Tuesday, December 6, 2011

ફિલ્મસંગીતના ‘શાહ’: નલિન શાહઅગાઉ  હરીશભાઈ અંગેની પોસ્ટ લખી એ વાંચ્યા પછી અમુક મિત્રોએ બહુ ગંભીરતાથી પૂછ્યું હતું કે ફિલ્મોમાં ખરેખર સંશોધન શેનું કરવાનું હોય? બહુ બહુ તો નટ- નટીઓનાં સરનામાં શોધવાં પડે એ જ ને? એમાંના એક મિત્ર વડીલ હતા, ખાસ્સા સિનીયર હતા. હરીશભાઈ માટે આદર ધરાવતા હતા, છતાં આવો પ્રશ્ન તેમને થયો હતો. એ જવાબ સાંભળવા તત્પર અને જિજ્ઞાસુ હતા, એટલે એમને થોડુંઘણું સમજાવ્યું. એનાથી એમને સંતોષ થયો હશે, પણ મને ન થયો. ઘણાને એમ જ હોય છે કે ફિલ્મો વિષે આટલું બધું છપાય છે, એના અભિનેતા-અભિનેત્રીઓના ફોટા છપાય છે, ગીતોની પબ્લિસીટી થાય છે, એટલે બધી માહિતી તૈયાર જ મળે છે. ત્યાંથી લઈને કંઈ પણ લખવું, એ થયું ફિલ્મવિષયક સંશોધન. જેટલી અજાણી વાત લખો એટલા તમે કાબેલ ગણાવ. પણ પાયાનો સવાલ એ છે કે ત્યાં એટલે ક્યાં? એવો કયો સ્રોત છે કે જ્યાં આપણને જોઈએ એ માહિતી તૈયાર મળે? લોકો આવું માને એમાં વાંક એમનો નથી. કેમ કે સમગ્રપણે આપણે ત્યાં ફિલ્મના માધ્યમને ગંભીરતાથી લેવાતું નથી. એ મનોરંજનનું ક્ષેત્ર છે, એ પણ કદાચ એક કારણ હોઈ શકે.
આવી પરિસ્થિતિમાં હિંદી ફિલ્મસંગીતનો ઈતિહાસ હોય અને કોઈ વ્યક્તિ હિંદી ફિલ્મસંગીતની ઈતિહાસકાર હોય એવો તો વિચાર જ શી રીતે આવે? પણ અમારા (મારા અને ઉર્વીશ) સહિત ઘણા એવા લોકો છે, જેમને હિંદી ફિલ્મસંગીતના ઈતિહાસકાર તરીકે એક જ વ્યક્તિનું નામ યાદ આવે. એ નામ યાદ આવે, એની સાથે જ માથે કારાકુલ કેપ, કેપમાંથી બહાર નીકળેલા સીધા અને કડક સફેદ વાળ, ગાલ પર ઉતરેલા જાડા થોભિયા અને ચશ્મા પહેરેલો ચહેરો દેખાય. એ ચહેરાની સાથે જ સફેદ શેરવાનીની ઉપર ઘેરા ભૂરા રંગનો ઝભ્ભો અને ઉપર જાકીટની વેશભૂષા આંખ સામે આવે. એમને સામેથી આવતા જોઈએ તો પહેલી નજરે એ શાયર જેવા, બલ્કે પાકિસ્તાની શાયર જેવા લાગે. અને એમને ઉર્દૂ જબાન બોલતા સાંભળીને આ વિચાર દૃઢ બને. એમનો પરિચય આપતાં કોઈ મિત્રને આપણે જણાવીએ કે આ છે નલિન શાહ. આવું ટીપીકલ ગુજરાતી નામ સાંભળવા છતાંય એમને પહેલી વાર મળનાર વ્યક્તિ એવી શંકા કરે કે નલિન એમનું તખલ્લુસ હશે. અને કાશ્મીરમાં ઘણા મુસ્લિમોની અટક શાહ હોય છે, એવા શાહ એ હશે. યાદ છે ત્યાં સુધી એમને પહેલી વાર ટી.વી. પર જોઈને સલિલભાઈ(દલાલ)એ પોતાની કોલમમાં પણ આવું અનુમાન કર્યું હતું.
નલિનભાઈની આવી બાહ્ય આભામાંથી એમને પહેલી વાર મળનાર વ્યક્તિ ભાગ્યે જ મુક્ત થઈ શકે. સામેવાળાના મનમાં એમના વિષે જાતજાતના પ્રશ્નો પેદા થાય, પણ ક્યાંથી શરૂ કરવું એનો ખ્યાલ જ ન આવે. એમના વિષે આજે પહેલી વાર લખી રહ્યો છું, ત્યારે મારા મનમાં પણ કંઈક એવી જ મૂંઝવણ છે કે ક્યાંથી શરૂ કરવું?
એમની કલમનો પહેલો પરિચય થયો પ્રિયા નામના ટી સિરીઝ દ્વારા પ્રકાશિત હિંદી ફિલ્મ માસિકથી. માધુરીના માળખા પર એંસીના દાયકાના છેલ્લા વરસોમાં શરૂ થયેલું આ મેગેઝીન એટલું અદભૂત હતું કે એમાંનો એકે એક લેખ અક્ષરશ: વાંચી જતા. આ મેગેઝીનમાં જૂના ફિલ્મસંગીત વિષે બે પાનાંનો એક વિભાગ આવતો,જેમાં કલાકારો વિષે એવી અદભૂત વાતો અને કિસ્સા આવતા અને સાથેસાથે પોતાનાં નિરીક્ષણો પણ શબ્દો ચોર્યા વિના લખવામાં આવતા. આ વિભાગના લેખકનું નામ હતું નલિન શાહ. ધીમે ધીમે આ વિભાગની એવી આદત પડી ગઈ કે પ્રિયાના અંકની રાહ ખાસ એને માટે જ જોવાતી અને દર મહિને એનો અંક બહાર પડે કે એ ખરીદીને પહેલો જ નલિન શાહનો વિભાગ વાંચી જવાનો ક્રમ બની ગયો. એ વખતની અમારી આદત મુજબ અમે નલિન શાહને પત્ર લખ્યો હિંદીમાં, કેમ કે એ હિંદી મેગેઝીનમાં લખતા હતા. પત્ર મેગેઝીનના સરનામે લખેલો, એટલે એમને મળશે કે કેમ એ શંકા હતી. એમનો કશો જવાબ આવ્યો નહીં, એટલે અમે માન્યું કે પત્ર એમના સુધી કદાચ નહીં પહોંચ્યો હોય. એ સમયગાળો એવો હતો કે જૂના હિંદી ફિલ્મસંગીતની સૃષ્ટિમાં અમારો પ્રવેશ થઈ રહ્યો હતો, અને એ આખું વિશ્વ અમારી સમક્ષ ખૂલી રહ્યું હતું. રજનીકુમાર પંડ્યા સાથે ભલે પહેલો પરિચય વાચક લેખે થયો, પણ એ આગળ જતાં ગાઢ બન્યો એમાં હિંદી ફિલ્મસંગીત એક મહત્વનું પરીબળ. એ વખતે તો હરીશ રઘુવંશી, હરમંદીરસિંઘ હમરાઝ, વિશ્વનાથ ચેટરજી જેવાં નામો અમારા માટે પરીકથાનાં પાત્રો જેવા હતા. આમાં વધુ એક નામ જોડાયું નલિન શાહનું.
તલત મહેમૂદને કાર્યક્રમમાં લાવતા નલિન શાહ 
