અમદાવાદ) સાથે ઓળખાણ ધરાવતા કેટલાક લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. એક અફવા મુજબ શહેરના ચોક્કસ ઈવેન્ટ મેનેજર પાસેથી પણ ટેન્ડર મંગાવાયું હતું. આયોજનમાં એટલી ઝીણવટ અને ચોકસાઈ રાખવામાં આવી હતી કે દિવાસળીની પેટીનો સુદ્ધાં ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જો કે, નિમંત્રીતોની યાદી બનાવવાનું કામ કોઈને યાદ આવ્યું નહોતું. એટલે અત્યંત મર્યાદિત લોકો અને કુટુંબના સભ્યો વચ્ચે જ આ ઉજવણી સિમીત રહી. જેનું સાટું આ અહેવાલ થકી વાળી લેવાનું સૂચન મળતાં એનો અમલ કર્યો છે.
આ પ્લેટ પણ મૂકી નહોતી. 
અગત્યની નોંધ: આ અહેવાલ વાંચીને ઘણા મિત્રોને દિલમાં હાશ થશે કે ચાલો, બર્થડેની ઉજવણીમાં સમોસાં, વેફર, મંચુરિયન બોલ્સ વડાપાઉં કે ભાજીપાઉં ખાવામાંથી છૂટકારો થયો. 
અમુક મિત્રો મનમાં બચી ગયાનો આનંદ થતો હશે છતાં, અપરાધભાવ બતાવશે કે અમારે મન ખાવાનું મહત્વ નથી, પણ અમારા ભત્રીજાને અમારે ગીફ્ટ આપવાની હતી, એનું શું? આવા મિત્રોને અપરાધભાવ ન થાય અથવા ખરેખર થયો હોય તો દૂર થાય એનો પણ અમે વિચાર કરી રાખ્યો છે. (અગાઉ જણાવ્યું એમ ઝીણવટભર્યું આયોજન!) એ મુજબ નીચેનાં સૂચનો વાંચી જવા અનુરોધ છે.
આ ગીફ્ટ પણ નથી આવી. 
 • ગીફ્ટ આપતાં અગાઉ જરાય સંકોચ વિના અમને પૂછી લેવા વિનંતી, જેથી પુનરાવર્તન ટળે. (ઈશાનની પહેલી વર્ષગાંઠે આવેલી સ્કેચપેનો એ હજીય વાપરે છે.)
 •   ગીફ્ટની (બજેટ મુજબ) પસંદગી કરતી વખતે એ હકીકત યાદ રાખવા વિનંતી કે રીટર્ન ગીફ્ટ આપવામાં અમે માનતા નથી.
 • ગીફ્ટની આઈટમ પર નામ ન લખતાં, તેના રેપર પર જ આપનું નામ લખવું, જેથી આપની ગીફ્ટ અમને પસંદ ન પડે તો બીજાને પધરાવવામાં સુવિધા રહે.
 (સાદી નોંધ: ગીફ્ટ, કેક તેમજ સમોસાની તસવીર નેટ પરથી લીધી છે.) 

11 comments:

 1. Wah, what innovative rituals...Ishaan will never forget his Teen/Tin Pravesh... :) Great!

  ReplyDelete
 2. ઇશાન કાકડી, ઝિંદાબાદ. મસ્ત અહેવાલ છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કોન્ટ્રાક્ટ લો છો? ના લેતા હો તો કંઇ નહીં, એના અહેવાલ લખવાના કોન્ટ્રાક્ટ તો લેવા જેવા જ છે.

