Friday, December 9, 2011

હોમાય વ્યારાવાલા @ ૯૯: જિના ઈસી કા નામ હૈ


જન્મદિને તમને શી શુભેચ્છા આપીએ?”
તંદુરસ્ત જીવનની શુભેચ્છા આપો, લાંબા જીવનની નહીં.

આવા સવાલજવાબ જ વિચિત્ર કહેવાય. જન્મદિનની શુભેચ્છા આપતાં અગાઉ આવું કોઈને પૂછવાની જરૂર ખરી? જન્મદિનની શુભેચ્છા તો મેની હેપી રીટર્ન્સ ઑફ ધ ડે અથવા તો તુમ જિયો હજારોં સાલ પ્રકારની, એટલે કે દીર્ઘાયુષની જ હોય ને! અને આપણા શુભેચ્છા પાઠવવાથી કંઈ વરસના દિવસ ત્રણસો ને પાંસઠથી વધીને પચાસ હજાર થઈ જવાના છે? આ જાણવા છતાંય આવો સવાલ પૂછવાનું મન થયું,અને એ વ્યક્તિ સાથે અંતરંગ પરિચય હોવાથી પૂછી જ કાઢ્યું,જેનો જવાબ ઉપર મુજબ મળ્યો.
જેને આમ પૂછાયું હતું એ વ્યક્તિનો આ સાઠ, સીત્તેર, એંસી કે નેવુંમો નહીં, પણ નવ્વાણુંમો જન્મદિવસ હતો. જીવન પ્રત્યે એમને કશી ફરિયાદ નથી. એમના પ્રદાન વિષે ઘણું લખાયું છે, અને હજીય લખાશે. કેમ કે એ વ્યક્તિ ભારતનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોવાનું બહુમાન ધરાવે છે. એમના કામથી કદાચ હજીય કોઈ અપરિચીત હોઈ શકે, પણ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla ના દસેક દાયકામાં પથરાયેલા સુદીર્ઘ અને અવનવા અનુભવોથી ભરપૂર જીવનની ઝલક આપવાનો આજે જરાય ઉપક્રમ નથી. પણ છેલ્લા દસ-બાર વરસના તેમની સાથેના અંતરંગ પરિચયે તેમની છબિ મારા મનમાં ડેવલપ થઈ છે એ મૂકવાની ઈચ્છા છે.

મને પહેલી વાર મળવાનું બનેલું ઉર્વીશની સાથે. સંદેશ માટે ઉર્વીશ એમનો ઈન્ટરવ્યૂ લેવા આવેલો અને હું એની સાથે જોડાયેલો. જો કે, એમનું નામ પહેલવહેલું સાંભળેલું રાજકોટના કલાકાર રમેશ ઠાકર દ્વારા. પહેલી મુલાકાતમાં મઝા તો આવી, પણ એવી લાગણી થઈ કે હું પણ વડોદરામાં છું તો એમને કોઈક રીતે મદદરૂપ થઈ શકું તો સારું. હોમાયબેનને કંઈ કામકાજ હોય તો કહેજો જેવું કંઈક કહ્યું, એટલે એમણે માત્ર સ્મિત કર્યું. એનો અર્થ હા થાય કે ના એ ખબર ન પડી. પછી છૂટા પડતી વખતે ફરી મેં એમને કહ્યું ત્યારે એ સહજતાથી જરાય કડવાશ વિના બોલ્યાં, તમારી ભાવના સમજું છું. મને મળવા આવનારા આમ જ કહેતા હોય છે. અને એમની ભાવનાની હું કદર કરું છું. પણ અહીંથી ગયા પછી કોઈને એ યાદ રહેતું નથી. એકાદ વાર ક્યારેક આવું કહી જનારને મેં કશું કામ ચીંધી જોયું, એ ભાઈએ હા પણ કહ્યું, પણ કામ ન કર્યું. એટલે હું હવે કોઈને કહેતી નથી. તમે આટલું કહ્યું એ બદલ આભાર. આવું સાંભળવાની અપેક્ષા જ નહીં રાખેલી. આનો જવાબ મારાથી શી રીતે અપાય ? મને પોતાને જ ખબર નહોતી કે મેં કહેવા ખાતર કહેલું કે ખરેખર ગંભીરતાથી કહેલું.

એ પછી થોડા મહિના વીત્યા હશે. અને ફરી વાર કોઈક કામસર એમને મળવા જવાના સંજોગો ઉભા થયા. અમસ્તુંય કોઈને મળવા જતી વખતે કંઈક લઈને જવાનો વિવેક આપણે કરીએ છીએ. ૮૯-૯૦ વરસનાં, એકાકી જીવન ગાળતાં હોમાયબેનને મારા કોઈક કામસર જવાનું થાય તો શુભેચ્છાની ચેષ્ટારૂપે કમ સે કમ ફળો તો લઈ જઈએ, એવું મનમાં રાખીને  થોડી નારંગી લઈ ગયાં. આ વખતે મારી સાથે કામિની હતી. અમારું કામ પત્યું. અગાઉથી જણાવીને અમે મળવા ગયેલાં એટલે તેમણે સહકાર ઘણો આપ્યો. પણ અમે ફળો આપવાની કોશિશ કરી તો ધરાર ના પાડી દીધી. તમે મને સીક સમજો છો?”, મને ફ્રુટ્સ ભાવતાં જ નથી., કોઈ મને પૂછ્યા વગર ફ્રુટ્સ લાવે એ મને ગમતું જ નથી. આમ કહીને પૂરા વિવેક સાથે તેમણે ફળો અમને પાછાં આપ્યાં.