૧૯૯૧માં હિંદી ફિલ્મ ગીતકોશના વિમોચન સમારંભમાં પહેલી વાર હાજરી આપી, ત્યારે પરીકથાના આ પાત્રોને અમે પહેલી વાર સદેહે જોયા. બધાને અમે સામે ચાલીને મળ્યા, એમના ઓટોગ્રાફ લીધા. એ સૌ એવા વિનમ્ર કે એમના ઓટોગ્રાફ માંગીએ એટલે કહે અમે ક્યાં કોઈ આર્ટીસ્ટ છીએ?’ જરા વિચારો કે જે ફંક્શનમાં હિંદી ફિલ્મસંગીતના ધુરંધરો આવવાના હોય એ ફંક્શનમાં અમારા જેવા કોઈ હરીશભાઈ કે હમરાઝ જેવાના ઓટોગ્રાફ માંગે તો એમને પોતાને કેવું લાગે? પણ અમારા માટે એ કોઈ સેલીબ્રીટીથી કમ નહોતા. અમારા મનમાં જેને મળવાની યાદી હતી એમાં મનોમન ટીક કરતા જતા હતા અને વિચારતા હતા કે હવે નલિન શાહ બાકી રહ્યા. કેવા દેખાતા હશે નલિન શાહ? ચપ્પટ વાળમાં એક બાજુએ પાડેલી પાંથી હશે, ઓપન શર્ટ હશે, પેન્ટ કદાચ સહેજ ઉંચું હશે, અને પગમાં તો ચપ્પલ જ હશે. પૂછવું તો કોને પૂછવું?
કારાકુલ કેપ, ઝભ્ભો અને શેરવાની પહેરેલી એક વ્યક્તિ આમતેમ ફરી રહી હતી, અને પોતાના ઘેરા અવાજે સૌને અરે જનાબ, આઈયે, આઈયે કહેતાં હળીમળી રહી હતી. એ કોણ હશે, એવો સવાલ થયો. સાંભળેલું કે પાકિસ્તાનના શાયર કતિલ શિફાઈ પણ આવવાના હતા. આ શિફાઈસાબ તો નહીં હોય ને! છેવટે કોઈકને પૂછી જ લીધું એ સજ્જન વિષે. જવાબ મળ્યો, વો નલિન શાહ હૈ. ઘડીક અમારા માનવામાં ન આવ્યું, એટલે અમે બે-ત્રણ અલગ અલગ લોકોને પૂછીને ખાતરી કરી. છેવટે ખાતરી થઈ એટલે એમને અમે મળવા ગયા. અમારું નામ દઈને પરિચય આપ્યો એટલે એમણે ગુજરાતીમાં જ કહ્યું, તમારો કાગળ મળ્યો હતો. આ સાંભળીને અમને કેવી લાગણી થઈ હશે એ પત્રલેખન કરી ચૂકેલો કોઈ પણ વાચક સમજી શકશે. અમે એમને નિરાંતે મળવા આવવાની વાત કરી તો એમણે તરત કહ્યું, ઘેર આવજો ને! આટલી સરળતાથી આવી વ્યક્તિ પોતાને ઘેર આવવાનું કહી દે એ જરા નવાઈની વાત હતી. એમના પણ અમે પરાણે ઓટોગ્રાફ લીધા.  
એ ફંક્શનમાં નલિન શાહ વક્તવ્ય આપવા ઉભા થયા અને ખવાતીમોહજરાતના સંબોધનથી શરૂઆત કરીને ઉર્દૂ મિશ્રીત હિંદીમાં જે પ્રવચન આપ્યું એની અસર હજી આજ સુધી ઉતરી નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાના અનુભવો, તારણો, પબ્લિક ડિમાન્ડના નામે પીરસાતો હલકો માલ અને એ પીરસતા સંગીતકારોને એમણે નામજોગ ચાબખા માર્યા, એ સાંભળીને તાળીઓના ગડગડાટ થતા રહ્યા. જીવનનું યાદગાર ફંક્શન એ બની રહ્યું. અમે તો ફક્ત એમાં હાજરી આપવા જ ખાસ મહેમદાવાદથી મુંબઈ ગયેલા એટલે ભવિષ્યમાં એમને ફરી મળવાનું વિચાર્યું.
પહેલી વાર એમને મળનારને એમનું વ્યક્તિત્વ ખાસ્સું ફિલ્મી લાગે. અમસ્તાય નલિનભાઈ મહેફિલના માણસ. મહેફિલમાં લોકોને જકડી રાખવાની કળા એમને હસ્તગત. પ્રસંગોચિત શે, જોક્સ, ક્વોટ્સ તેમને જીભવગાં. પણ એમના પરિચયનું આ બહારનું પડ ભેદીને આગળ વધનારને જ એમના અસલી ગુણોનો પરિચય થઈ શકે. મોટે ભાગે તો નલિનભાઈ જ આ પડ ભેદાવા ન દે.
એ પછીની મુંબઈ મુલાકાતમાં નલિન શાહને મળવાનું નક્કી કરીને જ ગયેલા. એમને ફોન કરીને અનુકૂળતા પૂછી એટલે એમણે તરત જ આવવાનું જણાવી દીધું. અને અમે ઉપડી પણ ગયા. એમના ઘરમાં પ્રવેશ્યા એટલે ચારે બાજુ સંગીતનો જ માહોલ. એક રેકમાં લાઈનબંધ એલ.પી.રેકોર્ડ્સ, સામે રેકોર્ડ પ્લેયર, ડેક, કેસેટ પ્લેયર. સામેના કબાટમાં ફિલ્મવિષયક પુસ્તકો. સહેજ અંદર નજર કરીએ તો મુખ્ય રૂમથી રસોડામાં જવાના પેસેજમાં આવેલા શોકેસમાં લાઈનબંધ કેસેટો નજરે પડે. ભીંત પર જૂના સંગીતકારોની તસવીરો. સોફા પર પણ રેકોર્ડ પથરાયેલી. આવામાં બેસવું ક્યાં? એમણે આવકાર આપ્યો અને થોડી રેકોર્ડ ખસેડીને અમારા બેસવાની જગા કરી. ધીમે ધીમે કરતાં અનાયાસે જ કેટલીય વાતો નીકળી. અમારા જેવા લબરમૂછીયાઓને પહેલી જ વાર મળતા હોવા છતાં તેમણે શાંતિથી સાંભળ્યા, એટલું જ નહીં, વાત પણ કરી. દોઢેક કલાક બેઠા હોઈશું. જવાની અમે તૈયારી કરી અને એમને ફરી વાર મળવા આવી શકાય કે કેમ એ પૂછ્યું. એમણે તત્ક્ષણ હા પાડી. અમે બીજે દિવસે એમને ફરીથી મળવા ગયા. બપોરના બે-અઢી વાગે ગયા હોઈશું. એમણે પ્રેમથી આવકાર્યા. વાતોની શરૂઆત થઈ. થોડી વાર રહીને એમણે અમને સુનહરે દિન ફિલ્મની વાત કરી. એના ગીત-સંગીત વિષે કહ્યું. અમને એ ફિલ્મ વિષે કશી જ ખબર નહોતી. તરત ઉભા થઈને એ એક વિડીયો કેસેટ લઈ આવ્યા અને વી.સી.આર.માં લગાવી. પછી કહે, ટાઈમ છે ને?” ખરેખર તો અમારે એમને આવું પૂછવાનું હોય! એ દિવસે અમે રાજ કપૂર અને રેહાનાની, જ્ઞાન દત્તના સંગીતવાળી એ ફિલ્મ આખી જોઈ. ઘેર જવા ઉઠ્યા ત્યારે સાંજના સાડા છ જેવું થયું હતું. અમે હજી તો બીજી જ વાર મળતા હતા અને નલિન શાહે અમારા માટે આટલો સમય ફાળવ્યો હતો. કશી અપેક્ષા વગર! અમારી વચ્ચે આત્મીયતાનો એક સેતુ રચાઈ ચૂક્યો હતો.
નૌશાદજી સાથે અમારી પારિવારિક
મુલાકાત નલિન શાહ થઈ શક્ય બની. 