  ReplyDelete
 3. નવી ફિલ્મનાં પ્રમોશન વખતે એના દરેક અદાકારો આ ફિલ્મ હટ કે છે,એવું કહેતા હોય છે,એટલે એવું કહીએ તો ક્યાંક કોઇક હસતું હોય એવું જ લાગે,પણ આ પોસ્ટ માટે મારે એ જ કહેવું પડશે.તદ્દન નવતર ઢબે કરાયેલી રજૂઆત ગમી.જન્મદિન ઉજવણીનું સૂચન ને પછી સર્જાતી ઘટનાઓની હારમાળા-પોતે જ એક અભૂતપૂર્વ ઘટના છે.સામાજિક ઘરેડમાં રિબાવાને બદલે પોતાની રીતે પોતાના અંદાજમાં ખુશીઓ ઉજવવી જોઇએ,કેમ કે મૂળ આશય તો ખુશ થવાનો જ તો હોય છે ને? આવી અંગતતામાં કોઈને પણ ભીંજાવાનું ગમે.

  ReplyDelete
 4. સ-રસ અહેવાલ... ઇશાનને મારું,
  "હેપ્પી બર્થ ડે ટુ યુ (૨) - ટેક
  હેપ્પી બર્થ ડે ઇશાન"

  અને આવતા જન્મદિન સુધીમાં પેલી સ્કેચપેન પતી જાય એવું લાગતું હોય તો વિના સંકોચે કહેજો... આપડે ગીફ્ટ આપી દઈશું... :)

  ReplyDelete
 5. Ishan's real return to the teen festival.

  ReplyDelete
 6. સુધા મહેતાDecember 3, 2011 at 10:45 AM

  બ્લોગમાં ઈશાનના જ્ન્મદીવસનો 'અહેવાલ', આ મીડીયામાં તો તેમ, પણ વાંચીને બહુ મઝા પડી. તમારી એ 'ટીન એજ' ઉજવવાની રીત પણ મસ્ત છે! આમ બધાને તેનો આસ્વાદ પણ કરાવ્યો અને આમ નવી રીતે ભાગીદારી પણ થઇ. વાહ! ઈશાનને 'ટીન - એજ' મુબારક!
  આભાર.

  ReplyDelete
 7. આ અંગત ઉજવણીમાં સામેલ થનાર સૌનો આભાર.
  @સાક્ષર: હવે તો હોમવર્ક,ઘરના હિસાબકિતાબ જેવાં તમામ કામ સ્કેચપેનથી જ કરવાની ટેવ પડી ગઇ છે. અરે, ઇમેલ કરવાનો હોય તો પણ પહેલી વાર તો હાથ સ્કેચપેન પર જ જતો રહે છે. એટલે ગીફ્ટ આપવા માટે તમારે પેલી સ્કેચપેન પતે એની રાહ જોવાની જરૂર નથી.

  ReplyDelete
 8. Binit Modi (Ahmedabad)December 5, 2011 at 12:23 AM

  ક્યાં છે ઈશાનના મમ્મી - પપ્પા?
  'એ ફોટામાં દેખાય' એવા ચીલા ચાલુ જવાબમાં મને રસ નથી. મને રસ છે તેમની સામે વિધિસરની ફરિયાદ દાખલ કરવામાં. કુમળી વયના બાળક પાસે તેલનો ડબ્બો ખોલાવવાની મજૂરી કરાવવાનો તમારો જીવ ચાલ્યો જ કેવી રીતે? શું આપને બાળ મજૂરીના કાયદાઓનું જ્ઞાન નથી? ભલે ન હોય. એમ દરેક બાબતનું જ્ઞાન હોવું જ જોઇએ એમ પણ હું ક્યાં કહું છું. પણ ફોટામાં દેખાય છે એ સિવાય બર્થ-ડે બોયની બહેન ક્યાં છે? એને તો બાળ મજૂરીના કાયદાઓનો ખ્યાલ હોવો જ જોઇએ. હવે કેમ એને જ હોવો જોઇએ એ પણ મારે સમજાવવું પડશે? લાગે છે મારે અહીં કમેન્ટ લખવામાં વખત બગાડ્યા વગર કારેલીબાગ પોલીસ મથકની મુલાકાત લેવી પડશે.
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 9. @ બિનીત મોદી: ખુશીથી જાવ કારેલી બાગ પોલિસમથકે. પણ યાદ રાખજો કે ત્યાં તમારી ફરિયાદ કોઇ લેશે જ નહીં. મેં ક્યાં કહ્યું કે મારી એટલી બધી ઓળખાણ છે! અમે ગોરવા પોલિસ સ્ટેશનની હદમાં આવીએ છીએ એ જ કારણ.