એમને મળવું હોય તો તેમના ઘેરથી છઠ્ઠે સાતમે ઘેર જયશ્રીબેન મિશ્રાને ત્યાં ફોન કરવો પડે. શ્રીમતી મિશ્રા યુનિવર્સિટીમાં નોકરી કરતાં હોવાથી સવારના દસ પહેલાં અને સાંજના છ પછી જ એ મળે. શ્રીમતી મિશ્રા આપણો સંદેશો હોમાયબેનને પહોંચાડે, હોમાયબેનની મંજૂરી મળી કે ન મળી એ જાણવા કલાકેક પછી ફોન કરીને શ્રીમતી મિશ્રાને પૂછવાનું. શ્રીમતી મિશ્રા હસતે મોંએ આ ફરજ બજાવતાં, પણ એમને તકલીફ આપવાનું ગમતું નહોતું. એટલે અમે હોમાયબેન પાસેથી એટલી મંજૂરી મેળવી લીધી કે અમે તમને ફોન કર્યા વિના મળવા આવી શકીએ? તમને અનૂકુળ નહીં હોય તો પાછા જતાં રહીશું. એમણે હા પાડી. પછી અમારી હિંમત ખૂલી. અમે કહ્યું, તમને અગાઉ જે અનુભવ થયા હોય એ, પણ વધુ એક અનુભવ કરી જુઓ. અને અમને કંઈક કામ ચીંધી જુઓ. અમે ન કરીએ તો તમારે માટે વધુ એક આવો અનુભવ થશે. અને કામ કરીએ તો.. એમણે હસીને કહ્યું, જોવસ.

'શેટર્ડ ડ્રીમ' (ખંડિત સ્વપ્ન) ની થીમ પર બનાવેલા ઈકેબાના માટે
તેમણે આ રીતે માટલું કાપીને તેમાં ફૂલો ગોઠવેલા. 
મેં અને કામિનીએ નીચે ઉતરીને પરસ્પર બોલ્યા વિના જ નક્કી કરી લીધું કે હોમાયબેનની માન્યતા બદલવી. પણ એને માટે એમને મળતા રહેવું પડે. મારા ઘરથી એ સાવ સામા છેડે રહે. એમને મળવા જવાનો સમય પણ કાઢવો પડે. નોકરીના કલાકોની અનિશ્ચિતતા, છોકરાં નાના.. આ બધાં કારણો નડી શકે એમ હતાં જ. છતાંય થોડા દિવસ પછી એમને અમે મળવા ગયાં. એ ઓળખી ગયાં અને અમને આવકાર્યાં. અમે બેઠાં, જાતજાતની વાતો કરી. કલાકેક પછી ઉઠ્યા એટલે અમે કહ્યું, કંઈ કામ છે? કશું લાવવા-કરવાનું, નાનું-મોટું કોઈ પણ કામ.. એમણે કશુંક યાદ કરીને કહ્યું, એક કામ કરશો? મારે રબરની ટ્યૂબનો એક ટુકડો જોઈએ છે. કોઈ પણ ટાયરવાળાને ત્યાંથી મળી શકશે. અમે બહુ રાજી થઈ ગયાં. છેવટે એમણે અમને કામ ચીંધ્યું ખરું. હવે અમારે યાદ રાખીને એ કામ કરી બતાવવાનું હતું. રસ્તામાં અમે વાત કરીને એક પોલિસી નક્કી કરી. શી હતી એ પોલિસી? હોમાયબેનની ઉંમર જોતાં એ જે પણ નાનું મોટું કામ ચીંધે એ વિના વિલંબે, આપણાં કામ અગત્યનું કામ બાજુએ રાખીને પણ કરી દેવું. એ નીતિ મુજબ એમને ઘેરથી અમારે ઘેર પહોંચતાં જ અમે રબરની એક ટ્યૂબ મેળવી લીધી અને બીજે દિવસે એમના હાથમાં મૂકી દીધી. હોમાયબેન કદાચ અમને કહીને ભૂલી ગયાં હશે કે ગમે એ હોય, બીજે જ દિવસે અમને પાછાં આવેલા જોઈને એમને આશ્ચર્ય થયું અને એમની લાક્ષણિક પારસીશાઈ હ્યુમરમાં કહ્યું, કંઈ ભૂલીબૂલી ગયા ચ કે સું?” અમે પણ એમની મજાક પર હસ્યાં અને પછી રબર ટ્યૂબ એમના હાથમાં મૂકી.