એ પછી સમય વીતતો રહ્યો અને મુંબઈ મુલાકાત દરમ્યાન એમની સાથેની બેઠક અનિવાર્ય બની રહી. થોડા વખત પછી ઉર્વીશને ગુજરાત રિફાઈનરીની નોકરી માટે છ મહિના માટે મુંબઈ રહેવાનું બન્યું. આ ગાળો નલિન શાહ સાથેના સંબંધને મજબૂત કરવામાં અતિ મહત્વનો બની રહ્યો. ઉર્વીશ એમની લગભગ રોજ મુલાકાત લે, બેસે, વાતો કરે, પુસ્તકો, લેખો વગેરે ગોઠવવાનું કામ હોય તો પૂછે. આ બેઠકોથી અમારી સમક્ષ નલિનભાઈના કામનો ખરો વ્યાપ અને તેનું મૂલ્ય ઉઘડતું ગયું. નલિનભાઈને જૂની ફિલ્મોના ઘણા બધા કલાકારો સાથે આત્મીયતા. નલિનભાઈને ઘેર જ ઉર્વીશને ગાયિકા રાજકુમારી, સીતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાં જેવાના લાંબા સત્સંગનો લાભ મળ્યો, સારંગીવાદક ઉસ્તાદ રામનારાયણ, નૌશાદ, પ્રદીપજી, સંગીતકાર રામ કદમ (પૂના), ગાયિકા જ્યોત્સના ભોળે (પૂના) જેવા મહાનુભાવોને તેમના નિવાસસ્થાને શાંતિથી મળવાનું, એમની વાતો સાંભળવાનું બન્યું, કતિલ શિફાઈ સાથે મુલાકાત થઈ, તેમ સ્વ.ગુલામ મહંમદના ઘરની મુલાકાત પણ લેવા મળી. (ત્યારે પત્રકારત્વ તો સપનામાં પણ નહોતું.)
કિર્તીદાબેન: મૂક આધારસ્તંભ 
આ ગાળામાં ઉર્વીશ તેમના કુટુંબી જેવો જ બની ગયેલો. ક્યારેક એ જાય અને નલિનભાઈ ઘરે ન હોય તો એમનાં પત્ની કિર્તીદાબેન સાથે બેસે અને ગપ્પાં મારે. કિર્તીદાબેન પણ જૂની ફિલ્મોનાં રસિયા, એટલે એ પણ કલાકારો સાથેના અનુભવોની વાત કરે, પણ એક ગૃહિણીના દૃષ્ટિકોણથી.
એક ઈતિહાસકાર તેમજ સંશોધક તરીકે નલિનભાઈની કાર્યશૈલી નજીકથી એ રીતે નીરખવા મળી કે જર્નાલિઝમની સ્કૂલમાંય આવું જ્ઞાન ન મળે. સાયગલ જલંધરમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં જબ દિલ હી તૂટ ગયા ગીત વગાડવામાં આવેલું એવી વાત ખુદ નૌશાદ અને મજરૂહ સુલતાનપુરી પણ કરતા. નલિનભાઈએ આ અંતિમયાત્રામાં હાજર રહેલી ત્રણ વ્યક્તિઓની મુલાકાત લીધી. નૌશાદ અને મજરૂહસાબ પ્રત્યેના પૂરેપૂરા આદર સાથે તેમણે આ વાતની અધિકૃતતા ચકાસી. અંતે આ વાત કપોળકલ્પના હોવાનું પુરવાર કર્યું. એ પછી તો સાયગલ પર સંશોધન કરવા માટે કોલકાતાના સ્ટુડિયોની મુલાકાત લીધી,
કોલકાતાની સંશોધનયાત્રા વખતે:
આ હાર્મોનિયમ પર  ક્યારેક સાયગલસા' બનાં
આંગળાં  ફર્યાં હશે. 
સાયગલસાબના વતન જલંધર પણ ગયા અને સાયગલસાબના કુટુંબીઓને પણ મળ્યા, અને કેટલીય અજાણી, અદભુત અને નક્કર વાતો પ્રકાશમાં લાવ્યા, જે સાયગલસાબના મૃત્યુને પચાસ વરસ કરતાં વધુ  ગાળો વીતવા છતાં, તેમના વિષે આટલાં પુસ્તકો લખાયા છતાં અજાણી જ રહી ગયેલી. એ કહે, કોઈ પણ વ્યક્તિ કશો દાવો કરે તો એને એમ ને એમ માની લેતાં પહેલાં આપણી કોમન સેન્સ વાપરવાની. ત્યાર પછી એની અધિકૃતતા ચકાસવાની. અધિકૃતતા એક વાર ચકાસીને એ વાત પૂરી ન કરે. ઘણી વાર તો એ ચાર-છ મહિને અધિકૃતતા રીન્યુ કરતા રહે. નૌશાદજી,પ્રદીપ કે અન્ય કોઈએ પણ કોઈ કલાકાર વિષે અમુક વાત કરી હોય, તો એ જ વાત બીજી રીતે થોડા સમય પછી ફરી પૂછવાની. બને કે પહેલી વાર તેમણે અહોભાવમાં આવીને અમુક વાત કરી હોય!
એમના લેખોમાં કશી વાત અનુમાન આધારીત કે અદ્ધરતાલ ન હોય. માત્ર કોઈની કહેણી (hearsay) પર પણ આધાર ન રાખે. ફિલ્મસંગીતના અભ્યાસુ વાચકો જાણતા હશે કે ફિલ્મના ગીતકાર, સંગીતકાર કે ગાયકો બાબતે કેટકેટલા અવનવા કિસ્સાઓ પ્રચલિત છે (એક વાર લતાએ નૌશાદને કહેલું ટાઈપના), 
ઔર આપ હૈ જનાબ નલિન શાહ:
સુરૈયાને નલિન શાહનો પરિચય કરાવતા નૌશાદ  
જે દરેક જણ પોતે તેના સાક્ષી હોય એમ લખે છે યા કહે છે. પોતે સાચું જ લખે અને લખ્યા પછી પોતે લખ્યું એ સાચું જ, એવો અભિગમ એમના લખાણમાં કદી જોવા ન મળે. એક વાર વાત નીકળી કે સંગીતકાર શૌકત હૈદરી અને શૌકત દહેલવી બન્ને એક જ જુદા? નલિનભાઈને ખ્યાલ હતો કે બન્ને એક જ છે, પણ છતાંય એ ખ્યાલ નવ્વાણુ ટકા હતો, સો ટકા નહીં. આની ખાતરી શી રીતે કરવી? તેમણે સીધો જ મુબારક બેગમને ફોન જોડ્યો અને આ સવાલ પૂછ્યો. શૌકત દહેલવીના સંગીત નિર્દેશનમાં ગાઈ ચૂકેલાં મુબારક બેગમે ખરાઈ કરી કે બન્ને એક જ વ્યક્તિ છે.
તેમનાં તમામ લખાણો અંગ્રેજીમાં છે. ભાષાની અભિવ્યક્તિની સાથેસાથે યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સાથે ઉભો કરવામાં આવતો મુદ્દો તેમજ માહિતીની સાથેસાથે પરિમાણ. આ શૈલી છે નલિન શાહની, જે તેમને ફિલ્મસંગીત વિષે લખતા અનેક લેખકોમાં નોખા તારવે છે. આ બધાને કારણે તેમની કલમની જબરદસ્ત વિશ્વસનીયતા ઉભી થઈ. અનેક કલાકારોની આત્મીયતા તેમને પ્રાપ્ત થઈ. 
કેદાર શર્મા સાથે 
નલિનભાઈના ફિલ્મસંગીત વિષયક લેખો અવારનવાર છપાતા. ફિલ્મફેરમાં તેમણે લખેલી સંગીતકારો વિશેની સંશોધનાત્મક શ્રેણીને હજીય લોકો ભૂલ્યા નથી. વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી તે પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. પ્લેબેક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ નામના મેગેઝીનમાં પણ તેમની કોલમ આવતી. પણ વખત જતાં ફિલ્મફેરનાં રૂપરંગ બદલાયા, અને બાકીનાં મેગેઝીનનું પ્રકાશન બંધ પડ્યું, એટલે એમના લેખો પણ આવતા બંધ થયા, જે પછી શરૂ થયા મીડ ડેમાં. એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના આ લેખ ખૂબ લોકપ્રિય થયા. 