  ReplyDelete
 10. બિરેનભાઇ,
  મઝા પડી.
  ટીનેજ ની ઉજવણી માટે કેમ તેલના ડબ્બાનું જ ટીન..? આ પ્રશ્નના ઉત્તર માં અનેક ગર્ભિત મુદ્દાઓ સમ્માહિત છે જે કાબિલેદાદ દુર્દર્શીતાનો નિર્દેશ કરે છે.
  ૧] અમેરિકા જેવી મહાસત્તા પોતનું મહાસત્તાપણું ટકાવી રાખવા તેલિયા રાજા એવાં આરબો સાથે કેવાં કાવા-દાવા ખેલે છે તે કોનાથી છુપું છે..?
  - આ સંદર્ભમાં એક અંગત પ્રસંગમાં તમે પ્રતીકાત્મક રીતે મહાસત્તાની જે ટીખળ ઉડાડી છે તથા તમારી નિર્ભીકતા / પરિવારની નિર્ભીકતા / વિદેશી મહાસત્તા વિરુદ્દ પરિવારનું ઐક્ય જે પ્રમાણે રજુ કર્યા છે તે [આ જ] તેલનો [આ જ]દીવો લઇ શોધવા જાઓ તો પણ નહીં મળે [ મુખ્ય તો એટલે કેમકે એ દીવો બુઝાવી દેવાયો છે]

  ૨] આખા ઉપક્રમમાં સાણસીનો ઉપયોગ આગવી સુચકતા દર્શાવે છે. સાણસીનો ઉપયોગ આટલી સલુકાઈથી કોણ કરે..? અ] પત્રકાર બ] ચતુર અને મુત્સદી ૩] રસોઈકાર્યના અનુભવી... અહીં આ ત્રણે નો સુભગ સમન્વય થયો તો થયો પણ એટલી સરળતાથી થયો જાણે આખી પ્રક્રિયાને તેલ ચોપડી સુંવાળી કરી દેવાઈ હોય- અભિનંદન.

  ૩] તેલ પીવાવાળી વિધિ પરંપરા અને ગુજરાતી ભાષાને એક આહવાન આપનારી થઇ પડી- આજ પછી - 'તેલ પીવા જા...' -આ ઉપાલંભ માટે ટકવું દુષ્કર છે.

  ૪] આ 'તેલીયાળ' ક્રાંતિમાં વિશિષ્ઠતા એ છે કે અંગત પ્રસંગ [પુત્રનો જન્મદિન] અને વૈશ્વિક પડકાર [ મહાસત્તાની ટીખળ] આ બન્ને નો જે સુભગ સમન્વય કર્યો છે તે ત્રણ દસ્તાવેજમાં દાખલ થઇ શકે એટલો અનન્ય છે- એ દસ્તાવેજ એટલે (i) તેલની શ્રધ્ધા ગાથા (ii) મહાસત્તાની વ્યથા ગાથા , અને (iii ) ઈશાનની આત્મકથા.

  છેલ્લે-
  તમે હાસ્યલેખક ન હોવાને કારણે હાસ્ય પર ખૂબ સારી પકડ છે.

  - શું નવી પેઢી આમાંથી કઈ ધડો લેશે...?

  -અસ્તુ.

  ReplyDelete
 11. મારે ઇશાનના રજત પ્રવેશની રાહ જોવી રહી. એ વખતે તો તમે હાજર રહેનારાંઓને 'ચાંદી ચાંદી' કરી દેવાનો જ કોઈ ઉપક્રમ રાખશો ને? સમગ્ર અહેવાલ એક ઉત્તમ હાસ્યલેખ જ બની રહ્યો છે, આનંદ, આનંદ.

  ReplyDelete