એ કદાચ અમારી પહેલી કસોટી હતી. જેને આજે દસ-બાર વરસ વીતી ગયાં છે. હોમાયબેન હવે અમને કામ કહેતાં નથી, ફક્ત એસ.એમ.એસ. કરી દે છે. એમના માટે વસ્તુ લઈ જવામાં એક શરતનું કડકપણે પાલન કરવાનું અને તે એ કે એના પૈસા પૂરેપૂરા લઈ લેવાના. એમનો હિસાબ રાખવા માટે એમણે અમને બાકાયદા એક નાની ડાયરી આપી રાખી છે.

આ દસ-બાર વરસમાં જે સંબંધ વિકસ્યો એને કયું લેબલ લગાડવું? એક વાર એમના જૂના પડોશીને મળવા અમે સાથે વિદ્યાનગર ગયેલાં. એ સજ્જન પાંસઠેક વરસના નિવૃત્ત ઈજનેર. હોમાયબેને બહુ સહજતાથી મારી ઓળખાણ આપતાં કહેલું, એવન મારા ફ્રેન્ડ છે. પેલા સજ્જન માનવામાં ન આવતું હોય એમ મારી સામું જોઈ રહેલા.

તો આજે એવનની, મારાં સિનીયર મોસ્ટ ફ્રેન્ડની થોરી, પણ થોરામાં ઘન્ની ઓલખાન આપવી ચ.

**** **** ****

એક આયખામાં માણસ કેટલી જિંદગી જીવી શકે? કોને ખબર? હોમાયબેને જીવનના અનેક તબક્કા પસાર કર્યા છે. 
એમની ઓળખ એટલે કેમેરા અને 'ડાલડા ૧૩'  તરીકે ઓળખાતી ફિયાટ 
મુંબઈમાં સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને ભણતર, માણેકશા સાથે પરિચય, ફોટોગ્રાફી શીખવાની શરૂઆત અને પછી લગ્ન, થોડો સમય મુંબઈમાં કામ કર્યા પછી દિલ્હીમાં સ્થળાંતર, દેશના ઈતિહાસની મહત્વની ઘટનાઓ વખતે તેમનું દિલ્હીમાં હોવું અને એ ક્ષણોને કેમેરામાં કંડારવી, વ્યસ્ત વ્યાવસાયિક જીવન અને આનંદમય સંસારમાં પુત્ર ફારુકનું આગમન, ફિયાટ કારની ખરીદી, પતિ-પત્ની-પુત્રની ત્રિપુટીનો સુખી સંસાર, પછી એક દિવસ એક ભૂલથી માણેકશાનું અવસાન, થોડા સમય પછી ફોટોગ્રાફીના ક્ષેત્રમાંથી સ્વેચ્છાનિવૃત્તિ, કેમીકલ એન્જિનીયર પુત્રને મળેલી નોકરીના પગલે દિલ્હીને અલવિદા અને પીલાણીમાં સ્થળાંતર, પીલાણીમાં પોતાના અનેક શોખને વિકસાવવાની તક, ફારુકના જમશેદપુરની ધન સાથે લગ્ન પછી તેના સંસારજીવનની શરૂઆત, ત્યાર પછી વડોદરાથી આવેલી નોકરીની ઓફરને સ્વીકારતાં વડોદરામાં આગમન, થોડા સમયમાં ફારુકને કેન્સરની બિમારીનું નિદાન અને ઝડપથી તેનું મૃત્યુ, ત્યાર પછી થોડા વરસે પુત્રવધૂ પોતાના માતાપિતા પાસે જઈને જમશેદપુર રહેતાં શરૂ થયેલું એકાકી જીવન, સ્વસ્થ, પ્રવૃત્ત અને શોખને પોષીને સ્વાવલંબી બની રહેવાને કારણે પસાર થતા આનંદમય દિવસો, ન્યુસ ફોટોગ્રાફીમાં પ્રદાન બદલ અઠ્ઠાણુંમે વરસે પદ્મભૂષણના ઈલકાબથી સન્માન....

વાર્તા માટે જરૂરી હોય એવા આ મુદ્દાઓનો વિસ્તાર કરો એટલે અઠ્ઠાણું વરસના જીવન દરમ્યાન હોમાયબેન કેવા ઉતારચડાવમાંથી પસાર થયાં હશે એની ઝલકનો અંદાજ આવી શકશે. એમનું જીવન ખરેખર એક ફિલ્મનો વિષય છે. એ લાંબું છે એટલે નહીં, પણ જબરદસ્ત ઘટનાપ્રધાન, ચડાવઉતારવાળું છે એટલે.

ધીમે ધીમે અમારું મળવાનું નિયમીત બનવા લાગ્યું. પંદરેક દિવસ થાય ન થાય કે અમે એમને મળવા ઉપડીએ. જઈને બેસીએ અને વાતો કરીએ એટલે કંઈક કામ તો નીકળે જ. વચ્ચેના અરસામાં કંઈક જરૂર પડે તો એ કાગળ લખીને જણાવે. એમના કાગળ પણ વિશિષ્ટ. એ રીસાયકલીંગમાં પૂરેપૂરું માને. એટલે છાપેલા કાગળની પાછળની કોરી બાજુ પર લખે. અક્ષરો છટાદાર. અક્ષર પૂરો થયા પછી જે સ્ટ્રોકથી એ પૂરો કરે એમાં જ જોઈ શકનારને એમના મિજાજની દૃઢતાનો અંદાજ મળી જાય. (એમના અક્ષરનો નમૂનો મૂક્યો છે, એ જોઈને આ વાતની ખાતરી થશે.)