મિડ ડેમાં તેમની કોલમ આ રીતે આવતી. 
નલિનભાઈની લોકપ્રિયતા એક સેલીબ્રીટીની કક્ષાની થઈ ગઈ, જેમાં સંપૂર્ણપણે તેમની કલમનો જ ફાળો હતો. લેખની સાથે તેમની તસવીર છપાતી હોવાને કારણે ચહેરેથી પણ લોકો તેમને ઓળખી કાઢતા. એક કાર્યક્રમમાં શ્યામ બેનેગલ સાથે તેમનો ભેટો થઈ ગયો. નલિનભાઈ પોતાનો પરિચય આપવા જાય ત્યાં જ બેનેગલ સાહેબે હસીને કહ્યું, અફ કોર્સ, તમને તો હું ઓળખું છું. તમારા લેખ નિયમીત વાંચું છું. આપણા લોકપ્રિય હાસ્યલેખક તારક મહેતા પણ આ લેખોના જબરા પ્રશંસક. અને આવા તો કેટકેટલા વર્તુળમાં તેમની લોકપ્રિયતા ઉભી થઈ. (એ પણ યોગાનુયોગ નીવડ્યો કે નલિનભાઈ પણ તારકભાઈનાં લખાણોના પ્રેમી નીકળ્યા.)
વિવિધભારતીના શ્રોતાઓ જાણે છે કે વરસોથી મુંબઈ વિવિધભારતી પરથી રાત્રે દસથી સાડા દસ સુધી જૂનાં ગીતોનો કાર્યક્રમ છાયાગીત પ્રસારીત થાય છે અને આકાશવાણીના ઉદઘોષકો તેની રજૂઆત કરે છે. વરસો જૂની આ પરંપરામાં અપવાદ કરીને આકાશવાણીના મુંબઈ કેન્દ્રે નલિનભાઈને ગાયક, સંગીતકાર પર એક શ્રેણી તૈયાર કરવાનું નિમંત્રણ આપ્યું, જેમાં લેખન ઉપરાંત રજૂઆત પણ તેમની જ હોય. વિશેષ છાયાગીત શીર્ષકથી પ્રસારીત થયેલી આ શ્રેણીમાં કલાકારો પર કાર્યક્રમોની રજૂઆત તેમણે કરી, જે ખૂબ વખણાઈ.
એ જ રીતે તેમની લખેલી સ્ક્રીપ્ટ પરથી દૂરદર્શન પર ગાતા જાયે બંજારા નામે ચાર હપ્તાની શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલું, જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ કાકે કરેલું. જો કે, આ શ્રેણીમાં સિદ્ધાર્થ સ્ક્રીપ્ટને યોગ્ય ન્યાય ન આપી શક્યા હોવાનું અમારા સહિત ઘણાને લાગેલું.
નલિનભાઈ અમને મળ્યા ન હોત તો ચાલીસીના દાયકાના ખરા અર્થમાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનો આટલો ગાઢ પરિચય અમને આ રીતે કદાચ ન થાત અને અમે પણ સી.રામચન્દ્ર, શંકર જયકિશન, મદનમોહન, એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયર સુધી આવીને અટકી ગયા હોત.
ફિલ્મસંગીત સાથે સંકળાયેલા ઘણા લોકો સાથે તેમને ગાઢ અંગત સંબંધ હતો. મુંબઈના સંગીતપ્રેમી ડૉ. પ્રકાશ જોશીને ત્યાં થતા કલાકારોના મિલન ઉપરાંત દર વરસે એક વાર નલિનભાઈને ત્યાં કલાકારોનું અનૌપચારિક મિલન થતું, જે ઐતિહાસિક કહી શકાય એવું હતું. 
ડૉ. પ્રકાશ જોશીને ઘેર સ્નેહમિલનનું સંચાલન કરતા નલિન શાહ :
બેઠેલામાં વચ્ચે કલ્યાણજીભાઇ ડાબે હરીશ રઘુવંશી જમણે મનોહર મહાજન 
આ મિલનમાં હાજરી આપનાર વ્યક્તિઓનાં નામ પરથી જ તેના મહત્વનો ખ્યાલ આવી શકશે. – અનિલ બિશ્વાસ, મીના કપૂર, પ્રદીપ, કમર જલાલાબાદી, ઈન્દીવર વગેરે.. આવી જ એક મહેફિલમાં રજનીભાઈને હાજર રહેવાનો મોકો મળ્યો હતો, જેના વિષે તેમણે પોતાના પુસ્તક આપ કી પરછાઈયાંના મહેફિલ કે બાદ ક્યા પ્રકરણમાં વિસ્તૃત રીતે લખ્યું છે. આ મહેફિલમાં બિનીત મોદી પણ હાજર રહેલો. દિલ્હી રહેતા અનિલ બિશ્વાસે પોતાની અમુક પ્રોપર્ટી માટેનો પાવર ઓફ એટર્ની પણ નલિનભાઈને આપી રાખેલો. જો કે, કલાકારો સાથે અત્યંત અંગતપણે સંકળાયેલા નલિનભાઈ અવારનવાર કહેતા હોય છે, કલાકારની કલાને માણવી. તેનો અંગત પરિચય કેળવશો તો દુ:ખી થશો, કેમ કે માણસ તરીકે એ કદાચ ઉતરતો પણ હોય.
નલિનભાઈ અસલમાં એલ.આઈ.સી.ના કર્મચારી અને યુનિયનના નેતા, એટલે ભારત આખામાં તેમને ફરવાનું બનતું. એમના વ્યક્તિત્વને કારણે લોકો એમની સાથે સંપર્ક કરવા સામે ચાલીને આવે, જે એમને ગમે પણ ખરું. પણ સંપર્કો જાળવવામાં એ માને નહીં. અથવા તો એમને એવું ફાવે નહીં. એમનો અભિગમ પણ આઈ ડોન્ટ કેર પ્રકારનો- અને એ દેખાડા પૂરતો નહીં, પણ સાચેસાચો. 
ગુરુ -ગુરુ દોનોં ખડે: નલિન શાહ અને રજનીકુમાર પંડ્યા 
એ અમદાવાદ આવતા, પણ અમદાવાદમાં એમના એલ.આઈ.સી. પૂરતા ગણ્યાગાંઠ્યા જ સંપર્કો હતા. અમને એ પત્રથી જણાવતા કે પોતે અમુક તારીખે અમદાવાદ આવવાના છે અને અમુક ગેસ્ટ હાઉસમાં ઉતરવાના છે. અમે એમને મળવા અમદાવાદ જઈએ, અને વાતો કરીએ. રજનીભાઈ સાથેય એમનો પરિચય હતો, બલ્કે મિત્રતા હતી. અને હવે તો આ બન્ને ગુરુઓ ભેગા થાય એ મિલનનો લહાવો લેવાની અમને આતુરતા હોય છે. 