(એમની ખાસિયતોના પ્રતિબિંબ જેવો કાગળ) 

એ કહે, મને મારાં ઓલખાનવાલા કબાડીવાલા કહીને બોલાવતા. કોઈ પણ નકામી ચીજ હોય તો પણ  હોમાયબેન એની ઉપયોગિતા પારખી લે અને એનો યોગ્ય ઉપયોગ કરે. વેસ્ટમાંથી બેસ્ટનું ઘસાયેલું સૂત્ર એમના મોંએ ક્યારેય સાંભળ્યું નથી. અને જેમના મોંએ એ સાંભળ્યું છે, એમાંના મોટા ભાગના વેસ્ટમાંથી બીજો વેસ્ટ જ બનાવતા હોય છે. પોતાની જરૂરીયાતની અમુક ચીજો હોમાયબેન જાતે જ બનાવી લે. એની કારીગરી અને ફીનીશિંગમાં સહેજ પણ બાંધછોડ નહીં. એમના પગના અંગૂઠા પર પહેલી આંગળી ચડી ગઈ હોવાથી બજારમાં મળતા કોઈ પણ ચપ્પલ એમને ફાવે જ નહીં. એમના પહેરેલા ચપ્પલ જોઈને માન્યામાં ન આવે કે એ જાતે બનાવેલા હશે.

વાનગીઓમાંય એ અખતરા કરતાં જરાય ન ગભરાય. મોટે ભાગે એનું પરિણામ હકારાત્મક જ મળે, પણ ક્યારેક નિષ્ફળતા મળે તો એ સ્વીકારવાની પણ હસતે મોંએ તૈયારી હોય. અખતરા માટેની સર્જનાત્મકતા એ કેવી કેવી જગાએથી ઝીલે, એનો એક પ્રસંગ જણાવું તો જ ખ્યાલ આવશે.
ફ્રીજમાં પોતાને ઘેર આઈસ્ક્રીમ બનાવવાનો અખતરો મોટા ભાગનાઓએ કરી જોયો હશે. એમાં જામી જતા બરફના ક્રીસ્ટલને કારણે આઈસ્ક્રીમની મઝા પણ બગડી હશે. ક્રીસ્ટલ ન જામે એનો ઉપાય શો? ત્યારે હોમાયબેન દિલ્હીમાં રહેતાં હતાં. એ વખતે ત્યાંની કોઈ જાણીતી આઈસ્ક્રીમની દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ દરોડો પાડ્યો. બીજે દિવસે છાપામાં આ સમાચાર છપાયા. સાથેસાથે ઝડપાયેલા મુદ્દામાલના પણ ફોટા છપાયેલા. એમાંની એક વિગતે હોમાયબેનનું ધ્યાન ખેંચ્યું. આ દુકાનમાંથી જથ્થાબંધ બન પકડાયેલા. એમને થયું કે આઈસ્ક્રીમની દુકાનમાં બનનું શું કામ હોય? વિચાર કરતાં કરતાં લાગ્યું કે નક્કી એ આઈસ્ક્રીમ જમાવવા માટે વપરાતા હોવા જોઈએ. બનનો સ્વાદ ગળપણવાળો અને ભળી પણ ઝડપથી જાય. વિચાર આવ્યો એટલે એનો અમલ પણ કરી દીધો. અને ઘેર બનાવેલા આઈસ્ક્રીમમાં એમણે બન મૂક્યો. પ્રયોગ સફળ! આઈસ્ક્રીમ અત્યંત સરસ, ક્રીસ્ટલ વગરનો બન્યો હતો. એ રીત એમણે અપનાવી લીધી. (બનવાળો આઈસ્ક્રીમ અદભૂત બને છે, એમ સ્વાનુભવે કહું છું.)
લીંબુનું શરબત ચાખ્યું ન હોય એવું કોણ હશે? તપેલીના તળિયા સાથે ચમચીના ઘસાવાનો અવાજ છેક બહાર સુધી સંભળાય એટલે ખબર પડે કે રસોડામાં બની રહેલા શરબતમાં ખાંડ ઓગળી રહી છે. હોમાયબેને લીંબુના શરબતમાં એક ચપટી ઈનો ઉમેરવાનો અખતરો કર્યો. એને લઈને લીંબુના શરબતના સ્વાદમાં મૂલ્યવૃદ્ધિ થઈ ગઈ. કેવો ઝણઝણાટીવાળો સ્વાદ! (અમારે ત્યાં હવે એ જ રીતે શરબત બને છે.) એ કહે, "મોંમાં પમરાટ લાગે એટલે મઝા આવી જાય." 