મહેમદાવાદમાં મિલન: ડાબે પહેલા અરવિંદ દેસાઇ 'મહાબલિ' ,
ચંદ્રશેખર વૈદ્ય  જમણે પહેલા નલિન શાહ, બિનીત મોદી 
એ વખતે અરવિંદભાઈ દેસાઈના વડપણ હેઠળ શરૂ થયેલી ગ્રામોફોન ક્લબ સાથે નલિનભાઈનો પરિચય થયો, અને નલિનભાઈ-અરવિંદભાઈની યુતિ બરાબર જામી. શરૂઆતમાં મહેશભાઈ શાહ અને ગીતાબેન શાહને ત્યાં અને પછી અરવિંદભાઈને ત્યાં જ નલિનભાઈનો ઉતારો હોય. અને અમારે પણ નલિનભાઈને મળવું હોય તો ત્યાં જ જવાનું. અરવિંદભાઈનું વ્યક્તિત્વ એટલું પ્રભાવક અને ગરવું કે રજનીભાઈએ એમનું નામ મહાબલિ (મુઘલ-એ-આઝમમાં  પૃથ્વીરાજ કપૂર માટે વપરાયેલું સંબોધન) પાડ્યું ત્યારે સૌએ એકમતે સ્વીકારી લીધેલું. નલિનભાઈએ ગ્રામોફોન ક્લબ માટે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા અને રજૂ કર્યા. આ કાર્યક્રમોની વિશેષતા એ હતી કે તેમાં કેવળ જૂનાં ગીતો સાંભળવાનું મનોરંજન મેળવીને છૂટા પડી જવાનું નહોતું, બલ્કે એમાં માહિતી, વિશ્લેષણ અને આસ્વાદનો સમન્વય રહેતો. શ્રોતાઓની ઉંચી રુચિ કેળવવામાં આવા કાર્યક્રમો ખાસ્સા મદદરૂપ બન્યા. એ રીતે અમદાવાદમાં પણ તેમની લોકપ્રિયતા સારી એવી થઈ. અમારા માટે આડલાભ એ થયો કે એમનું અમદાવાદ આવવાનું નિયમીત બનવા લાગ્યું, જેને કારણે મળવાનું નિયમીતપણે થતું રહ્યું. વચગાળામાં અમારો પત્રવ્યવહાર ચાલુ રહેતો. ગુજરાતીની જોડણી તેમને જરાય ન ફાવે, પણ ભાષાની અભિવ્યક્તિ તો એવી જ ધારદાર. એમની આગવી હ્યુમર પણ ઝળકે.
પત્રમાં ઝળકતી એમની શૈલી 
મહાબલિનો ઓચિંતો સ્વર્ગવાસ થયો ત્યારે નલિનભાઈને અમદાવાદનું પોતાનું સરનામું ખોવાઈ ગયું હોય એવું લાગેલું. જો કે, રંજનકાકી (શ્રીમતિ મહાબલિ)એ કદી એમ લાગવા દીધું નહીં અને એ જ ગરિમા સાથે સંબંધ જળવાયેલો રહ્યો. 
એમનાં પત્ની કિર્તીદાબેને ટૂંકી માંદગીમાં વિદાય લીધી ત્યારે અમને અમારું કોઈ સ્વજન ગુમાવ્યાની લાગણી થયેલી. અમદાવાદ આવવાનું થાય એટલે એક દિવસ મહેમદાવાદનો પણ કાર્યક્રમ નલિનભાઈનો હોય જ. મહેમદાવાદ આવે ત્યારે એમને કનુકાકા સાથે વધુ ફાવે, કેમ કે તંદુરસ્ત, સ્વસ્થ અને જીવંત હોય એવી કોઈ પણ વયસ્ક વ્યક્તિની તંદુરસ્તીનું રહસ્ય જાણવાનો એ પ્રયત્ન કરે. પણ છેલ્લા ચાર-પાંચ વરસથી એક નવો ધારો પડ્યો છે. એમને શિયાળો બહુ પસંદ છે. એટલે દર વરસે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન એ અવશ્ય મારે ત્યાં આવે અને એક અઠવાડિયું રોકાય. એ આવે એટલે અમારા ઘરનું વાતાવરણ જુદી રીતે જીવંત બની જાય. તેમને સવારે વહેલા ઉઠવાની ટેવ. એ જ સમય હોય ઈશાનને સ્કૂલે જવાનો. નલિનભાઈ એમની સાથે જાતજાતની સાધનસામગ્રી રાખે, જેમાં ચા બનાવવા માટેની ઈલેકટ્રીક કીટલી, ચાની પત્તી, મધ અને જાતજાતની ભેદી આઈટમો હોય. રોજ સવારે એ ગરમ પાણી સાથે મધ બનાવે- ત્રણ પ્યાલા ભરીને. એક પ્યાલો પોતાના માટે અને એક એક પ્યાલા શચિ તેમજ ઈશાન માટે. કદાચ છોકરાંને જાગવામાં પાંચ-દસ મિનીટ મોડું થાય તો એમની નજીકના ટેબલ પર જઈને ભરેલા પ્યાલા મૂકી દે. ક્યાં આઈ ડોન્ટ કેરનો પેલો દેખાતો અભિગમ અને ક્યાં આવી દરકાર!  
છોકરાંઓ સ્કૂલે જાય એટલે કામિની સાથે એમનો સત્સંગ શરૂ થાય. અવનવી વાનગીઓ, સલાડ, હેલ્થ ફૂડ વગેરે શી રીતે બનાવવાં, એ ખાવાથી શા લાભ થાય એવી બધી વાતોની સાથે સાથે એમની લાક્ષણિક હ્યુમર અને ઉર્દૂ શેરની પ્રસાદી પણ મળતી રહે. શેર બોલીને એ છૂટી ન જાય, પણ સમજાવેય ખરા. સૌથી છેલ્લો હું ઉઠું ત્યારે પાછો ચા-પાણી અને વાતોનો દૌર નવેસરથી ચાલુ થાય.
વડોદરામાં એમને લઈને ક્યાંક જઈ શકું એવાં ઠેકાણાં આમેય ઓછાં.
હોમાય વ્યારાવાલાની જીવનકથામાંથી પ્રશ્નો  પૂછતા. 