આવી તો કેટલીય ચીજોમાં એ સર્જનાત્મકતા દેખાડે. પોતાના શરીરની એકે એક ખામીખૂબીને એ હદે ઓળખે કે આપણા માન્યામાં ન આવે. એ અત્યાર સુધી બે જ વખત હોસ્પીટલમાં દાખલ થયાં છે. પહેલી વાર પુત્ર ફારૂકના જન્મ વખતે, અને બીજી વાર બે-અઢી વરસ ઉપર. પોતાના શરીરની કાળજી જાતે જ લે અને અવનવા ઘરેલુ નુસખાના ઉપયોગથી શરીરની જાળવણી કરે. અરે, બીજી વખત હોસ્પીટલમાં દાખલ થયાં  ત્યારે અમને કહે, અહીં વધુ રહી તો હું દરદથી નહીં, ભૂખમરાથી મરી જઈશ. અને એમના સ્વભાવથી પરિચીત એવા પરેશે અને મેં હોસ્પીટલની નજીક આવેલી એક હોટેલમાંથી એમને સવારનો ગરમ નાસ્તો મળે એવી વ્યવસ્થા ગોઠવેલી.

રસોડાનાં કેટલાંય નાનાં મોટાં સાધનો એ જરૂર મુજબ જાતે બનાવે, (જેનો ઉલ્લેખ ઉપર મૂકેલા પત્રમાં જોવા મળી શકશે.) તો અમુક કલાકૃતિઓ પણ જાતે સર્જી લે. કારીગરી એકદમ સુંદર અને સફાઈદાર! જાતે બનાવી છે એમ કહીને કદી માર્ક ઉઘરાવવા પ્રયત્ન ન કરે. એ તો આપણું ધ્યાન જાય અને પૂછીએ તો જ કહે. કરવત, હથોડી, ડ્રીલ મશીન જેવો તમામ પ્રકારનો જરૂરી સરંજામ એમના ઘરમાં હોય જ, અને એ બધુંય સારી પેઠે વાપરી જાણે. દેશી રીતે કહીએ તો, એમનું માઈન્ડ એકદમ ટેકનીકલ.કોઈ પણ સાધનના વપરાશની રીત એ બહુ ઝડપથી સમજી જાય.

કાને એમને ઓછું સંભળાતું હોવાથી શરૂમાં એમણે મોબાઈલ ફોન બાબતે બહુ ધ્યાન નહીં આપેલું. પણ એના વિશે જાણવાની જિજ્ઞાસા સંતોષી લીધેલી. એનાથી શું શું થઈ શકે એ બધું પૂછ્યુ. પછી એક વખત કહ્યું, મારે મોબાઈલ ખરીદવો છે. એ કહે એટલે અમારે કામ કરવાનું જ.
વાત કરવા કરતાં એસએમ એસ વધુ ફાવે 
 કેમ કે એમણે સમજીવિચારીને જ નિર્ણય લીધો હોય. નવ દાયકા વટાવેલી વ્યક્તિ કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે અને આપણો ઈરાદો એ પૂરી કરવાનો હોય તો વિના વિલંબે એનો અમલ કરવો. કોને ખબર આપણને કંઈ થઈ ગયું તો? એ ન્યાયે અમે મોબાઈલ ફોન ખરીદી લીધો અને એમને હાથોહાથ આપી દીધો. ઘણી મથામણ પછી, મેન્યુઅલમાં વાંચી વાંચીને, ક્યારેક  ભૂલથી ખોટેખોટા મિસ્ડ કૉલ લાગી જાય તો અમને ઉંચાનીચા કરીને પણ છેવટે એ મોબાઈલ વાપરતાં શીખી ગયાં. એના દ્વારા વાત તો ભાગ્યે જ થઈ શકે, પણ એસ.એમ.એસ.માં એમને એટલી ફાવટ આવી ગઈ છે કે છેક જમશેદપુર રહેતી પુત્રવધૂ ધનની સાથે પણ એમનો વ્યવહાર એસ.એમ.એસ. દ્વારા જ ચાલે. એકતા કપૂરની કોઈ સોપ ઓપેરામાંય આવી સિચ્યુએશન જોઈ કે સાસુ અને વહુ એસ.એમ.એસ.થી એકબીજાનાં ખબરઅંતર પૂછે?

હમણાં નવેમ્બરમાં જ જમશેદપુરથી શ્રીમતી ધન વ્યારાવાલા ત્રણ વરસના અંતરાલ પછી વડોદરા આવેલાં. તેમની પોતાની તબિયત પણ નાદુરસ્ત છે, છતાં વડોદરા અને અમદાવાદ પોતાનાં સ્નેહીઓ, મિત્રોને મળવા આવેલાં. વડોદરા હતાં એ દરમ્યાન રોજ સાંજે હોમાયબેનને મળવા આવવાનો એમણે ક્રમ જાળવેલો. આવી એક સાંજે એમના મિલનના સાક્ષી બનવાનો મોકો અમને પણ મળેલો.
સાસુ-વહુનું મિલન: (ડાબે) ધન વ્યારાવાલા  
એ જ રીતે એમના જીવન પર અદભૂત પુસ્તક લખનાર દિલ્હીની સબિના ગડીહોક/Sabeena Gadihoke સાથે પણ એમનો એસ.એમ.એસ. વ્યવહાર ચાલે. સબિનાને કંઈક પૂછાવવું હોય તો મને કે પરેશને ફોન યા ઈ-મેલ કરે, પણ હોમાયબેન સાથે તો એસ.એમ.એસ. જ. એ પણ એટલી સંભાળ રાખે કે મુંબઈ જતાં-આવતાં તો ખરી જ, પણ ક્યારેક તો ખાસ મળવા માટે જ અચાનક વડોદરા આવી ચડે.

ત્રણ-ચાર વરસથી મારો મિત્ર પરેશ પ્રજાપતિ/Paresh Prajapati એમના ઘરની નજીક રહેવા આવ્યો છે. પોતાની નિષ્ઠા અને નેકીથી એણે હોમાયબેનના દિલમાં બહુ ટૂંકા ગાળામાં એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે કે હોમાયબેન કહે છે, ખોદાયજીએ એવનને મારે વાસ્તે જ અહીં મારા ઘરથી નજીક મોકલ્યા છે. યોગાનુયોગ એવો છે કે પરેશની પત્ની પ્રતિક્ષાનો જન્મદિન પણ આ જ દિવસે છે, એટલે હોમાયબેનને ત્યાં જ કેક કાપવાનો તેમનો ક્રમ થઈ ગયો છે.

એમની બિમારી પછી ખાસ સાથે પડાવેલો ફોટો
(ઉભેલાં- ડાબેથી) સબિના, પરેશ, પ્રતિક્ષા, ઇશાન
(બેઠેલાં- ડાબેથી) : બીરેન (સાથે મલક પ્રજાપતિ) , હોમાયબેન, કામિની
છેલ્લા થોડા સમયથી એમના વિષે કંઈક ને કંઈક છપાતું રહેતું હોવાથી મિડીયાવાળાની અવરજવર વધી છે. પણ એમાં પોતાના ખપ પૂરતી સ્ટોરી મેળવી લેવાની લ્હાયમાં સામાન્ય વિવેક પણ જળવાતો નથી. આટલું ઓછું હોય એમ ઘણા પત્રકાર મિત્રો એમના ઉદ્ધારકની ભૂમિકામાં આવી જાય છે. મને ચહેરેથી ન ઓળખતા એક પત્રકાર મિત્રે હોમાયબેનને ઘેર જ પોતાનો પરિચય આપતાં જણાવેલું, પેલી નેનોવાળી સ્ટોરી આપણે કોઈન કરેલી. એમને કેટલી બધી પબ્લીસીટી અપાવી દીધી! આ તો સામાન્ય પત્રકાર હતો, પણ વડોદરાના એક અગ્રણી અખબારમાં મોટો હોદ્દો ધરાવનાર, ચિંતનની કોલમ લખનાર મહાશય પોતાની સ્ટોરી માટે આવ્યાં, સારી સારી લાગણીશીલ વાતો કરી, પોતાનું કાર્ડ આપીને કહેતા ગયા, ગમે ત્યારે મારી જરૂર પડે તો ફોન કરજો. એ કહેવાનું ભૂલી ગયા કે પણ હું ફોન ઉપાડું તો ને! આવા કિસ્સા અપવાદને બદલે સામાન્ય બનતા જાય છે, એટલે હોમાયબેનને દુ:ખ તો ઠીક, પણ ત્રાસ પહોંચે છે.

હવે ઉંમરને લઈને હલનચલન મર્યાદિત થયું છે, છતાં એમનો જીવનરસ એવો ને એવો જ જીવંત છે. એમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ મળવા ગયા ત્યારેય એ જ હસીમજાક. એમના મોબાઈલમાં કોઈનો નંબર નાંખતો હોઉં કે ડીલીટ કરતો હોઉં એ જોઈને હોમાયબેન મારી તરફ ઈશારો કરીને કામિનીને કહે, આંય મારા આસીસ્તન્ત છેય. બિચારા વગર પગારે કામ કરે છે. ચાલો, કંઈક સમજીને આપી દેવસ. કામ પતે એટલે હું ઈશારાથી કહું, મારી ફી?” પછી તરત ઉમેરું, ચાલો, આ વખતે જતી કરી, બસ?” એટલે એમના ખડખડાટ હસવાનો અવાજ સંભળાય.

તમારું જીવન કેવું ગયું?” એમ પૂછીએ એટલે હસતાં હસતાં જ  કહે, જિંદગી જેવી હતી એવી મેં સ્વીકારી. કદી કોઈ ફરિયાદ નથી. ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાલ લેવાની જવાબદારી પન એવનની જ છે. એમ હું માનું છું.