હા, એમને સૌથી વધુ આકર્ષણ હોમાયબેનની મુલાકાત લેવાનું હોય. એ બન્નેને વાત કરતા જોવા એ લ્હાવો છે. બન્નેને કાને ઓછું સંભળાય, અને અમારે એમની સાથે વાત કરવી હોય તો અમુક રીતે કાનની નજીક મોં લઈ જઈને બોલવું પડે. પણ એ બન્ને વાત કરે ત્યારે તદ્દન સહજતાથી વાત કરે, એક પણ હેં?’ વગર. સામાન્ય સંજોગોમાં હોમાયબેનનાં ડીસન્સીનાં ધોરણો બહુ કડક, કોઈને ઝટ હળવામળવાનું એ પસંદ ન કરે. પણ એમને જોઈને હોમાયબેન રાજી થઈ જાય અને મૂડમાં આવી જાય. કહે પણ ખરાં, એવા ઈન્ટેલીજન્ટ માનસ સાથે વાત કરવાની મઝા આવે. એમની વાતના વિષયો પણ અવનવા હોય. હોમાયબેનને ફિલ્મ સાથે ખાસ નિસ્બત નહીં, છતાં એમને નલિનભાઈ સાથે વાતો કરતાં જોવા લ્હાવો છે. આ ઉપરાંત મિત્ર પરેશ પ્રજાપતિના ઘરની મુલાકાત હોય જ. પણ એમાં હમણાં નવું, પણ મજબૂત ઠેકાણું ઉમેરાયું છે. એ છે અભિષેક અને તેજલનું ઘર. નલિનભાઈના મૂલ્યને પિછાણીને એમના બે એક વખત ઈન્ટરવ્યૂ પણ વડોદરા વિવિધભારતી પર લેવાયા છે, જેમાં અભિષેકનો સક્રિય ફાળો છે. અલબત્ત, તત્કાલીન સહાયક નિદેશક ડૉ. યજ્ઞેશ દવેનું કાયમી નિમંત્રણ તો ખરું જ. આકાશવાણીના ઈન્ટરવ્યૂ માટે રેડિયો સ્ટેશન જવાની સાથે સાથે અભિષેક અને તેજલની યજમાનગીરીનું પેકેજ હવે તો અનિવાર્ય બની ગયું છે. મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ નલિનભાઈની ટેકનિકલ જરૂરીયાત, ઉપરાંત નાનીમોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. એ રીતે જાણે અમે જ મુંબઈમાં એમની સાથે હોઈએ એવી અમને લાગણી થયા કરે છે. અમદાવાદમાં બિનીત મોદી તો તેમને ઘણે ઠેકાણે લઈને ફર્યો છે.  આવાં ઠેકાણાં થકી જ અમે ભેગા થઈને નલિનભાઈને પુસ્તક આપવા માટે દબાણ કરીએ છીએ.
મુંબઈમાં એમના દીકરા હેમલ સાથે એ રહે છે. નલિનભાઈનાં દીકરી અમૃતા શાહનું નામ અંગ્રેજી પત્રકારત્વમાં બહુ આદરથી લેવાય છે. તેમણે લખેલી ડૉ. વિક્રમ સારાભાઈની જીવનકથા ખૂબ પ્રશંસા પામી છે. તો હાલ એ અમદાવાદ વિષે એક પુસ્તક લખી રહ્યાં છે. નલિનભાઈ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા માટે લાંબો સમય ઉદાસીન રહ્યા ત્યારે અમૃતાબેને છેવટે અમને સોપારી આપતાં કહેલું, તમારો એ વિષય છે, એટલે તમે એને સરખાં કરી આપો. એને પ્રકાશિત કરાવવાની જવાબદારી હું લઈશ. પપ્પાને હવે પૂછવાની જરૂર નથી.
નલિનભાઈના ફિલ્મ સંગીતવિષયક ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમોનો એક આગવો ચાહકવર્ગ છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, જયપુર જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહે છે. વિદેશમાં પણ તે કાર્યક્રમ આપી આવ્યા છે. એમના લોકપ્રિય કાર્યક્રમોમાં 'સરગમ કા સફર' ઉપરાંત સાયગલસાબ વિશેના તથા વિવિધ સંગીતકારો પરના કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે અગાઉ જણાવ્યું જેમ માત્ર મનોરંજનલક્ષી ન બની રહેતાં માહિતી વિશ્લેષણ અને આસ્વાદના સમન્વય જેવા હોય છે. 
એક વાચક-લેખક તરીકેના આરંભાયેલા સંબંધને આજે બબ્બે દાયકા વીત્યા પછી આવું પારિવારિક પરિમાણ સાંપડ્યું છે, એથી મોટી ઉપલબ્ધિ શી હોઈ શકે? એમના ઘણા ગુણોને અમે ગુરુપદે રાખ્યા છે.
અમારા જેવા ઘણાની ઈચ્છા, બલ્કે મહેચ્છા છે કે તેમનાં લખાણો ગ્રંથસ્થ થાય. પણ હવે આનંદના સમાચાર આવી રહ્યા છે. કાનપુરના હરમંદિરસિંઘ હમરાઝે પોતે આ લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. નલિનભાઈએ પુસ્તક માટે તેનું પુનર્લેખન પૂરું કરી દીધું છે અને હમરાઝ પોતે જ તે કમ્પ્યુટર પર લખી રહ્યા છે. આમ તો, કુલ બે પુસ્તક થઈ શકે એટલી અને એવી સામગ્રી છે. એક પુસ્તકમાં તેમણે લખેલા ગાયક, સંગીતકાર, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વગેરેને લગતી વાતો, કિસ્સા અને એ સંબંધી લેખ આવી શકે, જ્યારે બીજા પુસ્તકમાં ફક્ત સંગીતકારો વિષેના લેખ હોય.
નલિનભાઈ સાથેની વાતો, અનુભવો અને યાદગાર કિસ્સાઓ હજી ઘણા છે, એ ક્યારેક લખવાની ઈચ્છા છે જ. આજે છઠ્ઠી ડિસેમ્બરે નલિન શાહ ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એમને સ્વસ્થ જીવનની શુભકામનાની સાથે સાથે આપણને એમનાં લખેલાં ફિલ્મસંગીતવિષયક પુસ્તકો ઝડપથી મળે એવી અપેક્ષા પણ રાખવી વધુ પડતી ન ગણાય. તેમને શુભેચ્છા પાઠવવા ઈચ્છનાર મિત્રો તેમનો સંપર્ક 98200 74811 કે 99206 77209 પર કરી શકે.