આટલું કહીને એ ઉમેરે છે. મને એક કવિતા બહુ ગમે છે. મને લાગે છે કે એ મારી જ વાત છે. પહેલાં તો એ મોઢે બોલ્યાં, પણ પછી કાગળમાં લખીને આપી. થોમસ મૂરની લખેલી આ કવિતા એમના હસ્તાક્ષરોમાં અહીં મૂકી છે. (કોઇ મિત્ર આનો ભાવાનુવાદ કરી આપશે તો આનંદ થશે. નેટ પર આ કવિતા મળે છે.) 

"આ કવિતામાં મારી જ વાત હોય એમ લાગે છે."  

એમના પ્રત્યેનો આદર હોવા છતાં એમની સમક્ષ માથું ઝૂકાવવાની ઈચ્છા જ ન થાય, બલ્કે છૂટા પડતી વખતે અમે અચૂક હાથ જ મિલાવીએ, ખરા મિત્રોની જેમ. એ અડધી મિનીટ એટલી લાગણીસભર હોય કે બન્ને પક્ષે ભારેખમ મૌન છવાઈ જાય. પણ પછી મૌન તોડતાં એ જ કહે, થેન્ક્સ ફોર કમિંગ. ગોડ બ્લેસ યુ. અમે ડોકું હલાવીને હાથથી બાય બાય કરતાં એક પણ શબ્દ બોલ્યા વિના વિદાય લઈએ, ફિર મિલેંગેની લાગણી સાથે.

આટલું લખ્યા છતાંય લાગે છે કે હજી તો ક્યાં કશું લખ્યું જ છે? હોમાયબેનની વાતો, કિસ્સા, અનુભવો વગેરે એટલાં બધાં છે કે સમયાંતરે બ્લોગ પર મૂકતા રહેવાની ઈચ્છા થયા વિના રહે નહીં. વખતોવખત એ અહીં વહેંચતા રહેવાની ઈચ્છા છે. આજે નવમી ડિસેમ્બરે અઠ્ઠાણું વરસ પૂરાં કરીને નવ્વાણુમા વર્ષમાં પ્રવેશનાર  હોમાય વ્યારાવાલાને (એમની ઈચ્છા મુજબ) સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ. 

15 comments:

 1. મજ્જા પડી... પારસીઓ મારા સૌથી ફેવરેટ લોકો રહ્યા છે.... કદાચ નવું નવું શીખતા રહેવું અને કોઈના પર નિર્ભર ના રહેવું એ એમની ગળથૂથીમાં જ છે...
  રેડીઓ મિર્ચી સાથે કામ કરતી વખતે એકવાર એમનો ઇન્ટરવ્યુ લેવા માટે વડોદરા કોન્ટેક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો...પણ હવે એવું લાગે છે કે સારું કર્યું એ માટે નંબર ન મળ્યો... જાણ્યે અજાણ્યે હું નહી તો બીજું કોઈ પણ એમની લાગણીઓનું માન ન જાળવત તો ખરાબ લાગત...
  જે થાય છે એ સારા માટે...
  Once again one gem of an article...
  મજ્જા પડી ! :)

  ReplyDelete
 2. હોમાયજીને મળવાનું નથી થયું..પણ તેમના વિષે વાંચ્યું ઘણું છે.....તેમના વિષે વધુ જાણીને આનંદ થયો...પ્રભુ તેમને સ્વસ્થ જીવન બક્ષે.....

  ReplyDelete
 3. True
  જિના ઈસી કા નામ હૈ

  હવે એમનો પરિચય બનાવી આપશો?
  ઈકેબાના ગમ્યું .કોપી કરી શકું ?

  ReplyDelete
 4. પત્રકારત્વમાં આવ્યા પછી કેટલાક પરિચય એવા થયા, જેના થકી આ ક્ષેત્રમાં આવવું સાર્થક જ નહીં, ધન્ય લાગે. હોમાયબહેન એમાંનાં એક.

  ReplyDelete
 5. ભરત કુમારDecember 9, 2011 at 10:14 PM

  હોમાયબહેનને સ્વસ્થ જીવનની અંત:કરણપુર્વકની શુભેચ્છા.ને બિરેનભાઇ,આ અદભુત પોસ્ટ માટે થેંક યુ.હોમાયબહેન સાથેના તમારા અંતરંગ પ્રસંગો વિશે વિગતે ફરી ક્યારેક સમય મળે લખજો.આજની વ્યસ્ત ને કામને લીધે જ કેળવાતા સંબંધોથી ભરી ભરી દુનિયામા આવું વાંચવા મળે છે,ત્યારે માણસાઇ પરનો ડગુમગુ થતો વિશ્વાસ વધુ મજબુત બને છે.

  ReplyDelete
 6. વાહ બિરેનભાઈ, અમને હોમાય વ્યારાવાલાના અનોખા વ્યક્તિત્વનો અંદાજ તો મળે જ છે, સાથે સાથે તમારી મિત્રતા અને (તમે જે વિષે કદાચ નમ્રતાથી નથી કહી રહ્યા તે) માણસાઈ કહો કે સંસ્કાર કહો - તેના દર્શન પણ થઇ રહ્યા છીએ. હોમાયબેનના જન્મદિન નિમિત્તે થોમસ મૂરની કવિતાનો ભાવાનુવાદ કરવાનું તો ગજું નથી, પણ ગૂગલ કરવાનું ગજું છે. તેથી 'દ લાસ્ટ રોઝ ઓફ સમર' ની વિવિધ આવૃત્તિઓના વિડીઓ શોધી કાઢ્યા છે, જે કદાચ તેમને સંભાળવા ગમશે. તે બધા નીચે આપેલા છે.