14 comments:

 1. માવજીભાઈ મુંબઈવાળાDecember 6, 2011 at 2:09 PM

  શ્રી બિરેનભાઈ,
  ખૂબ જ સરસ, અલભ્ય માહિતી અને ચિત્રો સાથેનો આ અભ્યાસપૂર્ણ લેખ વાંચવાની ઘણી મજા આવી. તમારું ઉર્વીશભાઈ, હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી વગેરે મિત્રોનું ગ્રૂપ ખરેખર અદ્‌ભુત છે.

  ReplyDelete
 2. ઘણી સારી માનાંજલિ છે. નવું ઘણું જાણવા મળ્યું.

  ReplyDelete
 3. ચન્દ્રશેખર વૈદ્યDecember 6, 2011 at 3:02 PM

  ભાઈ બીરેન નલિનભાઇના લેખોનું પુસ્તક તૈયાર થઇ રહ્યું છે તે વાંચી આનંદ. આપનો આભાર આ માહિતી માટે. દિવંગત અરવિંદભાઇને પણ આપે યોગ્ય રીતે યાદ કર્યા છે. રાજી. નલિનભાઈને જન્મદિવસની શુભકામના.

  ReplyDelete
 4. નલીનકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

  ReplyDelete
 5. Urvish bhai, Thanks for preserving, sharing and making our life more enjoyable by writing such beautiful An Article on Gem of Music Nalin bhai.I admired Nalinbhai's very spontaneous and dedicated life for Truth. First time I have ever read about his barometer of verifying any information on anyone.
  Niranjan Mehta

  ReplyDelete
 6. Birenbhai, Kyaa baat hai. એક ઓર નવી વ્યક્તિ સાથે અમારી ઓળખાણ કરાવવા બદલ આભાર...

  Rutul

  ReplyDelete
 7. બિનીત મોદી (અમદાવાદ)December 6, 2011 at 6:14 PM

  પ્રિય બીરેન,
  નલીનભાઈનો આજે 78મો જન્મદિન. મારા માટે એક ઉત્સવથી કમ નહીં. આ નિમિત્તે કેટલી બધી વાતો જાણવા મળી. આમાંની થોડીક વાતો તેં કે ઉર્વીશે વખતો વખત વહેંચી જ હોય છતાં આજે તેનું દસ્તાવેજી આલેખન તો ખરેખર 'Down Memory Lane'.
  રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર (1993) તેમની સાથે ફોનથી ઓળખાણ કરાવી પછી એક 'વર્ધી' આપતા મને કહે, 'સાંજે તારે એમને મારા ઘરે ડિનર માટે લઈ આવવાના છે અને તારે પણ અમારી સાથે જોડાવાનું.' એ દિવસોમાં હું કાર ડ્રાઇવિંગ જાણતો નહોતો એટલે રજનીભાઈની મહેમાન માટે પોતાની કાર લઈ જવાની ઓફર તો સ્વીકારી શકાય એમ નહોતી. નલીનભાઈની સગવડ સચવાય એ માટે રીક્ષાનો વિકલ્પ હતો પણ મારી યામાહા મોટરબાઇક જોઇને તેઓ કહે, 'ડિનરનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલશે. રાતના રીક્ષા મળે - ના મળે. બાઇક જ ઠીક રહેશે. બોમ્બેમાં હું મોટરસાઇકલ ચલાવું છું.' બસ એ પછી વાહન બદલાયું છે પણ નલીનભાઈ સાથે અમદાવાદમાં હરવા - ફરવાનો કાર્યક્રમ ગયા વર્ષની તેમની મુલાકાત સુધી ચાલુ રહ્યો છે.
  ડેન્ટલ ચેર બનાવતી કંપનીની નોકરીની કામગીરીને લઈને મારે વારંવાર મુંબઈ જવાનું થતું. એવી જ એક મુલાકાત દરમિયાન સાવ અનાયાસે રજનીભાઈએ જાણ કરતા મને તેમના ઘરે યોજાયેલી દિગ્ગજ કલાકારોની મહેફિલમાં સામેલ થવાની તક મળી. એ તક માટે હું એ દિવસોમાં માનતો તેને આજે પણ અંડર લાઇન કરું કે એ મહેફિલમાં સામેલ થઈ શકું એવી કોઈ સજ્જતા મેં કેળવેલી નહીં. આ પોસ્ટમાં ઉલ્લેખાયું છે તેમ રજનીભાઈએ એ સમયે 'જન્મભૂમિ પ્રવાસી'ની કોલમમાં મહેફિલ વિશે બે ભાગમાં લેખ કર્યો અને પોતાનો આનંદ તેમજ થયેલી વાતો અનેક વાચકો સુધી પહોંચાડી - વહેંચી. 'મહેફિલ કે બાદ ક્યા?' લેખમાં લખ્યું છે તે રીપીટ કરું તો - મારે મન તો આ ગંગોત્રીની યાત્રા હતી.
  ગંગોત્રીની યાત્રા પછી આજ સુધી મળતી રહેલી 'પ્રસાદી' કેમ ભુલાય. નલીનભાઈ પોતાના સંગીત ખજાનામાંથી પસંદગીના ગીતોની કેસેટ - સીડી બનાવી મોકલે એટલું જ નહીં તેમાં સમાવેલા ગીત સંબંધી તમામ વિગતો દર્શાવતું ઇન-લે કાર્ડ પણ તૈયાર કરે. આ માટે તેમણે કેવો ફુરસદભર્યો સમય ફાળવવો પડ્યો હોય એ રેડીમેડ કેસેટ - સીડી ખરીદનારા આપણે સૌ કોઈ સમજી શકીએ એમ છીએ. અમદાવાદમાં હરતા - ફરતા શેરબજારનું ચવાણુ અને આઇસક્રીમ સાથે સાથે ખાવાનો લાભ લીધો છે તો મુંબઈ ઘરેથી તૈયાર કરીને લાવેલી ચટણી શેરબજારના ચવાણા સાથે ખાવી કેમ રહે એવો પ્રયોગ પણ કર્યો છે.
  તેમની સાથેના ફોન વ્યવહારનો એક સંવાદ લખવો હું ટાળી શકતો નથી. તેમનો ફોન આવે - ના મળીએ અને કોલ બેક કરતા જો 'નહાવા બેઠો હતો' એમ કહીએ તો અચૂક પૂછે કે 'રોજ નહાય છે? શું જરૂર છે એવી.' મારા જ સંદર્ભે આવો સંવાદ સાંભળવાનો લાભ એક વાર પત્ની શિલ્પાને મળ્યો તો એ મને પૂછતી હતી કે નલીનભાઈ આવું કેમ બોલતા હતા. હું એને સમજાવી શક્યો નહીં. એમ તો નલીનભાઈ 'કેવા મુસલમાન' છે કે 'ક્યાંના વૈષ્ણવ' છે એ પણ ક્યાં આજ દિન સુધી એને સમજાવી શક્યો છું. બીરેન, તેં આ લખ્યું પછી હવે સમજાવવાનું સહેલું થઈ પડશે. લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા નલીનભાઈને જન્મદિવસની લાઇફ લોંગ શુભેચ્છાઓ.