  By a musical group - 'Celtic Woman'
  http://www.youtube.com/watch?v=h-P15xujxoI

  Andre Rieu's orchestra
  http://www.youtube.com/watch?v=3nc55QYn970

  And this is my favourite, simple and touchy folk version:
  http://www.youtube.com/watch?v=uWmq7tE_7HU

  ReplyDelete
 7. રજનીકુમાર પંડ્યાDecember 10, 2011 at 12:01 AM

  ફરી એક વાર બીરેને સુરેખ શબ્દચિત્ર ( હકીકતે તો )ચરિત્રછબી આપી, બીરેનની ખૂબી એ છે કે વ્યકિત વાંચનારની સામે સળવળીને સજીવન થાય અને હરતી ફરતી દેખાય. વચ્ચે વચ્ચે ઝીણી ઝીણી વિગતોને પ્રાધાન્ય આપ્યા વગર , પણ સામેલ તો કરી જ છે, રસોડાનો સામાન બનાવવાની હોમાયબહેનની કરામતની વાત પત્રમાં આવી જાય છે એટલે તેને લેખમા આમેજ કરવાને બદલે પત્રનો હવાલો આપી દીધો. જેમાં રસોડાના સરંજામ સાથે તેમના આ ઘર સાથેના સ્નેહ સંબંધની વાતો પણ ઘોળાઇ આવી છે,
  અભિનંદનના દસ ટકા રિઝર્વ્ડ રાખું છું- આવા લખાણોનો સંગ્રહ પ્રગટ થાય ત્યારે હિસાબમાં વરતી લેજે.

  ReplyDelete
 8. તમે હોમાયબેનના બહુ જાણીતા પાસાને છોડીને સારૂં કર્યું છે. એને કારણે એમના વ્યક્તિત્વનું અંગત પાસું જાણવા મળ્યું.

  ReplyDelete
 9. I thoroughly enjoyed reading about this remarkable woman. What a beautiful poem to end the story! How true it is that birthday wishes should be for health and happiness during the last years instead of Tum Jiyo Hazaron Saal, Saal ke din ho pachas hazaar. Thanks!

  ReplyDelete
 10. Please convey my congratulations to Homay Vyarawala.She may complete 100 years in a state of reasonably good health.

  ReplyDelete
 11. એક સંસ્થામાં પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતા સજ્જન હોમાયબેનને દુરાગ્રહપૂર્વક પોતાની સંસ્થામાં લઇ ગયા, અને એમનું સન્માન કરીને પોતે કેવા વગદાર છે એમ દેખાડ્યું. 'કઈ કામ હોય તો કહેજો' એમ ભારપૂર્વક એ કહ્યા કરતા. છેવટે એક વાર એમના જોગું કામ આવ્યું અને ખચકાતા ખચકાતા એમનો સમ્પર્ક કર્યો. એ સજ્જન એટલા ભલા કે વાત તો સાંભળી. પણ પછી કહ્યું,"તમે સીધા જ એ એજન્સી પાસે પહોચી જાવ ને!મારી ક્યાં જરૂર છે! "
  એટલે એ જ કહેવું છે કે આવા કિસ્સા સામાન્ય છે.

  ReplyDelete
 12. Once I too met Mrs Vyarawala at her residence may be before 5-6 years back along with Biren & enjoyed her company & everything written in his blog comes in my mind...
  I didn't have any idea about the contribution made by Paresh Prajapati in madem's life,but when I came to know the same, I was very happy.

  Shashikant Thakkar
  Vadodara

  ReplyDelete
 13. I can't read Gujrati but I'm sure you've written wonderful things about this the grand old lady. Just wanted to say that I met Homai here in Evanston (near Chicago) with Sabeena G and quickly made use of the time to try and walk in her famous self-made sandals, and her walking stick which I loved! She lived a full life and may she rest in peace.

  ReplyDelete
 14. બિરેન ભાઈ....વાંચતા વાંચતાં એકથી વધું વાર આંખના ખૂણા ભીના થઇ ગયા. હોમાયબેનને મારા તરફથી એમની લાઈફ સ્ટાઈલ માટે અભિનંદન આપજો પ્લીઝ. અને તમે સહુ હોમાયબેન સાથે જે રીતે સંપર્ક રાખો છો -એ અનમોલ અને ઈર્શ્યાપ્રેરક છે.

  ReplyDelete
 15. આ વાક્ય બહુ ગમ્યું :
  “જન્મદિને તમને શી શુભેચ્છા આપીએ?”
  “તંદુરસ્ત જીવનની શુભેચ્છા આપો, લાંબા જીવનની નહીં.”

  આદરણીય વ્યક્તિત્વ....

  ReplyDelete