  ReplyDelete
 8. આ પોસ્ટ નિમિત્તે વિચારતાં યાદ આવ્યું કે ઓહો, નલિનભાઇના સંપર્કને વીસ વરસ થઇ ગયાં? મુંબઇ રહેતો હતો ત્યારે તેમના લાલ રંગના એન્ફિલ્ડના સાઇડકારમાં બેસીને નૌશાદજીને મળવા જતી વખતે, એ મહાન સંગીતકારને મળવાનો રોમાંચ વધારે થતો કે મુંબઇની સડકો પર નલિનભાઇના એન્ફિલ્ડના સાઇડકારમાં બેસવાનો- એ નક્કી કરી શકાતું ન હતું. ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાં તેમના ઘરે સાંજે જમવાના હતા ત્યારે તેમણે મને પણ કહ્યું હતું. (અમૃતાબહેન સાથેની પહેલી મુલાકાત કદાચ એ જ વખતે થઇ હતી.) ફિલ્મસંગીતમાં વિદ્યાર્થીભાવે ઊંડો રસ અને વચ્ચે ડબકાં મૂકવાને બદલે, માત્ર ને માત્ર ખપ પડે ત્યારે જ બોલવાની લાયકાત સિવાય બીજું કંઇ એ વખતે ન હતું. છતાં નલિનભાઇને કારણે જે દુનિયા જોવા મળી, તે ભૂલાય એમ નથી. ફિલ્મસંગીતના વિષયમાં તેમનું પ્રદાન અહીં યોગ્ય રીતે જ મૂકાયું છે. તેમના લેખો ન હોત તો કંઇ કેટલાય મહાન સંગીતકારોની કામગીરીનો આવો પરિયચ ન થયો હોત - અને એ પ્રિયની યાદીમાં ન આવ્યા હોત. ચાળીસીના દાયકાના ફિલ્મસંગીતમાં આપણો ઊંડો રસ નલિનભાઇ વિના આટલી હદે ન કેળવાયો હોત.
  લખવાનું તો ઘણું છેઃ નલિનભાઇની ગેરહાજરીમાં કિર્તીદાબહેન સાથે થતી વાતોથી માંડીને અમારી પૂના મુલાકાત, નલિનભાઇના ભોજનના પ્રયોગો, તેમના તીવ્ર ગમા-અણગમા, તેમનો વિશ્વાસુ (હવે સદગત) ઘરઘાટી નથ્થુ, તેમના ઘરે વારાફરતી એક પછી એક લઇ જઇને વાંચેલા જોયેલા 'ફિલ્મઇન્ડિયા'ના 1930-1940-1950ના દાયકાના અંક....અને સૌથી વધારે મઝા એ વાતની છે કે આ બધું પત્રકાર બનતાં પહેલાં થયું હતું. એટલે કે તેમના પક્ષેથી મારી પાસે કશું મળવાની આશા ન હતી. કેવળ પ્રેમ અને ભરોસો હતાં. મારી બેકારીના દિવસોમાં તેમણે વી.શાંતારામ ફાઉન્ડેશનમાં એક કામગીરી માટે મારી વાત કરી હતી અને એ દિવસોમાં દિવસના સમયે ફુલ ચાર્જમાં ચોક્સીકાકા (અજય પરીખ)ને ઘેર ફોન કર્યો હતો.'અભિયાન'માં પત્રકાર તરીકે મારી કારકિર્દી શરૂ થઇ ત્યારે સૌથી વધારે રાજી એ થયા હતા- એ રીતે કે 'તને તારા લાયક કામ મળ્યું.'
  નલિનભાઇને શુભેચ્છા તરીકે તેમના પુસ્તકની અને હવે પછીનાં પુસ્તકોની આતુરતાથી પ્રતિક્ષા

  ReplyDelete
 9. Har Mandir Singh 'Hamraaz'December 6, 2011 at 8:34 PM

  I appreciate your efforts. I have gone through your post on NS with its befitting caption and several photographs ! Keep it up. You are rightly presenting the efforts of enthusiastic music lovers who have devotion for Hindi film music and have contributed much for its preservation.

  ReplyDelete
 10. Happy Birthday to Nalinbhai. तमे आवा छो एनी तो कल्पना न हती।

  ReplyDelete
 11. ભરત કુમારDecember 7, 2011 at 12:06 AM

  પ્રિય બિરેનભાઇ
  આ પોસ્ટથી તમે એક નવી ઓળખાણ ને વધુ દ્રઢ કરી.નલિન શાહ-આ નામ સાથે હજુ થોડા દિવસો પહેલા જ ઓળખાણ થઇ હતી. ફેસબુક પર મિત્ર અભિષેક શાહ ના સ્ટેટસ માં વાંચેલુ કે દૂરદર્શન પર આજે જૂની હિંદી ફિલ્મી ગીતોના સંશોધક નલિન ભાઇ નો આજે ઇંટરવ્યુ છે.એમને જોયા,સાંભળ્યાં,ને એ રીતસરના જાણે કે દિલોદિમાગ પર છવાઇ ગયા.પછી તમારી સાથે એમના વિશે ઘણી વાતો કરવાનું ય શક્ય બન્યું.પણ તો ય આજે ઘણી બધી અપ્રગટ વાતો છતી થઇ.આ બ્લોગ અલગ ને લો પ્રોફાઇલ રહીને જબરજસ્ત કામ કરતા હોય એવી પ્રતિભાઓને મળાવવાનું પ્લેટફોર્મ બની ગયો છે.અત્યારે ભુલાઇ ગયેલા પણ એક સમયના દિગ્ગજ ચરિત્ર અભિનેતા કૃષ્ણકાંત,હરીશભાઇ,હરમિંદરસિંઘ હમરાઝ આવા વિરલ વ્યક્તિઓની શ્રેણીમાં આજે નલિનભાઇનું નામ પણ જોડાઇ ગયું.મારા જેવા નવા નવા નિશાળીયા માટે તો અહીંયા જ જાણે લોટરી લાગે છે.ફરી એક વાર અભિનંદન.નલિન શાહ ને સ્વસ્થ ને નિરોગી જીવન ની ક્ષણો માણવા મળે,એ જ શુભેચ્છા.

  ReplyDelete
 12. બીરેન, હવે આ લેખ સાદ્યંત વાંચી ગયો. ખુબજ લાગણીથી પણ લાગણીવેડા કે લાગણીવશતા વગ્રર લખાયો છે.નલિનભાઇનું આંતરબાહ્ય વ્યક્તિત્વ એક ત્રિપરિમાણી છબીની જેમ અનુભવાય છે. અને તેમને માટે આદર ધરાવનારમાં વધુ આદર પેદા કરી આપે છે.
  એક મઝાની વાત કરું. જેમ તમને તેમનો પરિચય પ્રિયા સામયિક મારફત થયો તેમ તેમનો અને મારો પરિચય "માધુરી" મારફત થયો હતો. તેમાં જયકિસન પરનો મારો લેખ તેમને બહુ ગમ્યો અને તેમણે મને પત્ર લખ્યો. પછી તો દોસ્તી વધી અને એટલે સુધી કે કે મેં મારા "આપ કી પરછાઇયાં"ની હિંદી આવૃતિ તેમને અર્પણ કરી.
  હમણા હમણા તેમને ફરી મળવાની મારી ઇચ્છા તીવ્ર બનતી જાય છે.

  ReplyDelete
 13. thanks....Biren/Urvish,
  i was also witness during our mumbai stay - urvish use to talk regarding and i also visited Nalinbhai's place once alongwith urvish..

  ReplyDelete
 14. Nice to know abt Shri Nalinbhai Shah,
  Wish him more years of health and happiness.

  ReplyDelete